Friday, October 17, 2025
બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.
પપ્પા 2008માં ગયા. એ અરસામાં કોઈએ, ભૂલતો ન હોઉં તો 'નવનીત સમર્પણ'ના દીપક દોશીએ, પપ્પા વિશે લખવા કહ્યું હતું. એકાદ પાનું લખ્યું હશે, પણ આગળ વધી ન શક્યો. લાગણીવશતાને કારણે નહીં. બસ, એમ જ. ન લખાયું.
*
મહેમદાવાદમાં સાંજે ટ્રેનો બોલે એટલે કુટુંબોમાં ક્યાંક ને ક્યાંક કોઈ કહે,'પપ્પાની ગાડી બોલી.' અમદાવાદથી આવતી બે ટ્રેનો--પહેલો ફાસ્ટ (સૌરાષ્ટ્ર જનતા) અને બીજો ફાસ્ટ (અમદાવાદ જનતા-હવે લોકશક્તિ) તરીકે ઓળખાય. ત્યાર પહેલાં અમદાવાદથી વડોદરાને બદલે આણંદ સુધી જતી અને એટલે 'અડધિયું' કહેવાતી લોકલ આવે. પપ્પા એવી કોઈ ટ્રેનમાં આવે. અમે ત્યારે જૂના ઘરમાં પહેલા માળે રહેતાં હતાં. ત્રણ રૂમને આવરી લેતી, જ્યાં અમે ક્રિકેટ રમતા હતા એવી વિશાળ, બાલ્કનીમાં અમે ઊભા હોઈએ. ઘરથી ખાસ્સે દૂર, ગોપાળદાસના બાલમંદિર આગળથી પપ્પા આવતા દેખાય એટલે હું દાદરા ઉતરીને તેમને લેવા સામો પહોંચું. બેગ ઉંચકાતી થયા પછી તેમની બેગ પણ લેતો હોઈશ.
મેં જોયેલા તેમના મોટા ભાગના દિવસ સંઘર્ષના હતા. સાવ બાળપણમાં તે વડોદરા જતા હતા અને ફર્સ્ટ ક્લાસમાં અપડાઉન કરતા હતા. એ જાહોજલાલી થોડો સમય રહી. ત્યારે તે વડોદરાથી મોટાં જાંબુ લાવતા અને વડોદરા 'એપેક્સ'માંથી એક એવી વસ્તુ લાવતા, જે બદામપુરી જેવી હોવા છતાં, સ્વાદમાં તેનાથી થોડી અલગ ને વધુ સારી આવતી હતી. (તે સ્વાદ મોહનલાલ મીઠાઈવાલાથી માંડીને ભાવનગરની બદામપુરીમાં શોધ્યો, પણ મળ્યો નથી. કદાચ તેની સાથે ભળી ગયેલો બાળપણનો સ્વાદ ખૂટતો હશે?) ગૌરી વ્રત વખતે તે વેણીઓ લાવતા--અમારે એકેય બહેન ન હોવા છતાં. નીચે રહેતી નાનજીની દીકરીઓ તે વેણી લગાડતી. વડોદરાથી તે પારસ જાંબુ લાવ્યા હોય અને સ્ટીલની સૌથી મોટી થાળીમાં એ જાંબુ દડ દડ કરતાં પડતાં હોય, એ દૃશ્ય આ લખતી વખતે પણ હું જોઈ શકું છું.
તેમની પાસે જેટલાં કપડાં હતાં, એટલાં કદાચ અમારા બંને ભાઈઓ પાસે મળીને નહીં હોય. તે બધાં લેટેસ્ટ ફેશનનાં. બીરેને લખ્યું છે તેમ, ટેસ્ટ ઊંચો. રૂપિયા સામે જુએ નહીં. તેમનાં કપડાં મહેમદાવાદના તેમના કેટલાય મિત્રો પહેરતા. તેમાંથી એક મિત્ર છેવટ સુધી પડખે રહ્યા. તેમનું શરીર કથળ્યું અને વટ ભૂતકાળ બન્યો, ત્યારે પેલા મિત્ર સ્થાનિક રાજકારણમાં ખાસ્સા આગળ વધ્યા હતા. છતાં, તે ચહીને પપ્પાને મળવા આવતા અને અમને બહુ ઉલટથી કહેતા કે 'મારી તો તે ઘડીએ સ્થિતિ નહીં, પણ હું અનિલભાઈનાં કપડાં પહેરવા લઈ જતો હતો.' એ વખતે ડ્રેસિંગ સેન્સમાં મહેમદાવાદમાં મહેશભાઈ મુખી અને પપ્પા, એ બે જણની ગણના થતી. જૂની ફિલ્મોમાં રસ પડ્યા પછી ધીમે ધીમે જાણ્યું કે કોઈ કાળે પપ્પાને પોતે થોડા ચંદ્રમોહન જેવા લાગે છે, એવું માનવું ગમતું. (ચંદ્રમોહન ત્રીસી-ચાળીસીના દાયકાના, અત્યંત પ્રભાવશાળી આંખો ધરાવતા અભિનેતા હતા) પપ્પાના પિતરાઈઓ મુંબઈમાં રહે. એટલે પપ્પા ભલે મહેમદાવાદમાં, પણ તેમની બધી સ્ટાઇલ અને રીતભાત મુંબઈનાં.
![]() |
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967 |
પપ્પા વિશે આટલું લખીએ ને તેમના ગુસ્સાની વાત ન આવે, તે કેમ બને? સગાવહાલાંમાં એ તેમના ગુસ્સા માટે જાણીતા હતા. અમને ભાઈઓને તેમના ગુસ્સાનો લાભ નહીંવત્ મળ્યો હશે, પણ મમ્મીને તેમનો તાપ ઘણો વેઠવાનો આવ્યો. મોટા ભાગની જિંદગી આર્થિક સંઘર્ષ, પોતાના વિશેના અને કુટુંબ વિશેના અમુક ખ્યાલો અને પછી લાંબો સમય તબિયત કથળવાને કારણે આવેલી થોડીઘણી પરવશતા—તેનાથી તેમનો ગુસ્સો ઓર વધ્યો હતો. ગુસ્સો જેટલો ખરાબ હતો, પ્રેમ એટલો જ પ્રગટ હતો. બંને પુત્રવધુઓ સાથે તે અતિશય માયાળુ રીતે વર્તતા.
પ્રકૃતિએ તે ભલા, મદદગાર અને પછેડી કરતાં પગ બહાર રહે એ રીતે જીવનારા હતા. બીજાને મદદરૂપ થવામાં પણ એવા. વ્યવસાય કરવા માટે જે કેટલાંક લક્ષણ જોઈએ એ તેમનામાં ન હતાં. એટલે, તેમાં તે સાવ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી નોકરી કરી. છેલ્લે પૈતૃક જમીનમાં ગણોતધારા હેઠળ થયેલા કેસમાં કોર્ટના ધક્કા ખાવાનું પણ તેમના ભાગે આવ્યું. અમે તેમને એ અવસ્થામાં જોતા અને સંતાપ પામતા. અમે મનોમન ગાંઠ પણ વાળી કે આપણે કદી ધંધો નહીં કરીએ. ઉપરાંત, તેમના ગુસ્સાનો વારસો મારામાં આવ્યો. તેની પર સભાનપણે કામ કરતાં કરતાં, તેને નાબૂદ તો કરી શક્યો નથી, પણ ખાસ્સા અંકુશ સુધી પહોંચ્યો છું.
અમારા બંને ભાઈઓનાં જીવન પાટે ચડી ગયેલાં અને સુખી જોઈને, બીરેનની દીકરીને મોટી થતી જોઈને તે ગયા તેનો સંતોષ છે. છેલ્લી પાંચ-છ દિવસની બીમારી પછી તેમની વિદાય બધાં માટે મુક્તિરૂપ હતી. કનુકાકાના દેહદાન પછી અમારી કૌટુંબિક પરંપરા બની ગયેલી પદ્ધતિ પ્રમાણે પપ્પાના દેહનું પણ મેડિકલ હોસ્પિટલમાં દાન કર્યું હતું. એક જ વાનમાં હું તેમના દેહની સાથે કરમસદ જતો હતો ત્યારે શોકપૂર્વક નહીં, પણ સ્મરણપૂર્વક મનમાં કેટકેટલી પટ્ટી ચાલી હતીઃ સ્ટીલની થાળીમાં દડતાં જાંબુની, દોડીને સામેથી તેમની બેગ લેવા જવાની, બીમારી પછી નિયમિત રીતે તેમનું બ્લડપ્રેશર માપવાની, પલાંઠી વાળીને બેસવાની તકલીફ પડતી હોવા છતાં, તેમની અમારી સાથે જૂનું, વિશિષ્ટ પ્રકારનું (પિનબોલની જૂની આવૃત્તિ જેવું) કેરમ રમવાની...
![]() |
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે |
*
થોડાં વર્ષ પહેલાં એક વાર વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજમાં વિઠ્ઠલભાઈ પટેલ વિશે બોલવા જવાનું હતું. વક્તવ્ય પહેલાં વિવિધ કોલેજોના આચાર્ય અને બીજા હોદ્દેદાર સાથે પરિચય તથા ચાપાણી ચાલતાં હતાં. ત્યારે દેસાઈ અટકધારી એક વડીલે (તેમનું નામ ભૂલી ગયો છું, પણ તે તિલાના દેસાઈના દાદા થાય) મારા પરિચયમાં મહેમદાવાદ સાંભળીને મને પૂછ્યું,‘અનિલભાઈ કોઠારી તમારા કંઈ થાય?’ મેં કહ્યું,‘હા. પપ્પા.’
એ સાંભળીને તે મારા પપ્પાના એવા સ્વરૂપની વાત કરવા લાગ્યા, જે મેં કદી સાંભળ્યું જ ન હતું. તે અને પપ્પા સોનાવાલા હાઇસ્કૂલમાં સાથે ભણતા અને ક્રિકેટ રમતા હતા. એટલે તેમણે મને પપ્પાની ક્રિકેટની રમત વિશે અને બીજી થોડી વાત કરી. તે દિવસે એટલો બધો રોમાંચ થયો હતો, જાણે ગયેલા પપ્પા ફરી પાછા, તેમના કિશોર સ્વરૂપે મારી આગળ પ્રગટ થયા હોય.
આજે આ લખતી વખતે ફરી, જરા જુદી રીતે, એવું જ અનુભવી રહ્યો છું.
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment