Wednesday, August 24, 2022

ઉપવાસ અને બફવડાં

ગુજરાતમાં ઘણાં ઠેકાણે જન્માષ્ટમી પર...ના, જુગારની વાત નથી, આ વાત છે ઘણાં ઠેકાણે બનતાં-વેચાતાં બફવડાંની. ક્યારેક એવો વિચાર આવે કે જુગાર અને બફવડાં ન હોત તો અમુક લોકો જન્માષ્ટમી શી રીતે ઉજવતા હોત? કાકાસાહેબ કાલેલકરે તહેવારો વિશે મનનીય નિબંધો લખ્યા છે, પણ વર્તમાન સમયમાં દરેક તહેવારનો અનુબંધ નવેસરથી, નવા સમયની ખાદ્યસામગ્રી સાથે જોડવો પડે એમ છે. (જાહેર નીતિમત્તાને અને જેવા છે તેવા કાયદા પ્રત્યેના આદરને ધ્યાનમાં રાખીને પેયસામગ્રીની વાત અહીં ટાળવામાં આવી છે.)

ભારતીય સંસ્કૃતિની વિવિધતામાં એકતાનો ખ્યાલ આપતા ઘણા તહેવારોમાં એક સાથે ઉપવાસ અને ખાણીપીણી, એ બંનેનો મહિમા હોય છે. એક વાર એક પરદેશી મિત્રને ફરાળી વિશે સમજણ પાડતાં ટૂંકમાં કહ્યું કે ફરાળી એટલે ઉપવાસમાં ખાવાનું. ત્યારે તેમણે જવાબ પ્રત્યે ભારોભાર અશ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું, પહેલાં તું નક્કી કરી લેઃ ઉપવાસ કે ખાવાનું?” ઉપવાસનું ખાવાનું એ વદતોવ્યાઘાત એટલે કે પરસ્પર વિરોધી શબ્દો છે, એ જેટલી હકીકત છે, તેટલી જ હકીકત એ પણ છે કે શ્રાવણ મહિનામાં પિત્ઝાના હિંડોળા અને ફરાળી પિત્ઝા સુધી તો પ્રગતિ થઈ ચૂકી છે. શક્ય છે કે આ માહિતી પણ જૂની હોય અને ફરાળી મંચુરિયન ખાતાં ખાતાં અત્યારે કઈ વિદશી વાનગીને ફરાળી સ્વરૂપ આપવું એનો વિચાર કોઈ ફળદ્રુપ ભેજું કરી રહ્યું હોય.

એક શાયરે કહ્યું હતું કે સુખ એ બીજું કૈં નથી, દુઃખનો ગુલાબી મિજાજ છે. એવી રીતે, બફવડાં એ બીજું કૈં નથી, બટાટાવડાંનો ફરાળી મિજાજ છે. પરંતુ સુખ અને દુઃખ વચ્ચે હોય એટલો જ મોટો ફરક બફ ને બટાટાવડાં વચ્ચે હોય છે. એક માતાપિતાનાં બે સંતાનો સાવ જુદાં હોય, એવું જ સારાં બટાટાવડાં અને બફ વચ્ચેના તફાવતના મામલે બને છે. એ દાવામાં સારાં વિશેષણ ઉમેરવાનું કારણ એ કે ખરાબ બને તે બટાટાવડાં છે કે બફવડાં છે કે બાફેલા બટાટા-મરચાનો મસાલો છે, તે નક્કી કરવું અઘરું હોય છે. પરંતુ બફવડું જો સારું હોય તો એક કિલો બટાટાવડાના ઘાણમાંથી જુદું તરી આવે.

હજુ સુધી ભારત સરકારની કોઈ સંસ્થાએ કયા કદમાપનાં બટાટાવડાં બનાવવાં, તેને લગતું કોઈ ધોરણ નક્કી કર્યું નથી. તેને કારણે લખોટી જેવડાં બટાટાવડાંથી માંડીને નાની તોપમાં ગોળા તરીકે વપરાય એટલા કદનાં બટાટાવડાં લોકો બનાવે છે. તેમની સરખામણીમાં બફનું કદ સામાન્ય રીતે નાનું હોય છે. મહિલા પૂર્તિની ભાષામાં તેમને નાજુક પણ કહી શકાય. તેમની પર પથરાયેલું ફરાળી લોટનું આવરણ પણ પારદર્શક લાગે એટલું પાતળું હોય છે. તેની વચ્ચે વચ્ચેથી અંદર ભરાયેલો બટાટાનો માવો ડોકાં કરતો હોય છે. બટાટાવડાંમાં એવું બનતું નથી. તેમાં માવાની ફરતે ચણાના લોટનું રૂઢિચુસ્ત રીતે અભેદ્ય લાગે એટલું જાડું આવરણ રચાયેલું હોય છે. તેના કારણેં બંને વચ્ચેના તફાવતની શરૂઆત બાહ્ય દેખાવથી જ થઈ જાય છે.

ઘણા લોકો માટે બટાટાવડું રોજ મળતા મિત્ર જેવું હોય છે. તેની કિંમત ઓછી ન હોય, પણ નવાઈ ઓસરી ચૂકી હોય. બફ તેમને ક્યારેક મળતા મિત્ર જેવું લાગે છે. તેને જોઈને ઉમળકો જાગે. સ્વાદિયા ન હોય એવા ઘણા લોકો બફવડાં વર્ષમાં અમુક જ વાર, કેટલાક તો માત્ર જન્માષ્ટમીના દિવસે જ ખાતા હોય તો નવાઈ નહીં. તેના કારણે બફનું આકર્ષણ અને તેના માટેની ઝંખના તેમના મનમાં જળવાયેલાં રહે છે. શહેરોમાં તો હવે તહેવારો નિમિત્તે ખાણીપીણીની સામગ્રી ખરીદવા માટે લાઇનમાં ઊભા રહેવાનો ધારો પડી ગયો છે. ગીરદી તો ગામોમાં પણ હોય. છતાં, ત્યાં ઊભા ઊભા લોકો અરે, આપણાં સાડી સાતસો કરજો, આપણાં પાંચસો-પાંચસોના બે ભૂલતા નહીં—જેવા પોકારો પાડતા હોય છે.

દુકાને બેસીને તળનારા કારીગરના ચહેરા પર એ બધો વખત એવો ભાવ હોય છે કે તમારો ઓર્ડર સાંભળ્યો, પણ હું તો મારે જે કરવું હશે તે રીતે જ કરીશ.

કેટલાક લોકો કારીગરને છોડીને પડીકાં બાંધનાર સાથે જૂની ઓળખાણો કાઢવા કે નવી ઓળખાણો બાંધવા પ્રયાસ કરે છે, જેથી તળાઈ રહેલા ઘાણમાંથી, તેમને વીઆઇપી ક્વોટામાં ફાળવણી થાય. કેટલાક લોકો વફાદારીનો સહારો લેતાં થડા પર બેઠેલા જણને કહે છે, મારા બાપા આઠમ કરે ત્યારે તમારી દુકાનનાં બફવડાં સિવાય બીજા કશાને હાથ પણ ન લગાડે. મારું પણ એવું જ. તમારાં બફ એટલે બાકી...આપણાં કિલો કરજો.

પ્રેમની જેમ બફવડાંનો મસાલો સરખો હોવા છતાં, દરેક કલાકારની અભિવ્યક્તિ તેમાં જુદી જુદી હોય છે અને દરેકને પોતપોતાની અભિવ્યક્તિનું ગૌરવ હોય છે. તેમને લાગે છે કે તેમની દુકાને બને છે, તેવાં બફવડાં વ્હાઇટ હાઉસમાં પણ નથી બનતાં. એક રીતે તેમની વાત સાચી પણ હોય છે. કારણ કે, વ્હાઇટ હાઉસમાં બફવડાં જ નથી બનતાં. 

ગુજરાતમાં બફવડાંનું બજાર આઠમ કે અગીયારસના ઉપવાસ વખતે, પણ બ્લફવડાંનું બજાર બારે મહિના ગરમ હોય છે. બ્લફ કહેતાં ફેંકાફેંકની ફિશિયારીનાં વડાં પ્રજાને એટલાં ભાવે છે કે દરેક પંદરમી ઓગસ્ટે ને એવા બીજા અનેક પ્રસંગે નેતાઓ બ્લફવડાંના ઘાણ ઉતારીને જાય, તો પણ લોકો તેમનો કાંઠલો પકડીને અગાઉ કરેલી ફેંકાફેંકનો હિસાબ માગતા નથી અને હોંશે હોંશે નવા ઘાણની સુગંધથી ડોલવા લાગે છે. 

1 comment:

  1. બફવડાં કયારેય બ્લફવડાં (મૌલિક શબ્દ રાષ્ટ્રીય બજારમાં તરતો મુકવા માટે ગોળાના કદનાં બટેટાંવડાં ભરેલી 21 તોપની સલામી!) જેટલાં ચટાકેદાર ન હોય.

    ReplyDelete