Wednesday, December 28, 2011

બાર્ગેઇનમેં બહાર હૈ

ગાંધીજીએ આઝાદીની માગણી કરી ત્યારે અંગ્રેજોએ ‘અરે લઇ જાવને! તમારા માટે એવું છે?’ એવો કોઇ ડાયલોગ ફટકારીને આઝાદી આપી દીધી હોત તો?

વિચારવાનું એ નથી કે દેશનું શું થાત. સવાલ એ છે કે સ્વાતંત્ર્યસંગ્રામના ભવ્ય ઇતિહાસનું શું થયું હોત? શું આઝાદ ભારતની ભાવિ પેઢી ઇતિહાસમાં એવું શીખત કે અંગ્રેજોએ ભારતને ‘ઓન ડીમાન્ડ’ આઝાદીની ‘હોમ ડિલીવરી’ આપી? એવું ધારત કે બેરિસ્ટર ગાંધી લંડનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં હેટ ખરીદવા ગયા ત્યારે ભેગાભેગી આઝાદી ફ્રી લેતા આવ્યા હશે? આ શરમજનક કલ્પનાઓ સાચી ન પડી, તેનું ઘણું શ્રેય જો કોઇને આપવું હોય તો એ અંગ્રેજોને કે ભારતીય નેતાઓને નહીં, પણ તેમની વચ્ચે થયેલા બાર્ગેઇનિંગને આપવું જોઇએ.

બાર્ગેઇનિંગનો સાદો સિદ્ધાંત સની દેઓલ શૈલીમાં એક જ વાક્યમાં કહી શકાયઃ દૂધ જોઇતું હોય તો ખીર માગવી અથવા આપનારના દૃષ્ટિકોણથી કહી શકાયઃ ખીર માગે તો દૂધ આપવું. તેનો પેટાસિદ્ધાંતઃ આપનારે શરૂઆત સદંતર નકારથી કરવી અને માગનારે પહેલેથી બઘું જ માગી લેવું.

ભારતના નેતાઓ આઝાદી માગે એટલે અંગ્રેજો પહેલાં દંડા મારે ને ઘોડેસવાર પોલીસ દોડાવે. તેમ છતાં માગણી ચાલુ રહે, એટલે અંગ્રેજો વાટાઘાટો કરવા જેટલા નીચે ઉતરે અને પોતાની એંટ છોડ્યા વગર થોડું જતું કરવાની તૈયારી બતાવે કરે. ત્યાર પછી પણ ભારતના નેતાઓ ન માને એટલે અંગ્રેજ બચ્ચા ચૂંટણીઓ યોજવા ને પ્રધાનમંડળો રચવા રાજી થાય. છતાં ભારતીયોની માગણી ચાલુ રહે અને સાંજ પડી જાય- દુકાન (કે લારી) વધાવવાનો સમય આવી જાય, એટલે ‘તમારું પણ નહીં ને મારું પણ નહીં’ની જેમ, અંગ્રેજો ભારતને આઝાદી આપીને, પણ ત્યાર પહેલાં દેશના ભાગલા પાડીને વિદાય લે. છતાં, આદર્શ બાર્ગેઇનંિગની જેમ છેવટે બન્ને પક્ષોને લાગે કે ‘જોયું? આપણે કેવા ફાયદામાં રહ્યા.’

મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે તેમ ભાવતાલની રકઝક માટે વપરાતા અંગ્રેજી શબ્દ ‘બાર્ગેઇનિંગ’નું ગુજરાતી ભાગ્યે જ કોઇને સમજાવવું પડે. ‘સાર્થ જોડણી કોશ’માં એ શબ્દ હજુ સુધી ન હોય, તો તેને વેળાસર દાખલ કરવો જોઇએ અને જો હોય તો તેને અંગ્રેજી નહીં, પણ ગુજરાતી શબ્દ તરીકે સ્થાન-માન મળવું જોઇએ. ‘ગુજરાતપ્રેમ’ના ઉભરા તળે ક્યારેક એવું પણ માનવું ગમે કે ‘બાર્ગેઇનિંગ’ ગુજરાતી ભાષાનો શબ્દ નથી, એ નક્કી ગુજરાતવિરોધીઓનું કાવતરું હોવું જોઇએ.

ચિત્ર, સંગીત, ગણિત, બાર્ગેઇનિંગ- આ બધી આવડતોને કુદરતી બક્ષિસ ગણી શકાય. તેનાં પુસ્તકો ન હોય અને હોય તો પણ એ ફક્ત પુસ્તકો વાંચીને શીખી ન શકાય. એ દૃષ્ટિએ તેની સરખામણી તરવા સાથે પણ થઇ શકે. પાણીમાં પડ્યા વિના કેવળ ચોપડાં વાંચીને કે મહાન તરવૈયાઓની ગાથાઓ સાંભળીને જેમ તરતાં ન આવડે, તેમ બાર્ગેઇન-બહાદુરોના ગમે તેટલા કિસ્સા સાંભળ્યા પછી કે દુકાનદારોની માનસિકતાનો ઊંડો અભ્યાસ કર્યા પછી, સ્થળ પર બાર્ગેઇનિંગ કરવું એ સાવ જુદી વાત છે. અર્જુન જેવા બહાદુરનાં ગાત્રો કુરુક્ષેત્રમાં કિંકર્તવ્યમૂઢ ભાવથી શિથિલ થયાં હતાં, એવો જ અંજામ બીજી રીતે બહાદુર હોય એવા લોકોનો બાર્ગેઇનિંગના કુરુક્ષેત્રમાં થઇ શકે. કોઇને બે ધોલ મારીને મફત પડાવી લેવાની ‘હિંમત’ ધરાવતા લોકો બાર્ગેઇનિંગ કરવાનું આવે ત્યારે તે ગેંગેં ફેંફેં થઇ જાય તો નવાઇ નહીં. (આજકાલ ગુંડાગીરી અને ગુનાઇત માનસિકતાને ‘હિંમત’ તરીકે ઓળખવાની-બિરદાવવાની ફેશન છે)

બે હાથ વિના તાળી પડતી નથી, તેમ બે પક્ષ વિના બાર્ગેઇનિંગ થતું નથી. એટલે જ, બાર્ગેઇનિંગને બીજા કોઇએ નહીં તો ‘અમૂલ-ભૂમિ’ ગુજરાતે સહકારી પ્રવૃત્તિનો દરજ્જો આપીને, તેનો મહિમા કરવો જોઇએ. બાર્ગેઇનિંગ માટે ઉત્સુકતા, ધીરજ, સહિષ્ણુતા, સામેવાળા પાસેથી ધાર્યું કરાવવાની તત્પરતા અને એવું કરાવી શકાશે એવો વિશ્વાસ જેવા ગુણો બન્ને પક્ષે અનિવાર્ય છે. મનની શક્તિઓ વિકસાવવાના અને તેના કાર્યક્રમોના બહાને હજારો રૂપિયા ખંખેરવાના આ જમાનામાં બાર્ગેઇનિંગ એક એવી પ્રવૃત્તિ છે, જેનાથી એ કરનારના મનની શક્તિ ફી ભર્યા વિના, બલ્કે સામેવાળાના આર્થિક હિસાબે અને જોખમે સતત વિકસતી રહે છે. બાર્ગેઇનિંગ લગભગ ઘ્યાનની કક્ષાનો મનોયોગ છે. તેમાં એક જ લક્ષ્ય ચિત્તમાં ધરીને, તેની પરથી નજર અને ઘ્યાન હટાવ્યા વિના, તેની આસપાસનાં બીજાં પરિબળોથી વિક્ષિપ્ત થયા વિના, ટકી રહીને છેવટે લક્ષ્યપ્રાપ્તિ સુધી પહોંચવાનું હોય છે.

અનુભવી ખરીદારો અને દુકાનદારો જાણે છે કે બાર્ગેઇનિંગના મુખ્ય બે પ્રકાર છેઃ ખરીદવા માટે અને ‘બસ, યું હી’, રીયાઝ ખાતર. બીજા પ્રકારના લોકો હવામાં ગોળીબાર કરીને બંદૂક બરાબર ચાલે છે કે નહીં તેની ખાતરી કરી જોનારા લોકો જેવા હોય છે. તેમનો ‘ગોળીબાર’ એટલો નિર્દોષ નથી હોતો એટલું જ. એવા લોકો રસ્તા પર ટહેલતા નીકળ્યા હોય ને લારીમાં કે દુકાનમાં ગોઠવેલી કોઇ ચીજ પર નજર પડે એટલે, ખરીદવાનો કુવિચાર મનમાં આણ્યા વિના, તે જઇ પહોંચે છે અને વસ્તુ તરફ આંગળી ચીંધીને પૂછે છે,‘આનું શું છે?’ અથવા વજનથી ખરીદવાની ચીજ હોય તો ‘કેમ આપી?’

એક વાર સામેથી ભાવ પડે એટલે બસ. તેમને એટલું જ જોઇતું હોય. બોલાયેલા ભાવની રસ્સી પકડીને એ સરસરાટ નીચે ઉતરવા માંડે છે. દુકાનદાર બાર્ગેઇનપ્રેમી ન હોય, તો તે ક્રૂર વિલનની જેમ અધવચ્ચેથી જ દોરડા પર કાતર ચલાવતાં કહે છે,‘લેવું હોય તો લો, નહીંતર ચાલતી પકડો.’ પરંતુ સતયુગ હજુ છેક આથમી ગયો નથી. બાર્ગેઇનિંગને ભાવ આપતા, તેને ગ્રાહકનો અધિકાર સમજતા અને તેમના બાર્ગેઇનિંગને વશ ન થવામાં પોતાની સફળતા ગણતા દુકાનદારો હજુ મોજૂદ છે. એવા દુકાનદારો સાથે બાર્ગેઇનિંગમાં ઘણું આગળ વઘ્યા પછી, એક તબક્કે દુકાનદાર એટલી વ્યૂહાત્મક ઉદારતા દેખાડે છે કે ભાવ કરનાર ગભરાય છે, ‘હવે વધારે બોલીશું તો વસ્તુ ખરીદીને જવું પડશે.’ એમ વિચારીને તે બાર્ગેઇનિંગ પડતું મૂકીને ચાલતી પકડે છે. તેની પીઠ પાછળ ક્યારેક દુકાનદારના મશ્કરીપૂર્ણ શબ્દો અફળાય છે,‘મને તો એનું મોં જોઇને જ ખબર પડી ગઇ હતી કે એને કશું ખરીદવું નથી. અમથો ટાઇમ પાસ કરવા આવ્યો છે. બેટમજીને કેવો ભગાડ્યો!’ મોલ-યુગમાં દુકાનદારોની સહિષ્ણુતા તેમની પ્રામાણિકતા કરતાં પણ વધારે ઝડપથી ઘટી રહી છે, ત્યારે બાર્ગેઇનને પ્રોત્સાહન આપનારા અને ‘શૂરા સંગ્રામ છોડીને ભાગે નહીં’ એવા ગૌરવથી બાર્ગેઇન-બહાદુરોનો મુકાબલો કરનારા દુકાનદાર ઘટતા જાય છે.

ખાલીપીલી ભાવ કરાવનારા માટે સવાલ નિઃસ્વાર્થ મનોરંજનનો હોય છે. બન્નેમાંથી એકેય પક્ષે આર્થિક વ્યવહાર સંકળાયેલો નથી. તેમની સરખામણીમાં, ખરેખર ખરીદી કરનારા ઘણા વઘુ ખતરનાક હોય છે. તેમના મનમાં વસ્તુ ખરીદવાની તાલાવેલી હોવાથી, તે દુકાનદારને કે ફેરિયાને ભીંસમાં લેવાની અનેક યુક્તિઓ અજમાવે છે. બાર્ગેઇન માટે એકસરખો ઉત્સાહ ધરાવતા દુકાનદાર-ગ્રાહક મળે ત્યારે ‘બેઉ બળીયા બાથે વળીયા’ જેવું દૃશ્ય સર્જાય છે. જોનારના શ્વાસ થંભી જાય છે. દુકાનદાર કે ફેરિયો કોઇ વસ્તુનો ભાવ પાંચસો રૂપિયા પાડે, એટલે બાર્ગેઇન કરનાર એ સાંભળ્યું-ન સાંભળ્યું કરીને કહેશે, ‘પચાસ રૂપિયા.’ બન્ને પક્ષો એકબીજાના ભાવ સાંભળીને મોં મચકોડવાને બદલે, ‘અબ આયેગા અસલી મજા’ના અંદાજમાં સજ્જ થાય છે. ત્યાર પછી ટેનિસની રસાકસીભરી મેચની જેમ સામસામા અંક-ફટકા શરૂ.‘૫૦૦’ -‘૫૦’,‘૨૭૦’-‘૫૫’. ‘૧૫૦’-‘૬૦’. સાંભળનારના જીવ અદ્ધર થઇ જાય, પણ બોલનારના પેટનું પાણી હાલતું નથી. છેવટે બન્ને જણ ૮૦ રૂપિયામાં ‘ફાઇનલ’ સોદો પાડે, ત્યારે સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થવાની જ બાકી રહે છે.

બાર્ગેઇનિંગની પ્રક્રિયાના શરમજનક ગણતા લોકો પણ હોય છે. ‘ભાવ અનુકૂળ હોય તો લેવું, ન ફાવે તો નહીં, પણ લમણાંઝીંક કરવાની શી જરૂર?’ એવી અકળામણ તેમને થાય છે. સામેવાળા પ્રત્યે દ્વેષ રાખ્યા વિના તેની સામે લડીને, તેની માનસિકતામાં રોકડું પરિવર્તન આણવાનો બાર્ગેઇન-સત્યાગ્રહ તેમના પલ્લે પડતો નથી.

અન્ના હજારેની મંડળીમાં બાર્ગેઇનની કુદરતી બક્ષિસ ધરાવતો એકાદ ગુજરાતી હોત તો કદાચ લોકપાલનો ડખો ક્યારનો ઉકેલાઇ ગયો હોત, એવું નથી લાગતું?

1 comment:

  1. Anonymous11:10:00 AM

    અન્ન હઝારે અભિયાન અંગે 'એક કદમ પીછે' અંગે ખુલાસો આપે તો ખબર પડે કે તેમની સાથે કયા સમીકરણો ની માહિતી દ્વારા bargain, અથવા કોઈક ખાસ કારણ છે?

    ReplyDelete