Tuesday, November 19, 2024
ભૂખના ભેદભરમ
ભૂખ આમ તો હાસ્યનો નહીં, કરુણરસનો વિષય છે. છતાં, હાસ્ય અને કરુણ વચ્ચેનો નિકટનો સંબંધ ધ્યાનમાં રાખતાં, ભૂખ વિશે હળવાશથી વાત કરવામાં ખાસ વાંધો ન આવવો જોઈએ અને ભરેલા પેટે ભૂખ વિશે લખતાં કશી તકલીફ પણ ન પડવી જોઈએ. આમ પણ, ભૂખ અને ગરીબી વિશે થતાં લખાણોમાંથી મોટા ભાગનાં ભરેલા પેટે લખાયાં હોવાનો વણલખ્યો ધારો છે અને તે સમજી શકાય તેવો પણ છે. ભૂખ્યો થયેલો માણસ લખે કે ખાવાનું શોધે?
ભૂખ વિશે લખવું એ ખાવાના ખેલ નથી—શબ્દાર્થમાં તો નથી જ, ધ્વન્યાર્થમાં પણ નહીં. ભૂખ સ્ફોટક વિષય છે. હજુ સુધી ભૂખ વિશે કવિતા લખવા સામે ત્રાસવાદવિરોધી કાયદાની જોગવાઈઓ લાગુ પડી નથી. સરકારને કદાચ તેની જરૂર નહીં લાગતી હોય. તે જાણે છે કે હવેના ઘણાખરા કવિઓ અન્નના ભૂખ્યા ભલે ન હોય, પણ પ્રસિદ્ધિ, સરકારી માન્યતા, સમાજનાં કથિત ઉચ્ચ વર્તુળોમાં આવકાર જેવી બાબતોની ભૂખ ઓછી ખતરનાક નથી હોતી. તે સંતોષવા માટે મનના ખૂણે પડેલું ને મોટે ભાગે વણવપરાયેલું રહેતું સ્વમાન નામનું વાસણ વેચવું પડે તો તેમાં ખચકાટ શાનો?
છતાં, કોઈ અણસમજુ-અરાજકતાવાદી ભૂખ વિશે લખે તો તેને અર્બન નક્સલ, સામ્યવાદી, રાષ્ટ્રવિરોધી તરીકે સહેલાઈથી જાહેર કરી શકાય છે. બીજું બધું તો ઠીક, તેમને ગરીબવિરોધી પણ જાહેર કરવામાં વાંધો નથી. સાંભળવામાં તે ભલે વિચિત્ર કે અતાર્કિક લાગે, પણ સત્તાધીશોનાં પાળેલાં કે તેમની પાસે પળાવા ઉત્સુક બેપગાં પ્રાણીઓ કહી શકે છે, ‘ભૂખની વાત કરવાથી ગરીબોની લાગણી દુભાય છે. ’ ધર્મ અને રાષ્ટ્રવાદનાં ઇન્જેક્શન પર ટકાવી રાખેલા ગરીબો સમક્ષ ભૂખની વાત કરવી, એ રાષ્ટ્રદ્રોહથી ઓછું શી રીતે ગણાય?
આ જગતમાં ભરેલા પેટવાળા કરતાં ભૂખ્યા લોકોની સંખ્યા વધારે છે—આવું ગાંધીજીએ કહ્યું હતું કે નહીં અને યુવાલ નોઆ હરારી લખશે કે નહીં, તેની ખબર નથી, પણ ભૂખ એ જગતની સૌથી મોટી અને પાયાની સમસ્યાઓમાંની એક છે. તે હકીકત ભરપેટ જમીને, હાથ ધોઈને, નેપકિનથી હાથમોં લૂછતો માણસ પણ પહેલી તકે કબૂલશે અને તેમાં કશો વિરોધાભાસ નહીં ગણાય. જેમ યુદ્ધ વિશે લખવા માટે યુદ્ધ કરવું જરૂરી નથી, તેમ ભૂખ વિશે લખવા માટે ભૂખ્યા હોવું જરૂરી નથી. બલ્કે, સ્વસ્થતાપૂર્વક લખવા માટે તો ભૂખ્યા ન હોવું એ ઇચ્છનીય છે.
જગતમાં અસમાનતા વકરે તેમ ભૂખની સમસ્યાના પણ બે ભાગ પડી જાય છેઃ બહુ વિશાળ સમુદાય એવો છે, જેમના માટે ભૂખ લાગવી—અને ન સંતોષાવી—એ સમસ્યા છે, જ્યારે બીજા મર્યાદિત વર્ગ માટે ભૂખ ન લાગવી, એ ડોક્ટરની સલાહ લેવી પડે તેવી ચિંતાજનક આરોગ્યલક્ષી બાબત છે અને આ વાત બીમારીને કારણે ખોરાક ન લઈ શકતા લોકોની નથી. જે બાકીના મામલે તંદુરસ્ત લાગે છે, તેમાંથી પણ કેટલાકને ચિંતા થાય છે કે ભૂખ લાગતી નથી. ભૂખ લાગે તે માટે શું કરવું?
ગુગલ પહેલાં પણ આરોગ્યલક્ષી સવાલ પૂછાય ત્યારે માથાં એટલાં જવાબો આવતા હતા. તેમાં હવે ઇન્ટરનેટ ભળ્યું. એટલે હવે, થોડી અતિશયોક્તિ કરીને કહી શકાય કે, આરોગ્યને લગતા સવાલોના માથાના વાળ એટલા જવાબ ખડકાય છે. તેની સરખામણીમાં, ભૂખ લાગે અને ખાવાની આર્થિક સગવડ ન હોય ત્યારે શું કરવું—એ વૈશ્વિક મામલો બની જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થામાં, સંયુક્ત રાષ્ટ્રમાં કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેવી સંસ્થામાં તેના વિશે ચર્ચા ન થાય ત્યાં લગી, ગુગલમાં જોઈને તેના ઉકેલ કાઢવાનું શક્ય બનતું નથી.
પર્યાવરણની ચિંતા કરનારા લોકોને હંમેશાં થાય છે કે સૂર્યની આટલી બધી ઊર્જા વેડફાવાને બદલે વાપરી શકાતી હોત તો કેટલી નિરાંત રહેત? એવી જ એક કલ્પના કરી શકાય કે, કાશ, ભૂખને જમા કરી શકાતી હોત. ના, ભૂખ્યાંજનોના જઠરાગ્નિ એટલે કે ભૂખમાંથી ખંડેરોને ભસ્મ કરવાની કલ્પના અત્યારે કરી શકાય એમ નથી. તમામ પ્રકારની ક્રાંતિઓ ભૂતકાળ બની ગઈ છે અને વર્તમાનકાળ ચંદ માલેતુજારોની રમતનું મેદાન બની ગયો છે ત્યારે, ભૂખ જમા કરી શકાતી હોત તો તેની બેન્કો સ્થાપી શકાત. પછી ગરીબીને કારણે ભૂખથી ટળવળતા લોકો તેમની ભૂખ બેન્કમાં જમા કરાવે અને તે ભૂખને અમીરીનાં દરદોને કારણે ભૂખના અભાવથી પીડાતા લોકોને ઊંચા વ્યાજે ધીરી શકાય. ગરીબોની લાચાર-મજબૂર અવસ્થાનો શક્ય એટલો ગેરલાભ લેવાની જરાય નવાઈ નથી, તો પછી તેમની ભૂખને પણ શા માટે એળે જવા દેવી? સ્પષ્ટતા કરવાની જરૂર છે કે ભૂખ-બેન્કમાં ભૂખ જમા કરાવનાર ગરીબોને અત્યારે બેન્કના સેવિંગ ખાતામાં મળે છે, એટલું મામૂલી વ્યાજ મળત અને તેમની જ ભૂખનું ધીરાણ અ-ભૂખથી પીડાતા લોકોને ઊંચા વ્યાજે થતું હોત?
ભૂખ ખરેખર બહુ કિમતી ચીજ છે—ખાસ કરીને બીજાની ભૂખ. કારણ કે, કેવળ નેતાની સત્તાભૂખ સત્તાપરિવર્તન માટે પૂરતી નથી હોતી. બીજા લોકોની વાસ્તવિક ભૂખ સત્તાપલટાની પ્રક્રિયા માટે મહત્ત્વનું બળતણ બની શકે છે. પોતાની ભૂખ પણ હંમેશાં અળખામણી હોય એવું જરૂરી નથી. માણસને પોતાની ભૂખ વહાલી લાગી શકે છે, જો એ ભૂતકાળની હોય. ભૂતકાળમાં પોતે શી રીતે ભોજનમાં વધારે મરચું નાખીને, પાણીના પ્યાલા પર પ્યાલા ઢીંચીને પેટ ભર્યું હતું, તેની વાત ભરેલા પેટે કરવાથી મળતો સંતોષ બત્રીસ પકવાનના કે મલ્ટીકોર્સ ડીનરના સંતોષ કરતાં પણ ચડિયાતો હોય છે.
Thursday, November 14, 2024
આ લેખ અસલી છે?
એક સમયે મુંબઈનું ઉલ્લાસનગર જાણીતી પરદેશી બ્રાન્ડના માલસામાનની નકલ કરવા માટે જાણીતું હતું. તેનો એ દરજ્જો ક્યારનો ભૂતકાળ બની ચૂક્યો છે. હવે વિકસિત ગુજરાતમાં નકલી પોલીસ અને નકલી સરકારી અફસરથી માંડીને નકલી જજ સુધીનું બધું જ હાજરાહજુર છે. તે ધ્યાનમાં રાખતાં આખું ગુજરાત એક અર્થમાં ઉલ્હાસનગર બની ગયું છે એવું કહેવામાં ઝાઝી અતિશયોક્તિ નહીં ગણાય. છતાં, કોઈ અસ્મિતાવાદીની લાગણી તેનાથી દુભાય તો તેમને ભલામણ છે કે તેમની અસ્મિતા સાચી છે કે ડુપ્લિકેટ, તે પણ જરા ચકાસી લેવું. નકલી રાષ્ટ્રવાદ, નકલી ધર્મવાદ, નકલી ગૌરવ—બધાની બોલબાલા હોય ત્યારે આંખ મીંચીને ભરોસો રાખવાને બદલે સાવધાન રહેવામાં સાર છે.
પહેલાં
નકલી પોલીસ બનીને કે બહુ તો નકલી ઇન્કમટેક્સ ઓફિસર બનીને કરવામાં આવતી છેતરામણી
કાર્યવાહીની નવાઈ ન હતી. જેમને પોલીસ સાથે પનારો ન પડતો હોય અને જેમણે પોલીસ ફક્ત
ફિલ્મોમાં જ જોઈ હોય એવા લોકો માટે નકલી અને અસલી પોલીસ વચ્ચેનો તફાવત પાડવાનું
અઘરું થઈ હોય છે. કહેવાય છે કે ચાર્લી ચેપ્લિનની નકલ કરવાની સ્પર્ધામાં ખુદ ચાર્લી
ચેપ્લિને ગુપચુપ ભાગ લીધો ત્યારે તેમનો ત્રીજો-ચોથો નંબર આવ્યો હતો. આ દંતકથા હોય
તો પણ તે માનવાજોગ છે અને એવું જ અસલી-નકલી પોલીસ માટે બની શકે. નકલી પોલીસ સરખી
ચીવટ રાખે તો તે અસલી કરતાં પણ વધારે અસલી લાગે.
જોકે,
સરકારી તંત્ર કે ન્યાયતંત્રમાં નકલી પકડાઈ જવાની એક ખાનગી ચાવી છેઃ કાર્યક્ષમતા.
યુનિફોર્મથી માંડીને બોલચાલની પરિભાષાની નકલ તો થઈ જાય, પણ સરકારી તંત્રની ‘ટાઢક’ની નકલ કરવી સહેલી નથી. રીઢા નકલ
કરનારા એ બાબતનું ધ્યાન રાખતા હોય છે કે તે ક્યાંક અવાસ્તવિક રીતે કાર્યક્ષમ દેખાઈ
ન જાય. કેમ કે, તંત્રના અધિકારીને સટાસટ કામ કરતા જોઈને કોઈને પણ તે નકલી હોવાની
શંકા જાય. અલબત્ત, એવી રીતે કામ કરનાર નકલી અધિકારી કામ કરવા માટે કમિશનની માગણી
કરે, એટલે તેમના નકલી હોવા વિશેની શંકા ઘટી જાય ખરી.
નકલી
ન્યાયાધીશને કામગીરીની ઝડપનો મુદ્દો કાર્યક્ષમતાનો મુદ્દો સૌથી વધારે નડવો જોઈએ.
કારણ કે, ભારતનું ન્યાયતંત્ર અનેક કારણોસર તેની ધીમી ગતિ માટે નામીચું છે. એવા
સમયે કોઈ નકલી જજ ધડાધડ ચુકાદા આપે કે લવાદી કરીને કેસોની પતાવટ કરવા માંડે તો
શંકા ન જાય? છતાં,
ગુજરાતાના નકલી જજનો કારોબાર ખાસ્સો ચાલ્યો. એટલું જ નહીં, મ્યુનિસિપલ કોર્પોરેશને
તેના કેટલાક આદેશનો અમલ પણ કરી દીધો. કાનૂની કાર્યવાહીના વળપેચ જાણનારાને ખ્યાલ હશે
કે તેમાં બાલની ખાલની પણ ખાલ કાઢવાનો મહિમા હોય છે. કોઈ દસ્તાવેજમાં નામની જોડણી
કે નામમાં (સરકારી કર્મચારીથી થયેલી) ભૂલ સુધારાવવામાં બે-ચાર વર્ષ નીકળી જાય, તેમ
છતાં કોઈ પણ ભારતીયને મરવામારવાના વિચાર ન આવે. તે આસ્થાવાદી હોય તો તેને એવો જ
વિચાર આવે કે ‘હશે,
આપણે ક્યાં ઉતાવળ છે. 84 લાખ જન્મ લેવાના છે.’ એટલે તો હિંદીની અમર વ્યંગનવલકથા ‘રાગ દરબારી’માં લેખક શ્રીલાલ શુક્લે લખ્યું હતું
કે પુનર્જન્મના સિદ્ધાંતની શોધ દીવાની અદાલતોમાં થઈ હશે.
સમાજશાસ્ત્રીઓ
માટે અભ્યાસનો વિષય એ છે કે નકલીનો ધંધો ચીજવસ્તુઓથી પોલીસ અને અધિકારીઓ સુધી થઈને
છેક ન્યાયાધીશ સુધી કેવી રીતે પહોંચી ગયો? અને આટલા મોટા પાયાની નકલ લાંબા સમય સુધી બેરોકટોક ચાલે એવું વાતાવરણ
કોણે, કેવી રીતે ઊભું કર્યું? પરંતુ
મોટે ભાગે સમાજશાસ્ત્રના પૂરા સમયના-પૂરો પગાર ધરાવતા અધ્યાપકોને બદલે, કામચલાઉ
અધ્યાપકોથી જ કોલેજો ચાલતી હોય અને સીધાસાદા અભ્યાસનું પણ ઠેકાણું ન પડતું હોય,
ત્યારે આવી બધી પળોજણ કોણ કરે?
જૂઠાણાને
‘વૈકલ્પિક સત્ય’ કે ‘વૈકલ્પિક તથ્ય’ તરીકે ઓળખાવવાના જમાનામાં આ
પ્રકારની પ્રવૃત્તિને હજુ સુધી સ્ટાર્ટ અપ કલ્ચર સાથે કેમ સાંકળવામાં આવી નથી,
તેની નવાઈ લાગે છે. ચોતરફ બેકારીની બૂમો પડી રહી છે, સરકારી નોકરીઓમાં લાખો લોકો
ઉમટી પડે છે, પરીક્ષાનાં પેપર ફૂટી જાય છે, ઊચ્ચ અભ્યાસની ડિગ્રી ધરાવનારા પણ ચોથા
વર્ગના કર્મચારીની જગ્યા માટે અરજી કરે છે—અને પસંદગી પામતા નથી, ત્યારે કેટલાક
ખાંખતીયા સ્વાવલંબનના માર્ગે આગળ વધે અને તે રસ્તે ચાલવા જતાં કાયદાની થોડી કલમો
આમતેમ થાય તો થાય—આવો મિજાજ હજુ સુધી કોઈ કથિત રાષ્ટ્રવાદીઓ પાસેથી સાંભળવા મળ્યો
નથી. બાકી, અમિત શાહથી માંડીને ડોનાલ્ડ ટ્રમ્પ સુધીના નેતાઓની તમામ હરકતોનો
ઉત્સાહભેર બચાવ કરી જાણતા લોકો માટે એ જરાય અઘરું કે અસંભવિત નથી.
નકલોના
બારમાસી વરસાદ પછી હવે સમય એવો આવ્યો છે કે ‘નકલથી સાવધાન’નું પાટિયું મારીને બેઠેલા જણ પર
પહેલી શંકા જાય અને શંકાશીલ મનમાં એવા પણ વિચાર આવે કે ફલાણો નકલી જજ, ઢીકણો નકલી
સરકારી અફસર કે અમુકતમુક નકલી પોલીસ અફસર પકડાઈ ગયો, ત્યારે આપણને ખબર પડી. તે
પહેલાં તો લોકો તેમને અસલી જ માનતા હતા. તો પછી અસલી-નકલી વચ્ચેનો તાત્ત્વિક ભેદ
ક્યાંક પકડાઈ જવા અને ન પકડાવા પૂરતો જ મર્યાદિત તો નથી ને? ખબર છે કે એવું ન હોય. છતાં,
પકડાતાં પહેલાં નકલીઓ જે આસાનીથી તેમની કામગીરી ચલાવતા હોય છે, તે જોઈને ભલભલાનો
આત્મવિશ્વાસ ડગી શકે તેમ છે
‘બ્રહ્મ
સત્ય, જગત મિથ્યા’નો
વ્યાપક અર્થ આવો તો નહીં થતો હોય ને?
Sunday, November 10, 2024
ટ્રમ્પ 2.0 પછી થોડો વિચાર
મિડીયા અને ખાસ તો સોશિયલ મિડીયાએ, આપણને શું સ્પર્શે અને શું નહીં, તેનો હવાલો ઘણી હદે લઈ લીધો છે. તેના કારણે નેરેટીવ બનાવવાનું--અને ખાસ તો, યાદ રાખવા જેવું ભૂલાવી દેવાનું કામ અભૂતપૂર્વ રીતે સહેલું બની ગયું છે.
Saturday, October 26, 2024
તોલ્સ્તોયની 37 વાર્તાઓ, અનુવાદઃ તાન્યા ખત્રી
Monday, October 14, 2024
ચૂંટી ચૂંટીને ગલગોટો ચૂંટ્યો?
નવરાત્રિ આનંદઉત્સવનો, નાચગાનનો, ધાંધલધમાલનો, મોડી રાત સુધી હરવાફરવાનો, પ્રેમ અને રોમાન્સનો તહેવાર છે, એવું કહેવાથી લાગણીદુભાઉ વર્ગની લાગણી દુભાય એમ છે, એ તો સૌ જાણે છે, પણ અત્યારે મનાવાતી નવરાત્રિ માતાજીની ઉપાસનાનો તહેવાર છે, એવું જાહેર કરવાથી માતાજીની લાગણીનું શું થશે? તેનો વિચાર પણ કરવા જેવો છે.
પણ એ મુદ્દો
બાજુએ રાખીને, હળવા હૈયે થોડી વાત કરીએ. નવરાત્રિના જાણીતા ગરબાની. કોઈને થાય કે ‘ગરબા તે કંઈ વાત કરવાનો વિષય છે?. તે બહુ ગમતા હોય તો ગાવાના-જોવાના
ને ન ગમતા હોય તો સહન કરી લેવાના.’ તે
લાગણી છેક ખોટી નથી. છતાં, એ બધું કર્યા વિના પણ ગરબામાંથી કેવી રીતે આનંદ લઈ અને
આપી શકાય, તેના એક નમૂના તરીકે અહીં ગરબાક્વિઝ આપી છે. તેનો આનંદ લેવા માટે માટે લાગણી
દુભાવાનું બાજુ પર મુકીને, ખુલ્લા મને જોવાની અને હસવાની તૈયારી હોવી જોઈએ.
(ક) ચૂંટાયેલા ધારાસભ્ય (ખ) ચૂંટાયેલા સાંસદ (ગ) ચૂંટાયેલા વડાપ્રધાન (ઘ) આ ત્રણમાંથી કોઈ નહીં.
(ક)
તેમાં સહિયર એલપીજી સિલિન્ડરને વાપરવાને બદલે ઈંધણાં વીણતી અને એ રીતે સરકારની
ઉજ્જવલા યોજનાની નિષ્ફળ પુરવાર કરતી આલેખવામાં આવી છે. (ખ) તેમાં સરવાળે
જંગલપેદાશો પરના આદિવાસીઓના હકની વાત આવે છે અને લોકોના, ખાસ કરીને આદિવાસીઓના,
હકની કોઈ પણ વાત કરવી તે સરકારદ્રોહ છે-નક્સલવાદ છે. (ગ) ઇંધણાં પર જીએસટી લાગતો
નથી, જ્યારે એલપીજી પર લાગે છે. એટલે ઇંધણાં વીણનારી સહિયર સરકારની તિજોરીને
નુકસાન પહોંચાડે છે. (ઘ) સહિયર સ્કૂલે જવાને બદલે ઇંધણાં વીણે છે, એમ દર્શાવીને,
સરકારના પ્રવેશોત્સવો અને કન્યા કેળવણીના દાવા ખોટા હોવાનું આડકતરું સૂચન તેમાં
છે.
3. ‘તારા વિના શ્યામ મને સૂનું સૂનું લાગે’—એ પંક્તિમાં ગાનાર અને શ્યામનાં પ્રતિકો કોના માટે વપરાયાં છે?
(ક)
ભ્રષ્ટ અધિકારી અને કડદાબાજ કોન્ટ્રાક્ટર (ખ) કટકીને બદલે આખેઆખા કટકા આપતા
કોન્ટ્રાક્ટરો અને તેના માટે નવા પ્રોજેક્ટ ઊભા કરતા રહેતા નેતાઓ (ગ) પ્રેસ
કોન્ફરન્સ અને વડાપ્રધાન (ઘ) કરોડોની લોન ગુપચાવીને નાસી ગયેલા લેણદારો અને તેમને
લોન આપનારી બેન્કો
4. ‘પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ’તી’—એ પંક્તિનો ગૂઢાર્થ શો છે?
(ક)
જેને લઈને પાવાગઢ ગઈ’તી તે
પાવલી હતો. (ખ) પાવલી લઈને પાવાગઢ જઈ શકાય એટલી સોંઘવારી હતી. (ગ) પાવાગઢમાં રોપ
વે ચાલુ થયો ન હોવાથી વધારે રૂપિયાની જરૂર ન હતી. (ઘ) જાહેર જીવનમાં ભગવાન પણ
દર્શન ન આપે તો તેમની પાસેથી પૈસા પાછા માગી શકાય, એટલા સ્વચ્છ વ્યવહારો અને
ઉત્તરદાયિત્વનાં ધોરણ હતા.
5. ‘હું તો ગઈ’તી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં’—એ પંક્તિમાં કવિ વર્ણાનુપ્રાસ સિવાય બીજું શું કહેવા માગે છે?
(ક) આ
સાદા મેળાની નહીં, લગ્નમેળાની વાત છે. (ખ) મનને કોઈ જાતની ધાકધમકી, દબાણ, પ્રલોભન
કે લાલચ વિના, સદંતર બિનકેફી અવસ્થામાં મળેલું જાહેર કરવામાં આવ્યું છે (ગ)
મેળાનું વાતાવરણ—ના, માહોલ--જ એવો હતો કે મન મળી જાય. (ઘ) આપણને અર્થપૂર્ણ
વર્ણાનુપ્રાસ ફાવે છે.
6. ‘ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં’—એ ગરબો--
(ક)
મહિલા સશક્તિકરણનો મહિમા કરે છે. કારણ કે તેમાં બહેન ભાઈને ગાડી લાવી આપવાની વાત
કરે છે. (ખ) મહિલાવિરોધી છે. તે મહિલાઓને ખરાબ પ્રકાશમાં ચીતરે છે. કારણ કે મહિલા
તો ઓડી જેવી મોંઘી ગાડીની વાત પણ બંગડી જેવા સંદર્ભથી જ કરે, એવું તેમાં નિહિત છે.
(ગ) સંબંધોના વસ્તુકરણ-ઓબ્જેક્ટિફિકેશનનું સૂચન કરે છે. કારણ કે, બહેનને ભાઈ
પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ચાર બંગડીવાળી ગાડીની યાદ આવે છે અથવા તેની
જરૂર લાગે છે. (ઘ) એસ્પિરેશનલ—નવા ભારતની આકાંક્ષાઓનો સૂચક છે. કારણ કે, તેમાં
બહેન અમથી અમથી ભાઈને ભેટ આપવાની વાત કરે તેમાં પણ ઓડીથી નીચે ઉતરતી નથી.
7. ‘ગલગોટો મેં ચૂંટીને લીધો’—શા માટે રાષ્ટ્રવિરોધી ગરબો છે?
(ક)
ગલગોટો પરદેશી ફૂલ છે. થોડી સદી પહેલાં જ ભારતમાં આવ્યું હતું. તેને ચૂંટવાથી આપણી
સંસ્કૃતિ અને પરંપરાને ઘસારો પહોંચે છે. (ખ) કમળ ચૂંટાતું હોય ત્યારે ગલગોટો
ચૂંટવો એ દેખીતી રીતે જ રાષ્ટ્રવિરોધી છે. (ગ) તેમાંથી એવો ધ્વનિ નીપજે છે કે
ચૂંટીને પસંદ કરેલા ગલગોટા જેવા, કશા નક્કર કામના નહીં, ફક્ત શોભાના છે. (ઘ) ગલગોટો
પ્રમાણમાં સસ્તું ફૂલ છે, જે ભારતને ગરીબ દેશ તરીકે ચીતરીને વિશ્વમાં તેની છબી
ખરાબ કરે છે.
8. ‘મારી મહીસાગરને આરે ઢોલ વાગે છે’—એ ગરબો શું સૂચવે છે?
(ક)
ઢોલ વગાડવાનું શેરી કે સોસાયટીમાં શક્ય ન હોવાથી મહિસાગરને આરે જવું પડ્યું છે.
(ખ) મહીસાગર જિલ્લો અલગ કરવાની પ્રક્રિયાના ઢોલ વાગી રહ્યા છે. (આ ગરબો આવ્યો
ત્યારે મહીસાગર અલગ જિલ્લો ન હતો.) (ગ) મહી નદી સાગર જેવી છે. તેનો ઘુઘવાટ એટલો
મોટો છે કે છેક તેના આરે ઢોલ વાગતો હોવા છતાં, ઢોલનો અવાજ સંભળાતો નથી. (ઘ) ચોમાસા
વખતે વિશ્વામિત્રીમાંથી વડોદરામાં ઘૂસી ગયેલા મગરોને નસાડવા માટે મહીસાગરના આરે
ઢોલ વગાડવો પડે છે.
Tuesday, October 08, 2024
એલાર્મ અને ઊંઘ
‘એલાર્મનું કામ શું?’ એવું પૂછીએ તો, કોઈ પણ માણસ કહી દે,‘આ તે કંઈ સવાલ છે? એલાર્મનું કામ જગાડવાનું.’ પરંતુ આ સવાલ વિશે શાંતિથી વિચાર કરતાં, એલાર્મ અને ઊંઘના અટપટા સંબંધનાં ઓછાં ચર્ચાયેલાં પાસાં પરથી પડદો ઊંચકાઈ શકે છે.
એલાર્મ
અને ઊંઘનો સંબંધ મોબાઇલ પહેલાંના યુગમાં સરળ અને સ્પષ્ટ હતો. પહેલાં ડબ્બાસ્વરૂપ
એલાર્મ ક્લોક આવતાં હતાં. તેના ઉપરના ભાગમાં એક બટન હોય અને પાછળના ભાગમાં
એલાર્મનો કાંટો ફેરવવાની ચાવી. ચાવીના આંટા ભરીને એલાર્મ મુકી દીધું, એટલે નિશ્ચિત
સમયે ડબ્બો ધણધણે અને ઉપરનું બટન દબાવી દેતાં ધણધણાટી બંધ. બંધ એટલે બંધ. પછી તે
ફરી ચાલુ ન થાય. તે કારણથી આ લખનાર જેવા ઘણા લોકો ટ્રેનો ચુક્યા હશે. ભૂલથી પણ
એલાર્મ પર હાથ વાગી ગયો, એટલે એલાર્મ જાણે માઠું લાગ્યું હોય તેમ, ‘જાવ, હવે નહીં બોલું’ની મુદ્રામાં ચૂપ થઈ
જાય અને એક વાર તેને બંધ કરવાની ગુસ્તાખી કરનારને પછી ઊંઘવા જ દે. જાણે ખુન્નસ
ખાઈને કહેતું હોય,‘લે બેટા. લેતો જા. હમણાં
તે મારી બોલતી બંધ કરી હતી ને. હવે જો તારી મઝા કરું છું.’ મોટા ભાગના કિસ્સામાં એવું થાય પણ ખરું. સમય
વીત્યા પછી અચાનક ઉઠી ગયેલો માણસ ઝબકીને જુએ ત્યારે ખ્યાલ આવે કે સમય વીતી ચૂક્યો
છે, તેને ઉઠવામાં મોડું થયું છે અને હવે શું કરવું તે સમજાતું નથી.
અર્ધજાગ્રત
અવસ્થામાં સર્જાયેલા ગુંચવાડાથી મગજની ટ્યુબલાઇટ માંડ માંડ ઉપડતી હોય, એટલે તે
અવસ્થામાં માણસને સૌથી પહેલાં ગુસ્સો આવે અને પહેલી દાઝ એલાર્મ ઘડિયાળ પર ચડે. તેને
થાય કે રૂપિયા ખર્ચીને વસાવેલું આ ડબલું ખરા સમયે કામ ન લાગે તો તેનો શો મતલબ? પછી કોઈ યાદ કરાવે કે એ ડબલું તો બોલ્યું હતું, પણ આ ‘ડબલા’એ સાંભળ્યું ન
હતું. એટલે આક્રમણનો સઘળો જુસ્સો બચાવ તરફ વાળીને, ‘એલાર્મનો શો મતલબ?’ એવા સવાલને ‘આમ જુઓ તો આ
જીવનનો શો મતલબ અને આ સૃષ્ટિનો પણ શો મતલબ’—એવો ફિલસૂફીનો રસ્તો લેવો પડે.
એલાર્મ ઘડિયાળના જમાનામાં ઘણી વાર એવો
વિચાર આવતો હતો કે લજામણીના છોડ જેવા શરમાળ એલાર્મને બદલે વાયદાબાજ નેતાઓ જેવું નફ્ફટ
એલાર્મ શોધાવું જોઈએ. તે એવું હોય કે એક વાર તેનું બટન દાબવાથી ચૂપ થઈને બેસી ન
જાય. થોડી વારે ફરી પાછું બોલે ને ધરાર બોલે. તેને ‘સ્નૂઝ’ કહેવાય એવી ત્યારે ખબર ન હતી.
મોબાઇલ ફોન આવ્યા પછી તે કલ્પના હકીકત
બની. એટલે એલાર્મના ડબ્બાથી અસંતુષ્ટ લોકોને થયું કે અચ્છે દિન આવી ગયા. પરંતુ
2014માં એવી ભ્રમણાનો ભોગ બનેલામાંથી પછી જાગેલા લોકો જાણે છે કે અચ્છે દિન એમ
આવતા નથી અને ઘણી વાર તો બકરું કાઢતાં ઊંટ ને ભૂત કાઢતાં પલિત પેસે છે. એલાર્મ
ઘડિયાળમાં કંઈક એવું જ થયું. અલગ એલાર્મ વસાવવાની ઝંઝટ મટી ગઈ. ફોનમાં જ એલાર્મ
આવી ગયાં અને તેમાં માણસ ઉઠે નહીં ત્યાં સુધી થોડી થોડી વારે એલાર્મ વાગ્યા કરે
એવી સ્નૂઝની વ્યવસ્થા પણ આવી ગઈ. હા, એલાર્મ મુકતી વખતે એએમ-પીએમનું ધ્યાન રાખવું
પડે. ફોનમાં ચોવીસ કલાકનું સેટિંગ રાખ્યું હોય તો 20:00 એટલે દસ
નહીં, પણ આઠ વાગ્યા કહેવાય, એનો ખ્યાલ રાખવો પડે. ઘણી વાર એલાર્મ મુક્યા પછી એટલો બધો
સંતોષ થઈ જાય—અથવા એટલી ઊંઘ આવતી હોય કે પછી તે ચાલુ કરવાનું બટન દબાવવાનું ભૂલી
જવાય અને સવારે ધબડકો.
આટલું વર્ણન વાંચીને કોઈને એવું
ધારવાનું મન થાય કે જો આવી નાની બાબતોનું સાધારણ ધ્યાન રાખી લેવામાં આવે, પછી
વાંધો નહીં. પરંતુ અનુભવીઓ જાણે છે કે તે ધારણા સાચી નથી. મોબાઇલમાં મળેલી સ્નૂઝની
સુવિધા માણસને જગાડવાને બદલે ઉંઘાડવાનું કામ વધારે અસરકારક રીતે કરે છે. તેનો
શબ્દાર્થ પણ એવો જ થાય છેઃ નિશ્ચિત કરેલા સમયે ઘંટડી વાગી તો છે, પણ હજુ એકાદ
નાનું ઝોકું લઈ લેવું છે? તો લઈ લો. પછી ઉઠજો.
ઉંઘમાંથી માંડ ઉઠનારા માણસને આટલી છૂટ
આપવી વ્યવસ્થાઘાતક નીવડી શકે છે. બંધારણીય સંસ્થાઓ કે કાયદાનું પાલન કરાવનારી
સંસ્થાઓ નાગરિકોને એવું કહે કે ‘અમે તમને જગાડતા રહીશું, પણ હજુ તમારે ઉંઘવું છે? તો એકાદ નાનકડી
ઊંઘ ખેંચી લો.’ તો લોકશાહીનું શું થાય? એલાર્મ ભલે એટલું ગંભીર નહીં, તો પણ
જગાડવાનું કામ તો કરે જ છે. એ કામની ગંભીરતા પારખવાને બદલે, ઘણા લોકોની જેમ તે
ફક્ત કરવાખાતર કામ કરી નાખે તો થઈ રહ્યું. ‘જુઓ, મારું કામ બોલવાનું છે-જગાડવાનું
છે. એટલે એ હું કરીશ, પણ તમારે એને સાંભળવાનું-ગણકારવાનું જરૂરી નથી. તમતમારે તેને
અવગણીને ઊંઘવું હોય તો ઊંઘી જજો. એટલે મને મારી ફરજ અદા કર્યાનો સંતોષ થાય ને તમને
તમારી સ્વતંત્રતા ભોગવવાનો.’—આવું વલણ યંત્રો અને તંત્રો અપનાવે, તો પછી દેશનું શું થાય? ઊંઘવું એ
લોકશાહી અધિકાર છે, પણ જાગવું એ લોકશાહી ફરજ છે. તે ફરજ પ્રેરનારાં એલાર્મ આવું
વલણ અપનાવે, ત્યારે આમ ડાહી ડાહી વાતો કરતા, પણ ચુકાદો આપવાનો આવે ત્યારે પાણીમાં
બેસી જતા લોકોની યાદ ન આવે?
Wednesday, September 18, 2024
ગણેશજી સાથે સંવાદ
સવાલઃ નમસ્કાર, ગણેશજી. કેમ છો?
ગણેશજીઃ હેં? શું? શું કહ્યું?
સઃ કહું છું, પ્રણામ, પ્રભુ.
ગઃ (કાને હથેળીની છાજલી કરીને) શું? કંઈ સંભળાતું નથી? સહેજ મોટેથી બોલ અને પેલું વાગે
છે તે ધીમું કરાવ.
સઃ (બૂમ પાડીને) અત્યારે કશું
વાગતું નથી. બધું બંધ જ છે. પતી ગયું.
ગઃ મને હતું જ કે આવું કંઈક થશે.
જોને, ડીજેના અસહ્ય ઘોંઘાટથી મારી આ હાલત છે, તો તમારા બધાની કેવી હશે?
સઃ જવા દો, પ્રભુ. અમે ફરિયાદ કરીએ
તો અમુક પ્રજા તૈયાર જ બેઠી હોય કે ‘તમને ગણેશોત્સવમાં જ આવું બધું
દેખાય છે? મસ્જિદની નમાજોમાં નથી દેખાતું?’ અને આપણે કહીએ કે ‘બધો ઘોંઘાટ નડે જ છે, પણ ડીજેનો
અત્યાચાર અસહ્ય છે.’ તો પણ કેટલાકની લાગણી દુભાઈ જશે.
ગઃ મને તો જ્ઞાન સાથે પણ
સાંકળવામાં આવે છે. તો મારા નામે થતા નકરા ઘોંઘાટ અને છાકટાપણાથી મારા ભક્તોની
બુદ્ધિ નથી દુભાતી?
સઃ એ પણ તમે જ પૂછી શકો. અમારા
જેવા કહેવા જાય તો તે કરડવા દોડે છે.
ગઃ વાત આગળ વધારીએ તે પહેલાં હું
ફરી સ્પષ્ટતા કરી લઉઃ લોકો મારી ભક્તિની ટીકા કરે છે કે મારી ભક્તિ કરવાના બહાને,
જે ધાંધલ-ઘોંઘાટ અને તોફાન થાય છે છે તેની?
સઃ આવા બે ભાગ તમે જુદા પાડો છો,
પ્રભુ. અમે તો બીજાની ટીકા કરીએ, તે પહેલાની જ ગણાઈ જાય છે ને પછી આવી જાય છે
ભક્તો ગાળાગાળી કરવા.
ગઃ મારા ભક્તો અને ગાળાગાળી? શિવ, શિવ, શિવ....
સઃ ના પ્રભુ, તમારા ભક્તો હોય એ તો
કદી એવું અસભ્ય વર્તન કરે? આ તો, દેશની કે તમારી નહીં,
ચોક્કસ નેતાની ભક્તિ કરતા ભક્તોની વાત છે. તેમની ભક્ત તરીકેની મોટાઈનો આધાર તે
કેટલી વધારે ગાળાગાળી કરી શકે છે અને કેટલો ધિક્કાર ફેલાવી શકે છે, તેની પર હોય
છે.
ગઃ આ વળી નવું.
સઃ નવું જરાય નથી, પ્રભુ. અમારા
માટે તો આ હવે બહુ જૂનું થયું.
ગઃ તો તમે લોકો કંઈ કરતા કેમ નથી? કોઈ અવતારની રાહ જુઓ છો?
સઃ એ વળી પ્રભુ બીજી ગમ્મત છે.
કેટલાક લોકોને લાગે છે કે દેહધારી અવતાર ઓલરેડી હાજરાહજૂર જ છે.
ગઃ એ જે હોય તે ખરેખર અવતાર છે,
તેની ખાતરી શી?
સઃ કેમ વળી? એ પોતે જ કહે છે કે હું મારી માના પેટે જન્મ્યો હોઉં એવું લાગતું નથી અને
મારી શક્તિ ઇશ્વરદત્ત છે.
ગઃ (ખડખડાટ હસે છે) આવો દાવો તો
ખુદ દેવોએ પણ કદી કર્યો નથી અને એક કાળા માથાના મનુષ્યનો દાવો લોકો ગંભીરતાથી...
સઃ સોરી, પણ માથું હવે કાળું નથી
રહ્યું. ધોળું થઈ ગયું છે...
ગઃ ઠીક છે, પણ એ તો એવું જ કહેવાય—અમારા
માટે તો તમે બધા કાળા માથાના જ માનવી. મને ખબર છે, માણસજાતના કેટલાક લોકો આ પહેલાં
પણ આ પ્રકારના દાવા કરી ચૂક્યા છે.
સઃ પછી તેમનું શું થયું?
ગઃ તેમાં થવાનું શું? જે બધા માણસોનું થાય, એ જ તેમનું થાય. શિયાળ જાતે ને જાતે જ કહે કે હું સિંહ
છું અને એમાં બીજા થોડો લોકો સુર પૂરાવે, એટલે કંઈ શિયાળ સિંહ થઈ જાય?
સઃ તમારી વાત સાચી, પણ એ સંજોગોમાં
શિયાળ સિંહ તરીકે સ્થાપિત થઈ જાય કે નહીં, તેનો આધાર શિયાળ પાસે આઇટી સેલ છે કે
નહીં, તેની પર હોઈ શકે છે.
ગઃ આઇટી સેલ? એ શું છે? આ સિઝનમાં યોજાતો કોઈ સેલ છે? કોણ તેનું આયોજન કરે છે? તેમાં સામાન્ય રીતે શું વેચાતું
હોય છે?
સઃ તમે પહેલા પ્રશ્નનો જવાબ
સાંભળવાની રાહ જોયા વિના બહુ બધા પ્રશ્નો પૂછી નાખ્યા. પણ હવે પૂછ્યું જ છે તો સાંભળો. આઇટી સેલ જૂઠાણાં, ધિક્કાર, ગાળાગાળી, વિકૃતિ જેવા
માલનું બારમાસી સેલ ચલાવતી પ્રવૃત્તિ છે. આ સેલમાં ખપાવવામાં આવતો મોટા ભાગનો માલ
સરકારને અનુકૂળ હોય એવો અથવા સરકારને પ્રતિકૂળ હોય એવા લોકોને પ્રતિકૂળ સંજોગોમાં
મુકે એવો હોય છે.
ગઃ તો આ બારમાસી સેલમાં મારા
તહેવાર નિમિત્તે શું ખાસ વેચાતું હોય છે?
સઃ તેમાં તમારો તહેવાર કે બીજાનો
તહેવાર કે રાષ્ટ્રનો તહેવાર—એવા કોઈ ભેદભાવ હોતા નથી. તે સેલ પવિત્રમાં પવિત્ર
પ્રસંગને અપવિત્રતામાં, ગંદકીમાં, આરોપબાજીમાં રગદોળી શકે છે—અને તે પણ ધર્મ,
સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા જેવાં રૂપાળાં નામ આપીને.
ગઃ અચ્છા, હવે મને સમજાયું કે મારી
આસપાસ કાન ફાડી નાખે એવો ઘોંઘાટ કેમ કરવામાં આવે છે. તેમને હશે કે મારા કાન જતા
રહે, તો મને પરિસ્થિતિની સચ્ચાઈ વિશે સંભળાતું બંધ થઈ જાય અને મારા નામે જે કંઈ
અસભ્યતા ચાલે, તેનો હું મૂકબધિર પ્રેક્ષક બની રહું...
સઃ એ તમે જાણો ને તમારા નામે એ
બધું ચલાવતા લોકો. મારાથી કશું ન કહેવાય.
(એવા સંવાદ સાથે જ આંખ ખુલી જાય
છે. એક ઉંદર આમતેમ દોડી રહ્યો છે અને બાજુમાં, કાનમાં નાખવાનાં રૂનાં બે પૂમડાં
પડેલાં દેખાય છે.)
Tuesday, September 10, 2024
ચોમાસુ પ્રશ્નપત્ર
ચોમાસુ બહુ બધા પ્રશ્નો લઈને આવે છે, પણ તેમાંથી એકેય સિવિલ સર્વિસની કે જીપીએસસીની પરીક્ષામાં પૂછાય એવા નથી હોતા અને નાગરિકતાની સીધી પરીક્ષા કોઈ લેતું નથી. ચૂંટણીઓમાં તેની આડકતરી પરીક્ષા થાય છે ખરી, પણ તેમાં ધર્મઝનૂન, જ્ઞાતિગૌરવ, ધિક્કાર, દ્વેષ જેવાં એટલાં બધાં પરિબળો હણહણતાં હોય છે કે બિચારી નાગરિકતા તો ક્યાંક ખૂણે રહી જાય છે.
એ બધી
ગંભીર વાતો બાજુ પર રાખીને, આ રહ્યા થોડા ચોમાસુ સવાલ અને તેમના જવાબમાં સરકારને
અનુકૂળ આવે એવા વિકલ્પ. આ વિકલ્પોમાં કોઈને અતિશયોક્તિ લાગે, તો તેનો અર્થ એટલો જ
કે તે સમાચાર પર બરાબર ધ્યાન આપતા નથી અથવા વર્તમાન કાર્યપદ્ધતિથી પરિચિત નથી.
1.
ગુજરાતમાં ચોમાસામાં જે અંધાધૂંધી અને અવ્યવસ્થા ફેલાઈ તેના માટે જવાબદાર કોણ?
(ક) કુદરત
(ખ) ગ્લોબલ વોર્મિંગ (ગ) પાકિસ્તાન (ઘ) જ્યોર્જ સોરોસ
2. ગુજરાતમાં
વરસાદ દરમિયાન રસ્તાનું મોટા પાયે ધોવાણ થયું. તેમાં કોનો વાંક?
(ક)
રસ્તા પર ચાલનારનો (ખ) રસ્તા પર વાહન ચલાવનારનો (ગ) વરસાદનો (ઘ) મમતા બેનર્જીનો
3.
ચોમાસામાં રસ્તા પર આટલા બધા ખાડા કેમ પડી ગયા?
(ક) એક રાત્રે બધા સુતા હતા ત્યારે લઘુગ્રહ ત્રાટક્યો અને રોડ પર ખાડા કરીને પૃથ્વીની અંદર ઉતરી ગયો. (ખ) વરસાદ પડ્યા પછી કેટલાક દેશવિરોધી, હિંદુવિરોધી, સેક્યુલર, અર્બન નક્સલો ખીલાવાળા બૂટ પહેરીને રસ્તા પર ત્યાં સુધી નાચ્યા, જ્યાં સુધી આખા રસ્તા પર ખાડા ન પડી જાય. (ગ) ચીને આકાશમાં એવું કેમિકલ ભેળવેલું કે તેના મિશ્રણવાળો વરસાદ રસ્તા પર પડે ત્યાં ખાડા જ પડી જાય. પણ એ કેમિકલ ભેળસેળવાળું હોવાથી રસ્તા પર અમુક ઠેકાણે ખાડા ન પડ્યા. (ઘ) રસ્તો હતો એટલે જ ખાડા પડ્યા. રસ્તો જ ન હોત તો ખાડા ન પડત.
4. વડોદરામાં દર વર્ષે મગરો કેમ આવે છે?
(ક)
મગરોમાં એવી ગેરસમજ ફેલાઈ છે કે તેમના પૂર્વજના જૂના મિત્ર હજુ વડોદરાના સાંસદ છે.
(ખ) તેમને ચોક્કસ બ્રાન્ડનાં લીલો ચેવડો અને ભાખરવડી બહુ ભાવે છે, પણ એ બ્રાન્ડની
અસલ દુકાન કઈ તે નક્કી કરી શકતા નથી. (ગ) એ પૂર્વજન્મમાં ચિંતનપ્રેમી વાચકો હતા,
પણ દંભી ચિંતન વાંચીવાંચીને તેમની ચામડી એવી જાડી થઈ ગઈ કે હવે તે મગરસ્વરૂપે
વડોદરા આવે છે. (ઘ) જેમને મગર કહેવામાં આવે છે એ હકીકતમાં મગરનો માસ્ક પહેરેલાં,
પણ રાષ્ટ્રિય મહત્ત્વાકાંક્ષા ધરાવતાં અળસિયાં હોય છે.
5. ગામો-શહેરોમાં થોડા વરસાદમાં ભરાઈ જતાં પાણી માટે કોણ જવાબદાર?
(ક)
પાણી (ખ) તે પાણીમાં ચાલતાં માણસો અને વાહનો, જેમના કારણે ભરાયેલા પાણીની સપાટી
ઊંચી આવે છે (ગ) પુલની ગેરહાજરી. પુલ હોત તો નીચે ગમે તેટલું પાણી ભરાય, કોને ખબર
પડવાની છે? (ઘ)
જવાહરલાલ નહેરુ. કારણ કે, જેમાં જવાબદાર તરીકે બીજું કોઈ નામ ન સૂઝે, ત્યાં આ નામ
તો છે જ.
6. આ
વખતે કરોડોના ખર્ચે બનેલા પુલો તૂટવાના ને તેમાં ગાબડાં પડવાના સમાચાર બહુ આવ્યા.
તેના માટે દોષી કોણ?
(ક) નદીનું
વહેણ. તે સતત નીચેથી પુલને ધક્કા મારે તો પછી પુલનો શો વાંક? (ખ) મજબૂત અને અડીખમ રહેલા પુલો.
તેમની સરખામણીને કારણે પડી જનારા કે ગાબડાંધારી પુલો લોકોની આંખે આવે છે. (ગ)
સરકારનાં પાળીતાં ન હોય એવાં સમાચારમાધ્યમો. તે ન હોત તો પુલ વિશે સમાચાર જ ન આવત.
સરકારોને ઘણુંખરું વાંધો પુલ તૂટ્યાનો નહીં, તેના સમાચાર લોકો સુધી પહોંચ્યાનો હોય
છે. (ઘ) લોકોમાં રહેલા ફિલસૂફીના અભાવનો. બાકી, માણસ જેવો માણસ તૂટી જતો હોય તો
પૂલનું શું ગજું? અને
જે જન્મે છે તેનો અંત નિશ્ચિત જ હોય છે.
7. અમદાવાદમાં મગરો આવતા નથી. કારણ કે--
(ક)
તેમને મણિનગરથી કાંકરિયાની રીક્ષા મળતી નથી અથવા મળે છે તો ટૂંકા અંતરને લીધે
રિક્ષાવાળા એવો ભાવ પાડે છે કે મગરો વળતી ટ્રેન પકડીને વડોદરાભેગા થઈ જાય છે. (ખ)
મગરો સંસ્કારી છે અને અમદાવાદ તેના ઇતિહાસમાં કોઈ પણ સમયે ‘સંસ્કારી નગરી’ તરીકે ઓળખાયું ન હતું. (ગ) મગરોને
નેશનલ હાઇવે પરના બબ્બે ટોલ પોસાતા નથી. (ઘ) વડોદરાવાળા સંસ્કારી મગરોને બહાર જવા
દેતા નથી. કેટલાક વડોદરાવાસીઓને બીક છે કે શહેરમાં સંસ્કારના નામે હવે મગરો જ
બચ્યા છે. તે પણ જતા રહેશે તો...
8. ચોમાસામાં પાણી ન ભરાય, રસ્તા અને પૂલો ન તૂટે, તે માટે શું કરવું જોઈએ?
(ક) એ
બધું તો થવાનું જ. લોકોએ આંખો પર પટ્ટી બાંધી દેવી, જેથી એ દેખાય નહીં. (ખ) બીજો
રસ્તો છેઃ ચોમાસામાં બહારગામ, બને તો પરદેશ, જતા રહેવું, જેથી દેખવુંય નહીં ને
અટવાવું પણ નહીં. (ગ) ચોમાસાનું નામ બદલીને શિયાળો કે ઉનાળો કરી નાખવું જોઈએ, જેથી
ચોમાસામાં એ બધું થતું અટકી જશે. (ઘ) દિવસમાં દસ વાર આઇટી સેલનું ગૌરવ કે
ધિક્કારથી છલકાતું લખાણ વોટ્સએપ પર ફોરવર્ડ કરવું. તેનાથી કમ સે કમ મનોબળ તો નહીં
તૂટે.
ઉપરના
બધા સવાલોના જવાબમાં અપાયેલા વિકલ્પ કોઈને હાસ્યાસ્પદ લાગે, તો એ તેમની મુનસફીની
વાત છે. બાકી, સરકારી-વહીવટી તંત્રના-સત્તાધીશો ને નેતાઓના મનમાં તો એ સવાલોના
જવાબ આવા જ આવતા હશે, એવું લાગે છે.
Tuesday, August 20, 2024
ખાડા અને ગાય
જૂની કહેણી તો ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય’—એવી છે, પણ નવા જમાનામાં અને ખાસ કરીને ચોમાસમાં કહેવું પડે કે ‘ખાડા ને ગાય, ગમે ત્યાં થાય’. ખાડા અને ગાય વચ્ચેની સરખામણી આમ અસ્થાને લાગે—એક સજીવ અને એક નિર્જીવ. પણ ત્યાં જ મોટા ભાગના લોકો થાપ ખાય છે. કોણે કહ્યું કે ખાડા નિર્જીવ હોય છે? ધર્મગ્રંથોના કહેવા પ્રમાણે, સૃષ્ટિમાં બધે ચૈતન્ય વ્યાપેલું હોય, તો ખાડા તેમાંથી શી રીતે બાકાત રહી શકે? આટલી ઊચ્ચ આધ્યાત્મિક ભૂમિકાએ ન જવું હોય તો બીજી રીતે વિચાર કરીએઃ ખાડાના જન્મદાતા, તેના માતાપિતા કોણ છે? તૂટી જાય એવા રસ્તા અને પુલો શી રીતે તૈયાર થાય છે, તેનું સામાન્ય જ્ઞાન ધરાવતા લોકો તરત કહેશેઃ વહીવટી તંત્ર ખાડાના પિતૃસ્થાને હોય છે અને કોન્ટ્રાક્ટર ખાડાના માતૃસ્થાને. હવે વિચારોઃ જેનાં માતાપિતા બંને મનુષ્ય હોય, તેમના સંતાન જેવા ખાડાને નિર્જીવ ગણી શકાય?
ખાડાની વંશાવલિ કોલમચિંતનની પદ્ધતિ પ્રમાણે કાઢવા જઈએ તો કહેવું પડે કે ભ્રષ્ટાચાર ખાડાનો પિતા હોય છે ને લાલચ ખાડાની માતા. આ પ્રકારની અભિવ્યક્તિથી તાળીઓ ઉઘરાવી શકાય છે, પણ વાસ્તવિકતા છેટી રહી જાય છે. કોઈ મનુષ્યસંતાન વિશે કદી એવું કહેવામાં આવે છે કે વાસના તેની માતા છે ને વંશવૃદ્ધિની ઝંખના તેના પિતા? તો પછી ખાડાનો વંશ નક્કી કરતી વખતે એવો તુચ્છકાર શા માટે?
ગાયની જેમ ખાડો પણ સજીવ છે, એટલું સિદ્ધ કર્યા પછી હવે સરખામણીમાં આગળ વધીએઃ ગાયને ચાર પગ હોય છે, જ્યારે ખાડાને એકેય પગ નથી હોતો. પ્રામાણિકતાથી તો એમ કહેવું જોઈએ કે ખાડાને એકેય પગ ન હોવા છતાં, તે ગમે ત્યાં જઈ શકે છે અને વખત આવ્યે બીજાના પગ ભાંગી શકે છે. કેટલાક અસંતુષ્ટો ખાડાને સડકની આબરૂ પર પડેલા ધબ્બા ગણે છે અને તેના વિશે કકળાટ મચાવે છે. હકીકતમાં, ખાડાને સડકની ગાલ પર પડેલાં ખંજન પણ ગણી શકાય—સવાલ યથાયોગ્ય સૌંદર્યદૃષ્ટિ કેળવવાનો છે. અલબત્ત, રસ્તા પર ખાડાની સંખ્યા જેટલા મોટા પ્રમાણમાં જોવા મળે છે તે જોતાં, ખંજનની ઉપમા કદાચ લાગુ ન પાડી શકાય. કારણ કે, ગાલ પર તેમનું સ્થાન ચોક્કસ અને નક્કી હોય છે. ખાડાને એ રીતે સવાયાં ખંજન કહેવા હોય તો કહી શકાય. કારણ કે, તે સડક પર ગમે ત્યાં હોઈ શકે છે.
રસ્તા પર પડતા ખાડાનો વિરોધ કરનારા વિકાસવિરોધી, સરકારવિરોધી અને એ ન્યાયે હિંદુવિરોધી છે, એટલું તો સમજુ વાચકો અત્યાર સુધીમાં સમજી ચૂક્યા હશે. કારણ કે, આ જ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરમાં સડક ન હોય ત્યાં જોવા મળતા ઉબડખાબડ રસ્તા વિશે કશું કહેતા નથી—ત્યાં પડેલા ખાડાનો વિરોધ કરતા નથી, પણ જેવી સડક બને અને તેમાં ખાડા પડે, એટલે મેદાનમાં આવી જાય છે. તેની પરથી સ્પષ્ટ થાય છે કે તેમનો ખરેખરો વિરોધ ખાડા સામે નહીં, પણ સડક સામે હોય છે. જે જન્મે છે તે મરે છે, એ જેટલું અફર સત્ય છે, એટલી જ અકાટ્ય હકીકત એ છે કે જ્યાં સડક બને છે ત્યાં ખાડા પડવાનું નિશ્ચિત છે. ચ્યુંઇંગ ગમાત્મક ચિંતનશૈલીમાં કહી શકાય કે દરેક સડક તેના ગર્ભમાં ખાડાની શક્યતા લઈને જ અવતરે છે. તે શક્યતા જ્યારે વાસ્તવિકતામાં પરિણમે, ત્યારે ફક્ત કોન્ટ્રાક્ટર કે તેમની પાસેથી લાંચ લેનારાનું જ નહીં, સડકનું અને ખાડાનું પણ અવતારકાર્ય સિદ્ધ થાય છે.
ખાડા અને ગાય વચ્ચે કાર્યકારણનો નહીં, પણ અસર-સામ્યનો સંબંધ છે. ચોમાસામાં રસ્તા પર ખાડા અને ગાયો હોય છે એમ કહેવાને બદલે, ખાડા અને ગાયો સિવાયનો જે ભાગ બાકી રહી જાય છે, ત્યાં રસ્તા હોય છે—એમ કહેવું વધારે સાચું છે. ચોમાસામાં ગાયો રીતસર સડક પર ઉતરી આવી હોય એવું છે. છેલ્લા ઘણા સમયથી નાગરિકો ગાય બનીને સરકારી કુશાસન સામે સડક પર ઉતરતા બંધ થઈ ગયા હોય એવા સંજોગોમાં, અસલી ગાયોનું સડક પર ઉતરવું આમ તો સારું લાગે, પણ આ ગાયો શાના વિરોધમાં રસ્તા પર આવે છે, તે સ્પષ્ટ થતું નથી. કેટલાકનું માનવું છે કે ક્રૂરતાના અને ધિક્કારના રાજકારણમાં ગાયોના નામે માણસો ચરી ખાતા હોવા છતાં, પોતાની વાસ્તવિક સ્થિતિ કેવી છે તે દર્શાવવા માટે ગાયો ચોમાસામાં રસ્તા પર આવે છે.
ગાયો છાપાં ખાવાને બદલે વાંચતી હોત તો તેમને ખબર હોત કે જે દેશમાં નારીની પૂજાની સંસ્કૃતિના દાવા કરવામાં આવે છે, ત્યાં નારીની વાસ્તવિક સ્થિતિ કેવી છે—ભલે ને તે ઓલિમ્પિકમાં મેડલવિજેતા કેમ ન હોય. ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેમને ખબર પડત કે ધર્મના દાવા કરનારા ને પ્રોફાઇલમાં તેની ધજાઓ ફરકાવનારા સ્ત્રીઓ વિશે કેવી ભાષામાં લખે છે. જોકે, ગાયો સોશિયલ મિડીયા પર હોત તો તેના રક્ષણના નામે થતા ખૂનખરાબા-ગોરખધંધા પછી તે ‘નોટ ઇન માય નેમ’ (મારું નામ આગળ ધરીને આવા ધંધા નહીં)—જેવો હેશટેગ પણ બનાવતી હોત.
ગાયો ને ખાડા, બંનેમાંથી વધારે જોખમી કોણ, તેની ચર્ચામાં આ બંને જોખમોના પાલક માતાપિતાને સલુકાઈથી ભૂલાવી દેવામાં આવે છે. તેમની કોઈ જવાબદારી નિશ્ચિત કરવામાં આવતી નથી. એટલે દર ચોમાસે ગાયો અને ખાડા રાબેતા મુજબ અવતરતાં રહે છે અને ચિંતનનો વિષય બનતાં રહે છે.
Thursday, August 15, 2024
શું ભાવનગર દેશમાં ભળનારું પહેલું દેશી રાજ્ય હતું?
વર્ષો પહેલાં એક વાર પાલનપુર જવાનું થયું હતું. ત્યારે બીજી ઘણી વાતો ઉપરાંત એક ખાસ વાત સાંભળવા મળીઃ દેશી રાજ્યોનાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે પાલનપુરના નવાબે સૌથી પહેલું તેમનું રજવાડું અર્પણ કર્યું હતું.
તેના થોડા વખત પછી ભાવનગર વિશે કોઈ લખાણ વાંચતાં, તેના વિશે પણ આવો જ દાવો વાંચવા મળ્યો. ત્યાર પછી ભાવનગર વિશેનો એવો દાવો તો અનેક વાર સાંભળવા મળતો રહ્યો છે. થોડાં વર્ષ પહેલાં ‘દિવ્ય ભાસ્કર’ સાથે સંકળાયો હતો ત્યારે તેની કોઈ વિશેષ પૂર્તિમાં એ મતલબનો દાવો લેખિતમાં થયો હતો. ત્યારે મેં ધ્યાન દોર્યું હતું કે આ વાતનો કોઈ ઐતિહાસિક આધાર નથી. છતાં, ‘અસ્મિતા’ અને ઇતિહાસ વચ્ચેથી પસંદગી કરવાની આવે ત્યારે પસંદગી ‘અસ્મિતા’ની જ થાય.
આજે ફરી એક વાર ‘દિવ્ય ભાસ્કર’ના અખબાર 'સૌરાષ્ટ્ર સમાચાર'માં એવો દાવો કરવામાં આવ્યો છે.
પહેલી વાર આ દાવો સાંભળ્યો ત્યારથી મને તે રુચતો નથી. તેનાં બે કારણઃ
- ભાવનગર વિલીન થનારું પહેલું રાજ્ય હતું, એવો આધાર ઇતિહાસમાં ક્યાય મળતો નથી-કોઈએ આધારપુરાવા સાથે ટાંક્યો હોય, એવું જાણ્યું નથી.
- ઐતિહાસિક પુરાવા ન હોવા છતાં, એવો દાવો કરવાથી ભાવનગરના મહારાજા વિશેની બીજી સાચી વાતોની વિશ્વસનિયતા પણ ન જોખમાય?
પરંતુ, આજના ‘દિવ્ય ભાસ્કર’માં આ દાવાની સાથે, ઐતિહાસિક પુરાવા તરીકે, ભાવનગર રાજ્યના જોડાણખત (ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન)નો એક હિસ્સો પણ છાપવામાં આવ્યો છે. તેમાં જણાવાયા પ્રમાણે, જોડાણખત પર ભાવનગરના મહારાજાએ 5 ઓગસ્ટ, 1947ના રોજ અને ગવર્નર જનરલ માઉન્ટબેટને 16 ઓગસ્ટ, 1947ના રોજ સહી કરી હતી.
હવે વાત કરીએ રાજસ્થાનના એક દેશી રાજ્ય કિશનગઢની. રાજસ્થાન ત્યારે રાજપુતાના તરીકે ઓળખાતું હતું. સહજતાથી ઉપલબ્ધ આઠ-દસ રજવાડાંનાં જોડાણખત પર નજર કરતાં તેમાં કિશનગઢનું જોડાણખત મળી આવ્યું. તેમાં કિશનગઢ રાજ્યનો સિક્કો અને સુમેરસિંહ ઓફ કિશનગઢની સહી છે અને દિવસના ખાનામાં લખ્યું છેઃ ટ્યુસડે, ધ ફિફ્થ ડે ઓફ ઓગસ્ટ. એટલે કે 5 ઓગસ્ટ, 1947.
તેની નીચે માઉન્ટબેટન ઓફ બર્મા (ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા)ની સહીની તારીખ છેઃ 16 ઓગસ્ટ, 1947. મતલબ, એ જ તારીખો, જે ભાવનગરના જોડાણખત પર પણ છે.
courtesy: National Archives of India |
સારઃ
- ભાવનગર જોડાણખત પર સહી કરનારું પહેલું રાજ્ય ન હતું. કિશનગઢના રાજાએ પણ એ જ દિવસે સહી કરી હતી—અને બધાં જોડાણખત જોવા મળે તો શક્ય છે કે આવાં બીજાં રાજ્યો પણ મળી આવે.
- તેનાથી ભાવનગરના મહારાજાની જે કંઈ વાસ્તવિક મહત્તા છે, જે જરાય ઝંખવાતી નથી.
- એટલે, આ ખોટા દાવાને ભાવનગરના મહારાજાની દેશભક્તિના પુરાવા તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ.