Wednesday, March 18, 2026

પાર્કિંગઃ વાહનસિદ્ધ અધિકાર?

લોકમાન્ય ટીળક સો વર્ષ મોડા--અને ગુજરાતમાં--જન્મ્યા હોત તો તેમણે કદાચ કહ્યું હોત,‘પાર્કિંગ મારો વાહનસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ.’ પણ લોકમાન્યનાં નસીબ કે તે વહેલા જન્મી ગયા. એ હકીકતથી જરાય હિંમત હાર્યા વિના ગુજરાતીઓએ નક્કી કરી લીધું કે આ બાબતમાં કોઈ લોકમાન્ય પાકે તેની રાહ જોવી નહીં અને 'દરેક પોતાનો નેતા'--એવી સ્વરાજી ઢબે, આત્મનિર્ભર બની જવું. એટલે, મુંબઈ જેવાં શહેરોમાં તો પાર્કિંગ ઓઇલ ને ડેટા જેટલું કિમતી લાગે એવી સ્થિતિ હતી અને હવે ગુજરાતનાં શહેરો-નગરોમાં પણ એ સ્થિતિ આવી ગઈ છે.

અર્બન પ્લાનિંગ અને રસ્તાની ડીઝાઇનનું શાસ્ત્ર ભણાવતા મિત્રો ગમે તે કહે, લોકો એવું માને જ છે કે જેમ દાંત આપનાર (ડેન્ટિસ્ટ નહીં, ઇશ્વર) ચાવણું (ખાવાનું) આપે છે,  તેમ વાહન આપનાર પાર્કિંગ પણ આપશે. આ વાત વધારે આસ્તિકતાપૂર્વક કહેવી હોય તો, દાંત મળ્યા તેને ખાવાનું મળી રહેશે ને વાહન મળ્યું તેને પાર્કિંગ મળી રહેશે. આ બંને ખ્યાલ ખોટા હોઈ શકે છે તે સત્ય આંખ-કાન ખુલ્લાં રાખનાર કોઈને સમજાવવું પડે એમ નથી. તેનો સૌથી પહેલો ખ્યાલ મર્યાદિત જગ્યા ધરાવતી સોસાયટી કે ફ્લેટમાં રહેનારા ચતુષ્ચક્રી-ધારકોને આવે છે. હોંશે હોંશે કાર ખરીદી લાવ્યા પછી ઘરની બહાર કે નીચે ખડી ક્યાં કરવી, એ સવાલ થાય છે. 

જેમ પાણી વેચાય તે એક સમયે આઘાતજનક ગણાતું હોવા છતાં હવે તેની નવાઈ નથી રહી તેમ, ઘરથી અલગ પાર્કિંગની જગ્યા વેચાય અને એક રહીશ બીજા રહીશની પાર્કિંગની જગ્યા ખરીદે કે ભાડે રાખે, એવી ઘટનાઓથી કોઈને નવાઈ લાગતી નથી. પહેલાં પાર્કિંગની જગ્યાની છત ધરાવતાં ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આવુંબધું સાંભળીને કકળી ઉઠતા હતા, પણ હવે ધીમે ધીમે તેમના સુધી પણ વિકાસનો સ્વાદ પહોંચી રહ્યો છે.  દાંત અને ચાવણાની કહેણી પાર્કિંગના કિસ્સામાં જરા જુદી રીતે લાગુ પડે છે. અહીં તો, ઘર વેચનાર પાર્કિંગ પણ વેચે છે. એટલે કે, પાર્કિંગ ઘરથી અલગ ખરીદવું પડે છે અને તે પણ એકાદ વાહન પૂરતું.  કેટલાંક ફ્લેટ અને સોસાયટીમાં પાર્કિંગની જગ્યા માટે એવી કાયમી ખેંચતાણ હોય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાર્કિંગના મુદ્દે થશે એવું કમ સે કમ ત્યાં ઊભા હોઈએ ત્યારે તો લાગે. તે નિવારવા માટે ફાળવેલા પાર્કિંગ પર ફ્લેટ નંબર લખીને, જાણે યુ્દ્ધને ખાળવાની કોશિશ થાય છે. તેના કારણે થોડીઘણી સફળતા મળે છે, છતાં કોઈ પણ સમયે તે યુદ્ધ ફાટી નીકળશે, એવી ભીતિ ઓસરતી નથી.

પાર્કિંગની સમસ્યા ઘરઆંગણે છે, તેનાથી પણ વધારે વિકરાળ સ્વરૂપે રસ્તા પર અને જાહેર સ્થળોએ જોવા મળે છે. દાયકાઓ સુધી જાહેરમાં, રસ્તાની કોરે વાહન પાર્ક કરીને જતા રહેવાની સતયુગી ટેવવાળાને હવે પહોંચવાનું હોય એ સ્થળથી દૂર, પાર્કિંગની જગ્યા જ્યાં મળે ત્યાં વાહન ઊભું રાખીને ચાલતાં આવવું પડે, ત્યારે તેને હળાહળ કળિયુગનો અહેસાસ થાય છે. મુંબઈ જેવાં શહેરોમાં વર્ષોથી વાહન પાર્ક કર્યા પછી મુખ્ય સ્થાને પહોંચવા માટે અલગથી રિક્ષા કરવાનો રિવાજ એટલો સામાન્ય ગણાય છે કે તે વિશે કોઈને આશ્ચર્ય પણ થતું નથી.

રસ્તાની બાજુ પર પાર્કિંગ કરવું કે નહીં, તે કાયદાની દૃષ્ટિએ સ્પષ્ટ હોય તો પણ, વ્યવહારમાં તકરારી મુદ્દો છે. અમદાવાદ સહિત ગુજરાતમાં ઘણા ઠેકાણે, કાચા અંગ્રેજીને કારણે નહીં, પણ પાકી વ્યવહારબુદ્ધિને કારણે, લોકો 'નો પાર્કિંગ'ના પાટિયાનો અર્થ કાઢે છેઃ 'અહીં પાર્કિંગ કરો’.  'નો પાર્કિંગ'ના પાટિયાને અઢેલીને કે તેની આસપાસ ખડકાયેલાં વાહનો જોઈને 'સવિનય કાનૂનભંગ' અને 'ગાંધીનું ગુજરાત' જેવા શબ્દપ્રયોગો તેમની યથાર્થતા સહિત સાંભરે છે. એ મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે ચણભણનો પ્રસંગ ઊભો થાય ત્યારે પણ વાહનચાલકો મોળા પડ્યા વિના, યથાશક્તિ ઝીંક ઝીલીને દંડમાંથી બચવાની કોશિશ કરે છે.

ઘણી વાર 'નો પાર્કિંગ'નું પાટિયું ન હોવાથી, વાહન રસ્તા પર છે કે નહીં, તે વિશે અર્થઘટનના વિવાદ સર્જાય છે. ટ્રાફિક પોલીસ માને છે કે અડધું વાહન રસ્તા પર છે, જ્યારે વાહનચાલક માને છે કે અડધું વાહન રસ્તાની બહાર છે. એ તો સ્પષ્ટ છે કે આ મતભેદ 'પ્યાલો અડધો ભરેલો ગણાય કે અડધો ખાલી?’ તે પ્રકારનો તાત્ત્વિક છે. એવા મતભેદનો ઉકેલ, આપણી પરંપરા પ્રમાણે, શાસ્ત્રાર્થથી કરવાનો હોય, પરંતુ ટ્રાફિક પોલીસની પસંદગીની પરીક્ષામાં શાસ્ત્રાર્થને લગતા સવાલ આવતા ન હોવાથી તે દંડની પાવતી ફાડવા માટે તલપાપડ થાય છે.  તેમને વારવા માટે પોલીસખાતામાં રહેલા કે કોઈ ઉપરી પોલીસને ઓળખતા એવા સગાવહાલા, મિત્ર કે પરિચિતનું મોબાઇલ પર આહ્વાન કરવામાં આવે છે. એવી રીતે થયેલી વાતચીત પછી દંડ માફ થાય કે ન થાય, પણ મૂળ તાત્ત્વિક સવાલનો નીવેડો આવતો નથી અને ભવિષ્યમાં પાર્કિંગને લગતી તકરારોની સંભાવના ઊભી રહે છે.

લાયસન્સ આપતી વખતે વાહન, ખાસ કરીને ચતુષ્ચક્રી (ફોર વ્હીલર) પાર્ક કરતાં આવડે છે કે નહીં તે જોવાતું હોય છે. પરંતુ નજીકના ભવિષ્યમાં લાયસન્સ આપતી વખતે, વાહનની સાથે ચાલકે પાર્કિંગની જગ્યા પણ ખરીદી છે એવી ખાતરી આપવી પડશે ને તેનાં પ્રમાણપત્ર રજૂ કરવાં પડશે. આવી કલ્પનાઓ કલ્પના રહેતી નથી અને ઝડપથી વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે, તે હાસ્ય-વ્યંગની સૌથી મોટી કરુણતા રહી છે.

No comments:

Post a Comment