Thursday, March 10, 2016

એક ‘રાષ્ટ્રવાદી’ની ડાયરીનાં પાનાં

દેશમાં આજકાલ બીજાને દેશદ્રોહી ગણાવીને પોતાના દેશપ્રેમનો છાકો પાડવાની સીઝન ચાલે છે-- આવું એક વાક્ય લખવા બદલ તો ઠીક, વાંચવા બદલ પણ દેશદ્રોહીકે દેશદ્રોહીના સમર્થકતરીકેનો ઠપકો સાંભળવો પડે એવી સ્થિતિ છે. પોતાના દેશપ્રેમનો ઝંડો ૨૦૭ ફૂટ ઊંચાઇએ ફરકાવવાની આનાથી વધારે સહેલી રીત કઇ હોઇ શકે? આવા, અવતરણ ચિહ્ન સાથેના રાષ્ટ્રવાદીની કાલ્પનિક ડાયરીનાં વાસ્તવિક લાગી શકે એવાં કેટલાંક પાનાં.
***

આજે ભારતમાતાનું મસ્તક શાનથી ઊંચું થઇ ગયું. (આજકાલ  ભારતમાતા સાથે આપણું ડાયરેક્ટ ડાયલિંગ ચાલે છે) ફેસબુક પર મેં ૧૭ જણને દેશદ્રોહી કહીને ખખડાવી માર્યા. બિચારા કશો જવાબ ન આપી શક્યા. તમારી જોડે વાત કરવાનો કશો અર્થ નથીએવી કાયરતાપૂર્ણ દલીલ કરીને એ જીવ બચાવીને નાસી છૂટ્યા. આવા દેશદ્રોહી કાયરોને લીધે જ આપણો દેશ વિદેશી આક્રમણો સામે હારતો રહ્યો છે. બાકી, શહાબુદ્દીન ઘોરી ચઢી આવ્યો ત્યારે અમારા જેવા રાષ્ટ્રભક્તો હોત ને ફેસબુક હોત, તો ઘોરીને એવો પાઠ ભણાવ્યો હોત કે તેને સોશ્યલ મિડીયા છોડીને નાસી  જવું પડ્યું હોત.

જોયું? અમારી તાલીમની આ જ ખૂબી છે. અમારો ઇતિહાસ બહુ પાકો. અમે કોઇ પણ ઘટનાને ઇતિહાસ સાથે જોડી પાડીએ અને તેમાંથી એવો બોધપાઠ તારવીએ કે સેક્યુલરિયાઓની છૂટ્ટી થઇ જાય. અમારા ઇતિહાસમાં તો એવું જ આવે છે કે આ દેશ આટલો બધો પાછળ રહ્યો તે સેક્યુલરિસ્ટોને લીધે. જ્ઞાતિના ભેદભાવ બદમાશ સેક્યુલરિસ્ટો લાવ્યા. વિદેશી આક્રમણો પણ સેક્યુલરિસ્ટોનું જ કાવતરું હતાં. એમાં સીધી સામેલગીરી નહીં હોય તો પણ, નૈતિક જવાબદારી તો એ લોકોની જ કહેવાય. (હા, અમારા કોર્સમાં નૈતિક જવાબદારીએ શબ્દ ચોક્કસ સંદર્ભમાં આવે છે ખરો) અમારું ચાલે તો આ સેક્યુલરિસ્ટોને મારી મારીને એમની મનપસંદ સરહદેથી દેશની બહાર કાઢી મૂકીએ...એમની મનપસંદ સરહદેથીએટલા માટે કે અમે કંઇ સેક્યુલરિસ્ટો ચીતરવા માગે છે એવા અસહિષ્ણુ નથી. અમે તો ફક્ત રાષ્ટ્રવાદી છીએ ને એનું અમને ગૌરવ છે. 

***

અત્યાર સુધી અમારી રાષ્ટ્રવાદી લાગણી વ્યક્ત કરવામાં અમને બહુ મર્યાદા નડતી હતી. કારણ કે અમારું કાર્યક્ષેત્ર નાનું હતું. ફક્ત લઘુમતીઓના રાષ્ટ્રપ્રેમ ઉપર જ અમે જાહેરમાં શંકા કરી શકતા હતા અને તેમને દરેક વખતે પોતાની રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાની ફરજ પાડી શકતા હતા. JNUયુવાળી બબાલથી મોટો ફાયદો એ થયો કે અમારી પ્રવૃત્તિનો મોટા પાયે વિસ્તાર થયો છે. હવે ન ગમતા હિંદુઓને પણ અમે લાઇનમાં ઊભા કરી દઇએ છીએ અને એમનો કાંઠલો પકડીને દેશપ્રેમનાં પ્રમાણપત્રો માગી શકીએ છીએ. એ લોકો JNUની તરફેણમાં કે પછી કનૈયાકુમારની તરફેણમાં કે કાયદા-બંધારણ વિશે કંઇ પણ બોલવા જાય, તો એમને ગદ્દાર, દેશદ્રોહી, દેશદ્રોહીઓના સમર્થક--એવું બઘું કહેવાની બહુ મઝા આવે છે. જોકે, એ લોકો એવા નફ્‌ફટ છે કે તેમને કશી અસર જ નથી થતી. એ જ તેમના દેશદ્રોહી હોવાનો પુરાવો નથી? બાકી, અમને કોઇ દેશદ્રોહી કહે તો અમે સહન ન કરી લઇએ...અમે એમને દેશદ્રોહી ઠરાવીને જંપીએ. 

અમારામાં પણ કેટલાક દોઢડાહ્યા હોય છે. એક જણો કહે કે આમ આપણે હિંદુઓને એક કરવાની વાત કરીએ છીએ, તો અત્યારે આપણે જે ધંધા આદર્યા છે તેનાથી હિંદુઓમાં વિભાજન નહીં થાય? એમને કોણ સમજાવે કે આવું બધું વિચારવાનું કામ ઉપરવાળાનું છે. આપણે બધા વિચારતા થઇ જઇશું તો દેશ માટે કાર્ય કોણ કરશે? તર્ક, બંધારણ ને કાયદાની વાતો કરવી એ તો દેશદ્રોહી, ડાબેરી, સેક્યુલરિસ્ટ, JNUતરફીઓનું કામ છે.

બહુ મોડું થયું છે...આજે સૂવામાં તો ખરું જ, પણ આ બધા દેશદ્રોહીઓને ડામવામાં પણ. JNUને ક્યારની બંધ કરી દીધી હોત અને એ જગ્યા પર (રક્ષાશક્તિની જેમ) દેશભક્તિ યુનિવર્સિટી ખોલી દીધી હોત, તો આ દિવસ જોવાનો ન આવ્યો હોત.

***

આજે બપોરે એક લારીવાળો ફ્‌લેટની નીચે કેળાં વેચવા આવ્યો હતો. એની બૂમથી મારી ઉંઘ ઉડી ગઇ અને હું જોવા ઉઠ્યો કે કયો દેશદ્રોહી મારી ઉંઘ બગાડીને, મારી તબિયત અને સરવાળે દેશની તબિયત બગાડવાનું કાવતરું કરી રહ્યો છે. બાલ્કનીમાંથી જોયું, તો એનાં કેળાં પણ પીળાં ઓછાં ને લીલાં વધારે હતાં. મને થયું કે દેશહિતમાં જાતતપાસ કરવી પડે એવો મામલો છે.

નીચે જઇને મેં કેળાવાળાને ઝાલ્યો. મને જોઇને એ સામે જોઇને હસ્યો, નમસ્તે કર્યા અને પૂછ્‌યું,‘કેમ આજે તમારે આવવું પડ્યું સાહેબ? કેટલાનાં કરું?’ મેં જરાય હસ્યા વિના, કડક ચહેરે કહ્યું,‘એ બધી વાત પછી. પહેલાં તું એ પુરવાર કર કે તું દેશદ્રોહી નથી.એ મૂંઝાઇ ગયો. એટલે મારી શંકા વધારે દૃઢ બની. મેં કહ્યું,‘આમ ગાલાવેલા થવાની જરૂર નથી. સીધેસીઘું કહી દે. તો કદાચ તને ક્ષમા આપીશ. પણ એક વાર ના પાડ્યા પછી તું દેશદ્રોહી પુરવાર થશે તો તને ફાંસીની સજા અપાવવાની તજવીજ મારે કરવી પડશે.

એનો ચહેરો જોવા જેવો થઇ ગયો. કહે, ‘સાહેબ, હું ગરીબ માણસ છું. દેશદ્રોહી નથી. મને આવી બધી બાબતોમાં ખબર ન પડે. કેળાં તમે કહો એટલાં કરી દઉં. તમે કહેતા હો તો રૂપિયાનું પણ નહીં પૂછું.મેં ઉપરથી એને તતડાવ્યો,‘દેશદ્રોહી થઇને મને લાંચ આપવાની વાત કરે છે? અને એવું સમજે છે કે તારાં કેળાની લાંચ લઇને હું તારા દેશદ્રોહ ઉપર ઢાંકપિછોડો કરીશ? તારી ભૂલ થાય છે. હું હાડોહાડ દેશપ્રેમી છું. દેશદ્રોહીઓને હું આકરામાં આકરી સજા અપાવીને જંપીશ.

એણે લારી પાછી વાળવાની તૈયારી કરી. એટલે મેં એને ઉભો રાખ્યો, ‘સારું, ડઝન કેળાં કરી દે--પણ એક મિનીટ, આ કેળાં દેશદ્રોહી નથી ને? મને દેશદ્રોહીઓની સખત એલર્જી છે.

***

વચ્ચે બે દિવસ ડાયરી લખવામાં ખાડો પડ્યો. તબિયત નરમગરમ હતી. ઝીણો તાવ, પેટમાં ગરબડ અને મનમાં અસુખ લાગતું હતું. અમારા ફૅમિલી ડૉક્ટર બહુ હુંશિયાર છે. એમણે મને તપાસ્યો અને તબિયત સિવાયની આડીઆવળી વાતો શરૂ કરી. મેં કહ્યું,‘ડૉક્ટર, અહીં મારો જીવ જાય છે ને તમે બીજી વાતો કરો છો?’


ડૉક્ટરે હસીને કહ્યું,‘તમને કશું નથી થયું, એ પાકું કરવા માટે જ હું બીજી વાતો કરતો હતો. એમાંથી તમારા અસુખનું કારણ પકડાઇ ગયું. છેલ્લા બે દિવસથી તમે કોઇને દેશદ્રોહી કહ્યા નથી, એટલે તમારું પેટ ચડ્યું છે. ઘરે જઇને સૌથી પહેલાં ફેસબુક ખોલજો અને જે ઝપટમાં આવે એવા બે-ચાર જણને દેશદ્રોહી કહી દેજો. પછી પણ તકલીફ ચાલુ રહે તો મને કહેજો.

2 comments:

 1. સરસ. કલ્પના. મને હતું જ કે JNUના મુદ્દા બાદ આપને ગોળનું ગાડું મળ્યાનો આનંદ થયો હશે.
  લેખ વાંચીને મજા આવી.

  ReplyDelete
  Replies
  1. ગોળનાં ગાડાં તો ચેનલ કે છાપું ચલાવવાનું હોય તો લાગે. બાકી લખનાર કે નાગરિક તરીકે તો આ બધાથી ચિંતા અને ખેદ જ ઉપજે છે.

   Delete