Monday, March 02, 2026
ઇરાન પર અમેરિકા-ઇઝરાઇલનો હુમલો અને ભારત, ટૂંકમાં
ઇરાન વિશે ત્યાંના એક ભાઈનું સરસ અને બહુ વાઇરલ થયેલું લખાણ વાંચ્યું.
તેનો સાર એવો હતો કે રૂઢિચુસ્ત-કટ્ટર નેતા ખામેની તેમને પણ ગમતો ન હતો અને તેનાથી ઘણી પ્રજા દુઃખી હતી, પણ તેનાથી મુક્તિ તેમને આ રીતે, અમેરિકા જેવા 'ઉદ્ધારક' થકી જોઈતી ન હતી. કારણ કે, અમેરિકા જે દેશમાં 'લોકશાહી' સ્થાપવા જાય છે, ત્યાં કાયમી અશાંતિ અને અરાજકતાનો વારસો મુકીને આવે, એવો ઇતિહાસ છે. એટલે કે, બકરું કાઢતાં ઊંટ કે ઊંંટ કાઢતાં ડાયનોસોર આવે, એવું અમેરિકાની દખલથી થતું હોય છે.
અમેરિકા અને ઇઝરાઇલ --બંને ગુંડાગીરી માટે નામીચાં છે. ઇઝરાઇલને અમેરિકાનો કાયમી ટેકો હોય છે. શક્તિશાળી યહૂદી જૂથો અમેરિકા સહિત ઘણાં પશ્ચિમી રાષ્ટ્રો પર જબરો પ્રભાવ ધરાવે છે. એટલે, બાકીની ઘણી બાબતોમાં ઉદારમતવાદી કે માનવતાવાદી વલણ ધરાવતાં 'ન્યૂ યોર્ક ટાઇમ્સ' જેવાં અખબારો કે બીજાં ઘણાં પ્રસાર માધ્યમો ઇઝરાઇલની વાત આવે, એટલે તેનાં બધાં પાપ છાવરવા લાગે છે.
હજુ આઠ-નવ દાયકા પહેલાં ભયંકર-અમાનુષી અત્યાચારોનો ભોગ બનેલી પ્રજાની નેતાગીરી (ઇતિહાસની દૃષ્ટિએ) આટલા ટૂંકા ગાળામાં પોતાના ભૂતપૂર્વ પીડકોની યાદ અપાવે એટલી અમાનુષી શી રીતે બની શકતી હશે? એવો સવાલ કે આશ્ચર્ય નથી થતાં, પણ દુઃખ જરૂર થાય છે.
સામે પક્ષે પેલેસ્ટાઇને પણ ભૂતકાળમાં અનેક વાર હિંસાનો સહારો લઈને પોતાના સાચા કે માની લીધેલા અધિકારો મેળવવાની કોશિશ કરી છે અને તેમના ભાગે નિરાશા જ આવી છે.
વૈશ્વિક રાજકારણનો ખાસ અભ્યાસ નથી, પણ સામાન્ય સમજથી એવું ધારું છું કે આટલા બધા ખરાબ નેતાઓ એક જ સમયે વૈશ્વિક મંચ પર વિવિધ દેશોના મુખિયા હોય, એવું ઓછું બન્યું હશે. જ્યોર્જ બુશ જુનિયર બે મુદત માટે અમેરિકાના વડાપ્રધાન રહ્યા, ત્યારે થયું હતું કે અમેરિકા આનાથી નીચે ન જઈ શકે. પરંતુ ટ્રમ્પે નીચે જવાના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં પણ એવી જ સ્થિતિ છે. આ પ્રકારના નેતાઓ ધ્રુવીકરણ પર, પ્રજામાં ભાગલા પડાવીને, તેના એક વર્ગને સ્વાર્થ પૂરતાં થાબડભાણાં કરીને, જૂની સ્થાપિત સીસ્ટમોને તહસનહસ કરીને, પોતાની સત્તા ધકાવતા રહે છે.
આપણા હોંશીલા અને આત્મમુગ્ધ વડાપ્રધાન ઇઝરાઇલની મુલાકાતે જઈને, તાજ્જો અસ્તિત્વમાં આવેલો એવોર્ડ સ્વીકારી આવ્યા અને થોડા જ દિવસમાં ઇઝરાઇલે ઇરાન પર હુમલો કરી નાખ્યો. છતાં (કે એટલે) વડાપ્રધાને હજુ ઇરાનમાં થયેલી ખુવારી વિશે, તેના સર્વોચ્ચ નેતાના મૃત્યુ અને બોમ્બમારામાં વિદ્યાર્થીનીઓનાં મૃત્યુ વિશે મોં સીવેલું રાખ્યું છે. તે વળી તેમની છીછરી અને દેશ માટે ધબડકારૂપ પુરવાર થયેલી વિદેશનીતિનું વધુ એક ઉદાહરણ છે.
ટેકનોલોજીના સામયિક 'વાયર્ડ'માં એક લેખમાં લખ્યું હતું કે અમેરિકાના કટ્ટરમાં કટ્ટર વેરી જે ઇચ્છે એ બધું અત્યારે અમેરિકામાં તેના પ્રમુખ દ્વારા જ થઈ રહ્યું છે. ભારતનો કિસ્સો પણ ખાસ જુદો નથી. આવા તકલાદી, જૂઠા, ઝેરીલા અને પોલા 'રક્ષકો' હોય તે દેશને અલગથી દુશ્મનોની જરૂર રહે?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment