Monday, April 12, 2010
હ્યુમન જેનોમ મેપિંગનાં દસ વર્ષ પછી : ‘સર્જનહાર’ બનવામાં હજુ કેટલી વાર?
દસ વર્ષ પહેલાં માનવશરીરનું સંચાલન કરતા છ અબજ મૂળભૂત ઘટકો ઓળખવાનું મહાભારત કાર્ય પૂરૂં થયું, ત્યારે જીવવિજ્ઞાનના ચમત્કાર હાથવેંતમાં લાગતા હતા. રોગોને આગોતરા અટકાવવાથી માંડીને જીવાદોરી લંબાવવાનું માત્ર થોડાં ડગલાં દૂર જણાતું હતું. દસ વર્ષે વાસ્તવિકતા શું સૂચવે છે?
માનવશરીરની કામગીરી સેંકડો સસ્પેન્સ નવલકથાઓનો મસાલો ભેગો કરીને બની હોય એવી છે. તેનું દરેક રહસ્ય અગત્યનું લાગે છે. ‘બસ, આ એક રહસ્ય ઉકલી જાય તો આખા પ્લોટનો તાળો મળી જાય’ એવું દરેક વખતે લાગે છે, પણ વાસ્તવમાં એવું બનતું નથી. એક રહસ્ય ઉકલે, તેની સાથે બીજાં અનેક રહસ્યો સર્જાતાં રહે છે. સંશોધકો તેને ઇશ્વરની લીલા ગણીને, હાથ જોડીને બેસી રહેતા નથી. તેમના એકલ અને સંયુક્ત, અવિરત પ્રયાસોમાંથી સર્જાય છે ‘હ્યુમન જેનોમ પ્રોજેક્ટ’ જેવી વિજ્ઞાનજગતની મહાગાથાઓ.
સંશોધક જોડી વોટસન અને ક્રિકે ૧૯૫૩માં સજીવના કોષકેન્દ્રમાં ફીંડલા સ્વરૂપે રહેતા ડી.એન.એ.નું બંધારણ શોધી કાઢ્યું. તેની એકાદ સદી પહેલાં પાદરી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને આનુવંશિકતા- વારસાઇ-ના ગુણધર્મ અંગે ઘ્યાન દોર્યું હતું. વોટસન-ક્રીકની સફળતા પછી જીવવિજ્ઞાન ક્ષેત્રે ડી.એન.એ. હીરોની ભૂમિકામાં ગોઠવાતું ગયું. શરીરની તમામ કામગીરી અને સજીવના આખા આયુષ્યનો નકશો ડીએનએમાં અંકાયેલો છે, એવું સિદ્ધ થતાં ડી.એન.એ. ફરતેનું સસ્પેન્સ વઘ્યું અને તેને ઉકેલવાની તાલાવેલી પણ વધી.
વચ્ચે પગથીયાં ધરાવતી, વળ ચડાવેલી દોરડાની નિસરણી જેવો ડી.એન.એ.નો આકાર. તેમાં એ,ટી, સી અને જીના ટૂંકા નામે ઓળખાતા ચાર મુખ્ય ઘટક. એ સાથે ટી જોડાય ને સી સાથે જી જોડાય. એમ કરીને નિસરણીનાં પગથિયાં બને. આ ઘટકો ન્યુક્લીઓટાઇડ તરીકે ઓળખાતા શર્કરા અને ફોસ્ફેટનાં ‘દોરડા’ પર હારબંધ ગોઠવાયેલા હોય. ચોક્કસ ગોઠવણી ધરાવતા ઘટકો શરીરમાં નિશ્ચિત કામગીરી બજાવતા હોય, તો એવા ઘટકોના સમુહને ‘જનીન’ (અંગ્રેજીમાં ‘જિન’) તરીકે ઓળખાય- અને એવા જનીનોનું શાસ્ત્ર એટલે જનીનશાસ્ત્ર-જિનેટિક્સ.
જિનેટિક્સનો સંબંધ શરૂઆતમાં ફક્ત વારસાઇ પૂરતો જ કલ્પવામાં આવ્યો હતો, પણ અભ્યાસ અને વૈજ્ઞાનિક સાધનસામગ્રીના વિકાસ સાથે તેનો ખરો પ્રતાપ સમજાવા લાગ્યો. જીવવિજ્ઞાનના અભ્યાસીઓને લાગ્યું કે માણસની તમામ શારીરિક સમસ્યાઓની ચાવી ત્રણ અબજ ઘટકોની જોડીના બનેલા ડીએનએમાં છુપાયેલી છે. એક વાર આ તમામ ઘટકોની ગોઠવણી મળી જાય, તો સમજો બધી સમસ્યાઓનો ઉકેલ હાથવેંતમાં!
માણસજાતની મર્યાદાઓ આંબી જવાના ઉત્સાહ સાથે, ૧૯૯૦માં અમેરિકાની સરકારે હ્યુમન જેનોમ મેપિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો. ૩ અબજ ડોલરનું ભંડોળ ધરાવતા આ પ્રોજેક્ટમાં બીજા દેશો ઉપરાંત ભારતના જનીનશાસ્ત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા. છ અબજ ઘટકતત્ત્વોની પૂરેપૂરી ઓળખમાં ૧૫ વર્ષ જશે એવો અંદાજ હતો. પરંતુ ખાનગી કંપની ‘સેલેરા જેનોમિક્સ’ના વડા ક્રેગ વેન્ટરે જનીનોના અક્ષર ઉકેલવામાં હડી કાઢી. સરકારી અને ખાનગી પ્રોજેક્ટની હરીફાઇમાંથી કોણ મેદાન મારી જશે, એની અટકળો ઉપરાંત એક વાર પ્રોજેક્ટ પૂરો થયા પછી કેવા ચમત્કારો શક્ય બનશે એની કલ્પનાઓ પણ થતી રહી. તેમાં સામાન્ય માણસને સ્પર્શે એવી બે મુખ્ય કલ્પનાઓ હતીઃ
૧) મોટા ભાગના રોગ માટે જનીન જવાબદાર હોય છે. એક વાર રોગ માટે કારણભૂત જનીન ઓળખી કઢાય, તો તેના બંધારણમાં ફેરફાર કરીને રોગનો ઇલાજ કરી શકાય. એટલું જ નહીં, ચોક્કસ પ્રકારની ગોઠવણ રોગ સૂચવે છે, એવી જાણકારી એક વાર હાથ લાગી જાય, તો તેના આધારે, રોગને ઉગતાં પહેલાં જ ડામી શકાય. જનીનગત ખામીઓને લીધે ખોડખાંપણ સાથે જન્મતાં બાળકોની આગોતરી સારવાર આપી શકાય.
૨) માણસના જનીનોની ‘લિપિ’ પૂરેપૂરી ઉકલી જાય, તો માણસને મૃત્યુ પામતો જ નહીં, વૃદ્ધ બનતો પણ અટકાવી શકાય. ‘અભી તો મૈં જવાન હું’ એ ગીત ફક્ત માનસિક રીતે જ નહીં, શારીરિક રીતે પણ એંસી-નેવું વર્ષે ગાઇ શકાય, એ કલ્પના રોમાંચકારી નથી? હ્યુમન જેનોમ મેપિંગ પછી એ કલ્પના વાસ્તવિકતા બનવાની ધારણા હતી.
આખરે, જૂન, ૨૦૦૦માં હ્યુમન જેનોમ મેપિંગ પ્રોજેક્ટ (અપેક્ષા કરતાં પાંચ વર્ષ વહેલો) પૂરો થયો. ખાનગી અને સરકારી બન્ને કંપનીઓએ સંયુક્ત રીતે, અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન અને બ્રિટનના પ્રમુખ ટોની બ્લેરની હાજરીમાં હ્યુમન જેનોમ પ્રોજેક્ટની સફળ સમાપ્તિની જાહેરાત કરી. ત્રણ વર્ષ પછી છ અબજ ઘટકોની વિગતવાર માહિતી ઉપલબ્ધ બની. એ વાતને બીજાં સાત વર્ષ વીતી ગયાં છે, પરંતુ આગળ જણાવેલી બન્ને કલ્પનાઓ હજુ વાસ્તવિકતા બની શકી નથી. તેના માટે સંશોધનની ખામી નહીં, પણ જનીનશાસ્ત્ર વિશે ઉપલબ્ધ બનેલી માહિતી જવાબદાર છે.
માણસના ડી.એન.એ.નું સંપૂર્ણ મેપિંગ થઇ ગયા પછી કેન્સર જેવા અનેક ગંભીર રોગો માટે જવાબદાર જનીનોની શોધખોળ ચાલુ છે. જનીનોની કામગીરી વિશે ઘણું જાણી શકાયું છે. છતાં રોગો સાથે તેમનો સીધો સંબંધ સ્થાપિત કરવાની બાબતમાં ધારી સફળતા મળી નથી. સંશોધકોને સમજાયું છે કે કેન્સર જેવા રોગ માટે બધા માણસોમાં એક જ પ્રકારની જનીનગોઠવણી જવાબદાર હોય એવું જરૂરી નથી. ઉપરાંત, એક જનીન (મૂળ તત્ત્વોનો આખો ‘સેટ’) કોઇ એક રોગ પર કામ કરતો હોય, તો પણ તેની કામગીરી ફક્ત એ રોગ પૂરતી મર્યાદિત હશે, એવું માની શકાય નહીં. એ જનીનને છેડતાં, ઓડનું ચોડ થાય એવી પણ પૂરી શક્યતા રહે છે. છ અબજ ઘટકતત્ત્વોમાંથી આશરે ૯૮ ટકા ‘જન્ક’ (નકામાં- કોઇ કામગીરી સાથે ન સંકળાયેલાં) મનાતાં હતાં, પણ વઘુ સંશોધન પરથી જણાયું છે કે કામગરા જનીનોને યોગ્ય સમયે કામ ચાલુ કે બંધ કરવાની પ્રેરણા પેલા નકામા વિભાગમાંથી મળતી હોય એવી સંભાવના છે. ‘જન્ક ડીએનએ’માં માણસની ઉત્ક્રાંતિનાં ઘણાં રહસ્યો ધરબાયેલાં હોવાનો પણ અંદાજ છે.
હ્યુમન જેનોમ મેપિંગનું તાળું નહોતું ખૂલ્યું ત્યાં લગી એવું લાગતું હતું કે એક વાર એ દરવાજો ખુલે એટલે અંદર શરીરનાં સઘળાં રહસ્યો ઉકલવાની રાહ જોઇને પડ્યાં હશે. પરંતુ તાળું ખૂલ્યા પછી સંશોધકો સામે ઉકેલ નહીં, પણ નવી ભૂલભૂલામણીઓ આવી ઉભી છે. એટલે જ, જેનોમ મેપિંગની કિંમતમાં મોટા પાયે ઘટાડો થયો હોવા છતાં, તેનાં અપેક્ષિત ચમત્કારિક પરિણામ જોવા મળતાં નથી. અનુક્રમે સરકારી અને ખાનગી રાહે જેનોમ મેપિંગ સાથે સંકળાયેલા સંશોધકો ફ્રાન્સિસ કોલિન્સ તથા ક્રેગ વેન્ટરે સાયન્સ જર્નલ ‘નેચર’ને નિખાલસતાથી જણાવ્યું છે કે હ્યુમન જેનોમ મેપિંગથી હજુ સુધી માણસના આરોગ્યની બાબતમાં ઝાઝો ફરક પડ્યો નથી.
છતાં સંશોધકો માટે નિરાશ કે નાસીપાસ થવાનું કારણ નથી. કેમ કે, તેમના સંશોધનની દિશા સાચી છે. હ્યુમન જેનોમ મેપિંગના પગલે ‘ઇન્ટરનેશનલ હેપમેપ પ્રોજેક્ટ’ શરૂ થયો છે. તેનો આશય માણસોના છ અબજ ઘટકતત્ત્વોની ગોઠવણી મુખ્યત્વે ક્યાં ક્યાં એકબીજાથી જુદી પડે છે, તેનો તાગ મેળવવાનો છે. એ જ રીતે, ડી.એન.એ.ના એકેએક મૂળાક્ષરની ‘કુંડળી’ કાઢવા માટેનો ‘એન્કોડ’- એન્સાયક્લોપિડીયા ઓફ ડી.એન.એ. એલીમેન્ટ્સ- પ્રોજેક્ટ પણ આરંભાયો છે. અમેરિકા જેવા દેશોમાં અત્યાર સુધી ઉપલબ્ધ જ્ઞાનના આધારે નવજાત બાળકની ચાળીસેક પ્રકારની જનીનગત ખામીઓ માટે તપાસ કરવામાં આવે છે. (જોકે બધા કિસ્સામાં તેમના આખા ડીએનએનું મેપિંગ થતું નથી.) દરમિયાન રોગ અને જનીન વચ્ચેનો સંબંધ સમજવાની અને ડી.એન.એ.ના મેપિંગથી મળેલી અઢળક માહિતીનો માણસના લાભાર્થે ઉપયોગ કરવાની મથામણ અવિરત ચાલુ છે.
માણસના કોષકેન્દ્રમાં રહેલા ડી.એન.એ.ની સરખામણી ઘણી વાર છઠ્ઠીના લેખની કલ્પના સાથે કરવામાં આવે છે. પરંતુ હ્યુમન જેનોમ મેપિંગના ‘લેખ’ની સૌથી મોટી ખૂબી એ છે કે તેમને નીયતી માનીને સ્વીકારી લેવાની જરૂર નથી. તેમાં ફેરફાર કરી શકાય છે- અને એ મહત્ત્વનો તફાવત હ્યુમન જેનોમ મેપિંગના સંશોધનોને આગામી દાયકામાં પણ બળતણ પૂરૂં પાડતો રહેશે.
Labels:
science/વિજ્ઞાન
Subscribe to:
Post Comments (Atom)
bahu saras.
ReplyDelete