Tuesday, March 08, 2016

‘રાષ્ટ્રવાદી’ મિટિંગનો કાલ્પનિક અહેવાલ

શાયરે પાંચવા મૌસમ પ્યારકાએવું ગીત લખ્યું હતું, પણ આજકાલ છઠ્ઠી મોસમ ચાલે છે : રાષ્ટ્રવાદની મોસમ. સામાન્ય રીતે યુદ્ધ, ચૂંટણી જેવા સમયે જગાડાતો રાષ્ટ્રવાદનો મુદ્દો અત્યારે દેશમાં ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બન્યો છે--એવું કેન્દ્ર, જેના કારણે રૂપિયાના અવમૂલ્યનથી માંડીને પઠાણકોટ ત્રાસવાદી હુમલાથી માંડીને વ્યાપમં જેવાં કૌભાંડો કેન્દ્રની બહાર નીકળી ગયાં છે. બીજાના રાષ્ટ્રપ્રેમ પ્રત્યે શંકા ને સવાલો ઉઠાવ્યા વિના, સ્વતંત્ર રીતે રાષ્ટ્રપ્રેમી હોય એવા લોકોની વાત નથી. હાલની ચર્ચા એવા રાષ્ટ્રવાદીઓ વિશેની છે, જે રાષ્ટ્રવાદનાં લાયસન્સ ઇચ્છા મુજબ આપી કે રદ કરી શકે છે. વર્તમાન સંજોગોમાં તેમની બેઠક ભરાઇ હોય તો તેમાં કેવી ચર્ચા થાય?

***

(મોટા ટેબલની આસપાસ ખુરશીમાં બધા ગોઠવાયેલા છે. બહાર ઝિંદાબાદના પોકાર સંભળાય છે.
રાષ્ટ્રવાદી (આક્રમકતાથી) : દેવીયોં ઔર સજ્જનોં, આપણો દેશ આજે આફતમાં છે. આપણા રાષ્ટ્ર સામે આજે પડકાર આવીને ઊભો છે. આપણે જોયેલું સ્વપ્ન આજે ખતરામાં છે...જુઓ, આપણી ઑફિસની બહાર પણ ઝિંદાબાદના નારા સંભળાય છે...દેશદ્રોહીઓ છેક અહીં સુધી પહોંચી ગયા. આપણી ઑફિસ સામે પાકિસ્તાન ઝિંદાબાદના નારા બોલવાની એમની હિંમત કેવી રીતે ચાલી? (ટેબલ પર મુઠ્ઠી પછાડે છે)

રા. ૨-૩-૪-૫-૬ : હા..હા.. કેવી રીતે ચાલી? આપણે બંગડીઓ પહેરી છે? હમણાં એમને...

રા.૭ : ના, આપણે બધાએ બંગડીઓ નહીં, વિદેશી બ્રાન્ડનાં મોંઘાં કાંડા ઘડિયાળ પહેર્યાં છે. આપણે કાયર નથી. પણ બહાર જે બૂમો પડે છે તે હિંદુસ્તાન ઝિંદાબાદની છે...ઝિંદાબાદની બધી બૂમો પાકિસ્તાન ઝિંદાબાદની જ ન હોય.

રા.૨ : આ ભાઇની વાત સાચી હોય તો પણ પરિસ્થિતિ ચિંતાજનક છે. આપણા સૌ સાથીદારોને મારો ભારપૂર્વક અનુરોધ છે કે જ્યાં પણ ઝિંદાબાદકે મુર્દાબાદકે આઝાદીજેવો શબ્દ નારામાં સંભળાય, ત્યાં તમે સાતેય કામ પડતાં મૂકીને ધસી જજો. ત્યાં શું બોલાયું તે અગત્યનું નથી. તમને શું સંભળાયું અથવા ત્યાં શું બોલાતું હોય એવું લાગ્યું, એ સૌથી અગત્યનું છે. કારણ કે રાષ્ટ્રની રક્ષા કરવાની મહાન જવાબદારી આપણી છે.

બધા (સમૂહમાં) : ભારતમાતાકી...... જય

રા.૩ : રાષ્ટ્રદ્રોહીઓ છેક દિલ્હી સુધી પહોંચી ગયા છે..

રા.૭ : (તોફાની સ્મિત સાથે) આ કબૂલાત છે? કે પછી આરોપ?

રા.૩ : ખબરદાર...તમારી જગ્યાએ બીજા કોઇએ આવું કર્યું હોત તો તેની સામે રાજદ્રોહનો કેસ બનાવી દીધો હોત...

રા.૭ : હું તો ખાલી પૂછું છું...અને આપણે ૩૪૪મી કલમની માફક રાજદ્રોહના કેસો કરીશું, તો લોકો એનાથી પણ બીતા બંધ થઇ જશે.

રા. ૨ (વિજયી સ્મિત સાથે) : એવું નહીં થાય...અને થશે તો પણ આપણને એની ચિંતા નથી. હવે લોકો રાજદ્રોહના કેસથી જેટલા નહીં ડરે, એટલા કૉર્ટોમાં પગ મૂકતાં બીશે--અદાલતની સજાના ડરથી નહીં, પણ આપણા વકીલમિત્રોએ આ વખતે જે રંગ રાખ્યો છે તેનાથી...

બધા (સમુહમાં) : આપણા ધારાશાસ્ત્રીઓ...ઝિંદાબાદભારતમાતાકી...જય

રા. ૭ : પણ બાર કાઉન્સિલે તો જે વકીલ મારામારીમાં સામેલ હોય તેનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય કર્યો છે.

રા.૨ : એમ તે કંઇ થોડું ચાલે? એમના બાપનું રાજ ચાલે છે?

રા.૭ : (આજ્ઞાંકિતતાથી, ડોકું ઘુણાવીને) ના, બિલકુલ નહીં. રાજ તો આપણા...

રા. ૩ : બસ, બસ. આપણે હુલ્લડબાજીમાં પકડાયેલા લોકોને જેલમાં ટેકો કરતા હોઇને ને ટિકિટો પણ આપતા હોઇએ તો પછી આ તો રાષ્ટ્રભક્તિના આવેશમાં થયેલું કાર્ય છે. ચાણક્યે પણ કહ્યું હતું કે...

રા.૨ : આર્ય કૌટિલ્ય...અમર રહો, ભારતમાતાકી....જય

રા.૭ : વાત તો સાચી અને એમાં તો કૉંગ્રેસે પણ પાછલા બારણે આપણા જેવું જ કરીને આપણને મજબૂત સાથસહકાર આપ્યો હતો.

રા. ૩ : ખરેખર તો આ જેએનયુને તાળાં મારી દેવાં જોઇએ અને બધા ડાબેરીઓને પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં મોકલી આપવા જોઇએ.

રા.૨ : મને તો કોઇને પણ પાકિસ્તાન મોકલવાની વાતમાં જ મઝા આવી જાય છે...ખરેખર, જે કોઇ આપણે વિરોધ કરે ને જે આપણને ન ગમતા હોય એ બધાને પાકિસ્તાન જ મોકલી આપવા જોઇએ. એ બધા પાકિસ્તાનના એજન્ટ છે. દેશદ્રોહીઓનું આ દેશમાં કોઇ સ્થાન ન હોઇ શકે...બોલો, ભારતમાતાકી...

રા.૬ : મને યુનિવર્સિટીઓની હવે બિલકુલ ચિંતા નથી. હવે આપણાં શિક્ષણમંત્રીએ જાહેર કરી દીઘું છે કે કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા લેતી દરેક યુનિવર્સિટીએ ૨૦૭ ફીટ ઊંચી કાઠી પર ભારતનો રાષ્ટ્રધ્વજ લગાડવો...

રા.૨ : યુનિવર્સિટીની વચ્ચોવચ, માથું ઊંચું કરીને જોવો પડે એવી રીતે રાષ્ટ્રધ્વજ લગાડવાથી દરેકેદરેક વિદ્યાર્થીનું માથું દેશ વિશે વિચાર કરતી વખતે આપોઆપ ઊંચું થઇ જશે અને યુનિવર્સિટીઓમાં ઘૂસી ગયેલાં દેશદ્રોહી તત્ત્વોના હાથ હેઠા પડશે. કેવો જબરદસ્ત આઇડીયા છે...મને તો આપણા શિક્ષણમંત્રીના માનમાં કવિતા રચવાનું મન થઇ જાય છે.

રા.૭ : રહેવા દો સાહેબ. કોઇ યુનિવર્સિટીના વીસી બનો ત્યાર પછી એ કરજો. મારે એટલી ચોખવટ કરી લેવી છે કે આ ધ્વજની કાઠી શિક્ષણમંત્રીએ નક્કી કરેલા માપ કરતાં ઓછી હોય તો?

રા.૨ : રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગશે...હજુ સમજતા નથી? ખરેખર, તમારા જેવા લોકોને તો કૉર્ટમાં આપણા વકીલો પાસે જ મોકલી આપવા જોઇએ કે પછી અર્નબ ગોસ્વામીની ચર્ચામાં...તમે એને જ લાયક છો.

રા. ૮ : તમે ખોટા ગરમ થઇ ગયા, સાહેબ. આ તો આપણો જ માણસ છે. એના કહેવાનો મતલબ એમ હતો કે યુનિવર્સિટીઓ એક વાર આ આદેશનો અમલ કરે, પછી આપણે આપણી વિદ્યાર્થીપાંખને માપપટ્ટીઓ આપીને રાષ્ટ્રધ્વજની કાઠીનું માપ કાઢવાનું કામ ન સોંપવું જોઇએકાઠી એક ઇંચ પણ નાની હોય તો કેવી રીતે ચલાવી લેવાય? રાષ્ટ્રના ગૌરવનો સવાલ છે.

રા.૩ : અને બીજી યુનિવર્સિટીઓ સરકારનું ફંડ નહીં લેતી હોય, પણ સરકારનાં પાણી-ગટર-વીજળી તો વાપરે જ છે ને? તેમને, એવું હોય તો કાઠીની લંબાઇમાં થોડા મીટર બાદ આપીને, પણ રાષ્ટ્રધ્વજ લગાડવાની ફરજ તો પાડવી જ જોઇએ. ભારતમાં કામ કરવું ને રાષ્ટ્રધ્વજ ન લગાડે, એવું તે કેમ ચાલે?

રા.૨ : બરાબર છે. રાષ્ટ્રધ્વજ ન લગાડવો હોય તો પાકિસ્તાનમાં જઇને યુનિવર્સિટી ખોલે. અહીં ગદ્દારોને કોઇ સ્થાન નથી. જે ધ્વજ લગાડવાની ના પાડશે તેમને પણ આપણે કેસ દાખલ કરીને આપણા વકીલો પાસે મોકલી આપીશું... બોલો. ભારતમાતાકી....જય...વંદે...માતરમ્‌...


(રાષ્ટ્રહિતચિંતન સંપન્ન થતાં મિટિંગ પૂરી થાય છે.)

No comments:

Post a Comment