Tuesday, July 22, 2014

ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન લડાઇ : અન્યાય - હિંસાનું વિષચક્ર

ઇઝરાઇલની ‘લડાયકતા’ સરેરાશ ભારતીયો માટે મહદ્‌ અંશે અહોભાવ અને આદરનો વિષય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ઇસ્લામના નામે ચાલતા ત્રાસવાદે દુનિયાના ઘણા દેશમાં ઉપાડો લીધો હોય અને ઇઝરાઇલ પણ પૅલેસ્ટાઇનની અંતિમવાદી સંસ્થા ‘હમાસ’ સામે લડી રહ્યું હોય, ત્યારે ઘણા લોકોને ઇઝરાઇલ પ્રત્યે સહાનુભૂતિ જાગે, એ પણ સમજાય એવું છે. એમાં જ્યારે એવું જાણવા મળે કે પૅલેસ્ટાઇનતરફી ‘હમાસ’ના અંતિમવાદીઓ ઇઝરાઇલનાં શહેરો પર છાશવારે રોકેટહુમલા કરે છે, ત્યારે તો ‘લોહી ઉકળી ઉઠે’. એવું જ થાય કે આ લોકોને (‘હમાસ’ના અંતિમવાદીઓને) બરાબર પાઠ ભણાવવો જોઇએ.

ભેળપુરી જેવી નવલકથાઓ દ્વારા મળેલી પ્રચંડ લોકપ્રિયતાને  ગમે તે વાતમાં અનધિકાર ચંચુપાત કરવાનું લાયસન્સ માની લેનાર ચેતન ભગતે ગયા સપ્તાહે ટ્‌વીટર પર લખ્યું, ‘ગાઝામાં જે થઇ રહ્યું છે તે અયોગ્ય છે, પણ કેટલીક વાર આ એક જ રીતે ત્રાસવાદી સંગઠનો અને તેમના ટેકેદારો સખણા રહેવાનું શીખે છે.’ આ વિધાનની આકરી ટીકા થઇ ત્યારે ઘણાને સમજાયું નહીં કે ચેતન ભગતે શું ખોટું કહ્યું? ઇઝરાઇલની પ્રિય દલીલ વાપરીને કહીએ તો, કોઇ સંગઠન રોજ ઉઠીને દિલ્હી-મુંબઇ પર ગમે તેવાં દેશી કે બિનઅસરકારક રોકેટ વરસાવતું હોય તો તમે શું કરશો? હાથ જોડીને બેસી રહેશો? કે રોકેટ છોડનારાને કચડી નાખશો?

સીધી વાત છે : આપણા દેશ સામે આંખ ઉઠાવીને જોનાર- તેના નાગરિકોની સલામતીને જોખમમાં મુકનારને ખતમ કરવા રહ્યા. સતો સવાલ એ થાય કે શું ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન વચ્ચેની લડાઇમાં, ગાઝા પર ઇઝરાઇલના હુમલાનો વિરોધ કરનારા બધા મુસ્લિમતરફી, સ્યુડો-સેક્યુલરિસ્ટ કે લડાઇમાં નબળાનો પક્ષ લેવાની વૃત્તિ ધરાવનારા લોકો છે? અને ઇઝરાઇલ-પૅલેસ્ટાઇનનો સંઘર્ષ સમજવા માટે ચેતન ભગતબ્રાન્ડ ઉપરછલ્લી ‘સમજણ’ પૂરતી છે?

ના. સહેજ ઊંડા ઉતરવાથી નજરે પડતું ચિત્ર ઘણું જુદું અને ઇઝરાઇલ-પ્રેમ સામે વાજબી પ્રશ્નો ઊભા કરનારું નીવડી શકે છે.

મનસ્વી હકદાવો

ગમે તેવાં રૂપકો ઇઝરાઇલ-પૅલેસ્ટાઇન પ્રકારના સંઘર્ષનું પેચીદાપણું અને આંટીધૂંટી સમજવા માટે અપૂરતાં નીવડે. છતાં, તેમની વચ્ચેની તકરારની પ્રાથમિક અને પાયાની સમજણ માટે, ધારો કે દસ માળનું એક મકાન છે. તેમાં સદીઓથી એક પરિવારના લોકો રહેતા હતા. એક વાર મોટું શસ્ત્રબળ અને ખોરી દાનત ધરાવતો પરદેશી પરિવાર એ મકાનમાં ધૂસી ગયો, એક રૂમમાં પોતાની ઓફિસ સ્થાપી અને લશ્કરી તાકાતના જોરે આખા મકાન પર પોતાનો કબજો જમાવી દીધો.  મકાનના અસલ માલિકો પરદેશીઓના શસ્ત્રબળ આગળ લાચાર હતા. તેમને ‘પ્રજા’ બની રહ્યા સિવાય છૂટકો ન હતો.

પરદેશી પરિવારને ફક્ત મકાન પર કબજાથી સંતોષ ન થયો. એ પોતાની પસંદગીના એક જૂથને પણ આ મકાનમાં વસાવવા માગતા હતા. એ જૂથની માન્યતા પ્રમાણે, અસલમાં, દોઢ-બે હજાર વર્ષ પહેલાં આ મકાન તેમના વડવાઓનું હતું. એ જૂથ, પરદેશી સત્તાની છત્રછાયા હેઠળ, કોઇ પણ રીતે- ભાડું આપીને કે કિંમત ચૂકવીને- મકાનના એક પછી એક ફ્‌લેટ હસ્તગત કરવા લાગ્યું. ત્યારથી જ તેમનું ઘ્યેય સ્પષ્ટ હતું : આ મકાનને કોઇ પણ રીતે આખેઆખું હાંસલ કરવું. એ સુવાંગ આપણી માલિકીનું હોવું જોઇએ અને એમાં બીજું કોઇ ન જોઇએ.

આ જૂથની દાનત વિશે શંકા જતાં મકાનના મૂળ માલિકો અને જૂથના સભ્યો વચ્ચે ખટરાગ શરૂ થયો. જૂથના સભ્યો હજુ તો મકાનનો સાવ થોડો હિસ્સો હસ્તગત કરી શક્યા હતા, પણ એક વખત એવો આવ્યો, જ્યારે બળીયા પરદેશી પરિવારને મકાનમાં રસ ન રહ્યો.  તેમણે મકાન છોડવાનું નક્કી કર્યું, ત્યારે મકાન જાણે તેમની બાપીકી જાગીર હોય એમ, અસલ માલિકો અને પોતાની  પસંદગીના જૂથ વચ્ચે મકાનના ભાગ પાડી આપ્યા. સવહેંચણીમાં મૂળ માલિકોને અન્યાય લાગ્યો. એટલે રોષે ભરાઇને તેમણે લડાઇ કરી. પરદેશીઓનો ટેકો ધરાવતું જૂથ સૈન્યબળ-શસ્ત્રબળમાં ચડિયાતું હતું. તેણે મૂળ માલિકોને લડાઇમાં હરાવી પાડ્યા અને આખા મકાન પર પોતાની માલિકી જાહેર કરી દીધી. ત્યારથી કાયમી તકરારનાં મૂળ નંખાયાં. અમેરિકા સહિતના દેશોએ જૂના માલિકોના હકની કે હવે તે ક્યાં રહેશે તેની ચિંતા કર્યા વિના, મકાનના નવા માલિકોને માન્યતા આપી દીધી અને તેમને અપનાવી લીધા. કારણ કે નવા માલિકો સાથે તેમનાં સ્થાપિત હિત સંકળાયેલાં હતાં.

આ કથામાં જૂનું મકાન એટલે પેલેસ્ટાઇન, તેના જૂના માલિકો એટલે આરબો, પરદેશી શાસકો એટલે અંગ્રેજો અને તેમની પસંદગીનું  જૂથ એટલે યહુદીઓ.

સંઘર્ષ વિશે ગાંધીજી

એક માન્યતા એવી પ્રવર્તે છે કે ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે કરાવેલા યહુદીઓના ભીષણ સંહાર પછી તેમને પોતાના માટે એક અલાયદા-સલામત દેશની જરૂર લાગી. એટલે ઇઝરાઇલ અસ્તિત્ત્વમાં આવ્યું.’ પરંતુ એ સાચું નથી. હકીકતમાં પહેલેથી પૅલેસ્ટાઇન કબજે કરવા ઇચ્છતા યહુદીઓએ અભૂતપૂર્વ યહુદીસંહારને કારણે ઊભી થયેલી સહાનુભૂતિનો ઉપયોગ, પૅલેસ્ટાઇન પરનો પોતાનો અન્યાયી દાવો વાજબી ઠરાવવામાં કર્યો. બીજા વિશ્વયુદ્ધથી પણ પહેલાં યહુદીઓએ પૅલેસ્ટાઇન પર કેવી ધોંસ જમાવવાનું શરૂ કર્યું હતું, તેનો આબાદ ચિતાર ગાંધીજીના ૧૯૩૮ના એક લેખમાંથી મળે છે.  

કેટલાક પત્રલેખકો અને યહૂદી મિત્રોના આગ્રહથી નવેમ્બર ૨૦, ૧૯૩૮ના ‘હરિજન’ના અંકમાં ગાંધીજીએ પૅલેસ્ટાઇન અને યહુદીઓના પ્રશ્ન વિશે (અંગ્રેજીમાં) એક લાંબો લેખ લખ્યો. આરંભે જ તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘  
...આ ઘણા મુશ્કેલ પ્રશ્ન વિશે મારા વિચારો જાહેર કરતાં હું સહેજે જ અચકાઉં છું. છતાં તે પ્રગટ કરવાનું સાહસ કરું છું.’સ સૌ પ્રથમ તેમણે યહુદીઓ સાથે ખ્રિસ્તીઓએ કરેલા અસ્પૃશ્ય જેવા વ્યવહારની વાત કરી અને તેને હિંદુઓ દ્વારા અસ્પૃશ્યો સાથે થતા વ્યવહાર સાથે સરખાવીને લખ્યું, ‘બેઉના ઉપર ગુજારવામાં આવતા અમાનુષપણાના ટેકામાં ખ્રિસ્તી હિંદુ બેઉ સમાજે ધર્મનો ટેકો લીધો છે. તેથી યહૂદીઓ પ્રત્યે મારી સહાનુભૂતિને સારુ યહૂદી મિત્રો જોડેની મૈત્રી ઉપરાંત વઘુ સામાન્ય તેમ જ વ્યાપક કારણ મારી પાસે મોજૂદ છે.’

ગાંધીજીના પરમ મિત્ર કેલનબેક યહુદી હોવા છતાં અને યહુદીઓ પ્રત્યે પૂરી સહાનુભૂતિ રાખવા છતાં, પૅલેસ્ટાઇનના મુદ્દે ગાંધીજીએ લખ્યું,

‘પણ મારી સહાનુભૂતિ મારી ન્યાયદૃષ્ટિને આંધળી કરે એમ નથી. યહૂદીઓને સારુ રાષ્ટ્રીય વતનની માગણી મારા અંતરને વિશેષ હલાવી નથી શકતી. આ માગણીના ટેકામાં બાઇબલનો આધાર ટાંકવામાં આવે છે અને યહૂદીઓ જે ચીવટથી પેલેસ્ટાઇનમાં આવીને વસવાટ કરવાના અભળખા સેવી રહ્યા છે તેનો ઉપયોગ તેનું વાજબીપણું પુરવાર કરવા તરફ કરવામાં આવે છે. પણ દુનિયાની બીજી કોમોની પેઠે યહૂદીઓ પણ તેઓ જ્યાં જન્મ્યા હોય અને રળી ખાતા હોય તે તે દેશને પોતાનું વતન કાં ન માને?..
જે અર્થમાં ઇંગ્લેન્ડ અંગ્રેજોનું અને ફ્રાન્સ ફ્રેન્ચોનું છે તે જ અર્થમાં પેલેસ્ટાઇન આજે આરબોનું છે. એ આરબોના માથા ઉપર આજે યહૂદીઓને નાંખવા એ ગેરવાજબી છે. અત્યારે પેલેસ્ટાઇનમાં જે ચાલી રહ્યું છે તેનું કોઇ પણ નીતિને ધોરણે સમર્થન થઇ શકે તેમ નથી... યહૂદીઓને તેમના રાષ્ટ્રીય વતનમાં પાછા આવીને ઓછેવત્તે અંશે વસવા મળે એટલા સારુ સ્વાભિમાની આરબોને રંજાડવા એ માનવજાતિ સામે ગુનો કર્યા બરાબર છે.’

‘માનવ અધિકાર’ જેવો શબ્દ એ વખતે પ્રયોગમાં ન હતો, એટલે ગાંધીજીએ ‘માનવજાતિ સામે ગુનો’ જેવા શબ્દો વાપર્યા. પૅલેસ્ટાઇન પર હકદાવો કરતા યહુદીઓની દલીલનો વકીલશાઇ જવાબ આપતાં ગાંધીજીએ લખ્યું, ‘જો યહૂદીને પેલેસ્ટાઇ સિવાય બીજું વતન નથી, તો પછી તેઓ દુનિયા આખીમાં જ્યાં જ્યાં બધે વસ્યા છે તે તે દેશોમાંથી તેમને ત્યાંવાળા કાઢે તો તે તેમને રુચશે? કે તેમને બેવડા વતનના હકો જોઇએ છે કે જેથી જ્યારે મરજીમાં આવે ત્યારે બેમાંથી ગમે ત્યાં જઇને વસી શકાય? રાષ્ટ્રીય વતનને સારુ ઉઠાવવામાં આવતો આ પોકાર ઉલટું જર્મનીના હાથમાં યહૂદીઓને પોતાને ત્યાંથી હાંકી મૂકવાને સારુ દેખીતું બહાનું પૂરું પાડે છે.’

જર્મનીમાં ભયંકર યાતનાઓ વેઠી રહેલા યહુદીઓ પ્રત્યે ગાંધીજીને એટલી લાગણી હતી કે પોતે યુદ્ધના વિરોધી હોવા - અને એવી સ્પષ્ટતા કરીને તેમણે લખ્યું હતું, ‘માનવજાતિને નામે અને તેના હિતમાં જો કદી ક્યાંય ધર્મયુદ્ધ જેવી વસ્તુ વાજબી ઠરતી હોય, તો એક આખી કોમ પર હાલ ગુજરી રહેલા આ કારમા સિતમોને અટકાવવાને સારુ તે પૂર્ણવાજબી લેખાય એમ મને લાગે છે.’

પરંતુ પેલેસ્ટાઇનના યહૂદીઓ વિશે‘એમણે ઊંધો રસ્તો પકડ્યો છે એ વિશે મને સંદેહ નથી’ એમ કહીને ગાંધીજીએ લખ્યું,‘બાઇબલમાં વર્ણવેલું પેલેસ્ટાઇન ભૌગોલિક નથી, અંતરસૃષ્ટિનું છે. પણ જો તેમને ભૌગોલિક પેલેસ્ટાઇમમાં પોતાનું રાષ્ટ્રીય વતન જોઇતું હોય તો પણ અંગ્રેજી તોપોના રક્ષણ હેઠળ તેની સરહદમાં પેસવું એ અનુચિત છે. સંગીન અને બોમ્બની મદદથી કશુંયે ધર્માચરણ કરી શકાય નહીં. આરબોની જોેડે ભાઇચારો સ્થાપીને જ તેઓ પેલેસ્ટાઇનમાં વસી શકશે.. હું આરબોના જુલમાટનો બચાવ નથી કરી રહ્યો. હું તો ઇચ્છું છું કે જેને તેમણે પોતાના દેશ ઉપર નાહકનું આક્રમણ માન્યું છે તેનો સામનો તેઓ પણ અહિંસક માર્ગે કરે. પણ ન્યાય અન્યાયનાં સામાન્ય ધોરણોએ તો આરબોને જો અતિ વિકટ સ્થિતિનો સામનો ફાવે તેમ કર્યો હોય તો તેને સારુ તેમનો બહુ વાંક કાઢી શકાય નહીં.’

(આવતા સપ્તાહે : પૅલેસ્ટાઇનમાં ૧૯૪૮ પછીનો ઘટનાક્રમ)

2 comments:

 1. પૅલેસ્ટાઇનનો પ્રદેશ છેક ૧૯૨૨થી બ્રિટનના મૅન્ડેટ હેઠળ હતો. લીગ ઑફ નૅશન્સે બ્રિટનને મૅન્ડેટરી (મૅન્ડેટધારક) તરીકે સત્તા સોંપી હતી અને એમાં યહૂદીઓને પૅલેસ્ટાઇનમાં વસાવવાની વ્યવસ્થા હતી. આમ હૉલોકૉસ્ટથી બહુ પહેલાં પશ્ચિમી સત્તાઓ પૅલેસ્ટાઇનમાં યહૂદીઓને લાવવા કટિબદ્ધ હતી. બીજા વિશ્વયુદ્ધ પછી નાઝીઓએ યહૂદીઓનો જે રીતે સામુદાયિક સંહાર કર્યો તેનાથી દુનિયા ખળભળી ઊઠે હતી. તેમાં પાછો જર્મનીનો પરાજય થયો એટલે મિત્ર રાષ્ટ્રોને એમના હસ્તકના પૅલેસ્ટાઇન પ્રદેશમાં યહૂદીઓને લાવવાને તક મળી ગઈ.
  જાતિગત દ્વેષમાં યુરોપીય દેશો જર્મનીથી પાછળ નહોતા અને યહૂદીઓને આખા યુરોપમાં - પોતાને સામ્યવાદે કહેવડાવતા સોવિયેત સંઘમાં પણ - સામાન્યપણે અવિશ્વાસનો સામનો કરવો પડતો હતો. બીજી બાજુ,યહૂદીઓ સારા કુશળ વેપારી હતા અને એમની બધાં ક્ષેત્રોમાં જમાવટ સારી હતી, વિજ્ઞાનમાં પણ આધુનિક ભૌતિકવિજ્ઞાનને યહૂદીઓની બુદ્ધિપ્રતિભાનો બહુ લાભ મળ્યો છે. એમની ઈર્ષ્યા તો આખા યુરોપમાં થતી.
  આમ યહૂદીઓનો વિરોધ આખા યુરોપની સમસ્યા હતી. ઇઝરાએલ બનાવીને પશ્ચિમી દેશોએ યુરોપના ઝઘડાની એશિયામાં નિકાસ કરી છે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં લડાઈ નથી થઈ પણ એશિયામાં ઠેર ઠેર લડાઇઓ થઈ છે, તેમાં આરબ-ઇઝરાએલ યુદ્ધ, કોરિયન યુદ્ધ, ભારત-પાકિસ્તાન યુદ્ધ મુખ્ય છે.

  બ્રિટનને મળેલા મેન્ડેટ એટલે કે પેલેસ્ટાઇન પર શાસન કરવાના અધિકારનો આ સમજૂતીપત્ર વાંચવા જેવો છે.

  https://www.jewishvirtuallibrary.org/jsource/History/Palestine_Mandate.html

  એમાં બીજી કોમો (આરબો)ના ધાર્મિક અધિકારો સિવાય બીજા કોઈ અધિકારને માન્ય રાખવાનો ઉલ્લેખ જ નથી. તે ઉપરાંત મિત્ર રાષ્ટ્રોની કંપનીઓને પણ પેલેસ્ટાઇનમાં વેપાર કરવાના બ્રિટન જેવા જ અધિકારો આપવામાં આવ્યા છે.

  ReplyDelete
 2. Anonymous6:14:00 AM

  Besides, above link referred by resp. Dipak Dholakia, to understand the subject of conflict, international politics, middle east crisis, political economy and interest oriented economy, following books might help reader(s) and lay men the subject in better way to understand past, presence and future of world:

  1. Jewish Conspiracy by elders of Zions (Minutes of Meetings held in old-Russia).

  2. They Dare to Speak Out - Congressman Paul Findlay from Chicago - documentary evidence book

  3. By way of Deception - written by ex-Mossad Agent

  4. Islamic Economics & Final Jihad - by Prof. David Johnson

  ReplyDelete