Friday, December 20, 2024

શક્કરિયાં અને સંસ્કૃતિકરણ

 માણસ કોને કહ્યો? તેને ઊંચનીચ વગર ચાલે નહીં, પછી તે નાતજાતની-રંગની વાત હોય કે શાકભાજી-ફળફળાદિની. ફળ ને શાકભાજીમાં દાયકાઓ સુધી શાક ઉતરતાં ને ફળ ચડિયાતાં ગણાતાં હતાં. રમૂજ તરીકે પ્રચલિત બનેલી એક હકીકત પ્રમાણે, વર્ષો સુધી અમદાવાદ પંથકમાં માણસ બીમાર હોય તો જ તે ફળ ખાય એવો રિવાજ હતો અને કોઈ કથામાં એક અમદાવાદી શેઠ એક કેળું ખરીદીને, અડધું પોતે ખાઈને બાકીનું અડધું દાળમાં નંખાવતા હતા, જેથી તેમનાં સ્ત્રીબાળકોને પણ તે પહોંચે.

પછી સમાજશાસ્ત્રના અભ્યાસીઓ જેને સંસ્કૃતિકરણ (સંસ્ક્રિતાઇઝેશન) કહી શકે એવી પ્રક્રિયામાં શાકભાજીનો દરજ્જો ઊંચો ચડ્યો. માણસની જેમ શાકભાજીના સંસ્કૃતિકરણ માટે પણ પ્રેરક પરિબળ આર્થિક હતું. શાકભાજી મોંઘાં થયાં અને તેમના ભાવ ફળની સમકક્ષ કે તેને પણ આંબે એવા થયા, એટલે આપોઆપ તેમનો દરજ્જો વધ્યો. વચ્ચે એવા મહિનાઓ પણ આવ્યા, જ્યારે ડુંગળી કે કોબી જેવાં શાક ચૂંટણીપંચની પારદર્શકતાની જેમ, નેતાઓની શરમની જેમ, વડાપ્રધાનપદના હોદ્દાની ગરીમાની જેમ, વિપક્ષોની અસરકારક વિરોધ કરવાની ક્ષમતાની જેમ સાવ અદૃશ્ય થઈ ગયાં અને લોકોએ તે ચૂપચાપ સ્વીકારી પણ લીધું.

જૂની કહેવત હતીઃ હર કુત્તેકા દિન આતા હૈ. નવી કહેણી થઈ શકેઃ હર સબ્જીકા દિન આતા હૈ. પરંતુ આખા સમુદાયનું સંસ્કૃતિકરણ થવા છતાં, તેમાં કેટલાક પેટાસમુદાયો ઉપર આવી શકતા નથી, એવું જ શાકની બાબતમાં પણ થયું. કડવાં કારેલાંના ભાવ આવ્યા, પણ શક્કરિયાનો દરજ્જો ઊંચો ન ગયો. ક્યારેક તેના ભાવ થોડાઘણા વધ્યા હશે તો પણ કદી સમાચારોના મથાળામાં તેને સ્થાન મળ્યું નહીં. નવા જમાનામાં પણ જૂની પરંપરા પ્રમાણે, શક્કરિયાંનો ઉલ્લેખ તુચ્છકારપૂર્વક જ થતો રહ્યો છે. કોઈ વસ્તુની નિરર્થકતા વ્યક્ત કરવા માટે લોકો કહે છે, એમાં શું શક્કરિયાં લેવાનાં?’ કોઈ કદી એવું નહીં કહે કે એમાં શું ડુંગળી લેવાની?’ અરે, શિવરાત્રીના દિવસે શક્કરિયા સાથે જય-વીરુ જેવી જોડી જમાવતા બટાટાનો સમાજમાં મોભો છે, પણ શક્કરિયાં સાથે સંકળાયેલો તુચ્છકાર દૂર થયો નથી.

હા, એટલું આશ્વાસન ચોક્કસ લઈ શકાય કે શક્કરિયાના સંસ્કૃતિકરણની શરૂઆત થઈ ચૂકી છે. શિયાળો આવે, એટલે તેના પુરાવા સૌથી પહેલાં નાકે અને પછી આંખે ચડવા શરૂ થાય છે. શિવરાત્રીના દિવસે બાફેલા બટાટા સાથે બાફેલાં શક્કરિયાં ખાવાનું (અને પછી વાયુ થાય છે એવી ફરિયાદ કરવાનું) માહત્મ્ય છે, પરંતુ તે સિવાય શેકેલાં શક્કરિયાં બજારમાં પગપેસારો કરીને ધીમે ધીમે તેમની પ્રતિષ્ઠા ઊભી કરવા પ્રયત્નશીલ છે.

શિયાળાની શરૂઆત થાય એટલે સાંજનો અંધકાર વહેલો ઉતરી આવે છે અને તેની સાથે આવી જતી સુગંધોમાં શક્કરિયાં શેકાવાની સુગંધનો પણ સમાવેશ થાય છે. ધીમી બળે અને વધુ લિજ્જત આપે—એવું એક સિગરેટની જાહેરખબરમાં વપરાતું સૂત્ર શક્કરિયાં શેકાવા માટે એકદમ સાચું છે. દેવતા પર ધીમી આંચે શેકાતાં શક્કરિયાંમાંથી શરૂઆતમાં નીકળતા ધુમાડા જોઈને એવું લાગે, જાણે થોડા સમયમાં શક્કરિયાંની જગ્યાએ શાકભાજીમાંથી બનેલો ઓર્ગેનિક કોલસો જ હાથમાં આવશે. પરંતુ કાઠા ડિલનાં શક્કરિયાં એમ કોલસો બની જતાં નથી. અગ્નિપરીક્ષા આગળ વધે તેમ, તેમાંથી જેને સ્મોકી કહેવામાં આવે છે, તેવી મીઠી અને વિશિષ્ટ સુગંધ આવવા માંડે છે. અલબત્ત, શેકનાર ધ્યાન ન રાખે અને વડાપ્રધાને જેમ મણિપુર તરફ જોવાનું છોડી દીધું છે તેમ, શેકનાર દેવતા પર રહેલાં શક્કરિયા ભણી જોવાનું જ છોડી દે, તો થોડી વારમાં નાકને જુદા પ્રકારનો સંદેશો મળે છે. તેને શક્કરિયાનો એસઓએસ પણ કહી શકાય. નજર ભલે બીજે હોય, પણ નાક સાબૂત હોય તો ખ્યાલ આવી જાય છે કે હવે દેવતાનો તાપ શક્કરિયાની સહનશક્તિની હદથી બહાર જઈ રહ્યો છે અને યોગ્ય સમયે કંઈક કરવામાં નહીં આવે તો શક્કરિયાથી હાથ ધોવાનો વારો આવશે.

વડાપ્રધાન શક્કરિયાં શેકતાં હોત તો શક્ય છે કે એક બાજુ શક્કરિયું બળતું હોય ત્યારે વડાપ્રધાન તેમનો રેડિયો પ્રલાપ એટલે કે વાર્તાલાપ રેકોર્ડ કરતા હોત અથવા તેમના રાજકીય એજેન્ડાનો પ્રચાર કરતી કોઈ ફિલ્મ જોતા હોત અથવા કોઈ ફિલ્મી કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં જઈને, ફોટા પડાવવામાં-રીલને લાયક સામગ્રી તૈયાર કરવામાં વ્યસ્ત હોત—અને આખું શક્કરિયું બળી ગયા પછી, તેના માટે જ્યોર્જ સોરોસને, જવાહરલાલ નહેરુને કે અર્બન નક્સલોને દોષી ઠરાવવામાં આવ્યા હોત. એક રીતે જોતાં, તે સારું થાત. કેમ કે, અરાજકતાગ્રસ્ત આખેઆખાં રાજ્યોને બદલે ફક્ત શક્કરિયાનું જ નુકસાન થાત. તેનો સાર એટલો કે હાલમાં દેશ ચલાવવા વિશે ભલે એવું ન કહી શકાતું હોય, પણ શક્કરિયું શેકવું એ જવાબદારીનું કામ છે. તેમાં ચીવટ રાખવી પડે છે. 

એક વાર બજારનો ભાગ બન્યા પછી જે પાણીએ શક્કરિયાં ચડે તે પાણીએ તેમને ચડાવવા પડે છે. ઘણા લારીવાળા શેકેલા શક્કરિયાની યાદ અપાવતી સુગંધ સાથે વેચે છે બાફેલું શક્કરિયું. બંનેના સ્વાદમાં ઘણો ફરક હોય છે, પણ મોટા ભાગના ખાનારને તે લાગતો નથી. કારણ કે, તેમનો જીવ શેકાયેલા કે બફાયેલા શક્કરિયા કરતાં તેની પર નીચોવાતા લીંબું કે છંટાતા મસાલામાં વધારે હોય છે. બાફેલા-શેકેલા શક્કરિયા પર લીંબુ નીતારવામાં આવે છે એવું પહેલી વાર સાંભળ્યું ત્યારે આંચકો લાગ્યો હતો. પરંતુ દરેક સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને બજારવાદી પરિબળો આ પ્રકારના આંચકા સર્જે છે, એવું સ્વીકારીને મન મનાવવા સિવાય છૂટકો નથી.

2 comments:

  1. Anonymous11:55:00 PM

    Half at reading! but excellent observation 🫠 for following

    "કડવાં કારેલાંના ભાવ આવ્યા, પણ શક્કરિયાનો દરજ્જો ઊંચો ન ગયો. ક્યારેક તેના ભાવ થોડાઘણા વધ્યા હશે તો પણ કદી સમાચારોના મથાળામાં તેને સ્થાન મળ્યું નહીં." 😂

    ReplyDelete
  2. Anonymous12:55:00 AM

    NIce article, enjoyed it,

    ReplyDelete