Tuesday, June 14, 2022

શેરડીનો રસાસ્વાદ

સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતેલખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યારે મદિરાવાળાને એ મહેનત કરવાની જરૂર નથી. લોકો તેને શોધતા આવી ચઢે છે. કળી યુગમાં ગોરસ હવે અમુલનાં પેકેટમાં અને દુકાનમાં જ વેચાય છે. ગરજાઉ લોકોએ તેને ખરીદવા જવું પડે છે, પણ શેરડીના રસ જેવું દિવ્ય પીણું વેચનારે ઘરે ઘરે ફરવું પડે છે. બધે કદાચ એવો રિવાજ ન હોય, પણ ઘણા ઠેકાણે શેરડીનાં હરતાંફરતાં રસઘર જોવા મળે છે.

વર્ષો સુધી શેરડીનો રસ યાદ કરતાં શેરડી પીલવાના હાથથી ચલાવવાના સંચા (કોલાં) અને તેની સાથે બાંધેલો ઘુઘરીઓનો રણકાર યાદ આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી એ મધુર રણકારનું સ્થાન ડીઝલ એન્જિનની ધમધમાટીએ લીધું છે. પહેલાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થતો હતો. હવે તે શેરડીમાંથી રસ ખેંચવા માટે વપરાય છે.

પહેલાં શેરડીનો રસ કાઢવાની શાસ્ત્રીય પ્રક્રિયા હતી—રેકોર્ડ પ્લેયર પર રેકોર્ડ મુકવા જેવી. તે લોખંડનું મોટું ચક્ર, તેને ફેરવવાનો હાથો, વચ્ચે ફરતા બે કાળમીંઢ નળાકાર—આમ તો આખો મામલો ઔદ્યોગિક સંસ્કૃતિની યાદ અપાવે એવો શુષ્ક અને યાંત્રિક હોય, પણ તેમાં વચ્ચે શેરડીના સાંઠા દાખલ થતાં જ કૃષિ સંસ્કૃતિની મહેક આવવા માંડતી હતી. ઓર્ગેનિક શબ્દ ત્યારે ફક્ત કેમિસ્ટ્રી માટે વપરાતો હતો. એટલે સંચાવાળા તેમના રસને ઓર્ગેનિક તરીકે ઓળખાવીને વધારે રૂપિયા ખંખેરતા ન હતા અને હાઇજેનિક તરીકે ઓળખાવીને લૂંટફાટ ચલાવતા ન હતા. બાકી, કેટલાક નામીચાં રેસ્ટોરાંમાં શેરડીના રસના એક પ્યાલાનો ભાવ વાંચ્યા પછી સવાલ થાય કે આ લોકો રસની સાથે રસ કાઢવાનું મશીન મફત આપતા હશે કે શું?

વર્તમાન સમયમાં જેવી અંતિમવાદની બોલબાલા અગાઉ હોત તો વીગન લોકો શેરડીના રસ સામે વાંધો પાડી શકત. સાંઠાને નિર્મમ રીતે પીલી નાખવાની સાંકેતિક હિંસા ઓછી લાગતી હોય, એવા લોકો કહેત, સંચાની આજુબાજુ કેટલી બધી માખીઓ બણબણે છે. તેમાંની એકાદ પણ વચ્ચે આવી ગઈ તો? આપણને શી ખબર પડે?’

વિચારધારાને કદી એકલા સોરવતું નથી. એટલે આ પ્રકારના લોકો શેરડીના રસના બહિષ્કારની ઝુંબેશ ચલાવત અને શેરડી ઉગાડવામાં કેટલું પાણી વેડફાય છે અને અમુકતમુક પ્રાંતમાં લોકો પાણીના અભાવે કેવા ટળવળે છે તે વિશે, રસના સંચાની સામે ઊભા રહીને, લોકોને જાગ્રત કરતા હોત—અને શક્ય છે કે, રસ પીવા આવનારામાંથી કોઈ વધારે સલુકાઈથી તેમને સમજાવત તો તેમાંથી કેટલાક લોકો એક પ્યાલો રસ પીને ઘરભેગા થઈ જાત.

સારું છે, શેરડીનો રસ ચર્ચવાનો નહીં, પીવાનો અને માણવાનો મામલો છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ શેરડીના રસ સાથે કલાપીની કવિતા ગ્રામ્યમાતા પૂરતો જ સંબંધ રાખવો પડે છે, તેમાં વિદ્યાર્થીઓનું અને ખાસ તો શેરડીના રસનું હિત છે. બાકી, ગ્રામ્યમાતાને બદલે શેરડીના રસનું વિવેચન શરૂ થાય તો?

સૌથી પહેલાં તેને લોકપ્રિય કહીને તેના પ્રત્યે છૂપો કે પ્રગટ તુચ્છકાર વ્યક્ત કરવામાં આવે અને તેના રસાસ્વાદ-વિવેચનમાં સમય બગાડવાની કશી જરૂર નથી, એવું સિદ્ધ કરવામાં આવે. બહુ દબાણ થાય તો પછી શેરડીના રસને સાહિત્યના કયા યુગમાં મુકવો, તેના વિશે ચર્ચા કરવી પડે. શેરડીના રસનું યુગનિર્ધારણ જેવા બે-ચાર સેમિનાર કર્યા પછી ને તે સેમિનારોના અંતે તેમાં રખાયેલા ભોજન સિવાય બીજા કોઈ વિષય પર વિગતે ચર્ચા ન થવાથી, થોડા ખંતીલા લોકો યુગનિર્ધારણનું કામ હાથ પર લે ને પંડિત યુગથી શરૂ કરીને અનુઆધુનિક યુગમાં શેરડીને ગોઠવવાનો પ્રયત્ન કરી જુએ. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે જ, શેરડી ભારતમાં ક્યાંથી આવી અને સુધારક યુગમાં રસ કાઢવાના સંચા હતા કે નહીં, ત્યાંથી થાય.

પછી તેમને કોઈ સમજાવે કે સાહેબો, યુગનિર્ધારણ તમતમારે કર્યે રાખજો, પણ પહેલાં રસ પીને સ્વાદનિર્ધારણ તો કરો. એટલે સાહેબલોકો કોઈ સાહિત્ય સંસ્થાની બહાર રહેલા શેરડીના રસની દુકાને જાય, જ્યાં સાહિત્યસંસ્થા કરતાં વધારે લોકો આવતા હોય. તે જોઈને સાહેબોને હાશ થાય કે જ્યાં સુધી શેરડીના સંચે આવે છે એટલા ટોળાબંધ લોકો સાહિત્ય સંસ્થામાં નથી આવતા, ત્યાં સુધી સાહિત્ય લોકપ્રિયતાની માઠી અસરોથી સલામત છે.

રસેચ્છુકોમાંથી બહારની દુનિયા સાથે પનારો પાડી જાણતા એક જણ કોને કયા પ્રકારનો રસ જોઈશે તેની પૂછપરછ કરે, તો તેમને ગૂંચવાડો થઈ શકે. કેમ કે, શેરડીના રસવાળાને બે પંડિત, એક ગાધી, ત્રણ આધુનિક ને અક અનુઆધુનિક રસ આપજે—એવું કહેવાય નહીં. ક્યારેક એવું પણ બને કે આદતવશ રસવાળાને એવો ઓર્ડર આપી દીધો, તો શેરડીનો સંચો ચલાવનાર જણ તેમને કહે, સાહેબો, શેરડીનો રસમાં યુગવિભાજનથી સૌંદર્યબોધ નિષ્પન્ન નહીં થાય. તેના માટે તમારે માપદંડો અને વિવેચનનાં ઓજાર બદલવાં પડશે. યુગલક્ષીને બદલે કૃતિલક્ષી અભિગમ અપનાવવો પડશે.

આ ભાષા સાંભળીને ચકિત થયેલા સાહેબો વધુ પૂછપરછ કરે, તે પહેલાં રસવાળો ઉપસ્થિત સાહેબોમાંથી એકાદને કહેશે, સાહેબ, ભૂલી ગયા? હું તમારો જ વિદ્યાર્થી હતો, પણ નોકરી માટે આપવાના થતા પચીસ-પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા. એટલે આ સંચો શરૂ કર્યો છે. તમારે એકના એક કૂચા વર્ષોવર્ષ ચાલે. મારે તો સાહેબ દર વખતે નવી શેરડી નાખવી પડે છે. પણ તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.

 --અને રસાસ્વાદને બાજુએ મૂકીને ક્ષેત્રવિવેચન શરૂ થઈ જાય.

No comments:

Post a Comment