Monday, July 07, 2025

વરસાદનું ‘રાશી’ ભવિષ્ય

કહેવત તો એવી છે કે વહુ અને વરસાદને જશ નહીં, પણ એ યાદીમાં ત્રીજું નામ હવામાન ખાતાનું ઉમેરવા જેવું નથી? વરસાદની આગાહીનું શાસ્ત્ર ભડલી વાક્યો અને ટીટોડીનાં ઇંડાથી માંડીને સુપરકમ્પ્યુટર સુધી વિસ્તર્યું છે. છતાં, હવામાન ખાતાના ખાતામાં ખાસ કંઈ જશ જમા થતો હોય એવું જણાતું નથી.


ઇશ્વરની જેમ હવામાન ખાતાના મામલે મુખ્યત્વે ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે. એક હોય છે ‘આસ્તિક’, જે હવામાન ખાતાની આગાહીમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધા સાચી હોવાનો તેમને પૂરેપૂરો વિશ્વાસ હોય છે. તેમાંથી તેમને કોઈ ડગાવી શકતું નથી—ખુદ હવામાન ખાતું (એટલે કે તેમાં અંદરથી કામ કરતા માણસો) પણ નહીં. બીજા પ્રકારમાં ‘નાસ્તિક’ લોકો આવે છે, જેમને હવામાન ખાતા પર ઝાપટાંભાર તો શું, છાંટાભાર પણ વિશ્વાસ નથી. તે પ્રકારના લોકો માને છે કે હવામાન ખાતાની આગાહી સાચી પડી જાય તો તે કેવળ કાકતલીય ન્યાય—કાગડાનું બેસવું ને ડાળીનું પડવું—પ્રકારની ઘટના હોય છે. તેનો જશ ખાતાના માથે લાદીને ખાતાના માથાનો ભાર વધારવો ન જોઈએ.

આવું માનતા લોકો હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોય ત્યારે અચૂક બહાર જાય છે અને તેમની ‘નાસ્તિકતા’ પ્રદર્શિત કરવાનો મોકો છોડતા નથી. એમ કરવા જતાં ખરેખર ભારે વરસાદ પડે ને તેમને પલળવાનું થાય તો પણ તે કેવળ વરસાદથી જ પલળે છે—હવામાન ખાતાની આગાહીની સંભવિત ચોક્સાઈ તેમને પલાળી શકતી નથી.

ત્રીજો પ્રકારમાં એવા લોકો આવે છે, જેમને વરસાદની આગાહીમાં કશો રસ હોતો નથી અથવા તેનાથી કશો ફરક પડતો નથી. આવા ‘અજ્ઞેયવાદી’ લોકો હવામાન ખાતાની આગાહી વિશે જાણવાનો કદી પ્રયાસ કરતા નથી, હવામાન ખાતું આજના કે આવતી કાલના દિવસ વિશે શું કહે છે એવી દિલચસ્પી તેમને કદી થતી નથી. વોટ્સએપ- ફેસબુક-ટીવી ચેનલો પર ક્યાંક તેને લગતા સમાચાર આંખે-કાને ચડી પણ જાય, તો તે નાના રણમાં થયેલી ઘુડખરોની વસ્તી ગણતરીના સમાચાર સાંભળતા હોય, એટલી નિર્લેપતાથી સાંભળ્યું-ન સાંભળ્યું કરીને આગળ વધી જાય છે.

આમ તો ચોથો પણ એક પ્રકાર પાડી શકાય, જે પહેલી નજરે ત્રીજા પ્રકાર જેવો લાગે, પણ ફિલસૂફીની દૃષ્ટિએ તે વધારે ઉચ્ચ ભૂમિકા પર હોય છે. ક્યારેક તે વરસાદમાં ભીંજાયેલી અવસ્થામાં મળી જાય અને તેમને કોઈ ‘આસ્તિક’ પૂછે કે ‘ભલા માણસ, ઘેરથી નીકળતાં પહેલાં આગાહી જોઈ ન હતી? હવામાન ખાતાએ કહ્યું તો હતું કે આજે હળવાં ઝાપટાંની સંભાવના છે.’ લાગણી અને જ્ઞાનનું સંયોજન વ્યક્ત કરવા માટે બોલાયેલાં આ વચનો સાંભળીને ચોથા પ્રકારનો જણ પહેલાં તો બુદ્ધ જેવું કરુણાસભર સ્મિત કરશે. તે સ્મિતમાં ઘડીક તો સામેવાળાને આભારવશતાનો ભાવ લાગી શકે, પણ તે ગેરસમજ લાંબું ટકશે નહીં.

તરત કરુણામૂર્તિ કહેશે, ‘હું આવી આગાહીઓ-બાગાહીઓ જોવામાં માનતો નથી. એમ કંઈ આગાહીઓ જોઈને ઘેર થોડા બેસી રહેવાય? વરસાદ વરસાદનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું. એવા બધા પોપલાવિદ્યામાં પડીએ તો જીવાય જ નહીં.’ આવાં અસંદિગ્ધ, સ્પષ્ટ વચનો સાંભળીને, ઘડીભર પહેલાં જ્ઞાની તરીકે રજૂ થનાર ડગમગી જાય છે અને તાજો એનાયત થયેલો પોપલાપણાનો મુગટ ધારણ કરવો કે નહીં, તેની દ્વિધામાં પડી જાય છે.

કેટલાક ટીકાકારો હવામાન ખાતાની આગાહીને રાશિ ભવિષ્ય સાથે સરખાવે છે અને તેમાં ‘રાશિ’નો અર્થ ચરોતરી બોલી મુજબનો કરે છે. (ચરોતરમાં વસ્તુ ખરાબ હોય ત્યારે વેપારી કહે છે, ‘આ વખતે સાવ રાશી માલ આવ્યો છે.’) પોતાની ટીકામાં આંતરરાષ્ટ્રિય દૃષ્ટિકોણ ઉમેરીને તેને વધુ વજનદાર બનાવવા માટે તે બ્રિટન-અમેરિકાનાં હવામાન ખાતાંનાં દાખલા ટાંકે છે અને આપણા ખાતાની સરખામણીમાં તેમની આગાહીઓ કેવી જડબેસલાક હોય છે, તેનાં કેટલાંક (સાંભળેલાં) ઉદાહરણ પણ ટાંકે છે. તે સાંભળીને કેટલાકને વાંધો પડે છે. તેમને લાગે છે કે દલિતો પ્રત્યેના જ્ઞાતિઆધારિત દુર્વ્યવહારની જેમ, હવામાન ખાતાની ખોટી આગાહીઓ પણ આપણા દેશનો આંતરિક પ્રશ્ન છે અને તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરવું જોઈએ નહીં.

ધારો કે, ખોટી આગાહીઓ બદલ આપણા ખાતાની ટીકા કરવી હોય તો પણ, તેના માટે બીજા દેશોનાં ખાતાંનાં વખાણ કરીને, ફક્ત ખાતાને બદલે આપણા આખા દેશને નીચો પાડવાની જરૂર નથી—એવી દલીલ, વ્યક્તિ-દેશ વચ્ચેનો ફરક ભૂંસી નાખનારા ઉત્સાહી દેશપ્રેમીઓ કરી શકે છે. તેમની પ્રતિક્રિયા પરથી એવું લાગે છે, જાણે ભારતના હવામાન ખાતાની ટીકા કરનાર લોકો ખાતાની વિરુદ્ધમાં ઇન્ટરનેશલ કોર્ટમાં કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ કરશે અને જોતજોતાંમાં ધોળા નિરીક્ષકોનાં ટોળાં હવામાન ખાતાની દેશભરની કચેરીઓ ઉપર ઉતરી પડશે. ઇરાન-ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે સર્જાયેલા યુદ્ધ પ્રકારના સંજોગોમાં કોઈને એવી કલ્પના પણ આવી શકે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સુધી ભૂલેચૂકે આ વાત પહોંચાડવામાં આવે અને તેમને સોલો ચડે તો તે, હવામાન ખાતાનો ખોટી આગાહીઓ કરતું અટકાવવા માટે તેની કચેરીઓ પર બોમ્બર વિમાનો મોકલવાનું વિચારી શકે છે.

વરસાદનું શાસ્ત્ર બહુ અટપટું છે અને ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણના વંકાયેલા મિજાજમાં વરસાદનની આગાહી વધારે પેચીદી બની છે—એવી દલીલો વિજ્ઞાનમાં કામ લાગે, રાજકારણમાં નહીં. તેમાં તો આગાહી સાચી પડે ત્યારે તેનો જશ લેવાનો અને ખોટી પડે ત્યારે... તેની નિષ્ફળતા બીજા પર ઢોળી દેવાની, એવો રિવાજ નથી હોતો?



No comments:

Post a Comment