Saturday, January 19, 2019

આવજો, જાડીકાકી

ઇન્દુ-તારક મહેતા (ફોટોઃ બિનીત મોદી)
'ઇન્દુ તારક મહેતા'નું સત્તાવાર નામ ધરાવતાં, અમારા મિત્રોનાં 'જાડીકાકી'એ આજે વિદાય લીધી. તારકભાઈ સાથે સંપર્કમાં આવનાર દરેકેદરેક જણને તેમનો પરિચય થાય. જે એકનિષ્ઠાથી તેમણે પોતાનું જીવન ઉત્તરાવસ્થાના તારકભાઈની જરૂરિયાતો-મુશ્કેલીઓ-આનંદોની આસપાસ ગોઠવ્યું, તે જોવાલાયક હતું. છેલ્લા બે-એક દાયકામાં તારકભાઈની વિશેષ નજીક આવવાનું થયું, ખાસ કરીને મિત્ર બિનીત મોદીને કારણે વધારે સહજતાથી, તેમાં જાડીકાકીની ઉષ્માનો પણ ફાળો નોંધપાત્ર હતો. (તારકભાઈ તેમને પ્રેમથી જાડી કહીને બોલાવતા, એટલે અમે મિત્રોએ તેમને 'જાડીકાકી' કહેતા.)

તારકભાઈ એકદમ ઓલિયા જીવ. ખટપટોથી પર. તેમની દુનિયાદારીનો મોરચો કાકીએ પૂરી ચોંપચીવટથી અને જરૂર પડ્યે કડકાઈથી સાચવી જાણ્યો. નાટ્યક્ષેત્રે તારકભાઈના સિનિયર જયંતિ પટેલ 'રંગલો'એ કાકીનું નામ 'ચીનની દીવાલ' પાડ્યું હતું. (આ માહિતી કાકીએ જ આપી હતી.) પટેલના કહેવાનો અર્થ એ હતો કે તારકભાઈ સુધી પહોંચવું હોય, તો 'ચીનની દીવાલ' ઓળંગવી પડે. પરંતુ આટલાં વર્ષોના તેમની સાથેના સંપર્કમાં અમને તેમના દીવાલપણાનો અનુભવ કદી ન થયો. અમને તો એ હંમેશાં ખુલ્લા દરવાજાસ્વરૂપ જ મળ્યાં. તેમણે અમને છોકરાઓને-બિનીતને, મને, પ્રણવને--હંમેશાં પ્રેમથી આવકાર્યા અને ઇચ્છ્યો એવો સહકાર આપ્યો. પ્રેમ આપ્યો.
તારકભાઈની એંસીમી વર્ષગાંઠની પાર્ટીમાં ઇન્દુ તારક મહેતા
મહેમાનગતિ તો જાડીકાકીની જ. પોતે ખાણીપીણીનાં જબરાં શોખીન. શરીર સાથ આપતું ન હતું ત્યારે પણ અમુક વાનગી અમુક પ્રકારની જ જોઈએ, અમુક નાસ્તો અમુક ઠેકાણાનો જ જોઈએ, એવા આગ્રહો રાખતાં અને પાળતાં. અવાજના મોડ્યુલેશન (આરોહઅવરોહ) પર તેમનો જબરો કાબુ હતો. આપણા નામ સાથે ચા-નાસ્તાની સૂચના આપતી વખતે, નામવાળો ભાગ નરમાશથી ને સૂચનાવાળો ભાગ હળવા સત્તાવાહી અવાજે એ સહેલાઈથી બોલી શકતાં. તેમને ત્યાં અજબગજબનો નાસ્તો મળે. થોડા વખત પહેલાં તેમને અતુલભાઈની હોસ્પિટલમાં રાખેલાં ત્યારે તેમને મળવા ગયો. એમ સ્વસ્થ હતાં. થોડી વાર બેઠો એટલે તેમણે ડબ્બા ખોલાવવાની તૈયારી કરી. સ્વાભાવિક રીતે જ મેં આનાકાની કરી અને હસતાં હસતાં કહ્યું, 'દવાખાનામાં પણ?' દવાખાનું ઘરનું હતું, એટલે નાસ્તાનો સરંજામ પણ ઘર જેવો જ હતો. બીજો નાસ્તો ન કર્યો, તો શક્કરટેટી પરાણે આપી જ આપી.

થોડા વખત પહેલાં જ્યોતીન્દ્ર દવેના એંસી વટાવી ચૂકેલા પુત્ર પ્રદીપભાઈ અને તેમનાં પત્ની રાગિણીબહેન અમદાવાદ આવ્યાં હતાં. જ્યોતીન્દ્ર દવેના મારા કામ નિમિત્તે તેમની સાથે ગાઢ પરિચય. તેમને મળ્યો ને પૂછ્યું, ત્યારે તેમણે ઇન્દુબહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. કારણ કે જ્યોતીન્દ્ર દવેને તારકભાઈ ગુરુ ગણે અને મુંબઈમાં નવયુગનગર- ફૉર્જેટ હિલના ફ્લેટમાં એ લોકો ઉપર-નીચે રહે. એટલે એ બંનેને લઈને ઇન્દુકાકીને ત્યાં પહોંચ્યા. શાંતિથી એકાદ કલાક બેઠાં. ગપ્પાંગોષ્ઠિ કરી.
પ્રદીપ જ્યોતીન્દ્ર દવે, ઇન્દુ તારક મહેતા, રાગિણી પ્રદીપ દવે, ઑક્ટોબર ૨૦૧૮
તારકભાઈ હતા ત્યારે અને ત્યાર પછી પણ કાકીને મળીએ ત્યારે વાતચીતના ઘણા વિષયોમાં એક રજનીભાઈ (રજનીકુમાર પંડ્યા) વિશેની તેમની લાગણી અને બીજો પ્રદીપભાઈ-રાગિણીબહેનના કંઈ સમાચાર હોય-હું મળ્યો હોઉં તો એ વિશે વાત થાય. બીરેન પરિવારના, મારા પરિવારના અને બીજા મિત્રોના પણ ખબરઅંતર પૂછે.

તબિયત તો તેમની ઘણા વખતથી ગયેલી હતી. પણ તારકભાઈ હતા ત્યાં સુધી તેમની સારસંભાળમાં એવાં પરોવાયેલાં કે ટકી ગયાં. પ્રશ્નો તો વધતા હતા. પણ એ ટકેલાં. તારકભાઈના ગયા પછી મળીએ ત્યારે થતી ઘણી વાતોમાં તેમની ધાર્મિક શ્રદ્ધાની અને ધાર્મિક યાત્રાઓની વાતો પણ હોય. હું પરંપરાગત ધર્મ કે મંદિર ઇત્યાદિમાં રસ ધરાવતો નથી,  તેની એમને ખબર. એવો ઇશારો પણ એ એકાદ લીટીમાં આપે. (ત'મે તો જો કે આમાં નહીં માનતા હો') છતાં, મને તેમને સમજવા માટે થઈને પણ એ વાતો સાંભળવામાં રસ પડે. શીલા ભટ્ટ આવ્યાં હોય ને બંને જણ ક્યાંક સાથે ફરવા નીકળી ગયાં હોય, તો એની વાત કરે. તારકભાઈએ તેમની હયાતિમાં ઘણાં પુસ્તક આપ્યાં, તેમ તારકભાઈના ગયા પછી પણ કાકીએ બે-ત્રણ વાર ખાસ પુસ્તકો માટે બોલાવીને, જે જોઈએ તે લઈ જવા કહ્યું. બીજા વાચનપ્રેમી મિત્રો, ખાસ કરીને ઇશાન ભાવસાર-વિશાલ પટેલને પણ તે કહેતાં. અને બિનીત તો ખરો જ. અમારું ત્યાં જોઈન્ટ અકાઉન્ટ જેવું હતું. પણ બિનીત-શિલ્પાએ અમદાવાદમાં અને પ્રમાણમાં ઘરની નજીક હોવાને કારણે તેમની ઘણી સેવા કરી. ઘણી વાર વેળાકવેળા જોયા વિના.
(ઇન્દુબહેન, બિનીત મોદી, તારક મહેતા, વિનોદ ભટ્ટ, નલિની ભટ્ટ, ૨૦૦૯)
છેલ્લે તારકભાઈનાં પુત્રી ઇશાનીબહેને અને તેમનાં મિત્ર ગિની માલવીયાએ તારકભાઈ વિશેના લેખોનું સંપાદન કર્યું, તેના આમંત્રણ માટે જાડીકાકી સાથે વાત થઈ હતી. હું એ દિવસોમાં બહારગામ હતો. એટલે મળાયું નહીં. અને પછી મળાય તે પહેલાં કાકી ઉપડી ગયાં. પ્રિય વ્યક્તિઓ-વડીલો જાય એનું દુઃખ તો હોય જ, અમદાવાદમાં એક ઘર બંધ થયું તેનો પણ રંજ હોય. પણ તેમને પીડાવું ન પડે અને મુક્તિ મળે તેનો આનંદ પેલા દુઃખ કરતાં વધારે હોય.

7 comments:

  1. Very nice eulogy, almost in Tarak Mehta style. We readers of Mehta Saheb's books know her as our dear Chikuben, and as Chikuben also she takes care of his house hold and social and family relations. She will always be in our memory through this character of "Undha Chashma"s Tarak Mehta"s wife, and guide to Dayabhabhi.

    ReplyDelete
  2. સરસ અંજલિ

    ReplyDelete
  3. Binit Modi2:50:00 PM

    આ બ્લોગ સહિત મેં અને બીરેને બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે એ માધ્યમ તારકભાઈ - ઇન્દુબહેન બન્ને માટે અજાણ્યું હતું. ઘરમાં કમ્પ્યૂટર કે લેપટોપ નથી એટલે તમે મિત્રો જે કંઈ લખો એ અમને તો વાંચવા નહીં જ મળવાનું એવો ધોખો પણ ઇન્દુમાસીએ એકવાર કરી લીધો.

    તેમની આ મુશ્કેલીના ઉપાય રૂપે પ્રારંભે એક-બે બ્લોગ પોસ્ટની પ્રિન્ટ કાઢીને તેમને વાંચવા આપી. સાથે સાથે એમ પણ કહ્યું કે બ્લોગ વાંચવા માટે આ કાયમી ઉપાય નથી. એટલે ઇન્દુમાસીએ સ્માર્ટફોન વાપરવો શરૂ કર્યો અને એમ ઇતર વાંચનનો શોખ પૂર્ણ કક્ષાએ પૂરો કર્યો.

    એ યાદ કરવું ગમશે કે વાંચવા માટેની તેમની છેલ્લી ફરમાઇશ હતી પ્રવાસન વિષયના આગવા માસિક 'જિપ્સી'ના અંક. હરવા-ફરવાના શોખીન ઇન્દુમાસી એ વાંચવા ઇચ્છે એ સાહજિક લાગે. તેમણે ઑક્ટોબરથી જાન્યુઆરીના એમ ચાર અંક વાંચ્યા.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete