Sunday, December 11, 2011

ટીવીયુગ પહેલાં લોકોને દુનિયા ‘દેખાડનાર’ સામયિકઃ ‘લાઇફ’


તસવીરપ્રધાન સાપ્તાહિક તરીકે ૨૩ નવેમ્બર, ૧૯૩૬ના રોજ શરૂ થયેલા ‘લાઇફ’ની ગયા મહિને ૭૫મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે રોમાંચ, વિસ્મય, કુતૂહલ, ઉત્તેજના, સનસનાટી, અરેરાટી, અહોભાવ, મનોરંજનના અભૂતપૂર્વ સમન્વય જેવા આ સામયિકના એક યાદગાર ‘ઓપરેશન’નું સ્મરણ

શુક્રવાર, નવેમ્બર ૨૨, ૧૯૬૩. બપોરે ‘લાઇફ’/LIFE સામયિકની ઓફિસમાં નિરાંતનો માહોલ છે. નવેમ્બર ૨૯નો અંક તૈયાર થઇને પ્રેસમાં છપાવા ગયો છે. માલિક હેન્રી લ્યુસ અને ‘ટાઇમ’, ‘ફોર્ચ્યુન’, ‘લાઇફ’ જેવાં તેમનાં ખમતીધર પ્રકાશનોના તંત્રીઓ વચ્ચે ડાઇનિંગરૂમમાં ભોજન પછીની ગપસપ ચાલી રહી છે. અચાનક દોઢ વાગ્યાની આસપાસ સમાચાર આવે છેઃ આશરે ૨૫૦૦ કિ.મી. દૂર દલાસમાં પ્રમુખ જોન કેનેડી પર જીવલેણ હુમલો થયો છે.

પત્રકારત્વમાં રહીને આંચકાથી ટેવાયેલા ‘લાઇફ’ના તંત્રી સહિત સૌ થોડો સમય અવાચક થઇ જાય છે. હવે શું કરવું? દર અઠવાડિયે લોસ એન્જલીસ, ફિલાડેલ્ફિયા અને શિકાગોનાં ત્રણ પ્રેસમાં કલાકની ૮૦ હજાર નકલો લેખે કુલ ૭૦ લાખ નકલો છાપતા ‘લાઇફ’ની આગામી (નવેમ્બર ૨૯ના) અંકની સહેજે ૨ લાખ નકલો છપાઇ ચૂકી હોય. તેને રદ કરવામાં આવે તો મોટો આર્થિક ફટકો પડે. પણ મેનેજિંગ એડિટર જ્યોર્જ હંટે વિચારી લીઘું હતું. મિટિંગ છોડીને નીચે આવતાં તેમને આસિસ્ટન્ટ પબ્લિશરનો હોદ્દો ધરાવતા જિમ શીપલી મળ્યા. હંટે તેમને કહ્યું,‘મને થાય છે કે આપણે ચાલુ અંકનું પ્રિન્ટિંગ અટકાવી દઇએ.’ ‘લાઇફ’ના મિજાજથી રંગાયેલા શીપલીએ જવાબ આપ્યો,‘મેં (તમારા કહ્યા વિના) એ સૂચના આપી જ દીધી છે.’

આવડો મોટો નિર્ણય લેવા માટે માલિક કે મેનેજિંગ એડિટરને પૂછવાની જરૂર શીપલીને લાગી નહીં. માલિક હેન્રી લ્યુસે પોતાની રીતે જનરલ મેનેજરને ફોન કરીને જાણ્યું હતું કે છપાઇ ચૂકેલા અંક માંડવાળ કરવાથી દસેક લાખ ડોલરનું આંધણ થશે. પણ તે આ નિર્ણયમાં વચ્ચે આવ્યા નહીં. આખું પ્રકરણ પૂરું થયા પછી હિસાબ માંડ્યો ત્યારે ખબર પડી કે છપાઇ ગયેલા અંકોના ખાતે ૧૨ લાખ ડોલરનું નુકસાન થયું હતું, પણ ‘આ મિલિયન ડોલર અત્યાર સુધી સારામાં સારી રીતે ખર્ચાયેલા’ હોવાનું લ્યુસને લાગ્યું હતું.

‘લાઇફ’ની શાખ એવી હતી કે જે કોઇ ન કરી શકે, તે એ કરી બતાવે. તેમાં આવતી હેરતઅંગેજ તસવીરો, તેની આકર્ષક રજૂઆત અને તેની સરખામણીમાં ઓછી કિંમતને લીધે દર અઠવાડિયે તેની લાખો નકલો ખપી જતી. (સામયિકનો ખર્ચ અને નફો જાહેરખબરોમાંથી નીકળતાં હતાં.)

કેનેડીની હત્યા જેવો મોટો ઐતિહાસિક બનાવ અને નવેમ્બર ૨૭નો અંક કાઢવા માટે હાથમાં રહેલો વઘુમાં વઘુ બે દિવસનો સમય. એક સાથે અનેક મોરચે કામ કરવાનું હતું. તંત્રીવિભાગની એક ટીમને શિકાગો પ્રિન્ટિંગ પ્રેસ પર રવાના કરવામાં આવી. મેગેઝીનની છપાઇ માટે જરૂરી પ્લેટ બનાવવાનું કામ - અને મોટા ભાગની છપાઇ પણ ત્યાં થતી હતી. ચાર જણની એ ટીમમાં એક એક તંત્રી કક્ષાનો માણસ, એક અહેવાલ-ફોટોલાઇન લખનાર, એક એસોસિએટ આર્ટ ડાયરેક્ટર અને એક લે-આઉટ આર્ટિસ્ટ. તેમણે પ્રેસ પર જ રહીને સામગ્રી આવતી જાય તેમ લખાણ અને સજાવટ કરીને, ન્યૂયોર્ક ઓફિસ સાથે સંપર્કમાં રહીને, ફાઇનલ પાનાં છાપવા આપી દેવાનાં.

courtesy: LIFE
પણ છાપવાની સામગ્રી તરીકે શું હતું? મુખપૃષ્ઠ પર કેનેડીની તસવીર લેવી? ‘ટાઇમ’ જૂથની પરંપરા એવી હતી કે મૃત વ્યક્તિની તસવીર મુખપૃષ્ઠ પર ન હોવી જોઇએ. કારણ કે ‘આપણે પાછળ નહીં, પણ આગળ જોઇને ચાલવામાં માનીએ છીએ.’ પરંતુ તેમાં ધરાર અપવાદ કરીને કેનેડીની રંગીન તસવીર મૂકવાનું નક્કી થયું. (‘ટાઇમ’ના મુખપૃષ્ઠ તેનીપરંપરા પ્રમાણે, ઉપપ્રમુખમાંથી પ્રમુખ બનેલા જોન્સનની તસવીર મૂકાઇ.) ‘લાઇફ’ના વિશ્વપ્રસિદ્ધ લાલ-સફેદ રંગના લોગોમાં લાલ રંગને બદલે, વીરલ અપવાદ તરીકે, કાળો રંગ મૂકવામાં આવ્યો.

અંકની સામગ્રી માટે પત્રકાર ટુકડીઓ જુદી જુદી દિશામાં કામે લાગી ગઇ હતી. બે પત્રકારો ઘટનાસ્થળે દલાસ પહોંચ્યા અને ત્યાંની એક હોટેલમાં કામચલાઉ ઓફિસ શરૂ કરીને સ્થાનિક સંપર્કોને ફોન ખખડાવ્યા. તેમાં ‘લાઇફ’ના સ્થાનિક ખબરપત્રી તરફથી એવી માહિતી જાણવા મળી કે પ્રમુખ પર ગોળીબાર થયો ત્યારે દલાસનો કોઇ વેપારી પોતાના મૂવી કેમેરાથી શોખ ખાતર પ્રમુખના કાફલાની મૂવી ફિલ્મ ઉતારી રહ્યો હતો. સાંજ સુધીમાં તો સ્થાનિક ખબરપત્રીએ એ માણસનો પાકો અતોપતો મળી ગયો. તેનું નામ હતું અબ્રાહમ ઝપ્રુડર. ‘લાઇફ’ના પત્રકાર સ્ટોલીએ ફોન પર ઝપ્રુડર સાથે વાતચીત શરૂ કરી અને પોતાની સઘળી કળા વાપરીને તેની પાસેથી એટલી માહિતી મેળવી કે પ્રમુખ પરના ગોળીબારની ફિલ્મ ખરેખર અસ્તિત્ત્વ ધરાવે છે. એટલું જ નહીં, એ ફિલ્મને ઇસ્ટમેન કોડાકના સ્થાનિક સ્ટુડિયોમાં ડેવલપ કરીને તેની ત્રણ કોપી પણ બનાવવામાં આવી છે. એક કોપી અમેરિકાની જાસુસી સંસ્થા એફ.બી.આઇ. પાસે, એક દલાસ પોલીસ પાસે અને એક ઝપ્રુડરની પોતાની પાસે છે, એ પણ જાણવા મળ્યું. ઝપ્રુડરે સ્ટોલીને ફોન પર એવો સંકેત પણ આપ્યો કે ‘એફ.બી.આઇ.એ મને કહી દીધું છે. મારી ફિલ્મનું મારે જે કરવું હોય તે હું કરી શકું છું.’

સ્ટોલીએ ફોન કર્યો ત્યાં સુધી ઝપ્રુડરની ફિલ્મ વિશે બીજા કોઇને અંદાજ ન હતો, પણ એ વાત લાંબો સમય ખાનગી રહે એવી ન હતી. શુક્રવારે રાત્રે જ મળવા માટે સ્ટોલીએ ઝપ્રુડરને ભારે મનામણાં કર્યાં, પણ તેણે બીજા દિવસે સવારે મળવા કહ્યું. ઉત્તેજનામાં રાત વીતાવ્યા પછી સવારે સ્ટોલી ઝપ્રુડરની ઓફિસે પહોંચ્યો ત્યાં સુધી બીજા પત્રકારો ત્યાં પહોંચ્યા ન હતા. એ જોઇને તેને હાશ થઇ. બન્નેએ ફિલ્મ જોઇ. એ સાત સેકન્ડની હતી, પણ એકદમ ચોખ્ખી હતી. આખો ઘટનાક્રમ અને પ્રમુખને ગોળી વાગ્યા પછી માથામાં ઉડતું લોહી સુદ્ધાં તેમાં જોઇ શકાતું હતું.


courtesy : LIFE

પરંતુ તેમની વચ્ચે સોદો થાય તે પહેલાં બીજા પત્રકારો આવી પહોંચ્યા. ઝપ્રુડરે તેમને પણ ફિલ્મ બતાવી, પરંતુ સ્ટોલીએ સૌથી પહેલા ફોન કરનાર તરીકેની પોતાની વગ વાપરીને ઝપ્રુડર સાથે ખાનગીમાં વાટાઘાટો આદરી. પહેલો આંકડો સ્ટોલીએ ૧૫ હજાર ડોલરનો પાડ્યો. ઝપ્રુડરે ફક્ત સ્મિત કરીને આગળ વધવાનો સંકેત આપ્યો. સ્ટોલીએ ઝપ્રુડરના ઘરમાંથી ન્યૂયોર્ક ઓફિસ ફોન કર્યો. ત્યાંથી કહેવામાં આવ્યું કે ‘૫૦ હજાર ડોલર સુધી ઝપ્રુડર માની જાય તો ઠીક. નહીંતર ફરી ફોન કરવો.’ પરંતુ એ વારો ન આવ્યો. ૫૦ હજાર ડોલરમાં, એ ફિલ્મનો ખરાબ રીતે ઉપયોગ ન થાય એ શરતે, ઝપ્રુડરે ‘લાઇફ’ સાથે સોદો કરી લીધો. ફિલ્મની અસલ અને ઝપ્રુડરની નકલ લઇને સ્ટોલી, બીજા પત્રકારોના રોષથી બચવા, પાછલા બારણેથી નીકળી ગયો.

દલાસમાં બીજી ટીમ-થોમસન અને ગ્રાન્ટ- હત્યારા લી હાર્વે ઓસ્વાલ્ડના સગડ સુંઘતી પહોંચી. બોલચાલમાં ટેક્સાસની સ્થાનિક છાંટ ધરાવતા થોમસને વાતોડિયા પોલીસ અફસર સાથે ડાયરો જમાવ્યો. એમાંથી ઓસ્વાલ્ડનું સ્થાનિક સરનામું મળ્યું. બન્ને પત્રકારો ત્યાં પહોંચ્યા, મકાનમાલિકણને મળ્યા. મામૂલી વાતો ચાલતી હતી. તેમાં ઓસ્વાલ્ડ ક્યાં ફોન કરતો હતો, એવી વાત નીકળતાં મકાનમાલિકણે કહ્યું, ‘એણે એક ફોન ઇરવિંગ કર્યો હતો. મને તો ખબર ન પડત, પણ એના ગયા પછી સામેથી એના માટે ફોન આવ્યો હતો. એટલે મને ખબર.’

કેવળ આટલી માહિતીના આધારે બન્ને જણ દલાસથી વીસેક કિ.મી. દૂર ઇરવિંગ પહોંચ્યા. રાત પડી ગઇ હતી. ત્યાં કોને મળવાનું, એની ખબર ન હતી. શેરીફની ઓફિસમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે અહીં એફ.બી.આઇ. વાળા આવ્યા હતા ખરા. થોડી શેરી દૂર. ચોક્કસ ખબર નથી. આટલી માહિતી પરથી બન્ને જણા એ શેરીમાં પહોંચ્યા. કાર લઇને એ શેરીમાં આંટા માર્યા, પણ કોની તપાસ કરવાની? માહિતી તો સમજ્યા, નામ સુદ્ધાં ન હતું. તપાસ પણ શાની કરવી? થોમસનને લાગ્યું કે આટલી રાતે જે ઘરોમાં લાઇટ ચાલુ છે ત્યાં દરવાજો ખટખટાવવો જોઇએ. કોને ખબર? કંઇક મળી જાય.

અદ્ધરતાલ તુક્કાથી થોમસને ગાડી શેરીમાં પાર્ક કરીને, લાઇટ ચાલુ હતી એવા એક ઘરના બારણે ટકોરા માર્યા- અને જે બન્યું તે કલ્પનાતીત હતું. દરવાજો ખૂલ્યો. એક સ્ત્રી દેખાઇ. તેણે કંઇ પણ બોલ્યા વિના થોમસન-ગ્રાન્ટને અંદર આવવા ઇશારો કર્યો અને કહ્યું,‘મને હતું જ કે પત્રકારો વહેલામોડા પહોંચવા જોઇએ.’ રૂમમાં ટીવી ચાલતું હતું. થોડા લોકો ત્યાં બેઠાં હતાં. થોમસને દરવાજો ખોલનાર સ્ત્રીને પૂછ્‌યું, ‘તમે લી હાર્વે ઓસ્વાલ્ડને ઓળખો?’

જવાબ મળ્યો, ‘હા. એ મારો મિત્ર થાય.’

થોમસનનો બીજો સવાલ, ‘તમને લાગે છે કે એણે પ્રમુખની હત્યા કરી હશે?’

આ સવાલ સાથે જ બીજો અકલ્પનીય ધડાકો થયો. સોફા પર બેઠેલી એક વૃદ્ધાએ કહ્યું,‘તમને નથી લાગતું કે આ સવાલનો જવાબ મારે આપવો જોઇએ? હું લીની માતા છું.’ આ સુખદ આઘાત શમે તે પહેલાં અંદરના રૂમમાંથી એક સ્ત્રી નાના બાળક સાથે આવી. એ લીની રશિયન પત્ની હતી. સાવ અજાણતાં બન્ને પત્રકારોને પ્રમુખના હત્યારાના આખા પરિવારનો પતો મળી ગયો હતો.

થોડી વાતો થઇ. એટલે ઘડીકમાં લાગણીવશ તો ઘડીકમાં આક્રમક બની જતી લીની માતાએ પત્રકારોને પૂછ્‌યું,‘મારા જવાબોની કંઇક તો કિંમત હશે જ.’ બન્ને જણ સમજી ગયા. તેમણે આંકડો પાડવા કહ્યું. એટલે લીની માતાએ કહ્યું, ‘બે-અઢી હજાર ડોલર.’ રકમ નાની હતી, પણ થોમસનને શું સૂઝ્‌યું તે એણે કહ્યું, ‘મારે ઓફિસે વાત કરવી પડશે.’ પણ ઓફિસે ફોન કરતાં ધર્મસંકટ ઊભું થયું. જ્યોર્જ હંટે કહ્યું, ‘પ્રમુખના હત્યારાના પરિવારને આપણે કોઇ પણ રીતે,કોઇ પણ બહાને નાણાં આપીએ તે બરાબર નથી. એટલે ઓફિસ એ માટે મંજૂરી આપતી નથી.’

જિંદગીમાં એક વાર મળે એવી તક બન્ને પત્રકારોને મળી હતી અને તેની સામે નૈતિકતાનો તથા હવે ઉપરીનો આદેશ આડે આવીને ઊભો હતો.

(‘લાઇફ’ના પત્રકારત્વની લંબાઇ-પહોળાઇ-ઊંડાઇનો ખ્યાલ આપતા આ પ્રસંગનો ઉત્તરાર્ધ અને બીજી થોડી વાતો બીજા હપ્તામાં. સંદર્ભઃ ‘લાઇફ, ધ ગ્રેટ અમેરિકન મેગેઝીન’- લુડન વેઇનરાઇટ)

4 comments:

  1. યાર!!! તમેય ઓછા નથી...માહિતી માટે(અને મેળવી ને) ક્યાં ક્યાં સુધી પહોચ્યા!!!!...અદ્દભૂત...આને કહેવાય ઓપરૅશન નું ય (સ્ટીંગ)ઓપરૅશન...

    ReplyDelete
  2. ભરત કુમાર8:13:00 PM

    અદભુત..લાઇફની રોમાંચક પળોએ હ્યદયની ધડકનો તેજ કરી દીધી.અવર્ણનીય અનુભવ!

    ReplyDelete
  3. Anonymous1:10:00 PM

    ત્યારનાં અન્વેષક પત્રકારત્વ અને આજનાંમાં શું તફાવત પડી ગયો હશે?
    'લાઇફ'ની લગબગ તસ્વીર-કથા પાછળ આવી જ અ દિલધડક કહાનીઓ રહી છે. તેને ક્યાંક કોઇએ ગ્રંથસ્થ કરી હશે?

    ReplyDelete
  4. લાઈફની સીરીજ ભારે રસપ્રદ છે. ચાલવા દેજો..

    ReplyDelete