Friday, March 13, 2026

ડીજેઃ બહુમાળી ઘોંઘાટ

અત્યારે આ લોકોનો ત્રાસ બહુ વધી ગયો છે. ગમે ત્યાં સ્થળ-સમય જોયા વિના ચાલુ પડી જાય છે ને લોહી પી જાય છે.—આવું વિધાન કશા સંદર્ભ વગર કરવામાં આવે તો કવિઓ અને ડાયરાવાળાથી માંડીને મંત્રીઓ સુધીના કોઈ પણ બંધબેસતી પાઘડી પહેરી શકે. એટલે સ્પષ્ટતા કરવી પડે કે હાલ પૂરતી વાત ડીજેની થાય છે.

આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર દીઠો/ ખળખળતી નદીયું રે સાહેલી મારા સપનામાં—એવું એક લોકગીત હતું. તેમાં સહેજ ફેર કરીને ડીજે માટે કહી શકાય, આજ રે આંગણામાં મેં તો બોલતો ડુંગર દીઠો/ધણધણતી શેરીયું રે સાહેલી મારા સપનામાં. અહીં કવિ જે ડુંગરની વાત કરવા માગે છે, તે છે રાક્ષસી સાઇઝનાં સ્પીકરનો ડુંગર. એકની ઉપર એક ગોઠવાયેલાં બહુમાળી સ્પીકરોનું કદ અને તેમની ઊંચાઈ એવાં હોય છે કે દૂરથી અને નિર્જીવ-બંધ અવસ્થામાં પણ તે ભયપ્રેરક લાગે. તે જોઈને માણસની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ જાય અને તેને ઇશારો આપે,અહીંથી બને એટલો દૂર ભાગવા માંડ. એક વાર આ શરૂ થશે તો તારી ને તારી શ્રવણેન્દ્રીયની ખેર નથી.

ગુજરાતમાં આમ પણ સાદા, મોટિવેશનલ અને એક વાર મોટિવેશનલ તરીકે પ્રખ્યાત થઈ ગયા પછી એ બિરુદ છોડવા તત્પર—એમ તમામ પ્રકારના સ્પીકરોનો ત્રાસ પૂરતો હતો. ઘણા લોકોને વિધાનગૃહોના સ્પીકરો સામે પણ ભારે ફરિયાદ હતી. એટલું ઓછું હોય તેમ, સ્પીકરોની એ યાદીમાં ડીજેનાં સ્પીકરોનો ઉમેરો થયો. મોટિવેશનલ સ્પીકરોની જેમ ડીજેનાં સ્પીકરોને પણ, તે એક વાર બોલવાનું શરૂ કરે, ત્યાર પછી શાંત કેમ પાડવાં, એ સમસ્યા હોય છે. ડીજેનાં સ્પીકર શ્રવણેન્દ્રીયને બહેરી કરીને મગજને સુન્ન કરી નાખે છે, જ્યારે બીજા પ્રકારના સ્પીકર શ્રોતાઓની સામાન્ય બુદ્ધિ પર હુમલો કરીને, તેમની હાલત ખરાબ કરી નાખે છે.

ગીતસંગીત રેલાવતાં સ્પીકરો માટે વાગ્યાં એવો શબ્દપ્રયોગ સામાન્ય છે, પણ ડીજે તરીકે વાગતાં સ્પીકરો સાંભળીને વાગ્યાં શબ્દની યથાર્થતા સ્પષ્ટ થાય છે. કારણ કે, એવી રીતે વાગતાં સ્પીકરો માથું, કાન, દિલ અને આખા શરીર પર હથોડાની જેમ વાગે છે અને આખું ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્ર સુદ્ધાં હચમચાવી મુકે છે. પરદેશમાં આવતાં નોઇઝ કેન્સલેશનનાં મોંઘામાં મોંઘાં સાધનો પણ દેશી ડીજે આગળ નબળાં ને અપૂરતાં પુરવાર થાય છે. કેમ કે, ડીજેના અવાજને નોઇઝ ગણવો તે અમેરિકાની દાદાગીરીને અવિવેક ગણાવવા જેવી અલ્પોક્તિ (અન્ડરસ્ટેટમેન્ટ) છે. અમેરિકા પરથી યાદ આવ્યુઃ કોઈ પરદેશી જાસુસ ભૂલેચૂકે આપણે ત્યાં નીકળેલા ડીજેધારી વરઘોડાને જોઈ લે તો તેને ચોક્કસ એવી શંકા જાય કે ભારત પાસે મોટી સંખ્યામાં વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રક્શન છે, એટલું જ નહીં, તે એને છુપાવવાને બદલે, સરેઆમ પોતાના જ નાગરિકો પર છૂટાં મૂકે છે.

સંગીત સામાન્ય રીતે રેલાયું એમ કહેવાય છે, પણ ડીજેમાંથી સંગીત રેલાતું નથી, એ તો છૂટ્ટું ફેંકાય છે અને સામેવાળો ઝીલવા તૈયાર છે કે નહીં તેની પરવા કર્યા વિના, તેના આખા અસ્તિત્ત્વને અદૃશ્ય રીતે ધ્રુજાવી મુકે છે. બાળપણમાં રાક્ષસની કથાઓ સાંભળતી વેળા તેમનું અસ્તિત્વ કાલ્પનિક લાગતું હતું, પણ ડીજેમાંથી નીકળતી ધણધણાટી સાંભળ્યા પછી રાક્ષસીનો ખ્યાલ સંપૂર્ણપણે વાસ્તવિક લાગે છે. એવું લાગે છે, જાણે સ્પીકરનો ખડકલો ધરાવતો ટેમ્પો કે ટ્રક ચોપગા રાક્ષસનું શરીર છે અને તેના આખા અસ્તિત્વનું જોર અવાજ દ્વારા પ્રગટ થઈને આસપાસનાં સૌને આતંકિત કરી રહ્યું છે. સમાજશાસ્ત્રના નવા નવા રવાડે ચડેલા લોકો દરેક બાબતમાં ગંભીર, સમાજશાસ્ત્રીય મુદ્દો શોધીને તેની થિયરી ઘડવાની કોશિશ કરતા હોય છે. એવા લોકો એમ પણ કહી શકે કે ડીજે એ ભારતની ધબકતી, રણકતી, ધ્રુજાવતી ને હણહણતી લોકશાહીનું પ્રતીક છે. કારણ કે, પહેલાં અંગત પ્રસંગમાં જાહેર ઘોંઘાટ કરવાનો એકાધિકાર ફક્ત પૈસાદારોનો હતો. કારણ કે, બેન્ડવાજાંનો ખર્ચ ફક્ત તેમને પોસાતો હતો. ડીજેના આગમન પછી એ અધિકારનું લોકશાહીકરણ થઈ ગયું છે અને હવે ગરીબમાં ગરીબ માણસ પણ થોડા હજાર રૂપિયા ખર્ચીને મન ફાવે ત્યાં, મન ફાવે એટલો ઘોંઘાટ ફેલાવીને લોકશાહીનો આનંદ માણી શકે છે. એ તર્ક મુજબ ડીજેના આસુરી ઘોંઘાટ સામે ફરિયાદ કરનારને લોકશાહીવિરોધી તરીકેનો ઠપકો મળે તો પણ નવાઈ નહીં.

જોકે, અદાલતનો ચુકાદો એમ કરતાં રોકે છે—ના, ડીજેને ઘોંઘાટ ફેલાવતાં નહીં, ડીજેવિરોધને લોકશાહીનો વિરોધ ગણાવતાં. સર્વોચ્ચ અદાલતે ડીજેના ઘોંઘાટ માટે માપદંડ અને સમયમર્યાદા જાહેર કરેલાં છે. પણ શેરીમાં વાગતા ડીજેને સુપ્રીમ કોર્ટ સાથે કોઈ સંબંધ હોઈ શકે અથવા દિલ્હીમાં બેઠેલી સુપ્રીમ કોર્ટને શેરી ધ્રુજાવી મુકતા ડીજે વિશે કંઈક કહેવાનું હોય, એવું કોઈની કલ્પનામાં આવતું નથી. શેરી કે સોસાયટી માટે તો સ્થાનિક પોલીસ સ્ટેશન એ જ સુપ્રીમ કોર્ટ બરાબર હોય છે. ત્યાં મોડી રાત્રે ડીજેની ફરિયાદ નોંધાવવા જતાં, રાતની ઉંઘ બગાડવા બદલ સૌથી પહેલો સીધો કે આડકતરો ઠપકો ફરિયાદીને સાંભળવો પડે એવી સંભાવના પણ રહે છે.

ધાર્મિક વરઘોડામાં વાગતું ડીજે ધર્મ અને સંસ્કૃતિ સમકક્ષ થઈ જાય છે. તેનો વિરોધ કરવા જતાં વિવાદમાં ઉતરવું પડે, પણ સૌથી મોટી મુશ્કેલી એ છે કે ડીજે વાગતું હોય ત્યારે વાદવિવાદ શી રીતે થાય? એ માટે પહેલાં ડીજે બંધ કરવું પડે. એટલે મોટે ભાગે ઇંડુ-મરઘી ન્યાયે ડીજેનું કંઈ થઈ શકતું નથી અને જૂઠાણાં-વાદી સરકારોની જેમ ત્રાસ-વાદી ડીજેની પણ ધીમે ધીમે લોકોને ટેવ પડી જાય છે. 

 

2 comments:

  1. Anonymous7:05:00 PM

    કોઈ પરદેશી જાસુસ ભૂલેચૂકે આપણે ત્યાં નીકળેલા ડીજેધારી વરઘોડાને જોઈ લે તો તેને ચોક્કસ એવી શંકા જાય કે ભારત પાસે મોટી સંખ્યામાં ‘વેપન્સ ઓફ માસ ડીસ્ટ્રક્શન’ છે, એટલું જ નહીં, તે એને છુપાવવાને બદલે, સરેઆમ પોતાના જ નાગરિકો પર છૂટાં મૂકે છે. 😂🤣😆

    ReplyDelete
  2. Hiren Joshi3:55:00 AM

    I recently experienced this type of noise pollution during the visits to some small towns and big cities of western India. It seems people have gotten used to such ruthless, dangerous, ugly, and nonstop noises. As you mentioned if someone complains against it, he/she might be considered unpatriotic, an oddball or non religious. It’s unfortunate the way country is progressing with this type of wild civil (mis) behavior.

    ReplyDelete