Sunday, March 20, 2011

ત્સુનામી ઉર્ફે સમુદ્રકંપ : પેટાળની ઉથલપાથલનું પ્રલયકારી પરિણામ


ત્સુનામી અને જાપાન વચ્ચે કેવો નાળસંબંધ છે તેનું સૌથી દેખીતું ઉદાહરણઃ દરિયાના પેટાળમાં ધરતીકંપ થાય, ત્યારે ઉછળતાં વિનાશક મોજાં માટે ‘ઇન્ટરનેશનલ’ ગણાતી અંગ્રેજી ભાષામાં કોઇ શબ્દ નથી. એટલે, બે જાપાની શબ્દો ‘ત્સુ’ (બંદર) અને ‘નામી’ (મોજું)ના સંયોજનથી બનેલા શબ્દ ‘ત્સુનામી’ને આંતરરાષ્ટ્રિય સ્તરે તેના મૂળ જાપાની સ્વરૂપે સ્વીકારાયો છે. એ રીતે જાપાનને ‘ત્સુનામી’નું પિયર કહી શકાય.

ત્સુનામીથી તબાહ થયેલું જાપાન દુનિયાની ભૂગોળમાં અત્યંત નાજુક કહેવાય એવી જગ્યાએ આવેલું છે. એક અંદાજ પ્રમાણે, દુનિયાભરમાં ૬ રિક્ટર સ્કેલથી વઘુ તીવ્રતા ધરાવતા જેટલા ભૂકંપ થાય છે, તેમાંથી પાંચમા ભાગના (૨૦ ટકા) ફક્ત ટચૂકડા જાપાનમાં થાય છે. આવી ‘નાઇન્સાફી’ કેમ? તેનો જવાબ ‘પ્લેટ ટેક્ટોનિક્સ’ કહેવાતા શાસ્ત્રના આધારે, સરળ શબ્દોમાં આપી શકાય છે.

પૃથ્વીનો સૌથી ઉપરનો પોપડો ‘પ્લેટ’ તરીકે ઓળખાતા કેટલાક મહાકાય અને થોડા નાના ટુકડાનો બનેલો છે. આ બધા ટુકડા (પ્લેટ) પૃથ્વીના પેટાળમાં રહેલા અર્ધપ્રવાહી રગડા ઉપર તરે છે. એ ટુકડા જ્યાં ભેગા થાય એ વિસ્તાર સ્વાભાવિક રીતે જ ‘ન સાંધો, ન રેણ’ની જેમ જોડાયેલો ન હોય. પેટાળમાં ચાલતી ખદબદ વકરે તો તેનાં માઠાં પરિણામ સૌથી વધારે આ સાંધાવાળા ભાગમાં અનુભવાય. પ્લેટના સાંધા માટે વપરાતો પ્રચલિત શબ્દ છેઃ ફોલ્ટલાઇન. ત્યાં સતત અસ્થિરતા ન હોય, પણ પેટાળમાં સહેજ ઉથલપાથલ થાય તોય ફોલ્ટલાઇનનો વિસ્તાર તરત ધરતીકંપથી હચમચી ઉઠે. મોટા ભાગના જ્વાળામુખી પણ ફોલ્ટલાઇન પર આવેલા હોય, જે ભીતરની ચહલપહલથી સક્રિય બને. જાપાન આવી એકથી વધારે ફોલ્ટલાઇનના સંગમસ્થાન ઉપર આવેલું છે.

વર્ણનમાં વાત ભલે ધરતીકંપની થઇ હોય, પણ તેને ત્સુનામી સાથે સીધો સંબંધ છે. કારણ કે ત્સુનામી દરિયામાં થતા ધરતીકંપનું સીઘું પરિણામ છે. (તેનું કામચલાઉ ગુજરાતી ‘સમુદ્રકંપ’ કરી શકાય.) પેટાળમાં ઉથલપાથલ થવાનું એક કારણ બે પ્લેટ વચ્ચેનો ટકરાવ છે. પ્રવાહી પર સરતી પ્લેટો એકબીજા સાથે ટકરાય ત્યારે કેટલીક વાર એવું બને છે કે એક પ્લેટનો મોટો હિસ્સો બટકાઇને નીચેના ગરમ અર્ધપ્રવાહી રગડામાં ઓરાઇ જાય. એ ટુકડો એકાદ હજાર કિલોમીટર જેટલો વિશાળ પણ હોઇ શકે.

ધારો કે બટકી જતી પ્લેટ જમીની સપાટીને બદલે દરિયાની સપાટી નીચે આવેલી હોય તો શું થાય? સીધી વાત છેઃ દરિયાના પેટાળમાં મોટું ગાબડું પડે. એ ગાબડું પુરવા માટે તેની આજુબાજુનું પાણી સડસડાટ ભંગાણવાળા ભાગમાં ધસી જાય. એટલે, પાંચ વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં ત્સુનામી આવતાં પહેલાં, દરિયાકિનારે ઉભેલા ઘણા લોકોએ સમુદ્રને અચાનક ૧૦૦ મીટર જેટલો ઓસરી જતો જોયો હતો. સગી આંખે જોયા પછી પણ માન્યામાં ન આવે એવું એ દૃશ્ય હતું. સમુદ્રનાં પાણી પીછેહઠ કરી જતાં, તેમાં રહેલાં દરિયાઇ જીવો, માછલી, છીપલાં, કરચલા બઘું અચાનક ખુલ્લું પડી ગયું. તે સમયે પ્રગટ થયેલા અહેવાલો પ્રમાણે, ઘણા લોકો આ કૌતુક જોઇને મનોરંજન પામ્યા અને દરિયાની ખુલ્લી પડી ગયેલી ‘માલમતા’ વીણવા બેસી ગયા. પણ એ કૌતુક શમે તે પહેલાં જ દૂરથી પાણીની મસમોટી અને ઊંચી દીવાલ જેવું મોજું, પીછેહઠનો બદલો લેવા આવતું હોય તેમ, ધસી આવ્યું. કારણ કે ભૂકંપને કારણે દરિયામાં પડેલું ભગદાળું પુરવા માટે અંદર ઉતરી જતું પાણી અનેક ગણા જોશથી બહાર ફેંકાય, ત્યારે તેનું સ્વરૂપ નિર્દોષ મોજાં જેવું રહેતું નથી. તે ‘ત્સુનામી’નો આસુરી અવતાર ધારણ કરે છે અને પાણીની અમુક મીટર ઊંચી દીવાલ જેવું બની જાય છે. પરિણામ? જોતજોતાંમાં જળપ્રલય.

દરિયાના પેટાળમાં આવતા દરેક ભૂકંપ વખતે ત્સુનામી તરીકે ઓળખાતાં હિંસક મોજાં પેદા થતાં નથી, પણ ભૂકંપની તીવ્રતા જેટલી વધારે એટલી ત્સુનામી પેદા થવાની શક્યતા પણ વધારે. જાપાનમાં આવેલો ભૂકંપ ૮.૯ રિક્ટર સ્કેલનો હતો, જે અસાધારણ રીતે વધારે કહેવાય. પાંચ વર્ષ પહેલાં ઇન્ડોનેશિયા અને દક્ષિણ ભારતમાં તારાજી મચાવનાર ત્સુનામી વખતે ૯ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે દરિયામાં આશરે ૧૦ કિલોમીટર ઊંડે એક પ્લેટમાંથી ૯૬૦ કિલોમીટર જેટલો હિસ્સો બટકાઇ ગયો હતો.

ત્સુનામીની ઘાતક શક્તિનો આધાર દરિયાના ઊંડાણ અને મોજાંની તરંગલંબાઇ ઉપર પણ હોય છે. સામાન્ય સંજોગોમાં દરિયાકિનારે જોવા મળતાં મોજાંની તરંગલંબાઇ માંડ ૧૦૦-૨૦૦ મીટર હોય. (તરંગલંબાઇ એટલે લાગલગાટ બે મોજાંના ટોચબિંદુ કે તળબિંદુ વચ્ચેનું અંતર) પરંતુ ત્સુનામી કહેવાતાં કાળમુખાં મોજાંની તરંગલંબાઇ ૧૫૦થી ૨૦૦ કિલોમીટર જેટલી હોઇ શકે છે. નિયમ એવો છે કે મોજાંની તરંગલંબાઇ વધારે તેમ પ્રવાસ દરમિયાન તેની ઘાતકતામાં થતો ઘટાડો ઓછો. એટલે કે, ત્સુનામી ભલે કાંઠાથી બહુ દૂર, ક્યાંક મધદરિયે પેદા થયાં હોય, પણ તેની તરંગલંબાઇ વધારે હોય તો, સેંકડો કિલોમીટરનું અંતર કાપવા છતાં તેમની તીવ્રતામાં ખાસ ઘટાડો ન થાય અને કાંઠાના પ્રદેશને ભાગે ધમરોળાવાનું જ આવે.

ત્સુનામી પેદા થાય ત્યારે શરૂઆતમાં તેની ઊંચાઇ ‘પાણીની દીવાલ’ જેવી હોતી નથી. એ વખતે તેની ભયાનકતાનો અંદાજ આપતું પરિબળ છેઃ મોજાંની આગળ વધવાની ઝડપ. તેનો સીધો સંબંધ દરિયાની ઉંડાઇ પર છે. ઉદાહણ તરીકે, પ્રશાંત (પેસિફિક) મહાસાગરની વાત કરીએ તો, તેની સરેરાશ ઊંડાઇ ૧૪ હજાર ફીટ છે. ત્યાં ધરતીકંપ થાય તો તેમાંથી પેદા થતાં ત્સુનામીની ઝડપ ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાક જેટલી ખતરનાક હોઇ શકે છે.

મધદરિયે ઓછી ઊંચાઇ અને ફેલાયેલા વિસ્તારમાં આગળ વધતાં ત્સુનામીને એકનજરે જોઇને ઓળખી પાડવાનું અઘરું છે. પણ એક વાર કિનારાની છીછરી સપાટી નજીક આવે એટલે તેમના રંગઢંગ બદલાઇ જાય છેઃ જેટ વિમાનની ઝડપે આવેલાં મોજાં અચાનક સ્કૂટરની (૪૦-૫૦ કિ.મી.પ્રતિ કલાક) ઝડપ ધારણ કરે છે.
મધદરિયે પહોળાં પથરાઇને ઓછી ઊંચાઇ સાથે પ્રસરતાં મોજાંની લાંબી તરંગલંબાઇમાં પણ ઘટાડો થાય છે. ઝડપ અને તરંગલંબાઇમાં ઓચિંતો ઘટાડો થતાં મોજાંનું સઘળું જોર ઉપરની દિશામાં વળે છે. એટલે મધદરિયે માંડ એકાદ મીટર ઉંચાઇ ધરાવતાં મોજાં કિનારા નજીક આવીને ૩૦-૪૦ મીટર જેટલી પ્રચંડ ઉંચાઇ ધારણ કરી શકે છે. તેમાં વળી દરિયો ભરતીમાં હોય તો થઇ રહ્યું.

એક મોજું પાંચ-દસ મિનીટથી માંડીને અડધો-પોણો કલાક સુધી આતંક મચાવી શકે છે, પણ વાત એટલેથી પૂરી થતી નથી. મધદરિયે પડેલા ગાબડામાંથી એક પછી એક મોજાં રવાના થતાં રહે છે અને કાંઠે પહોંચીને તારાજીનું તાંડવ મચાવતાં રહે છે.

ફક્ત જાપાન જ નહીં, પ્રશાંત મહાસાગરમાં આવેલા અને ‘રિંગ ઓફ ફાયર’ તરીકે ઓળખાતા ફોલ્ટલાઇન-ગ્રસ્ત વિસ્તાર તરફ કિનારા ધરાવતા ઘણા દેશોના માથે ત્સુનામીનો મહત્તમ ખતરો રહે છે. એટલે જ એ દેશોએ ‘પેસિફિક ત્સુનામી વોર્નિંગ સીસ્ટમ’ વિકસાવી છે. જાપાન સહિત ઘણા દેશો આ વોર્વોનિંગ સીસ્ટમના સભ્ય છે. એ સીસ્ટમ અંતર્ગત, સમુદ્રના પેટાળમાં ગોઠવાયેલાં ‘ડીપ ઓશન એસેસમેન્ટ એન્ડ રીપોર્ટિંગ ઓફ ત્સુનામીઝ’ (ટૂંકમાં ‘ડાર્ટ’) તરીકે ઓળખાતાં યંત્રો દરિયાની સપાટી પર થતા નાનામાં નાના ફેરફારની નોંધ રાખે છે, તેનાથી ત્સુનામીના આગમનની છડી પોકારવા માટે થોડો સમય મળી રહે છે, પણ તેનાથી થતી તબાહીને ટાળી શકાતી નથી. જાપાનમાં મચેલો વિનાશ તેનું ઘાતક ઉદાહરણ છે.

7 comments:

  1. Anonymous10:33:00 AM

    ટેક્નિક્લ માહિતીને સરળ શ્બ્દો માં મૂકવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ઉર્વિશભાઇ..પેસેફિક દરિયા નો લગભગ ૨૫૦૦૦ માઇલનો ઘોડાના પગ આકાર નો વિસ્તાર રિંગ ઓફ ફાયર તરીકે ઓળખાય છે. ૪૫૨ એક્ટિવ વોલ્કેનો ધરાવતું અને દુનિયા ના ૯૦% ભૂકંપો આ રિંગ ઓફ ફાયર માં થાય છે..એકલા જાપાન માં જ દર વર્ષે ૧૫૦૦ નાના મોટા ભૂકંપ નોંધાય છે..akash vaidya

    ReplyDelete
  2. very informative....thx

    ReplyDelete
  3. આ વખતે ત્સુનામીની જોડણી બહુ ઓછા લોકો એ સાચી કરી છે. તમે એમાંના એક!

    ReplyDelete
  4. યુ.કે. સાહેબની વાચક પર પકડ ધરાવતી અઘરા વિષયો પર લખવાની ઇબારત (ઢબ/શૈલી)થી પ્રભાવિત અને હા, એલ.કે. સર, આપે ખરું કહ્યું. ભાષાશુદ્ધિ, ભાષાદોષ, વ્યાકરણદોષ, જોડણી... છોડો મારા સાહેબ. સાચું કહેનારને પંડિતની પદવી આપી દેવાય છે અથવા તો ભાષાવિરોધી હોવાનું બિરુદ. પ્રચાર-પ્રસાર માધ્યમોમાં ચિત્ર ઊલટું થતું જાય છે. ત્સુનામીને બદલે સુનામી શબ્દ લખનારની હરોળમાં આ વખતે અગ્રસર સામયિક ચિત્રલેખા (28 માર્ચ, 2011) પણ હોંશભેર જોડાયું છે.
    savji chaudhari.

    ReplyDelete
  5. સવજીભાઇ, આભાર સાથે એક સૂચન. 'યુકે સાહેબ'ને બદલે 'ઉર્વીશભાઇ'કહેશો તો વધારે ગમશે. રહી વાત 'ત્સુનામી'ની. અગાઉ ભારતમાં ત્સુનામી આવ્યું ત્યારે અગ્રસર સામયિકે 'સુનામી' જ લખ્યું હતું. એટલું જ નહીં, એવું પણ જાહેર કર્યું હતું કે 'સુનામી'ના સ્પેલિંગમાંથી 'ટી' સાયલેન્ટ રહેતો હોવાથી તેનો ઉચ્ચાર સુનામી થાય છે.એ વખતે 'આરપાર' સામયિકમાં મેં અને હું જે સ્કૂલનો વિદ્યાર્થી છું, તે 'સફારી' સામયિકે તેનો સાચો ઉચ્ચાર 'ત્સુનામી' લખ્યો હતો.

    ReplyDelete
  6. ઉર્વીશભાઈ, આપનું સૂચન સ્વીકારું છું. સાદર જાણવા માગું છું કે ભાઈમાં નાનો 'ઇ' કેમ?

    ReplyDelete
  7. tough question for me:-) it's not my forte.

    ReplyDelete