Monday, March 28, 2016

પ્રાચીન ભારતમાં ખરેખર શું શું શોધાયું હતું?

ગૌરવભર્યા, સમૃદ્ધ વારસાનું ગૌરવ લેવાની એક રીત છે : એ વારસાની યથાયોગ્ય જાળવણી કરવી અને તેમાં ઉમેરો કરવો--પછી એ વારસો કુટુંબનો હોય કે દેશનો. બીજી અને વધારે પ્રચલિત રીત છે : ભૂતકાળની સાચી વાતોમાં બનાવટી, અર્ધસત્ય કે શંકાસ્પદ સચ્ચાઇ ધરાવતી વાતોની ભેળસેળ કરવી. તેમાં વાર્તા અને ઇતિહાસ  (વાસ્તવિકતા) વચ્ચેનો, ગૌરવ અને બડાશ વચ્ચેનો, જ્ઞાન અને મિથ્યાભિમાન વચ્ચેનો ફરક ભૂલી જવામાં આવે છે. થોડા સમય પહેલાં સંઘ પરિવારની શિક્ષણપાંખે તૈયાર કરેલાં અને આપણા ભારતમાં બધું પહેલાં શોધાઇ ગયું હતુંએ પ્રકારનો દાવો કરતાં પુસ્તકનો વિવાદ થયો હતો. વડાપ્રધાને માણસના શરીર પર હાથીનું માથું બેસાડવાની કથાને ભારતીય ચિકિત્સાજગતની સિદ્ધિ તરીકે ઓળખાવી હતી--ભલે ને આ રમણીય કથાનું વિજ્ઞાનદૃષ્ટિએ કશું ધડમાથું બેસતું ન હોય. (જરા વિચાર તો કરો, ક્યાં હાથીનું માણસ કરતાં અનેક ગણું ઉતરતું મગજ- માથાની જુદી રચના અને ક્યાં માણસનું માથું.) એવી જ રીતે, વિજ્ઞાન કૉંગ્રેસમાં ઉડ્ડયનને લગતી સંદેહાસ્પદ વાર્તાઓને વિજ્ઞાન તરીકે રજૂ કરવાની ચેષ્ટા થઇ.

આમ થવાનું સાદું કારણ એટલું કે  રાષ્ટ્રવાદનું રાજકારણ રમનારાને વૈજ્ઞાનિક ખરાઇ સાથે કશી લેવાદેવા નથી. એમને તો કોઇ પણ રીતે પ્રજાને સંકુચિત-જ્ઞાનવિમુખ રાષ્ટ્રવાદનું અફીણ પીવડાવવામાં રસ હોય છે. પરિણામ એ આવે છે કે તેમના અધકચરા- બિનઆધારભૂત અને મોંમાથા વગરના દાવાના પાપે ભારતના પ્રદાનનો વાસ્તવિક, નક્કર વારસો પણ બદનામ થાય છે. ભારતના અસલી, વિજ્ઞાનસિદ્ધ અને ગૌરવવંતા વારસાને ઉજાગર કરવાનો અને શંકાસ્પદ દાવાને બાજુ પર રાખવાનો એક પ્રયાસ એટલે સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયામથાળું ધરાવતી પુસ્તિકા.

કૉલકાતાની બ્રેકથ્રુ સાયન્સ સોસાયટી દ્વારા આ વર્ષના આરંભે પ્રકાશિત થયેલી માંડ ૭૨ પાનાંની આ પુસ્તિકામાં ગણિતથી માંડીને તબીબીવિજ્ઞાન, ધાતુવિજ્ઞાન, ખગોળ, ભાષા જેવા વિવિધ વિષયોમાં ભારતમાં કેવી મહાન શોધો થઇ તેની યોગ્ય વિગતો સાથે કરવામાં આવી છે. દસ્તાવેજી પુરાવા અને સંશોધનોના આધારે સામાન્ય રીતે ભારતના ઇતિહાસને પાંચ ભાગમાં વહેંચવામાં આવે છે. સિંધુ સંસ્કૃતિ  (ઇસવી સન પૂર્વે ૩૫૦૦થી ઇસવી સન પૂર્વે ૧૮૦૦), વૈદિક યુગ (ઇ.સ.પૂ. ૧૫૦૦થી ઇ.સ.પૂ. ૬૦૦), ઉત્તર વૈદિક યુગ (ઇ.સ.પૂ.૬૦૦થી ઇસવી સન ૧૧૦૦), મધ્ય યુગ (ઇ.સ.૧૧૦૦થી ઇ.સ.૧૮૫૦), આધુનિક યુગ (ઇ.સ.૧૮૫૦થી)

શૂન્યની શોધ વીસ હજાર વર્ષ પહેલાં થઇ હતી--એ પ્રકારના હજારો વર્ષોના સાંસ્કૃતિક વારસાના દાવા કરનારાને આ વિભાજન સામે જ વાંધો પડી શકે. પરંતુ યોગ્ય આધારપુરાવા વિના દાવાને શી રીતે માની શકાય? પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે, વૈદિક યુગમાં ઇ.સ.પૂ.૧૦૦૦ની આસપાસ લિપિનો વિકાસ થયો અને લેખનની શરૂઆત થઇ. પરંતુ છેક અશોકના સમય સુધી--એટલે કે આશરે ઇ.સ.પૂર્વે ૨૦૦ સુધી શૂન્યની અને દશાંશ પદ્ધતિની શોધ થઇ ન હતી. બ્રાહ્મી લિપિમાં લખાયેલા અશોકના શિલાલેખોમાં પણ શૂન્ય જોવા મળતું નથી. એટલે ૧૦,૨૦, ૩૦ જેવા આંકડા માટે એકબીજા સાથે સામ્ય ન ધરાવતાં, અલગ અલગ પ્રકારનાં ચિહ્નો વપરાતાં હતાં. શૂન્યની શોધ થઇ ચૂકી હોય, તો ભારતભરમાં ફેલાયેલા અશોકના સામ્રાજ્યનાં લખાણોમાં શૂન્ય ગેરહાજર શા માટે હોય?

અલબત્ત, આ ઉલ્લેખની સાથે પુસ્તિકામાં એ વાત પણ ભારપૂર્વક નોંધવામાં આવી છે કે શૂન્યની ગેરહાજરી છતાં એ સમયના ઘણા ગ્રંથોમાં તોતિંગ રકમના આંકડાની કલ્પના જોવા મળે છે. સાદા સરવાળા-બાદબાકી-ભાગાકાર-ગુણાકાર એ વખતે શરૂ થઇ ચૂક્યા હતા. ઘનમૂળ કાઢવાની કે ભૂમિતિના પ્રાથમિક ખ્યાલોની શરૂઆત પણ શૂન્યની ગેરહાજરીમાં થઇ ચૂકી હતી. શૂન્યની શોધ વૈદિક યુગ પછીના બૌદ્ધ સમયમાં થઇ, પરંતુ દશાંશ પદ્ધતિ ઘણી મોડી આવી. પુસ્તિકામાં જણાવ્યા પ્રમાણે, અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવાની રીત છેક ઇસવી સન સત્તરમી સદી સુધી જાણીતી ન હતી. આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત જેવા અનુક્રમે પાંચમી, છઠ્ઠી અને સાતમી સદીમાં થયેલા મહાન ગણિતશાસ્ત્રીઓના કામમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળતી નથી.

થોડા સમયથી વૈદિક ગણિતના નામે એક તૂત ચલાવવામાં આવે છે. તેમાં શીખવાતા શૉર્ટ કટ સામે કશો વાંધો ન હોઇ શકે. પણ તેને વૈદિકતરીકે ઓળખાવવાનું ખોટું છે. વૈદિકશબ્દ વિશે પણ પ્રાથમિક સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે ઘણા લોકો સંસ્કૃતમાં લખાયેલી દરેક વાતને વેદસંબંધિત ગણી લે છે. વૈદિક યુગમાં ભણેલા લોકો વચ્ચે આદાનપ્રદાનની ભાષા સંસ્કૃત હતી. માટે, એ સમયનાં વેદ સિવાયનાં લખાણ પણ સંસ્કૃતમાં જ હોવાનાં. તેમને સમયગાળાની રીતે વૈદિકગણવાં હોય તો ગણી શકાય, પણ વૈદિક એટલે વેદમાં લખેલુંએવું ન કહી શકાય.

ઉત્તર વૈદિક સમયગાળાને એટલે ઇ.સ.પૂર્વે ૬૦૦થી ઇ.સ. ૧૦૦૦ સુધીના આશરે ૧,૬૦૦ વર્ષના ગાળાને ભારતીય જ્ઞાનવિજ્ઞાનના સુવર્ણયુગ તરીકે ગણાવવામાં આવ્યો છે. આ યુગમાં ક્રિયાકાંડનાં બંધન ઢીલા પડતાં, નવા વિચારો તરફ લોકો વળ્યા. બૌદ્ધ અને જૈન ધર્મોનો ઉદય થયો. ચાર્વાક (લોકાયત) જેવી ભૌતિકતાવાદી વિચારસરણીઓ નવેસરથી પ્રચલિત બની. ચરક ઉપરાંત છઠ્ઠી સદીમાં થયેલા સુશ્રુત, જીવક જેવા તબીબોએ ભારતીય તબીબીવિજ્ઞાનને સિદ્ધિના શીખરે પહોંચાડ્યું. વાઢકાપ (ઑપરેશન)ની તેમણે શોધેલી પદ્ધતિઓ અને એ માટે વપરાતાં સાધનોની બાબતમાં દુનિયાભરમાં તેમની જોડ ન હતી. યુરોપમાં એ જ્ઞાન સદીઓ પછી આવ્યું. સુશ્રુતના વિખ્યાત ગ્રંથ સુશ્રુતસંહિતામાં (છઠ્ઠી સદીમાં) ઑપરેશન માટે જરૂરી ૧૨૧ સાધનોનાં ચિત્રો દર્શાવવામાં આવ્યાં છે.  (તેમાંથી કેટલાંક પુસ્તિકામાં પણ જોવા મળે છે) જુદાં જુદાં અંગો પર વાઢકાપનાં સાધન કેવી રીતે ચલાવવાં, હાડકું ભાંગે ત્યારે શું કરવું, ચોક્કસ પ્રકારની વનસ્પતિના રેસામાંથી ટાંકા કેવી રીતે લેવા - એ બધી વિગતો સુશ્રુતસંહિતામાં આલેખવામાં આવી છે.

એવી જ રીતે ચરકસંહિતામાં જુદા જુદા ૧૫૦ પ્રકારના રોગના અને તેમના પેટાપ્રકારોના ઉલ્લેખ છે. ઉપરાંત, ઔષધિ તરીકે વાપરી શકાય એવી ૩૪૧ વનસ્પતિ, પ્રાણીઓમાંથી મળતા ઔષધિય ગુણ ધરાવતા ૧૭૭ પદાર્થ અને જેમાંથી ઔષધિ તરીકે ખપમાં લઇ શકાય એવી ૬૪ ધાતુઓની પણ ચરકે નોંધ કરી છે. આવી અનેક અસાધારણ અને આશ્ચર્યચકિત કરે એવી વિગતો ઉપરાંત, સુશ્રુત અને ચરકનાં લખાણોમાં કપાયેલાં નાક-કાન જોડવાની પણ રીત આપેલી છે. (કેમ કે, એ વખતે અપરાધીનાં નાક-કાન કાપી નાખવાની સજા અપાતી હતી.) એ રીતની સફળતા વિશે જાણવા મળતું નથી અને આધુનિક સમયમાં તેનો અખતરો થયો નથી. પરંતુ આ વિદ્વાનોની મહત્તાનો ઇન્કાર કોઇથી થઇ શકે એમ નથી. કારણ કે તેમાં વાર્તા અને હકીકતની ભેળસેળ કરવામાં આવી નથી. એ વિશુદ્ધ વિજ્ઞાન છે. તેમાં ક્યાંય ક્રિયાકાંડની કે ચમત્કારની વાતો નથી.

(કેટલીક વઘુ સિદ્ધિઓ અને સવાલો આવતા સપ્તાહે) 

6 comments:

  1. jara aa vachsho? http://www.ece.lsu.edu/kak/ast.pdf

    ReplyDelete
    Replies
    1. ખુશીથી.
      શરૂઆતનું જોયું. થોડી નવાઇ પણ લાગી કે સંશોધન લેખમાં આમ કહેવાય છે ને તેમ કહેવાય છે (અપૌરુષેય વગેરે) એવું હોય. પણ ઠીક છે. ભૂમિકા માટે પણ હોઇ શકે. આખું નિરાંતે જોઇશ.

      Delete
  2. True, Urvishbhai. What I wonder, however, is "why could 'India' NOT maintain that scientific temper? ....and even more importantly, why did it NOT usher in well being of the inhabitants? Why did the said knowledge never created the nation? ...why did we have to wait till the British invasion to have us formed as a nation?" (I have carefully avoided the words such as citizens although I could not do away with the word India so in inverted comma!)

    ReplyDelete
  3. ઉર્વિશભાઇ,
    ઇતિહાસના ખોટા બણગા ન ફૂંકવા જોઇએ એ વાત સાથે ૧૦૦% સંમત. પણ સાથે એ પણ સત્ય છે કે આઝાદી પછીના સામ્યવાદી લેખકોએ ભારતનો સાચો ઇતિહાસ આપણી સમક્ષ રજૂ નથી કર્યો. પાઠ્યપુસ્તકો દ્વારા ડાબેરી વિચારધારા જ આપણી પણ થોપવામાં આવી છે, તે સત્ય હકીકત છે.
    નવાઇની વાત છે કે આપણે આર્કીમિડીસ કે ગેલેલીયો વિશે ભણીયે છે, પણ આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત વિશે નહીં. ઇતિહાસના પુસ્તકમાં સિકંદરના સામ્રાજ્ય વિશે આપણે સહુ ભણ્યાં, પણ દક્ષિણના પલ્લવ, ચોલા, રાષ્ટ્રકુટ સામ્રાજ્ય વિશે કેટલાં લોકો ભણ્યાં છે?
    ઇસ્લામના ફેલાવા વિશે આપણે ભણીયે છે, પણ બૌદ્ધધર્મ કે હિન્દુધર્મ જાપાન, ઇન્ડોનેશીયા, જાવા, ચીન અને મધ્ય એશિયા કેવી રીતે પહોંચ્યો, બહુ ઓછા જાણે છે. આ કહેવાનો અર્થ એ નથી કે ભારતમાં ઇસ્લામના આગમન વિશે ન ભણાવો. જરૂર ભણાવો, પણ ભારતીય ધર્મો ભારતીય ઉપખંડની બહાર કેવી રીતે પહોંચ્યા એ પણ અગત્યની વસ્તુ છે.
    મને હજી પણ યાદ છે કે ૮ ધોરણ અને ૧૦ ધોરણના ઇતિહાસનો મારો અભ્યાસક્ર્મ એક જ મુદ્દાની આસપાસ ફરતાં હતાં, અંગ્રેજોનો ભારતમાં પ્રવેશ અને આઝાદીનું આંદોલન. તે ચોક્કસ ભણાવવું જોઇએ, પણ ફક્ત તે જ ન ભણાવવું જોઇએ.
    ક.મા. મુન્શીને વાંચ્યા પછી ખબર પડી કે સિદ્ધરાજનું ગુજરાત છેક રાજસ્થાન અને પંજાબ સુધી પ્રસરેલું હતું. ભારતમાં અંગ્રેજોનું આગમન જેટલું અગત્યનું છે, તેટલું જ (કદાચ વધારે) અગત્યનું આર્યોનું આગમન છે. તુર્કો અને ઇરાનીપ્રજા ભારતમાં જે રીતે એકસૂત્ર થઇ તે જ રીતે હૂણ, શક અને અન્યપ્રજા ભારતમાં એકાકાર થઇ તે પણ ભણાવવું અગત્યનું છે.

    ઇતિહાસને સાચો ભણાવવો જરૂરી છે. તેને જમેણિ કે ડાબેરી વિચારધારાથી મુક્ત રાખવામાં આવે તે ઇચ્છનીય છે. આ આદર્શ પરિસ્થિતિ છે. પણ સાથે એ પણ વાસ્તવિકતા છે કે ઇતિહાસના આલેખનમાં દરેક ઇતિહાસકાર પોતાની વિચારધારાની છાપ જાણેઅજાણે મૂકે જ છે. આ સંજોગોમાં હું એ લેખકને પસંદ કરીશ જે લેખકનો ઝોક ભારત તરફ વધુ હોય, ન કે વિદેશીઓના ગુણગાન હોય. આ ચિંતન ભલે આદર્શવાદી ન હોય, પણ વાસ્તવદર્શી જરૂર છે.

    ReplyDelete
  4. Where to get "Science in Ancient India—Reality versus Myth" book?

    Thanks

    ReplyDelete
    Replies
    1. 8A Creek Lane
      Calcutta - 700014

      Phone: (033) 2264-0563
      Fax: (033) 2264-0251
      E-mail: breakthrough@ieee.org

      Delete