Thursday, March 03, 2011

જ્ઞાતિની સભાનતા ગામડાં કરતાં શહેરોમાં વધારે છે: સમાજશાસ્ત્રી ઓન્દ્રે બેતાઇ/ andre beteille


શહેરીકરણ અને આર્થિક વિકાસની સાથે જ્ઞાતિની સભાનતા, વાડાબંધી અને તેની સાથે સંકળાયેલા ભેદભાવ નાબૂદ થઇ જશે, એવું માનવામાં આવે છે. પરંતુ યુનિવર્સિટી ઓફ દિલ્હીના ખ્યાતિપ્રાપ્ત સમાજશાસ્ત્રી ઓન્દ્રે બેતાઇ/ andre beteille એ માન્યતા સાથે બિલકુલ અસંમત છે.

અમદાવાદની મુલાકાતે આવેલા અને જ્ઞાતિપ્રથાના ઉંડા અભ્યાસી તરીકે વિશ્વવિખ્યાત પ્રો.બેતાઇ કહે છે,‘શહેરીકરણને લીધે શિક્ષણની માગ ઊભી થાય, ત્યારે જ્ઞાતિની સભાનતા અને તેના સંઘર્ષ વધારે તીવ્ર બને છે. ગામડાંમાં પરંપરાગત વ્યવસાય કરનારા લોકો સંતાનોને પોતાના વ્યવસાયમાં નાખવા ઇચ્છતા નથી. તેમના સંતાનો શહેરમાં ભણવા આવે, ત્યારે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં બેઠકો ઓછી અને પ્રવેશ ઇચ્છુકોની સંખ્યા ઘણી વધારે હોય છે. ત્યાં આકરી સ્પર્ધા જામે, એટલે લોકો ફરી જ્ઞાતિની ઓળખના શરણે જાય છે.’

‘જ્ઞાતિવાદ માટે અભણ લોકોને ખોટી રીતે દોષી ઠરાવવામાં આવે છે’ એમ જણાવીને પ્રો.બેતાઇ કહે છે,‘ભણેલાગણેલા અને જ્ઞાતિની ઓળખનો પોતાના ફાયદામાં ઉપયોગ કરી શકે એવા લોકોને કારણે જ્ઞાતિપ્રથા જીવંત રહી છે.’ એવી જ રીતે, સામાન્ય માન્યતા કરતાં સાવ અવળું તારણ રજૂ કરતાં પ્રો.બેતાઇ કહે છે,‘જ્ઞાતિના સભાનતા ગામડાંમાં ઓછી થઇ હશે, પણ શહેરોમાં તો વધી છે. કારણ કે શિક્ષણ હોય કે રાજકારણ, તેનાં મુખ્ય કેન્દ્રો શહેરો છે.’

‘આર્થિક પ્રગતિથી જ્ઞાતિના ભેદભાવ દૂર થઇ જશે’ એવો આશાવાદ ફગાવતાં પ્રો.બેતાઇ કહે છે, ‘જ્ઞાતિને આર્થિક વિકાસ સાથે કશો સંબંધ નથી. ૮-૯-૧૦ ટકાના વૃદ્ધિદરથી જ્ઞાતિની સભાનતા ખતમ થઇ જવાની નથી. રાજકારણમાં મોબિલાઇઝેશન/લોકોની જમાવટ કરવા માટે જ્ઞાતિનો ઉપયોગ થતો રહેશે ત્યાં સુધી જ્ઞાતિની સભાનતા અને તેની સાથે જોડાયેલા ભેદભાવ ચાલુ રહેશે. બધા આર્થિક વિકાસની વાત કરે છે, પણ તેનાં ફળની વહેંચણી કેવી રીતે થાય છે અને કોના સુધી પહોંચે છે? જ્યાં સુધી આપણા રાજકારણમાં-મતકારણમાં જ્ઞાતિ કેન્દ્રસ્થાને હોય ત્યાં સુધી વિકાસનાં ફળની વહેંચણી વખતે પણ બીજાં પરિબળોને બદલે જ્ઞાતિ જ મહત્ત્વની બનવાની.’

એનો અર્થ એ નથી કે ભારતના બધા રાજકારણીઓ જ્ઞાતિવાદી છે. પ્રો. બેતાઇ કહે છે,‘ઘણા રાજકારણીઓ અંગત જીવનમાં જ્ઞાતિનાં બંધનોમાં માનતા નથી, પણ જ્યારે એ મત લેવા જાય ત્યારે જ્ઞાતિની ઓળખ વટાવે છે. આ બહુ જૂની વાત છે. ઝીણાને ઇસ્લામ સાથે કશી લેવાદેવા ન હતી. પણ કોંગ્રેસ સાથે સત્તાના મામલે હરીફાઇ કરવાની આવી ત્યારે તેમણે ધર્મનો સહારો લીધો. બીજી બાજુ ગાંધીજી ધાર્મિક હતા, પણ ધર્મનો ઉપયોગ તેમણે લોકોનો રાજકીય ટેકો મેળવવા માટે ન કર્યો.’

‘છેલ્લા થોડા દાયકામાં ભારતમાં આવેલું સૌથી મોટું સામાજિક પરિવર્તન કયું?’ એવા સવાલના જવાબમાં પ્રો.બેતાઇ કહે છે, ‘કન્યાની લગ્નઊંમરમાં થયેલો વધારો.’ વિસ્તારથી સમજાવતાં એ કહે છે, ‘દરેક સમાજ પ્રમાણે છોકરીની લગ્નલાયક ઊંમરમાં થયેલો વધારો જુદો હોઇ શકે છે અને હજુ ક્યાંક ઝડપથી તો ક્યાંક ધીમેથી તેમાં વધારો થઇ રહ્યો છે. પરંતુ કન્યાની લગ્નલાયક ઊંમરમાં ક્યાંય ઘટાડો નોંધાયો નથી.’ પોતાના કુટુંબનું ઉદાહરણ આપતાં તે કહે છે,‘મારા પિતા ફ્રેન્ચ હતા ને માતા બંગાળી. હું મારી નાની પાસે ઉછર્યો. એ કુલીન બ્રાહ્મણ વિધવા હતાં. એમનું લગ્ન ૧૧ વર્ષે થઇ ગયેલું. એ વખતે બંગાળના કુલીન બ્રાહ્મણોમાં છોકરી કુમારી બનતાં સુધી કુંવારી હોય તો તે નાલેશી ગણાતી હતી. આ વાત હું મારી દીકરીઓને કરૂં ત્યારે એમને નવાઇ લાગે છે.’ કન્યાઓની લગ્નલાયક ઊંમરમાં થયેલા ફેરફારનું કારણ તેમના મતે કુટુંબ અને કામકાજના સ્થળે થયેલાં માળખાકીય પરિવર્તનોમાં રહેલું છે.

સમાજશાસ્ત્રીઓના મોટા ભાગના અભ્યાસ શૈક્ષણિક વર્તુળો પૂરતા મર્યાદિત રહેવાને બદલે, વ્યાપક સમાજ સુધી પહોંચવા જોઇએ એવું પ્રો.બેતાઇ માને છે. ‘એ જ આશયથી ચાળીસ વર્ષ પહેલાં મેં અખબારોમાં સમાજશાસ્ત્રના વિષયો અંગે લખવાનું ચાલુ કર્યું હતું. એ સમયે બીજા ઘણા સમાજશાસ્ત્રીઓ અખબારમાં લેખો લખવાની પ્રવૃત્તિને હીણપતથી જોતા હતા. હવે ઘણા લોકો લખતા થયા છે, પરંતુ અફસોસની વાત એ છે કે અઘ્યાપકોમાં પણ વાંચવાની અને વિચારવાની ટેવ છૂટતી જાય છે. ઇન્ટરનેટના ટૂંકા રસ્તે એ લોકો ગાડું ગબડાવી લે છે.’

પત્રકારોને ‘સો મીટરના દોડવીર’ સાથે અને અઘ્યાપકોને ‘મેરેથોન દોડનાર’ સાથે સરખાવતાં પ્રો.બેતાઇ કહે છે, ‘બન્નેનું આગવું મહત્ત્વ છે, પણ ઘણી વાર અખબારોમાં નિયમિત લખવાની લ્હાયમાં કે ટીવી ચેનલો પરની ચર્ચામાં અઘ્યાપકોને ઊંડાણથી કામ કરવાને બદલે ઉડઝુડ કામ કરવાની ટેવ પડી જાય, એવું પણ જોવા મળે છે.’
photo courtsey: The young India Fellowship

3 comments:

  1. પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તર પર અમારા સમાજશાસ્ત્રના ક્લાસમાં અમને એક રવિવારનું અંગ્રેજી અખબાર પકડાવવામાં આવ્યું અને તેની મેટ્રીમોનીયલ પૂર્તિમાં એક સર્વે કરવાનું કહ્યું કે, એવી લગ્ન-વિષયક જાહેરાત શોધો કે જેમાં 'caste no bar' લખેલું હોય. જ્ઞાતિની બહાર લગ્ન કરવા ઉત્સુક હોય તેવી જાહેરાતોની સંખ્યા ૫ ટકાથી ઓછી હતી. વળી, 'caste no bar' વાળી જાહેરાત બીજી વાર લગ્ન કરી રહેલા ઉમેદવારોમાં વધારે જોવા મળી. અંગ્રેજી વાંચતા શહેરી વર્ગમાં પણ માત્ર જ્ઞાતિ પ્રમાણે નહિ પણ પેટા-જ્ઞાતિ પ્રમાણે લગ્ન કરવાની ઉત્સુકતા વધારે હતી. પેટા-જ્ઞાતિવાદ એ જ્ઞાતિવાદ જેટલો જ મોટો છે. આ રીતે ભારતીય સમાજ(શાસ્ત્ર) સાથે અમારો પહેલો પરિચય થયો.

    બીજું કે, પશ્ચિમ અમદાવાદ જેવા સમૃદ્ધ-સુધારેલા વિસ્તારમાં ઘર શોધતી વખતે ખબર પડતી હતી કે ગજવામાં પૈસા હોવાની સાથે કહેવાતી ઉચ્ચ જાતિ અને ગુજરાતી હોવું એ પણ કોઈ ફ્લેટ શોધાવા માટેની અગત્યની લાયકાત છે. અને આ લાયકાતનું પ્રદર્શન અમને ઘર વેચવા વાળા પરિવારે બીજા પરિવારોની સમક્ષ ખૂબ કર્યું. આ જ્ઞાતિવાદનાં વિસ્તાર અને વ્યાપ્તનો સજ્જડ જાત-અનુભવ.

    વધુમાં, એ પણ હકીકત છે કે ધર્મનાં ઠેકેદાર બનવા નીકળતા તત્વોએ અને વસતી ગણતરી વખતે 'અમારી જ્ઞાતિ ભારતીય છે' તેવી ઠાવકાઈ કરવાવાળાએ જ્ઞાતિવાદને ખતમ કરવા માટે કઈ નક્કર કર્યું હોય તેવું જોવા-સાંભળવામાં આવ્યું નથી.

    ReplyDelete
  2. Anonymous6:26:00 AM

    His book 'Universities at the Crossroads' boldly addresses the much-debated issue of 'Reservations' in the India and his Collection of articles, most on contemporary social issues prevailing in India [Chronicles of our Time] are 'Trendsetter'-akash vaidya-

    ReplyDelete
  3. Bharat.zala4:02:00 PM

    I agree with prof.betai.caste becomes more stronger in cities&urban areas.development is related with economics.socially,we are very orthodox. &urban areas.development is related with economics.socially,we are very orthodox.

    ReplyDelete