Wednesday, March 30, 2016

આ લેખ ઇશાન ખૂણામાં બેસીને વાંચવો

એશિયાના દેશો અધ્યાત્મ અને ગરીબીમાં બહુ આગળ પડતા  ગણાય છે. (આ બન્ને બાબતો વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવાનું ઘણા માને છે) ભારત-ચીન જેવા દેશોની વસતી એટલી પ્રચંડ છે કે તેમાં અનુયાયીઓની ક્યારેય ખોટ પડતી નથી. ફક્ત માથાંકહી શકાય એવા માણસોની ગીરદી ધર્મ અને ધાર્મિક બાબતોના ચલણ માટે બહુ આદર્શ સ્થિતિ કહેવાય. એટલે અધ્યાત્મ કે તાઓના નામે ગમે તેવી દુકાન ખોલીને બેસનારને પણ ક્યારેય માખીઓ મારવાનો વારો ન આવતો નથી. ધર્મ અને અંધશ્રદ્ધા વચ્ચે ઝોલાં ખાતા ઘણા લોકોના લાભાર્થે વાસ્તુશાસ્ત્ર જેવાં કેટલાંક શાસ્ત્રની પણ વ્યવસ્થા હોય છે. ભારતીય વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં જેમનું સ્ટેટસ જોખમાતું હોય તેમના માટે ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગ શુઇપણ છે.

વાસ્તુશાસ્ત્ર કે તેના ચીની પિતરાઇ ફેંગ શુઇમાં સ્થાપત્યકળા અને તેના સિદ્ધાંતો વિશે નહીં, પણ ઘરની આંતરિક રચના, રુમોની વ્યવસ્થા અને ચીજવસ્તુઓની ગોઠવણ વિશે લંબાણથી સૂચનો કરવામાં આવ્યા છે. નવું ઘર બનાવતી વખતે કે જૂના ઘરમાં રિપેરિંગ કરાવતી વખતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ફેરફારો કરવાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે અને સુખશાંતિનું વાતાવરણ ફેલાય છે, એવો દાવો કરવામાં આવે છે.

બખોલ જેવડા ફ્લેટમાં રહેતા એક ભાઇના ઘરમાં સતત કંકાસ રહ્યા કરતો હતો. તેને દૂર કરવા માટે ભાઇએ (આત્મખોજ કરવા સિવાયના) બધા જ રસ્તા અપનાવી જોયા. પણ દરેક અખતરામાં રુપિયા પડી ગયા અને તેને કારણે કંકાસમાં વધારો થયો. છેવટે તેમને કોઇએ વાસ્તુશાસ્ત્રીના શરણે જવા કહ્યું. મિત્રનું ગુજરાતી પાકું અને સમાજવિદ્યા કાચું, એટલે વાસ્તુશાસ્ત્રીનો અર્થ તેમણે વાસ્તુ કરાવી આપનાર શાસ્ત્રી(ગોર મહારાજ)કર્યો હતો. વાસ્તુશાસ્ત્રીની સલાહ લીધા પછી તેને દક્ષિણા આપી દઇશ- એવી મિત્રની ગણતરી હતી. તેમની આર્થિક તૈયારી પણ એવી જ હતી. પણ તેમની મુલાકાત વાસ્તુ કન્સલ્ટન્ટ સાથે થઇ. એટલે વાતચીતના અંતે દક્ષિણાને બદલે બિલ ચૂકવવાનો વારો આવ્યો. બિલનો આંકડો જોઇને મિત્રના ચહેરા પરનું કુદરતી રાચરચીલું અસ્તવ્યસ્ત થઇ ગયું. તેમની બન્ને આંખો એકબીજાથી વિરુદ્ધ દિશામાં પોપચાંની દીવાસ તોડીને બહાર નીકળવા મથતી હોય એમ ચકળવકળ થવા લાગી, મોં ભરશિયાળે સુકાઇ ગયું અને ડોક ધરી પરની પૃથ્વીની માફક ત્રાંસી થઇ ગઇ.

વાસ્તુશાસ્ત્રી દયાળુ હતો. એણે મિત્રને ઉધાર ઉપરાંત સલાહો પણ આપી, ‘‘ઘરમાં ફ્રીઝની જગ્યાએ ઘરઘંટી, ટીવીની જગ્યાએ વોશિંગ મશીન, નૈઋત્ય દિશામાં સોફા, વાયવ્ય દિશામાં બેડરુમ, રસોડું પૂર્વાભિમુખ, ટોઇલેટ ઉત્તરાભિમુખ...અને મારું બાકી રહેલું બિલ તમને રોજ દેખાય એવી રીતે તમારા ટેબલ પર ગોઠવજો.’

સરેરાશ(એટલે કે સાંકડાં) ઘરો માટે વાસ્તુશાસ્ત્ર ભાગ્યે જ કામ લાગે છે. વાસ્તુશાસ્ત્રમાં જે આઠ દિશામાં ગોઠવણો કરવાનું સૂચવ્યું છે, એ દિશાઓ ઓળખી શકાય એટલી જગ્યા ઘરમાં હોવી જોઇએ કે નહીં? કેટલાક ઠેકાણે તો ખુદ હોકાયંત્ર નાનકડા રુમની દિશાઓ છૂટી પાડવામાં ગૂંચવાઇ જાય, એવી સ્થિતિ હોય છે. આ રુમોમાં રહેનારાને દુઃખી થવા માટે વાસ્તુશાસ્ત્રની જરુર પડતી નથી (એના માટે બીજા ઘણા મુદૃા હોય છે) અને સુખી થવા માટે વાસ્તુશાસ્ત્ર પોસાતું નથી.

આર્થિક રીતે સંપન્ન એવા એક સજ્જને વાસ્તુશાસ્ત્ર વિશે જાણ્યા પછી વિશુદ્ધ જિજ્ઞાસાથી વાસ્તુશાસ્ત્રીને પૂછ્‌યું હતું,’ઘરમાં સુખશાંતિ લાવવા માટે બીજી બધી ઘરવખરીની જેમ તમે કોઇને પત્ની બદલવાની સલાહ આપો છો?’ વાસ્તુશાસ્ત્રીએ કહ્યું, ‘તેનો આધાર પત્નીની ગોઠવણપર છે. પત્ની તમારા માથા પર બેઠી હોય તો તેને ખભા સુધી લાવીને, પૂર્વાભિમુખ કે પશ્ચિમાભિમુખને બદલે તમારી બાબતોમાંથી માત્ર વિમુખ રાખવાથી ઘણો સુધારો થઇ શકે છે. આવું મહિલાઓને અમે પતિની બાબતમાં કહેતા હોઇએ છીએ.

વાસ્તુશાસ્ત્ર મોટા ફ્‌લેટ અને બંગલાવાળા માટે જ પ્રસ્તુત અને ઉપયોગી છે- એ હકીકત  સૂચવે છે કે વાસ્તુશાસ્ત્રના ઉપયોગનો વિચાર આટલો બરકતવાળો હોય તો તેનો અમલ કેટલો ફાયદાકારક હશે? રાજકારણમાં વાસ્તુશાસ્ત્ર ઘણું લોકપ્રિય છે. અસલામતી સામે ઝઝૂમતા પ્રધાનો- મુખ્ય પ્રધાનો તેમના વાસ્તુશાસ્ત્રીઓના તરંગ પ્રમાણે ખર્ચા કરીને ઓફિસમાં અને ઘરમાં ફેરફારો કરાવે છે. વાસ્તુશાસ્ત્રીઓની ખૂફિયા બાતમી પ્રમાણે, પ્રધાનોએ તેમની ઓફિસોમાં હવે પ્રજાને મળવાનો રુમ રાખવાની પ્રથા જ કાઢી નાખી છે.

અન્ય શાસ્ત્રોની માફક વાસ્તુશાસ્ત્રનો પણ સૌથી વધારે ફાયદો (વાસ્તુ)શાસ્ત્રીઓને જ થયો છે. દુઃખની ફરિયાદ કરનારા મોટા ભાગના લોકો પોતે સુધરવા માગતા નથી, એ વાત સમજી ચૂકેલા વાસ્તુશાસ્ત્રીઓ તેમને  વાસ્તુશાસ્ત્રના નામે જાતજાતના ટુચકા દેખાડે છે. એક જમાનામાં ક્રિકેટપ્રેમ અને દેશપ્રેમ સમાનાર્થી શબ્દો લાગતા હતા, ત્યારે ટીવીની સામે ચોંટીને ભારતની આખી વન ડે મેચ જોવામાં ગૌરવ લાગતું હતું. (ઘણા લોકો માટે હજુ એ જમાનો ચાલુ વર્તમાનકાળ છે.) એવી મેચોમાં વિરોધી ટીમના બેટ્‌સમેનોની કોઇ જોડી કેમેય કરીને આઉટ ન થતી હોય કે આપણા બેટ્‌સમેનો તુ જા, હું આવું છુંની રીતે બેટિંગ કરતા હોય ત્યારે એક મિત્ર કહેતા,‘હું પંદર મિનીટ માટે સુઇ જઉં છું. પાછો ઉઠીશ ત્યાં સુધીમાં ચોક્કસ આ પેર તૂટશે.વિરોધી ટીમની પેરને તોડવા માટે દર્શકો કંઇક અખતરા કરતા હતા. કોઇક ચોક્કસ ઘૂંટડા પાણી પીતા તો કેટલાક અંદરોઅંદર જગ્યા બદલતા હતા. આમ કરવાથી તેમને માનસિક આશ્વાસન મળતું હતું કે આપણે તો બહુ પ્રયત્ન કર્યો, પણ તકદીરે સાથ ન આપ્યો’. બીજાના ઘર કે ઓફિસમાં સુખસમૃદ્ધિ લાવવાના વાસ્તુશાસ્ત્રીઓના પ્રયત્નો વિશે જાણીને ક્રિકેટમેચના એ દર્શકો યાદ આવી જાય છે. ફેર એટલો જ છે કે દર્શકો દેશદાઝ (અને મૂર્ખામી)થી પ્રેરાઇને પોતાના પર ટુચકાબાજી કરતા હતા, જ્યારે વાસ્તુશાસ્ત્રીઓ આવા અખતરા બીજા લોકો પર કરે છે અને પોતે રુપિયા કમાય છે.


વાસ્તુશાસ્ત્રના પ્રતાપ વિશે લખાયેલો આ લેખ તમને ગમે તો નસીબ તમારું, પણ જો ન ગમે તો તમારું રસોડું તોડાવીને તેની દિશા બદલાવી નાખજો, ડ્રોઇંગ રુમ હોય ત્યાં બેડરુમ કરાવી દેજો, સેવાની જગ્યા બદલી નાખજો અને એમાંનું કશું પરવડે એમ ન હોય તો છાપું કે લેપટોપ લઇને ઘરના ઇશાન ખૂણામાં પહોંચી જજો...વાસ્તુશાસ્ત્ર બહુ અકસીર હોય છે. 

1 comment:

  1. લેખના અંત સુધી પહોંચતા તો ખાતરી જ હતી કે તમે કહેશો કે આ લેખ જો ન ગમ્યો હોય તો પહેલો ફકરો છઠ્ઠાની જગ્યાએ, ત્રીજો છેલ્લે અને છેલ્લો પહેલે વાંચજો !
    એમાંને એમાં લેખ ક્યાં પૂરો થી ગયો તે જ ખબર ન રહી, એટલે ફરી વાર વાંચ્યો.....
    હવે મારા મનના કયા ખૂણામાં પૂર્વગ્રહ ભર્યો પડ્યો છે તે પૂછવા એક (મન)વાસ્તુશાસ્ત્રી પાસે જઉં છું..

    ReplyDelete