Wednesday, March 23, 2016

ત્રીજો ‘પક્ષ’ : નાગરિકપક્ષ

ભારતનું રાજકારણ મુખ્યત્વે બે પક્ષમાં વહેંચાયેલું છે : ના, ભાજપ અને કૉંગ્રેસ નહીં, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. દેખાડાબાજી માટે થતા હાકોટા અવગણીને શાંતિથી વિચારી જુઓ : નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અથવા બીજા રાજકીય પક્ષો વચ્ચે પણ શો ફરક છે? અરુણ શૌરીએ આપેલા ચબરાક છતાં ચોટદાર આકલન પ્રમાણે, ‘એનડીએ એટલે યુપીએ પ્લસ કાઉ.યુપીએનીતિમાં આક્રમક હિંદુત્વનો-સંકુચિત રાષ્ટ્રવાદનો આથો ચડાવો એટલે એનડીએ. આ મૂલ્યાંકનમાં આત્યંતિકતા હોવા છતાં, તત્ત્વાર્થમાં એ સાચું છે. બન્ને પક્ષના વફાદારોજોકે તેને નહીં સ્વીકારે. કારણ કે તેમના પ્રિય પક્ષોના બ્રાન્ડિંગનો સવાલ છે.

બ્રાન્ડિંગની--એટલે કે પોતે જેવા છે નહીં, પણ જેવા દેખાવા કોશિશ કરે છે એની-- બાબતમાં કૉંગ્રેસ-ભાજપ સરખાં નથી. તેમની વચ્ચે મોટો ફરક છે. કૉંગ્રેસ ગરીબતરફી, બિનસાંપ્રદાયિકતાતરફી- સાંપ્રદાયિકતાવિરોધી દેખાવા ઇચ્છે છે, જ્યારે ભાજપ રાષ્ટ્રવાદી, ત્રાસવાદવિરોધી, પાકિસ્તાનવિરોધી અને બેશક, કૉંગ્રેસવિરોધી-પરિવારવિરોધી દેખાવા ઇચ્છે છે. તેમના આ બ્રાન્ડિંગથી ઘણા લોકો જાણેઅજાણે ભોળવાઇ જાય છે. અમુક ટૂથપેસ્ટ ઘસવાથી કે તમુક ડીઓડરન્ટ લગાડવાથી યુવતીઓ મોહિત થઇ જશે, એવું ઠસાવતી જાહેરખબરોની જેમ, આ પક્ષો પણ પોતાના બ્રાન્ડિંગથી ગ્રાહકોને લલચાવવા પ્રયાસ કરે છે. પેલી જાહેરખબરોની જેમ રાજકીય પક્ષોની જાહેરાતોથી પણ ઘણા લોકો લલચાય છે-લપેટાય છે અથવા પોતાની આકાંક્ષાઓ-કુંઠાઓ-પૂર્વગ્રહોનું પ્રતિબિંબ કે મોક્ષ એ જાહેરાતોમાં જુઓ છે. અલબત્ત, પક્ષોનું પેકેજિંગ વ્યાપારી ચીજવસ્તુઓ કરતાં વધારે ભવ્ય હોય છે. એ ગરીબોના કે રાષ્ટ્રના કે હિંદુઓના કે મુસ્લિમોના ઉદ્ધારથી ઓછી વાત કરતા નથી.

જરા વિચારો : જેમના મનમાં સેક્યુલરિઝમનો ખ્યાલ કૉંગ્રેસની સગવડીયા બિનસાંપ્રદાયિકતા જોઇને કે દેશભક્તિનો ખ્યાલ ભાજપનો તકલાદી-તકવાદી રાષ્ટ્રવાદ જોઇને બંધાયેલો હોય, એવા લોકોનું શું થાય? મોટે ભાગે, તે એક યા બીજા પક્ષના ભક્ત બને. (ઘણા વખતથી જોકે વિચારધારા કરતાં ફાયદાની ગણતરી પક્ષીય વફાદારી માટે મુખ્ય પરિબળ બની છે) પોતાના મનમાં રહેલા ખ્યાલો કે દ્વેષનો પડઘો તેમને કોઇ પક્ષના પ્રચારમારામાં- તેના બ્રાન્ડિંગમાં સાંભળવા મળે, એટલે પક્ષોની વાસ્તવિકત વર્તણૂંક ગૌણ બની જાય છે. બ્રાન્ડિંગના આધારે જે લોકો કૉંગ્રેસ ભણી ઢળે, તેમને સોનિયા ગાંધી-રાહુલ ગાંધીમાં ઉદ્ધારકનાં દર્શન થાય છે.  તેમને લાગે છે કે દેશને બચાવવો હશે તો કૉંગ્રેસ લાવવી પડશે. આવી જ રીતે, જે લોકો બ્રાન્ડિંગથી મોહાઇને ભાજપ- સંઘ તરફ ઢળતા હોય તો તેમને નરેન્દ્ર મોદી ઉદ્ધારક લાગશે. બે વર્ષ પહેલાં --અને હજુ પણ ઘણા માને છે કે આ દેશનો ઉદ્ધાર ફક્ત નરેન્દ્ર મોદી જ કરે એમ છે. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં ઘણા વધારે ચબરાક હોવા છતાં, ઉદ્ધારક તરીકે એ બન્ને (જુદાં જુદાં કારણોસર) એકસરખા નકામા છે. વસ્તુતઃ કોઇ પણ રાજકારણીને-નેતાને, મહાત્મા ગાંધીને પણ, ઉદ્ધારક ગણવામાં સાર નથી.

સારો નેતા માણસના મનમાં રહેલી શુભ લાગણીઓને ઢંઢોળી શકે, તેને જગાડી શકે અને કદાચ સક્રિય કામગીરી માટે પણ પ્રેરી શકે. ગાંધીજીમાં એ ગુણ હતો. તેમણે પોતાના સાથીદારોની મર્યાદાઓ કોરે રાખીને, તેમનામાં રહેલાં ઉત્તમ તત્ત્વોને બહાર આણ્યાં અને તેને રાષ્ટ્રના કામમા ખપમાં લીધાં.

પણ ઉદ્ધારક? તારણહાર? એવું બધું રાજાશાહીમાં- સરમુખત્યારશાહીમાં, ટૂંકમાં એકહથ્થુ શાસનમાં હોય. લોકશાહીમાં નાગરિકો પોતે જાગતા ન રહે, તો તેમનો ઉદ્ધાર કોઇ ન કરી શકે. એવો દાવો કોઇ નેતા કરે, તો એને બ્રાન્ડિંગનો -- એટલે કે તેમના ધંધાદારી પ્રચારજૂઠાણાનો-- ભાગ ગણી લેવો. તમે સૂઇ જાવ ને હું જાગીશએવું કોઇ કહે ત્યારે, દિલ્હી જેવા કોઇ સ્ટેશન પર તમે તમારે બાથરૂમ જઇ આવો. હું તમારી બૅગ સાચવીશએવું કહેનારા કોઇ ગઠિયાને યાદ કરી લેવો. એ પણ આવું કહે ત્યારે પરગજુ અને યુધિષ્ઠિરનો અવતાર નથી લાગતો?  

કોઇને ઉદ્ધારકગણી લેનારા મૂળભૂત રીતે નિષ્ક્રિય અથવા મજબૂર અથવા બન્ને હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો ઉદ્ધારકોઉઠાવે છે. દેશમાં ઉદ્ધારકની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે અને પક્ષની કંઠી (અથવા તેની વફાદારીના નામે આંખે પાટા) બાંધનારાની બહુમતી થઇ છે.

રાજકીય પક્ષોમાં જોડાયેલા કેટલાક લોકો મૂળભૂત રીતે, માણસ તરીકે સારા હોય છે. તેમનામાં વિચારધારાકીય સ્પષ્ટતા હોય કે ન હોય, બીજા માટે કંઇક કામ કરવાની વૃત્તિ હોય છે. એવા લોકો એક યા બીજા પક્ષની કહેવાતી વિચારધારામાં સામેલ થયા પછી, એ પક્ષ સાથે છેડો ફાડી શકતા નથી. સાથોસાથ, પોતાની મૂળભૂત સારપ પણ છોડી શકતા નથી. લાંબા સમય સુધી ભાજપના સભ્ય-ધારાસભ્ય (અને બહુ મોડેથી આમઆદમી પક્ષમાં જોડાયેલા) સેવાભાવી ડૉક્ટર કનુભાઇ કળસરિયા આવું એક ઉદાહરણ છે. એમના જેટલા જાણીતા કે એ કક્ષાના નહીં, એવા બીજા દાખલા પણ હશે, જેમની મૂળભૂત સારપને વિચારધારાના નામે ફેલાવાતું નાગરિકવિરોધી-મનુષ્યવિરોધી ઝેર ચડ્યું ન હોય.

પોતીકી સારપ છતાં પક્ષનાં અનિષ્ટ આચરણો સામે એ લોકો અવાજ ન ઉઠાવે, તેના પ્રત્યે આંખ આડા કાન કરે અને બને ત્યાં સુધી પક્ષ સાથે છેડો ન ફાડે તેનું એક કારણ : ભૂતના ભાઇ પલિત જેવી સ્થિતિ હોય અને લેસર એવિલના નામે સરખેસરખાં અનિષ્ટો વચ્ચે જ પસંદગી બચી હોય, ત્યારે ઘણાને લાગે છે કે અજાણ્યા અનિષ્ટ કરતાં જાણીતા અનિષ્ટ સાથે પનારો પાડવો સારો. આવા લોકો અંગત વાતચીતમાં પોતાના પક્ષનાં અનિષ્ટો વિશે ખુલ્લાશથી વાત કરે છે, પણ જાહેરમાં ઊભા રહેવાનું આવે ત્યારે એ પક્ષના ટોળામાં, બીજાં અનેક અનિષ્ટોની સાથે જોવા મળે છે. તેને પક્ષની શિસ્ત કહેવામાં આવે છે.

ભાજપની ટીકા કરે, તેમને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા એ પણ પક્ષીય બ્રાન્ડિંગની જ વ્યૂહરચના છે. પરંતુ એ પ્રચારને પડકારીને, ખોંખારીને કહેવું પડે કે આ દેશમાં એક ત્રીજો પણ પક્ષછે. રૂઢ અર્થમાં તે પક્ષ નથી. તેમનું કોઇ ઔપચારિક સંગઠન નથી, કોઇ રાજકીય હિત નથી. તે ધબકતી લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર ઇચ્છતા નાગરિકોનો સમુહ છે. સત્તાપક્ષનાં જૂઠાણાંનો પ્રતિકાર વિરોધપક્ષો ન કરે કે સામસામા પક્ષો એકબીજાના ગોટાળા આગળ ધરીને એક જ માળાના મણકા તરીકે ખુલ્લા પડી જાય, ત્યારે પક્ષીય વફાદારીની કે અંગત સ્વાર્થની સાંકળે બંધાયેલા ન હોય એવા નાગરિકો પોતપોતાની રીતે પહેલ કરે છે. તેમના માટે દેશ એ કોઇ નેતા કે પક્ષ નહીં, પણ દેશના સામાન્ય લોકો અને તેમનું હિત છે.


આ એ સમુહ છે, જેમાંથી ઘણાએ ઇંદિરા ગાંધીની નીતિરીતિનો વિરોધ કરવા બદલ ગાળ ખાધી હતી ને નરેન્દ્ર મોદીના શાસનની ટીકા બદલ પણ. તેમને કૉંગ્રેસ-ભાજપ તરફથી પ્રમાણપત્રોની જરૂર નથી. તેમની સૌથી મોટી ચિંતા ભારતમાં રહેલી સહઅસ્તિત્ત્વની સંસ્કૃતિને-બંધારણના હાર્દને ટકાવી રાખવાની અને તેની સામે ઊભા થતા પડકારોનો શક્ય એટલો સામનો કરવાની છે. આ સમુહને હડધૂત કરનારો કે તેમને દેશહિતવિરોધી ઠરાવનારો અવાજ મોટો થઇ જાય ત્યારે દેશની ચિંતા થવી જોઇએ.

No comments:

Post a Comment