Wednesday, December 07, 2011
સભાસંચાલકોઃ એક (પ્રાણી)શાસ્ત્રીય અઘ્યયન
બગીચો હોય ત્યાં સુગંધ હોય. ગામ હોય ત્યાં ઉકરડો હોય. સભા હોય ત્યાં સંચાલક હોય.
સંચાલકને બેમાંથી કઇ ઉપમા લાગુ પડે છે તેનો કોઇ સર્વસામાન્ય નિયમ નથી, પણ વર્તમાન પ્રવાહોને લક્ષમાં લઇએ તો મોટા ભાગની સંચાલકયુક્ત સભાઓ બગીચા કરતાં ગામ જેવી વધારે હોય છે.
‘સંચાલક’ શબ્દ સાથે ભવ્યતાનો ભાવ જોડાયેલો છે. આ જગતનો કોઇ સંચાલક છે કે નહીં, એ વિશે આદિકાળથી ચર્ચાઓ ચાલે છે. ઘણા માને છે કે સંચાલક હોવો જ જોઇએ. એ સિવાય આટલો બધો ત્રાસ જગતમાં ફેલાય નહીં. બીજા કેટલાક માને છે કે જગતનો કોઇ સંચાલક નહીં હોય. એટલે જ, જગતની ત્રાસદાયક મુખ્ય વાસ્તવિકતાઓની વચ્ચે વચ્ચે સામાન્ય જનતાને વઘુ ત્રાસને બદલે રાહતની લહેરખી મળી શકે છે.
‘સભામાં સંચાલકનું સ્થાન શું હોવું જોઇએ?’ એવો ગંભીર સવાલ પૂછાય, તે પહેલાં જ કેટલાક ‘નાસ્તિકો’ કહે છે, ‘સભામાં સંચાલકનું સ્થાન શું કરવા હોવું જોઇએ? તેમની જરૂર જ શી છે? તેમની ભૂમિકા બહુ તો ફૂલહારમાં પરોવાયેલા દોરા જેવી હોઇ શકે, જે પોતાની હાજરી વરતાવા દીધા વિના, ફૂલોને સુગ્રથિત કરી આપે- તેમની સહિયારી શોભા વધારી આપે.’ મોટા ભાગના સંચાલકો દોરાને બદલે ‘સવાયા ફૂલ’ (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં) થવા પ્રયત્નશીલ હોય, એ સ્થિતિમાં સંચાલકને અદૃશ્ય રાખવાનો વિચાર સુદ્ધાં ઘાતકી અને પાતકી છે. તેનાથી કોઇના પેટ પર ભલે લાત ન વાગે, પણ કોઇના પ્રસિદ્ધિ-પરપોટા કે છેલછબીલી છબી પર આઘાત થાય એ ઓછું પાપ છે?
છેલ્લાં થોડાં વર્ષોથી મોટા ભાગની સભાઓમાં સંચાલકોનો દબદબો જોતાં એવું લાગે છે કે સાહિત્યમાં સૂક્ષ્મ ‘સંચલન’ની સાથે સ્થૂળ ‘સંચાલન’નો પણ મહિમા કરવો પડશે અને તેને લોકકથાઓની હારોહાર, વિશિષ્ટ મૌખિક સાહિત્યપ્રકાર તરીકે સ્થાન આપવું પડશે. ફિલ્મ સહિત અનેક વિષયોના અભ્યાસી- લેખક સલીલ દલાલે વર્ષો પહેલાં ‘એક આલ્બમમાં જગજિતસિંઘે ગાયેલા માત્ર ને માત્ર આલાપો જ હોવા જોઇએ’ એવો વિચાર મૂક્યો હતો. એ તરાહ પર ઉત્સાહી સંચાલકો પોતાનાં સંચાલકીય ઉચ્ચારણોનાં સંપાદિત પુસ્તકો બહાર પાડવા લાગે તો નવાઇ નહીં. બહુમતી શ્રોતાઓ આવાં સંચાલનોને ખમી લેતા હોય ને ઉપરથી વખાણતા હોય, તો તેમનાં પુસ્તક પણ શા માટે બેસ્ટસેલર ન થઇ શકે? એમાં રૂપિયા (સંચાલકના) નામના હોય અને વાચનસામગ્રી પણ નામની (સમ ખાવા પૂરતી) જ હોય. હજુ સુધી કોઇ સંચાલકને આ વિચાર આવ્યો નથી, એ બદલ વૃક્ષબચાવો સમિતિ કે જીવદયા સમિતિ જેવી સંસ્થાઓએ તેમનું યથાયોગ્ય બહુમાન કરવું ન જોઇએ?
સારા સંચાલક થવાની રેસિપી નથી, પણ એ કામગીરીમાં સફળતા મેળવવા માટે કેટલીક ચીજોનો પ્રયોગ અકસીર સાબીત થયો છેઃ થોડી ઉછીની કવિતાઓ (જેમાં વચ્ચે બેશરમીપૂર્વક શરમાઇને પોતાની થોડી કવિતા નાખી શકાય), શેરોશાયરી (જે કેટલાક સંચાલકોના કિસ્સામાં ‘શોરોશાયરી’ બની જાય છે), થોડાં અવતરણ, થોડાં ચબરાકિયાં-સૂત્રાત્મક અને મોટે ભાગે અર્થહીન વાક્યો...આ બધા ઉપરાંત ‘કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સહિતના બીજા લોકો ઠીક છે, અસલી આકર્ષણ તો હું જ છું. લોકો મને સાંભળવા આવ્યા છે.’ એવો દૃઢ વિશ્વાસ.
સંચાલકોનું મહત્ત્વ વધી ગયું હોવા છતાં, તેમના વિશે શાસ્ત્રીય ઢબે અભ્યાસ થયાનું ઘ્યાનમાં નથી. વિખ્યાત કાર્ટૂનિસ્ટ ડેવિડ લૉ વ્યંગચિત્ર માટે માણસના ચહેરાના (આકારના આધારે) ત્રણ પ્રકાર પાડતા હતાઃ ઘોડા જેવા (લાંબા), ભૂંડ જેવા (ગોળ) અને કૂતરા જેવા (ઊંધા ત્રિકોણ). એ રીતે સંચાલકોને પણ તેમનાં કેટલાંક લક્ષણોના આધારે પ્રાણીપ્રકારમાં વહેંચી શકાય. કેટલાંકમાં એકથી વઘુ પ્રાણીઓનાં લક્ષણોનો સમન્વય પણ જોવા મળી શકે.
(નોંધઃ આ સરખામણી ફક્ત કેટલાંક લક્ષણો પૂરતી મર્યાદિત છે. તેમાં સંચાલકોને સમગ્રપણે ચોક્કસ પ્રાણી સાથે સરખાવવાનો અને એમ કરીને સંચાલકોની - અને કદાચ પ્રાણીઓની પણ- લાગણી દુભાવવાનો ઇરાદો નથી.)
હાથીપ્રકારઃ ના, સંચાલકોની શારીરિક ભૂગોળની નહીં, તેમની યાદશક્તિની વાત છે. ઘણા સંચાલકોની યાદશક્તિ હાથીની તીવ્ર સ્મરણશક્તિની યાદ અપાવે એવી હોય છે. કાર્યક્રમના આરંભમાં, દીપપ્રાગટ્ય વખતે, વક્તાને મંચ પર બોલાવતી વખતે, તેમના પ્રવચનનો સાર કાઢતી વખતે, પુસ્તકના વિમોચન ટાણે, મુખ્ય મહેમાનનો પરિચય આપતી વખતે - એમ દરેક પ્રસંગે તેમને કંઇક ને કંઇક ‘યાદ આવે છે’. (જેમ કે, ‘અમુકભાઇએ જે વાત કરી તેની પરથી મને એક શેર યાદ આવે છે.’) આખા કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ સંચાલકની પ્રચંડ યાદશક્તિથી ભીંજાતા રહે છે. કેટલાક શ્રોતાઓને કાર્યક્રમ પછી શરદી પણ થઇ જાય છે.
બકરાપ્રકારઃ લોકપ્રિય માન્યતા પ્રમાણે બકરા-બકરી કોઇ પણ સંજોગોમાં- આફતમાં કે આનંદમાં, જુસ્સામાં કે ઠસ્સામાં- ‘બેં બેં’ અથવા ‘મૈં મૈં’ કરે છે. એવી જ રીતે, કેટલાક સંચાલકો કાર્યક્રમનું સ્વરૂપ, (અમુક) વક્તાઓની મહત્તા, ઘણા કિસ્સામાં વક્તાઓની સરખામણીમાં પોતાની અલ્પતા, કાર્યક્રમમાં પોતાની મર્યાદિત ભૂમિકા- એ કશાનો ખ્યાલ રાખ્યા વિના ‘મૈં, મૈં’ કર્યે રાખે છે. તેમની દરેક વાતમાં ‘હું, મેં, મને, મારે, આપણે, આપણને’ જેવા પ્રયોગો અચૂક આવે છે. આવા ‘હું’કારને તે ‘ગર્જના’ ગણતા હશે, પણ સમજુ શ્રોતાઓને તે ‘મૈં મૈં’ લાગે છે.
મોરપ્રકારઃ ‘મારાં પીંછાં પર ને મારી કળા પર, રૂપ ને રંગછટા પર દુનિયા ફીદા છે’ એવી દૃઢ પ્રતીતિ ધરાવતા સંચાલકો પોતાના વાક્પ્રવાહના પ્રેમમાં બાકીના વક્તાઓને વિસરી જાય છે. તેમને લાગે છે કે ‘હું આટલું સરસ બોલતો હોઉં તો મારો લાભ લેવાનો શ્રોતાઓને અધિકાર છે અને તેમને આ લાભ આપવાની મારી ફરજ.’ આ ખ્યાલમાં મોરની જેમ કળા કરતાં કરતાં શ્રોતાઓ સમક્ષ એ ક્યારે અવળા ફરી જાય છે એનો તેમને ખ્યાલ રહેતો નથી. તેને કારણે સંચાલક બઘું મળીને મુખ્ય મહેમાન કરતાં પણ વધારે સમય ખાઇ જાય એવી દુર્ઘટનાઓની સમારંભજગતમાં નવાઇ નથી.
કાગપ્રકારઃ આંગણે કાગડો બોલે ત્યારે કોઇ મહેમાન આવે, એવું મનાય છે. સંચાલકની આદર્શ કામગીરી વક્તાના આગમનની જાહેરાત કરીને ઉડી જવાની છે. પરંતુ જેની રાહ જોવાતી હોય તે મહેમાન દેખાય નહીં અને આખો વખત કાગડો જ ‘કા કા’ કરે તો કેવું લાગે? એવું અમુક સંચાલનોમાં થાય છે. આ પ્રકાર, પોતાના વક્તવ્ય પર ફિદા થવાના લક્ષણને બાદ કરતાં, લગભગ મોરપ્રકાર જેવો જ છે. પહેલાં તેના માટે ‘ના, હું તો ગાઇશ’ કહેનારા ગર્દભની સ્મૃતિમાં ‘ગર્દભપ્રકાર’ જેવું વિભાગીકરણ સૂચવાયું હતું, પણ વિવિધ વર્ગોની લાગણીને ઘ્યાનમાં રાખીને તેને સ્થાને ‘કાગપ્રકાર’ રાખવાનું ઠર્યું.
પોપટપ્રકારઃ પોપટ ખરેખર શું બોલે એ સૌ જાણે છે. એટલે તે ‘રામ રામ’ કે ‘ગુડ મોર્નિંગ’ બોલે ત્યારે સાંભળનારને બે ઘડી મનોરંજન મળે છે કે ‘વાહ, પોપટ છે તો પણ ગોખેલું કેવી સરસ રીતે બોલે છે, જાણે તેને ખરેખર અંદરથી આવડતું હોય.’ સામાન્ય વ્યવહારમાં ન વપરાતાં ભારેખમ સંબોધનો, વિશેષણો, શબ્દપ્રયોગો, આવકારવચનો અને પ્રશસ્તિઓ મંચ પરથી ગબડાવનારા સંચાલકો આ પ્રકારમાં આવે છે. તેમનું સંભાષણ નિર્દોષ લોકોને ‘મીઠું મીઠું’ લાગી શકે, પણ સ્વાભાવિકતાથી ટેવાયેલા લોકો તેમને સાંભળીને ચૂંથારો અનુભવે છે.
ગરુડપ્રકારઃ સામાન્ય રીતે બધાથી અદૃશ્ય રહીને ઊંચે આકાશમાં ચકરાવા મારતા ગરુડની જેમ તે આખા કાર્યક્રમમાં મોટે ભાગે અદૃશ્ય રહે છે અને પોતાનો વારો આવે ત્યારે બાજ જેવી ઝડપથી માઇક પર આવીને, એટલી જ ત્વરાથી પોતાનું કામ આટોપીને, ફરી અદૃશ્ય થઇ જાય છે. આ પ્રકાર લગભગ નામશેષ થવાના આરે છે.
Subscribe to:
Post Comments (Atom)
પ્રિય ઉર્વીશભાઇ,સભાસંચાલકોના પ્રકારો અનુસાર તેમના સ્વભાવોની લાક્ષણિક્તાઓ તમારા અંદાજમાં આબેહુબ ઝીલી છે.રોજબરોજની ઘટનાઓમાં રમુજ નિહાળનાર આપની ધારદાર નજરને સલામ.
ReplyDeleteક્યારેક એક જ સંચાલકમાં એક સાથે આમાંના ઘણા લક્ષણો જોવા મળી શકે.
ReplyDeleteબીજું એક સૂચન છે. જેમ ભાઇલોગ પોતે જ સીધા ચૂંટણી લડવા લાગ્યા, હીરોલોગ જાતે જ વિલનની ભૂમિકા ભજવવા લાગ્યા, સિનિયર કોલમિસ્ટો ખુદ ચિંતક બની ગયા, એમ જેનો કાર્યક્રમ હોય એ કલાકાર ખુદ સંચાલક બની જાય અને પોતાના કાર્યક્રમોનું જાતે જ સંચાલન કરવા લાગે તો?
આપે વર્ણવેલ બધા સંચાલક પ્રકારોનો પીડા દાયકા અનુભવ થઈ રહ્યો છે.ઉર્દૂ-હિન્દી મુશાયરા(કવિ સમ્મેલન)ને આમાંથી અપવાદમાં મૂકી શકાય.
ReplyDeleteગુજરાતી વાળાઓએ એમાં જુલ્મી આક્રમણ કર્યું છે.
શ્રીઉશનસ-પ્રો..જયંત પાઠક-બેકાર-અકબરલી જશદણવાલા ના સંચાલનમાં થયેલા મુશાયેરાઓ વિરલ હતા.એ લોકો ખાલી વકતાનું નામ લઈ અટકી જતા.અને પોતાનો વારો આવે ત્યારે પોતાનું કલામ રજુ કરતા.
હવે સભામાં બે ત્રણ શાયર-કવિ હોય તો પણ ત્રણ -ચર કલાક ઓછા પડે છે.
એક કવિને પાંચ મિનીટનો ટાઈમ આપે છે પછી પોતે ગોખેલા કે લખી લાવેલા શેરો લલકારે છે-જાણે એબધા શેરો એમના પિતાશ્રીએ ન લખ્યા હોય.આખા કાર્યક્ર્મ માં મહેમાન કવિઓને અડધો સમય પણ મળતો નથી પરંતુ સંચાલક અ કવિ અડધો ઉપર સમય બગાડે છે.
આ બધું રોકવાનો ઉપાય શું ?
જો પરવાનગી આપો તો આ લેખ -બઝને વફા-પર પોસ્ટ કરવાનું મન થાય છે.
abhaidu@yahoo.com
www.bazmewafa.wordpress.com
very nice article. i absolutely agree with you.....
ReplyDeleteએક વાત કહું ઉર્વીશભાઈ? તમે આ લેખ લખ્યો નથી પણ દોર્યો છે.આખી યાદી દેખાઈ ગઈ!!!!!!!!!!!!
ReplyDeleteસંચાલકોના બે નમૂના હું જિંદગીભર ભૂલી શકું એમ નથી અને એ બે દ્રષ્યોએ મારા મન પર એટલો આઘાત પહોંચાડ્યો છે કે હું કદી એમની અન્ય સારી બાબતો (જો હોય તો) વિશે વિચારી પણ નહિ શકું.
ReplyDeleteએક પ્રસંગ હતો જાણીતા પત્રકાર-લેખકના પુસ્તક વિમોચનનો. ઠાકોરભાઈ હોલમાં યોજાયેલા એ કાર્યક્રમમાં અશ્વિની ભટ્ટ મુખ્ય વક્તા હતા અને "લબ્ધપ્રતિષ્ઠિત" ગણાતાં એક બહેન સંચાલક તરીકે હતા. કાર્યક્રમના આરંભથી જ એ બહેને "હું આમ ને હું તેમ"ની પીપુડી ચાલુ કરી દીધી. જેમનાં પુસ્તકનું વિમોચન હતું એમનું કંઈક તો બોલવું પડે. પણ એમાં ય કેવી ચાલાકી.. એક નમૂનો, "ફલાણાભાઈની સાહિત્યસૂઝ જુઓ. એક વખત એમણે મારી એક નોવેલ મંજ્રર કરી એ પછી મારી એ નોવેલ આટલી વંચાઈ, આટલી વેચાઈ. પછી તો મેં આટલું લખ્યું એ આટલું વંચાયુ અને પછી તો હું.. અને પછી તો મારૂં..."
કાર્યક્રમમાં એક મોટા ગજાના તંત્રી આવ્યા. સંચાલક મહોદયાએ "ફલાણા તંત્રીનું હું સ્વાગત કરૂં છું" કહીને તરત પોતાનો હેતુ સાધી લીધો, "એમનાં અખબારમાં મેં લખવાનું શરૂ કર્યું પછી આટલા વાચકો મને રોજ ફોન કરે છે. મારા મોબાઈલની બેટરી ઉતરી જાય છે. હું તો તંત્રીને વિનંતી કરૂં છું કે મને બીજો મોબાઈલ લઈ આપે."
પછી અશ્વિની દાદાનો ય વારો પડી ગયો. "એમનાં જેવા સિધ્ધહસ્ત લેખકે શરૂઆતમાં મને કહ્યું હતું કે તારો ય એક દિવસ હશે. આજે એક દાયકાથી એમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. (મતલબ કે એમણે તો એક દિવસ કહ્યો હતો, મારો તો આખો દાયકો ચાલે છે). વાચકો પર એમની ભૂરકી એવી છે કે એમના અનેક ચાહકો મને કહે છે કે, તમને વાંચ્યા પછી માંડ અશ્વિની ભટ્ટની અસર થોડી ઓછી થઈ. એ મારા ગુરુ છે. (પણ આજે તો મારી પાસે ગુરુના દાળિયા ય ન આવે)
સરવાળે, જેના પુસ્તકનું વિમોચન હતું એ ય કોરાણે. જે મુખ્યવક્તા હતા એ ય ઠેકાણે અને આખા કાર્યક્રમમાં આ બહેનનું જ પીપુડું વાગ્યા કર્યું.
હદ તો ત્યારે થઈ જ્યારે સ્વયં મુખ્યવક્તા અશ્વિની ભટ્ટને પાંચ મિનિટમાં એમનું વક્તવ્ય પૂરું કરવા માટે આયોજક (પ્રકાશકે) ચાલુ પ્રવચને બે વાર ચીઠ્ઠી મોકલાવી, કારણકે "મોડું" થઈ રહ્યું હતું !!!???
બીજી ઘટના મુંબઈની છે. ભાઈદાસ હોલના એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હતા અને પેલા બહેન જેવા જ "લબ્ધપ્રતિષ્ઠિત" એક કવિ મહાશય સંચાલક હતા. પોતે ગુજરાતી કવિ છે પણ ઉર્દુ શેરોશાયરીના ય અચ્છા જાણકાર છે એવું સાબિત કરવા જરૂર વગર ઠોક ઠોક કરવા માંડ્યા. એમાં ઝૌકના શેર ગાલિબના નામે અને જોશ મલિહાબાદીના શેર ફૈઝ અહમદ ફૈઝના નામે ઠોકી દીધા. રઘુપતિ સહાય "ફિરાક" અને "ફિરાક" ગોરખપુરી વચ્ચેનો ભેદ પણ એમના સમર્થ હાથોએ ભૂંસી નાંખ્યો. અને આપવડાઈ તો સતત ચાલુ જ. એમાંય આજે તો મોદી હાજર હતા અને કાર્યક્ર્મમાં ભાટાઈની ચડસાચડસી ચાલતી જ હતી. હું હાજર હોઉં ત્યાં મારાથી વધુ ભાટાઈ બીજો કરી કેમ જાય એની હુંસાતુંસીમાં સંચાલક શી વાતેય માઈક ન છોડે. "મોદીસાહેબે મને એક વખત કહ્યું... મેં તો તરત કહી જ દીધું... પણ મોદીસાહેબ પણ ખરા હીરાપારખુ છે. એમણે મને જ એ કામ સોંપ્યું અને પછી તો મેં એવું કર્યું.." મોદીની આડમાં પોતાની ધોરાજી હંકાર્યા પછી સંચાલકે છેવટે મોદીને, રામ ભરતને પાદુકા સોંપતા હોય એ રીતે, માઈક સોંપ્યું. પણ મોદીની ભાટાઈનો ખેલ તો ચાલુ જ ચાલુ. મોદી જરાક ચબરાકિયા શબ્દ બોલે એટલે આ સંચાલક મહાશય ધાવણા છોકરાની મુગ્ધતાથી ઓડિયન્સને તાળીઓ પાડવા ઈશારા કરે. મોદી વળી કંઈક તોપખાનામાં નામ લખાવે એટલે બે હાથ હવામાં ઊંચા કરીને (મોદીને દેખાય એમ) જાણે મુશાયરામાં દાદ આપતા હોય એમ લગભગ ત્રાડ નાંખીને (મોદીને સંભળાય એમ) "આહાહાહા" કરે.
આ બે તાયફા, આપવડાઈ અને ચાપલુસીના આ બે વરવા અને શરમજનક નમૂનાઓ જોયા પછી મેં નક્કી કર્યું છે કે તળિયા વગરના આ લોકો સંચાલન કરવાના હોય ત્યાં ન જવું અને જવું જ પડે તો ભરી બંદુકે જવું.
- અને જ્યોતિષીઓ કહે છે કે, મારી કુંડળીમાં બે હત્યાઓ લખાયેલી છે!!
સંચાલકોના બે નમૂના હું જિંદગીભર ભૂલી શકું એમ નથી અને એ બે દ્રષ્યોએ મારા મન પર એટલો આઘાત પહોંચાડ્યો છે કે હું કદી એમની અન્ય સારી બાબતો (જો હોય તો) વિશે વિચારી પણ નહિ શકું.
ReplyDeleteએક પ્રસંગ હતો જાણીતા પત્રકાર-લેખકના પુસ્તક વિમોચનનો. ઠાકોરભાઈ હોલમાં યોજાયેલા એ કાર્યક્રમમાં અશ્વિની ભટ્ટ મુખ્ય વક્તા હતા અને "લબ્ધપ્રતિષ્ઠિત" ગણાતાં એક બહેન સંચાલક તરીકે હતા. કાર્યક્રમના આરંભથી જ એ બહેને "હું આમ ને હું તેમ"ની પીપુડી ચાલુ કરી દીધી. જેમનાં પુસ્તકનું વિમોચન હતું એમનું કંઈક તો બોલવું પડે. પણ એમાં ય કેવી ચાલાકી.. એક નમૂનો, "ફલાણાભાઈની સાહિત્યસૂઝ જુઓ. એક વખત એમણે મારી એક નોવેલ મંજ્રર કરી એ પછી મારી એ નોવેલ આટલી વંચાઈ, આટલી વેચાઈ. પછી તો મેં આટલું લખ્યું એ આટલું વંચાયુ અને પછી તો હું.. અને પછી તો મારૂં..."
કાર્યક્રમમાં એક મોટા ગજાના તંત્રી આવ્યા. સંચાલક મહોદયાએ "ફલાણા તંત્રીનું હું સ્વાગત કરૂં છું" કહીને તરત પોતાનો હેતુ સાધી લીધો, "એમનાં અખબારમાં મેં લખવાનું શરૂ કર્યું પછી આટલા વાચકો મને રોજ ફોન કરે છે. મારા મોબાઈલની બેટરી ઉતરી જાય છે. હું તો તંત્રીને વિનંતી કરૂં છું કે મને બીજો મોબાઈલ લઈ આપે."
પછી અશ્વિની દાદાનો ય વારો પડી ગયો. "એમનાં જેવા સિધ્ધહસ્ત લેખકે શરૂઆતમાં મને કહ્યું હતું કે તારો ય એક દિવસ હશે. આજે એક દાયકાથી એમની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. (મતલબ કે એમણે તો એક દિવસ કહ્યો હતો, મારો તો આખો દાયકો ચાલે છે). વાચકો પર એમની ભૂરકી એવી છે કે એમના અનેક ચાહકો મને કહે છે કે, તમને વાંચ્યા પછી માંડ અશ્વિની ભટ્ટની અસર થોડી ઓછી થઈ. એ મારા ગુરુ છે. (પણ આજે તો મારી પાસે ગુરુના દાળિયા ય ન આવે)
સરવાળે, જેના પુસ્તકનું વિમોચન હતું એ ય કોરાણે. જે મુખ્યવક્તા હતા એ ય ઠેકાણે અને આખા કાર્યક્રમમાં આ બહેનનું જ પીપુડું વાગ્યા કર્યું. હદ તો ત્યારે થઈ જ્યારે સ્વયં મુખ્યવક્તા અશ્વિની ભટ્ટને પાંચ મિનિટમાં એમનું વક્તવ્ય પૂરું કરવા માટે આયોજક (પ્રકાશકે) ચાલુ પ્રવચને બે વાર ચીઠ્ઠી મોકલાવી, કારણકે "મોડું" થઈ રહ્યું હતું!!!???
બીજી ઘટના મુંબઈની છે. ભાઈદાસ હોલના એ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હતા અને પેલા બહેન જેવા જ "લબ્ધપ્રતિષ્ઠિત" એક કવિ મહાશય સંચાલક હતા. પોતે ગુજરાતી કવિ છે પણ ઉર્દુ શેરોશાયરીના ય અચ્છા જાણકાર છે એવું સાબિત કરવા જરૂર વગર ઠોક ઠોક કરવા માંડ્યા. એમાં ઝૌકના શેર ગાલિબના નામે અને જોશ મલિહાબાદીના શેર ફૈઝ અહમદ ફૈઝના નામે ઠોકી દીધા. અને આપવડાઈ તો સતત ચાલુ જ.
એમાંય આજે તો મોદી હાજર હતા અને કાર્યક્ર્મમાં ભાટાઈની ચડસાચડસી ચાલતી જ હતી. હું હાજર હોઉં ત્યાં મારાથી વધુ ભાટાઈ બીજો કરી કેમ જાય એની હુંસાતુંસીમાં સંચાલક શી વાતેય માઈક ન છોડે. "મોદીસાહેબે મને એક વખત કહ્યું... મેં તો તરત કહી જ દીધું... પણ મોદીસાહેબ પણ ખરા હીરાપારખુ છે. એમણે મને જ એ કામ સોંપ્યું અને પછી તો મેં એવું કર્યું.." મોદીની આડમાં પોતાની ધોરાજી હંકાર્યા પછી સંચાલકે છેવટે મોદીને, રામ ભરતને પાદુકા સોંપતા હોય એ રીતે, માઈક સોંપ્યું. પણ મોદીની ભાટાઈનો ખેલ તો ચાલુ જ ચાલુ.
મોદી જરાક ચબરાકિયા શબ્દ બોલે એટલે આ સંચાલક મહાશય ધાવણા છોકરાની મુગ્ધતાથી ઓડિયન્સને તાળીઓ પાડવા ઈશારા કરે. મોદી વળી કંઈક તોપખાનામાં નામ લખાવે એટલે બે હાથ હવામાં ઊંચા કરીને (મોદીને દેખાય એમ) જાણે મુશાયરામાં દાદ આપતા હોય એમ લગભગ ત્રાડ નાંખીને (મોદીને સંભળાય એમ) "આહાહાહા" કરે.
આ બે તાયફા, આપવડાઈ અને ચાપલુસીના આ બે વરવા અને શરમજનક નમૂનાઓ જોયા પછી મેં નક્કી કર્યું છે કે તળિયા વગરના આ લોકો સંચાલન કરવાના હોય ત્યાં ન જવું અને જવું જ પડે તો ભરી બંદુકે જવું. - અને જ્યોતિષીઓ કહે છે કે, મારી કુંડળીમાં બે હત્યાઓ લખાયેલી છે!!
પ્રિય ધૈવત, લાગે છે કે મારી કુંડળી પણ જોવડાવવી પડશેઃ-)
ReplyDeleteભાઈ ધૈવત,
ReplyDeleteતમે સમજો છો શું તમારા મનમાં ? શો અધિકાર છે તમને બાકીના શ્રોતાઓને આમ તલવારની ધાર પર રાખવાનો? શું આ બે સંચાલકોના નામ તમારી પાસેથી જાણવા માટે અમારે આર.ટી.આઈ. હેઠળ અરજી કરવી પડશે? તમે એમનાં નામ જણાવ્યા હોત તો શક્ય છે કે તમારું (બંદૂકવાળું) કામ કોઈ અન્ય પણ કરી દે.
તમે આ નામ અહીં ભલે ન લખ્યા, પણ કોઈ જાણીતા લેખકને ખાનગીમાં કહીને એનો ઉલ્લેખ અહીં કરી શક્યા હોત ને! જેથી અમે એ લેખકને જ સીધો ફોન કરીને પૂછી લેત!
તમારી કુંડળીમાં ભલે બે જ હત્યાઓ લખાઈ હોય,અમે આવા સંચાલકની સભામાં ભરાઈ પડ્યા તો એ પછી જે થાય એની નૈતિક જવાબદારી પણ તમારે શિરે રહેશે.
ધૈવતભાઈ,
ReplyDeleteતમે આ બે સભા-સંચાલકોના નામ ખાનગીમાં મોરારીબાપુને કહી શક્યા હોત કે પછી 'હું જે કહું છું તે જાહેરમાં જ કહું છું અને મારી વોલ (એટલે કે ફેસબુકની) ખુલ્લી જ હોય છે અને હું તો આદતવશ બધું કહી જ દઉં છું' એવો દાવો પણ તમે કરી શક્યા હોત. પણ લાગે છે કે તમે ગુજરાતી નથી (નહિ તો પછી લેખક નથી) :)
બીજું કે, હવે તમારા માથે બે ખૂન લખેલા જ હોય તો હવે અમે જ્યારે આવી સભામાં બેઠા હોઈએ તો તમને ફોન કરીને બોલાવી લઈશું. તમે ભરી બંદુકે આવી જશો. આભાર. :)
ઋતુલ
બિરેનભાઈ, રુતુલ..
ReplyDeleteનામ ન લખવામાં માત્ર છોછ એટલો જ કે આ ઉર્વીશભાઈનો બ્લોગ છે. એમાં ક્યાં નાહકનો વિવાદ ઊભો કરવો? અને બીજુ કે, પ્રથમ પ્રસંગને દોઢ વરસ અને બીજાને છ મહિના વીતી ચૂક્યા છે. એમ છતાંય વગર નામ લખ્યે અનુમાનની આસાની રહે તેની મેં પૂરતી કાળજી રાખી જ છે !
ખરેખર તો, મુંબઈવાળો પ્રસંગ આખો અહીં લખવાનું ઊર્વીશભાઈનું નિમંત્રણ હતું જ. પણ એ વખતે હું સંદેશ છોડી ચૂક્યો હતો, ગુજરાત સમાચારમાં જોડાયો ન હતો. વચ્ચેના એ વેકેશનકાળમાં સંદેશનું દીધેલું ટાટા ડોકોમોનું પમ્પુડુ પરત કરી ચૂક્યો હતો અને ગુ.સ.નું એવું પમ્પુડું હજી મળ્યું ન હતું. એમાં મારી બાદશાહી આળસ પણ ખરી. એટલે ત્યારે એ રહી જ ગયું. ત્યારની ખણ અત્યારે કાઢી. જો એ વખતે અસલના વખતના મિજાજમાં લખ્યું હોત તો ઘણાં મહાનુભાવોના લૂગડાં ઉતર્યા હોત.
પણ તેનો કોઈ અફસોસ નથી. આ પ્રજા જેમ અવસરવાદી છે એમ આપણને પૂરતા અવસર આપવામાં પણ માને છે. એટલે, better luck next time !