Friday, June 20, 2014

‘નર્મદાવતરણ’ : ઉજવણી અને સવાલો

રાજકારણમાં આજકાલ ભાવનાસભર વાતાવરણ ચાલે છે. પ્રચંડ જીત પછી વડાપ્રધાન મોદી, ‘શરતો લાગુ’ની ફુદડી સાથે, ઉચ્ચ આદર્શોની વાતો કરવાના મૂડમાં છે. (મુખ્ય શરત : દેખીતા વિરોધાભાસ પ્રત્યે ઉદારતા અને આશાવાદથી આંખ આડા કાન કરવા.)

એક નમૂનો : સંસદમાં તે નૈતિકતાના મેરૂ બનીને કહી શકે છે કે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવું જોઇએ. આવું સાંભળીને જે તેમની સિદ્ધાંતનિષ્ઠા પર ઓવારી જાય એ ખરા દેશપ્રેમી. પણ જે એવું પૂછે કે ‘એક બાજુ તમે મુઝફ્‌ફરનગર રમખાણોના આરોપી સંજયકુમાર બલયાનને કેન્દ્રિય મંત્રમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવો છો અને બીજી બાજુ રાજકારણને અપરાધીમુક્ત બનાવવાની વાત કરો છો. એમાં અમારે શું સમજવું?’ તો આવા લોકો મોદીવિરોધી, વિકાસવિરોધી અને ટીકાખોર.

ભાવનાનો આવો પ્રવાહ રાજ્યસ્તરે પણ છલકાતો રહે છે. નર્મદા બંધ પર દરવાજા મૂકવાની મંજુરી મળી ગયા પછી ગુજરાત સરકારની એક જાહેરાતમાં વડાપ્રધાન-મુખ્ય મંત્રીની મસમોટી તસવીરો સાથે મુકાયેલું એક લખાણ હતું : ‘ગંગાવતરણનું પર્વ- ગંગા દશહરા ઉજવાઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં નર્મદાવતરણનાં દ્વાર ઉઘડ્યાં છે...ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાબંધની ઊંચાઇ વધારવા માટે અભૂતપૂર્વ નિર્ણયશક્તિ દાખવી ગુજરાતના પ્રાણપ્રશ્નને ઉકેલી આપ્યો છે.’

આગળ જણાવ્યું તેમ, સરકારી જાહેરખબર લાગણીથી છલકાતી, પણ સચ્ચાઇની રીતે ઊણી છે. ગુજરાતમાં ‘નર્મદાવતરણ’ ક્યારનું થઇ શક્યું હોત, પરંતુ ગુજરાત સરકારની શિથિલતાને કારણે ‘નર્મદાવતરણ’માં વિલંબ થયો છે- અને અફસોસ, હજુ પણ મુખ્ય મંત્રીના હરખ પ્રમાણેનું ‘નર્મદાવતરણ’ થઇ ગયું નથી.

પ્રચાર અને હકીકત 

વર્ષ ૨૦૦૬માં નર્મદા બંધ ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇએ પહોંચ્યો. ત્યાર પછી બંધ પર દરવાજા મૂકીને તેને ૧૩૮.૬૮ મીટરની આખરી ઊંચાઇએ મૂકવાનો તબક્કો બાકી રહ્યો હતો. દરમિયાન, ૧૨૧.૯૮ મીટરની ઊંચાઇ ધરાવતા બંધમાં જમા થતો પાણીનો જથ્થો ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા સરકાર કરી શકી છે? જવાબ છે : ના.

‘કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય’ની બૂમો પાડવાનું ગુજરાતની મોદીસરકારને એવું ફાવી ગયું હતું કે યોજનાની સફળતા અનિવાર્ય એવું નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ ઢીલું રહ્યું. વર્ષ ૨૦૧૩માં વિધાનસભામાં એક સવાલના જવાબમાં ગુજરાત સરકારે કબૂલ્યું હતું કે નર્મદાની નહેરોના કુલ ૭૪,૬૨૬ કિલોમીટર લાંબા નેટવર્કમાંથી ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ફક્ત ૨૨,૨૮૪.૮૦ કિલોમીટર જેટલું જ નહેરોનું કામ પૂરું થયું છે. એટલે કે, ‘કેન્દ્ર દ્વારા અન્યાય’નું બૂમરાણ મચાવતી ગુજરાત સરકારોએ (એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં) પોતે પાર પાડવાનું એવું નહેરોનું કામ માંડ ૩૦ ટકા જેટલું જ પાર પાડ્યું છે. યાદ રહે, આ કામ ફક્ત મોદીસરકારના શાસન દરમિયાન નહીં, અત્યાર સુધી થયેલું કુલ કામ છે.

મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલનું મોટા ભાગનું કામ પૂરું થઇ ગયું છે. એટલે ગુજરાતમાં ફરતી વખતે કેટલીક જગ્યાએ કેનાલમાંથી વહેતું નર્મદાનું પાણી જોવા મળી શકે. પૂરી ખબર ન હોય તો એ પાણી જોઇને પ્રભાવિત પણ થઇ જવાય. પરંતુ હકીકત એ છે કે એ કેનાલ જયાંથી પસાર થતી હોય, તે જગ્યાના લોકોને પણ ફક્ત પાણી જોઇને જ રાજી થવાનું રહે છે. માઇનોર અને સબ-માઇનોર કેનાલોનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ‘લાસ્ટ માઇલ કનેક્ટિવિટી’ આવતી નથી- લોકો સુધી પાણી પહોંચતું નથી.

વિધાનસભામાં સરકારે પોતે આપેલા આંકડા પ્રમાણે, ૩૦ એપ્રિલ, ૨૦૧૩ સુધીમાં ૫,૧૧૨ કિમી લાંબી માઇનોર કેનાલમાંથી ૨,૪૬૯ કિ.મી. જેટલું (આશરે અડઘું) કામ થયું હતું, જ્યારે  ૧૦૨૧૬.૯૨ કિમીની લંબાઇ ધરાવતા સબ-માઇનોર કેનાલના નેટવર્કમાંથી ૪૮,૦૫૮ કિ.મી. જેટલું જ કામ પૂરું થયું છે. જોકે, નર્મદાનિગમની વેબસાઇટ પર ‘કરન્ટ સ્ટેટસ’માં કેનાલના અઘૂરા બાંધકામની લગતી વિગતો અડધીપડધી અને સરકારનું સારું દેખાય એવી રીતે જ મૂકવામાં આવી છે. કુલ કેટલું કામ નિર્ધારીત છે અને તેમાંથી હજુ સુધી કેટલું થઇ શક્યું છે, એવા સાદા અને સામાન્ય માણસને સમજ પડે એવી રીતના આંકડા આપવામાં આવ્યા નથી. (આ લખાય છે ત્યારે વેબસાઇટ છેલ્લે ૯ જૂન,૨૦૧૪ના રોજ અપડેટ થયેલી બતાવે છે. એટલે તેની પર ‘નર્મદાવતરણ’ના ખુશખબર પણ જોવા મળતા નથી.)

અન્યાય : કેન્દ્રનો અને ગુજરાતનો

કેન્દ્ર સરકારની ઇચ્છાશક્તિની જરૂર બંધની ઊંચાઇ વધારવા માટે હતી. ટેક્‌નિકલ રીતે એ જવાબદારી ‘નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી’ની ગણાય. જુદાં જુદાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતી આ સંસ્થાને સર્વોચ્ચ અદાલતે સત્તા આપી હતી કે તે સંબંધિત રાજ્યોમાં પર્યાવરણ અને પુનઃવસનની કામગીરીની વિગતો ઘ્યાનમાં રાખીને, બંધના છેલ્લા તબક્કાના બાંધકામ માટે મંજૂરી આપે. આ મંજૂરીમાં આઠ વર્ષ જેટલો લાંબો સમયગાળો નીકળી ગયો. યુપીએ સરકાર ચોક્કસપણે તેમાં ઉતાવળ કરાવી શકી હોત. કારણ કે આ પ્રકારનાં કામોમાં વિલંબની આકરી રોકડ કિંમત ચૂકવવી પડતી હોય છે. એ વખતે મુખ્ય મંત્રી તરીકે મોદીએ વડાપ્રધાન સમક્ષ કરેલી રજૂઆતો વાજબી હતી. પરંતુ પોતે જે કરવાનું છે તે સરખી રીતે કર્યા વિના, બીજા કશું નથી કરતા તેનો કકળાટ કરવો, એ કેવળ રાજકારણ હતું.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી નર્મદા બંધ પર છેલ્લા તબક્કાના બાંધકામને મંજૂરી મળી ગઇ- અને ગુજરાત સરકાર આ નિર્ણય માટે કેટલી ટાંપીને બેઠી હતી એવું દર્શાવવા માટે બંધ પરનું કામ તત્કાળ શરૂ કરી દેવામાં આવ્યું. દરવાજાને મંજૂરી આપવાના નિર્ણય બદલ ગુજરાત સરકાર પોતાના નાગરિકો વતી વડાપ્રધાન મોદીનો આભાર માને તે વાજબી છે. પરંતુ ગુજરાતના નાગરિકોએ તેર-તેર વર્ષ સુધી મુખ્ય મંત્રી રહેલા મોદી પાસેથી જવાબ લેવાનો રહે છે કે તેમના મહાવિકાસશીલ રાજમાં નર્મદાની નહેરોનું નેટવર્ક ઊભું કરવાનું કામ કેમ ગોકળગાય ગતિએ ચાલ્યું? અને આ ઢીલાશને (મુખ્ય મંત્રી મોદીની પરિભાષામાં) ‘ગુજરાત સરકારે ગુજરાતના નાગરિકોને કરેલો અન્યાય’ ગણી શકાય કે નહીં ?

વહેંચણી અને વિસ્થાપન

નર્મદા બંધ પર દરવાજા મૂકવાના નિર્ણય પાછળનો તર્ક સમજી શકાય એવો છે : દરવાજા મૂકવાથી બંધનું કામકાજ પૂરું થયું ગણાય, બંધની પાણી સંઘરવાની ક્ષમતામાં ઘણો વધારો થાય, તેના લીધે ગણતરી પ્રમાણેની વીજળી પેદા કરી શકાય, જેથી સરવાળે લોકોને ફાયદો થાય. સપરંતુ આ તો થઇ કાગળ પરના આદર્શની વાત. વ્યવહારમાં શું દરવાજા મૂકાવાથી અને ત્રણ વર્ષમાં એ કામ પૂરું થઇ જવાથી ‘નર્મદાવતરણ’ થઇ જશે? અને ગુજરાતનો પ્રાણપ્રશ્ન ઉકલી જશે? વર્તમાન ગુજરાત સરકારે ત્રણ વર્ષમાં દરવાજાનું કામ પૂરું થઇ જાય તેની સમાંતરે નેહરોનું નેટવર્ક બિછાવી દેવાની વાત પણ કરી છે. પરંતુ અત્યાર લગીનો ઇતિહાસ જોતાં સરકારના આ દાવા પર ભરોસો પડે એવું એક પણ કારણ નથી.

ઉપરાંત, અત્યારે આ દરવાજા ખુલ્લા જ રાખવાના છે. કેમ કે, બંધની ઊંચાઇ વધવાથી, ડૂબમાં જનારાં ગામની સંખ્યા વધી છે અને આશરે બે લાખથી વઘુ લોકો વિસ્થાપિત થશે એવો અંદાજ છે. તેમનું સંતોષકારક રીતે પુનઃવસન થાય નહીં, ત્યાં લગી બંધના નવા લગાડેલા દરવાજા બંધ કરવાની પરવાનગી મળવાની નથી. ત્યાં સુધી નર્મદાનું પાણી મોટી કેનાલો દ્વારા સાબરમતી નદીમાં કે હમીરસર તળાવમાં ઠાલવીને લોકોને ‘ફીલગુડ’ કરાવવાનો ખેલ પાડવાને બદલે સરકાર નહેરોની પેટાશાખાઓનું નેટવર્ક ઊભું કરવામાં ઘ્યાન આપે, તો ‘નર્મદાવતરણ’ માટે ઘણા લોકોને રાહ જોવાની જરૂર ન રહે.

ધારો કે ત્રણ વર્ષમાં બંધ પર દરવાજા બની જાય અને નહેરોનું ૭૪.૬૨૬ કિ.મી. લાંબું આખેઆખું નેટવર્ક તૈયાર થઇ જાય, તો પણ સાથી રાજ્યો (મઘ્ય પ્રદેશ-મહારાષ્ટ્ર-રાજસ્થાન) વચ્ચે પાણીની વહેંચણીના મુદ્દે મતભેદો થાય એવી સંભાવના અત્યારથી વ્યક્ત થઇ રહી છે. વરિષ્ઠ અંગ્રેજી પત્રકાર રાજીવ શાહે તેમના બ્લોગ http://www.counterview.net/માં સરકારી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ગુજરાતની પ્રાથમિકતા નહેરોમાં પાણી વહાવવાની રહેશે. એવું થાય તો જ અત્યાર લગી લટકાવેલા ગાજર પ્રમાણે, ગુજરાતના ઘણા અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી પહોંચી શકે. પરંતુ આ બંધ પર કેવળ ગુજરાતનો અધિકાર નથી. બલકે, સૌથી મોટો અધિકાર મઘ્ય પ્રદેશનો છે. અપેક્ષા પ્રમાણે ૧,૨૦૦ મેગાવોટ વીજળી પેદા કરવા માટે નર્મદાબંધ પૂરો ભરેલો હોય એ જરૂરી છે. એ વીજળીમાંથી ગુજરાતને ફક્ત ૧૬ ટકા અને મઘ્ય પ્રદેશના ભાગે ૫૭ ટકા વીજળી આવશે.

ઊંચાઇ વધવાને કારણે વઘુ લોકો વિસ્થાપિત થશે. તેમનું સંતોષકારક પુનઃવસન અને અગાઉના પુનઃવસનમાં ઉઠેલી ફરિયાદોનો યોગ્ય નિકાલ- એ પણ ગુજરાત સરકારની જવાબદારીનો હિસ્સો છે. તેમાંથી એ છટકે નહીં તે જોવાનું કામ પણ ગુજરાતના નાગરિકોનું છે. કારણ કે વિસ્થાપિત થયેલા લોકો આપણા ગુજરાતના- આપણા જ દેશના નાગરિક છે.

સરકાર ‘નર્મદાવતરણ’ના જયજયકારમાંથી પરવારે, ત્યાર પછી આ બધા સવાલોના ખુલાસાવાર અને સંતોષકારક જવાબ તેણે નાગરિકોને આપવા રહ્યા. 

2 comments: