Friday, March 27, 2026
અરીસાની અંદરબહાર
‘તમે દિવસમાં કેટલી વાર અરીસામાં જુઓ છો?’—આવું કોઈને પૂછવામાં આવે, તો શક્ય છે કે તેમને માઠું લાગે. એમ પણ થાય કે ‘તમારે શી પંચાત? મારો અરીસો, મારું મોં. મારે જેટલી વાર જોવું હોય એટલી વાર જોઉં.’ પછી તેમને સમજાવીએ કે 'આ તો એક સમાજશાસ્ત્રીય સર્વેક્ષણના ભાગરૂપે તમને પૂછીએ છીએ' એટલે સરકારની કરવેરા નાખવાની મૌલિકતા વિશે ખાતરી ધરાવતા લોકો કહેશે,‘એક મિનીટ. એટલે સરકાર હવે અરીસામાં મોં જોવા ઉપર પણ ટેક્સ નાખવા માગે છે? એવું કરતાં પહેલાં તે પોતે એક વાર જરા અરીસામાં જુએ...’
અરીસામાં જોવું એ આમ તો તદ્દન નિર્દોષ પ્રવૃત્તિ છે. કેટલાક લોકો સવારે ઉઠતાં વેંત સૌથી પહોલાં અરીસા આગળ જઈને વીંખાયેલા વાળ સરખા ન કરે, ત્યાં સુધી તેમને ઉઠ્યાનો અહેસાસ અને સંતોષ થતાં નથી અથવા પોતે ઉઠેલા હોવાનું તે જાહેર કરતા નથી. છેલ્લાં વીસ-ત્રીસ વર્ષમાં, શહેરી વિસ્તારોમાં તો ખાસ, મોં ધોવા-બ્રશ કરવાની જગ્યા સામે જ એક અરીસો મુકી દેવાય છે, જેથી અરીસામાં અલગથી જોવા જવાની તસ્દી ન લેવી પડે. એ વખતે અરીસો માણસની જાગૃતિનું પ્રતિક બની જાય છે.
વિજ્ઞાનકથાની રીતે વિચાર કરી જુઓઃ એક માણસ રાત્રે કોઈ દવા પીને સૂઈ ગયા પછી, સવારે ઉઠે ત્યારે તે દવાની અસરથી અદૃશ્ય બની ગયો હોય, તો તેને એ વાતની પહેલવહેલી ખબર ક્યારે પડે? સીધી વાત છે. અરીસામાં જોઈને. ત્યારે અરીસો તેના અસ્તિત્વનો પુરાવો બની જાય અને માણસને અસ્તિત્ત્વવાદી સવાલો થવા માંડે કે 'હું છું એટલે છું? કે પછી હું અરીસામાં દેખાઉં છું એટલે છું?
દરેક માણસ ઓછેવત્તે અંશે પોતાના પ્રેમમાં હોય, પણ આપણા વડાપ્રધાન—અને કેટલાક ગુજરાતી કટારલેખકો--પોતાના પ્રેમમાં એટલા માથાબૂડ હોય છે કે તે ચોવીસે કલાક ચોતરફ અરીસાથી વીંટળાયેલા રહેતા હશે, એવું લાગે. ત્યારે પહેલી વાર શીશમહલ જેવી ઇમારત પાછળ રહેલું શિલ્પકળા ઉપરાંતનું મહત્ત્વનું કારણ સમજાય. રાજાને એક અરીસામાં જોયે થોડો સંતોષ થાય? તેને તો સહસ્ત્ર અરીસામાં પ્રતિબિંબ દેખાય ત્યારે જ હાંઉ થાય. આપણા વડાપ્રધાન રાજા નથી (એ મુદ્દે તેમની વર્તણૂંક અને તેમાંથી પ્રગટ થતી માનસિકતા જુદાં છે. છતાં કમ સે કમ, બંધારણીય રીતે તો એ રાજા નથી). એટલે તેમને શીશમહલ તો નહીં, પણ મંદિરે દર્શન કરવા જાય ત્યારે સુદ્ધાં બાર-પંદર કેમેરા આજુબાજુ ન હોય ત્યાં સુધી ચાલતું નથી. તેમના માટે કેમેરા અરીસાની ગરજ સારે છે.
બીજાના હિસાબે ને જોખમે પોતાના
ફોટા-વિડીયો ઉતરાવવાની-ઉતરાવ્યા જ કરવાની સુવિધા બધા પાસે હોતી નથી. એવા 'વંચિત' આત્મમુગ્ધો
માટે 'અરીસા શ્રી’, 'અરીસા ભૂષણ’ અને 'અરીસા વિભૂષણ’ જેવાં વિશેષ સન્માન બનાવવાં જોઈએ.
મોરારીબાપુએ કથામાં કરેલા ઉલ્લેખને ગળામાં લટકાવીને ફરી શકતા લોકોને આવાં તાજ્જાં કાઢેલાં
સન્માન લેવામાં કશી શરમ ન હોવી જોઈએ. આમ પણ, વડાપ્રધાન જેવા વડાપ્રધાન ઇઝરાઇલનું તાજ્જું
બનાવેલું સન્માન હોંશે હોંશે ગળામાં પહેરી આવ્યા હોય, તો બીજાએ શા માટે ક્ષોભિત થવું
અથવા અરીસો જોવો?
અરીસો જોવો કે અરીસો બતાવવો, એ ઠપકાના કે અસલિયત બતાવવાના ભાવ માટે વપરાતો શબ્દપ્રયોગ છે, પણ તેમાં એક મૂળભૂત વાંધો છે. જેમને એ બતાવવાની જરૂર હોય એવા લોકોમાંથી ઘણા માટે તો અરીસો વશરામ ભૂવાના કૂવા જેવો હોય છે. એવા લોકો અરીસાની સામે ઊભા રહીને, દલા તરવાડી બનીને પૂછે છે, ‘અરીસા રે અરીસા, હું કેવો સરસ લાગું છું?’ તો અરીસો તેમને કહેવાનો જ છે,‘અરે, આ વિશ્વમાં તમારાથી સરસ બીજું કોઈ નથી લાગતું. તમે જ અરીસા-રત્ન છો. અહીં તો તમે જ વિશ્વગુરુ છો.’ વર્તમાન ભારતમાં કેટલાક લોકોને આંખ સામે જે દેખાય, તે પણ જોવું નથી હોતું. તે અરીસામાં શું અસલિયત જોવાના? એ તો અરીસામાં જે દેખાય તે નહીં, જે જોવું હોય તે જ જોશે. તેમને કશું અપ્રિય દેખાશે, તો તે કહેશે,‘આ અરીસો છે જ નક્કામો, નકારાત્મક. તેને બદલી નાખવો પડશે.’
માનવજાતની ઉત્ક્રાંતિમાં મહત્ત્વની શોધોની વાત થાય તેમાં અરીસાનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. જરા વિચારો, પાંચ-છ હજાર વર્ષ પહેલાં અરીસા નહીં હોય ત્યારે લોકો પોતાના વાળ શામાં જોઈને ઓળતા હશે? મેક-અપ શી રીતે કરતા હશે? દાઢી તો સો-દોઢસો વર્ષ પહેલાં સુધી બીજા પાસે કરાવવાનો રિવાજ હતો. તેમ છતાં, દાઢી કરાવી લીધા પછી એ બરાબર થઈ કે નહીં, તેની ખાતરી શી રીતે કરતા હશે? પ્રિયતમ કે પ્રિયતમાની આંખમાં જોવાની વાત કવિતા પૂરતી બરાબર છે, પણ પ્રિયતમાની આંખમાં જોઈને વાળ ઓળી શકાતા નથી કે દાઢી કરી શકાતી નથી.
અરીસા ન શોધાયા હોત તો માણસજાત કેટલી પ્રાથમિક અને મહત્ત્વની ક્રિયાઓ તથા તેનાં પરિણામ બાબતે પરાવલંબી રહી જાત. આ વિચાર કોઈ વડાપ્રધાન સુધી પહોંચાડે તો તે એકાદ રાષ્ટ્રવ્યાપી દર્પણસપ્તાહ કે દર્પણોત્સવ જરૂર ઉજવી પાડે અને પહેલો આયનો ભારતમાં શોધાયો હતો, એવું પણ એનસીઇઆરટીનાં પાઠ્યપુસ્તકોમાં ઉમેરાવી શકે. સરકારે 'સુધારેલાં' પાઠ્યપુસ્તકોમાં હલદીઘાટીના યુદ્ધમાં રાણા પ્રતાપ જીતી શકતા હોય, તો ભારત પહેલો અરીસો કેમ ન બનાવી શકે?
મૂળ વાત તો અંદરના-અંતરના અરીસામાં જોવાની છે, પણ તેની પરનું આવરણ શી રીતે હટે? કોણ હટાવે? કોણ હટાવવા દે?
No comments:
Post a Comment