Thursday, August 28, 2025

ચૂંટણી (પ્ર)પંચ

ચૂંટણી પંચના સાહેબ લોકોએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જે રીતે સવાલોના સીધા જવાબ આપવાને બદલે, વાતને ગુંચવવાની અને ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરી, તે જોઈને ઘણા પ્રભાવિત થયા ને કેટલાક પ્રેરિત પણ. એ અર્થમાં તેને ‘મોટિવેશનલ’ પણ કહી શકાય. હવે નેતાઓ ને તેમના પાળીતા સાહેબલોકો જે રીતે સાદાં ધારાધોરણોની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની ધજા કરતા હોય છે, તે જોતાં હાસ્યવ્યંગના લેખકો માટે કશું કરવાનું બાકી રહેતું નથી. કેમ કે, હાસ્યવ્યંગમાં જ થઈ શકે એવી અતિશયોક્તિ એ લોકો ગંભીર મોઢે ને પૂરી ગંભીરતા સાથે તેમના વર્તન અને નિવેદનોમાં આચરે છે.


ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પરથી પ્રેરાઈને તેમના અંદાજમાં એક સંવાદની કલ્પના કરી જોઈએ. તેમાં ટેબલની એક તરફ ચૂંટણી પંચના મોટા સાહેબ હોય ને બીજી તરફ જિજ્ઞાસુઓના પ્રશ્નો. મુમુક્ષુઓ માટે આ કાલ્પનિક સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ કરતાં પણ વધારે બોધપ્રદ બની શકે છે.

સવાલઃ તમારા હાથ ગંદા કેમ છે?

ચૂંટણી પંચઃ અમારા હાથ? ને ગંદા? કેવી પાયા વગરની વાત કરો છો. અમારે તો હાથ જ નથી.


પ્રઃ (ટેબલ નીચે છુપાવેલા તેમના હાથના બહાર દેખાતા થોડા હિસ્સા તરફ આંગળી ચીંધીને) તો આ શું છે?

ચૂંપઃ (છુપાવેલા હાથ બહાર કાઢ્યા વિના, એ તરફ ઇશારો કરીને) ઓહો, આને તમે હાથ કહો છો...અચ્છા, તો એનું શું છે?

પ્રઃ એનું શું છે એ વાત પછી. પહેલાં એ તો કહો કે તમે એને હાથ નથી કહેતા?

ચૂંપઃ અમે આ શરીર વિશે કોઈ પણ પ્રકારનો મોહ ધારણ કરતા નથી. તમે ભલે કહો કે આ હાથ અમારા છે, પણ ખરેખર તો એ અમારા નહીં, ઉપરવાળાના છે.

પ્રઃ અને મગજનું પણ એવું જ હશે ને?

ચૂંપઃ (ચૂપચાપ બોલ્યા વિના સવાલ પૂછનારનું ધ્યાન પાછળ લટકતા તેમના સાહેબલોકોના ફોટા તરફ દોરે છે)

પ્રઃ પણ તમારા હાથ ગંદા કેમ છે? તમારા તો એકદમ ચોખ્ખા હોવા જોઈએ.

ચૂંપઃ તમે અમારા પગ તરફ કે કાન તરફ કે આ ટેબલ તરફ જોતા લાગો છો. એ તમને કદાચ ગંદું લાગતું હશે. બાકી, અમારા હાથ જરાય ગંદા નથી.

પ્રઃ પણ અહીં બેસતાં પહેલાં અને છેલ્લા ઘણા મહિનાથી અમે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા હાથ ગંદા જ હોય છે.

ચૂંપઃ એવું હોય તો તમારે અમને એ જ વખતે કહેવું જોઈતું હતું.. અત્યારે કહેવાનો શો અર્થ?.

પ્રઃ અત્યારે તો એટલા માટે કહ્યું કે તે અત્યારે પણ ગંદા છે.

ચૂંપઃ તમારી સવાલ પૂછનારાની આ જ તકલીફ છે. તમે પહેલાં નક્કી કરી લો કે અમારા હાથ પહેલાં ગંદા હતા કે અત્યારે ગંદા છે? હવે એવું ન કહેતા કે પહેલાં પણ ગંદા હતા ને અત્યારે પણ ગંદા છે.

પ્રઃ બરાબર, એમ જ છે. અમારું એમ જ કહેવાનું હતું.

ચૂંપ (બીજા લોકો તરફ જોઈને, હાંસીથી): જોયું? આ લોકો સમક્ષ સહેજ ઢીલું મૂકીએ, ચાર સવાલ પૂછવા દઈએ, તેમાં કેવા ચઢી વાગે છે? ભલમનસાઈનો તો જમાનો જ નથી રહ્યો.

કહેવાતા તટસ્થોનું કોરસઃ હાઆઆઆ, ખરી વાત છે હોં ભાઈ. ભલમનસાઈનો તો જમાનો જ નથી રહ્યો. સો ટચની વાત કહી.

પ્રઃ ભલમનસાઈની આટલી બધી ચિંતા છે તો તમારા સંતાડેલા હાથ બહાર કાઢીને ટેબલ પર મુકી દો. એટલે વાર્તા પૂરી. આપણા બન્નેમાંથી કોણ સાચું તે નક્કી થઈ જશે.

ચૂંપઃ એમ તે કંઈ થાય? અમારા નીતિનિયમો હોય છે. અમારે કાયદા અને પ્રક્રિયાઓનું ધ્યાન રાખવું પડે. એમ તમે કહો, એટલે હાથ ટેબલ પર મુકવા માંડીએ તો અમારી ગરિમાનું શું થાય?

પ્રઃ એવો કોઈ કાયદો નથી, જે તમને તમારા હાથ ખુલ્લા કરતાં રોકે. એ તો તમે કાયદાની ઓથે છુપાવાની કોશિશ કરી રહ્યા છો.

ચૂંપઃ અમે કશું ખોટું કર્યું નથી ને અમે કોઈથી બીતા નથી. અમારા માટે બધા સરખા છે ને અમે કોઈની સાથે ભેદભાવ રાખતા નથી.

કહેવાતા તટસ્થોનું કોરસઃ વાહ, ધન્ય છે તમારી સિદ્ધાંતપ્રિયતાને.

પ્રઃ તો પછી એક વાર હાથ ખુલ્લા કરીને બતાવી દેતાં આટલી બીક કેમ લાગે છે?

ચૂંપઃ બીકનો ક્યાં સવાલ છે? અમે ભલભલું કરતાં બીતા નથી, તો હાથની શી વિસાત? હમણાં સાહેબને કહીશું તો ડોનાલ્ડ ટ્રમ્પ ને શી જિનપિંગના હાથ લઈ આવશે. પછી જોયા કરજો બેઠાં બેઠાં...

પ્રઃ તેમના હાથ જોઈને અમારે શું કરવું છે? અમારા માટે તો આપણા દેશનું ભવિષ્ય મહત્ત્વનું છે અને તેનો એક આધાર તમારા હાથમાં છે, જે તમે બતાવવા તૈયાર નથી.

ચૂંપઃ તમે બહુ લપ કરો છો. એક કામ કરો, તમે સોગંદનામા પર એવું જાહેર કરો કે અમારા હાથ ગંદા છે.

પ્રઃ પછી?

ચૂંપઃ તે અમારા સ્વચ્છતા વિભાગના કારકુનને રૂબરૂ જઈને આપી આવો.

પ્રઃ પછી?

ચૂંપઃ પછી શું? તેનો વારો આવશે અને તમારા સોગંદનામાના લખાણમાં કશો ખાંચો નહીં કાઢી શકીએ તો તેની ઉપર આગળ કાર્યવાહી કરીશું.

પ્રઃ આગળ કાર્યવાહી એટલે?

ચૂંપઃ અમારા સાહેબના સાહેબનું માર્ગદર્શન લઈશું કે આ સોગંદનામાનું શું કરવાનું છે?

પ્રઃ પછી?

ચૂંપઃ જે જવાબ આવે તે તમને કે તમારી ભાવિ પેઢીને પહોંચાડી દઈશું. ન્યાયપૂર્વક, યોગ્ય પ્રક્રિયાઓ અનુસરીને કામ કરવામાં વાર તો લાગે ને.

No comments:

Post a Comment