Monday, October 27, 2025
મંત્રીમંડળની બેઠક
સામાન્ય રીતે કકળાટ કાળીચૌદશના દિવસે કાઢવાનો રિવાજ છે, પણ ગુજરાતમાં મંત્રીંમંડળની પુનઃરચના ચૌદશથી પહેલાં થઈ ગઈ. મંત્રીમંડળમાં કોણ આવ્યું ને કોણ ગયું, કોણ પડ્યું ને કોણ ચડ્યું, એવી બધી ચર્ચા (સાદી ભાષામાં, ચૌદશ) બહુ થઈ. નવા મંત્રીમંડળનો ઉત્સાહ મંત્રીઓને હોય એનાં કરતાં વધારે તો મિડીયાને વધારે હતો. ઘરે પ્રસંગ હોય તો પણ ન કરે, એટલી તૈયારી અને દોડધામ કેટલાક મિડીયાવાળા કરી રહ્યા હતા. ક્યાં કેવી તૈયારી ચાલી રહી છે, તેનું મિનીટેમિનીટનું રિપોર્ટિંગ થઈ રહ્યું હતું. તેનું એક કારણ કદાચ એ પણ હોય કે મિડીયાવાળા જાણે છે, એક વાર મંત્રીઓ તેમનું ખાતું સંભાળી લે, ત્યાર પછી મિડીયાવાળાને રિપોર્ટિંગની તક નહીં મળે. ખરેખર તો, મંત્રીને પોતાને કશું કરવાની તક મળશે કે કેમ, તે પણ સવાલ.
મનમાં
નવોઢા જેવી મૂંઝવણો અને લોટરી જીતનારા જેવો રોમાંચ અનુભવતા મંત્રીઓની પહેલી
અનૌપચારિક બેઠક થાય, તો તે કેવી હોય? થોડી કલ્પનાઃ
અધિકારીઃ
નમસ્કાર. નવા મંત્રીમંડળમાં આપ સૌનું સ્વાગત છે.
મંત્રી
1: તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મંત્રી જેવા તો
લાગતા નથી...
મંત્રી
2: એટલે તમે
કહેવા શું માગો છો?
મંત્રીઓ માણસ કરતાં જુદા લાગે?
ખૂણામાંથી
અવાજ: કોને ખબર? બહુ વફાદાર હોય તો કદાચ ગળામાં...
અધિકારીઃ
(વાક્ય કાપીને) મારો હોદ્દો તમારે જાણવાની જરૂર નથી. મારું કામ તમને નવી જગ્યાએ
સારી રીતે ગોઠવી આપવાનું છે.
મંત્રી
3 (મંત્રી 4ને, ગુસપુસ અવાજે) : બોલો, આપણને એમ કે અમિતભાઈ બધું
ગોઠવે છે, પણ અહીં તો આ ભાઈ બધું ગોઠવવાનો દાવો કરે છે. ગાંધીનગરનું પાણી...
મંત્રી
4: (એવા જ સ્વરે)
હજુ તો આપણે આપણી ચેમ્બર પણ જોઈ નથી. એકદમ અસંતુષ્ટ થઈ જવાની જરૂર નથી.
અધિકારીઃ
શાંતિ, શાંતિ. મારી વાત સાંભળીને કોઈ ખરાબ ન લગાડતા...
(બધા,
એકસાથે) : અમને
તો હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. અમે મતદારો સિવાય બીજા કોઈની વાતનું ખરાબ લગાડતા નથી.
અધિકારી: વેરી ગુડ. તો તમારું ભવિષ્ય બહુ
ઉજ્જવળ છે. સૌથી પહેલાં તો મારે તમને એ કહેવાનું કે તમને તમારી જગ્યા બતાવી
દેવામાં આવે, ત્યાર પછી ટેવાતાં વાર ન લગાડતા.
મંત્રી
3 (ઉશ્કેરાઈને): જગ્યા
બતાવી દેવામાં આવે એટલે? અમારી
જગ્યા બતાવનાર તમે કોણ?
મંત્રી
4 (મંત્રી 3ને, હાથ દબાવીને, ધીમેથી) : હમણાં શાંતિ રાખો. આ તો ચિઠ્ઠીનો
ચાકર છે. તેના હાથમાં કશું નથી.
મંત્રી
3: તો આપણે પણ
એનાથી ક્યાં જુદા છીએ? આપણા
હાથમાં શું છે?
મંત્રી
1: કેમ વળી? ગાડી, બંગલો, લાલ બત્તી, આર્થિક
લાભો, આર્થિક લાભો મેળવવાની તક...
મંત્રી
3: એ બધું તો
સમજ્યા, પણ માથે લટકતી તલવાર નહીં? અડધી
રાતે દિલ્હીથી ફોન આવે તો નોકરી જતી રહે.
અધિકારી: આપસાહેબોએ આ રીતે વાત ન કરવી જોઈએ.
આપ સૌ પ્રજાના સેવકો છો...
(બધા,
સામુહિક રીતે હસે છે અને હસતાં હસતાં બેવડ વળી જાય છે.)
ખૂણામાંથી
અવાજઃ આ અમિતભાઈનું નામ પ્રજા ક્યારથી થયું?
(અધિકારી
અવાજની દિશામાં જોવા પ્રયાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી.)
અધિકારીઃ
આપમાંથી કોઈ ભૂતપ્રેતમાં માનો છો?
(બધા
સમુહસ્વરે) : ના,
અમે તો મોદીસાહેબ અને અમિતભાઈ એ બેમાં જ માનીએ છીએ.
અધિકારી: છોડો એ વાત. હું તમને ખાસ એ કહેવા
માગતો હતો કે તમારી પાસે સમય ઓછો છે, એટલે જલદી ગોઠવાઈ જાવ એવી ઉપરથી ખાસ સૂચના
છે.
મંત્રી
1: તમે ચિંતા ન
કરતા, અમે ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવવું એની વેતરણમાં જ છીએ.
અધિકારી: હું ગોઠવી લેવાની નહીં, કામકાજમાં
ગોઠવાઈ જવાની વાત કરું છું. આમ તો તમારા ભાગે ખાસ કંઈ આવશે નહીં...
મંત્રી
2: એટલે?
અધિકારી: જ્યારથી જનરલ નોલેજના પેપરમાં
રાજ્યના મંત્રીઓ વિશે સવાલ પૂછાતા બંધ થઈ ગયા ત્યારથી રાજ્યના મંત્રીમંડળનાં નામ
વિશે કોઈને ખબર હોતી નથી. તમે જ્યાં જાવ ત્યાં તમારે કહેવું પડશે કે હું ફલાણા
ખાતાનો મંત્રી. ત્યારે લોકોને થશે કે તમે અસ્તિત્વ ધરાવો છો.
મંત્રી
3: પણ ખાતાના
અધિકારીઓ?
અધિકારી: તમે તો જાણો જ છો, ગઈ વખતે અધિકારીઓ
મંત્રીઓના ફોન ઉઠાવે એવું કહેવા માટે પરિપત્ર કાઢવો પડ્યો હતો...
મંત્રી
5 (મંત્રી 3ને) : બસ, આ જ સાંભળવું હતું ને તમારે? સાંભળી લીધું ને?
અધિકારી
: એમાં કોઈએ
માઠું લગાડવાની જરૂર નથી. તમારા કોઈ પ્રત્યે સાહેબને અવિશ્વાસ હોત તો તમે અહીં
બેઠા ન હોત. તમારે યાદ એટલું જ રાખવાનું કે તમે કોઈ પણ બાબતમાં ફાઇનલ ઓથોરિટી નથી.
તમે અધિકારીને સૂચના આપવા જાવ, ત્યાર પહેલાં તેમને ઉપરથી સૂચના મળી પણ ગઈ હોય.
મંત્રી
3: તો પછી
મંત્રીપદાને શું કરવાનું?
મંત્રી
5: તમે કહેતા હો
તો ઉપર કહેવડાવી દઉં. બીજા લાઇનમાં તૈયાર જ છે.
અધિકારી: શાંતિ..શાંતિ... સાહેબ, આજે સપરમા
દિવસે કોઈએ માઠું લગાડવાનું નથી. આજે તો મારે તમને બધાને મોં મીઠું કરાવીને,
સાહેબની વફાદારીની કસોટીમાં હેમખેમ પાર ઉતરો એવી શુભેચ્છા સાથે તમારી જગ્યાએ લઈ
જવાના છે. એક વાર તમે તમારી જગ્યાએ પહોંચો. ગુજરાતનું પછી જોઈ લઈશું.
(એ સાથે જ મિટિંગ પૂરી થાય છે અને સૌ એક ખૂણામાં રહેલી મોટી તસવીરને પાયલાગણ માટે લાઇન લગાડે છે.)
No comments:
Post a Comment