Saturday, October 18, 2025
ન જોયેલા વડીલોની સ્મૃતિ
નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.
નામઃ
ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા
મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે,
તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.
અમારા
બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ
નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને
પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન
પડ્યું.
અમારાં
બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય.
તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે
રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં
તેમને ગોઠવ્યા હતા.
ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.
ચાર
લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ
કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર
હવે તેમાં આવે છે.
No comments:
Post a Comment