Wednesday, March 23, 2011

ભાજીપાંઉના ભેદભરમ

સેલફોન આવતાં પહેલાં જીવન ચાલતું જ હતું, પણ હવે એના વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. ભોજનમાં એવું સ્થાન ભાજીપાંઉ ઉર્ફે પાંઉભાજીનું છે.

આ વાનગીનું ખરું નામ શું? એ મુદ્દા સાથે વાનગીવિશ્વથી માંડીને સ્ત્રીજાગૃતિ જેવા ગંભીર મુદ્દા સંકળાયેલા છે. નારીગૌરવના આગ્રહીઓ માને છે કે તેનું નામ ભાજીપાંઉ છે અને એ ન હોય તો પણ એમ જ હોવું જોઇએ. સીધી વાત છે : નારી જાતિ તરીકે ભાજી પહેલાં અને પાંઉનો નંબર પાછળ આવે. પરંતુ જાગ્રતોનાં દરેક મંડળની જેમ આ મંડળમાં પણ બીજી છાવણી છે. તે એવું માને છે કે વાનગીનું નામ ‘ભાજીપાંઉ’ ધોળા ધરમે પણ ન ખપે. ‘આ તો એનું એ જ થયું : ફલાણાબેન ઢીકણાભાઇ! પાછળ હંમેશાં પુરૂષોનું જ નામ આવે એવું કોણે કહ્યું? સ્ત્રીઓનું નામ કેમ નહીં? અમે તો એને પાંઉભાજી જ કહીશું? તેમાંથી મસાલાની સાથોસાથ નારીજાગૃતિની પણ સોડમ આવે છે.’

ખાણીપીણીના પ્રેમીઓ પોતાનો તર્ક લડાવતાં કહે છે,‘પાંઉની બધી વાનગીઓનાં નામમાં પાંઉ બીજા નંબરે જ હોય. વડાપાંઉ, મિસળપાંઉ...એ જ રીતે, ભાજીપાંઉ. ક્યૂઇડી.’ સ્વદેશી વ્રતના આગ્રહીઓ દૃઢપણે માને છે કે પાંઉ ઉર્ફે ડબલરોટી વિદેશી વાનગી છે. તેનું નામ આગળ રાખીને એનો મહિમા વધારવાની શી જરૂર?

પરંતુ આ ચર્ચામાં પડવાને બદલે ‘મૂકો પંચાત ને લાવો એક પ્લેટ ભાજીપાંઉ - પાંઉભાજી’ એવું માનનારો-કહેનારો વર્ગ બહુમતિમાં છે. સામે પ્લેટમાં વરાળ નીકળતી ભાજી પડી હોય, બાજુમાં (ભાવ ૮૦ રૂપિયે કિલો ન હોય એ સંજોગોમાં) ઝીણા સમારેલા કાંદા, તેને પોતાના રસથી ભીંજવવા આતુર લીંબુની ચીરી અને ગરમાગરમ પાંઉ- ત્યારે, મેનકાને જોઇને તપોભંગ થયેલા વિશ્વામિત્રની જેમ, સાચું નામ શોધવાની તપશ્ચર્યા ફગાવીને ભાજીપાંઉમય થઇ જવું એ માનવસહજ પ્રતિક્રિયા હોય છે.

ભાજીપાંઉ ભોજન કહેવાય કે નાસ્તો, એ બીજો ગરમાગરમ સવાલ છે. કાયદાના અમલની જેમ આ સવાલનો જવાબ પણ માણસે માણસે બદલાતો રહે છે. ‘દાળભાત વિના જમ્યાનો સંતોષ ન થાય’ એવું માનનારો વર્ગ ભાજીપાંઉને ભોજનનો દરજ્જો આપવા કબૂલ થતો નથી. ‘ભાજીપાઉં જેવી પરચૂરણ ચીજને આવડું મોટું માન કેવી રીતે આપી દેવાય?’ એવી તેમની લાગણી હોય છે. પરંતુ, કેટલાક આસ્તિક ન હોય એવા લોકા પ્રેમવશ-સ્વાદવશ બોલી ઉઠે છે,‘આપણને ભાજીપાંઉ મળ્યા એટલે ભગવાન મળ્યા.’ (આવા લોકોને ભગવાન મળે ત્યારે ભાજીપાંઉ મળ્યા જેવું લાગતું હશે?) ભગવાનની જેમ ભાજીપાંઉનાં પણ તેના ભક્તો માટે અનેક સ્વરૂપ હોઇ શકે છે, પણ સ્વરૂપ બદલાવાથી ભક્તિની તીવ્રતામાં ફરક પડતો નથી. ભાજીપાંઉ આગલી સાંજનાં વધેલાં હોય તો પણ વાંધો નહીં. પાંઉ (બન) ખલાસ થઇ જતાં બ્રેડ કે બ્રેડ ન હોય તો ભાખરી સાથે પણ ભાજી ખાઇને ભાજીપાંઉની અનુભૂતિ કરી શકાય. કેટલીક વાર ભાજી ખલાસ થઇ જાય અને ફક્ત પાંઉ વધે તો બીજા દિવસે ‘ભાજી જેવું’ શાક બનાવીને પણ ભાજીપાંઉ ખાધાનો આનંદયુક્ત સંતોષ પણ માણનારા માણે છે.

બધાની ભાજીપાંઉભક્તિ જોકે આટલી ઊંચાઇએ પહોંચી શકતી નથી. કેટલાક લોકો ક્રોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ની જેમ, બીજું કશું કરી શકતા નથી, પણ ભાજીપાંઉમાંથી ખામીઓ શોઘ્યે રાખે છે. જમતાં જમતાં ખામીઓ વર્ણવવાનું કે ભૂલો કાઢતાં કાઢતાં ઝાપટવાનું ચાલુ રાખે છે. ‘ભાજીપાંઉ? ઠીક છે હવે. લાવો, બનાવ્યાં છે તો ખાઇ કાઢીએ’ એ ભૂમિકાથી તેમની વાતનો આરંભ થાય છે. ત્યાર પછી ભાજીમાં વિવિધ શાકભાજીનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, તેમને સદંતર કચડીને ‘સમરસ’ કરી નાખવાં જોઇએ કે થોડા ટુકડા આખા આવે એ રીતે રહેવા દેવાં જોઇએ, તેમાં લસણની પેસ્ટનું પ્રમાણ કેટલું હોવું જોઇએ, લાલ અને લીલા મરચાનો ગુણોત્તર શો હોવો જોઇએ- તેના આદર્શો વર્ણવીને, પોતાને મળેલાં ભાજીપાંઉ આ એક પણ કસોટીમાંથી પાર ઉતરતાં નથી, એવો તેમનો છૂપો સંદેશ હોય છે. સાથોસાથ, પોતે ભાજીપાંઉના દુશ્મન નથી, પણ આ કેવળ ગુણાત્મક ટીકા છે એવું સિદ્ધ કરવા માટે તે ‘મુંબઇની એક ગલી’ કે ‘અમદાવાદની એક લારી’ પર મળતાં અદ્‌ભૂત ભાજીપાંઉને યાદ કરે છે અને ભાજીની છેલ્લી ચમચી કે પાંઉના છેલ્લા બટકા સાથે ‘એક વાર હું તમને લઇ જઇશ’ એવું વચન આપીને હાથ ધોઇ નાખે છે.

પાણીપુરીની જેમ ભાજીપાંઉ પણ એવી વાનગી છે કે એ ન ભાવવા માટે આઇસીપીસીમાં હજુ સુધી કોઇ કલમની જોગવાઇ કેમ થઇ નથી? એવો વિચાર આવી શકે. કેટલાકનો ભાજીપાંઉપ્રેમ જોઇને એવું લાગે કે એમનું ચાલે તો ભાજીપાંઉનું નામ સાંભળીને મોં બગાડનારા કે ‘મને એ ભાવતાં નથી’ એવું કહેનારા સામે તે રાજદ્રોહનો ગુનો લગાડે.

શરણાઇ અને સારંગી જેવાં નીચી નજરે જોવાતાં વાદ્યોને જેમ કેટલાક મહાન શાસ્ત્રીય વાદકોએ પોતાની કળા દ્વારા મોભો અને દરજ્જો આપ્યાં, એ જ રીતે ‘લારીની આઇટેમ’ ગણાતાં ભાજીપાંઉને કેટલાક રેસ્ટરાંવાળાએ સ્વાદથી તો મોટા ભાગનાએ તેની ઊંચી કિમત રાખીને, તેમાં ‘જૈન’ જેવા પેટાપ્રકાર ઉમેરીને, મોભો-દરજ્જો આપ્યાં. અમુકતમુક જગ્યાનાં ભાજીપાંઉ ખાવા માટે લોકો ભીડ કરવા લાગ્યા અને ત્યાં ભાજીપાંઉ ખાવામાં, જગજિતસિઘ-ગુલામઅલીના પ્રોગ્રામમાં હાજરી આપ્યા જેવી પ્રતિષ્ઠા અનુભવવા લાગ્યા. ત્યારથી ભાજીપાંઉમાં ઉપરછલ્લી ટાપટીપની બોલબાલા થઇ છે.

રેસ્ટોરાંમાં જઇને ભાજીપાંઉનો ઓર્ડર આપનારા સમક્ષ તરત બે વિકલ્પ મૂકવામાં આવે છેઃ તેલમાં કે બટરમાં? આ સવાલના જવાબ પર અનેક પરિબળો અસર કરી શકે છે. ધારો કે ઓર્ડર આપનાર પુરુષની સાથે સ્ત્રીમિત્ર હોય તો તે ‘બટરમાં’ કહે છે અને સાથે પત્ની હોય તો ‘એમાં શું પૂછવાનું? તેલમાં જ હોય ને’ એવા હાવભાવ સાથે કહે છે, ‘તેલમાં.’ આરોગ્ય પ્રત્યે સભાન અને શ્વાસમાં જતી હવાની પણ કેલરી માપે એવા લોકો તેલનો વિકલ્પ પસંદ કરે છે અને ‘તેલ પણ એકદમ ઓછું.’ એવું કહે છે. ત્યારે ઓર્ડર લેનારથી વિવેક તજીને એવું કહી શકાતું નથી કે ‘આરોગ્યની આટલી ચિતા હોય તો ઘરે બેસીને બાફેલાં શાક ખાતાં શું થાય છે? અને કેલરી બાળવી હોય તો રેસ્ટોરાંવાળાનું લોહી શું કરવા પીઓ છો?’

રેસ્ટોરાંવાળા પણ આ પ્રકારના અનુભવોથી રીઢા થઇ ચૂક્યા હોવાથી, ગ્રાહકોની મરજી પૂછીને પોતાનું ધાર્યું કરતી કંપનીઓની જેમ, તે ભાજી તો જેવી બનતી હોય તેવી જ બનાવે છે. ભારે વિચાર કરીને, સરહદકરાર કરવાના હોય એવી ઝીણી ઝીણી વિગતો નાખીને ઓર્ડર આપનાર ગ્રાહક ભાજીમાં તરતું તેલ જોઇને કકળાટ કરવાનો પ્રયાસ કરે અને ‘મેં ઓછું તેલ નહોતું કહ્યું?’ એવું યાદ અપાવે, ત્યારે વેઇટર કરુણામય સ્મિત સાથે કહે છે,‘આ ઓછું જ તેલ છે સાહેબ. બાકી, અમારે ત્યાં ભાજીમાં તેલ નહીં, તેલમાં ભાજી હોય છે.’

ભાજીપાંઉની ભાજીમાં કાજુના ટુકડા નાખવા, ઉપર બટરના લચકા મુકવા - આ બધી ચેષ્ટાઓ ભાજીપાંઉ વિશે અને તેના ખાનાર વિશે બનાવનારનો અભિપ્રાય સૂચવે છે. અભિપ્રાય કંઇક આવો હોય છેઃ ‘એકલી ભાજીની વેલ્યુ કેટલી? એ તો શાક જેવી લાગે. તેને પાંઉભાજીની ભાજી બનાવવા માટે કાજુ અને બટર જેવી સમૃદ્ધિસૂચક ચીજો નાખવી પડે.’ અથવા ‘ભાજીપાંઉ ખાનારાને સીધીસાદી ભાજી આપીશું તો એ ભાવ જોઇને ઉછળશે, પણ કાજુ, બટર જેવી ચીજો જોઇને તેને બિલ ચૂકવતાં ખચકાટ નહીં થાય. હવે સ્વાદ જોઇને બિલ ચૂકવે એવા માણસો ક્યાં રહ્યા છે?’

‘રેસ્ટોરાં જેવું બનાવતાં તો મને પણ આવડે’ એવું માનતી અને બીજાને મનાવવા ઉત્સુક રહેતી ગૃહિણીઓ માટે પાંઉભાજી સનાતન પડકાર બની રહે છે. પત્નીની પાકકળા વિશે નાપાક વિચારો ધરાવતા પતિદેવો કહે છે,‘પાંઉભાજીમાં શું બનાવવાનું? પચાસ ટકા (એટલે કે પાંઉ શેકતાં) તો મને પણ આવડે છે. બાકી રહ્યા પચાસ ટકા. એમાં બઘું શાક ભેગું કરીને, કચડીને મસાલો કરી દીધો એટલે થયું. પણ ફલાણી રેસ્ટોરાં જેવી ભાજી આપણે ઘેર કેમ બનતી નથી?’

ચબરાક પત્ની ક્યારેક રેસ્ટોરાંમાંથી ખાનગી રાહે ભાજી મંગાવીને, ઘરના તાંસળામાં ગરમ કરીને પતિને પીરસે ત્યારે પશ્ચાદ્‌વર્તી અસરથી સ્પષ્ટ થઇ જાય છે કે પતિનો અભિપ્રાય ભાજી વિશેનો હતો કે પત્નીની રસોઇકળા વિશેનો.

8 comments:

  1. લિજ્જતદાર લેખ!

    ReplyDelete
  2. Like you tangy humour Urvishbhai!

    ReplyDelete
  3. ananditadidu2:10:00 PM

    good one .

    ReplyDelete
  4. ભાજીપાંઉ જેવા વિષયની આવી સરસ ‘ભાજી’ ઉર્વિશ કોઠારી જ બનાવી શકે.
    સ્વાદિષ્ટ લેખ !

    ReplyDelete
  5. superb article urvishbhai, you can write on any subject interestingly !!!

    ReplyDelete
  6. Your article took "pavbhaji" at different level.Pavbhaji is one of the most delicious indian food and now you gave it to new identity.We barodian call it "Pav bhaji".

    I Want to add one more point here."Pav bhaji" is one of the easiest and quickest dish to make so for that reason its one of the favourite menu for Birthday parties or instant house parties....

    ReplyDelete
  7. એવું વચન આપીને હાથ ધોઇ નાખે છે. nice... :)

    ReplyDelete