Monday, June 30, 2014

વોકિંગ ક્લબ : રસ્તાની વચ્ચે ટહેલવાની કળા

લાફિંગ ક્લબો ચાલુ થઇ ત્યારથી એક બાબતની શાંતિ થઇ ગઇ છે. હવે કોઇ પણ પ્રવૃત્તિની ક્લબ ચાલુ કરી શકાય છે. તે ‘લાફિંગ ક્લબ’થી વધુ હાસ્યાસ્પદ નહીં લાગે.

માનવસહજ અને માનવવિશેષ ક્રિયા ગણાતા હાસ્ય માટે લોકોએ ખાસ નક્કી કરીને ભેગા થવું પડે અને કસરતની જેમ હસવું પડે, એ વાત ‘સાયન્સ ફિક્શન’ જેવી અથવા ચાર્લી ચેપ્લિનની ટ્રેજિકોમેડી જેવી લાગે છે. પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો મુખ્ય તફાવત દર્શાવતાં અભ્યાસીઓ કહે છે કે ‘પ્રાણીઓ હસી શકતાં નથી.’ આ જૂની હકીકતને આઘુનિક સ્વરૂપે રજૂ કરતાં કહી શકાય કે ‘પ્રાણીઓ લાફિંગ ક્લબો ખોલી શકતાં નથી કે તેનાં સભ્યો પણ બની શકતાં નથી.’ (કોઇ ઉત્સાહી સવારના લાફિંગ ક્લબના કાર્યક્રમમાં પોતાના પાલતુ ટૉમી કે બુ્રનોને લઇને જાય એ જુદી વાત થઇ.)

આ થઇ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના તફાવતની વાત.  તેમની વચ્ચે સામ્ય પણ ઓછું નથી. ‘મનુષ્ય એક સામાજિક પ્રાણી છે’ એ વાક્યમાં ‘પ્રાણી’ શબ્દ કેટલો અગત્યનો છે, તે અમદાવાદ કે સમસ્ત ગુજરાતના વાહનચાલકો બરાબર સમજી શકે છે. ગામમાં  રસ્તે રખડતી ગાયો અને રસ્તે ચાલતા માણસોમાંથી કોણ વધારે નિરંકુશ હોય છે તે નક્કી કરવું અઘરું છે. રસ્તા પર ગાયોનો તોર હાઇ વે પર ચાલતી ટ્રકો જેવો હોય છે. રસ્તો તેમના પૂર્વજોએ બંધાવ્યો હોય અને તેના કોઇ પણ ભાગ પર મન પડે એ રીતે ચાલવું, વળવું અને ઊભા રહેવું એ તેમનો ખાનદાની હક હોય એવી રીતે એે વર્તે છે.

શહેરોમાં ભારે ટ્રાફિકને કારણે રાહદારીઓ આ બાબતમાં ગાયના મુકાબલે થોડા ઉણા ઉતરે છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરોના ગ્રામ્ય લાગતા વિસ્તારોમાં વાહનચાલકોને ન ગાંઠવાની બાબતમાં કોણ ચડે તે નક્કી કરવું અઘરું બને છે. વાહનચાલકોનું અસ્તિત્ત્વ લક્ષમાં ન લેતી અને વખત આવ્યે તેમને ઢીંકે ચઢાવતી ગાયને ત્યારે ‘ગરીબડી’ કોણ કહી શકે? ‘ગરીબ ગાય’ જેવી દશા તો વાહનચાલકોની થાય છે. વચ્ચોવચ્ચ બેઠેલી કે ચાલતાં ચાલતાં ધરાર સાઇડ ન આપતી કે આસપાસથી પસાર થતા વાહનચાલકને ચોંકાવવા શીંગડા ઉલાળતી ગાયો પર વાહનચાલકો ખીજાઇ શકતા નથી. કારણ કે મોટે ભાગે તેમના વાહન કરતાં ગાયની સાઇઝ અને તેની ટક્કર મારવાની ક્ષમતા વધારે હોય છે.

ગાયો અને ઘણાખરા રાહદારીઓ વાહનનાં હોર્ન પ્રત્યે એકસરખો ઉપેક્ષાભાવ સેવે છે. આ બન્ને વર્ગો એવું માનતા લાગે છે કે વાહનચાલકો તેમનાં રડતાં બાળકોને શાંત રાખવા, આજુબાજુથી પસાર થતા કોઇ વિજાતીય પાત્રનું ઘ્યાન દોરવા, પોતે નવું વાહન ખરીદ્યું છે તેની જાહેરજનતાને જાણ કરવા, આ રસ્તા પર પોતાને રોકી શકે એવું કોઇ નથી એવું જાહેર કરવા માટે કે પછી ‘બસ યું હી’ હોર્ન વગાડે છે. ટૂંકમાં, વાહનચાલકો તો હોર્ન વગાડે. એનાથી આપણે વિચલિત થવાનું ન હોય, એવું ગાયો અને ઘણા રાહદારીઓ માને છે.

ગાયો એવો દેખાવ કરે છે, જાણે તેમને હોર્ન સંભળાયું જ નહીં અને રાહદારીઓ માને છે કે ‘આવાં હોર્ન તો બીજાં વાહનોના લાભાર્થે જ હોય ને. આપણે તો શાંતિથી, આપણી મેળે રસ્તા પર ચાલીએ છીએ. માટે હોર્નરૂપી ચેતવણી આપણને લાગુ પડતી નથી.’ કોઇ વડીલ તોફાની છોકરાને ધમકાવતા હોય તેની અસરથી બાજુમાં ઊભેલું ડાહ્યું છોકરું ઢીલુંઢફ થઇ જાય, ત્યારે વડીલ એને બુચકારતાં કહે છે, ‘તને નહીં, હોં બકા’.  એવું જ વાહનનાં હોર્ન સાંભળીને ઘણા રાહદારીઓ પોતાનની જાતને કહે છે.

કેટલાક રાહદારીઓના સ્વમાનનો ખ્યાલ એટલો ઊંચો અને નાજુક હોય છે કે હોર્નના અવાજથી તે બટકી જાય. તેમને લાગે છે જાણે હોર્ન મારનારે ધમકી આપી. એટલે હોર્ન સાંભળીને તે બાજુ પર ખસવાને બદલે, ‘કોણ છે આ ગુસ્તાખ, જે અમને હોર્ન મારવાની જુર્રત કરે છે?’ એવા મુગલ-એ-આઝમ અંદાજમાં પાછળ જુએ છે. એ નજરમાં એવો ભાવ પણ સામેલ હોય છે કે ‘અમે આવાં પચાસ હોર્ન ઘોળીને પી જઇએ. ત્યાં તારા એક તતૂડાની શી વિસાત?’

વાહનચાલક નમૂના વળી અલગ લેખનો વિષય છે, પણ અહીં રાહદારીની વાત છે. તેમના તરફથી હોર્નનો ઠંડો અથવા ગરમ પ્રતિભાવ મળ્યા પછી પણ વાહનચાલકની મૂંઝવણ ચાલુ રહે છે. હોર્ન સાંભળીને  કતરાતી નજરે જોતા રાહદારીને જોઇને વાહનચાલક ‘ડાકા તો નહીં ડાલા, ચોરી તો નહીં કી હૈ’ જેવા મનોભાવ ધારણ કરે છે. પરંતુ જેની પર હોર્ન જેવી બોલકી વસ્તુની અસર ન થાય, તેની સમક્ષ આવા સૂક્ષ્મ મનોભાવની શી વિસાત?

કેટલાક જાગ્રત વાહનચાલકો હોર્નનો પ્રતિસાદ ન મળતાં રાહદારીઓ પર ચીડાય છે. પોતે ચીડાયા છે એવું દર્શાવવા તે એકથી વઘુ વાર હોર્ન મારીને ચાલુ વાહને, રાહદારી સામે ઠપકાની દરખાસ્ત પસાર કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પૈડાંને બદલે પોતાના પગનો ઉપયોગ કરનારા લોકોનો આત્મવિશ્વાસ હંમેશાં ઉંચો હોય છે. વાહનના હોર્નનો અવાજ ધીમો હોય તો એ ચાલકને ઠપકો આપતાં કહે છે, ‘ભલા માણસ, સાવ પીપુડી જેવું હોર્ન શું રાખ્યું છે? અવાજ તો થોડો મોટો રાખો. આ તો ઘરના ખૂણામાં બિલાડીનું બચ્ચું રડતું હોય એવું લાગે છે.’

અને  જો હોર્નનો અવાજ મોટો હોય તો? થઇ રહ્યું. રાહદારીઓ સભ્યતાનો અવતાર બનીને ઉગ્ર ભાષામાં વાહનચાલકને ઠપકો આપે છે, ‘આવાં જંગલી જેવાં હોર્ન શું જોઇને મુકાવતા હશે? કાચોપોચો તો હોર્ન સાંભળીને જ છળી મરે. તમારા મા-બાપે આવા સંસ્કાર આપ્યા છે? બહુ શોખ હોય તો તમારા ઘરની સામે ડીજે બોલાવીને, તેનાં સ્પીકરનું કનેક્શન વાહન સાથે જોડાવીને એની પર હોર્ન વગાડજો ને નાચજો. અમારી પર શા માટે ત્રાસ ગુજારો છો?’

વિકાસયુગમાં હવે રસ્તા પહોળા અને ચાલવાની જગ્યાઓ સાંકડી થવા લાગી છે. સીધી રીતે, દબાઇ-ચૂમાઇને એક ખૂણે ચાલવાનાં પણ ફાંફાં પડતાં હોય ત્યાં, હોર્નની ઉપેક્ષા કરીને રસ્તાની વચ્ચોવચ ચાલવા જેવી કળા માટે અસ્તિત્ત્તવ ટકાવી રાખવાનું અઘરું સાબીત થઇ રહ્યું છે. વિચારધારાની રીતે પણ મૂડીવાદની જીત અને સમાજવાદના ખાત્માની દિશામાં દુનિયા ઘણી આગળ વધી ગઇ છે. રસ્તાની વચ્ચોવચ્ચ ચાલતા રાહદારીઓ સમાજવાદના છેલ્લા ઘ્વજધારીઓ હતા. એ માનતા હતા કે ‘જ્યાં સુધી આપણે વાહનધારી મૂડીવાદીઓ જેવા ન થઇ શકીએ, ત્યાં સુધી વાંક ગમે તેનો હોય, પણ વાહનધારીઓને ધમકાવવા-ખખડાવવાનો અધિકાર આપણો જ છે. અને તેમણે આપણો ઠપકો સાંભળવો જ રહ્યો. વાહન લઇને શાના નીકળી પડે છે, બચ્ચુઓ?’

ગાંધીજીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડાંમાં વસે છે. એ ન્યાયે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો અને તેમનાં જાલીમ હોર્નની ઉપેક્ષા કરીને રસ્તાની વચ્ચોવચ ટહેલવાનો રિવાજ ચાલુ છે. પરંતુ વાહનોની વધતી સંખ્યા સાથે ગામડાં પણ શહેરીકરણના માર્ગે છે. ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે પણ કોઇ વાહનચાલક હોર્ન મારે અને રાહદારી પાછું જોયા કે કતરાયા વિના બાજુ પર ખસી જાય, ત્યારે સમજવું તેના શહેરીકરણની દુઃખદ પ્રક્રિયા પૂર્ણ થઇ. હવે તેના રાહદારીઓએ બાકીનું જીવન રસ્તા પર બિચારાપણામાં વ્યતીત કરવું પડશે. 

1 comment:

  1. ઉત્કંઠા2:27:00 PM

    પરંતુ જેની પર હોર્ન જેવી બોલકી વસ્તુની અસર ન થાય, તેની સમક્ષ આવા સૂક્ષ્મ મનોભાવની શી વિસાત?
    :) :)

    ReplyDelete