Monday, December 12, 2011

કાર્ટૂનિસ્ટ- ચિત્રકાર મારિઓ મિરાન્ડાને ચિત્રાંજલિ

ગઇ કાલે, 11 ડિસેમ્બર, 2011ના રવિવારે 85 વર્ષની વયે મારિઓ મિરાન્ડા/ Mario Mirandaનું અવસાન થયું. (થોડા વખત પહેલાં કાર્ટૂનિસ્ટ કુટ્ટીના સમાચાર અને તેમનાં થોડાં કાર્ટૂન અહીં -તથા બીરેનના બ્લોગ પર- મૂક્યાં હતાં.) મારિઓ પ્રત્યેના પ્રેમભાવની શરૂઆત બે દાયકાથી પણ પહેલાં થઇ હશે. એ વખતે મોટો ભાઇ બીરેને ઓછી આવકમાંથી પણ 'ધ ઇલસ્ટ્રેટેડ વિકલી ઓફ ઇન્ડિયા'/The illustrated Weekly Of Indiaનું લવાજમ ભર્યું હતું. તેના થકી જે નવી દુનિયા જોવા-જાણવા મળી, તેમાં હેમંત મોરપરિઆની સાથોસાથ મારિઓનાં કાર્ટૂનનો પણ સમાવેશ થાય.

મારિઓ વિશે ઘણું લખી શકાય. લખ્યું પણ છે. (આ રવિવારની કોલમ 'નવાજૂની' માટે), પરંતુ અહીં મારિઓની અને તેમના વિશેની કેટલીક વિશિષ્ટ સામગ્રી અમારા (બીરેનના અને મારા) સંગ્રહના ખજાનામાંથી મૂકી છે. કાર્ટૂન, કળા અને હાસ્યના રસિકોને ખાસ આગ્રહ કે મારિઓનાં કાર્ટૂન- ડ્રોઇંગ-ઇલસ્ટ્રેશનની ખરી મઝા માણવા માટે તેને એન્લાર્જ કરીને જોવાં. તેમનાં ચિત્રો પણ 'વાંચવાલાયક' હોય છે.

(નોંધઃ આ તમામ સામગ્રી જૂનાં 'વિકલી', 'સ્પાન', 'સોસાયટી' જેવાં જુદાં જુદાં સામયિકોનાં કટિંગ અને એ સિવાયના અમારા કાર્ટૂનવિષયક સંગ્રહમાંથી છે.)


પચાસેક વર્ષના મારિઓ મિરાન્ડા/Mario બીજા કાર્ટૂનિસ્ટોની પીંછીએઃ સૌથી મોટું કેરિકેચર આર.કે. લક્ષ્મણે /R.K.Laxmanબનાવ્યું છે. છેક નીચેનું સૌથી સાદું અબુ અબ્રાહમ/Abu Abrahamનું અને વચ્ચેનું સુધીર દરનું/Sudhir Dar બનાવેલું છે.



ગોવામાં પ્રવેશ વખતે આવતા કિંગફિશરના હોર્ડિંગમાં ગોવાની મસ્તીમઝા તાદૃશ કરતાં મારિઓનાં પાત્રોઃ ફોટોઃ બીરેન કોઠારી

'દૂરદર્શન'યુગની દંતકથા જેવી વિડીયો 'મિલે સૂર મેરા તુમ્હારા'માં ગોવાનું પ્રતિનિધિત્વ કરતા મારિઓ મિરાન્ડા પોતાની શૈલીમાં 'કુદરતી દૃશ્ય' બનાવી રહ્યા છે

'ઇલસ્ટ્રેટેડ વિકલી'માં આવતી મારિઓની નિયમિત સ્ટ્રીપ 'લાફિંગ ગેસ'. આ સ્ટ્રીપની નીચે અડધા પાનામાં હેમંત મોરપરિઆની સ્ટ્રીપ 'જેસ્ટ એ મિનિટ' આવતી હતી. આ સ્ટ્રીપમાં મંડલ તોફાનો વખતે મારિઓના પત્રકાર-પાત્ર જોન્ડીસ ડીમેલો/ Jaundice Demellowએ લીધેલો અભિનેત્રી મિસ રજની નિમ્બુપાની/ Ms. Nimbupaniનો ઇન્ટરવ્યુ મોટો કરીને વાંચવા જેવો છે.


આ રહ્યા મારિઓ મિરાન્ડાના વાચકપ્રિય નેતા બંડલદાસ/ Bundaldass

...અને આ રહ્યાં 'ડર્ટી પિક્ચર'ની વિદ્યા બાલનના પૂર્વાવતાર જેવાં મારિઓ-સર્જિત અભિનેત્રી મિસ રજની નિમ્બુપાની/ Ms. Nimbupani


'વિકલી'માં પછીથી ક્યારેક કાર્ટૂનસ્ટ્રીપવાળું પાનું રંગીન આવતું હતું. એવા એક પાના પર છને બદલે ત્રણ ફ્રેમમાં મારિઓએ ઉતારેલી નેતાઓના કટ-આઉટની ફિરકી. ('એન્લાર્જ કરીને વાંચવા જેવું છે' - એવું કેટલી વાર લખવું? દરેકમાં એ લખેલું જ સમજી લેવું)


મારિઓના બંડલદાસ અને બીજાં પાત્રો પરથી બ્રિજકુલ દીપકે/ Brij Kul Dipak બનાવેલાં ક્લોથ સ્કલ્પચર (ઢીંગલા): 1992માં મુંબઇ હતો ત્યારે મેક્સમુલર ગેલેરીમાં આ પ્રદર્શન જોવાની તક મળી હતી


ભીડભાડભરેલાં છતાં એકેએક ચહેરાના હાવભાવ વાંચી શકાય એવાં મારિઓ-સ્પેશ્યલ કાર્ટૂનનો નમૂનોઃ મારિઓનું ભારત


1964ના વિકલીમાં એક વાર્તા માટે મારિઓએ કરેલું ઇલસ્ટ્રેશનઃ તેમાં રમૂજ નથી, પણ મારિઓની શૈલી બરકરાર છે.

' ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના 1968ના વાર્ષિક અંકમાં મારિઓએ કરેલું કૂકડાની લડાઇ અને એ જોતા ફિરંગી સાહેબોનું લાઇન ડ્રોઇંગ


હવે પછીનાં બે ચિત્રો પેરિસ વિશેના મારિઓના ચિત્ર-પુસ્તક 'ઇમ્પ્રેશન્સ ઓફ પેરિસ'/ Impressions of Parisમાંથીઃ આ પુસ્તકમાં કયા ચિત્રો લેવાં તેની ભારે મૂંઝવણ પછી ત્રણ જુદી શૈલીનાં ચિત્રો લીધાં છે. આ ચિત્રમાં મારિઓની ખાસિયત જેવું વૃક્ષનાં પાંદડાંનું ડીટેઇલિંગ અને આખા બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રમાં ઉભેલી લાલ કાર


પેરિસ/ Parisની સડકો પર નીકળેલી ફેશનેબલ બાનુઓનું, મારિઓની પરંપરાગત કરતાં સાવ જુદી સ્ટાઇલમાં કરેલું વોટરકલર


મુંબઇમાં બીપીએલ મોબાઇલ/ BPL Mobileની સર્વિસ લોન્ચ થઇ ત્યારે આ રીતે ટેબ્લોઇડનાં બે પાનાં ભરીને જુદા જુદા ત્રણ-ચાર કાર્ટૂનિસ્ટો પાસે મુંબઇ વિષયક કાર્ટૂન કરાવવામાં આવ્યાં હતાં. એ વખતે મારિઓએ કરેલું પાનું. (સપ્ટેમ્બર, 1995)


મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા/ Mahindra & Mahindra ના એન્યુઅલ રીપોર્ટના આગળના અને પાછળના કવર તથા અંદરના ફોલ્ડ-ઇન પર મારિઓનાં મુંબઇ વિષયક બ્લેક એન્ડ વ્હાઇટ ચિત્રો છપાતાં હતાં. તેનો એક નમૂનો. (1992-93ના એન્યુઅલ રીપોર્ટનો હિસ્સો)


મારિઓએ વિવિધ ઉદ્યોગો અને કંપનીઓ માટે ઘણાં કેલેન્ડર બનાવ્યાં હતાં. એવાં ત્રણ કેલેન્ડરમાંથી એક-એક નમૂનો. આ કેલેન્ડર ઇન્ડસ્ટ્રીયલ સે્ફટીને લગતું હતું, જેમાં હરખપદુડો કર્મચારી સુરક્ષાની દરકાર કર્યા વિના ગેસ લીક રીપેર કરવા જાય છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી જેવા શુષ્ક વિષયને પોતાનાં આલેખનો વડે જીવંત બનાવવાની મારિઓની કમાલ હતી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે મારિઓએ કરેલા કેલેન્ડરનો નમૂનો. (મારિઓનાં કાર્ટૂનમાં લખાણ ન હોય તો કાર્ટૂન પણ 'વાંચવાલાયક' હોય છે એ યાદ છે ને?)


સેફ્ટીનો ભંગ સૂચવતું વધુ એક દૃશ્યઃ આ વખતે ઉત્તરાયણ



કેરિકેચરમાં 'દાદાગીરી' સૂચવતું મારિઓએ બનાવેલું ઇમરાનખાન/ Imran Khan નું ચિત્ર ('ક્રિકેટિંગ મેમરીઝ' પુસ્તકમાંથી)


'વિકલી''માં મારિઓના એક ડબલસ્પ્રેડની પ્રસાદી. તેમાં મારિઓએ જાણીતાં ક્લાસિક ચિત્રોની રાજકારણના સંદર્ભમાં 'નવી આવૃત્તિ'- જૂની શૈલી જાળવી રાખીને- બનાવી હતી. આ ચિત્રમાં માઇકલેન્જેલોના વિખ્યાત ચિત્રમાં પાત્રો તરીકે રાજીવ ગાંધી/ Rajiv Gandhi અને તેમનો ટેકો ઇચ્છતા ચંદ્રશેખર/Chandrashekhar

ઉપરની જ સિરીઝમાં બીજાં બે ચિત્રોમાં ડાબી બાજુ મોનાલિસા તરીકે મેનકા ગાંધી અને જમણી બાજુ વાન ગોગ/ Van Goghના વિખ્યાત સેલ્ફ પોટ્રેઇટમાં ચંદ્રશેખર/ Chandrashekhar




બોસ અને સેક્રેટરી સિરીઝનો નમૂનો

ગોવાના મેળા વિશેના એક લેખમાં મારીઓનું ચિત્ર


તાતા ઉદ્યોગ સામ્રાજ્ય વિશેના પુસ્તક 'ધ ક્રીએશન ઓફ વેલ્થ' (લેખકઃ આર.એમ.લાલા)માં મારિઓએ દોરેલાં અઢળક ડ્રોઇંગમાંના બે નમૂના. આ ચિત્ર મીઠાપુરની તાતા નમક/ Tata Salt ફેક્ટરીનું

...અને આ મુંબઇના નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ/NCPAના સ્ટેજનું

મારિઓ મિરાન્ડા પત્ની હબીબા સાથે, પાછલી અવસ્થામાં

છેલ્લું દર્શનઃ ઉંઘમાં જ ચિરશાંતિ પામેલા મારિઓને તેમની ઇચ્છા પ્રમાણે દફન કરવાને બદલે અગ્નિદાહ આપવામાં આવ્યો.

6 comments:

  1. a Very well crafted tribute to the legendary cartoonist....! May god rest the soul in peace....!

    ReplyDelete
  2. Thank you, Urvish for this wonderful and most fitting tribute

    Jagdish Patel

    ReplyDelete
  3. Anonymous9:45:00 AM

    ઉર્વીશ ભાઈ આલા દર્જાના કલાકારની અદભુત ચિત્રાંજલી ! હાલમાંજ મુંબઈ માં યોજાયેલા કોમિક-કોન માં તેમના દોરેલી ને જાણીતી ઘણી ચિત્રપટ્ટી માણવા મળીતી !

    ReplyDelete
  4. Having seen this news on TV day before yesterday, i could hardly find any mention of this event when I visited sites of a wide variety of newspapers, without much success.
    But, reading such a detailed post which has covered Mario with as much affection and details as befits him was indeed a great relief.
    Urvishbhai deserves great appreciation for such a laudable service.
    On a personal note, I would thank him for expressing what i would have wished to say on this occasion.

    ReplyDelete
  5. રજનીકુમાર પંડ્યા11:32:00 AM

    પ્રિયજનની યાદમાં ઉભા કરેલા પાળીયા પત્થરના અને તેથી નિર્જીવ હોય છે. પણ મારીયોની યાદમાં આ તો સજીવ સ્મારક જેવી ઉર્વીશની આ બ્લૉગ પોસ્ટ ! વાહ . હું મારીયોને જાણું પણ આ પરિમાણથી પહેલીવાર. જાણ્યા.
    તેમની લાઇફ સ્ટોરી જાણવાની ઉત્કંઠા છે

    ReplyDelete
  6. મારીઓ મિરાન્ડા એટલે આમ તો ગોઆ જ નજરે ચડે, પણ તેમની અલગ જ બાજુના દર્શન કરાવ્યા બદલ આભાર :)

    ReplyDelete