Wednesday, March 23, 2016

ત્રીજો ‘પક્ષ’ : નાગરિકપક્ષ

ભારતનું રાજકારણ મુખ્યત્વે બે પક્ષમાં વહેંચાયેલું છે : ના, ભાજપ અને કૉંગ્રેસ નહીં, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ. દેખાડાબાજી માટે થતા હાકોટા અવગણીને શાંતિથી વિચારી જુઓ : નીતિવિષયક બાબતોમાં કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે અથવા બીજા રાજકીય પક્ષો વચ્ચે પણ શો ફરક છે? અરુણ શૌરીએ આપેલા ચબરાક છતાં ચોટદાર આકલન પ્રમાણે, ‘એનડીએ એટલે યુપીએ પ્લસ કાઉ.’ યુપીએનીતિમાં આક્રમક હિંદુત્વનો-સંકુચિત રાષ્ટ્રવાદનો આથો ચડાવો એટલે એનડીએ. આ મૂલ્યાંકનમાં આત્યંતિકતા હોવા છતાં, તત્ત્વાર્થમાં એ સાચું છે. બન્ને પક્ષના ‘વફાદારો’ જોકે તેને નહીં સ્વીકારે. કારણ કે તેમના પ્રિય પક્ષોના બ્રાન્ડિંગનો સવાલ છે.

બ્રાન્ડિંગની--એટલે કે પોતે જેવા છે નહીં, પણ જેવા દેખાવા કોશિશ કરે છે એની-- બાબતમાં કૉંગ્રેસ-ભાજપ સરખાં નથી. તેમની વચ્ચે મોટો ફરક છે. કૉંગ્રેસ ગરીબતરફી, બિનસાંપ્રદાયિકતાતરફી- સાંપ્રદાયિકતાવિરોધી દેખાવા ઇચ્છે છે, જ્યારે ભાજપ રાષ્ટ્રવાદી, ત્રાસવાદવિરોધી, પાકિસ્તાનવિરોધી અને બેશક, કૉંગ્રેસવિરોધી-પરિવારવિરોધી દેખાવા ઇચ્છે છે. તેમના આ બ્રાન્ડિંગથી ઘણા લોકો જાણેઅજાણે ભોળવાઇ જાય છે. અમુક ટૂથપેસ્ટ ઘસવાથી કે તમુક ડીઓડરન્ટ લગાડવાથી યુવતીઓ મોહિત થઇ જશે, એવું ઠસાવતી જાહેરખબરોની જેમ, આ પક્ષો પણ પોતાના બ્રાન્ડિંગથી ગ્રાહકોને લલચાવવા પ્રયાસ કરે છે. પેલી જાહેરખબરોની જેમ રાજકીય પક્ષોની જાહેરાતોથી પણ ઘણા લોકો લલચાય છે-લપેટાય છે અથવા પોતાની આકાંક્ષાઓ-કુંઠાઓ-પૂર્વગ્રહોનું પ્રતિબિંબ કે મોક્ષ એ જાહેરાતોમાં જુઓ છે. અલબત્ત, પક્ષોનું પેકેજિંગ વ્યાપારી ચીજવસ્તુઓ કરતાં વધારે ભવ્ય હોય છે. એ ગરીબોના કે રાષ્ટ્રના કે હિંદુઓના કે મુસ્લિમોના ઉદ્ધારથી ઓછી વાત કરતા નથી.

જરા વિચારો : જેમના મનમાં સેક્યુલરિઝમનો ખ્યાલ કૉંગ્રેસની સગવડીયા બિનસાંપ્રદાયિકતા જોઇને કે દેશભક્તિનો ખ્યાલ ભાજપનો તકલાદી-તકવાદી રાષ્ટ્રવાદ જોઇને બંધાયેલો હોય, એવા લોકોનું શું થાય? મોટે ભાગે, તે એક યા બીજા પક્ષના ભક્ત બને. (ઘણા વખતથી જોકે વિચારધારા કરતાં ફાયદાની ગણતરી પક્ષીય વફાદારી માટે મુખ્ય પરિબળ બની છે) પોતાના મનમાં રહેલા ખ્યાલો કે દ્વેષનો પડઘો તેમને કોઇ પક્ષના પ્રચારમારામાં- તેના બ્રાન્ડિંગમાં સાંભળવા મળે, એટલે પક્ષોની વાસ્તવિકત વર્તણૂંક ગૌણ બની જાય છે. બ્રાન્ડિંગના આધારે જે લોકો કૉંગ્રેસ ભણી ઢળે, તેમને સોનિયા ગાંધી-રાહુલ ગાંધીમાં ઉદ્ધારકનાં દર્શન થાય છે.  તેમને લાગે છે કે દેશને બચાવવો હશે તો કૉંગ્રેસ લાવવી પડશે. આવી જ રીતે, જે લોકો બ્રાન્ડિંગથી મોહાઇને ભાજપ- સંઘ તરફ ઢળતા હોય તો તેમને નરેન્દ્ર મોદી ઉદ્ધારક લાગશે. બે વર્ષ પહેલાં --અને હજુ પણ ઘણા માને છે કે આ દેશનો ઉદ્ધાર ફક્ત નરેન્દ્ર મોદી જ કરે એમ છે. નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી કરતાં ઘણા વધારે ચબરાક હોવા છતાં, ઉદ્ધારક તરીકે એ બન્ને (જુદાં જુદાં કારણોસર) એકસરખા નકામા છે. વસ્તુતઃ કોઇ પણ રાજકારણીને-નેતાને, મહાત્મા ગાંધીને પણ, ઉદ્ધારક ગણવામાં સાર નથી.

સારો નેતા માણસના મનમાં રહેલી શુભ લાગણીઓને ઢંઢોળી શકે, તેને જગાડી શકે અને કદાચ સક્રિય કામગીરી માટે પણ પ્રેરી શકે. ગાંધીજીમાં એ ગુણ હતો. તેમણે પોતાના સાથીદારોની મર્યાદાઓ કોરે રાખીને, તેમનામાં રહેલાં ઉત્તમ તત્ત્વોને બહાર આણ્યાં અને તેને રાષ્ટ્રના કામમા ખપમાં લીધાં.

પણ ઉદ્ધારક? તારણહાર? એવું બધું રાજાશાહીમાં- સરમુખત્યારશાહીમાં, ટૂંકમાં એકહથ્થુ શાસનમાં હોય. લોકશાહીમાં નાગરિકો પોતે જાગતા ન રહે, તો તેમનો ઉદ્ધાર કોઇ ન કરી શકે. એવો દાવો કોઇ નેતા કરે, તો એને બ્રાન્ડિંગનો -- એટલે કે તેમના ધંધાદારી પ્રચારજૂઠાણાનો-- ભાગ ગણી લેવો. ‘તમે સૂઇ જાવ ને હું જાગીશ’ એવું કોઇ કહે ત્યારે, દિલ્હી જેવા કોઇ સ્ટેશન પર ‘તમે તમારે બાથરૂમ જઇ આવો. હું તમારી બૅગ સાચવીશ’ એવું કહેનારા કોઇ ગઠિયાને યાદ કરી લેવો. એ પણ આવું કહે ત્યારે પરગજુ અને યુધિષ્ઠિરનો અવતાર નથી લાગતો?  

કોઇને ‘ઉદ્ધારક’ ગણી લેનારા મૂળભૂત રીતે નિષ્ક્રિય અથવા મજબૂર અથવા બન્ને હોય છે. તેનો પૂરેપૂરો ફાયદો ‘ઉદ્ધારકો’ ઉઠાવે છે. દેશમાં ઉદ્ધારકની બોલબાલા થાય ત્યારે સમજવું કે સક્રિય નાગરિકો અણુમતીમાં આવી ગયા છે અને પક્ષની કંઠી (અથવા તેની વફાદારીના નામે આંખે પાટા) બાંધનારાની બહુમતી થઇ છે.

રાજકીય પક્ષોમાં જોડાયેલા કેટલાક લોકો મૂળભૂત રીતે, માણસ તરીકે સારા હોય છે. તેમનામાં વિચારધારાકીય સ્પષ્ટતા હોય કે ન હોય, બીજા માટે કંઇક કામ કરવાની વૃત્તિ હોય છે. એવા લોકો એક યા બીજા પક્ષની કહેવાતી વિચારધારામાં સામેલ થયા પછી, એ પક્ષ સાથે છેડો ફાડી શકતા નથી. સાથોસાથ, પોતાની મૂળભૂત સારપ પણ છોડી શકતા નથી. લાંબા સમય સુધી ભાજપના સભ્ય-ધારાસભ્ય (અને બહુ મોડેથી આમઆદમી પક્ષમાં જોડાયેલા) સેવાભાવી ડૉક્ટર કનુભાઇ કળસરિયા આવું એક ઉદાહરણ છે. એમના જેટલા જાણીતા કે એ કક્ષાના નહીં, એવા બીજા દાખલા પણ હશે, જેમની મૂળભૂત સારપને વિચારધારાના નામે ફેલાવાતું નાગરિકવિરોધી-મનુષ્યવિરોધી ઝેર ચડ્યું ન હોય.

પોતીકી સારપ છતાં પક્ષનાં અનિષ્ટ આચરણો સામે એ લોકો અવાજ ન ઉઠાવે, તેના પ્રત્યે આંખ આડા કાન કરે અને બને ત્યાં સુધી પક્ષ સાથે છેડો ન ફાડે તેનું એક કારણ : ભૂતના ભાઇ પલિત જેવી સ્થિતિ હોય અને ‘લેસર એવિલ’ના નામે સરખેસરખાં અનિષ્ટો વચ્ચે જ પસંદગી બચી હોય, ત્યારે ઘણાને લાગે છે કે અજાણ્યા અનિષ્ટ કરતાં જાણીતા અનિષ્ટ સાથે પનારો પાડવો સારો. આવા લોકો અંગત વાતચીતમાં પોતાના પક્ષનાં અનિષ્ટો વિશે ખુલ્લાશથી વાત કરે છે, પણ જાહેરમાં ઊભા રહેવાનું આવે ત્યારે એ પક્ષના ટોળામાં, બીજાં અનેક અનિષ્ટોની સાથે જોવા મળે છે. તેને પક્ષની શિસ્ત કહેવામાં આવે છે.

ભાજપની ટીકા કરે, તેમને કૉંગ્રેસી તરીકે ખપાવી દેવા એ પણ પક્ષીય બ્રાન્ડિંગની જ વ્યૂહરચના છે. પરંતુ એ પ્રચારને પડકારીને, ખોંખારીને કહેવું પડે કે આ દેશમાં એક ત્રીજો પણ ‘પક્ષ’ છે. રૂઢ અર્થમાં તે પક્ષ નથી. તેમનું કોઇ ઔપચારિક સંગઠન નથી, કોઇ રાજકીય હિત નથી. તે ધબકતી લોકશાહી અને સ્વસ્થ રાષ્ટ્ર ઇચ્છતા નાગરિકોનો સમુહ છે. સત્તાપક્ષનાં જૂઠાણાંનો પ્રતિકાર વિરોધપક્ષો ન કરે કે સામસામા પક્ષો એકબીજાના ગોટાળા આગળ ધરીને એક જ માળાના મણકા તરીકે ખુલ્લા પડી જાય, ત્યારે પક્ષીય વફાદારીની કે અંગત સ્વાર્થની સાંકળે બંધાયેલા ન હોય એવા નાગરિકો પોતપોતાની રીતે પહેલ કરે છે. તેમના માટે દેશ એ કોઇ નેતા કે પક્ષ નહીં, પણ દેશના સામાન્ય લોકો અને તેમનું હિત છે.


આ એ સમુહ છે, જેમાંથી ઘણાએ ઇંદિરા ગાંધીની નીતિરીતિનો વિરોધ કરવા બદલ ગાળ ખાધી હતી ને નરેન્દ્ર મોદીના શાસનની ટીકા બદલ પણ. તેમને કૉંગ્રેસ-ભાજપ તરફથી પ્રમાણપત્રોની જરૂર નથી. તેમની સૌથી મોટી ચિંતા ભારતમાં રહેલી સહઅસ્તિત્ત્વની સંસ્કૃતિને-બંધારણના હાર્દને ટકાવી રાખવાની અને તેની સામે ઊભા થતા પડકારોનો શક્ય એટલો સામનો કરવાની છે. આ સમુહને હડધૂત કરનારો કે તેમને દેશહિતવિરોધી ઠરાવનારો અવાજ મોટો થઇ જાય ત્યારે દેશની ચિંતા થવી જોઇએ.

Monday, March 21, 2016

મગજની આંટીધૂંટી ઉકેલીને તેની નકલ કરવાનો મહાપ્રૉજેક્ટ


ફોન, ટીવી, કમ્પ્યુટર જેવી અસંખ્ય શોધો માણસના જિજ્ઞાસુ, ફળદ્રુપ દિમાગની ઉપજ છે. પરંતુ કેટલીક શોધો એવી પણ હોય છે, જે કુદરતી સૃષ્ટિમાં જોવા મળતી હોય અને માણસ તેનું અનુકરણ કરે. અભ્યાસ-સંશોધનનો આ પ્રકાર ‘રીવર્સ ઍન્જનિયરિંગ’ કહેવાય છે. તફડંચીકારો એકાદ અસલ-મૌલિક ચીજના પૂરજેપૂરજા છૂટા પાડીને, તેની રચના સમજીને, નવી, તકલાદી, સસ્તી નકલ બનાવી કાઢે, તે એક પ્રકારનું ‘રીવર્સ ઍન્જિનિયરિંગ’ જ ગણાય, પરંતુ અહીં જેની વાત કરવાની છે, તે આવો ‘મેડ ઇન ચાઇના’છાપ પ્રૉજેક્ટ નથી. તેનો આશય આ સૃષ્ટિ પરની સૌથી પેચીદી કુદરતી રચના એવા મગજની કાર્યપદ્ધતિનું રીવર્સ ઍન્જિનિયરિંગ કરવાનો છે.

અમેરિકાની સંશોધનસંસ્થા ‘ઇન્ટેલિજન્સ ઍડવાન્સ્ડ રીસર્ચ પ્રૉજેકટ્‌સ ઍક્ટિવિટી’એ ૧૦ કરોડ ડૉલરના ખર્ચે ઉંદરના મગજના એક ઘનમિલીમીટર હિસ્સાના ‘રીવર્સ ઍન્જિનિયરિંગ’નું બીડું ઉપાડ્યું છે. આટલું વાંચીને તો ‘ખોદ્યો ડુંગર, કાઢ્‌યો ઉંદર’ જેવું લાગે. ઉંદરના મગજના એક મિલીમીટર લંબાઇ-પહોળાઇ-ઊંડાઇ ધરાવતા હિસ્સાના અભ્યાસ માટે આટલો દાખડો? એવો સવાલ થઇ શકે. પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્ર માટે આ અભ્યાસ બહુમૂલ્ય માહિતીની ખાણ જેવો નીવડી શકે છે.  ‘ધ મશીન ઇન્ટેલિજન્સ ફ્રૉમ કૉર્ટિકલ નેટવર્ક્‌સ પ્રોગ્રામ’ (ટૂંકમાં, MICrONS) તરીકે ઓળખાતા આ અભ્યાસના અંતે કમ્પ્યુટર કરતાં અનેક ગણી પ્રચંડ ક્ષમતાથી, ઝડપથી અને ચોક્સાઇથી કામ કરતા મગજની કાર્યપદ્ધતિમાંથી ‘અલ્ગોરિધમ’ તારવી શકાય--એટલે કે, મગજની કાર્યપદ્ધતિની પેચીદા કમ્પ્યુટર પ્રોગ્રામ સ્વરૂપે નકલ કરી શકાય, તો કૃત્રિમ બુદ્ધિશક્તિ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્ર માટે તે પ્રગતિનો હનુમાનકૂદકો બની શકે.

કામ કઠણ છે. ધારી સફળતા ન મળે એવી શક્યતા પૂરી છે. પરંતુ એમ જુઓ તો, ૧૯૯૦માં અમેરિકાની સરકારે મનુષ્યના જનીન બંધારણને આખેઆખું ઉકેલવાનો હ્યુમન જેનમ પ્રૉજેક્ટ હાથ ધર્યો, ત્યારે એ પણ વાસ્તવિકતાને બદલે વિજ્ઞાનકથા જેવો લાગતો ન હતો? ગુજરાતીના અનન્ય, અભૂતપૂર્વ વિજ્ઞાનમાસિક ‘સ્કોપ’માં નગેન્દ્રવિજયે આ પ્રૉજેક્ટ અને એ નિમિત્તે જનીનશાસ્ત્ર (જિનેટિક્સ) વિશે રોમાંચકારી સમજૂતી પૂરી પાડી હતી, જે જિજ્ઞાસા અને આતુરતા વધારી મૂકે એવી હતી. સાથોસાથ, વિજ્ઞાનજગતમાં એવી અવઢવ પણ હતી કે આવાં પાયારૂપ અને મોટાં સંશોધન ખરેખર નજીકના ભવિષ્યમાં પાર પડશે ખરાં? અને તેનો ફાયદો શો? પરંતુ માંડ દોઢેક દાયકામાં જનીનોનું મૅપિંગ (વિગતવાર ઓળખ) શક્ય બન્યું. ત્યાર પછીના દોઢેક દાયકામાં જિનેટિક્સના ક્ષેત્રે ઝડપભેર પ્રગતિ થઇ રહી છે. (થોડા સમય પહેલાં આ કૉલમમાં જનીનોની જોડતોડની ક્રાંતિકારી ટૅક્‌નૉલોજી વિશે વાત કરવામાં આવી હતી.)

જનીનોની જેમ કૃત્રિમ બુદ્ધિશક્તિ (ટૂંકમાં AI)નું ક્ષેત્ર પણ ઘણા વખતથી અઢળક શક્યતાઓની આશા સાથે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. બુદ્ધિની રમત ગણાતી ચેસની ચાલબાજીમાં વિશ્વવિજેતા ગૅરી કાસ્પારોવને આઇબીએમના કમ્પ્યુટર ડીપ બ્લૂએ હરાવી દીધા, એ જૂની (૧૯૯૭ની) વાત થઇ. ગયા અઠવાડિયે AIના સંશોધકોએ નવો મુકામ હાંસલ કર્યો. ચેસ કરતાં ઘણી વધારે પેચીદી ગણાતી અને કેવળ ગણતરીઓને બદલે, થોડી બુદ્ધિ લડાવવાની જરૂર પડે એવી રમત ‘ગો’માં માણસ સામે કમ્પ્યુટરની જીત થઇ.

‘માણસ સામે કમ્પ્યુટરની જીત’ એ શબ્દપ્રયોગ સાચો હોવા છતાં, તેનો વાસ્તવિક અર્થ સમજવો જરૂરી છે. ‘ગો’ની સ્પર્ધામાં એક તરફ કોરિયાનો ચેમ્પિયન ખેલાડી લી સેડોલ હતો અને બીજી તરફ ગુગલનું ‘બુદ્ધિશાળી’ મશીન ડીપ માઇન્ડ. ગુગલે છ વર્ષ પહેલાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની કંપની ‘ડીપ માઇન્ડ’ ૪૦ કરોડ પાઉન્ડની તોતિંગ કિંમતે ખરીદી લીધી અને ત્યાર પછી પણ તેમાં રોકાણ ચાલુ રાખ્યું છે. કારણ કે, ટેક્‌નોલોજિના ક્ષેત્રે ભવિષ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું છે. તેના ડીપ માઇન્ડ મશીને ચેમ્પિયન ખેલાડીને ચેસ કરતાં ઘણી વધારે પેચીદી એવી ‘ગો’ રમતમાં હરાવ્યો છે. એક અંદાજ પ્રમાણે, ચેસની રમતમાં ૧૦ની ઉપર ૭૦ ઘાત હોય એટલી સંભાવનાઓ હોય છે, જ્યારે ‘ગો’માં ૧૦ની ઉપર ૭૦૦ ઘાત મૂકીએ, એટલી બધી શક્યતાઓ છે.

આમ, ‘બુદ્ધિશાળી’ મશીનોએ મોટા પાયે આગેકૂચ કરી છે, એમાં કોઇ શક નથી. પરંતુ મશીનોની મોટા ભાગની તાકાત તેમને અપાયેલી અઢળક માહિતી અને તેના પૃથક્કરણને આભારી છે. બીજા શબ્દોમાં કહીએ તો, મશીનો બહુ ઝડપથી સંખ્યાબંધ ગણતરીઓ કરી શકે, શક્યતાઓ ચકાસી શકે, પણ તેમની એક જ ‘ઇન્દ્રિય’ ચાલે. એટલે કે, એક જ વિષયમાં અને તે પણ તેમને જેટલું શીખવવામાં આવ્યું હોય એમાંથી જ એ તારવી શકે. તેમની સરખામણીમાં માણસ રોજેરોજના વ્યવહારમાં એવાં કામ એટલી સહજતાથી કરે છે કે મશીનો તેની કલ્પના સુદ્ધાં ન કરી શકે. જેમ કે, માણસનું મગજ ટોળામાંથી પોતાનો પરિચિત ચહેરો તરત જુદો તારવી શકે છે અથવા ઘોંઘાટમાંથી જાણીતો અવાજ તરત પારખી શકે છે. કૃત્રિમ બુદ્ધિ ધરાવતા મશીનને આ કરવું હોય તો નવ નેજાં આવે. કારણ કે, માણસનું મગજ સાવ પાંખી માહિતીનું સામાન્યીકરણ કરીને, તેમાંથી જરૂરી જાણકારી મેળવી લેવામાં પાવરઘું છે. એક રીતે કહેવાય કે, બહારની દુનિયા વિશે મગજની અંદર એક વ્યાપક ચિત્ર અથવા માહિતીસંગ્રહ ઊભો થયેલો હોય છે. તેને જાળવવાનું અને તેમાં સતત ફેરફારોનું કામ મગજ ચાલુ રાખે છે. એ માહિતીના આધારે ઓછામાં ઓછી વિગતો પરથી પણ મગજ અનુમાનો અને અપેક્ષાઓનો ખેલ મગજ ચલાવે છે અને મગજની અંદર આવતી દરેકેદરેક માહિતીનો તેના લાભાર્થે ઉપયોગ કરે છે. કૃત્રિમ બુદ્ધિશક્તિ ધરાવતાં મશીન માટે એ મુકામ હજુ ઘણો દૂર છે.

છતાં, મગજની કાર્યક્ષમતાની પ્રાથમિક ચાવીઓ જાણીને તેની નકલ કરવાની કામગીરી ત્રણ સંશોધકટુકડીઓને સોંપવામાં આવી છે, જે જુદી જુદી પદ્ધતિથી ઉંદરના મગજના એક ઘન મિલીમીટર હિસ્સાનો અને તેમાં થતી ઉથલપાથલોનો અભ્યાસ કરશે. આ પ્રૉજેક્ટ વિશે ‘સાયન્ટિફિક અમેરિકન’ના લેખમાં જણાવ્યા પ્રમાણે, પાંચ વર્ષમાં આ કામ પૂરું થતાં વિવિધ તસવીરો સ્વરૂપે બે પેટાબાઇટ જેટલો ડૅટા ઉપલબ્ધ બનશે. (સીડીના માપ પ્રમાણે કહીએ તો, આશરે ૨૫ લાખ સીડીમાં સમાય એટલો.) તેમાંથી મગજની કાર્યપદ્ધતિ સમજાય-ઉકેલી શકાય તો પણ, એ પદ્ધતિને ‘રીવર્સ એન્જિનિયર’ કરવાના, તેનું કૃત્રિમ રીતે, કમ્પ્યુટરના પ્રોગ્રામ સ્વરૂપે પુનઃસર્જન કરવાના પડકાર ઓછા નથી. પરંતુ સંશોધકો માને છે કે આ કવાયતમાં ધાર્યું પરિણામ ન મળે તો પણ, તે  નિષ્ફળ જવાની કોઇ સંભાવના નથી. કારણ કે, તેનાથી મગજની કામગીરી વિશેના જ્ઞાનમાં વધારો જ થવાનો છે.

ગણતરી સિવાયની બાબતમાં એટલે કે ખરા અર્થમાં બુદ્ધિશાળી બનવાના મામલે મશીનો અને માણસો વચ્ચે ઘણું છેટું છે. એ રીતે માણસોએ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સૌથી શક્તિશાળી દિમાગ મળ્યું હોવાથી, તેનો ઉપયોગ કરીને માણસ પોતે રીવર્સ એન્જિનિયરિંગના રસ્તે કુદરતનાં પ્રચંડ સર્જનનું અંશતઃ અનુકરણ કરવા મથી રહ્યો છે.

Saturday, March 19, 2016

પરીક્ષા અને ચોરી : ભૂલો ભલે બીજું બધું...

ક્યાં ગઇ એ ભારતીય પરંપરા, જેમાં ભક્તશિરોમણી એ જ કહેવાતો હતો, જે ભગવાનની પરીક્ષામાં પાસ થાય. પરીક્ષા લેવાનું કામ ત્યારે ભગવાનનું હતું અને ફેસબુક-ટ્વીટર ન હોવાથી ‘ભક્ત’ શબ્દની વ્યાખ્યા પણ મર્યાદિત હતી. ત્યારે સેમેસ્ટર પ્રથા પણ ન હતી. ભગવાનની પરીક્ષા એ રીતે જૂનવાણી શૈલીની વાર્ષિક પરીક્ષા જેવી રહેતી, જેમાં જનરલ ઓપ્શન કે એમસીક્યૂનો રિવાજ પણ ન હતો. આવી પરીક્ષા કઠણ પડે એ સ્વાભાવિક છે, પણ એમા પાસ થનારાનું નામ થઇ જતું—બોર્ડના નંબરીઓની જેમ કામચલાઉ નહીં, પણ કાયમી.  

ભગવાન દ્વારા લેવાતી ભક્તોની અને બોર્ડ દ્વારા લેવાતી વિદ્યાર્થીઓની પરીક્ષામાં સૌથી મોટો તફાવત એ છે કે બોર્ડની પરીક્ષામાં ચોરીને અવકાશ રહે છે. એ દૃષ્ટિએ કોઇને બોર્ડની પરીક્ષા વધારે માનવીય કે માનવતવાદી લાગી શકે. પરીક્ષા લેનારા પણ કાળા માથાના માણસ હોય ત્યારે આટલો ફરક (અને ફાયદો) રહેવાનો. રાજકારણમાં ભ્રષ્ટાચાર ન હોવો જોઇએ, સમાજમાં જ્ઞાતિના ભેદભાવ ન હોવા જોઇએ, એવી જ રીતે સૈદ્ધાંતિક ભૂમિકાએ કહેવાય છે કે પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ચોરી ન કરવી જોઇએ. પરંતુ આ ત્રણે બાબતોમાં વાસ્તવિકતા શી  છે, તે સૌ કોઇ જાણે છે. જ્ઞાતિના ભેદભાવ આપણા સમાજનો સાંસ્કૃતિક વારસો બની ચૂક્યા છે, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો છે, તો પછી વર્ષોથી ચાલી આવતી પરીક્ષામાં ચોરીની પરંપરાને પણ સંસ્કૃતિનો દરજ્જો શા માટે ન આપવો?

બોર્ડના અફસરોથી માંડીને ક્લાસના સુપરવાઇઝર સુધીના લોકો શિસ્ત કે સદાચારના નામે ચોરી અટકાવવા માટે
અનેક પ્રકારના ઉપાયો પ્રયોજે છે. ફ્લાઇંગ સ્ક્વોડથી માંડીને સીસી ટીવી કેમેરા જેવી વ્યવસ્થાઓ યોજવામાં આવે  છે. છતાં, કડક પરીક્ષાની બાબતમાં કાળા માથાનો માનવી કદી ભગવાનની બરાબરી કરી શકતો નથી અને ચોરી કરનારા કે કરાવનારા સાંસ્કૃતિક વારસો જીવંત રાખવાના અથાગ પ્રયાસ કરે છે. સ્માર્ટફોન પહેલાંના જમાનામાં કેટલાક ઉદ્યમીઓ કુટુંબ પ્રત્યેના પ્રેમથી કે લક્ષ્મીદેવીની આરાધના ખાતર માણસમાંથી ડમી બનવાનું પસંદ કરતા. લોકો જ્યાં પોતાની પરીક્ષા આપવા તૈયાર નથી, ત્યાં આ લોકો બીજાની પરીક્ષા (વાજબી કિંમતે) પોતાના માથે ઓઢી લેતા હતા. તેમની પરોપકારવૃત્તિની કદર કરવાને બદલે તેમને ડમી જેવી તુચ્છકારસૂચક ઓળખ આપવામાં આવી. પરિણામે તેમની સંખ્યામાં ઘટાડો થયો અને એ પ્રથા ધીમે ધીમે લુપ્ત થઇ.

ધર્મગ્રંથો કહે છે કે પાપીને હણવાથી પાપ હણાઇ જતું નથી. એવું પણ કહેવાય છે કે કૂકડો બોલે તો જ સવાર પડે એવું નથી હોતું. ડમી ઉમેદવાર સિવાય પણ પરીક્ષામાં ચોરીની સંસ્કૃતિ ટકાવી રાખવાની અનેક રીતો છે. એ માટે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, તેમનાં પરિવારજનો પણ ઉત્સાહી અને પ્રયત્નશીલ હોય છે. એક સમય એવો હતો કે પરીક્ષાકેન્દ્રો પર સેંકડો વાલીઓનાં ટોળાં ઉમટતાં. તેમનામાંથી છલકાતો સંતાનપ્રેમ કાબૂમાં રાખવા માટે પોલીસે ટીયરગેસનો પ્રયોગ કરવો પડતો હતો. બોલો, કેવો હળહળતો અન્યાય.  માણસ પોતાના સંતાનનું હિત અને સાંસ્કૃતિક પરંપરાનું હિત પણ રક્ષી ન શકે.

પોલીસો અને બોર્ડના કડક અધિકારીઓ સમજતા નથી કે બોર્ડમાં વધારે ટકા લાવીને કે પાસ થઇને છોકરાં કશો કાંદો કાઢવાનાં નથી. કોલેજોમાં એડમિશનના ધક્કા ખાતાં અથવા માર્કશીટ લઇને લાઇનમાં ઉભેલાં છોકરાંનો સીન એક વાર આ સ્ક્વોડવાળા અને બોર્ડવાળા જોઇ આવે તો એ લોકો વિદ્યાર્થીઓને સજા તરીકે પરીક્ષામાં પાસ કરી દે. પરંતુ આ ઊચ્ચ ફિલસૂફીભરી ભૂમિકા મોટા ભાગના લોકોની માનસિકતાને અનુકૂળ નથી હોતી.

વિદ્યાર્થીને તેનાં કુટુંબીજનો પરીક્ષાકેન્દ્ર પર લેવા-મૂકવા જાય એ રિવાજ વર્ષોથી સંતાનપ્રેમનું પ્રતીક ગણાતો હતો. આખું ગામ બોર્ડની પરીક્ષા આપતાં તેમના ‘બાબાબેબીઓ’ને મૂકવા જતું હોય ત્યારે, ‘એમાં મૂકવા શું જવાનું? રોજ એકલો જ સ્કૂલે જાય છે’ એવું કહેનાર પિતાની ગણના કંસ અને રાવણની હરોળમાં થવાની બીક રહેતી હતી. કળિયુગની અસર વધે છે તેમ વાલીઓનો સંતાનપ્રેમ ઓસરવાને બદલે માથે ચડતો જાય છે. હવે સંતાનોની દસમા-બારમાની પરીક્ષા હોય એટલે વાલીઓને ઉજાગરા થાય છે. પોતાના ચિરંજીવી વાંચતા હોય એટલે તેમને કંપની આપવા અને તેમની યથાયોગ્ય ખિદમત કરવા માટે ઘરમાંથી એક સભ્ય જાગે છે. બાળકને સરહદ પર કેસરિયાં કરવા જવાનું હોય એવાં લાડ લડાવવામાં આવે છે. પાણી માગતાં દૂધ, ચા માગતાં ચા-નાસ્તો અને પેન માગતાં પેનનું બોક્સ હાજર કરવામાં આવે છે. ચબરખી માગતાં આખા પ્રશ્નપત્રના જવાબો ઉપલબ્ધ કરાવી આપવા, એને સંતાનપ્રેમની પરાકાષ્ઠા ગણી શકાય.

ઘણા વાલીઓ બોર્ડની પરીક્ષા દરમિયાન નોકરીમાં રજા મૂકી દે છે. સંતાનોને અઘરું પેપર જોઇને ટાઢ ચડે તો તેમના માટે હૂંફની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માટે વાલીઓ પરીક્ષાકેન્દ્રો પર એકઠા થાય છે. ત્યાં ઘણા નિવૃત્ત અથવા અતિપ્રવૃત્ત શિક્ષકો પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખી આપવા માટે તત્પર હોય છે. એ વખતે સંતાનનું ભવિષ્ય વિચારતા વાલીઓ પાંચસો-હજાર-બે હજાર રૂપિયા સામે જોતા નથી, એ સૌ જાણે છે. પરીક્ષાકેન્દ્રના પટાવાળા, પાણીવાળા અને બંદોબસ્તવાળાથી માંડીને પરીક્ષાખંડના કેટલાક સુપરવાઇઝરો પણ ‘સુપર વાઇઝ’ સાબીત થાય છે. એમાંના ઘણા લોકો પોતે જાલીમ હોતા નથી. તેમની હાલત બીમાર માની દવાના રૂપિયા એકઠા કરવા માટે વિલનના અડ્ડા પર નોકરી કરતા નેકદિલ હીરો જેવી થાય છે. નોકરીના ભાગરૂપે તેમને કડક દેખાવું પડે છે, પણ વિલન આઘોપાછો થાય ત્યારે એ વિદ્યાર્થીઓના થઇ જાય છે. સ્ક્વોડના આગમનથી માંડીને બીજી કોઇ પણ પ્રકારની આપત્તિથી એ લોકો વિદ્યાર્થીઓનું રક્ષણ કરે છે. આટલી હૂંફના બદલામાં વાલીઓ તેમની કદર કરે, તેના માટે ભ્રષ્ટાચાર જેવો અપવિત્ર શબ્દ શી રીતે વાપરી શકાય?

સરકાર સામાન્ય માણસના હિતમાં પગલાં લેવાં ઇચ્છતી હોય, તો તેણે બોર્ડની પરીક્ષામાં બેઠેલા બાળકોના વાલીઓ માટે ખાસ પેટર્નીટી લીવની જાહેરાત કરવી જોઇએ. એટલું જ નહીં, પેટર્નીટી લીવ પર ઉતરેલા કર્મચારીમાંથી કોઇ પરીક્ષાકેન્દ્ર પર પોલીસ સાથેની માથાકુટમાં પકડાય, તો તેને ઓન ડ્યુટી ગણીને જામીનની વ્યવસ્થા પણ સરકારે પોતાના માથે લેવી જોઇએ. આમ કરવાથી ઢચુપચુ હિંમત ધરાવતા વાલીઓ પણ પોલીસની ચિંતા રાખ્યા વગર તેમના સંતાનપ્રેમની બિનધાસ્ત અભિવ્યક્તિ કરી શકશે, એકંદરે પરિવારોની કૌટુંબિક ભાવના પ્રબળ બનશે અને પરીક્ષાની સમાજવ્યવસ્થા પર હકારાત્મક અસર પડશે.


Tuesday, March 15, 2016

‘રમતના નિયમો’ સાથે રમત

સ્ટેડિયમમાં ક્રિકેટમેચ ચાલી રહી છે. બેટ્‌સમેન ફટકો મારીને રન દોડે છે, પણ ફિલ્ડર બોલ રોકે અને પાછો ફેંકે તે પહેલાં નજીક ઊભેલા બે ફિલ્ડરો જઇને દોડતા બેટ્‌સમેનના પગે ચોંટી પડે છે અને તેને ગબડાવીને તેની ઉપર ચડી બેસે છે. બીજા ફિલ્ડરો પણ ધસી આવે છે ને  ભોંય પર પડેલા બેટ્‌સમેનની ઉપર ખડકાય છે. સામે છેડે રહેલો બેટ્‌સમેન રમતના નિયમોની આણ આપીને ફરિયાદ કરે છે, ત્યારે ફિલ્ડરો બેશરમીથી કહે છે,‘અમે નિયમ પ્રમાણે જ રમીએ છીએ--કબડ્ડીના નિયમ પ્રમાણે. એમાં તો ખેલાડીને આવી રીતે જ આઉટ કરવાનો હોય.’

એવામાં બોલ રોકનાર ફિલ્ડર દોડતો આવીને સ્ટમ્પ ખેરવી નાખે છે. એટલે ફિલ્ડરો ફરી કપડાં ખંખેરીને ઊભા થાય છે અને કહે છે, ‘તમે નિયમોની વાત કરતા હતા ને? લો, હવે તો ક્રિકેટના નિયમ પ્રમાણે પણ આઉટ ખરો કે નહીં?’ ઘણા પ્રેક્ષકો ફિલ્ડરોની ‘રમત’ પર ફીદા થઇ જાય છે અને ‘ભલે કબડ્ડીના તો કબડ્ડીના, પણ નિયમ તો પાળ્યા ને. તેમણે જે કંઇ કર્યું તે જીતથી રાષ્ટ્રનું ગૌરવ વધારવા માટે જ છે ને’ એમ કહીને ફિલ્ડિંગ ટીમની રાષ્ટ્રભક્તિનાં વખાણે ચડી જાય છે. ‘ક્રિકેટની રમતમાં કબડ્ડીના નિયમથી આઉટ ન કરાય’ એવી દલીલ કરનાર લોકોને રાષ્ટ્રવિરોધી કે દેશદ્રોહી ગણવામાં આવે છે. કારણ કે ‘તેમનાથી દેશની ટીમ જીતે એ સહન થતું નથી.’

આ વાત લાગે છે એટલી કાલ્પનિક નથી. કનૈયાકુમારનો કિસ્સો તેનું તાજું ઉદાહરણ છે. તેની સાથે સંકળાયેલો લાગણીનો વંટોળ શમ્યા પછી ખરેખર શું બન્યું, એ વિશે સ્વસ્થતાથી વિચારવા જેવું છે. જાહેર જીવન માટે એ જરૂરી પણ છે.

કનૈયાકુમારનું નામ આવતાં જ ઘણાની ફેણ ચડી જશે.  ‘આ દેશદ્રોહનો મામલો છે. ક્રિકેટની રમત નથી. એને હળવાશથી ન લેવાય.’ એવી દલીલ વીંઝાશે. પરંતુ શાંત ચિત્તે વિચારજો : સવાલ દેશભક્તિનો હતો કે સરકારભક્તિનો? દેશ એટલે દેશના કાયદાકાનૂન-બંધારણ કે સત્તાધારી પક્ષ? દેશભક્તિ એટલે પોતાના વિચારવિરોધીઓને દેશદ્રોહી ઠેરવવા તે?

કનૈયાકુમાર સામેનો મૂળ આરોપ એ હતો કે તેણે દેશની બરબાદીનાં અને દેશથી અલગ થવાનાં- દેશથી આઝાદીનાં સૂત્રો પોકાર્યાં. તેન વિડીયો પુરાવા રજૂ કરાયા. આ પ્રકારનો સૂત્રોચ્ચાર કનૈયાકુમારે કર્યો હોય તો રાજદ્રોહનો આરોપ લાગે કે નહીં, એ વિશે સન્માન્ય ન્યાયવિદો વચ્ચે મતભેદ હતો. (અલબત્ત, નિર્ણય તો અદાલતે કરવાનો હતો.) ત્યારે પોતાની જાતને દેશભક્ત ગણાવતું ટોળું અદાલતને બાજુ પર હડસેલીને કનૈયાકુમારને ‘પાઠ ભણાવવા’ અધીરું બન્યું હતું. કારણ? ‘અમે દેશવિરોધી સૂત્રો પોકારનારને નહીં સાંખી લઇએ.’

પરંતુ કનૈયાકુમારને દેશવિરોધી સૂત્રોચ્ચારમાં દેખાડતો વિડીયો છેડછાડગ્રસ્ત (ડૉક્ટર્ડ) હોવાનું જણાયું. તેની ભાષણ આપતી તસવીરમાં પાછળ વિભાજિત ભારતનો નકશો ગોઠવીને એને કનૈયાકુમારની દેશદ્રોહી વૃત્તિની સાબિતી તરીકે ખપાવવામાં આવ્યો. પતિયાલા હાઉસ કૉર્ટના પ્રાંગણમાં, પોલીસની હાજરીમાં વકીલો અથવા વકીલોના વેશમાં રહેલા ગુંડાઓએ કનૈયાકુમારની મારઝૂડ કરી. ‘રમતના નિયમો’નો આવો ભંગ રાજદ્રોહ જેવી ગંભીર નહીં, રમત જેવી હળવી બાબતમાં પણ કોઇ ચલાવી ન લે. છતાં, જે આરોપનો કશો પ્રથમદર્શી પુરાવો ન હતો--બલ્કે, એના ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા--એ આરોપ આગળ ધરીને બધી ગુંડાગીરી વાજબી ઠરાવવામાં આવી.

નવાઇની વાત એ હતી કે ધરપકડ પહેલાં કનૈયાકુમારના ભાષણની એકમાત્ર ઉપલબ્ધ વિડીયોમાં તો તેણે દેશવિરોધી નારાબાજીની ટીકા કરી હતી. સાથોસાથ, ભાજપ-સંઘ પરિવારના રાજકારણનાં  આક્રમક શૈલીમાં છોતરાં કાઢ્‌યાં હતાં. વાંધો ખરેખર અને માત્ર સૂત્રોચ્ચાર સામે જ હોત તો, કનૈયાકુમારની રાષ્ટ્રદ્રોહના આરોપ હેઠળ ધરપકડ થઇ ચૂકી હતી ને પોલીસ એની પૂછપરછ કરતી હતી. કહેવાતા ‘રાષ્ટ્રવાદીઓ’ રાહ જોઇ શક્યા હોત. પણ અહીં તો ભાજપ-સંઘ પરિવારનો આકરો વિરોધ કરનાર વિદ્યાર્થી સંગઠનો અને તેમને મોકળાશ આપનાર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી પર દાંત ભીંસીને હુમલો કરવાની તક મળી હતી. એ છોડાય?

ફરી ક્રિકેટની રમતમાં કબડ્ડીના દાવપેચ શરૂ થયા. જે કૅમ્પસમાં ચહેરા પર કપડું ઢાંકીને થોડા લોકો દેશવિરોધી સૂત્રો બોલ્યા એ આખેઆખી યુનિવર્સિટીને ‘બંધ કર દેવી જોઇએ’ એવું બૂમરાણ મચ્યું.  ધરપકડ પહેલાંની અસલી વિડીયોમાં કનૈયાકુમાર દેશવિરોધી સૂત્રોનો વિરોધ કરતો સંભળાયો ત્યારે કબડ્ડીના ખેલાડીઓએ દલીલ કરી કે ‘કનૈયા પોતાના માટે બચાવ માટેની ભૂમિકા ઊભી કરી રહ્યો હતો.’ તેની સીધી સામેલગીરીની વિડીયો પોકળ નીકળતાં કહેવાયું કે ‘કનૈયાકુમાર ભલે સૂત્રો ન બોલ્યો હોય, પણ સાથે તો ઊભો જ હતો અને આવાં સૂત્રો અટકાવવાની તેની જવાબદારી હતી.’ ટૂંકમાં, કનૈયાકુમાર સૂત્રો ન બોલ્યો હોય- વિડીયો જૂઠી હોય તો પણ એ દેશદ્રોહી છે. કારણ? અમે એવું કહીએ છીએ. જે અમારી દલીલોની અતાર્કિકતા ભણી આંગળી ચીંધશે એને પણ અમે દેશદ્રોહીઓના સમર્થક ગણાવીશું.

જામીન મળ્યા પછી બહાર આવીને કનૈયાકુમારે ફરી એક ભાષણ કર્યું. જોશીલું, ડાબેરી વિદ્યાર્થીનેતાને છાજે એવું ભાષણ. સ્મૃતિ ઇરાનીના ને નરેન્દ્ર મોદીના ભાષણોની અસર ભૂંસીને આ ભાષણ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બની ગયું. એટલે ‘ફિલ્ડરો’ ફરી નિયમ બદલવાના કામે લાગી ગયા. ભાજપી નેતાગીરીનો ગઢ ગણાતી ભાષણબાજીમાં કનૈયાકુમાર ટક્કરનો ખેલાડી પુરવાર થયો એટલે ‘વક્તૃત્વકળાથી અભિભૂત થવું નહીં’ એવા શાણપણનો વરસાદ વરસવા લાગ્યો. આવી ઠાવકાઇ દેખાડનારા સહેલાઇથી ભૂલી ગયા કે અઠવાડિયા પહેલાં નકરી વક્તૃત્વકળાથી છલકાતા સ્મૃતિ ઇરાનીના ભાષણનો તેમનામાંથી ઘણાએ જયજયકાર કર્યો હતો. ખુદ વડાપ્રધાન પણ લોકરંજક વક્તૃત્વના અઠંગ ખેલાડી અને અઢળક લાભાર્થી છે.

લોકપ્રિય વક્તાઓની હરોળમાં જેવો કનૈયાકુમારનો ઉમેરો થયો એ સાથે જ, દેશવિરોધી સૂત્રોચ્ચારનો આરોપ ગૌણ, નકલી વિડીયોની હકીકત ગૌણ, વકીલોએ કરેલો હુમલો ગૌણ અને ચોટદાર ભાષણ આપવાનો ‘ગુનો’ જાણે મુખ્ય બની ગયો. તેના પરિવાર, આવક અને અભ્યાસ વિશે ઉશ્કેરાટભર્યા સવાલ પૂછાવા લાગ્યા. ‘આટલી મોટી ઉંમરે અને આટલી ગરીબ સ્થિતિમાં તે જેએનયુમાં શું કરે છે?’  ભાજપની પણ વિદ્યાર્થીપાંખ છે એ હકીકત બાજુ પર રાખીને, ‘વિદ્યાર્થીઓએ રાજકારણથી દૂર રહેવું જોઇએ’ એવી સલાહો અપાવા લાગી.

કનૈયાકુમારને સામાન્ય વિદ્યાર્થીનેતામાંથી કામચલાઉ નાયક બનાવવા માટે તેના પ્રશંસકો કરતાં વધારે તેના વિરોધીઓ કારણભૂત છે. એમાંથી જે લોકો પોતે વિચારધારામાં કે વ્યક્તિભક્તિમાં હકીકતો પ્રત્યે આંખ આડા કાન કરતા હોય અને બીજાને વ્યક્તિપૂજાનાં કે વક્તવ્ય પર મોહી પડવાનાં નુકસાન સમજાવે, એ લોકો (ખેલાડી તરીકે) અંચઇ કરતાં કરતાં અમ્પાયર બની ગયા હોય એવા લાગે છે.

Thursday, March 10, 2016

એક ‘રાષ્ટ્રવાદી’ની ડાયરીનાં પાનાં

દેશમાં આજકાલ બીજાને દેશદ્રોહી ગણાવીને પોતાના દેશપ્રેમનો છાકો પાડવાની સીઝન ચાલે છે-- આવું એક વાક્ય લખવા બદલ તો ઠીક, વાંચવા બદલ પણ ‘દેશદ્રોહી’ કે ‘દેશદ્રોહીના સમર્થક’ તરીકેનો ઠપકો સાંભળવો પડે એવી સ્થિતિ છે. પોતાના દેશપ્રેમનો ઝંડો ૨૦૭ ફૂટ ઊંચાઇએ ફરકાવવાની આનાથી વધારે સહેલી રીત કઇ હોઇ શકે? આવા, અવતરણ ચિહ્ન સાથેના રાષ્ટ્રવાદીની કાલ્પનિક ડાયરીનાં વાસ્તવિક લાગી શકે એવાં કેટલાંક પાનાં.
***

આજે ભારતમાતાનું મસ્તક શાનથી ઊંચું થઇ ગયું. (આજકાલ  ભારતમાતા સાથે આપણું ડાયરેક્ટ ડાયલિંગ ચાલે છે) ફેસબુક પર મેં ૧૭ જણને દેશદ્રોહી કહીને ખખડાવી માર્યા. બિચારા કશો જવાબ ન આપી શક્યા. ‘તમારી જોડે વાત કરવાનો કશો અર્થ નથી’ એવી કાયરતાપૂર્ણ દલીલ કરીને એ જીવ બચાવીને નાસી છૂટ્યા. આવા દેશદ્રોહી કાયરોને લીધે જ આપણો દેશ વિદેશી આક્રમણો સામે હારતો રહ્યો છે. બાકી, શહાબુદ્દીન ઘોરી ચઢી આવ્યો ત્યારે અમારા જેવા રાષ્ટ્રભક્તો હોત ને ફેસબુક હોત, તો ઘોરીને એવો પાઠ ભણાવ્યો હોત કે તેને સોશ્યલ મિડીયા છોડીને નાસી  જવું પડ્યું હોત.

જોયું? અમારી તાલીમની આ જ ખૂબી છે. અમારો ઇતિહાસ બહુ પાકો. અમે કોઇ પણ ઘટનાને ઇતિહાસ સાથે જોડી પાડીએ અને તેમાંથી એવો બોધપાઠ તારવીએ કે સેક્યુલરિયાઓની છૂટ્ટી થઇ જાય. અમારા ઇતિહાસમાં તો એવું જ આવે છે કે આ દેશ આટલો બધો પાછળ રહ્યો તે સેક્યુલરિસ્ટોને લીધે. જ્ઞાતિના ભેદભાવ બદમાશ સેક્યુલરિસ્ટો લાવ્યા. વિદેશી આક્રમણો પણ સેક્યુલરિસ્ટોનું જ કાવતરું હતાં. એમાં સીધી સામેલગીરી નહીં હોય તો પણ, નૈતિક જવાબદારી તો એ લોકોની જ કહેવાય. (હા, અમારા કોર્સમાં ‘નૈતિક જવાબદારી’ એ શબ્દ ચોક્કસ સંદર્ભમાં આવે છે ખરો) અમારું ચાલે તો આ સેક્યુલરિસ્ટોને મારી મારીને એમની મનપસંદ સરહદેથી દેશની બહાર કાઢી મૂકીએ...‘એમની મનપસંદ સરહદેથી’ એટલા માટે કે અમે કંઇ સેક્યુલરિસ્ટો ચીતરવા માગે છે એવા અસહિષ્ણુ નથી. અમે તો ફક્ત રાષ્ટ્રવાદી છીએ ને એનું અમને ગૌરવ છે. 

***

અત્યાર સુધી અમારી રાષ્ટ્રવાદી લાગણી વ્યક્ત કરવામાં અમને બહુ મર્યાદા નડતી હતી. કારણ કે અમારું કાર્યક્ષેત્ર નાનું હતું. ફક્ત લઘુમતીઓના રાષ્ટ્રપ્રેમ ઉપર જ અમે જાહેરમાં શંકા કરી શકતા હતા અને તેમને દરેક વખતે પોતાની રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાની ફરજ પાડી શકતા હતા. JNUયુવાળી બબાલથી મોટો ફાયદો એ થયો કે અમારી પ્રવૃત્તિનો મોટા પાયે વિસ્તાર થયો છે. હવે ન ગમતા હિંદુઓને પણ અમે લાઇનમાં ઊભા કરી દઇએ છીએ અને એમનો કાંઠલો પકડીને દેશપ્રેમનાં પ્રમાણપત્રો માગી શકીએ છીએ. એ લોકો JNUની તરફેણમાં કે પછી કનૈયાકુમારની તરફેણમાં કે કાયદા-બંધારણ વિશે કંઇ પણ બોલવા જાય, તો એમને ગદ્દાર, દેશદ્રોહી, દેશદ્રોહીઓના સમર્થક--એવું બઘું કહેવાની બહુ મઝા આવે છે. જોકે, એ લોકો એવા નફ્‌ફટ છે કે તેમને કશી અસર જ નથી થતી. એ જ તેમના દેશદ્રોહી હોવાનો પુરાવો નથી? બાકી, અમને કોઇ દેશદ્રોહી કહે તો અમે સહન ન કરી લઇએ...અમે એમને દેશદ્રોહી ઠરાવીને જંપીએ. 

અમારામાં પણ કેટલાક દોઢડાહ્યા હોય છે. એક જણો કહે કે આમ આપણે હિંદુઓને એક કરવાની વાત કરીએ છીએ, તો અત્યારે આપણે જે ધંધા આદર્યા છે તેનાથી હિંદુઓમાં વિભાજન નહીં થાય? એમને કોણ સમજાવે કે આવું બધું વિચારવાનું કામ ‘ઉપરવાળા’નું છે. આપણે બધા વિચારતા થઇ જઇશું તો દેશ માટે કાર્ય કોણ કરશે? તર્ક, બંધારણ ને કાયદાની વાતો કરવી એ તો દેશદ્રોહી, ડાબેરી, સેક્યુલરિસ્ટ, JNUતરફીઓનું કામ છે.

બહુ મોડું થયું છે...આજે સૂવામાં તો ખરું જ, પણ આ બધા દેશદ્રોહીઓને ડામવામાં પણ. JNUને ક્યારની બંધ કરી દીધી હોત અને એ જગ્યા પર (રક્ષાશક્તિની જેમ) દેશભક્તિ યુનિવર્સિટી ખોલી દીધી હોત, તો આ દિવસ જોવાનો ન આવ્યો હોત.

***

આજે બપોરે એક લારીવાળો ફ્‌લેટની નીચે કેળાં વેચવા આવ્યો હતો. એની બૂમથી મારી ઉંઘ ઉડી ગઇ અને હું જોવા ઉઠ્યો કે કયો દેશદ્રોહી મારી ઉંઘ બગાડીને, મારી તબિયત અને સરવાળે દેશની તબિયત બગાડવાનું કાવતરું કરી રહ્યો છે. બાલ્કનીમાંથી જોયું, તો એનાં કેળાં પણ પીળાં ઓછાં ને લીલાં વધારે હતાં. મને થયું કે દેશહિતમાં જાતતપાસ કરવી પડે એવો મામલો છે.

નીચે જઇને મેં કેળાવાળાને ઝાલ્યો. મને જોઇને એ સામે જોઇને હસ્યો, નમસ્તે કર્યા અને પૂછ્‌યું,‘કેમ આજે તમારે આવવું પડ્યું સાહેબ? કેટલાનાં કરું?’ મેં જરાય હસ્યા વિના, કડક ચહેરે કહ્યું,‘એ બધી વાત પછી. પહેલાં તું એ પુરવાર કર કે તું દેશદ્રોહી નથી.’ એ મૂંઝાઇ ગયો. એટલે મારી શંકા વધારે દૃઢ બની. મેં કહ્યું,‘આમ ગાલાવેલા થવાની જરૂર નથી. સીધેસીઘું કહી દે. તો કદાચ તને ક્ષમા આપીશ. પણ એક વાર ના પાડ્યા પછી તું દેશદ્રોહી પુરવાર થશે તો તને ફાંસીની સજા અપાવવાની તજવીજ મારે કરવી પડશે.’

એનો ચહેરો જોવા જેવો થઇ ગયો. કહે, ‘સાહેબ, હું ગરીબ માણસ છું. દેશદ્રોહી નથી. મને આવી બધી બાબતોમાં ખબર ન પડે. કેળાં તમે કહો એટલાં કરી દઉં. તમે કહેતા હો તો રૂપિયાનું પણ નહીં પૂછું.’ મેં ઉપરથી એને તતડાવ્યો,‘દેશદ્રોહી થઇને મને લાંચ આપવાની વાત કરે છે? અને એવું સમજે છે કે તારાં કેળાની લાંચ લઇને હું તારા દેશદ્રોહ ઉપર ઢાંકપિછોડો કરીશ? તારી ભૂલ થાય છે. હું હાડોહાડ દેશપ્રેમી છું. દેશદ્રોહીઓને હું આકરામાં આકરી સજા અપાવીને જંપીશ.’

એણે લારી પાછી વાળવાની તૈયારી કરી. એટલે મેં એને ઉભો રાખ્યો, ‘સારું, ડઝન કેળાં કરી દે--પણ એક મિનીટ, આ કેળાં દેશદ્રોહી નથી ને? મને દેશદ્રોહીઓની સખત એલર્જી છે.’

***

વચ્ચે બે દિવસ ડાયરી લખવામાં ખાડો પડ્યો. તબિયત નરમગરમ હતી. ઝીણો તાવ, પેટમાં ગરબડ અને મનમાં અસુખ લાગતું હતું. અમારા ફૅમિલી ડૉક્ટર બહુ હુંશિયાર છે. એમણે મને તપાસ્યો અને તબિયત સિવાયની આડીઆવળી વાતો શરૂ કરી. મેં કહ્યું,‘ડૉક્ટર, અહીં મારો જીવ જાય છે ને તમે બીજી વાતો કરો છો?’


ડૉક્ટરે હસીને કહ્યું,‘તમને કશું નથી થયું, એ પાકું કરવા માટે જ હું બીજી વાતો કરતો હતો. એમાંથી તમારા અસુખનું કારણ પકડાઇ ગયું. છેલ્લા બે દિવસથી તમે કોઇને દેશદ્રોહી કહ્યા નથી, એટલે તમારું પેટ ચડ્યું છે. ઘરે જઇને સૌથી પહેલાં ફેસબુક ખોલજો અને જે ઝપટમાં આવે એવા બે-ચાર જણને દેશદ્રોહી કહી દેજો. પછી પણ તકલીફ ચાલુ રહે તો મને કહેજો.