Thursday, July 17, 2025
મુસાફરીમાં સીટ-શેરિંગ
બેઠકોની વહેંચણી માટે વપરાતો ‘સીટ-શેરિંગ’ આમ તો રાજકારણનો શબ્દ છે. સામાન્ય માણસે વિવિધ પક્ષો વચ્ચે થતી સીટ-શેરિંગની તકરારો વિશે ફક્ત સમાચારોમાં જ વાંચવાનું હોય છે. તે વાંચીને લોકોને એવું પણ થાય છે કે આ રાજકીય પક્ષો આટલું અમથું કામ સંપીને, સુમેળ ને સમજૂતીથી કેમ કરી શકતા નથી? આવા વિચારથી ‘નેતાઓ જ ખરાબ છે. બાકી, વી, ધ પીપલમાં તો કંઈ કહેવાપણું નથી’ એવો લોકોનો ખ્યાલ દૃઢ થાય છે, પરંતુ ટ્રેન કે બસમાં મુસાફરી કરવાનો પ્રસંગ આવે ત્યારે તે માન્યતાની કસોટી થાય છે. (છકડા કે શેર-રીક્ષા જેવાં વાહનોમાં સીટ-શેરિંગ ભારતની યોગ પરંપરાનું ઉજ્જવળ અનુસંધાન હોવાથી, અહીં તેની વાત નથી.)
બસ કે ટ્રેનમાં અનરીઝર્વ્ડ બેઠક પર એટલે કે કોઈ પ્રકારનાં વિભાજન વગરની સળંગ જગ્યા ધરાવતી બેઠક પર કબજો જમાવવાની ખેંચતાણ અસ્તિત્વના સંઘર્ષ જેવી ભીષણ હોઈ શકે છે. તે જોઈને ‘મારે તેની તલવાર’ અને ‘બળીયાના બે ભાગ’ જેવી કહેવતોનાં નવાં સ્વરૂપ મનમાં ઊભરે છે. જેમ કે, ‘પહોળા થઈને બેસે તેની સીટ’ અને ‘બળીયાની બે સીટ જેટલી જગ્યા’. જનરલ ડબ્બામાં કે બસોમાં થતી આવી ખેંચતાણ જોઈને રીઝર્વ્ડ બેઠકો ધરાવતા લોકો વિચારે છે,‘આપણી પ્રજા સુધરી નહીં...લોકોમાં મેનર્સ જેવું કંઈ છે જ નહીં.’ પરંતુ તે પોતાની રીઝર્વ કરેલી બેઠક પર પહોંચે ત્યારે તેમની મેનર્સની અને સુધરેલા હોવાની કસોટી શરૂ થાય છે.
બેઠક ત્રણ જણ માટે નિર્ધારિત હોય, પણ તે સળંગ સ્વરૂપની હોય ત્યારે ઘણા લોકો ચીનની વિસ્તારવાદી શૈલીને અનુસરીને આખી બેઠક પર પોતાનો મહત્તમ પથારો ફેલાવવાનો પ્રયાસ કરે છે. બારી તરફ તો જેનું બુકિંગ હોય તેને જ બેસવા મળે, પણ તે સિવાયની જગ્યામાં પોતાના શારીરિક કદ કરતાં વધુ જગ્યા કેવી રીતે અંકે કરી શકાય, તેની કશ્મકશ કેટલાક ઉત્સાહીઓના મનમાં સતત ચાલતી રહે છે. આવી વૃત્તિમાં તે કશું ખોટું જોતા નથી, બલકે એ તેમનો આરક્ષણ-સિદ્ધ અધિકાર અને ‘વેલ્યુ ફોર મની’--ખર્ચેલા રૂપિયાનો કસ કાઢવાનું વલણ છે, એવું તે માને છે અને આવી વૃત્તિ જેનામાં ન હોય તેને બેદરકાર કે અણઆવડતવાળા ગણે છે.
રીઝર્વેશનના રૂપિયા વસૂલ કરવાની ભાવના ધરાવનારા લોકોમાંથી કેટલાકને કુદરતે તેમની વૃત્તિને અનુરૂપ દેહયષ્ટિ આપી હોય છે. તે કશું પણ વધારાનું કર્યા વિના ફક્ત બેસે તેનાથી જ એક માણસ રોકે તેના કરતાં વધારે જગ્યા રોકાઈ જાય છે. પરંતુ કુદરત પાસેથી મળેલા દેહનું તો શું થઈ શકે? સવાલ શરીરના પ્રમાણમાં અકુદરતી રીતે વધુ જગ્યા રોકનારા લોકોનો હોય છે. એવા જણ બેઠક નજીક આવે એટલે નિર્દોષતાથી, એકદમ, ધબ દઈને બેસી જવાને બદલે પહેલાં ઊભાં ઊભાં બેઠકનું નિરીક્ષણ કરે છે. ત્યાં કોઈ પહેલેથી બેઠેલું હોય તો તેણે કેટલી જગ્યા રોકી છે, કેટલી જગ્યા બાકી છે, તેના મહત્તમ હિસ્સા પર શી રીતે કબજો જમાવી શકાય—આવી ગણતરી તેમના મનમાં ચાલે છે. પહેલેથી બેઠેલા જણ પર જમાદારી ચાલી શકે તેમ છે કે નહીં, તેનો પણ અંદાજ બાંધવા તે પ્રયાસ કરે છે. કામ બળથી પાર પાડી શકાશે કે કળ, તેની સંભાવનાઓ વિશે પણ તે વિચારે છે.
તેમના મનમાં આવા બધા વ્યૂહ એટલી આસાનાથી અને કશા આયાસ વિના ગોઠવાતા હોય છે કે તેમને જોનારને એનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. તેમની મુખરેખા નિશ્ચલ હોય છે. એક વાર બેઠક પર ગોઠવાયા પછી તે જરૂર કરતાં પહોળા થઈને બેસે છે અને કેટલોક સામાન પણ બેઠક પર આજુબાજુમાં રાખે છે. બેઠેલામાંથી કેટલાક સ્વાભાવિક રીતે જ કંઈક રસ અને કંઈક ઉચાટથી તેમની ગતિવિધિ જોતા હોય છે. તેમની સમક્ષ બેસનાર એવો દેખાવ રાખે છે, જાણે આ તો બધું કામચલાઉ છે. એક વાર ગાડી બરાબર ઉપડે, એટલે તે વિસ્તાર સંકોરીને તે બરાબર બેસશે અને સામાન પણ યોગ્ય સ્થાને મુકી દેશે. ધીરજવાનો એવો આશાવાદ સેવે છે, પણ કોઈ અધીરીયા ધીરજ ગુમાવે અને નવાગંતુકને ‘સરખા’ બેસવા કે સામાન બેઠક પરથી બીજે મુકવા સૂચવી જુએ, તો પાણીપતનું પહેલું યુદ્ધ છેડાવાની પૂરી સંભાવના રહે છે.
સળંગ બેઠકને બદલે ચેરકાર પ્રકારની બેઠકોમાં પાણીપતની આવી કશી સંભાવના લાગતી નથી. સામાન્ય માણસ વિચારે છે, ‘આ બેઠકોમાં સારું. દરેકની બેઠક જોડાયેલી છતાં અલગ. વળી, તેની આસપાસ હેન્ડલ હોય એટલે હદ પણ અંકાયેલી. એટલે ખેંચતાણની ને આપણી બેઠક પર બીજાની દખલની શક્યતા જ નહીં.’ પરંતુ એક વાર આવી બેઠકો ધરાવતા રીઝર્વ્ડ ડબ્બામાં મુસાફરી કર્યા પછી ભોળા જણનો ભ્રમ ભાંગી જાય છે. તેમનો નંબર પેશકદમીખોર જણની સાથે આવે ત્યારે તે જુએ છે કે તે બેઠા પછી સૌથી પહેલાં તો પાડોશી સાથેના સહિયારા હેન્ડલ પર આખો હાથ જમાવી દે છે. કમરથી નીચેનો હિસ્સો તો મર્યાદિત જગ્યામાં સમાવવાનો હોય છે, પણ ઉપરના હિસ્સાને તે બાજુની બેઠકની હદમાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને પોતાના પગ સામેની જગ્યા પર ટેસથી પગ લાંબા કરીને, સામાન બાજુવાળાની બેઠક નીચે ગોઠવવા પેરવી કરે છે.
ત્યારે ભોળા જણને સમજાય છે કે કાળા માથાનો માણસ ગમે તેટલી કૃત્રિમ રચનાઓ કરે, પણ વૃત્તિઓ, ખાસ કરીને આવી વૃત્તિઓ, તેમનો રસ્તો શોધી જ લે છે.
No comments:
Post a Comment