Monday, April 05, 2010

એક વિધવા, એક નેતા અને ન્યાયની ઝીણી જ્યોત

અહેસાન જાફરીનાં પત્નીની ફરિયાદના પ્રતાપે, ગુજરાતના મુખ્ય મંત્રીને સર્વોચ્ચ અદાલતની તપાસટુકડી સમક્ષ હાજર થવું પડ્યું. મુખ્ય મંત્રીના હોદ્દેથી જેમને રમખાણોની પૂછપરછ માટે હાજર થવું પડ્યું હોય એવા તે પહેલા મુખ્ય મંત્રી બન્યા. પતિની હત્યાનો ન્યાય મેળવવા માટેની સ્ત્રીની લડત વિપરીત સંજોગો અને ન્યાયપ્રણાલિની મર્યાદાઓ છતાં (ભલે થોડા સમય માટે) ભલભલાને ભેખડે ભરાવી શકે છે, તેની વઘુ એક વાર પ્રતીતિ થઇ.

અગાઉ ૧૯૮૪નાં રમખાણો સંદર્ભે કોંગ્રેસી નેતા એચ.કે.એલ ભગતને આ જ રીતે કાનૂન સમક્ષ હાજર થવું પડ્યું હતું. એટલું જ નહીં, તેમને જેલની હવા ખાવાના સંજોગો પણ ઉભા થયા હતા.

ઈંદિરા ગાંધીની હત્યાના પગલે થયેલી ક્રૂરતમ એકતરફી (શીખવિરોધી) હિંસામાં ઘણા કોંગ્રેસી નેતાઓએ જલ્લાદની ભૂમિકા અદા કરી હતી. દેશના પાટનગર દિલ્હીમાં આ હદની હિંસા થાય, નેતાઓ ટોળાંની આગેવાની લે અને વહીવટી તંત્ર ચૂપચાપ જોયા કરે, તે અન્યાયની પરાકાષ્ઠા હતી. આટલો અત્યાચાર ઓછો હોય તેમ ન્યાયની પ્રક્રિયા આડે પણ યથાશક્તિ વિઘ્નો નાખવામાં આવ્યાં. ભયથી કે લાલચથી સાક્ષીઓ પર દબાણ કરવાની બાબતમાં બધી સરકારો સરખી હોય છે. આ સત્યનો અનુભવ ૧૯૮૪ અને ૨૦૦૨માં અનુક્રમે દિલ્હી અને ગુજરાતના ન્યાય ઝંખતા લોકોને ફરી ફરીને થયો. રાજકીય પક્ષો પોતાનાં પાપ સામસામા પલ્લામાં મૂકીને, ત્રાજવું સરભર કરીને આગળ વધી ગયા, પરંતુ પીડિતો અને ન્યાય ઝંખતા લોકો માટે ૧૯૮૪નું દિલ્હી અને ૨૦૦૨નું ગુજરાત દૂઝતા જખમ બની રહ્યા.

સજ્જનકુમાર, હરકિશનલાલ (એચ.કે.એલ.) ભગત, જગદીશ ટાઇટલર જેવા નેતાઓ સામે હિંસાના ગંભીર આક્ષેપ હોવા છતાં, કોંગ્રેસને આ નેતાઓ માટે કદી શરમ આવી નહીં. વર્ષો પછી કોંગ્રેસે માગેલી માફી પણ ઠાલી હતી. શીખ સમુદાય જેમને વ્યાપક રીતે વિલન તરીકે જુએ છે, એવા સજ્જનકુમાર-જગદીશ ટાઇટલરને કોંગ્રેસે ટિકીટ આપવાનું અને હોદ્દા પર નીમવાનું ચાલુ રાખ્યું. આંકડાપ્રધાન લોકશાહીને કારણે આ નેતાઓ ચૂંટાતા પણ રહ્યા. કારણ કે તેમનાં મતક્ષેત્રોમાં શીખોનું પ્રમાણ નહીંવત્ રહેતું અને બાકીના લોકોને શીખવિરોધી હિંસામાં તેમની ભૂમિકા સાથે કશી લેવાદેવા ન હતી.

એંસીના દાયકામાં દિલ્હીના બેતાજ બાદશાહ ગણાતા એચ.કે.એલ. ભગત જોકે ટાઇટલર-સજ્જનકુમાર જેટલા ‘નસીબદાર’ ન નીવડ્યા. ઈંદિરા ગાંધી અને રાજીવ ગાંધીના વફાદાર- કેન્દ્ર સરકારના માહિતી-પ્રસારણ મંત્રી રહી ચૂકેલા ભગત રમખાણોના એકાદ દાયકા સુધી બેરોકટોક લીડરી કરતા રહ્યા, પણ ૧૯૯૬માં તેમની પર અણધાર્યો કાયદાનો ગાળીયો આવી પડ્યો. તેમને થોડા સમય પૂરતા સપડાવવામાં એક શીખ વિધવાની રજૂઆત કારણભૂત બની. એમનું નામ સતનામીબાઇ.

શીખવિરોધી હિંસા વખતે સતનામીબાઇના રિક્ષાચાલક પતિને ફક્ત શીખ હોવાના ગુનાસર ઘરમાંથી બહાર ખેંચી કાઢીને જીવતો જલાવી દેવાયો હતો. એ ટોળાંની આગેવાની એચ.કે.એલ. ભગતે લીધી હતી અને તેમણે શીખોને ખતમ કરી નાખવા માટે ટોળાને ઉશ્કેર્યું હતું. રમખાણો પછી તરતના અરસામાં સતનામીબાઇએ ભગત વિરૂદ્ધ ફરિયાદ કરી હતી, પરંતુ બીજી ઘણી ફરિયાદોની જેમ સતનામીબાઇની ફરિયાદ પણ નોંધાઇ નહીં. રમખાણોની તપાસ કરવા માટે નીમાયેલી અનેક તપાસસમિતિઓમાંથી પણ કોઇ સતનામીબાઇ સુધી પહોંચ્યું નહીં.
બાર-બાર વર્ષ સુધી રાહ જોયા પછી સતનામીબાઇએ દિલ્હીની સેશન્સ કોર્ટમાં ભગતના નામજોગ ફરિયાદ કરી અને કહ્યું કે ‘તેમના આદેશથી મારા પતિની હત્યા કરવામાં આવી હતી.’ ભગત માટે આરોપ નવો ન હતો. અગાઉ ૧૯૯૩માં જૈન-બેનરજી કમિટીએ અને ૧૯૯૪માં નરૂલા કમિટીએ ભગત સામે કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી. પણ ભગત સામે કોઇ કાર્યવાહી થઇ ન હતી.

સતનામીબાઇની ફરિયાદ પછી દિલ્હી સેશન્સ કોર્ટના જજ શિવનારાયણ ધીંગરાએ અભૂતપૂર્વ અને આકરૂં વલણ લીઘું. બ્લેકકેટ કમાન્ડોથી ઘેરાયેલા વીઆઇપી આરોપી તરીકે ભગતે અદાલતમાં હાજર થઇને ન્યાયાધીશને નમસ્કાર કર્યા. ન્યાયાધીશે એ તરફ ઘ્યાન ન આપતાં બેશરમ થઇને ભગતે કહ્યું,‘સરકાર, નમસ્તે તો સુન લો.’ એ વખતે જસ્ટિસ ધિંગરાએ કડકાઇપૂર્વક ભગતને આરોપીની મર્યાદામાં રહીને વર્તવા જણાવી દીઘું.
એ જ દિવસે સાંજે સાડા છ વાગ્યે જસ્ટિસ ધિંગરાએ ભગતને ૧૪ દિવસ સુધી કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો. રીઢા રાજકારણી ભગત છાતીમાં દુઃખાવાનું બહાનું કાઢીને હોસ્પિટલમાં દાખલ થઇ ગયા. પણ ન્યાયાધીશે રીમાન્ડના હુકમમાં લખ્યું હતું,‘આરોપી (ભગત) પુરાવાને આઘાપાછા કરવા માટે અને સાક્ષીઓ-ફરિયાદીઓને તોડવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકે એમ છે. આ હકીકત આરોપીનાં અગાઉનાં અખબારી નિવેદનોમાં છૂપાયેલી ધમકીઓ પરથી સ્પષ્ટપણે જોઇ શકાય છે. આથી આરોપીને નાદુરસ્ત તબિયત કે ઊંમરના બહાને જામીન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.’ ભગતના વકીલે રાજકીય કાવતરાની દલીલ કરતાં, જસ્ટિસ ધિંગરાએ કડક શબ્દોમાં કહ્યું હતું,‘રાજકીય નેતાઓ તો પોતાના પર ચાલતા ગુનાખોરીના કેસમાંથી પણ રાજકીય ફાયદો મેળવવાની ગણતરી રાખતા હોય છે.’ ‘સિટ’ સમક્ષ ઉપસ્થિત રહેલા મુખ્ય મંત્રીના વલણના સંદર્ભમાં આનાથી વધારે સચોટ ટિપ્પણી બીજી કઇ હોઇ શકે?

સામ્ય ફક્ત આટલેથી અટકતું નથી. ભગત અદાલતમાં હાજર થયા ત્યારે તેમના વકીલે એવો દાવો કર્યો હતો કે તે સ્વેચ્છાએ કોર્ટમાં હાજર થયા છે! પરંતુ જસ્ટિસ ધિંગરાએ વકીલની વાત ગણકાર્યા વિના, ભગતને હાજર કરના પોલીસવડાને પૂછ્યું હતું,‘તમે ભગતના નામનું વોરન્ટ કાઢ્યું હતું?’ ‘હા.’ ‘એટલે કે તમે ભગતની ધરપકડ કરી.’ ‘હા.’ વાત પૂરી! કોઇ આરોપીને કાયદાને સહકાર આપવાનો જશ કેવી રીતે આપી શકાય? આટલી સીધી વાતને એવી ગૂંચવવામાં આવે છે કે હાજર થનાર આરોપી ન્યાયપ્રક્રિયાને માન આપનાર ‘હીરો’ બની જાય!

ભગત વિશે જસ્ટિસ ધિંગરાની તમામ આશંકાઓ- ખરેખર તો ભૂતકાળની જાણકારી- સાચી પડી. ભગતના ગુંડાઓએ ધાકધમકીથી સતનામીબાઇને તેમનું નિવેદન ફેરવી નાખવાની ફરજ પાડી. આવું કરનારાં સતનામીબાઇ એકલાં ન હતાં. ભગત પાસે નાણાં, વગ અને ગુંડાગીરીની ત્રેવડી તાકાત હતી. કોંગ્રેસમાં તેમનો સિતારો આથમ્યા પછી નાણાવટી પંચે વૃદ્ધ અને બિમાર ભગતને ‘માનવતાના ધોરણે’ જવા દીધા, ત્યારે પણ હિંસામાં પોતાનાં પરિવારજનો ગુમાવનારા પીડિતો કહેતા હતા કે ભગતને આકરામાં આકરી સજા થવી જોઇએ.

૧૯૮૪ અને ૨૦૦૨ વચ્ચેનું છેલ્લું સામ્ય એ પણ છે કે ‘તહલકા’એ બન્ને હિંસાચારમાં રાજકારણીઓની ભૂમિકા વિશે સ્ટિંગ ઓપરેશન કરીને શરમજનક વિગતો જાહેર કરી. ‘તહલકા’ના સ્ટિંગ ઓપરેશનમાં સતનામીબાઇએ છૂપા કેમેરા સમક્ષ કહ્યું કે ભગત અને તેમનાં પત્નીએ ટોળાંની આગેવાની લીધી હતી અને શીખોની હત્યાના આદેશ આપ્યા હતા. સાથે તેમણે એ પણ કબૂલ્યું કે ભગતની ધમકીને કારણે જ તેમણે અદાલતમાં ફેરવી તોળ્યું હતું.

સ્ટિંગ ઓપરેશન, જુબાનીઓ, સોગંદનામાં....ન્યાય ઝંખનારા લોકોની કામગીરીની યાદી કેટલી લાંબી છે? હિંસાનાં વર્ષો વીતી ગયા પછી અને પીડિતોની પેઢીઓ બદલાઇ ગયા પછી, ન્યાયનું યુદ્ધ ચાલુ રાખવાનું કામ ભારે નિરાશા પ્રેરે એવું હોય છે. એ વખતે તપાસટુકડીની પૂછપરછ કે રીમાન્ડના હુકમથી આખરી જંગ જીતાય કે ન જીતાય, પણ લડનારને આશાનું બળતણ મળે છે.

3 comments:

  1. Anonymous5:49:00 PM

    bravo Urvishbhai! Only ur blog is the place where we could read such things. Heartly compliments. Herewith I would like to add one thing.
    In 1984, there was a boy, hardly 10 years old, who has lost his entiere family in this holocaust, has tried hard to bring the ugly face of the truth in limelight. He has tried to get justice through judicial ways but the people who were involved were too much mighty to spoil the investigation.
    The boy joined journalism and then joined Tehelka as camaramen. His name is Gurbachansingh and he was the eminent part of the all those Tehelka stings. He has written a booklet too.
    Gujarat too has many Gurbachans to fight against injustice but whatever we are laking is some strong platform like Tehelka.
    - Dhaivat Trivedi

    ReplyDelete
  2. True Dhaivat. More than that, we need to have realisation in the first place.

    ReplyDelete
  3. ઉર્વીશભાઈ, બહુ સચોટ રીતે તમે વાત મૂકી. આપણે ત્યાં મૂળ મુદ્દાને બાજુ પર મુકવાના ઘણા પ્રયત્નો થાય છે અને આ ઘટનાઓમાં ખાસ તો ટીવી મીડિયાનો રોલ બહુ શંકાસ્પદ હોય છે. મૂળ મુદ્દો ન્યાયનો છે અને બંધારણીય પદ ભોગવતા લોકોને જવાબો તો આપવા જ પડે. જો ભારતમાં ન્યાયની પ્રક્રિયાને સીધે પાટે ચડાવવામાં આવે તો બીજી બધી સમસ્યાઓનું સમાધાન આપોઆપ આવે.

    ReplyDelete