Sunday, December 18, 2011
નખશીખ નખરાળી પાત્રસૃષ્ટિના સર્જક- કાર્ટૂનિસ્ટઃ મારિઓ મિરાન્ડા
રેમન્ડ્ઝ/Raymond'sની ડબલસ્પ્રેડ જાહેરાતઃ જમણી બાજુ નીચે સૂટધારી મારિઓ/ Mario Mirandaનો (ઉપર અલગથી મૂક્લો) ફોટો આવતો હતો. |
ગોવામાં આવેલું મારિઓનું પ્રાચીન નિવાસસ્થાન પોતે એક મ્યુઝિયમ જેવું હતું. શ્યામ બેનેગલે તેમની ફિલ્મ ‘ત્રિકાલ’નું શૂટિંગ એ ઘરમાં કર્યું હતું.
કાર્ટૂનિસ્ટોએ સર્જેલા અમર પાત્રોમાં આર.કે.લક્ષ્મણનો ‘કોમનમેન’ કે એ જ પ્રકારના બીજાં, મૂક પ્રેક્ષક જેવાં ચરિત્રો ખાસ્સાં જાણીતાં છે. પણ મારિઓનાં એકલદોકલ નહીં, ચાર-પાંચ જુદાં જુદાં પાત્રો નામજોગ ફક્ત કાર્ટૂન થકી જાણીતાં બન્યાં હતાં: જમાનાના ખાધેલ નેતા ‘બંડલદાસ’ (નેતાનું તે વળી બીજું શું સામાન્ય નામ હોઇ શકે?), તેમનો વફાદાર સેક્રેટરી ‘મૂનસ્વામી’, નખરાળી અને બોલ્ડ ફિલ્મ અભિનેત્રી ‘મિસ રજની નિમ્બુપાની’(જેનાં કાર્ટૂન જોઇને ‘ડર્ટી પિક્ચર’ની વિદ્યા બાલનની યાદ તાજી થાય), ફિલ્મી પત્રકાર ‘જોન્ડિસ ડીમેલો’ (પીળું જોવા કુખ્યાત પત્રકારોનું પણ વળી બીજું કયું સામાન્ય નામ હોઇ શકે?), અભિનેતા બલરાજ બલરામ, કોર્પોરેટ ઓફિસના ટાલિયા, સૂટધારી, આધેડ વયના, મોમાં ચિરુટ ખોસેલા બોસ અને પોલ્કા ડોટવાળું મિનિસ્કર્ટ પહેરતી તેમની ચુલબુલી સેક્રેટરી મિસ ફોન્સેકા, ઓફિસનો કર્મચારી ગોડબોલે- આ સિવાય તેમનાં કાર્ટૂનમાં બેકગ્રાઉન્ડ તરીકે ફ્રેમમાં દેખાતા મુછ્છડ પૂર્વજો, ગાંધીજી જેવા નેતાઓ અને ખૂણેખાંચરે રહીને પણ સમગ્ર કાર્ટૂનની આબોહવામાં સમૃદ્ધિ ઉમેરતાં કાગડા, ચકલી,કૂતરા,બિલાડી, ગીધ જેવાં પશુ-પંખી...
મારિઓનાં કાર્ટૂન એટલે કેટલીક બાબતોમાં ભારતનું પ્રતિબિંબ. ભારતમાં છે અને હોઇ શકે, એટલી જ ભીડભાડથી તેમનાં કાર્ટૂન ઉભરાતાં હોય- અને છતાં ભારતના લોકોની જેમ મઝા કરતાં-કરાવતાં હોય. એક આખા પાનાના કાર્ટૂનમાં તે સો-સવા સો જુદા જુદા ચહેરા અને તેમની આગવી ખાસિયતો સહેજે બતાવી નાખે. એવું કાર્ટૂન પહેલી વાર જોતાં એ મુંબઇની લોકલ ટ્રેનના ડબ્બા જેવું લાગે, પણ તેમાં (કાર્ટૂનમાં) દાખલ થયા પછી ભારતીય મેળામાં ફરવા નીકળ્યા હોઇએ એવો જલસો પડે. મારિઓનાં કાર્ટૂન એટલે મુંબઇનું પચરંગીપણું, ગોવા સાથે સંકળાયેલી મસ્તી-બોલ્ડનેસ અને ભારતના વૈવિઘ્યનો સમન્વય.
Mario's Mumbai- યે હે બમ્બઇ મેરી જાન |
પીંછીથી તોફાન કરવાનો સિલસિલો મારિઓએ સ્કૂલકાળથી જ શરૂ કરી દીધો હતો. પોર્ટુગીઝ તાબાના દમણમાં ૧૯૨૬માં જન્મેલા મારિઓ શાળાના અભ્યાસ દરમિયાન બેંગ્લોર, ગોવા અને મુંબઇમાં સ્કૂલના શિક્ષકોથી માંડીને પોતાની આસપાસનાં પાત્રો અને વાતાવરણના સ્કેચ નોટબુકમાં બનાવતા હતા. મુંબઇમાં કોલેજનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં તેમણે ફ્રી લાન્સ કાર્ટૂનિસ્ટ તરીકે કામ શરૂ કરી દીઘું. ૧૯૫૯માં યુરોપ ગયા. લંડનમાં થોડાં વર્ષ ગાળ્યાં અને ભારત પાછા ફરીને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જૂથમાં જોડાયા. તેનાં દૈનિક અખબાર ઉપરાંત ‘ફિલ્મફેર’, ‘ફેમિના’ અને ‘ઇલસ્ટ્રેટેડ વિકલી’ જેવાં પ્રકાશનોને કારણે મારિઓની કાર્ટૂનસૃષ્ટિમાં ફિલ્મીદુનિયાથી રાજકારણ લગીના તમામ પ્રવાહો સામેલ થયા. સાઠ-સિત્તેરના દાયકામાં એ પ્રકાશનોમાં સ્ટાફ કાર્ટૂનિસ્ટ તરીકે મારિઓનાં કાર્ટૂન ઉપરાંત રેખાંકન પણ છપાતાં હતાં. કાર્ટૂનની સરખામણીએ તેના વિષય ગંભીર હોવા છતાં, તેના લસરકા, વળાંક અને ઝીણવટને કારણે ‘આ તો મારિઓનું’ એવી તરત જ બત્તી થઇ જાય.
મારિઓની સૌથી વ્યાપક ખ્યાતિ મુંબઇ-ગોવાના રંગબેરંગી મિજાજના આલેખનકાર તરીકેની થઇ. મુંબઇ-ગોવાના લોકજીવનનું મારિઓએ કરેલું વિગતવાર, વિપુલ જથ્થામાં અને ઊંચી ગુણવત્તાવાળું કામ અજોડ છે. પરંતુ મારિઓ કોઇ એક વિષયમાં બંધાઇ રહે એવા ન હતા. વિદેશપ્રવાસો દરમિયાન તેમણે ન્યૂયોર્ક અને પેરિસ જેવાં શહેરોમાં ત્યાંના જીવનને પણ એટલી જ રંગીનીથી ઝીલ્યું.‘મેડ’ અને ‘પંચ’ જેવાં ખ્યાતનામ હાસ્યસામયિકોમાં તેમનાં ચિત્રો છપાયાં. વિદેશોમાં તેમનાં ચિત્રોનાં અનેક પ્રદર્શન થયાં. દેશમાં તેમણે પ્રકાશનોમાં કાર્ટૂન અને ચિત્રો કર્યાં.
એ સિવાય કંપનીઓના એન્યુઅલ રીપોર્ટનાં મુખપૃષ્ઠથી રેસ્ટોરાંની દીવાલ સુધીની ‘જડ’ ચીજો મારિઓનાં આલેખનોથી શોભીતી અને જીવતી બની. ઔદ્યોગિક કંપનીઓ માટેનાં સેફ્ટી કેલેન્ડર હોય કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માટે બનાવેલાં કેલેન્ડર, ગમે તેટલા શુષ્ક વિષયોને રસ પડે એવાં બનાવી દેવાનું કામ મારિઓનાં ચિત્રોનું. દસ્તાવેજીકરણનાં ઘણાં પુસ્તકોમાં લખાણની સાથે મારિઓનાં ડ્રોઇંગ મૂકાયાં. મારિઓથી બે પેઢી નાના કાર્ટૂનિસ્ટ હેમંત મોરપરિઆએ નોંઘ્યા પ્રમાણે, મુંબઇમાં તેમનાં પાઠયપુસ્તકોનાં ચિત્રો પણ મારિઓ પાસે કરાવવામાં આવ્યાં હતાં. બ્રિજકુલ દીપક નામના એક કળાકારે મારિઓનાં બંડલદાસ જેવાં પાત્રો પરથી આબેહૂબ કપડાના ઢીંગલા (ક્લોથ સ્કલ્પ્ચર) બનાવીને તેનું પ્રદર્શન યોજ્યું હતું. જૂજ કાર્ટૂનિસ્ટના કામનો વ્યાપ આટલો બહોળો હશે.
દાયકાઓ દરમિયાન મારિઓનાં અઢળક ચિત્રોમાંથી થોડાં પુસ્તક થયાં હતાં, પણ તેમના કળાજીવનના અર્ક સમાન ગણી શકાય એવું ૨૮૪ પાનાંનું પુસ્તક ‘મારિઓ ડી મિરાન્ડા’ ખુદ મારિઓ સહિત બીજા બે જણે સંપાદિત કર્યું. તેમાં મારિઓનાં સેંકડો ચિત્રો સમાવી લેવાયાં છે. આ ઉપરાંત તેમની સત્તાવાર વેબસાઇટ mariodemiranda.com પર પણ તેમનાં કાર્ટૂન અને ચિત્રોની પ્રિન્ટ્સ મળે છે. ગેરાર્ડ દાકુન્હા જેવા મિત્રના પ્રયાસોને કારણે પંજીમથી સાત કિલોમીટર દૂર આવેલી ‘મારિઓ ગેલેરી’ પણ ઉભી થઇ છે, જ્યાં તેમનાં ચિત્રો પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. જીવતેજીવ અઢળક લોકચાહના અને આદરમાન મેળવનાર મારિઓનું નવું કામ છેલ્લા ઘણા વખતથી જોવા મળતું ન હતું. તેમનાં પત્ની-ભૂતપૂર્વ એર હોસ્ટેસ હબીબાના નિવેદન પ્રમાણે, થોડા વખતથી મારિઓની તબિયત નરમગરમ રહેતી હતી. પરંતુ મારિઓએ તેમનાં સક્રિય વર્ષોમાં જેટલું અને જે પ્રકારનું કામ કર્યું છે, તે વર્તમાન અને આવનારી પેઢીઓને મુગ્ધ કરવા માટે પૂરતું છે.
Labels:
art,
cartoon,
film/ફિલ્મ,
Obit/અંજલિ
Subscribe to:
Post Comments (Atom)
"ભારતમાં છે અને હોઇ શકે, એટલી જ ભીડભાડથી તેમનાં કાર્ટૂન ઉભરાતાં હોય- અને છતાં ભારતના લોકોની જેમ મઝા કરતાં-કરાવતાં હોય. એક આખા પાનાના કાર્ટૂનમાં તે સો-સવા સો જુદા જુદા ચહેરા અને તેમની આગવી ખાસિયતો સહેજે બતાવી નાખે. એવું કાર્ટૂન પહેલી વાર જોતાં એ મુંબઇની લોકલ ટ્રેનના ડબ્બા જેવું લાગે, પણ તેમાં (કાર્ટૂનમાં) દાખલ થયા પછી ભારતીય મેળામાં ફરવા નીકળ્યા હોઇએ એવો જલસો પડે."
ReplyDeleteમારા મતે તો આટલા વાક્યમાં જ મારીઓ મીરાંડાના કામને ન્યાય મળી ગયો.
બીરેનભાઇની પણ મારીઓ મીરાંડા પર કોઈ પોસ્ટ આવશે એવી આશા છે....
અમારા જેવા કાર્ટૂન રસિયાઓને તો આ બે જગ્યાએથી જ રસપાન કરવા મળે છે... બાકી તો કોઈ કાર્ટૂનિંગ વિષે આટલું ડિટેલમાં લખતું પણ નથી...
Thank You So Much :)
ગુજરાતીઓ હજુ 'કાર્ટૂન'ની જાહેરજીવનમાં કરામતો અને અસરો શું
ReplyDeleteકરે છે તે વિષે ઘણા 'પછાત' છે! કેટલાયે તો 'મારીઓ મિરાંડા' નું નામ પણ નહીં સાંભળ્યું હોય! બહુ વર્ષો પહેલાં 'ચેતમછંદર'નામનું નામનું સાપ્તાહિક
જેમાં 'રાજકીય' કાર્ટુનો અને લખાણો આવતાં,તદુપરાંત ઘણાં ગુજરાતી
અઠવાડીકો અને માસિકોમાં બેચાર કાર્ટુનો છાપી દેતા,આરીતે જુઓતો
મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે ગુજરાતી પત્રકારિત્વમાં કાર્ટુનનું મહત્વ પણ
બહુ નથી અને હજુ પણ પરિસ્થિતિ વખાણવા જેવી નથી,હા દૈનિકો,સાપ્તાહીકો
અને માસિકોમાં કોઈ કોઈ ખૂણેખાંચરે નજરે પડે છે અને જે કદરદાનો અને રસિયા
છે તે જોઇને મજા પણ માણી લેતા હોય છે,પણ આવા વર્ગો કાર્ટુનો માટે તો ઈતર ભાષાના
છાપાંઓમાં પણ નિયમિત વાંચતા રહેતા હોય છે.આ બે શબ્દો લખીને આપણાં
હાલના જાણીતા અને માનીતા 'વ્યંગચિત્રકારો'ની ટીકા કરવાનો કોઈ ઈરાદો
કે આશય નથી.
હવે તો નવી 'ટેકનોલોજી'ની સહાયથી પણ કાર્ટુનો દોરવાની ઘણી સરળતા
પડી જતી હશે,પણ વિચારો અને કટાક્ષો કેવી રીતે 'ઠઠ્ઠા ચિત્રો'માં કેમ રજુ કરવા
તેતો એક ખૂબી ને કરામત છે જે કંઈ પીરસેલી થાળી નથી કે ખાઈ લેવી!!
મજલ લાંબી છે પણ ગુજરાતીઓ જલ્દીથી ઘણી વાતો સમજી જતા હોય છે.
ગુજરાતની અસ્મિતાને હમણાં છેલ્લા ઘણાં વર્ષોથી 'પૈસાનું' વળગણ થયું છે!
આ છૂટશે ત્યારે ઘણું સારું 'સર્જન' અને સાહિત્ય મળશે અને આપણે આશા
રાખીએ કે જે પારિતોષિક માટે દુનિયાના લોકો આતુર હોયછે તે 'નોબેલ પ્રાઈઝ'
તેનાથી કોઈ ગુજરાતી સાહિત્યકાર નવાઝ થાય!! (કોઈ કાર્ટુનીસ્ટ નેતો હજુ
નથી મળ્યા!)
આપણાં ગુજરાતનાં જે હાલના કાર્ટુન કલાકારો છે તેમની જાણકારી અને
ખ્યાતી તો છે જ પણ વાંચકવર્ગ લગભગ મામુલી કહેવાય,તેમાં તેઓ પણ
શું કરે? આ વિષે બેમત પણ હોઈ શકે ખરો?
શ્રી ઉર્વીશ કોઠારીએ આ વિસ્તાર પૂર્વક સુંદર લેખ લખીને 'મારીઓ મિરાંડા'ને અને તેમના
કાર્ટુન કાર્યને ખુબજ ન્યાય અને આદર અંજલી આપી છે તે માટે તેમનો
ખુબજ આભાર.
Excellent!
ReplyDeletethanks a lot, Urvish Kothari.
ReplyDeleteit's a great tribute to Mario.
Regards: Bhagyendra
ઉર્વિશભાઈ,મારિયો મિરાન્ડાનો સચિત્ર(કે સકાર્ટૂન?) પરિચય કરાવવા બદલ થેંક યું.ને એક વાત કહું,હું નસીબદાર છું,કેમ કે મેં મારિયો મિરાન્ડાનું એ ઐતિહાસિક ઘર ને તેમાં તેમનું ઇન્ટરવ્યુ જોયેલું,એક ચેનલમાં.તમે એ ફરી યાદ કરાવી દીધું.
ReplyDeleteIndeed a great job of posting in two quite different aspects of Mario.
ReplyDeleteI feel proud that a Gujarati has thought fit to do so fitting a justice to a Great Indian.
On a personal note, this represents feelings of many Mario fans, like me, who would not have been able express their feelings in such an exemplary way.
Both articles are worth storing up for posterity as well.