Wednesday, March 02, 2011

શ્વાનસંસદની રાત્રિબેઠક: ભસો અને ભસવા દો

કૂતરાં કેમ ભસે છે? એ સવાલ, નેતાઓ કેમ જૂઠું બોલે છે? અફસરો કેમ ભ્રષ્ટાચાર કરે છે? પ્રસાર માઘ્યમો કેમ પેઇડ ન્યૂઝ આપે છે? કોલમિસ્ટો કેમ આત્મરતિ કરે છે? પ્રજા કેમ ચૂપચાપ બઘું સહન કરે છે? એ પ્રકારનો- એટલે કે ભાવનાત્મક- છે. તે મોટે ભાગે જવાબની આશાએ નહીં, પણ હૃદયનો ઉભરો ઠાલવવા માટે પૂછાય છે.

બીજા સવાલોની સરખામણીમાં કૂતરાંના ભસવાનો પ્રશ્ન મામૂલી લાગે. પરંતુ એક મચ્છરના ગણગણાટથી હાથી ગાંડો થઇ શકતો હોય, તો કૂતરાં મચ્છરથી કેટલાં મોટાં હોય છે અને માણસો હાથીથી કેટલા નાના!

કૂતરાં માણસના કાનમાં ભસતાં નથી એ જ ગનીમત છે. છતાં, રાતની નીરવ શાંતિમાં ભસતાં કૂતરાં રસ્તા પર નહીં, રૂમમાં પણ નહીં, સાવ કાનમાં ભસતાં હોય એટલાં અકારાં લાગે છે. ભલભલા મચ્છરદ્વેષીઓને ત્યારે એવો વિચાર આવી જાય કે ‘આના કરતાં મચ્છર સારાં. ઝૂંડમાં તો ન ભસે અને આપણે ચાદર ઓઢી લઇએ એટલે નિરાંત.’ ભસવાનો અવાજ અસહ્ય થઇ પડે ત્યારે ખુન્નસભર્યા મનમાં બદલો લેવાનો એવો પણ તુક્કો આવી જાય છેઃ ‘ક્યારેક એવું બનવું જોઇએ કે કૂતરાં નિરાંતે સૂઇ ગયાં હોય અને આપણે જોરજોરથી ભસીને તેમની ઊંઘ હરામ કરી નાખીએ.’ પછી વિચાર આવે છે કે આપણે તેમની ઊંઘ જ નહીં, ઘણી વાર આખેઆખું જીવન હરામ કરી નાખીએ છીએ, તેનું આ ફળ નહીં હોય એની શી ખાતરી?

કહેવાય છે કે ભસતાં કૂતરાં કરડે નહીં, પણ સવાલ એ છે કે તેમને કરડવાની જરૂર રહે છે ખરી? ઊંઘવાના સમયે તેમના ભાષણથી માણસોને ૧૪ ઇન્જેક્શન કરતાં પણ વધારે માનસિક ત્રાસ પહોંચી શકે છે. કૂતરાંના ‘ભાષણ’થી બચવું શી રીતે, એ ભલભલા ઊંઘર્ષિઓ માટે પ્રાણપ્રશ્ન બની જાય છે.

વ્યાકરણશાસ્ત્રીઓ ભલે સંમત થાય કે ન થાય, મોટા ભાગના સમારંભ-શ્રોતાઓ માને છે કે ‘ભાષણ’ શબ્દ ‘ભસવું’ ક્રિયાપદ પરથી બનેલો હોવો જોઇએ. વિદ્વત્તા છાંટવા એમ પણ કહી શકાય કે ‘સંસ્કૃતમાં મૂળ ધાતુ ‘ભસ્’ પરથી આ બન્ને શબ્દો બન્યા હશે.’ (વર્તમાન ગુજરાતી કોલમલેખકોમાં પ્રચલિત રિવાજ પ્રમાણે, ચકાસણી કે ખરાઇ કરવા જેવાં તુચ્છ કામ ગણ્યાગાંઠ્યા સજ્જ વાચકો પર છોડી દેવાં અને એ લોકો ભૂલ ચીંધે ત્યારે...ભસવું.)

આખા દિવસનો થાક્યોપાક્યો માણસ રાત્રે માંડ પથારીભેગો થયો હોય, તેના કાનમાં અને મનમાં નિદ્રારાણીનાં પગલાંનો રૂમઝુમ રણકાર સંભળાતો હોય, ત્યાં અચાનક રસ્તા પર કૂતરાંનો ભસભસાટ ચાલુ થાય છે. એકલદોકલ કૂતરાની વ્યક્તિગત અભિવ્યક્તિ તરીકે શરૂ થયેલું ‘ભાષણ’ જોતજોતાંમાં સામુહિક, સાર્વજનિક અને સામાજિક સ્વરૂપ ધારણ કરે છે. ભસતાં કૂતરાંનાં મિત્રો, પાડોશીઓ, સગાંસ્નેહી અને શત્રુઓ સુદ્ધાં ‘સર્વેજન’ નોતરૂં મળ્યું હોય તેમ રસ્તા પર આવી પડે છે. તેમના અવાજથી ભડકીને નિદ્રારાણી નાસી જાય છે અને ઘડી પહેલાં ઊંઘની આગોશમાં લપેટાવા ઉત્સુક જણ વિરહી બનીને પડખાં ઘસવા લાગે છે.

શ્વાનસંસદ કોરમની મોહતાજ નથી. (‘સંસદ’નો અર્થ પાર્લામેન્ટ ઉપરાંત સભા કે મંડળ પણ થાય છે- અને આ લેખ પૂરતો તેનો એ અર્થ સમજવો. મોટા ભાગના સાંસદો સિવાય બધાને સંસદની ગરીમાની પરવા હોય છે, એટલા પૂરતી આ સ્પષ્ટતા.) રીયાઝમગ્ન ગવૈયા કે બજવૈયાની જેમ શ્વાન ગમે ત્યારે તાન છેડી શકે છે. આ ચેષ્ટા કોઇની દાદની અપેક્ષા વિનાની, સ્વાનતઃસુખાય હોય છે. ‘તારી જો હાક સુણી કોઇ ના ગાયે, તો એકલો ગાને રે’ - એવી થોડા ફેરફાર સાથેની રવીન્દ્રપંક્તિ કૂતરાંનો ઘુ્રવમંત્ર લાગે છે. પરંતુ ટૂંક સમયમાં રવીન્દ્રનાથનું સ્થાન મજરૂર સુલતાનપુરી લે છે અને ‘લોગ આતે ગયે, કારવાં બનતા ગયા’ની જેમ, શ્વાનનો સોલો પ્રોગ્રામ બેન્ડ કે કોન્સર્ટનું સ્વરૂપ ધારણ કરે છે.

પ્રાણીઓની બોલી સમજી શકવાની આવડત ન હોવાથી કયા શ્વાનો વિરોધમાં ભસે છે ને કયા તરફેણમાં, કયા ક્લાસિકલ ગાય છે ને કયા ઓપેરા, કેટલા શ્વાન યુગલ ગીત ગાય છે ને કેટલા દ્વંદ્વ, કયા હિમેશ રેશમિયાની નકલ કરે છે ને કયા રાહત ફતેહઅલીની- એ સમજાતું નથી. કેટલાક ફિક્સ થયેલી ક્રિકેટમેચ રમતા હોય એમ, ફક્ત ભસવા ખાતર ભસે છે. બીજા કેટલાક ગળામાં અટવાઇ ગયેલું હાડકું બહાર કાઢવાનું હોય કે પોતાના અદૃશ્ય ચાહકવૃંદ પર છવાઇ જવાનું હોય એટલી ઉગ્રતાથી ગળું ફાડીને ભસે છે. કોઇ લોકરંજક વક્તાની જેમ વચ્ચે વચ્ચે પોઝ લઇને ભસે છે, તો કોઇ રીઢા સંચાલકની જેમ, અટક્યા વિના અને બીજાનો વિચાર કર્યા વિના ભસ્યે જ જાય છે. એ બધા અવાજોથી સાંભળનારના મનસરોવરમાં મોટા ને મોટા ઢેખાળા પડે છે. શાયરો જેને ‘રાતોંકી નીંદ’ અને ‘દિલકા કરાર’ કહે છે, તે છીનવાઇ જાય છે.

કૂતરાંના ભસવાનો અવાજ સાંભળીને શહેરીજનો મનોમન આશ્વાસન લે છે,‘રાતના પહોરે દૂરથી આવતી શિયાળવાંની લાળી કે સાવજની ડણક હવે વિકાસના યુગમાં ક્યાં સાંભળવા મળવાની? પચાસ-પચાસ લાખના ફ્લેટ જ્યાં બનતા હોય એવી સીમમાં રહેવાનું માણસને ન પોસાતું હોય, તો શિયાળને શી રીતે પરવડે? આપણાં બાળકોને કૂતરાંના અવાજથી જ ચલાવી લેવું રહ્યું.’ પામતા-પહોંચતા વર્ગનાં વાલીઓ તેમના બાળકને આશ્વાસન આપી શકે છેઃ ‘સુઇ જા, બેટા. કાલે રાત્રે તારા માટે સિંહની ડણક લાવીશું, હો. આપણી છેક સુધી ઓળખાણ છે.’

બાળક તો સુઇ જાય છે, પણ માતાપિતાને જંપ વળતો નથી. ગુજરાતી માતાપિતાઓ આદતના જોરે માને છે કે ‘આખો દિવસ નહીં ને રાતે સૂવાના ટાઇમે જ કૂતરાં કેમ ભસે છે? નક્કી એમાં સેક્યુલારિસ્ટોનું કાવતરૂં હોવું જોઇએ. એ લોકો ગુજરાતને બદનામ કરવા માટે કૂતરાં પાળતા હશે, તેમને પાકિસ્તાનના કેમ્પમાં તાલીમ અપાવતા હશે અને રાત્રે ગુજરાતની શેરીઓમાં છોડી મૂકતા હશે, જેથી પ્રજાની ઊંઘ હરામ થઇ જાય અને તેને વિચારો આવવા લાગે.’

વાત તો ખરી. પ્રજાની ઊંઘ ઉડે અને તે વિચારતી થઇ જાય, એનાથી મોટું કાવતરૂં બીજું કયું હોઇ શકે?

સેક્યુલારિસ્ટો પર દોષનો ટોપલો ઢોળી દીધા પછી પણ કમબખ્ત ઊંઘ આવતી નથી. એટલે ત્રાસવાદ સામે બાંયો ચડાવીને ભાષણ કરતા નેતાઓની ‘મર્દાનગી’થી અંજાયેલા નાગરિકો મનોમન હરખાય છેઃ ‘જોયું? આપણી શેરીનાં કૂતરાં કેટલાં જાગ્રત છે? માનો કે ન માનો, કોઇ ચોરમંડળીને કે શંકાસ્પદ ટોળકીને જોઇને જ તે આટલું ભસતાં હશે. કૂતરાં જોરશોરથી ભસે એમાં જ આપણી સલામતી છે. આપણી સલામતી માટે જ કૂતરાં આટલા જોરથી ભસી રહ્યાં છે. તેમનો ગુણ માનવાને બદલે તેમની પર ખીજાવું કેટલું શરમજનક કહેવાય? ભસીને કૂતરાં આપણને સંદેશો આપી રહ્યાં છે કે અમે જાગીશું, તમને જગાડીશું અને આપણે સૌ મળીને ત્રાસવાદ નાબૂદ કરીશું. બોલો, ભારતમાતાકી.... (કૂતરાનો લાંબો આલાપ, જેને ‘...જય’ તરીકે ખપાવી શકાય.)
બેફામ-અકારણ ભસવાનો અવાજ નાગરિકોને થોડી વાર પૂરતો સલામતીનો આભાસી અહેસાસ આપી શકે, પણ તેનાથી મનનો ઉચાટ દૂર થતો નથી અને તે માનસિક શાંતિનો વિકલ્પ પણ બની શકતો નથી. થોડી વાર રહીને, ઘણા કિસ્સામાં થોડાં વર્ષ પછી, સમજાય છે કે આ બધી ભસાભસ આપણી સલામતી માટે નહીં, અંદરોઅંદરની હુંસાતુંસી માટે અને એકબીજાને મહાત કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટેની હતી. એ સાથે જ ‘હવે બહુ થયું. આ ભસતાં કૂતરાંનું કંઇક કરવું પડશે’ એવો ધક્કો મનમાં જાગે છે.

પોતાના પ્રભાવ વિશે ઊંચો ખ્યાલ ધરાવતા લોકો સૌથી પહેલાં પથારીમાંથી ઉભા થઇને બહાર જોવા નીકળે છે. તેમને એવી ખાતરી હોય છે કે તેમના બહાર પગ મૂકતાંની સાથે જ ભસતાં કૂતરાં પૂંછડી દબાવીને પોબારા ગણી જશે. ભોગેજોગે એ જ વખતે શ્વાનગાનમાં ‘છોટા સા બ્રેક’ ચાલતો હોય, તો બહાર જનાર, ચહેરા પર મૂછની જગ્યાએ તાવ દે છેઃ ‘જોયો, આપણો તાપ!’

પરંતુ સ્વયંભુ બ્રેક પૂરો થયા પછી જેવાં કૂતરાં ધોધમાર ભસવાનું ચાલુ કરે કે તરત ચહેરા પર પ્રગટેલો ‘તાપ’ ચોમાસુ તડકીની જેમ અદૃશ્ય થઇ જાય છે. કૂતરાંને બદલે પોતાના વટને પૂંછડી દબાવીને નાસી ગયેલો જોઇને, ‘બે આંખની શરમનો તો જમાનો જ નથી રહ્યો.’ એવા ઉદ્ગાર સાથે તે નિસાસો નાખે છે અને ‘આમને પાંસરાં જ કરવાં પડશે’ એવો નિર્ધાર કરે છે.

સંઘર્ષની સ્થિતિ પેદા થાય ત્યારે સૌથી પહેલાં વાટાઘાટો કરવી એવું ડિપ્લોમસી કહે છે. પરંતુ ભસતાં કૂતરાં સાથે ડિપ્લોમસીનો અર્થ છેઃ આપણે ભસતાં શીખવું. એટલે તેમને મંત્રણાના મેજ પર લાવવાનો વિચાર છોડીને, ‘હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ માનીને, કૂતરાંને ભગાડવા માટે કયાં શસ્ત્રો પ્રયોજવાં તેની યાદી બનવા માંડે છે.
કળીયુગનાં કૂતરાં કેવળ ‘હડે, હડે’થી ખસતાં કે વિચલિત થતાં નથી. તેમને એવું લાગે છે કે કોઇ બે પગાળું પ્રાણી વધારે મોટા અવાજ સાથે અમારા કોરસમાં સામેલ થવા ઇચ્છે છે. સુધરેલા દેશોમાં પોલીસ દેખાવકારો પર પાણીનો- વોટરકેનનનો- પ્રયોગ કરે છે, એ જ રીતે, જીવદયાપ્રેમીઓ કૂતરાને ઇજા પહોંચાડ્યા વિના ભગાડવા માટે ડબલાં ભરીને પાણી તેમની તરફ રેડે છે. મોટા ભાગે ઉનાળો રહેતો હોય એવા પ્રદેશમાં એકાદ વાર ઓચિંતું પાણી પડવાથી કૂતરૂં ઝબકી જાય, પણ પછી પાણીથી તેને મઝા પડવા માંડે છે. બે-ચાર ડબલાં પાણી રેડ્યા પછી પાણી છાંટવાનું બંધ થાય, તો તે પાણીની માગણી સાથે ભસવાનું શરૂ કરી દે. કહેવાય નહીં.

‘મારે હિંસા આચરવી ન હતી, પણ કૂતરાંએ મને મજબૂર કર્યો છે’ એવો ભાવ મનમાં ધારણ કરીને ઊંઘોત્સુક જણ પથ્થર શોધે છે. સામાન્ય માણસના ઘરમાં કૂતરાં ભગાડવા માટેના પથ્થર બરણીમાં કે શો-કેસમાં તો રાખ્યા ન હોય. પણ ‘ભવિષ્યમાં એ લાઇન પર વિચારવું રહ્યું’ એમ વિચારીને વર્તમાન સુધારવા માટે તે રસ્તા પરથી પથ્થર ઉપાડીને કૂતરાં તરફ ઘા કરે છે. એકાદ પથ્થર અણધાર્યા નિશાન પર લાગતાં એકાદ કૂતરૂં ‘વાંઉ, વાંઉ’ કરતું ચિત્કારી ઉઠે, એટલે યુદ્ધમાં દુશ્મનની એકાદ ટેન્કનો ખાત્મો બોલાવી દીધો હોય એવો સંતોષ પથ્થર મારનારને થાય છે.

પથ્થર મારવાથી કૂતરાં વિખેરાઇ જાય, તો પણ તેમનું શ્વાનત્વ જતું નથી. કાળીયાં, ધોળીયાં, ભૂખરાં, કાબરચીતરાં, લાલ, બદામી, કાનકટ્ટાં, પઠ્ઠા જેવાં, માયકાંગલાં- એવાં અનેક કૂતરાં મન પડે ત્યારે ફરી રસ્તા પર આવી શકે છે. એ માણસ નથી, એટલે હજુ સુધી એમની વચ્ચે ચામડીના રંગને લઇને ભેદભાવ થયા લાગતા નથી. બધા સાથે ભસી શકે છે. પાડોશના કાળીયા કૂતરાને હડઘૂત કરીને બાજુની સોસાયટીના ધોળીયા કૂતરા પ્રત્યે અહોભાવથી જોવાનું પણ હજુ કૂતરાં માણસ પાસેથી શીખ્યાં નથી. ત્યાં સુધી, કૂતરાંની ‘અસ્મિતા’ અને ‘ભસ-મિતા’ સલામત છે. ગમે તેટલા પથ્થરો મારવાથી તે નાબૂદ થવાની નથી.

7 comments:

  1. Anonymous4:12:00 PM

    He he he he Superb!

    Sukumar M. Trivedi

    ReplyDelete
  2. સંસદ’નો અર્થ પાર્લામેન્ટ ઉપરાંત સભા કે મંડળ પણ થાય છે- અને આ લેખ પૂરતો તેનો એ અર્થ સમજવો. મોટા ભાગના સાંસદો સિવાય બધાને સંસદની ગરીમાની પરવા હોય છે, એટલા પૂરતી આ સ્પષ્ટતા!!!...Jabardast "punch"..

    ReplyDelete
  3. Anonymous6:01:00 PM

    "સંસદ બરાબર જામી છે...
    અર્થ બરાબર પામી છે.."
    -આકાશ વૈદ્ય-

    ReplyDelete
  4. at least for his time i am not trying to read between the lines. but you can read between my lines for i know of dogs that not only bark but cry also.

    whenever the killer train whistles past my house near the Vastrapur railway station, some particular ones from the canine fraternity of the deceased chase and wail in mourning...

    have you seen this kind of 'shwanatwa'?

    ReplyDelete
  5. આ આર્ટિકલના કેટલાક વાક્યો આપણાં રાજકારણીઓને ખાસ્સાં મળતાં આવે છે. કૂતરાં વિરોધ ન ઉઠાવે તો સારું !

    ReplyDelete
  6. પ્રજાની ઊંઘ ઉડે અને તે વિચારતી થઇ જાય, એનાથી મોટું કાવતરૂં બીજું કયું હોઇ શકે?

    vah..urvishbhai...

    ReplyDelete
  7. Anonymous1:00:00 PM

    રાજકારણીઓ ને માત્રને માત્ર કુતરા તરીકે જ જોવાની દ્રષ્ટિ જો પ્રજામાં હંમેશા રહેશે તો થોડુક પણ સારું કરવા ઈચ્છતા, જે પુરેપુરા કુતરા નથી એવા રાજકારણીઓની થોડીઘણી મનુષ્યવૃત્તિ પણ શ્વાનવૃત્તિ માં પરિવર્તિત થઇ જશે. માત્ર અને માત્ર નિંદા જ ન કરીને થોડું અથવા ઘણું મનુષ્યત્વ ધરાવતા રાજકારણીઓની પણ વાત ક્યારેક કરો.

    કટાક્ષ કરી ને સમાજ ને જાગૃત રાખવાની મનુષ્યવૃત્તિ ખુબ સરાહનીય છે જ પણ માત્ર નકારાત્મકતાને જ ઠુંસી ઠુંસીને જનમાનસમાં ભરવાથી જે રાજકારણીઓ નથી એવા સામાન્ય જનોમાં પણ દેશ, સમાજ, પ્રણાલી અને ક્યારેક તો સ્વયમ પોતાની જીન્દગી માટે ભારોભાર નકારાત્મકતા ઉદભવી શકે છે કેમકે સામાન્ય માણસ તમારા જેટલું વિચારવાની અને મગજ ની કસરત કરવાની ક્ષમતા નથી ધરાવતો હોતો.

    જયારે એક મહાકાય સમાજ માટે નિર્ણય લેવાનો હોય ત્યારે એ નિર્ણય લેનાર વ્યક્તિ અમુક લોકોને મનુષ્ય અને અમુક લોકોને કુતરો લાગવાનો જ છે. પ્રમાણિકપણે વિચારશો તો તમે પોતે લીધેલા પોતાના ઘર-કુટુંબ સંબંધીત કોઈક નિર્ણય વિષે પણ એવું જણાઈ આવશે કે એનાથી ઘરના અમુક સભ્યો ખુશ હતા અને અમુક નાખુશ. ઘર ના દરેક સભ્યને અંગત રીતે મળીને તમારા નિર્ણય વિષે સહમત કરવા પ્રયત્ન કરશો તો પણ શક્ય છે કે કોઈક સભ્ય તમને હોશિયાર સમજે, વાસ્તાવિકતાલક્ષી સમજે, પક્ષપાતી સમજે, દોઢડાહ્યા સમજે, ગાંડા સમજે, મહાન માણસ સમજે કે કુતરા પણ સમજે. આ જ બાબત મને પણ એટલી જ લાગુ પડે છે.

    સમય અને દ્રષ્ટિકોણ ઉપર ઘણું બધું આધારિત હોય જ છે એ વાત સાથે તો તમે સહમત હશો. (હું એ વાત સાથે પણ સહમત છું કે ઘણીવાર આપણે ઘણાબધા ખરાબોમાંથી "એક સૌથી ઓછો ખરાબ" જ ચુંટવા નો હોઈ શકે).

    મારો છ મહિના નો બાળક રડી રહ્યો છે એટલે વધુ લખી શકવાની પરિસ્થીતી માં નથી. ક્યારેક તમને મળવું ગમશે.

    તમારા જ્ઞાન ભંડોળ વિષે ઘણો આદર છે.

    અને ક્યારેક કમસેકમ તમારા ગામ પૂરતા પણ સહુ ગામવાસીઓના સર્વમાન્ય નેતા તરીકે તમે સ્થાન પામો, આખા ગામના બધા જ લોકો તમારા તમામેતમામ કાર્યના વખાણ કરતા હોય અને બધા જ તમને એક પ્રમાણિક, અભ્રષ્ટ, કાર્યદક્ષ, બહુગુણસંપન્ન, દરેક પ્રકારના વિકાસમાં સમતોલપણે માનનારા એવા નેતા તરીકે હૃદયપૂર્વક સ્વીકારે એવું દ્રશ્ય જોવું ગમશે.
    ભૂલચૂક માફ કરશો.

    ReplyDelete