Saturday, November 29, 2008

સુરસંવાદ પરથી ‘દૂરસંવાદ’

સીડનીના ગુજરાતી એફએમ રેડિયો ‘સુરસંવાદ’ પરથી, તેનાં સંચાલક આરાધના ભટ્ટે લીધેલો મારો ટેલિફોનિક ઇન્ટરવ્યુ આવતી કાલે પ્રસારિત થશે. તે વેબ પર પણ સાંભળી શકાશે.
થોડાં અઠવાડિયાં પહેલાં ફોન પર થયેલી વાતચીતમાં આરાધનાબહેને ‘હા તો ઉર્વીશભાઇ, આપનું નામ જણાવશો?’ એવા ‘ક્લાસિકલ’ સવાલો પૂછવાને બદલે, સમસામયિક વિષયો પર મોકળાશથી વાત (અને ‘બેટિંગ’:-) થઇ શકે એવા સવાલો પૂછ્યા હતા. એટલે મઝાની વાતચીત થઇ હતી. તેનું વ્યવસ્થિત એડિટ થયેલું સ્વરૂપ સાંભળવા ઇચ્છતા સૌ માટે સંપર્ક સરનામું http://www.sursamvaad.net.au/

‘તાજના સાક્ષી’ અદાણીઃ પહેલો પુરૂષ, બે વચન ?

મુંબઇની હોટેલ તાજમાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ હતા. એ હેમખેમ ઉગરી ગયા, પણ કેવી રીતે તેમનો છૂટકારો થયો એ વિશે ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ માં સાવ જુદા સમાચાર છે. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિએ પહેલા પાને છાપેલા સમાચારનું મથાળું હતું: ‘ગૌતમ અદાણી ફેલ્ટ સેફ ઇન તાજ ટોઇલેટ.’

સમાચારમાં જણાવાયું હતું કે અદાણી તાજના રેસ્ટોરાંમાં બેઠા હતા ત્યારે તેમણે ૧૫ ફૂટ દૂરથી ત્રાસવાદીઓને જોયા. અદાણી પહેલાં હોટેલના રસોડામાં અને ત્યાર પછી ટોઇલેટમાં સંતાઇ રહ્યા, જ્યાં પહેલેથી બે આફ્રિકનો મોજૂદ હતા. અદાણીએ ‘ટાઇમ્સ’માં જણાવ્યા પ્રમાણે, દુબઇ પોર્ટ ટ્રસ્ટના સીઇઓ સાથે જમીને એ તરત નીકળી ગયા હોત તો ત્રાસવાદીઓ એમને લોબીમાં જ મળત અને મુસીબત થાત. પણ તેમણે કોફી પીને જવાનું નક્કી કર્યું.

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અદાણી બે કલાક રસોડામાં રહ્યા. ત્યાંથી બેઝમેન્ટ અને લોનમાં થઇને એમને બિઝનેસ લોન્જમાં લઇ જવાયા. ત્યાં બેસીને એમણે બધા સાથે ફોન પર વાતો કરી અને માન્યું કે આફત ટળી ગઇ છે. એવામાં લોન્જની બહાર ગ્રેનેડ ફેંકાતા એ ટોઇલેટમાં સંતાવા ગયા.

‘દિવ્ય ભાસ્કર’માં પ્રગટ થયેલા અદાણીના બયાન પ્રમાણે, ‘પેમેન્ટ ચૂકવીને ઊભા જ થતા હતા ત્યાં તો દસથી બાર ફૂટ દૂર મેં ત્રણ-ચાર લબરમૂછિયા બલકે નવલોહિયા જવાનોને હાથમાં એકે ૪૭ રાઇફલ સાથે હોટેલમાં ધસી આવતા જોયા.’ ત્યાર પછીના લાંબા બયાનમાં તેમનાં સલામત રીતે સંતાવાનાં સ્થળો આ પ્રમાણે છેઃ કિચનની સર્વિસ એન્ટ્રી તરફથી બેઝમેન્ટમાં - ત્યાંથી ઉપરના માળે આવેલા તાજ ચેમ્બર હોલમાં- ત્યાંથી પોલીસવાનમાં અને છેલ્લે ચાર્ટર પ્લેનમાં. આ સ્થળોમાં ટોઇલેટનો ઉલ્લેખ ક્યાંય આવતો નથી
બન્ને બયાનો પહેલા પુરૂષ એકવચનમાં હોય અને તેમાં આવો વિરોધાભાસ હોય, તેને શું કહેવાય? પહેલો પુરૂષ, બે વચન?

Friday, November 28, 2008

મુંબઇઃ આતંકવાદ, તકવાદ અને તક

કોઇ દિલધડક મસાલા ફિલ્મનાં દ્રશ્યોની નહીં, આખેઆખી ફિલ્મની યાદ અપાવે એવા મુંબઇ પરના ત્રાસવાદી હુમલા વિશે પ્રતિક્રિયા આપવા માટે યોગ્ય શબ્દો જડતા નથી. કારણ કે બધા શબ્દો કોમવાદી-પ્રાંતવાદી રાજકારણમાં રગદોળાઇને નકામા થઇ ચૂક્યા છે.

શિવસેનાની ગુંડાગીરીનો ભોગ બની ચૂકેલા મરાઠી લોકસત્તાના તંત્રી કુમાર કેતકરે આજે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં આજે ફરી એક વાર મુંબઇની મુશ્કેલીઓની સાથોસાથ સહિષ્ણુતાના પાઠની વાત યાદ કરી છે. લગે હાથ એમણે ‘મોરબીડ કોઇન્સીડન્સ’ (દુઃખદ યોગાનુયોગ) તરીકે એ પણ યાદ કર્યું છે કે આ હુમલા ‘એ વેનસડે’ના રોજ થયા.

આવી કોઇ પણ પ્રકારની દુર્ઘટનાની નૈતિક જવાબદારીમાંથી સરકાર છટકી શકતી નથી. આપણા માટે સવાલ એ છે કે આ બાબતમાં બધી સરકારો એકસરખી નિષ્ફળ સાબીત થઇ છે. કારણ કે રાજકીય પક્ષો રાષ્ટ્ર પરના હુમલા જેવા પ્રસંગે પણ તકવાદ છોડી શકતા નથી. એમનો ઘાટ ‘સબકો અપની હી કીસી બાત પે રોના આયા’ જેવો હોય છે. નાગરિકો અને દેશ પડે વસઇની ખાડીમાં.

એક વાત વારંવાર સંભળાય છેઃ અમેરિકામાં ૯/૧૧ પછી એક પણ હુમલો થયો નથી, ને આપણા દેશમાં વારંવાર કેટલા બધા હુમલા? કારણ કે, આપણી સરકારો નક્કામી છે. એ ખરૂં. પણ અમેરિકાની આર્થિક તાકાત, સલામતી પાછળ અઢળક ડોલરનો ઘુમાડો કરવાની ક્ષમતા અને ત્રાસવાદીઓએ અમેરિકામાં પેસાડી દીધેલી- હજુ નહીં ઓસરેલી ફડકને સાવ નજરઅંદાજ કરવા જેવાં નથી. છાશવારે અમેરિકામાં ત્રાસવાદી હુમલાની એલર્ટ અપાય છે અને લોકોના દિમાગની નસો તંગ થઇ જાય છે.

સરકારો અને રાજકીય પક્ષો નકામા અને તળીયા વગરના લોટા જેવા છે એ તો જાણે ચર્ચાથી પર બની ગયેલી હકીકત છે. પણ એ પક્ષો છેવટે લોકશાહીમાં અને પ્રજાના મતથી કામ કરે છે, એ પણ ઘણી વાર યાદ આવે છે. થાય કે એક બાજુ દરિયો ને બીજી બાજુ દૈત્ય (‘ડેવિલ એન્ડ ડીપ સી’નું ‘પ્રકાશશાહી’ ગુજરાતી). આપણે જવું ક્યાં? એ નિરાશા સાચી છે. એ સમયે આમજનતા ઉશ્કેરાટ અને અસહિષ્ણુતાના ચગડોળે ચડવાને બદલે સમભાવ અને સદ્ભાવથી કામ લે, તો રાજનેતાઓ અને પક્ષોને પણ લાંબા ગાળો પોતાની પ્રાથમિકતાઓ બદલવાની ફરજ પડે. કમ સે કમ એવી આશા રહે.

બાકી, હમણાં સુધી તો રાજ ઠાકરેઓને લીલાલહેર છે. કોઇ કહેનાર-પૂછનાર નહીં. બહાર રહો તો પણ હીરો. જેલમાં જાવ તો પણ હીરો. ગુજરાતની રાજકારણસર્જિત કે તાપીના પુર જેવી આફતો વખતે મૌન ધારણ કરી લેતા ગુજરાતના મુખ્ય મંત્રી હોંશથી મુંબઇને અને કેન્દ્રને શિખામણો આપે ત્યારે શું કહેવું? મોદી કાયદો-વ્યવસ્થા અને સલામતી જાળવવાનું શીખવાડે એ આખી વાત વિરોધાભાસી છે. અને ગમે તેટલો ઉત્સાહ હોય, પણ આવી સ્થિતિમાં મુંબઇ દોડી જવામાં કેટલી સેવા થાય? ને કેટલી સસ્તી પબ્લિસિટી?

ભાજપ હોય કે કોંગ્રેસ, શિવસેના હોય કે નવનિર્માણ સેના, આ લોકોનાં લક્ષણ આવાં ને આવાં રહ્યાં, તો આપણે મરી રહ્યા છીએ એમ જ મરતા રહેવાના! અને આવા નેતાઓ અને પક્ષોને ચલાવી લેવા, પોષવા અને પ્રોત્સાહિત કરવા બદલ આપણો પણ એમાં હિસ્સો હોવાનો.

Wednesday, November 26, 2008

કલઇઃ વાસણોની, તિજોરીની અને સ્મૃતિઓની

જમાનો બદલાય અને વપરાશની ચીજવસ્તુઓ બદલાય, એમ ભાષાના પ્રયોગોમાં પણ ફેરફાર થાય છે. ‘અમુલ બટર’ પહેલાં ખાનગી માલિકીની ‘પોલસન’ ડેરીના યુગમાં મસકા મારવા માટે ‘પોલ્સન મારવા’ એવો શબ્દ ગુજરાતીમાં પ્રચલિત હતો. (‘રહેવા દો ભાઇ, ખોટા પોલસન ના મારશો!’) એ જમાનામાં કોઇના રૂપિયા ચાંઉ કરી જવા માટે શબ્દપ્રયોગ હતોઃ કલઇ કરી નાખવી. દા.ત. વોલસ્ટ્રીટના ઇન્વેસ્ટમેન્ટ બેન્કરોએ અમેરિકાના અર્થતંત્રની કે કેતન પારેખે સહકારી બેન્કોની કલઇ કરી નાખી કહેવાય.

બોલચાલની ભાષામાં ‘કલ્લઇ’ તરીકે ઓળખાતી કલઇ (કે કલાઇ) પિત્તળનાં વાસણો માટેની આવશ્યક ચીજ હતી. એ સમયે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો ‘લક્ઝરી’ ગણાતાં અને ઘરગથ્થુ વપરાશનાં વાસણોમાં એલ્યુમિનિયમ- જર્મન સિલ્વર ઉપરાંત પિત્તળનાં વાસણો મોટા પ્રમાણમાં રહેતાં. બહારથી સોના જેવો દેખાવ અને અંદર ચાંદી જેવી સફેદી, એ પિત્તળનાં વાસણોની ખાસિયત. (એટલે સોનાને ઊંચું દેખાડવા તેની સરખામણી સરખો દેખાવ ધરાવતા પિત્તળ સાથે કરવામાં આવતી હતી.) પિત્તળનાં વાસણો લાગે મજાનાં. હોય પણ ખાસ્સાં વજનદાર. તેની મોટી મર્યાદા એ કે થોડા થોડા વખતે તેની અંદરની સફેદ ચમક ક્ષીણ થવા લાગે અને અંદરની સપાટી કાળાશ ધારણ કરતી જાય. એ વખતે ફુવડ ન હોય એવી ગૃહિણીઓ વાસણને કલઇ કરાવે.

(વાસણને) કલઇ કરનારા એ વખતે મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. નાની સાઇઝના કોલસા, હેન્ડલવાળી યાંત્રિક ફૂંકણી, જેનાથી કોલસાને જલતા રાખી શકાય, નવસારનો ભૂકો, કલઇનો ટુકડો અને રૂનો પેલ- આટલો એમનો અસબાબ. એક ગુણીમાં આ બઘું નાખીને એ લોકો ફરે. જ્યાં કલઇ કરવાનો ઓર્ડર મળે, ત્યાં એ મહોલ્લામાં બાજુ પર કે સડકના કિનારે અડ્ડો જમાવે. પેલી યાંત્રિક ફૂંકણી જમીનસરસી રાખે અને તેની પાઇપ જમીનમા નાખે. એ પાઇપના બીજા છેડેના ખાડામાં દેવતા સળગાવવામાં આવે.

હેન્ડલ ફેરવવાથી ફૂંકણીમાંથી વાતો પવન બીજા છેડે દેવતાને પહોંચે અને દેવતા રાખોડી ખંખેરીને ઝગઝગે. ગૃહિણીઓ તપેલી-તપેલાં, તાંસળાં, કથરોટ, વઘારિયાં, કડછા, થાળી-વાટકી- પ્યાલા જેવાં વાસણોનો ઢગ કરી જાય. કલઇવાળા ભાઇ વાસણ હાથમાં લે, પછી કલઇનો નાનો ટુકડો ગરમ વાસણની અંદરની સપાટી પર ઘસે અને તેની પર નવસારના પાવડરમાં રગદોળેલો રૂનો મોટો ગુચ્છ ફેરવે. વાસણોને કલઇ થતી હોય, ત્યારે એની વિશિષ્ટ સુગંધ આવે.

ઘણા વખતથી નાકથી દૂર થઇ ગયેલી એ સુગંધ આજે હવામાંથી આવી, ત્યારે તરત ઓળખાઇ ગઇ. જોયું તો એક કાકા લારીમાં કલઇનો સામાન લઇને નીકળ્યા હતા. એમનું નામ વસંતભાઇ. ‘ક્યારથી ધંધો કરો છો?’ એવું પૂછ્યું, તો એમનો જવાબ,‘જવાહરલાલ નેહરૂના જમાનાથી.’

‘કાકા, કલઇનો ધંધો ચાલે છે હજુ? ’ એવું પૂછ્યું એટલે કાકા કહે,‘ભાઇ, માણસ મરી જાય. ધંધા થોડા મરી જાય? એ તો ચાલુ જ રહે.’

‘કલઇકામ ક્યાં મળે? લોકો તો પિત્તળનાં વાસણ બહુ રાખતા નથી.’ ‘હજુ વાડીઓમાં પિત્તળનાં વાસણ વપરાય છે. જૈન અપાસરા (ઉપાશ્રયો)માં પણ કામ મળે.’

હું સ્કુટર પર હતો ને કાકા જવાની ઉતાવળમાં. એટલે કલઇની સુગંધ અને એ ધંધા વિશેની જાણકારી તાજી કરાવવા બદલ એમનો આભાર માનીને હું ઓફિસે આવવા નીકળ્યો.
ફોટો ૧: કલઇની મિકેનિઝમ
ફોટો ૨: કલઇના ટુકડાનો ક્લોઝ-અપ


Tuesday, November 25, 2008

વયવિહીન (‘એજલેસ’) કલમ અને કેમેરા

ગુજરાતી છાપાં-સામયિકોના વાચકોના લાભાર્થે આ ‘ઐતિહાસિક’ જુગલબંદીની ‘લાક્ષણિક’ તસવીર મુકી છે, જે અમદાવાદમાં થોડા સમય પહેલાં યોજાયેલા વૃદ્ધોના લગ્નમેળામાં ‘ટીવી- ૯’ના મિત્ર પુરવ પટેલે લીધી હતી. તસવીરમાં આગળ કાંતિ ભટ્ટ છે અને તેમની પાછળ ટ્રેડમાર્ક ફેલ્ટ સાથે ઝવેરીલાલ મહેતા બેઠા છે. બન્ને મહાનુભાવો કાર્યક્રમમાં મહેમાન હતા એટલી સ્પષ્ટતા.

નોંઘઃ છેલ્લા થોડા દિવસોથી કામની ભારે વ્યસ્તતાને કારણે બ્લોગ પર પોસ્ટિંગ મુકી શકાયાં નહીં, પણ હવે ફરી રાબેતા મુજબ...

રેન્ડમ એક્સેસઃ એક દસકો બરાબર એક યુગ?

ટેકનોલોજીની ઝડપી પ્રગતિના જમાનામાં બદલાવની ગતિ એટલી તેજ છે કે બે-પાંચ વર્ષ જૂની વાત હોય, એ વર્ષોજૂની લાગે અને દાયકો વીતે એમાં આખો યુગ પસાર થઇ ગયાનો અહેસાસ થાય.

આ બઘું અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા સાયબર કાફે ‘રેન્ડમ એક્સેસ’ પર ‘વેચવાનું છે’નું પાટિયું જોઇને યાદ આવ્યું. ‘રેન્ડમ એક્સેસ’ અમદાવાદનું પહેલું સાયબર કાફે હતું. ભૂલતો ન હોઊં તો, એ વખતની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની ‘જિંદાલ ઓનલાઇન’ની માલિકીનું જ હતું. એ ૧૯૯૭ની આસપાસ ખૂલ્યું હશે. ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેટ નવાઇની ચીજ હતી. અત્યારે કેનેડા રહેતા મિત્ર ઉત્પલ ભટ્ટ અને તેના અમેરિકા રહેતા ભાઇ જયુલ ભટ્ટ જેવા કેટલાક ઉત્સાહીઓ ત્યારે બુલેટિન બોર્ડની વાત કરતા હતા. હું એ વખતે નગેન્દ્રવિજયના તંત્રીપદ અને હર્ષલ (પુષ્કર્ણા)ના એક્ઝિક્યુટીવ તંત્રીપદ હેઠળ પ્રગટ થતા અમદાવાદના સીટી મેગેઝીન ‘સીટીલાઇફ ન્યૂઝ’માં હતો. પખવાડિક સીટીલાઇફના પાંચમા અંકમાં (બરાબરને હર્ષલ/ઉત્પલ?) અમે ઇન્ટરનેટની કવર સ્ટોરી કરી, તે કદાચ ગુજરાતી પ્રસાર માઘ્યમોમાં પહેલી હશે. ત્યાર પછી ‘સીટીલાઇફ’માં અમે એક પાનાની ઇન્ટરનેટ વિશેની કોલમ શરૂ કરી, જે ભેદી કારણોસર ગુજરાતી સામયિકોમાં આટલા વર્ષ પછી પણ કોઇ કરતું નથી. (‘દિવ્ય ભાસ્કર’માં મોડી મોડી પણ મિત્ર હિમાંશુ કીકાણીની કોલમ ‘સાયબર સફર’ શરૂ થઇ અને ચાલી એ સુખદ અપવાદ.)

‘રેન્ડમ એક્સેસ’માં એ વખતે સર્ફંિગના બે ભાવ હતા ઃ ૧ કલાકના ૭૦ રૂ. (એક વ્યક્તિ માટે) અને ૮૦ રૂ. (બે વ્યક્તિ માટે). કેમ કે, ઇન્ટરનેટ ત્યારે જોવાની ચીજ હતી અને એકને બદલે બે જણ જુએ તો વધારે રૂપિયા આપવા ન પડે? એકાદ વાર બપોરે રેન્ડમ એક્સેસમાં ગયો ત્યારનો એવો પણ સીન યાદ આવે છે કે નેટસેવી પ્રજા હોટમેઇલમાં એન્ટર આપ્યા પછી, ખાતું ખુલવાની રાહ જોતી બગાસાં ખાતી હોય.

ત્યાર પછી સાબરમતીમાંથી ઘણું પાણી અને ‘કેબલ’માંથી ઘણો ડેટા વહી ગયા. ડોટ કોમ બબલ ફૂટ્યો. ગુજરાતી પોર્ટલો ભૂતકાળ બન્યાં. સર્વિસ પ્રોવાઇડરોનો યુગ આથમી ગયો. બ્રોડ બેન્ડ આવ્યું. સાયબર કાફે સામાન્ય બન્યાં અને એક વ્યક્તિ-બે વ્યક્તિના ભાવફરક ન રહ્યા.
‘રેન્ડમ એક્સેસ’ પરનું આ પાટિયું એ યુગ પૂરો થયાનું પ્રતીક નથી લાગતું?

નળાખ્યાન અને નળદમન

વર્ષો પહેલાંની વાત છે. એક પ્લમ્બરનો એકનો એક પુત્ર અવસાન પામ્યો. વિલાપ કરતો પ્લમ્બર એક મહાત્મા પાસે પહોંચ્યો અને કહ્યું,‘ભગવન્, મારા પુત્રને જીવતો કરી આપો.’ મહાત્માએ મંદ હાસ્ય કરીને કહ્યું,‘હે વત્સ, એ માટે મારે ફક્ત એક ડબલું પાણી જોઇએ. શરત એટલી કે એ ડબલું એવા નળમાંથી ભરેલું હોવું જોઇએ, જે ટપકતો ન હોય.’ આટલું સાંભળતાં પ્લમ્બર ચૂપચાપ પોતાના ઘરે પાછો ફરી ગયો અને પોતાના ઘરના ટપકતા નળ ભણી ફિલસૂફદૃષ્ટિ નાખીને જીવન જીવવામાં લાગી પડ્યો.

આ કથામાં અતિશયોક્તિ છે એમ કહી દેવું, એ અડધા ભરેલા ગ્લાસને અડધો ખાલી કહેવા બરાબર છે. ખરેખર તો આ કથામાં વાસ્તવિકતા છે એ સ્વીકારવું જોઇએ. માણસો જેમ શ્વાસ લે છે તેમ નળ ટપકે છે. બન્ને માટે આ ક્રિયાઓ સહજ અને આવશ્યક છે- પોતાના જીવતા હોવાનો તે અહેસાસ છે. સંસારની માયાનાં બંધનોમાં જકડાયેલા મનુષ્યો નળની ટપકવાની ક્રિયાને નળની ખામી ગણે છે અને ટપકતો નળ તેમને ‘બગડેલો’ લાગે છે.

નળ સાથે નવેનવો પનારો પડ્યો હોય ત્યારે માણસને નળ પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા એ યાદ હોય છે. એટલે તે નળ સાથે જરા વિવેકથી વર્તે છે અને તેને જરા પ્રેમથી ચાલુ-બંધ કરે છે. નળ પણ નવો હોય ત્યાં સુધી પોતાની મર્યાદા ચુકતો નથી અને વાપરનાર બંધ કરે ત્યારે બંધ, ચાલુ કરે ત્યારે ચાલુ થઇ જાય છે. પ્લમ્બરોના સદ્ભાગ્યે નળ અને વાપરનારનું શાંતિપૂર્ણ સહજીવન લાંબું ટકતું નથી.

નર અને નળ વચ્ચે ઘણી બાબતોમાં સામ્ય છેઃ બન્ને સાથે ગમે તેટલું પ્રેમપૂર્ણ કે કડકાઇભર્યું વર્તન કરવામાં આવે, પણ છેવટે તો એ તેમને જે કરવું હોય તે જ કરે છે. ફક્ત પ્રેમ કરવાથી તેમને કાયમી ધોરણે સીધા ચલાવી શકાતા નથી અને કડકાઇથી તેમનાં સ્ખલન અટકાવી શકાતાં નથી. સ્ખલન એ બન્નેની મૂળભૂત પ્રકૃતિ છે. એ મુદ્દે જોરજબરદસ્તી કરવાથી વિપરીત પરિણામ આવે છે અને ન કરવાથી પણ પરિણામમાં ખાસ ફરક પડતો નથી. હવેના જમાનામાં હિંમતભેર કહી શકાય કે બન્ને નવા લાવવાનું સરખું જ માથાકુટીયું છે. કારણ કે નવા નર/નળમાં આ પ્રોબ્લેમ નહીં થાય તેની કોઇ ગેરન્ટી હોતી નથી. બલ્કે, એ થશે જ એની ગળા સુધીની ખાતરી હોય છે. સામે પક્ષે, નર અને નળ પણ પડ્યું ‘પાનું’ નિભાવી લઇને સ્ખલનપ્રવૃત્તિ અસ્ખલિત રીતે ચાલુ રાખે છે. નળ કે નર સોનેમઢેલા હોય, તો પણ તેમનું ‘વાઇસર’ તરીકે ઓળખાતું ‘વોશર’ સાવ સસ્તું હોય છે અને મોટા ભાગના નળ/નરની ‘સ્થિરતા’ બહાર દેખાય છે એટલી નહીં, પણ અંદર રહેલા, ન દેખાતા વોશર જેટલી જ ટકાઉ અને કિમતી હોય છે.

રાજકીય દૃષ્ટિએ જોતાં નળના અનેક પ્રકાર જણાય છે. ધનિકોના બંગલામાં રહેલા ઘણા નળ રાષ્ટ્રપતિ જેવા હોય છે. તે પોતાની ભવ્યતા દ્વારા શોભામાં અભિવૃદ્ધિ કરે છે, પણ મહેમાનોને પ્રભાવિત કરવા સિવાય તેમનો ખરેખરો ઉપયોગ ભાગ્યે જ થાય છે. મઘ્યમ વર્ગીય પરિવારોનાં બાથરૂમ-બેસિનમાં રહેલા નળ બંધારણીય ગૃહોના અઘ્યક્ષ જેવા થઇ જાય છે. બધા એમની પર ત્રાસ ગુજારવા મચી પડે છે, પણ તેમની પાસે ચૂપચાપ ગરીમાપૂર્વક પોતાની ફરજ બજાવ્યા સિવાય છૂટકો હોતો નથી. ગરીબોના ઘરમાં રહેલા મ્યુનિસિપાલિટીના નળ ગાંધીવાદી હોય છે. તેમનાં સ્ખનલ અનિયતકાલીન અને જાણે સ્ખલનનું પ્રાયશ્ચિત કરવાનું હોય એમ દરેક સ્ખલન પછી લાંબા ઉપવાસ! પણ મ્યુનિસિપાલિટીના નળની ગાંધીવાદી પ્રકૃતિને ઓળખી ગયેલા સમજુ લોકો નળના દરેક ઉપવાસને આગામી સ્ખલનની તૈયારી તરીકે જોઇને હિંમત હારતા નથી.

અત્યારે ઇન્ટીરીયર ડીઝાઇનની આઇટેમ ગણાતા નળ જૂના વખતમાં ફક્ત ‘ચકલી’ સ્વરૂપ હતા. ‘બાથરૂમ ફીટીંગ’ તરીકેની ઓળખ તો બાજુ પર રહી, તેમને નળ જેવા માનસૂચક નામે પણ કોઇ સંબોધતું ન હતું. તેમનું વજન એ તેમનો એકમાત્ર ગુણ હતું. અત્યારના ફેશનેબલ, નજાકતપૂર્ણ નળ જોઇને ઘણા વડીલો નિઃસાસો નાખતાં કહે છે,‘આ તે કંઇ નળ કહેવાય? આના કરતાં અસલના જમાનાની ચકલીઓ સારી હતી. આપણા ઘરની પિત્તળની ચકલી કોઇને માથામાં મારી હોય તો એ પાણી ન માગે અને ચકલીને ભંગારમાં વેચીએ તો બે ટંક ટૂંકા થાય.’ તેમની ચકલી-પ્રીતિ વિશે જાણ્યા પછી ઘડીભર લાગે કે તેમણે ભવિષ્યની પેઢી માટે રૂપિયા-દાગીનાને બદલે ચકલીઓ ભેગી કરી નથી એટલું સારૂં છે.

જમાનો જૂનો હોય કે નવો, નળનો ટપકવાનો ગુણધર્મ બદલાતો નથી. સીધો ચાલતો નળ ટપકવા લાગે એટલે પહેલાં તો વડીલો બાળકોને ધમકાવે,‘તને કેટલી વાર કહ્યું? નળ સરખો બંધ કરતાં શીખ. પાણી ભરવામાં કેટલું જોર પડે છે, ખબર છે?’ પણ થોડા વખત પછી તેમને સમજાય છે કે બાળકો જાય તે પહેલાં નળ કાબૂ બહાર જતો રહ્યો છે. એટલે તે નવી સૂચના જારી કરે,‘આપણો બાથરૂમનો નળ ટપકે છે. જે જાય તેણે નળ બરાબર બંધ કરવો.’

આમ ઘરમાં નળદમનનાં મંડાણ થાય છે. ઘરનાં તમામ સભ્યોને નળની સાન ઠેકાણે લાવવાનો એવો ઉત્સાહ ચડે છે કે તે એક વાર નળ ચાલુ કર્યા પછી તેને ચાર વાર બંધ કરે છે. એક વાર નળ બંધ કર્યા પછી તેમને સંતોષ થતો નથી. એટલે તે ફરી નળ થોડો ચાલુ કરીને, પહેલાં કરતાં વધારે જોરથી નળની ચાકી ફેરવે છે. સહેજ જોર લગાડ્યા પછી પણ નળની ટપકામણ ચાલુ રહે એટલે માનહાનિની લાગણી સાથે નળ પર વઘુ જોર કરવામાં આવે છે. હથેળીઓમાં નળની ચાકીઓ વાગે છે. છતાં નળમાંથી ટપકાં અટકવાનું નામ લેતાં નથી. એટલે નળ બંધ કરનાર ‘મૈં હાર માનનેવાલોં મેં સે નહીં’ એવી મુદ્રા સાથે પોતાનું સઘળું જોર નળ પર લગાડે છે. આ દ્વંદ્વ જોનાર કોઇ હોય તો તેને અવશ્ય એવું લાગે કે ‘કાં હું નહીં, કાં એ નહીં’નો આ મુકાબલો છે.

બળને બદલે બુદ્ધિને પ્રાધાન્ય આપનારા નળ બંધ કરવાની અવનવી તરકીબો શોધી કાઢે છે. નળ સાથે દ્વંદ્વમાં ઉતરીને પરાસ્ત થવાના આરે ઊભેલા મહેમાનને સહેજ ઠપકાના સૂરે તે કહે છે,‘ચાલશે. રહેવા દો. તમારાથી એ નહીં થાય. એમાં જોર લગાડવાનું નથી. ઉપરની ચાકી બે વાર અડધી, એક વાર આખી અને ફરી એક વાર અડધી ફેરવશો તો જ એ ટપકતો બંધ થશે.’

આ સાંભળીને મહેમાન સાપેક્ષવાદનું સમીકરણ સાંભળ્યું હોય એવા બાઘાઇમિશ્રિત અહોભાવથી જોઇ રહે છે અને ભલું હોય તો યજમાનને પૂછે છે,‘આવી ફોર્મ્યુલા તમે કેવી રીતે શોધી કાઢી?’

ઘરમાં એક નળ ટપકતો થાય, એટલે ઘરના સભ્યોના મનમાં સંશય જાગ્રત થાય છે. તેમને પોતાના-પરાયા સઘળા નળ શકમંદ લાગે છે. નળ-જાત પરથી તેમની શ્રદ્ધા ઉઠી જાય છે. તેમને લાગે છે કે નળ વંઠે તે પહેલાં આપણે આગોતરી સાવચેતી તરીકે તેમને બરાબર કસીને, ભીંસીને, દબાવીને, મચેડી-મરોડીને, કચકચાવીને, કોઇ પણ રીતે બરાબર બંધ કરવા જોઇએ. બળવાના જરાસરખા અણસારને કડકાઇથી દબાવી દેતા અંગ્રેજ શાસકોની જેમ, ઘરના લોકો નળ સાથે બિનજરૂરી કડકાઇથી વર્તવા લાગે છે. પોતાના તો ઠીક, બીજાના ઘરે જાય ત્યારે પણ એ યજમાનના કાનમાં ફૂંક મારી દે છે,‘આ નળને દાબમાં રાખજો. એમને બહુ સારા-બહુ સારા કહીને ચડાવી મારતા નહીં. પછી કહ્યામાં નહીં રહે ને ટપકતા થઇ જશે. અમે તો નળ ફીટ બંધ કરવા ખાસ પક્કડ લાવ્યાં છીએ. દરેક જણ નળ ખોલ્યા પછી પક્કડથી જ નળ બંધ કરે.’

જોર વગર બંધ થતા નળ બિનજરૂરી બળપ્રયોગથી બગડીને ટપકવા લાગે, એટલે બળ વાપરનારા કહે છે,‘જોયું? મેં નહોતું કહ્યું? આ પણ બગડી જ જવાનો છે! એટલે હું પહેલેથી એને કચકચાવીને જ બંધ કરૂં છું.’ નળ-દમયંતિની વાર્તામાં, દમયંતિસ્વયંવર વખતે બધા દેવો નળનું રૂપ લઇને આવ્યા હોવાથી, કયો નળ સાચો છે એની મૂંઝવણ થઇ હતી. અનેક ડીઝાઇન અને આકારપ્રકારના નળ જોયા પછી, આમાંથી કયો નળ ફીટ કરાવ્યા પછી ટપકશે નહીં એ નક્કી કરવાની કસોટી દમયંતિની પરીક્ષા કરતાં વધારે કઠણ નથી?

Tuesday, November 18, 2008

રેશનાલિઝમઃ અજવાળું અને આગ

ઇશ્વર વિશેની ચર્ચા મોટે ભાગે નિરર્થક સાબીત થાય છે. કારણ કે ઇશ્વરમાં ન માનનારાને લાગે છે, ‘આ શ્રદ્ધાળુઓ કદી સમજવાના નથી.’ અને ઇશ્વરમાં માનનારા? એમને લાગે છે કે ‘આ નાસ્તિકો કદી સ્વીકારવાના નથી.’

બીજા ઘણા સવાલોની જેમ ઇશ્વરના મામલે જગત ફક્ત બે ભાગમાં વહેંચાયેલું નથી. ઘણા લોકો એવા પણ છે, જેમને ઇશ્વર હોય કે ન હોય એથી કશો ફરક પડતો નથી. ઇશ્વર પ્રત્યે તેમનો અભિગમ ‘હશે ભાઇ! એ હોય તો જ્યાં હોય ત્યાં સુખી રહે!’ એવો છે. ઇશ્વરનું નામ પડતાં આ લોકોની મુઠ્ઠીઓ ભીંસાતી નથી, તો હથેળીઓ જોડાતી પણ નથી. એવા લોકો ધર્મસ્થાનોમાં ઘેટાંબકરાંની ગીરદી કરવા જતા નથી. છતાં, અનિવાર્ય લાગે ત્યારે - ખાસ કરીને બીજા કોઇના મહત્ત્વના હિતની જાળવણી ખાતર- ધર્મસ્થાનમાં જવામાં ધર્મસંકટ અનુભવતા નથી. એમ કરવામાં ‘મારી વિવેકબુદ્ધિ ભ્રષ્ટ તો નહીં થાય ને?’ એવી અસલામતી તેમને થતી નથી. ઇશ્વરની માન્યતાથી માનનારને કે બીજાને કોઇ નુકસાન ન થતું હોય અને માન્યતા ધરાવનારને મનોવૈજ્ઞાનિક ટેકો મળતો હોય, તો એમાં તેમને ખાસ કંઇ વાંધાજનક લાગતું નથી. ઇશ્વરની ટેકણલાકડી ધરાવતા માણસોને આત્મશ્રદ્ધા - વૈચારિક સમજણથી સજ્જ અને સ્વનિર્ભર કર્યા પહેલાં, ઇશ્વરની ટેકણલાકડી સીધેસીધી ખસેડી ન લેવાય, એટલું સમજવાની વિવેકબુદ્ધિ તેમનામાં છે.

રેશનાલિઝમઃ સાઘ્ય કે સાધન?
ફિલસૂફો-વિદ્વાનોની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીએ તો, ઇશ્વરના અસ્તિત્ત્વ વિશેની ઘણીખરી ચર્ચામાં બને છે એવું કે વાત ઇશ્વર પર અડી જાય છે ને માણસાઇ- મનુષ્યત્વનો સૌથી મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી જાય છે. માણસ સારો છે કે નહીં, તેનો સંપૂર્ણ આધાર તે ઇશ્વરમાં માને છે કે નહીં એની પર છે? ના. સૈદ્ધાંતિક રીતે એવું કહી શકાય કે ઇશ્વરમાં-સ્થાપિત ધર્મમાં ન માનનાર માણસ ગેરમાન્યતા-પૂર્વગ્રહ-કુંઠાઓથી મુક્ત રહી શકવાને કારણે વઘુ સારો માણસ બની શકે. પરંતુ વ્યવહારમાં એવું ઓછું જોવા મળે છે. પોતાની જાતને ‘રેશનાલિસ્ટ’ કહેવડાવવા આતુર ઘણા લોકોએ રેશનાલિઝમને કેવળ ઇશ્વરના ઝનૂની વિરોધનો અને પોતાની નિરંકુશ સ્વચ્છંદતાને વાજબી ઠરાવવાનો પર્યાય બનાવી દીઘું છે. રેશનાલિઝમનો પાયો ભલે ઇશ્વર અને અંધશ્રદ્ધાના નકારનો હોય, પણ તેનો વ્યાપ જીવન અને વ્યવહારના બધા વિષયોને આવરી લે છે. બધી બાબતોમાં રેશનલ (વિવેકબુદ્ધિયુક્ત) અભિગમ રાખવો, કશું ઇશ્વરને આધીન છોડવું નહીં અને એક માણસને છાજે એવું જીવન જીવવું, એ રેશનાલિઝમનું મૂળભૂત ઘ્યેય છે. બીજા શબ્દોમાં કહીએ તો, રેશનાલિઝમ પોતે સાઘ્ય નથી, પણ સાધન છે- તે સારા માણસ બનવાની દિશામાં આગળ વધવાનો નકશો છે. આ વ્યાખ્યા દરેક ધર્મને પણ લાગુ પાડી શકાય. ફરક એટલો કે ધર્મોના આદર્શની સરખામણીમાં આદર્શ રેશનાલિઝમ વધારે ઉદાર, ભેદભાવરહિત, અહિંસક, શોષણવિરોધી, ઝનૂનરહિત હોય છે.

મુખ્ય તકલીફ આદર્શની નહીં, પણ વાસ્તવિકતાની છે. આદર્શ કોણ જોવા ગયું છે? લોકો પોતાની આસપાસ જે જુએ તેની પરથી હિંદુત્વની, ઇસ્લામની કે રેશનાલિઝમની વ્યાખ્યા બાંધે છે. એ રીતે વિચારતાં, કેવી છે રેશનાલિઝમની પ્રચલિત વ્યાખ્યા?

બહારની ઝાંય, અંદરનો રંગ
સૌથી સાદી સમજણ પ્રમાણે રેશનાલિઝમ એટલે અંધશ્રદ્ધાનો અને ઇશ્વરનો ઇન્કાર. એ છાપને અનુસરીને ‘ઇન્સ્ટન્ટ રેશનાલિસ્ટ’ બનવા ઇચ્છતા ઉત્સાહીઓ લાગલા ઇશ્વરના ઇન્કારની ગાડીમાં ચડી બેસે છે - અને તેમની ગાડી કદી પ્લેટફોર્મ પરથી ઉપડતી જ નથી! તેમની સફર ઇશ્વરના ઇન્કારથી શરૂ થઇને ત્યાં જ પૂરી થઇ જાય છે અને વિવેકબુદ્ધિનો ભંગ કરતી બાકીની બધી વૃત્તિ-પ્રવૃત્તિ એમની એમ જ રહે છે. રેશનાલિસ્ટ તરીકેની વિશિષ્ટ ઓળખ અને ‘અમે તો વીર સમાજની પરવા નહીં કરવાવાળા’ એવા ગુમાનને કારણે કદાચ અંકુશમાં રાખવાલાયક વૃત્તિઓ વકરે છે. ગુજરાત-મુંબઇનાં રેશનાલિસ્ટ વર્તુળોમાં આ પાઘડીની સાઇઝને બંધબેસતાં ઘણાં માથાં મળી આવશે.

કેવળ ચમત્કારવિરોધ-ઇશ્વરવિરોધની ટૂંકી મૂડી ધરાવતા ‘રેશનાલિસ્ટો’ અને કોઇ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે ઝાઝો તાત્ત્વીક ફરક રહેતો નથી. એવા રેશનાલિસ્ટોનું રેશનલાઝિમ વ્યક્તિકેન્દ્રી બને છે. પરિણામે સંપ્રદાયો કરતાં અનેક ગણા નાના રેશનાલિસ્ટ વર્તુળમાં મોટા પાયે હુંસાતુંસી અને ખેંચતાણો થાય છે, ચોકા ઊભા થાય છે, ભક્તમંડળો રચાય છે.

કોઇ પણ ધાર્મિક માણસ જેવી માનસિકતાના બાહ્ય આવરણ પર રેશનાલિઝમનો ભડક રંગ લગાડવાથી પહેલી નજરે તેમાં વિવેકબુદ્ધિની ઝાંયનો ભાસ થાય, પણ સહેજ નખ મારતાં નવો રંગ ઉખડી જાય છે અને અંદરની અસલિયત દેખાઇ આવે છે. અંદર સુધી ઉતરેલા વિવેકબુદ્ધિવાદના રંગને બદલે આભાસી ઝાંય ધરાવતા રેશનાલિસ્ટોનું પ્રમાણ વધે તેમ, એ લોકો રેશનાલિઝમના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બની જાય છે.

આવું થાય તો કેવી કરૂણ સ્થિતિ સર્જાય, તેની કલ્પના કરવાની જરૂર નથી. ગુજરાત અને મંુબઇના ગુજરાતી રેશનાલિસ્ટોની ટૂંકી બિરાદરીમાં અત્યારે મહદ્ અંશે એવી જ સ્થિતિ સર્જાયેલી છે. રેશનાલિઝમની પ્રવૃત્તિ સામુહિક સ્તરે અને વૈચારિક ચળવળની જેમ કાઠું કાઢવાને બદલે ધર્મ કે સંપ્રદાયોની જેમ અનેક ફાંટામાં વિભાજીત થયેલી છે. સ્વૈચ્છિક સંસ્થાઓની જેમ રેશનાલિઝમની સંસ્થાઓ ‘કોમન મિનિમમ પ્રોગ્રામ’ (લધુતમ સામાન્ય મુદ્દા) ઉપર પણ એકમતિ સાધી ન શકે, એટલી હદે તે વ્યક્તિગત કે સંસ્થાગત રજવાડાંમાં ફેરવાઇ ચુકી છે. એટલે, ગુજરાતને વિવેકબુદ્ધિની સૌથી વધારે જરૂર છે, એવા સમયગાળામાં રેશનાલિસ્ટો તરફથી ઘોર નિરાશા સિવાય ભાગ્યે જ બીજું કંઇ મળે છે.

બ્રાન્ડ ‘રેશનાલિસ્ટ’
એક જમાનામાં સ્વાઘ્યાયીઓ ‘અમારે ત્યાં બધા બૌદ્ધિકો આવે છે’ એમ કહીને, લોકોને કંઇ નહીં તો ‘બૌદ્ધિક’ દેખાવાની લાલચ આપીને સ્વાઘ્યાય પ્રવૃત્તિ ભણી ખેંચવા પ્રયાસ કરતા હતા. રેશનાલિઝમમાં પણ કંઇક અંશે એવી સ્થિતિ પેદા થઇ છે. બૌદ્ધિક દેખાવાનો સૌથી ટૂંકામાં ટૂંકો ઉપાય છેઃ બે-ચાર પ્રચલિત અંધશ્રદ્ધાઓ નકારી કાઢીને, એક-બે ધર્મગુરૂઓની ઉપરછલ્લી ટીકા કરીને પોતાની જાતને રેશનાલિસ્ટ તરીકે જાહેર કરી દેવી. આટલું કર્યા પછી પોતપોતાના પૂર્વગ્રહો-અજ્ઞાન-ઝનૂન યથાતથ રાખીને, ચોકામાં વહેંચાઇને પરસ્પર પીઠખંજવાળની પ્રવૃત્તિ દ્વારા સુખેથી બૌદ્ધિક-રેશનાલિસ્ટ તરીકે કોલર ઉંચા રાખીને ફરી શકાય છે.

રેશનાલિઝમ જેમના માટે સાઘ્ય મટીને પોતાની કારકિર્દી ઘડવાનું, ઓળખના સિક્કા જમાવવાનું, અનુયાયીગણ પોષવાનું કે ધંધો કરવાનું સાધન બની ગયું હોય, એવા લોકોની સંખ્યા ઘણી વધી છે. આ લોકોને રેશનાલિસ્ટ તરીકેના પોતાના બ્રાન્ડિંગમાં જેટલો રસ છે, તેનાથી દસમા ભાગનો પણ રેશનલ વ્યક્તિ બનવામાં નથી.

રેશનાલિસ્ટ બન્યા પછી પણ મોટા ભાગના માણસો પોતાની મૂળભૂત પ્રકૃતિમાંથી છટકી શકતા નથી. વાંધો પ્રકૃતિનો નથી, પણ દાવાનો છે. પોતાનો ધર્મ સૌથી મહાન છે એવું માનતા ધાર્મિકોની જેમ રેશનાલિસ્ટો પણ કટ્ટરતા અને ઝનૂનથી એવું માનવા લાગે કે રેશનાલિઝમ શ્રેષ્ઠ છે, અમે રેશનાલિસ્ટ હોવાથી અમે શ્રેષ્ઠ છીએ અને બાકીનાં તો ધાર્મિકતામાં ખદબદતાં જંતુડાં છે.

ધાર્મિકતાનો અતિરેક અને અંધશ્રદ્ધા માણસોને જંતુવત્ બનાવી શકે છે, તો રેશનાલિઝમના નામે તેનાં બાહ્ય લક્ષણોનું જડ અનુકરણ કરનારા પણ ‘માણસ’ રહી શકતા નથી. પોતાનું અધકચરૂં રેશનાલિઝમ બીજા પર થોપવાની વૃત્તિ, ચેલા મૂંડવા સદા આતુર રહેતા બાવાઓ કરતાં જરાય જુદી નથી હોતી.

રેશનાલિઝમઃ અજવાળાનો પર્યાય
આટલું વાંચીને ઇશ્વરવાદીઓ કહી શકે છેઃ ‘જોયું? અમે નહોતા કહેતા? આ નાસ્તિકો (રેશનાલિસ્ટો)ના રવાડે ચડાય નહીં.’ એવા ઇશ્વરવાદીઓના કમનસીબે એવા રેશનાલિસ્ટો પણ મોજુદ છે, જે ઝનૂની રેશનાલિસ્ટ નથી. તે ઇશ્વર કે નીયતી પર ટેકો દઇને જીવન જીવવાને બદલે જિજ્ઞાસા અને સંશોધનથી જીવનની સમસ્યાઓનો સામનો કરે છે. ક્રૂર-ઘાતકી રાજા જેવાં લક્ષણો ધરાવતા ઇશ્વર સાથે તેમને કશી લેવાદેવા હોતી નથી. મોટી ક્લબોમાં ફેરવાઇ ગયેલા સ્થાપિત ધર્મો અને ધાર્મિક પ્રવૃત્તિઓથી તે દૂર રહે છે.

મનુષ્યજાતિના સામુહિક ઉત્કર્ષ માટે મહાન સંશોધનો કરનારા વૈજ્ઞાનિકો તેમને કાલ્પનિક સગવડીયા ઇશ્વર કરતાં વઘુ મહાન લાગે છે. વિજ્ઞાન પ્રત્યે તે અનન્ય ઋણભાવ અનુભવે છે અને સાચા રેશનાલિઝમ દ્વારા પોતાના જીવનમાં જે અજવાળું પથરાયું, તે બીજાના જીવનમાં પણ પથરાય એવી તેમની સતત લાગણી રહે છે. એવા રેશનાલિસ્ટો પોતાના પ્રચાર કે ધંધા માટે નહીં, પણ બીજા લોકો પ્રત્યેની લાગણી અને અનુકંપાથી પ્રેરાઇને ધીરજપૂર્વક રેશનાલિઝમનો ફેલાવો કરવાનો પ્રયાસ કરે છે. અકાળે આ દુનિયામાંથી વિદાય લેનારા રવજીભાઇ સાવલિયામાં આ બધાં લક્ષણોનો દુર્લભ સમન્વય હતો. તેમના જેવા વ્યવહારૂ, પૂર્વગ્રહમુક્ત, ઝનૂનરહિત અને સંવેદનશીલ રેશનાલિસ્ટોની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી થઇ રહી છે, એ અંધશ્રદ્ધા નહીં પણ નક્કર હકીકત છે. રેશનાલિસ્ટોના વર્તમાન સમુહે ઇશ્વર કે અંધશ્રદ્ધાની સાથોસાથ અરીસા સામે જોઇને પણ ઝુંબેશો છેડવાની જરૂર છે.

Thursday, November 13, 2008

ગુજરાતી ટુરિસ્ટનો ચંદ્રપ્રવાસ

તૈયારીઓ
ચંદ્ર પર યાન મોકલવાનું ભારતને આવડી ગયું છે. હવે માણસોનો વારો છે. થોડા વખતમાં એ પણ આવડી જશે. ત્યાર પછી દિવાળી નજીક આવશે, એટલે ગુજરાતમાં લોકો એકબીજાને પૂછશે,‘આ દિવાળીએ તમે ક્યાં છો?’
‘અમે સેન્ટ કીટ્સ ટાપુ પર જવાના છીએ. સાંભળ્યું છે કે અમદાવાદના એક મહારાજે ત્યાં જઇને ગુજરાતી થાળીનો ટોપ ડાઇનિંગ હોલ ખોલ્યો છે. જોઇએ તો ખરા, એનો ટેસ્ટ અહીંના જેવો જ છે કે પછી બગડી ગયો...પણ તમે ક્યાં જવાના?’

‘બહુ વખતથી અમે જઊં-જઊં કરતા હતા, પણ બે વર્ષ પહેલાં મોટી બારમામાં હતી. ગઇ સાલ નાનો દસમામાં આવ્યો. એમની નિશાળમાં તો બારે મહિના રજા જેવું હોય, પણ ટ્યૂશન ક્લાસ પડાય નહીં. છેવટે આ સાલ અમે બુકિંગ લીઘું.’
‘ક્યાંનું બુકિંગ?’
‘હવે આપણા માટે બહુ પ્રોબ્લેમ થાય છે. આટલાં વર્ષોથી ફરીએ છીએ. હવે કશું બાકી રહ્યું નથી. એટલે અમે નક્કી કર્યું હતું કે હવે જ્યારે જઇએ ત્યારે ચંદ્ર પર જવું.’

‘એકલા કે કોઇ કંપની છે સાથે?’ ‘કંપની તો જોઇએ જ. એકલા અમને ફાવે નહીં. કંપની હોય તો શું છે કે નાસ્તામાં વેરાઇટી રહે. એક જણ થેપલાં લાવે, એક જણ તીખી પુરી લાવે, તો એક જણ આથેલાં મરચાં અને સુખડી લાવે. પછી આપણે રાજા! રસ્તામાં ગમે તે થાય કે ત્યાં ગયા પછી પણ જમવાનું ઠેકાણું ના પડે તો ચિંતા નહીં. એક વાર અમે માડાસ્ગાકાર ગયા હતા ત્યારે...’

‘મને ખ્યાલ છે...ક્રુઝમાં ગળ્યા મેથિયાનો રસો ઢોળાયો હતો ને બહુ પ્રોબ્લેમ થયો હતો...તમે એક વાર કહ્યું હતું.’ ‘તમારી યાદશક્તિ બહુ સારી છે, પણ કંપનીમાં તો આવું થયા કરે. જ્યારે પ્રવાસે જવાનું થાય ત્યારે જૂનાં સંસ્મરણો યાદ આવવાનાં જ.’

‘આ ચંદ્રવાળું તમે કેવી રીતે ગોઠવ્યું? ‘નાસા’માં જેક-બેક (ઓળખાણ) લગાડ્યો કે શું?’
‘મારી સાળી વર્ષોથી અમેરિકા છે. તેના દિયેરના ભાઇબંધનો એક્સ-બોસ વ્હાઇટ હાઉસમાં છે. એટલે ‘નાસા’માં છેડા અડાડવા હોય તો વાર ન લાગે. પણ આપણે ‘ઇસરો’થી જ પતી જતું હોય તો નાસા સુધી લાંબા થવાની શી જરૂર? ‘ઇસરો’એ આ સાલથી જ એક પેકેજ ટુર ઓપરેટર સાથે મળીને ચંદ્રની પેકેજ ટુરની શરૂઆત કરી છેઃ શ્રીહરિકોટા- તિરૂપતિ-મદુરાઇ-કન્યાકુમારી-ચંદ્ર-તિરૂપતિ- શ્રીહરિકોટા.’

‘પણ આવું કેવી રીતે? ચંદ્રયાનમાં બેઠાં પછી એક જ વારમાં પહોંચી જવાનું ન હોય?
‘પેકેજ ટુરમાં વિજ્ઞાન ન ચાલે, યાર. તમે શ્રીહરિકોટા-ચંદ્ર-શ્રીહરિકોટા’ લખો તો કોઇ કાકો ન આવે. તમારે વધારે પ્લેસીસ ‘ટચ’ કરવાં પડે. થોડાં ધર્મસ્થાન લાવવાં પડે. એ તો આ વખતે પહેલી વારનું છે એટલે. બાકી, અત્યાર સુધી દુનિયાભરમાં અમે ફર્યા, પણ અમારી સરેરાશ રોજનાં બે સ્થળની રહી છે. એક દિવસમાં બે સ્થળ ‘ટચ’ ન કરીએ તો આવડી મોટી દુનિયા ક્યારે જોઇ રહીએ? આ વખતે એવું ગોઠવાયું છે કે શ્રીહરિકોટાથી એક એસી કોચ નજીકનાં ધર્મસ્થાનો ટચ કરીને પાછો શ્રીહરિકોટા આવશે અને ત્યાંથી ચંદ્ર માટે રવાના થઇશું. એમાં એવું ઓપ્શન પણ છે કે જેને શ્રીહરિકોટા પાછા આવ્યા પછી ઉતરી જવું હોય તે ઉતરી શકે.’

‘ચંદ્ર પર રહેવાની વ્યવસ્થા ખરી?’ ‘સાંભળ્યું છે કે અમેરિકાએ કોલોની બાંધી છે. ઇસરો પણ બાંધવાનું છે. ગઇ સાલ ઇસરો પીડબલ્યુડીના એન્જિનીયરોને ખાસ એટલા માટે ચંદ્ર પર લઇ જવાનું હતું, પણ એન્જિનીયરો ચંદ્ર પર જવાને બદલે પોતપોતાના વતન જતા રહ્યા અને ઓફિસમાંથી ચંદ્રયાત્રાનાં વાઉચર પાસ કરાવી લીધાં.’
‘તો તમારા લોકોની વ્યવસ્થા અમેરિકાની કોલોનીમાં હશે?’
‘ના રે, ચંદ્ર પર રહેવાની શી જરૂર? અમારો આજ સુધીનો રેકોર્ડ છે. અમે નહીં નહીં તો પણ હજારેક જગ્યા ટચ કરી હશે, પણ એમાંથી દસ-વીસ જગ્યા સિવાય બીજે ક્યાંય રોકાયા નથી. પાંચેક વાર તો અમારો કોચ બગડ્યો એટલે રોકાવું પડ્યું હતું. બાકી, આપણે રોકાઇને શું કામ? આપણે ક્યાં એ શહેર વિશે પરીક્ષા આપવાની છે? એક ચક્કર મારીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે અહીં શું ચાલી રહ્યું છે, બસ.’

‘તો રાત્રે સુવાનું?’ ‘અમે કોચમાં જ સુઇ જઇએ. રાત્રે કોચ ચાલે, તો જ દિવસે વધારે સ્થળો ટચ કરી શકાય ને! ચંદ્રની ટુર માટે પણ એવું જ કહેવામાં આવ્યું છે કે ચંદ્ર પર ઉતરવાની યોગ્ય વ્યવસ્થા નથી. એટલે આપણે દિવસે બહાર ફરીને સુવા માટે રાત્રે યાનમાં જ પાછા આવીશું.

‘ઓઢવાનું એ લોકો આપવાના છે કે આપણે લઇ જવાનું?’ ‘એવું કહે છે કે યાનમાંથી આપીશું, પણ એ કેવુંય હોય! આ ટૂરવાળાનો શો ભરોસો! હું ગમે ત્યાં જઊં, પણ ઓઢવાનું તો મારૂં જ જોઇએ. તો જ મને ઊંઘ આવે.’

‘અને જમવાની કેવી વ્યવસ્થા છે?’
‘આપણે જતા હોઇએ એટલે તમારે સમજી લેવાનું કે એ વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ જ હોય. ચંદ્રયાત્રાનું સાંભળ્યું એટલે પહેલી તપાસ મેં એની કરી હતી. એ લોકો અહીંથી ફૂડપેકેટ લઇ જવાના હતા, પણ મેં ફોન પર વાત કરી. ‘ઇસરો’નો સાહેબ ના સમજ્યો, એટલે મેં પેકેજ ટુરના ઓપરેટર જોડે વાત કરી. એને મેં બઘું સમજાવ્યું અને કહ્યું કે તું અમને સાચવી લે, તો અમે પણ સમજીશું અને તને સાચવી લઇશું. છેવટે, રસોઇયો અને સીઘું સાથે લઇ જવાનું નક્કી કર્યું છે. આટલા રૂપિયા ખર્ચીને ઠેઠ ચંદ્ર પર જતા હોઇએ તે વાસી ફુડપેકેટ ખાવા ને સેન્ડવીચના ડૂચા મારવા?’

‘પેકેજમાં એ લોકો શું આપવાના છે?’
‘અત્યારે તો એવી વાત છે કે સવારે ચા સાથે ગરમ નાસ્તો, બપોરે હળવું જમવાનું, બપોર પછી ચા- સૂકો નાસ્તો, સાંજે ફુલ ડીશ અને રાત્રે ડેઝર્ટ. હા, ચંદ્ર પર ઉતરીએ ત્યારે ‘વેલ કમ ડ્રીન્ક’ મળવું જોઇએ, એવો મેં ખાસ આગ્રહ રાખ્યો. એ લોકો આનાકાની કરતા હતા અને ચંદ્રના પર્યાવરણની પંચાત ઝીંકતા હતા, પણ મેં અમારૂં બુકિંગ કેન્સલ કરી નાખવા સુધીની ધમકી આપી ત્યાર પછી એ માન્યા. હવે ચંદ્ર પર ઉતરીશું ત્યારે ‘વેલ કમ ડ્રીન્ક’ પણ મળશે. રોમ-પેરિસ હોય કે ચંદ્ર, આપણને શું ફેર પડે છે! આપણે શા માટે બદલાવું જોઇએ?

‘ખરી વાત છે. આપણે ગમે ત્યાં જઇએ તો પણ બદલાઇએ એવા નથી. રૂપિયા ખર્ચીએ છે તે શાના માટે? બદલાઇ જવા માટે કે એમના એમ રહેવા માટે!.. હવે સુખરૂપ ફરીને આવો ત્યારે મળીશું અને ચંદ્ર પર ઇસરોવાળાએ તિરૂપતિનું મંદીર બાંઘ્યું હોય તો આપણા વતી ૧૦૦૧ રૂપિયાની ભેટ મૂકીને પ્રસાદ લાવવાનું ભૂલતા નહીં.’

... અને પાછા ફર્યા પછી

‘બહુ થાકેલા લાગો છો. હજુ ચંદ્રયાત્રાનો થાક ઉતર્યો લાગતો નથી.’
‘ના રે. ચંદ્ર સુધી ચાલતા થોડા ગયા હતા કે થાક લાગે! આ તો (જેટલેગ જેવો) સ્પેસલેગ છે. રહેતે રહેતે આવી જશે.’
‘કેમ રહ્યું ચંદ્ર પર?’ ‘હવે કહેવત બદલવી જોઇએઃ ડુંગરા દૂરથી રળીયામણા નહીં, ચાંદા દૂરથી રળીયામણા. અહીંથી કેવો મસ્ત લાગે છે, પણ નજીક જઇને જુઓ તો કોઇ દમ નહીં. એક વાર તો એવું થઇ જાય કે પૈસા પડી ગયા.’
‘અમે તમને શરદપૂનમે બહુ યાદ કર્યા હતા. અહીંથી દૂરબીન લઇને જોવાનો ટ્રાય પણ કર્યો- કદાચ કોઇ દેખાઇ જાય. મને ખ્યાલ હતો કે એ વખતે તમે ચંદ્ર પર પહોંચી જવાના હતા.’
‘હા, શરદપૂનમના દિવસે અમે ચંદ્ર પર જ હતા. એ દિવસે ખાસ આગ્રહ કરીને મેં ડેઝર્ટમાં દૂધપૌંઆ રખાવ્યા હતા. પણ ખરૂં કહું? આપણી અગાસી પર બે સામસામી ફ્લડલાઇટ ગોઠવીને, થોડા મિત્રોને ભેગા કરીને, મ્યુઝિક વગાડતાં વગાડતાં દૂધપૌંઆ ખાવાની જે મઝા છે, એ તો ખુદ ચંદ્ર પર ઊભા રહીને પણ નથી આવતી. ચંદ્ર પર ચાંદની ક્યાંથી લાવવી?’'
‘ચાંદની તો આપણને ધાબે પણ ક્યાં દેખાતી હોય છે- ફ્લડ લાઇટના અજવાળામાં...’
‘તોય ફેર પડે. ત્યાંથી તો ચંદ્રની જગ્યાએ પૃથ્વી દેખાય. એમાં શું જોવાનું? પૃથ્વીથી આટલે દૂર આટલા પૈસા ખર્ચીને પૃથ્વી જોવા થોડા આવ્યા છીએ? ‘ઇસરો’ના એક ગાઇડને તો મેં ચોખ્ખું કહી દીઘું કે ‘પૃથ્વી-પૃથ્વી કરીને શું ઘેલા થાવ છો? પૃથ્વી જોઇ નથી કદી? તમે મંગળ પર રહો છો?’ એટલે બિચારો ટાઢો થઇ ગયો.’
‘ગાઇડ કેવો હતો?’
‘એ જોડે પેકેજમાં જ હતો. બાકી તને ખબર છે ને, આપણે સો રૂપિયાનો સૂકો મેવો ફાકી જઇએ, પણ સો રૂપિયાનો ગાઇડ ન કરીએ. એ બધા ગપોડી હોય છે - અને આપણે ક્યાં ઇતિહાસનું લેસન કરવા નીકળ્યા છીએ? ચંદ્રની ફરતે પ્રદક્ષિણા શરૂ થઇ એટલે મેં અમારા ગાઇડને પૂછી લીધં, ‘ભાઇ તારી કથા છોડ. એ કહે કે ચંદ્ર પર ઉતર્યા પછી શું કાર્યક્રમ છે? જોવાના કેટલા પોઇન્ટ છે? અને સાંજ પડે તે પહેલાં સનસેટ પોઇન્ટ લઇ જવાનું ભૂલતો નહીં. આટલા વર્ષના અનુભવે મને ખબર છેઃ ગાઇડો પહેલાં લાંબાં લેક્ચર ફાડે ને સાંજ પડ્યે હડે હડે કરીને સનસેટ પોઇન્ટ માટે ઉતાવળ કરે. એટલે આ તને પહેલેથી કહ્યું.’
‘ગાઇડને બી થયું હશે કે મળ્યા છે કોઇ જાણકાર...’
‘એ તો મારી સામે જોઇ જ રહ્યો. મેં કહ્યું, બેટમજી મારો ઉત્તર પ્રદેશથી ઉત્તર ઘુ્રવ સુધીનો અનુભવ બોલે છે. એમ ના માનતો કે હું અલીગઢથી આવું છું.’ આ સાંભળીને એણે વિવેકથી કહ્યું,‘સાહેબ, અહીં સનસેટ કે એવા કોઇ પોઇન્ટ નથી.’ એટલે હું તો ચડી જ બેઠો,‘એ બધું હું ન જાણું. ચંદ્ર પર પહાડો હોય છે એટલી મને ખબર છે અને આજ સુધીમાં સેંકડો હિલસ્ટેશનો ‘ટચ’ કરી આવ્યો છું. હિલ સ્ટેશનો પર ફરવાની આ જ પદ્ધતિ હોય છેઃ છ-આઠ પોઇન્ટ અને છેવટે સનસેટ. હજુ હનીમુન પોઇન્ટ ક્યાં છે, એ તો મેં તને પૂછ્યું જ નથી. ત્યાં અમારો સાથે ફોટો તારે જ પાડી આપવો પડશે.’
‘બિચારો ગાઇડ...’
‘બિચારો શાનો? આપણે એની પાસેથી માહિતી ન લઇએ તો કંઇ નહીં, એને ખખડાવીને તો પૈસા વસૂલ કરી શકીએ ને!’ ‘પછી? પોઇન્ટ બતાવ્યા?’ ‘જાય ક્યાં બેટો? મેં એને ચોખ્ખું કહ્યું કે તું ગમે તે કર. ચંદ્ર પર ના ઉતારવા હોય તો ના ઉતારીશ. દૂરથી યાનમાંથી ચક્કર મારતાં મારતાં પોઇન્ટ બતાવ, પણ એવું કંઇક કર કે એ પોઇન્ટ પર અમે ફોટા પડાવી શકીએ. નહીંતર પાછા જઇને લોકોને બતાવીશું શું? ઘૂળ ને ઢેફાં?’ એટલે ગાઇડ કહે,‘હા, ઘૂળ ને ઢેફાં જ. નીલ આર્મસ્ટ્રોંગ પણ અહીંથી ઘૂળ ને ઢેફાં લઇને જ પાછો ગયો હતો.’
‘પણ એ ક્યાં ગુજરાતી હતો?’
‘મેં ગાઇડને એ જ સમજાવ્યું. કહ્યું કે ભઇલા, અમેરિકનો કરે એવું ના કરીએ. નહીંતર ઉકલી જવાય. ઠેઠ આટલે આવ્યા છીએ તો ચંદ્ર પર બીજું કંઇ નહીં તો એક નાનકડું દેરૂં પણ સ્થાપીને, તેમાં અમારી સાથે લાવેલો પ્રસાદ ધરાવીને, તેને ચંદ્રદેવના પ્રસાદ તરીકે પાછો લઇ જવો પડે. નહીંતર અમારે સમાજમાં રહેવું ભારે પડી જાય. અને ભવિષ્યમાં એક દેરીમાંથી મોટું મંદિર બનાવી પાડતાં આપણને પૃથ્વી પર કોઇ નથી રોકતું, તો ચંદ્ર પર કોણ રોકવાનું છે?’
‘કોઇ વસવસો રહી ગયો?’
‘હા, પાછા આવવા માટે નીકળ્યા, ત્યારે અમારી મંડળીમાંથી એક જણ જાણી લાવ્યો કે અમેરિકાએ ચંદ્ર પર ગુરૂત્વાકર્ષણનો પ્રોબ્લેમ ન થાય એવી એક હોટેલ ખોલી છે અને તેમાં આપણને ઉતારો મળી શક્યો હોત. મેકડોનાલ્ડના બર્ગર પણ ત્યાં મળતાં હતાં. અમે દૂરથી એ બિલ્ડિંગ જોયું, પણ અમારો ડફોળ ગાઇડ કહે, એ અમેરિકનોનું રીસર્ચ સેન્ટર છે. હવે રીસર્ચ સેન્ટર હોય તો શું થયું. ત્યાં રાત રહેવાય નહીં? હવે નક્કી કર્યું છે. આવતી વખતે રીસર્ચ સેન્ટરમાં બુકિંગ કરાવીને, જેટલા દિવસ રહીએ એટલા દિવસના નાસ્તા અને જમવાનો ઓર્ડર નોંધાવીને જ જઇશું. તમને પણ કહી રાખું છું. તમારે જેને કહેવું હોય તેને કહેવા માંડજો, જેથી અમે જે વેઠ્યું તે બીજા કોઇએ વેઠવું ન પડે.’

શબ્દાર્થપ્રકાશ # 6

જળથળઅંબરઃ જમીની, દરિયાઇ અને આકાશી
...વાસ્તવિક સજ્જતાની દૃષ્ટિએ જળથળઅંબર ત્રણે સ્તરે જમીની સચ્ચાઇ તો કંઇક જુદી જ છે. (દિ.ભા.૨૭-૧૦-૦૮)
કાર્યનકશોઃ એક્શન મેપ
એન્ટની પાસે હજુ વઘુ વિગતોની અને કાર્યનકશાની અપેક્ષા રહે છે. (દિ.ભા.૨૭-૧૦-૦૮)
‘શત્રુ તમારી શેરીમાં’ રાજનીતિઃ એનીમી નેક્સ્ટ ડોર
૧૯૮૪ના ઉત્તર ભારતમાં અને ૨૦૦૨ના ગુજરાતમાં ‘શત્રુ તમારી શેરીમાં’ (એનિમી નેક્સ્ટ ડોર) તરેહની જે હીણી રાજનીતી ખેલાઇ હતી...(દિ.ભા.૨૯-૧૦-૦૮)
વિશ્વવિશ્રુતઃ જેના વિશે સમસ્ત વિશ્વએ સાંભળ્યું હોય તે, વિશ્વપ્રસિદ્ધ
જોવાનું એ છે કે બુશ તેમના વિશ્વવિશ્રુત ધબડકા સાથે અને છતાં બીજી વાર હોદ્દે ચડી શક્યા. (દિ.ભા. લેખ, ૨૯-૧૦-૦૮)
પાપડપાતળીઃ વેફરથીન
ઓબામા આવતા અઠવાડિયે ધારો કે પાપડપાતળી બહુમતીથી પણ ચૂંટાઇ આવે છે તો...(દિ.ભા. લેખ, ૨૯-૧૦-૦૮)
રોકડધર્મી રાજકારણઃ વિવિધ મુદ્દાની રોકડી કરવામાં રાચતું રાજકારણ
...એમાં આ રોકડધર્મી (પણ વિષાક્ત ને વિભાજક) રાજકારણથી હટવાનો અવાજ..ખસૂસ વરતાય છે. (દિ.ભા.૧-૧૧-૦૮)
ગૌરીશિખર સરખોઃ ઉન્નત
ગોલંદાજોમાં ગૌરીશિખર સરખો આપણો આ કુંબલે કુલોત્પન્ન અનિલ (દિ.ભા.૩-૧૧-૦૮)
લોકહાકેમઃ પીપલ્સ પ્રેસિડેન્ટ
આ એ લિંકન હતો, ચૂંટાયેલ લોકહાકેમ લિંકન...(દિ.ભા.૬-૧૧-૦૮)
(કુલ શબ્દોઃ ૬૦)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • અનિલ કુંબલેએ સામાન્યપણે સ્પિનોડીઓમાં નહીં એવી ને એટલી દ્રુતગતિ દડામારીની જે તકનીક ખીલવી બતાવી તેને કેવળ ને કેવળ અનિલોપમ જ કહેવી જોઇએ. (દિ.ભા.૩-૧૧-૦૮)
  • ભાઇ, ચડાવઉતાર તો આવે પણ એથી વીરને લાગતો જ વસુકી ગયેલો ન કહેવાય. (દિ.ભા.૩-૧૧-૦૮)
  • મુનશીની મંજરીની જેમ પરિણત પણ નવયૌવનાના સ્પિરિટે સવેળા સંકેલાવું અને એ રીતે લોકચિત્ત પર યૌગનમૂર્તિ બની રહેવું એ પણ ઠીક જ છે! (દિ.ભા.૩-૧૧-૦૮) (ખરો શબ્દ ‘યૌવનમૂર્તિ’ હોવો જોઇએ)

(પ્રકાશભાઇ પ્રવાસે હોવાના કારણે છેલ્લા એકાદ અઠવાડિયાથી તેમના એડિટ આવ્યા નથી)