Wednesday, January 11, 2017

સરકારી અધિકારીઓનો વાઇબ્રન્ટ નોબેલ સંવાદ

(બોોલ્યુંચાલ્યું માફ)
વાઇબ્રન્ટ ગુજરાતના દ્વિવાર્ષિક સરકારી મહાધુમ્રોત્સવમાં આ વર્ષે નોબેલ પારિતોષિકથી સન્માનિત નવ વિજ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની હારોહાર સાહેબ પોતાના હાથના પંજા પાડી આવ્યા. એ ઘટના પછીની ‘ભાવિ વ્યૂહરચના’ વિશે ચુનંદા અધિકારીઓની બેઠક મળે, તો તેમાં કેવી ભાવસભર ચર્ચા થાય? તેનો વાસ્તવિક લાગે એવો કાલ્પનિક અહેવાલ.

અધિકારી ૧ઃ તમે સૌ જાણો છો કે આપણે શાના માટે મળ્યા છીએ. સાહેબે નવ નોબેલવીરો સાથે હાથના પંજા તો પાડી દીધા, પણ તેમના ટીકાકારોએ હવે ‘અંગુઠાછાપ’ જેવો નવો શબ્દ લાવ્યા છેઃ‘પંજાછાપ’. એ મહેણાં મારે છે કે નોબેલવાળાની હરોળમાં પંજો પાડવો, એ બેશરમ ધુસણખોરી કહેવાય. (બીજા અધિકારી સામે જોઇને આગળ વધારવા ઇશારો કરે છે)

અધિકારી ૨ઃ આમ કહેવું એ ફક્ત ગુજરાતનું જ નહીં, હવે તો દેશનું અપમાન છે.  દેશવિરોધીઓ હજુ એ હકીકત સ્વીકારી શકતા નથી કે સાહેબ નોબેલ લીધા વિના જવાના નથી.  આપણી ચર્ચાનો મુદ્દો પણ એ જ છે કે સાહેબને કયા ક્ષેત્રનો નોબેલ મળવો જોઇએ.

અધિકારી ૧ઃ સાહેબને કયા ખાનામાં મુકવા એની મીઠી મુંઝવણ થાય છે. કેમ કે, તે નોબેલનાં બધાં ખાનાંમાં બંધ બેસે છે. સૌથી પહેલાં સૌથી જાણીતા વિષયની- સાહિત્યની વાત કરીએ.

અધિકારી ૩ઃ વિચાર આ ધન્ય છે. સાહેબનો કવિતાસંગ્રહ તેમને સાહિત્યનું નોબેલ અપાવવા માટે પૂરતો છે.

અધિકારી ૭ : એ કાવ્યસંગ્રહને ટાગોરના ‘ગીતાંજલિ’ની હરોળમાં મુકવો હોય તો નવી આવૃત્તિમાં તેનું નામ બદલીને ‘અસત્યો સાથે તું પ્રભુ પરમ તેજે જ લઇ જા’ એવું કરવું જોઇએ. તેનાથી ભારતીય સંસ્કૃતિનો ટચ પણ લાગશે.

બધા અધિકારીઓ (સમુહમાં) : બ્રિલિયન્ટ..

અધિકારી ૭ઃ  અને તેમના કાવ્યસંગ્રહને નોબેલ આપવા સામે કોઇને વાંધો હોય તો, ત્યાર પછી તેમનો બીજો સંગ્રહ આવ્યો નથી એ માટે પણ તેમને સાહિત્યનો નોબેલ મળી શકે.

(અધિકારી ૧-૨નાં ભવાં તંગ થાય છે. પણ તે ચૂપ રહે છે.)

અધિકારી ૧(સાંભળ્યું-ન સાંભળ્યું કરતો ખોંખારો ખાઇને) : શાંતિ માટેનો નોબેલ તો એમને ક્યારનો મળવો જોઇતો હતો...

અધિકારી ૨ઃ ૨૦૦૨ પછી ગુજરાતમાં એકેય રમખાણ થયું નથી એ કેટલી મોટી સિદ્ધિ છે.

અધિકારી ૭ઃ સાચી વાત છે. સાહેબ મુખ્ય મંત્રી હોય ને એકેય રમખાણ ન થાય...એ સિદ્ધિ કહેવાય... એમ જ ને? પણ સાહેબ મુખ્ય મંત્રી ૨૦૦૧માં થયા ન હતા?

અધિકારી ૧ઃ (કડક અવાજે અધિકારી ૭ને) તમને આ મિટિંગ માટે કોણે બોલાવ્યા?

અધિકારી ૭ઃ સોરી સાહેબ, હું તો ફક્ત ડાઉટ ક્લીઅર કરતો હતો, જેથી પ્લાનિંગમાં ક્લેરિટી રહે.

અધિકારી ૩ઃ તમે આ બધી વાતો કરો છે, પણ નોટબંધીમાં તો સાહેબને બબ્બે નોબેલ મળે તેમ છે.

અધિકારી ૧-૨ઃ બબ્બે શાના? અમે તો ફક્ત અર્થશાસ્ત્રના નોબેલની ગણતરી માંડી હતી.

અધિકારી ૩ઃ સાહેબની એ તો કમાલ છે. તેમનું એક લક્ષ્ય બીજા લોકો માટે હોય છે ને બીજું લક્ષ્ય પોતાના માટે. નોટબંધીથી અર્થશાસ્ત્રનો નોબેલ મળે એમાં કશી કમાલ નથી. પણ સવા અબજના દેશને બે મહિનાથી લાઇનમાં ઊભો રાખી દીધો છે. છતાં દેશમાં વ્યાપક સ્તરે  શાંતિ સ્થપાયેલી રહી, એ જેવીતેવી સિદ્ધિ છે? તેના માટે નોબેલથી ઓછું કંઇ ન હોઇ શકે.

અધિકારી ૨ઃ એમ તો રસાયણશાસ્ત્રમાં સાહેબને ક્યારનો નોબેલ મળી જવો જોઇતો હતો. પણ આ લોકોને આપણી કદર જ નથી હોતી. જુઓને, ગાંધીજીને પણ નોબેલ ન જ આપ્યો ને.

અધિકારી ૫ઃ (માથું ખંજવાળતાં) રસાયણશાસ્ત્રમાં એટલે...એક્ઝેક્ટલી કેવી રીતે?

અધિકારી ૧ઃ કેમ? ભૂલી ગયા? ગુજરાતમાં સાહેબે અલગથી લેબોરેટરી સ્થાપીને રીસર્ચ કરવાની ક્યાં જરૂર
છે? ગુજરાત પોતે વિશ્વની સૌથી મોટી ઓપન લેબોરેટરી છે. તેમાં સાહેબે કેવા ઘૂમધડાકાબંધ પ્રયોગો કરેલા છે. પણ નોબેલવાળા સમજે ત્યારે ને.

અધિકારીઓઃ (સમુહ ઉદ્‌ગારમાં) જિનીયસ...

અધિકારી ૨ઃ ભૌતિકશાસ્ત્ર- ફિઝિક્સમાં એમનું પ્રદાન તો બહુચર્ચિત છે જ. તેના વિશે ઘણું લખાઇ ચૂક્યું છે. પણ સાહેબ પોતે તેના માટે જશ લેવા નથી માગતા.

અધિકારી ૧ઃ મહાન વિજ્ઞાનીઓ પોતપોતાની ભાષામાં જ વિજ્ઞાનનાં સંશોધનો રજૂ કરે છે. એમ સાહેબે આપણી રાષ્ટ્રભાષામાં કહ્યું હતું, ‘હર ક્રિયાકી પ્રતિક્રિયા હોતી હૈ.’ ન્યૂટને એમાં જરા ઉમેરો કરીને ગતિનો ત્રીજો નિયમ બનાવી દીધો.

અધિકારી ૧ઃ કોઇ માણસ વહેલો જન્મી જાય એ જ એની કમાલ? ને કોઇ મોડો જન્મે એ તેનો વાંક? ન્યૂટન જેવી વૈચારિક ઊંચાઇ ધરાવનાર જણને ફિઝિક્સનો નોબેલ નહીં મળે તો કોને મળશે?

અધિકારી ૩ઃ નોબેલ નોબેલ પુરસ્કારનો હજુ એક વિષય રહ્યો- મેડિસીન.

(અધિકારી ૧-૨ એકબીજા સામે જોઇને ગહન વિચારમાં ડૂબી જાય છે.)

અધિકારી ૭ઃ તમે પણ શું, સાહેબો? એમાં તો સાહેબનો દાવો સૌથી વધારે મજબૂત છે.

અધિકારીઓઃ કેવી રીતે?

અધિકારી ૭ઃ સાહેબ તેમના ઑર્ગેનિક એનેસ્થેસિયાનો વર્ષોથી પ્રયોગ કરી રહ્યા છે. એમાં કોઇ કેમિકલ વપરાતું નથી અને તેની અસર પણ મર્યાદિત નથી. એની સૌથી મોટી ખૂબી એ છે કે એનેસ્થેસિયાની અસર નીચે રહેલા લોકોને ખબર પણ પડતી નથી. તેમને એવું જ લાગે છે કે તે સામાન્ય સ્થિતિમાં છે. આવા લોકો આગળ ઘટનાઓનાં ગમે તેટલાં ઑપરેશન કરો, ચીરફાડ કરીને અંદરનું બઘું બતાવો, પણ તે ઉંહકારો સરખો કરતા નથી.

અધિકારી ૧ઃ આ તો સુશ્રુત અને ચરક પછી મેડિકલ ક્ષેત્રે ભારતની સૌથી મહત્ત્વની શોધ કહેવાય. હજુ સુધી કોઇનું ધ્યાન કેમ નહીં ગયું હોય?

અધિકારી ૭ઃ કોઇનું એટલે કોનું? નોબેલવાળાનું?

અધિકારી ૨ઃ હા.

અધિકારી ૭ઃ (બેઠક પરથી ઉભા થતાં) સીધી વાત છે...આ કેસ, નોબેલનો નહીં, ઑસ્કારનો છે... ત્યાં એક્ટર-ડાયરેક્ટરથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્‌સ જેવી બધી કેટેગરીમાં તેમની સામે કોઇ ટકી નહીં શકે... વિચારી જોજો.

(અધિકારી ૭ની વિદાય સાથે બધા અધિકારીઓ ઑસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે શી વિધી છે, તેની ચર્ચા કરવા લાગે છે.)

Tuesday, January 10, 2017

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?

વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો છે. સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે નવ નોબેલ-સન્માનિતો પહેલી વાર આ રીતે કોઈ દેશમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અભિભૂત થવા માટે અને ગુજરાતી તરીકેના ગૌરવથી છાતી ફુલાવી દેવા માટે આટલું પૂરતું નથી?  એના જવાબનો આધાર વાસ્તવિકતા સાથેના તમારા સંબંધ પર છે. એક સમૂહ ગૌરવતરસ્યો-ગૌરવઘેલો છે. તે ગુજરાતમાં દસ વર્ષ (એકંદરે) નિયમિત વરસાદ આવે, તો એ બદલ પણ ગૌરવ અનુભવી શકે છે અને વરસાદ આવતાં પહેલાં, આયોજનના અભાવને કારણે જીવ કેવા તાળવે ચોંટ્યા હતા, તે સહેલાઈથી ભૂલી જાય છે. આ વર્ગની આંખો ઝાકઝમાળ અને રોશનીથી એવી ટેવાઈ ગઈ છે કે કુદરતી પ્રકાશ તેમનાથી ખમાતો નથી. ગુજરાતના ગૌરવનો-ગુજરાતની અસ્મિતાનો તેમનો ખ્યાલ સદંતર સરકારી છે. આ સમૂહ ગુજરાત અને ગુજરાત સરકારને એક માને છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું સમીકરણ કોઈ તેમને યાદ કરાવે તો તેમને વાંધા પડે છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું કહેનાર ‘ગુજરાતવિરોધી’માં ગણાઈ જાય, એ ગુજરાતની સરકાર-સ્પોન્સર્ડ અસ્મિતાએ ફેલાવેલું પ્રદૂષણ છે - અને એ બાબતમાં સરકારની સફળતા નોંધપાત્ર છે.

કાશ, એવી સફળતા સરકારને શિક્ષણક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં મળી હોત - અથવા જેટલી મહેનત - આવડત આભાસ ઉભો કરવામાં વાપરી, તેટલી ખરેખર કામ કરવામાં વાપરી હોત, તો ગુજરાતનો ઉદ્ધાર થઈ ગયો હોત. પરંતુ ગુજરાતના શિક્ષણની સ્થિતિ સૌ જાણે છે. એ જુદી વાત છે કે બધા એ વિશે બૂમો પાડતા હોવા છતાં અને તેનાથી સીધી કે આડકતરી રીતે પીડિત હોવા છતાં, તેમાં સરકારની સીધી અને ઉઘાડી જવાબદારીની વાત થતી નથી. શિક્ષણના નામે સરકાર કાર્યક્રમબાજીમાં પડી જાય, અવનવા ઉત્સવો અને પ્રોજેક્ટના આંકડાના ખડકલા કરે, પણ જમીની પરિણામ? વ્યક્તિગત રીતે જાણવું હોય તો વાલીઓને પૂછવું અને વ્યાપક રીતે જોવું હોય, તો ‘પ્રથમ’ જેવી સંસ્થાના શિક્ષણની ગુણવત્તા સૂચવતા વાર્ષિક અહેવાલ જોવા.

નવ નોબેલ સન્માનિતોને એક સાથે બોલાવીને છાકો પાડી દેવા માગતી ગુજરાત સરકારે રાજ્યનું શિક્ષણ વર્ષોથી વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકોના હવાલે કર્યું છે. રૂપાળાં નામ ધરાવતા આ હોદ્દા સરકારી રાહે પાંચ વર્ષ સુધી થતા સત્તાવાર શોષણનો પર્યાય છે. વાઇબ્રન્ટ જેવા ઓચ્છવોમાં કરોડોનાં આંધણ કરતી અને દુનિયાભરમાં પોતાની આર્થિક આગેકૂચના ડંકા વગાડાવતી ગુજરાત સરકાર પાસે પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેના રૂપિયા નથી. નોબેલ સન્માનિતોનું એક સેશન સરકારી શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકો સાથે પણ ન થવું જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમણે ક્યાં અને કોને પ્રેરણા આપવાની છે. મેડિકલ ક્ષેત્રે નોબેલ સન્માન મેળવનારને કોઈ એ પણ કહેજો કે તમે અમુક કૉલેજમાં અમુક ગેંગના સાહેબોની સામે પડીને પાસ તો થઈ બતાવો - નોબેલ તો બહુ દૂરની વાત છે.

જશ લેવા માટે દોડી પડતી સરકારની મૂળભૂત પ્રકૃતિ જૂઠું બોલવાની હોય છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં સરકાર ગમે તેટલાં જૂઠાણાં ચલાવે, પણ નાગરિકો અસલિયત જાણતા હોય છે. કારણ કે, શાળામાં ભણતાં બાળકો, તેમાં કામ કરતા કર્મચારીઓ-શિક્ષકો-અધ્યાપકો વ્યાપક નાગરિક સમુદાયમાંથી આવે છે. છતાં, આ સૌ કોઈ શિક્ષણક્ષેત્રની પોતાની મુશ્કેલીઓ માટે સરકારનો કાન પકડવા જેટલાં સંગઠિત કે અસરકારક બની શકતાં નથી.

સિલિકોન વેલીમાં દબદબો ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલોજી (આઈ.આઈ.ટી.)ના એન્જિનિયરોની આખી પેઢીમાંથી ઘણાનાં પ્રાથમિક ભણતર સરકારી-મ્યુનિસિપાલિટીની નિશાળોમાં થયાં હતાં. કોઈ પણ દેશના સાચા વિકાસ અને સાચી પ્રગતિ માટે તેની જાહેર નિશાળો અને જાહેર આરોગ્યની વ્યવસ્થાની ‘તબિયત’ તપાસવી પડે. ગુજરાતમાં સરકારી નિશાળોની ઉડી ગયેલા બલ્બ જેવી હાલત કરવામાં સરકાર સિવાય બીજા કોને જવાબદાર ઠેરવી શકાય? શોપિંગ સેન્ટરની જેમ અને ઘણી જગ્યાએ તો ખરેખર શોપિંગ સેન્ટરોમાં ખૂલી ગયેલી શાળાઓ શું સરકારની મંજૂરી વિના ચાલે છે? અને એવી શાળાઓ માટે જવાબદારી કોની? તોતિંગ ફી લેતી ખાનગી નિશાળોમાં સંચાલકો દ્વારા થતું શિક્ષકોનું શોષણ અને પૂરતી લાયકાત વગરના શિક્ષકો - આવાં બધાં પાપ નોબેલસન્માનિતો આવ્યાના રાજીપામાં ભૂંસી નાખવાનાં?

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આચાર્યો અને અધ્યાપકોની અઢળક જગ્યાઓ ખાલી છે. છઠ્ઠા પગારપંચનો તોતિંગ પગાર લેનારા અધ્યાપકોમાંથી ઘણા કામચોરી કરે છે અને અધ્યાપકસહાયક તરીકે પાંચ વર્ષ સુધી મામૂલી પગારે રખાયેલો જણ તૂટી મરે છે. ખાનગી કૉલેજોમાં ચાલતી શોષણખોરી અને ગેરરીતિઓ, માફિયાનાં રાજ અને ટોળકીઓનાં શાસનમાં પહેલો ભોગ શિક્ષણની ગુણવત્તાનો લેવાય છે. કૉલેજના આચાર્યો કે વિભાગીય વડાઓને સંચાલકો આગળ લળી પડતા કે તેમની દાઢીમાં હાથ નહીં, પોતાનું આખેઆખું અસ્તિત્ત્વ સમાવી દેતા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. એક સમયે સારા અધ્યાપકો અને સારી ગુણવત્તા ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓની અવદશા માટે સરકારોને કેમ જવાબદાર ન ઠેરવવી? અને ‘આ સ્થિતિને સુધારવા માટે તમે શું કરવા ઇચ્છો છો? અથવા શું કર્યું?’ એવા સવાલ શિક્ષણમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ ન પૂછવા?

પણ સવાલ પૂછવાનું બાજુ પર રહ્યું, નાગરિક તરીકે આપણે તેમના જૂઠા દાવા ને જૂઠાં બણગાં સાંભળી લઈએ છીએ. એટલે તેમને ફાવતું જડે છે. અવનવા ઉત્સવોના ઘોંઘાટમાં તે વાસ્તવિકતાનો - અસંતોષનો અવાજ દબાવી દે છે. એ તેમની સફળતા જેટલી જ નાગરિકસમાજની નિષ્ફળતા છે.

બૂંદ સે બિગડી, હૌજ સે નહીં આતી - એ કહેણી જૂની થઈ. બ્રાન્ડિંગ, પોઝિશનિંગ અને ઇમેજ બિલ્ડિંગના - ટૂંકમાં, જે જેવું નથી તેવું દેખાડવાના - આ યુગમાં દરેક પ્રકારનો સડો ઢાંકવા માટેના રેશમી ગાલીચા મોજૂદ છે અને એવી કોઈ દુર્ગંધ નથી, જે મોંઘાંદાટ અત્તરની સુગંધ તળે દબાઈ ન જાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કુલ 157 એમઓયુ થવાના છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણની વાત છે. બરાબર છે. પણ જે થવાનું છે તેનાં ઢોલ વગાડવાથી વર્તમાન સ્થિતિની જવાબદારીમાંથી સરકારને છુટ્ટી મળી જતી નથી. એવી જ રીતે, નોબેલ સન્માનિતોની હાજરી અને તેમના મહિમાનો ઉપયોગ શિક્ષણક્ષેત્રની કરુણ-શરમજનક - કૌભાંડી વાસ્તવિકતાઓને, સરકારના ગેરવહીવટ - તેની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ન થાય, એની કાળજી રાખવા જેવી છે.

Monday, January 09, 2017

સાવિત્રીબાઇ ફુલે અને ગુગલ-સ્મૃતિ

આર,કે,લક્ષ્મણનું એક કાતિલ કાર્ટૂન હતુઃ તસવીરપ્રદર્શનમાં ગાંધીજીની એક મોટી તસવીર છે અને હૃષ્ટપુષ્ટ નેતાજી વાંકા વળીને નામ વાંચે છે કે આ કોની તસવીર છે. વાતમાં બેશક કાર્ટૂનસહજ અતિશયોક્તિ છે, સાથોસાથ તેનો વ્યંગ ચિરંતન છે. ભારતમાં નાયકનાયિકાઓની વિસ્મૃતિનો રોગ એટલો વકરેલો છે કે ભલભલા ભૂલાઇ જાય છે. બીજી તરફ, વર્તમાન રાજકારણમાં ઓળખની અણીની ધાર એટલી નીકળેલી છે કે નાયકનાયિકાઓને કેવળ એક પ્રતિક અથવા ગ્રાફિક તરીકે જીવંત કરવાનું ચલણ વધી પડ્યું છે. એવા વખતમાં પોતાના લોગો સાથે પ્રસંગોચિત ચિત્રો (ડૂડલ) મૂકવા માટે જાણીતી વેબસાઇટ ગૂગલે કમાલ કરી. જાન્યુઆરી 3ના રોજ તેના લોગોની સાથે સાવિત્રીબાઇ ફુલેનું ચિત્ર મુકવામાં આવ્યું—અને સ્વાભાવિક રીતે, શબ્દાર્થમાં નહીં તો ધ્વન્યાર્થમાં ઘણાને વાંકા વળીને જોવું પડ્યું કે આ કોનું ચિત્ર છે.     



અલબત્ત, ન ખબર હોવી એ વાંક નથી. ભારતમાં સ્મૃતિ જીવંત રાખવાના રસ્તા એટલા ખરાબ-એટલા ભદ્દા છે કે કમકમાટી ઉપજે. પૂતળાં ને રસ્તાનાં નામ. બસ. તેની સરખામણીમાં ગુગલનું ડુડલ ઔપચારિક હોવા છતાં, તેમાં એટલું સુખ છે કે ચિત્ર પર ક્લિક કરવાથી સાવિત્રીબાઇ વિશેની માહિતીનો ભંડાર ખુલી શકે છે. પૂતળાં કે રસ્તાનાં નામનાં પાટિયામાં આવી કોઇ વ્યવસ્થા હોઇ શકે, પણ હોતી નથી. નડિયાદમાં થોડાં વર્ષો પહેલાં હસિત મહેતા/ Hasit Mahetaએ લીટરરી હેરિટેજ વોક જેવો મૌલિક પ્રોજેક્ટ હાથ ધર્યો, ત્યારે તેમણે સાક્ષરભૂમિ નડિયાદના દોઢ-બે કિલોમીટરના ભૌગોલિક વિસ્તારમાં જીવી ગયેલા દરેક સાહિત્યકારના ઘરની બહાર તેમના જીવન- કાર્ય વિશે ટૂંકમાં પણ તેમનું મહત્ત્વ સિદ્ધ થાય એવી માહિતી જહેમતપૂર્વક મૂકી હતી. સાથે તેમની એક તસવીર પણ ખરી. એવી દૃષ્ટિ ને વૃત્તિ ન હોય, તો શું થાય તેનાં અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે. મુંબઇમાં મહંમદ રફી, શંકર-જયકિશન કે કલ્યાણજીના નામના ચોક હોય તો તેમાં વિગતો ન મુકાય તે હજુ સમજ્યા, પણ અમદાવાદમાં ઉમાશંકર જોશી માર્ગ ને રાજકોટમાં ક્રિકેટર અમરસિંહ માર્ગનું શું કરવાનું?  એ માર્ગનું નામ વાંચનારને આ મહાનુભાવો વિશે તત્કાળ—અને ગુગલની મદદ વિના--બીજું કશું જાણવું હોય તો એ શક્ય ન બને. ત્યારે સવાલ થાયઃ એ માર્ગ શરૂ થતો હોય ને પૂરો થતો હોય ત્યાં બાજુ પર એક તકતીમાં તેમના પ્રદાનની (અધ્યાપકીય નહીં પણ આમજનતાને સમજાય એવી રીતે લખેલી) વિગતો ન મૂકી શકાય?

માર્ગનું કે ચોકનું નામકરણ બેશક ઔપચારિકતા છે, પરંતુ ઘણી વાર પ્રતાપી વ્યક્તિત્વોને આ રીતે માર્ગના નામ સાથે જોડવામાં આવે, ત્યારે તેમના નક્કર પ્રદાનની વિગતો મૂકવી જરૂરી ન હોવી જોઇએ? અમદાવાદમાં સી.વી.રામન માર્ગ કે જોતિબા ફુલે ચોક હોય ત્યારે, એ ચોક્કસ રસ્તાને તેમનું નામ શા માટે અપાયું તેનું કારણ ભલે જાણવા ન મળે, પણ રામન અને ફુલે કોણ હતા ને આપણા શહેરમાં તેમના નામે રસ્તો હોવો એ કેમ ગૌરવની બાબત છે, એટલું જાણવાનો નાગરિકોને અધિકાર નથી? અને એટલું જણાવવાની એ વિસ્તારના કોર્પોરેટરની કે શહેરના કોર્પોરેશનની ફરજ નથી? આટલું કરવા માટે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનની મંજૂરી લેવાની જરૂર નથી. મ્યુનિસિપાલિટીના કમિશનર કે મેયરને સમજાવી શકે એવા એકાદ સમજુ અને ઉત્સાહી કોર્પોરેટર પણ બસ થઇ પડે. (હા, તકતીઓનો ખર્ચ કેટલો થાય ને એમાં કોન્ટ્રાક્ટ આપણા માણસને મળે કે કેમ, એવી વૃત્તિઓથી આટલા કામ પૂરતા દૂર રહેવું પડે.) શહેરોમાં ઘણી વાર સ્થાનિક અગ્રણીઓના નામ પણ રસ્તા કે ચોક સાથે જોડવામાં આવે છે. તેમનું પ્રદાન ભલે ગાંધી-સરદાર-આંબેડકર જેટલું ન હોય, પણ પોળ કે વિસ્તારના સ્તરે તેમણે કશુંક રચનાત્મક કામ કર્યું હોય, તો તે પણ પછીની પેઢી સુધી પહોંચવું જોઇએ—અને તેમનું કામ એટલું મહત્ત્વનું ન હોય, તો એવા કિસ્સામાં રસ્તાનાં નામકરણની એક્સપાયરી ડેટ નક્કી થવી જોઇએ. જેથી દરેક પેઢીમાં કંઇક સારું કામ કરનારા લોકોનો લાભ એ રસ્તા-ચોકને મળી શકે.

એનો મતલબ એ નથી કે રસ્તાને અપાયેલાં નામ સ્મૃતિ જાળવવાની ઉત્તમ રીત છે. મુંબઇનો એસ.વી. રોડ સરદાર વલ્લભભાઇ છે કે સ્વામી વિવેકાનંદ એ વિશે ઘણા મુંબઇગરાઓને અવઢવ થઇ શકે. અમદાવાદની એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યુટના એમ.જી. તે મહાત્મા ગાંધી નથી, પણ મફતભાઇ ગગલદાસ છે તે બીજાને તો ઠીક, ઘણા વિદ્યાર્થીઓને પણ જણાવવું પડતું હશે કદાચ. એવી જ રીતે, અમદાવાદના પ્રખ્યાત સી.જી.રોડવાળા સી.જી. તે ચમનલાલ ગિરધરદાસ અને તે ટાઉનહોલવાળા મંગળદાસ ગિરધરદાસના નાના ભાઇ—એ પણ લોકોને સહજતાથી, થોથાં ઉથલાવ્યા વિના, શા માટે જાણવા મળવું ન જોઇએ? અને મંગળદાસ તથા અમદાવાદના બીજા શેઠિયાઓની આફ્રિકાથી નવા આવેલા ગાંધીજી સાથેની સમુહ તસવીર મંગળદાસ ગિરધરદાસ ટાઉનહોલની બહાર શા માટે ન હોવી જોઇએ? આ બધો પુસ્તકિયો ઇતિહાસ નથી. ઉલટું, આવી નાની ચેષ્ટાઓ ઇતિહાસને પાઠ્યપુસ્તકની કે સંગ્રહસ્થાનોની કેદમાંથી કે બહાર કાઢીને રોજિંદા જીવન સાથે તેનો સંબંધ જોડવામાં સારો ભાગ ભજવી શકે.

વાત સાવિત્રીબાઇ ફુલેથી શરૂ કરી હતી. સમાજસુધારાના ક્ષેત્રે ભાગ્યે જ જોવા મળે એવી જોતિરાવ અને સાવિત્રીબાઇ ફુલેની જોડીએ મોટે ભાગે નીચલી ગણાતી જ્ઞાતિઓ માટે પ્રચંડ કામ કર્યું. પરિણામે, અત્યારે તેમની સ્મૃતિ મોટે ભાગે દલિત (બહુજન) આંદોલન પૂરતી સીમિત બની ચૂકી છે. (એ ફુલે દંપતિનું નહીં, લોકોનું નુકસાન છે) અભ્યાસી અને સંવેદનશીલ અધ્યાપક સંજય ભાવે / Sanjay Bhaveએ સાવિત્રીબાઇ ફુલેની અંજલિઓમાં મોટે ભાગે ચુકાઇ જતી એક વિગત ભણી ધ્યાન દોર્યુઃ યુનિવર્સિટી ઓફ પૂનાનું નામ છેલ્લા થોડા વખતથી સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવિર્સિટી કરવામાં આવ્યું છે—અને તેની સામે કોઇ પણ તબક્કે વાંધાવિરોધ ઊભા થયા ન હતા. પ્રગતિશીલ પરિબળોની સાથોસાથ બ્રાહ્મણવાદી માનસિકતાનો ગઢ ગણાતા પૂણેમાં આ શક્ય બને એ બહુ નોંધપાત્ર કહેવાય. ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટી સાથે ડો.આંબેડકરનું નામ જોડવામાં થયેલા કડવા અને હિંસક વિવાદો ધ્યાનમાં રાખતાં તો ખાસ.


પરંતુ એ પણ હકીકત છે કે સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીની વેબસાઇટના હોમપેજ http://www.unipune.ac.in/ પર સાવિત્રીબાઇ ફુલેની સમ ખાવા પૂરતી તસવીર જોવા મળતી નથી ને આખી વેબસાઇટમાં ક્યાંય સાવિત્રીબાઇ વિશે ચાર લીટી પણ વાંચવા મળતી નથી. હોમ પેજ પર એબાઉટ પૂણેનો વિભાગ છે, પણ એબાઉટ સાવિત્રીબાઇ ફૂલે મુકવાનું હજુ સુધી કોઇને સૂઝ્યું નથી. 

Thursday, January 05, 2017

રૂ.19,700 કરોડનાસીધા સવાલ

રાજ્ય સરકારની એક પેટ્રોલિયમ કંપની છે. તે મોટા ફાયદાનો દાવો કરીને એક ધંધો શરૂ કરે છે. દાવો ખુદ મુખ્ય મંત્રીએ કર્યો છે. એટલે તેને અનુરૂપ કંપનીમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પણ કશો ફાયદો નથી. નકરું દેવું થાય છે.

ફાયદો થવાનો પણ નથી. કારણ કે પાયામાંથી નુકસાનનો ધંધો છે એવું નિષ્ણાતો કહી ચૂક્યા છેછતાં કંપની પ્રોજેક્ટમાં રૂપિયા નાખ્યા કરે છે. કારણ કે રૂપિયા કંપનીના નથી. (મોટે ભાગે જાહેર ક્ષેત્રની બેન્કોના છે.)જેમાંથી સરવાળે કશું નીપજવાનું નથી એવાં કામ પેટે કંપની કોન્ટ્રાક્ટ આપે. એટલે કોન્ટ્રાક્ટના સાચાખોટા મહેનતાણા પેટે  બીજી કંપનીઓને કમાણી થાય. બીજી કંપનીઓ કોની છે ને ખાસ તો તેના સાચા લાભાર્થી કોણ છે, તે જાણવા મળતું નથી. પરંતુ સત્તાવાર રીતે જેટલી માહિતી મળે છે, તે આઘાતનો જબ્બર આંચકો આપવા માટે પૂરતી છે:રાજ્ય સરકારની કંપની 11 વર્ષમાં રૂ. 19,700 કરોડનું દેવું કરીને બેઠી છે, પ્રોજેક્ટમાંથી એક પૈસાની આવક થઇ નથી અને તેને હદે ખોટના ધંધામાં ઉતારનાર મુખ્ય મંત્રી હવે વડાપ્રધાન બનીને દેશનો ઉદ્ધાર કરવામાં વ્યસ્ત છે.

ખોટના ધંધા કરતી કંપનીને રૂ.19,700 કરોડ જેટલી રકમ ધીરી કોણે? મોટો હિસ્સો જાહેર ક્ષેત્રની બેન્કોએ. મતલબ, બેન્કોને ખાલી કરવામાં વિજય માલ્યા એકલા નથી. ખરેખર તો માલ્યા જેવા એકાદ જાણીતા બદનામને લીધે બીજા બધાને બહુ ફાયદો થાય છે. લોકો વિજય માલ્યાની વાર્તાઓ સાંભળીને, કકળાટ મચાવીને પોઢી જાય છે. અને માલ્યા કરતાં મોટા ખેલાડીઓ છૂટા ફરે છે. તે લોકોને દેખાતા નથી અને સચ્ચાઇને નજરઅંદાજ કરતા પોસ્ટ-ટ્રુથ જમાનામાં, ઘણા લોકોને સામે ઊભેલી હકીકત ધરાર જોવી નથી.

અહીં જે કંપનીની વાત છે તે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન- GSPC.  વાઇબ્રન્ટ ગુજરાતનાં બીજાં અનેક હાડપિંજરોની જેમ મામલો ભૂલાઇ ચૂક્યો હતો, પણ ગયા સપ્તાહે GSPCનો સૌથી ખર્ચાળ અને તેને ખાડામાં ઉતારનાર આખેઆખો પ્રોજેક્ટ ONGC ખરીદી લીધો છે. એટલે નવેસરથી GSPCનું રૂ.19,700 કરોડનું દેવું ચર્ચામાં આવ્યું છે. એવું દેવું, જેનું વાર્ષિક વ્યાજ રૂ.1,800 કરોડ થાય છે.  GSPCના મહાખોટ કરનારા પ્રોજેક્ટને ONGC આશરે 1 અબજ ડોલર (રૂ.6,750 કરોડ)માં ખરીદ્યો છે. સિવાય GSPC દ્વારા ભવિષ્યમાં થનારી ગેસની બીજી કેટલીક શોધો પેટે આશરે રૂ.1,500 કરોડ ઠરાવાયા છે. બધું મળીને ONGC GSPCને 1.2 અબજ ડોલર (આશરે રૂ. 8,160 કરોડ) ચૂકવવાનો નિર્ણય લીધો છે.

સાંભળીને સૌથી પહેલો વિચાર આવે કે અઢળક નફો કરતી કેન્દ્ર સરકારની કંપની ONGC રાજ્ય સરકારની સલવાઇ ગયેલી GSPCનો મોક્ષ કરી નાખ્યો. સોદાની વિગતો જાહેર થયા પછી GSPCના દેવાનું શું થયું, તેની સ્પષ્ટ થઇ હતું. એક આશંકા એવી પણ હતી કે GSPCનું દેવું પણ ઓઢીને ONGC તેને સંપૂર્ણપણે ઉગારી લેશે.


પરંતુ ગઇ કાલના એક અહેવાલ પ્રમાણે, GSPC- ONGC સોદામાં રૂ.19,700 કરોડના દેવાનો સમાવેશ થતો નથી. ONGCનો દાવો એવો છે કે GSPC દ્વારા ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓ ખરીદીને તેમાંથી કમાણી કરી શકે છે. દાવો સાચો હોય તો પણ, ONGC હવે ઝાઝા વિલંબ વિના ગેસનો ધારેલો જથ્થો હસ્તગત કરીને, તેના રૂ.6,750 કરોડના રોકાણને વાજબી ઠરાવવાનું રહેશે.

GSPC-ONGC સોદામાં ધારો કે કશો ગોટાળો હોય, તો પણ અત્યંત મહત્ત્વના મુદ્દા ઊભા રહે છે, જેના જવાબ તત્કાલીન મુખ્ય મંત્રી-વર્તમાન વડાપ્રધાને અને સંબંધિત અધિકારીઓએ લોકોને આપવાના રહે છે.

1.  રૂ.19,700 કરોડનું દેવું થયું, તો રકમ GSPC ક્યાં અને કેવી રીતે ખર્ચી? ONGC અત્યારના ભાવ પ્રમાણે માળખાકીય સુવિધાઓ સહિત બધો સરવાળો કરીને GSPCને રૂ.6,750 કરોડ ચૂકવવાનું ઠરાવ્યું છે. તો બાકીના આશરે રૂ.13,000 કરોડનો ખર્ચ GSPC ક્યાં કર્યો? (અને તેનો મોટો હિસ્સો આખરે કોની તિજોરીમાં પહોંચ્યો?)  માળખાકીય સુવિધાઓની સ્થાપનકિંમત કરતાં વેચાણકિંમત ઓછી ગણીએ તો પણ, તફાવત રૂ.13,000 કરોડ જેટલો હોય?

2. GSPC તરફથી કોન્ટ્રાક્ટનાં કામ પૂરતો અનુભવ હોય એવી કંપનીઓને કેમ અપાયાં? તેના અસલી લાભાર્થી કોણ હતા?

3. વર્ષ 2005માં મુખ્ય મંત્રીપદેથી નરેન્દ્ર મોદીએ 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો જથ્થો મળ્યાનો દાવો કર્યો હતો. બે વર્ષમાં ગેસનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જશે એવો તેમનો વાયદો હતો. પછી ડાયરેક્ટરેટ ઓફ હાઇડ્રોકાર્બન્સે તપાસ કરીને કહ્યું કે ગેસનો જથ્થો આશરે 2 ટ્રિલયન ક્યુબિક ફીટ (મોદીના દાવા કરતાં 90 ટકા ઓછો) છે. ONGCના ભૂતપૂર્વ વડા અશોક વર્માએ લખ્યું છે કે બે ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસમાંથી અડધો કાઢી શકાય એમ છેઅને તે પણ સીધેસીધો નીકળી શકે એમ નથી. કારણ કે,તેમાં ટેકનોલોજીના પ્રશ્નો પૂરેપૂરા ઉકલ્યા નથી.

4. તત્કાલની મુખ્ય મંત્રી મોદીના રાજમાં, ગેસના ખજાનાની જાહેરાત પછી, GSPC કશા અનુભવ વિના વિદેશોમાં ગેસબ્લોક ખરીદ્યા. તેમાં અગિયારમાંથી દસ બ્લોક પાછા આપી દેવા પડ્યા ને રૂ.1,700 કરોડ ચટણી થઇ ગયા.

5. માર્ચ, 2012માં રજૂ થયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગ-ના અહેવાલમાં જણાવાયું કે અનેક ભૂલભરેલાં રોકાણ અને વહીવટી નિર્ણયોને લીધે GSPCને રૂ.7,000 કરોડની ખોટ ગઇ. ( ખર્ચ ક્યાં વપરાયો ને તેનો નોંધપાત્ર હિસ્સો કોની તિજોરીમાં ગયો, સંતોષકારક રીતે સ્પષ્ટ થતું નથી.) અહેવાલમાં નોંધાયું હતું કે કંપનીએ ગેસ શોધવા પાછળ કરેલો વાસ્તવિક ખર્ચ મૂળ અંદાજ કરતાં લગભગ 13 ગણો વધારે હતો. 2016માં ફરી કેગે રૂ.19,700 કરોડના રોકાણ બદલ GSPCની ટીકા કરી અને કહ્યું કે માર્ચ 2011માં કંપનીનું દેવું રૂ.7,126 કરોડ હતું, જે ચાર વર્ષમાં વધીને  (લોકસભાની ચૂંટણી પહેલાં) માર્ચ 2015માં રૂ.19,700 કરોડ થયું છે.

2012માં કેગનો અહેવાલ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. વખતે તેમણે અહેવાલની ગૃહમાં વિગતે ચર્ચા થાય તેવો વ્યૂહ ગોઠવ્યો હતો. હવે તે દેશના વડાપ્રધાન થઇ ગયા, એટલે મુખ્ય મંત્રી તરીકે તેમના રાજમાં થયેલા રૂ.19,700 કરોડના ગેરવહીવટની જવાબદારીથી પર થઇ ગયા ગણાય? ગેરરીતિનો તેમની પર ડાઘ સુદ્ધાં લાગેઘણા ભાવિક ને ઘણા ભોળા લોકો માટે આવા પ્રશ્નો અપ્રસ્તુત છે. તેમના માટે નરેન્દ્ર મોદીનું એકલા (પરિવાર વગરના) હોવું, તેમની પ્રામાણિકતાની સૌથી મોટી અને સંપૂર્ણ સાબિતી છે

ભડભડતી મહત્ત્વાકાંક્ષા પરિવાર જેટલું કે એના કરતાં પણ મોટું ભ્રષ્ટાચાર માટેનું પ્રેરક બળ હોઇ શકે છે, એટલી સાદી, બિનવ્યક્તિગત માનસશાસ્ત્રીય સચ્ચાઇ પણ તે સ્વીકારવા માગતા નથી

Wednesday, January 04, 2017

ગુજરાતના જનઆંદોલનની તવારીખ

ભલભલી ઐતિહાસિક ઘટનાઓની એ નિયતિ હોય છે કે સમય જતાં તે બે-ચાર કિસ્સા કે બે-ચાર નાયક-નાયિકાઓ પૂરતી કેન્દ્રિત થઇ જાય. તેનું કાળું કે ધોળું અને કરચલી વગરનું સ્વરૂપ લોકપ્રિય બને, તેમાં દંતકથાઓ અને વ્યક્તિગત ગમાઅણગમાનો મરીમસાલો ઉમેરાતો રહે અને છેવટે કર્નલ ટોડે ભેગી કરેલી રાજસ્થાનની કથાઓ પ્રકારની બની રહે—ભલે તે થોડા દાયકા પહેલાં બની હોય.

અલગ ગુજરાત રાજ્યનો જન્મ જ મહાગુજરાત આંદોલનમાંથી થયો હતો. એ આંદોલનનો સળંગસૂત્ર ઘટનાક્રમ અને એ વખતના સામાજિક પ્રવાહોનો અભ્યાસપૂર્ણ આલેખ ભલે ન મળે (અથવા સહજતાથી ન મળે), પણ તેના વિશેની થોડી વિગતો ઇન્દુલાલ યાજ્ઞિક, ભાઇકાકા, બ્રહ્મકુમાર ભટ્ટ સહિત કેટલાક નેતાઓની આત્મકથામાંથી મળે છે. ગુજરાત રાજ્યમાં થયેલું સૌથી પહેલું જનઆંદોલન 1974નું નવનિર્માણ આંદોલન હતું. ત્યારથી શરૂ થયેલી જનઆંદોલનની યાત્રા તાજા ભૂતકાળના પાટીદાર અને દલિત આંદોલન સુધી પહોંચી છે. પરંતુ આ આંદોલનો વિશે આધારભૂત અને વિગતસમૃદ્ધ સામગ્રીની અત્યાર લગી ખોટ હતી. અભ્યાસીઓ માટે અને અભ્યાસીઓ દ્વારા ચાલતાં કેટલાંક સામયિકોમાં આ આંદોલનો વિશે લેખ છપાયા હોય. પરંતુ અલગ ગુજરાતનાં બધાં જનઆંદોલનો વિશે બે પૂંઠા વચ્ચે આધારભૂત સામગ્રી અને નક્કર વિગતો ઉપલબ્ધ ન હતી.

 આમ નવાઇ લાગે ને (સરકાર-સમાજની ઉદાસીનતા જોતાં) નવાઇ ન પણ લાગે, કે 2010માં રાજ્યની સુવર્ણજયંતિ ઉજવાઇ ત્યારે પણ આ પ્રકારનું કામ ન થયું. ગુજરાત પરનું આ મહેણું વર્ષા ભગત-ગાંગુલી/Varsha Bhagat-Ganguliના પુસ્તક પ્રોટેસ્ટ મુવમેન્ટ્સ એન્ડ સિટીઝન્સ રાઇટ્સ ઇન ગુજરાત (1970-2010) -- Protest Movements and Citizen Rights in Gujarat (1970-2010) થી ભાંગ્યું છે. વિવિધ ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં અધ્યાપક-સંશોધક તરીકે કામ કરી ચૂકેલાં વર્ષાબહેને આ પુસ્તકમાં મુખ્ય પાંચ આંદોલનની વાત કરી છેઃ નવનિર્માણ (1974-75), અનામત (1981), અનામત (1985), ફેરકુવા (1990-91) અને મહુવા (2009-2015). ફેરકુવા એટલે નર્મદાબંધની તરફી અને વિરોધી છાવણી વચ્ચે થયેલો સંઘર્ષ અને મહુવા એટલે કનુભાઇ કળસરિયાની આગેવાની હેઠળ નિરમાના પ્લાન્ટ સામે અને નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનપદ દરમિયાન સફળ થયેલું એકમાત્ર જનઆંદોલન.

આ દરેક આંદોલન ઉભું થવાના સંજોગો, આંદોલન દરમિયાન બનેલો ઘટનાક્રમ અને તેના શક્ય હોય એટલા વિશ્વસનિય આંકડા, સમાજ-રાજકારણ-વહીવટી તંત્ર-પોલીસ જેવા વિવિધ ઘટકોની ભૂમિકા, જનઆંદોલનની પદ્ધતિઓ, આંદોલન પૂરી થયા પછી ગુજરાતના સમાજજીવન પર અને પછીના આંદોલન પર તેની અસરો—આટલી બાબતો વિશે સંકલિત-સંશોધિત માહિતી દરેક આંદોલનના પ્રકરણમાં આવરી લેવામાં આવી છે. સાથોસાથ, આંદોલન શરૂ થયું ત્યારે કયા બિંદુ પર-કઇ માગણીઓ સાથે હતું ને આગળ જતાં તેના પ્રવાહમાં કેવા પલટા આવ્યા એ પણ આ પુસ્તકમાં બહુ ટૂંકમાં અને સચોટ રીતે સંકલિત થયું છે.

ઉદાહરણ તરીકે નવનિર્માણ આંદોલનની વાત કરીએ, તો તેમાં અજમાવાયેલી ઘણી પદ્ધતિઓ થોડાં વર્ષ પછીના અનામતવિરોધી આંદોલનમાં પણ ખપમાં લેવાઇ હતી. જેમ કટોકટીવિરોધી ચળવળ વિશે, તેમ નવનિર્માણ આંદોલન વિશે પણ એવું ટાંકવામાં આવ્યું છે કે આંદોલનના બીજા તબક્કામાં (મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલના રાજીનામા પછી) આંદોલન પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જનસંઘ જેવાં જમણેરી સંગઠનોનો પ્રભાવ પથરાયો ને આ સંગઠનોને મજબૂતી મળી.

પુસ્તકમાં ટાંકવામાં આવેલી એક વિગત પ્રમાણે, નવનિર્માણ આંદોલન દરમિયાન જુદા જુદા 137 પ્રકારના કાર્યક્રમો આપવામાં આવ્યા, જેમાંથી 110 અહિંસક અને 27 હિંસક હતા. આંદોલન અંતર્ગત  11 પ્રકારના ર્યક્રમ ભારતભરમાં પહેલી વાર અને 38 પ્રકારના કાર્યક્રમ ગુજરાતમાં પહેલી વાર યોજાયા. જેમ કે, લાગલગાટ 40થી પણ વધુ દિવસ સુધી રાત્રે અગાસીમાં ચઢીને થાળી-વેલણ વડે સરકારનો મૃત્યુઘંટ વગાડવો, કાયદોવ્યવસ્થાની જાળવણી માટે આવતા લશ્કરનું વિમાની મથકે જઇને સ્વાગત કરવું, ભ્રષ્ટાચારની પ્રતિમા બનાવીને તેને શેરડીના સંચામાં પીલી કાઢવી, ભ્રષ્ટ રાજનેતાઓ સામે મોક કોર્ટ (અદાલતની પ્રતિકૃતિ) ઊભી કરીને તેમાં એમની સામે કામ ચલાવવું...

આંદોલનના હેતુઓ બહુ ઊંચા હોવા છતાં, સરવાળે તે મર્યાદિત રાજકીય સફળતા પર જ અટકી પડ્યું. આંદોલનનો અભ્યાસ કરનાર વૂડનું પુસ્તકમાં ટાંકવામાં આવેલું અવતરણઃ મોટા ભાગના ગુજરાતી એક્ટિવિસ્ટ ગરીબી, ભ્રષ્ટાચાર, અન્યાય અને ફુગાવાનો અંત આણવા માગતા હતા, પણ એ સામાજિક સમસ્યાઓ વિશેની તેમનામાં સૈદ્ધાંતિક સમજ ન હતી. એ લોકો નવનિર્માણની વાત સરળ અને ફોડ પાડ્યા વગરની ભાષામાં કરતા હતા. ચાળીસ વર્ષ પછી પણ ભ્રષ્ટાચારનાબૂદીની વાતો મહદ્ અંશે આવા જ અંદાજમાં નથી થતી?

નવનિર્માણનાં છ વર્ષ પછી અનામતવિરોધી આંદોલન થયું ત્યારે અગાસીમાં જઇને મૃત્યુઘંટ વગાડવાની રીત ચાલુ રહી. એ વખતે સરકારને બદલે અનામતનો મૃત્યુઘંટ વગાડાતો હતો અને નવનિર્માણ આંદોલનની જેમ, વિદ્યાર્થીઓ ભેગા થઇને મ્યુનિસિપલ કોર્પોરેશનની બસોનો કબજો લઇ લેતા હતા અને તેમને બીજા રસ્તે હંકારી જતા હતા. બન્ને અનામત આંદોલનોની તવારીખ નિમિત્તે પુસ્તકમાં અનામતની જોગવાઇના વિવિધ તબક્કાની અને તેના માટે નિમાયેલાં કમિશનની ઉપયોગી વિગત મળે છે. ઐતિહાસિક અન્યાયનો ભોગ બનેલા દલિતો અને આદિવાસીઓ માટે અનામતની જોગવાઇ હતી, તેના અમલમાં કેવા ગોટાળા થતા હતા અને લાભ મેળવનારાનું પ્રમાણ કેટલું ઓછું હતું, એ પણ પુસ્તકમાં દર્શાવાયું છે. અચ્યુત યાજ્ઞિકનો અભ્યાસ ટાંકતાં પુસ્તકમાં જણાવાયું છે કે 1981 પહેલાંનાં પાંચ વર્ષમાં મેડિકલ અભ્યાસક્રમમાં કુલ 857 બેઠકો અનામત હતી. તેમાંથી ફક્ત 37 (4.3 ટકા) બેઠકો જ ભરાઇ હતી. સરકારી નોકરીઓમાં ઉચ્ચ અને મધ્યમ વર્ગના બ્રાહ્મણો, રજપુતો અને પાટીદારોની ભારે બહુમતી હતી. તેમ છતાં, એ વર્ગને અનામતના થોડા ઘણા લાભ મેળવતા દલિતો ખટકતા હતા.

ગાંધીવાદીઓ-સર્વોદયીઓના પણ વિવિધ પ્રકાર અનામતવિરોધી આંદોલન વખતે જોવા મળ્યા. ઘણા ખરા ગાંધીવાદી-સર્વોદયી કાર્યકર્તાઓ ચૂપ રહ્યા અથવા તેમણે ગોળગોળ નિવેદનો કર્યાં. ફક્ત જુગતરામ દવે એક એવા ગાંધીવાદી હતા જેમણે સ્પષ્ટ શબ્દોમાં આંદોલન પાછું ખેંચી લેવાવું જોઇએ, એવો મત વ્યક્ત કર્યો. અનામતની તરફેણમાં જાહેરમાં આવેલા કેટલાક અભ્યાસીઓ-કર્મશીલોને કામચલાઉ સામાજિક બહિષ્કારનો સામનો પણ કરવો પડ્યો.

નવનિર્માણ સરકારને હટાવવાનું આંદોલન હતું, તો ફેરકુવા સરકારની-મુખ્ય મંત્રી ચીમનભાઇ પટેલની સક્રિય સહાયથી ચાલતું આંદોલન હતું. તેમાં ગુજરાતની સ્વૈચ્છિક સંસ્થાઓ અને ગાંધીવાદીઓથી માંડીને જાહેર જીવનમાં કામ કરનારાં અનેક પ્રકારનાં સંગઠનો એકછત્ર નીચે એકઠાં થયાં. સામે પક્ષે રક્તપિત્તનાં દર્દીઓની સેવામાં જીવન ખર્ચી નાખનાર બાબા આમ્ટે અને લડાકુ મેધા પાટકર નર્મદા બચાવો આંદોલન ચલાવતાં હતાં. હજુ નર્મદા યોજનાની નહેરોનું ઠેકાણું પડ્યું નથી એવી સ્થિતિમાં હવે સાફ સમજાય કે એ સમયે ગુજરાતહિતના નામે ચીમનભાઇ પટેલ એન્ડ કંપનીએ લોકોને કેવા ઉશ્કેર્યા અને ઉભા કર્યા. ગુજરાતની પ્રજા અને આગેવાનોની પ્રચંડ બહુમતી નર્મદામુદ્દે સરકાર સાથે હતી, ત્યારે ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ અને પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર અશ્વિની ભટ્ટ પોતાની અંતરની સમજને અનુસરીને નર્મદા બચાવો આંદોલનમાં સામેલ હતા.


આવાં આંદોલનોમાં બન્ને પક્ષે થયેલી ભૂલો, મર્યાદાલોપ અને મૂળ હેતુથી ભટકી જવાનો સિલસિલો અવિરત રહેતાં, આંદોલનો થકી સમાજનાં મૂલ્યો ઘડાવાને બદલે ઘસાતાં ગયાં અને છેવટે આ સ્થિતિ આવી. એક સમયે તેલના ભાવવધારાના વિરોધમાં ડબ્બા સરઘસ નીકળતાં હતાં અને હવે પોતાના હકના રૂપિયા માટે બેન્કોમાં ધક્કા ખાવા પડે તો પણ લોકો ચૂપચાપ લાઇનમાં ઉભા રહી જાય છે ને ભલું હોય તો દેશભક્તિના બે જુમલા પણ ફટકારી દે છે. આ સ્થિતિમાં ગુજરાતનાં જનઆંદોલનો વિશે વર્ષા ભગત-ગાંગુલીનું પુસ્તક ફક્ત ઐતિહાસિક દસ્તાવેજ ન રહેતાં, વર્તમાન માટે પણ ઉપયોગી બની શકે છે.