Friday, December 09, 2011

ડો.આંબેડકરઃ ચોકઠાની બહારનું ચિત્ર

ભારતવર્ષમાં ભૂલાઇ જવા માટે પંચાવન વર્ષનો સમયગાળો ઘણો કહેવાય- અને ગેરસમજણો ફેલાવા માટે તો મૃત્યુ પામવાની પણ જરૂર નહીં. ગાંધીજી કે ડો.આંબેડકર જેવા મહાનુભાવોના જીવતેજીવ તેમના વિશે ‘મોઢાં એટલી વાતો’ હોય. તેમાંથી અહોભાવ કે દ્વેષભાવ વગરની સચ્ચાઇ તારવવાનું, તેમના કોઇ મનગમતા કે અળખામણા ટુકડાને બદલે તેમનું સમગ્ર ચિત્ર જોવાનું અઘરૂં પડે. સમગ્ર ચિત્ર તો ઠીક, ચીલાચાલુ સિદ્ધિઓ કે મર્યાદાઓની બીજી બાજુ સુધી પહોંચવાની પણ ભાગ્યે જ જરૂર જોવામાં આવે છે.

પંચાવન વર્ષ પહેલાં મૃત્યુ પામેલા ડો.આંબેડકરનું નામ પડતાં અત્યારે ઘણા લોકોને માયાવતી અને તેમણે કરોડોના ખર્ચે ઊભાં કરેલાં ડો.આંબેડકરનાં- અને તેમની સાથે પોતાનાં પણ- સ્મારકો યાદ આવે તો નવાઇ નહીં. એ સિવાય ‘બંધારણના ઘડવૈયા’ તરીકેની તેમની અઘૂરી-અધકચરી ઓળખ તો ખરી જ.‘અઘૂરી-અધકચરી’ એટલા માટે કે બંધારણના ઘડતરમાં ડ્રાફિ્‌ટંગ કમિટીના ચેરમેન તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન હોવા છતાં, બંધારણના આખરી સ્વરૂપથી ડો.આંબેડકરને સંતોષ ન હતો. તેમની પ્રકૃતિસહજ રોષ-ઉશ્કેરાટની ક્ષણોમાં તેમ શાંત ચિત્તે પણ તેમણે બંધારણ વિશેનો અસંતોષ વ્યક્ત કર્યો અને ક્યારેક તો પોતાની કામગીરીને કેવળ ‘લહીયા જેવી’ ગણાવી.

અસ્પૃશ્યોના હિતનું એકકેન્દ્રી લક્ષ્ય ધરાવતા ડો.આંબેડકર બંધારણની તેમની કામગીરીને કારણે ‘આઘુનિક મનુ’ જેવું બિરુદ પામ્યા, તેને શું કહેવું? આ જ ડો.આંબેડકરે ૧૯૨૭માં ‘મનુસ્મૃતિ’નું જાહેરમાં દહન કર્યું હતું એ બહુ જાણીતી વાત છે. એ સમયે તે દૃઢપણે માનતા હતા કે અસ્પૃશ્યતાને માન્યતા આપવામાં ને તેનો સકંજો જડબેસલાક કરવામાં ‘મનુસ્મૃતિ’નો મોટો હિસ્સો છે. પરંતુ તેમણે પાછલાં વર્ષોમાં આ માન્યતા બદલી હતી, તે બહુ જાણીતું નથી. પ્રો.ભીખુ પારેખે ‘ડો.આંબેડકર સ્મૃતિવ્યાખ્યાન’ (૨૦૦૯)માં નોંઘ્યું છે તેમ, અસ્પૃશ્યતાના ઉદ્‌ભવનો ઊંડો અભ્યાસ કરતી વખતે તેમનો મત બદલાયો. ‘ધ અનટચેબલ્સઃ હુ વેર ધે એન્ડ વ્હાય ધે બીકેમ અનટચેબલ્સ’ એ પુસ્તકમાં તેમણે લખ્યું કે ‘મનુસ્મૃતિ’ ઇસવી સન પૂર્વે બીજી સદીમાં લખાઇ હતી, જ્યારે અસ્પૃશ્યતાનો આરંભ તેનાથી પણ આશરે બસો વર્ષ પહેલાં થઇ ચૂક્યો હતો. પાકા અભ્યાસી ડો.આંબેડકરે અસ્પૃશ્યતાની શરૂઆતને ગૌવધ તથા ગૌમાંસ પરના પ્રતિબંધ સાથે સાંકળી હતી અને તેમણે જણાવ્યું કે આ બન્ને બાબતોને ‘મનુસ્મૃતિ’માં પ્રતિબંિધિત ગણાવાઇ નથી.

આત્યંતિકતાથી આગળ
ડો.આંબેડકરના ગાંધીજી સાથેના આજીવન વૈચારિક સંઘર્ષને કારણે ઘણા દલિતોમાં ગાંધીજી પ્રત્યે અપ્રમાણસરના અનાદરની - લગભગ ધિક્કારની- લાગણી જોવા મળે છે. દલિતોને ગાંધીજી સામે વાંધો પડી શકે એનાં કારણ છે, પરંતુ ડો.આંબેડકર વિશેની જબ્બાર પટેલની ફિલ્મમાં ગાંધીજીના મૃત્યુના સમાચારનું દૃશ્ય આવે ત્યારે અમદાવાદના એક થિયેટરમાં દલિત પ્રેક્ષકો એ સમાચારને તાળીઓથી વધાવી લે, એવું જાતે જોયેલું દૃશ્ય કોઇ રીતે વાજબી ઠરાવી શકાય નહીં. જોવાની વાત એ છે કે દલિતોના ગાંધીજી વિશેના અધકચરા-આત્યંતિક અભિપ્રાયો વિશે ઘણી વાત-ચર્ચા-ટીકા થાય છે, પરંતુ ગાંધીભક્તો દ્વારા થતી ડો.આંબેડકરની ઉપેક્ષા અથવા છૂપી ટીકા વિશે બહુ ઓછા લોકોને વાંધો પડે છે. ડો.આંબેડકરની ભૂમિકાને અને તેનાં ઐતિહાસિક પરિબળોને પૂરાં સમજ્યા વિના, ગાંધીજી વિશેની તેમની ટીકા ‘કોપી, પેસ્ટ’ કરવાથી બન્ને મહાનુભાવોને અન્યાય થાય છે.

ડો.આંબેડકરને બિનદલિતો દ્વારા થતો સૌથી મોટો અન્યાય હોય તો તેમને ‘દલિત નેતા’ તરીકે ખપાવી દેવાનો. ઉત્સાહી બિનદલિતો સામી દલીલ કરી શકે છે કે ‘તેને માટે પણ દલિતો જ જવાબદાર છે. તેમણે ડો.આંબેડકરને પોતાના નેતા તરીકે ગણાવ્યે રાખ્યા, તેમાં બિનદલિતો શું કરે?’ આ દલીલ પાછળ પણ અસ્પૃશ્યતાની માનસિકતા કામ કરે છે, એવું કોણ સમજાવે? પ્રો.ભીખુ પારેખે એક વિચારક અને નેતા તરીકે ડો.આંબેડકરનું મૂલ્યાંકન કરતાં એટલી હદ સુધી કહ્યું હતું કે, ‘તેમના (ડો.આંબેડકરના) જીવનનો અંતકાળ ચાલતો હતો ત્યારે અમેરિકામાં એક અન્ય લધુમતી નેતા માર્ટિન લ્યુથર કિગ જુનિયરનો ઉદય થઇ રહ્યો હતો. બન્ને સમાન નિસબત ધરાવતા હતા અને વિચારક તરીકે આંબેડકર કેટલીક બાબતોમાં માર્ટિન લ્યુથર કિગ કરતાં વધારે મહાન હતા. છતાં કિગ આંતરરાષ્ટ્રિય કક્ષાએ એક હસ્તી તરીકે પ્રસ્થાપિત થયા, લધુમતીના હકો માટે લડનારાનાં પ્રશંસા અને આદરમાન પામ્યા, જ્યારે દુઃખની વાત એ છે કે આંબેડકર સ્થાનિક અને કાલગ્રસ્ત બનીને રહી ગયા.’ આમ થવાનાં બે કારણોમાં, રાજકીય-બૌદ્ધિક બાબતોમાં વૈશ્વિક સ્તરે ભારતીયોની પાંખી હાજરી ઉપરાંત તેમને ‘દલિતોના પ્રવક્તા’ તરીકે ખપાવી દેવાની વૃત્તિને તેમણે કારણભૂત ગણાવી હતી.

ડો.આંબેડકરની આત્યંતિકતાનું અનુકરણ કરતા ઘણા લોકો તેમના અભ્યાસ કે સજ્જતા વિશે આંખ આડા કાન કરે છે. શાસ્ત્રીય અભ્યાસ અને સંશોધનાત્મક લખાણોની બાબતમાં ડો.આંબેડકરની સરખામણી ભાગ્યે જ બીજા કોઇ નેતા સાથે થઇ શકે. બેરિસ્ટર અને પીએચ.ડી.ની બેવડી ડિગ્રી ધરાવતા બાબાસાહેબના ગ્રંથો ફક્ત વિદ્વત્તા, સંશોધન અને પૃથક્કરણની દૃષ્ટિએ જ નહીં, અંગ્રેજી ભાષાની પ્રાસાદિકતાની રીતે પણ પ્રભાવશાળી છે. પરંતુ ‘ગાંધીજીના અક્ષરદેહ’ની જેમ ‘ડો.આંબેડકરનો અક્ષરદેહ’ એટલો જાણીતો બની શક્યો નથી. (ગુજરાતીમાં એવું થવાનું એક કારણ મૂળ ગ્રંથોનો નબળો ગુજરાતી અનુવાદ પણ છે.)

ગાંધીજી અંગ્રેજોનો નહીં પણ અંગ્રેજી રાજનો વિરોધ કરતા હતા, એ સૌ જાણે છે- અને એ બાબતને યોગ્ય રીતે જ તેમની મહાનતાનું એક અંગ ગણાવવામાં આવે છે. ડો.આંબેડકર પણ આ બાબતમાં ખાસ જુદા નથી. બ્રાહ્મણવાદ અને બ્રાહ્મણવાદી માનસિકતાના ઉગ્ર વિરોધી બાબાસાહેબ બ્રાહ્મણોના વિરોધી ન હતા. ઊલટું, તેમના કેટલાક નિકટના સાથીદારો બ્રાહ્મણ હતા. (નવાઇની વાત એ છે કે ખુદ ગાંધીજી બીજી ગોળમેજી પરિષદ-૧૯૩૧- સુધી એવું માનતા હતા કે ડો.આંબેડકર અસ્પૃશ્યોના હિત માટે લડતા કોઇ બ્રાહ્મણ નેતા છે.) અલબત્ત, બિનદલિત નેતાઓ વિશે તેમના મનમાં ભારે શંકા અને આત્યંતિક કટુતા હતાં. ગાંધીજીને બાદ કરતા ઘણા નેતાઓમાં અને ગાંધીયુગ પહેલાં મહારાષ્ટ્રમાં થયેલા ઉજળિયાત સુધારકોમાં તેમણે જોયેલાં બેવડાં ધોરણ એને માટે ઘણા અંશે જવાબદાર હતાં. એટલે જ, દલિત પ્રશ્નને કોંગ્રેસના અને દેશના મંચ પર મૂકી આપવાની ગાંધીજીની પ્રવૃત્તિને તે સ્વસ્થ દૃષ્ટિકોણથી જોઇ શક્યા નહીં. ગાંધીજી ડો.આંબેડકરની અસ્વસ્થતા પાછળનાં કારણ બીજા કોઇ પણ નેતા કરતાં વઘુ સારી રીતે સમજતા હતા. સદીઓથી ઉજળિયાતોએ દલિતો પર કરેલા અત્યાચાર-અન્યાય અને ડો.આંબેડકર જેવા તેજસ્વી જણને કેવળ પોતાની જ્ઞાતિને કારણે વેઠવાં પડેલાં અપમાન- તેને લીધે ડો.આંબેડકર ખરાબમાં ખરાબ રીતે અપમાન કરે તો પણ માઠું ન લગાડવું જોઇએ, એવું તે પોતાના સાથીઓને સમજાવતા.

ગાંધીજીની ધર્મભાવના તેમની કામગીરીની મુખ્ય ધરી હતી. પરંપરાગત, સંસ્થાકીય ધર્મમાં ગાંધીજીની જેમ ડો.આંબેડકરને પણ રસ ન હતો. તેમણે કહ્યું હતું, ‘ધર્મ તો અફીણની ગોળી છે, એમ કેટલાક લોકો કહે છે તે સાચું નથી. મારામાં જે કંઇ સારા ગુણ છે અથવા મારા શિક્ષણને લીધે સમાજનું જે કંઇ હિત સાધી શકાયું છે, તે મારામાં રહેલી ધર્મભાવનાને લીધે શક્ય બન્યું છે. મારે ધર્મ જોઇએ છે, પરંતુ ધર્મના નામે ચાલતો ઢોંગ મને ખપતો નથી.’
ડો.આંબેડકરના મનમાં ધર્મ અને ભક્તિભાવ વચ્ચે સ્પષ્ટ ભેદરેખા હતી. પોતાના સહિત બીજા નેતાઓ વિશે લોકોનમાં મનમાં ભક્તિભાવ પેદા થાય, તેની એમને સખત ચીડ હતી. બંધારણસભાના એક પ્રવચનમાં ૧૯૪૯માં તેમણે કહ્યું હતું,‘ભારતમાં ભક્તિએ રાજકારણમાં જે હદનો ભાગ ભજવ્યો છે તેનો દુનિયાના કોઇ દેશમાં જોટો જડે તેમ નથી. ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ હોઇ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ કે વ્યક્તિપૂજા પતન અને આખરે સરમુખત્યારશાહી ભણી દોરી જાય છે.’ તો ડો.આંબેડકરના મનમાં ધર્મ સાથે શું જોડાયેલું હતું? તેમના ચરિત્રકાર ધનંજય કીરે ૧૯૫૪માં એક રેડિયો મુલાકાતમાં ડો.આંબેડકરના ઉદ્‌ગાર નોંઘ્યા છે. તેમાં એમણે સ્વતંત્રતા, સમાનતા અને બંઘુતાની વાત કરીને કહ્યું કે ‘મારા તત્ત્વજ્ઞાનમાં સ્વતંત્રતા અને સમાનતાના રક્ષણ માટે કાયદો છે...પણ બંઘુતાને તેમાં ઘણું ઊંચું સ્થાન છે... બંઘુભાવ એટલે કે બંઘુતા એ માનવતા અને માનવતા એ જ ધર્મનું બીજું નામ છે.’

સંઘર્ષની સમાંતરે
ગાંધીજીને ‘મહાત્મા’ અને ડો.આંબેડકરને ‘મહામાનવ’ બનાવતી ઘણી ઐતિહાસિક હકીકતોની સાથોસાથ, આ લોકો આપણા જેવા જ માણસ હતા એ યાદ રાખવું બહુ જરૂરી બની જાય છે. તેમનાં જીવનકાર્યો અને સંઘર્ષો એક માણસનાં હોય તો જ એ પ્રસ્તુત રહે અને અનુકરણીય લાગે. બાકી, તેમને ભવ્ય અંજલિઓ આપવામાં જ પ્રજાને સંતોષ થઇ જાય.

ડો.આંબેડકર એ દૃષ્ટિએ આઝાદી પૂર્વેના બીજા નેતાઓની સરખામણીમાં ઘણા જુદા હતા. ગાંધીવાદી સાદગી સાથે તેમને ખાસ લેવાદેવા ન હતી. જીવનસંઘ્યાએ તેમની રહેણીકરણી વૈભવી હતી. તેમના ચરિત્રકાર કીરે નોંઘ્યા પ્રમાણે, આવેગમય અને લાગણીશીલ પ્રકૃતિને કારણે ફિલ્મોમાં કરુણ દૃશ્યો તેમનાથી જોઇ શકાતાં નહીં અને તે અડધી ફિલ્મે બહાર નીકળી જતા. તેમને કૂતરા પાળવાનો અને સારી નસલના કૂતરા ખરીદવાનો શોખ હતો. પોતાનો પ્રિય કૂતરો મૃત્યુ પામ્યો ત્યારે તેમણે ભારે આક્રંદ કર્યું હતું. તેમને ફેશનેબલ વસ્ત્રો, મોંઘી પેન, બૂટ વગેરેનો શોખ હતો. જમતી વખતે એક હાથમાં પુસ્તક રાખીને વાંચવાની તેમને ટેવ હતી. એ રીતે વાંચતાં ઘણી વાર સવાર પડી જતી હતી. તેમનું પોતાનું પુસ્તકાલય અત્યંત સમૃદ્ધ હતું. પંડિત મદનમોહન માલવિયે તેમનો આખો પુસ્તકસંગ્રહ બે લાખ રૂપિયામાં ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો (જે એ જમાનામાં બહુ મોટી રકમ કહેવાય), પરંતુ ડો.આંબેડકરે કહ્યું હતું કે ‘મારાં પુસ્તકો મારાથી દૂર જતાં રહે તો મારો જીવ નીકળી જાય.’

મૃત્યુની રાત સુધી ‘બુદ્ધ એન્ડ હીઝ ધમ્મ’ પુસ્તકના કામમાં પરોવાયેલા ડો.આંબેડકર નિદ્રાધીન અવસ્થામાં જ અવસાન પામ્યા. તેમના મૃત્યુના દાયકાઓ પછી તેમના વિશે નવેસરથી અભ્યાસો થઇ રહ્યા છ- પુસ્તકો લખાઇ રહ્યાં છે, પાશ્ચાત્ય વિદ્વાનો નવેસરથી તેમના કામનું મૂલ્યાંકન કરી રહ્યા છે, ત્યારે ભારતના દલિતો-બિનદલિતો ડો.આંબેડકરના પૂતળાની ભક્તિ કે તેના અતિરેકના અભાવથી આગળ વધે એ જરૂરી છે.

3 comments:

 1. Bharat kumar11:15:00 PM

  પ્રિય ઉર્વીશભાઇ,તમે બહુ જ સ્પષ્ટ ને સંયમિત ભાષામાં લેખ લખ્યો છે,એને માટે અભિનંદન.અછુતોની સાથે થતા ભેદભાવ અને અન્યાય નિવારવા માટે આંબેડકર ગાંધીથી તદ્દન વિરુદ્ધના વિચારો ધરાવતા હતા.આંબેડકર એને માટે ચુસ્ત કાયદાઓ ઘડવાના હિમાયતી હતા,તો ગાંધી એ માટે હ્યદયપરિવર્તનની તરફેણ કરતા હતા,ને રાહ જોવાના આગ્રહી હતા.જેને માટે એક તબક્કે આંબેડકરે ગાંધીને કહેલુ ય ખરું કે-''મહાત્માઓ આવ્યા ને ગયા,એનાથી સમાજની માન્યતાઓમાં કોઇ ફરક પડ્યો નથી.હ્યદયપરિવર્તનથી છુઆછુત ખતમ થઇ જશે,એવો આશાવાદ તમે સેવી શકો છો,હું નહી.'' ગાંધી વર્ણવ્યવસ્થાને હિંદુ ધર્મનુ એક અવિભાજ્ય અંગ ગણતા હતા,તો આંબેડકર એને કોઇ પણ ધર્મનુ કલંક ગણતા હતા.નાતજાતને તોડવા માટેના વિચારો માટે આંબેડકર મને તો સાવરકરની વધુ નજીક જણાયા છે.ને પ્રચંડ અભ્યાસી તરીકે આંબેડકરને ક્યારેય એ માન-સન્માન મળ્યું નહી કે જેના એ સાચા અર્થમાં હકદાર હતા.હું ભણતો હતો ત્યારે એક સાહેબે કહેલુ એ મને હજી યે યાદ છે.એમણે કહેલુ કે-''આંબેડકરે બંધારણ લખ્યું,પણ એની પાછળ જે બુદ્ધિ હતી એ ગાંધીની હતી.ગાંધી જે જે બોલ્યા,એ જ આંબેડકરે લખ્યું,બસ.'' ગાંધી ને આંબેડકર બે વ્યક્તિત્વોનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે વિચારોમાં ગાંધી કરતા આંબેડકર વધુ સ્પષ્ટ હતાં,એ એક હકીકત છે.ને રહી વાત માયાવતી છાપ લલ્લુપંજુઓની તો,એ આંબેડકરની ધુળને સ્પર્શ કરવાની પણ લાયકાત ધરાવતા નથી.પણ એમની બોલબાલા છે કેમ કે એ જે લોકોના નેતા બની બેઠા છે,એ વાંચતા નથી,વિચારતા નથી.સમગ્ર જાતિ માટે વિચારવાનુ પુણ્યકાર્ય અમુક હરખપદુડા ઉદ્ધારકોએ પોતાના માથે લઇ લીધું છે.આંબેડકરનો આત્મા જો સ્વતંત્રપણે વર્તી શક્તો હોત તો એ પોતાના નામનો ચાલુ છે,એ દુરુપયોગ થતો જોઇને પોતાનું નામ વાપરી જ ના શકાય એ માટે કાયમી સ્ટે ઓર્ડર લઇ લે.

  ReplyDelete
 2. Anonymous4:03:00 AM

  WHEN YOU ASSES Mr. aMBEDKER always KEEP ONE THING IN MIND THAT AMBEDKER IS A CHARACTER CREATED BY BRITISH TO USE INDIAN CLASS SYSTEM.I WISH, PLEASE READ BETWEEN THE LINE WHEN YOU READ ANYTHING BY AMBEDKER. Mr. BHIKHU Parekh IS A LORD, AND THAT TITTLE IS GIVEN BY BRITISH. THAT AWARD ONLY GIVEN TO A 200% LOYAL TO BRITISH ROYAL FAMILY AND BRITISH AGENDA IN EAST. I WISH NOW ON NOT GIVE ANY SIGNIFICANCE TO MR PAREKH'S COMMENTS, HE HAS NOTHING ELSE TO DO OTHER THEN PUSH BRITISH INTEREST IN INDIA.

  ReplyDelete
 3. Dear Urvish,

  Thanks. Such an effort would definitely give an academic-leads to various unfocused & unanswered questions.

  Inspite of healthy Constitution (Unique in World), guaranteeing of Rights of Equality of all Marginalized (Dalit, Harijan, Scheduled Tribes & Other Minorities)are always questioned.

  Perhaps the issues we are complaining and experiencing may takes eras to revamp.

  Also an honest introspection from Muslims role (earlier & present) is obligatory to the issue of un-touchability as the faith the Islam we profess advocate equality in toto.

  Jabir

  ReplyDelete