Thursday, April 14, 2016
‘આપણા વાચક’ને શું ગમે?
ખરેખર તો આ લેખનું શીર્ષક ‘આજ ફિર મરનેકા ઇરાદા હૈ’ હોવું જોઇતું
હતું. કારણ કે લેખનો વિષય ઘણાને નારાજ કરે એવો છે. પણ પછી વિચાર આવ્યો : લેખ સાથે
સીધો સંબંધ ન હોય એવું શીર્ષક ‘આપણા વાચક’ને ગમશે?
‘આપણા વાચક’ને શું ગમે, એ પ્રશ્ન લેખકોને, પત્રકારોને, તંત્રીઓને, કટારલેખકોને અને આ વ્યવસાય સાથે સંકળાયેલા બીજા ઘણાને આદિકાળથી મૂંઝવતો રહ્યો
છે. તેનો ઉકેલ આણવા માટે એક મનુષ્યે ઘોર તપ કર્યું અને એ પણ એક પગે ઊભા રહીને.
મુંબઇની ટ્રેનમાં અપડાઉન કર્યું હોવાને કારણે એ મનુષ્યને એક પગે ઊભા રહેવાની લાંબી
પ્રૅક્ટિસ હતી, પણ દેવોને તેમાં
પ્રતિબદ્ધતા અને કષ્ટની અવધિ દેખાઇ. એટલે નક્કી થયું કે આ ભાઇના તપનો સુખદ અંત
આણવો.
તપ કરનારનો સવાલ સીધોસાદો હતો. એટલે તેના તપોભંગ માટે
અપ્સરાઓને તસદી આપવાની જરૂર ન પડી. (આ વાતની તપ કરનારને જાણ થઇ હશે ત્યારે તેને
કેવી લાગણી થઇ હશે અને આ અંત તેને સુખદ લાગ્યો હશે કે નહીં, એ જાણવા મળ્યું નથી.) પણ સવાલ એ આવ્યો કે એ ભાઇ
પર પ્રસન્ન કોણ થાય? પત્રકાર-લેખક-કટારલેખક-તંત્રી
આ બધામાંથી કોઇ તપ કરે તો કયાં દેવીએ પ્રસન્ન થવું? સરસ્વતી દેવીએ કે લક્ષ્મીદેવીએ?
લક્ષ્મીદેવીનો
દૃઢ મત હતો કે ‘આ વ્યવસાય સાથે
સંકળાયેલા બહુમતી લોકો મારા ભક્ત-ઉપાસક છે. તેમની ગુડ બુકમાં હું ટોચ પર છું ને
દેવી સરસ્વતી તળિયે.’ દેવી સરસ્વતીની
દલીલ હતી કે ‘તેમણે મને ભલે
તજી દીધી હોય, પણ મેં તેમના
નામનું નાહી નાખ્યું નથી. વૃદ્ધાશ્રમમાં મુકાયેલી તો એવી, પણ તેમની અસલી મા તો હું જ છું.’
સમાધાનની ફૉર્મ્યુલા તરીકે લક્ષ્મીદેવીને સ્ટૅન્ડ બાય
રાખવામાં આવ્યાં અને દેવી સરસ્વતી પ્રગટ થયાં. પત્રકારો હીરો-હીરોઇનો જોઇને
ભાવવિભોર થાય છે તેમ તપ કરનાર માતાજીને જોઇને રોમાંચિત થઇ ઉઠ્યો. ‘માગ, માગ, માગે તે આપું.’ એવું માતાજી બોલી રહે તે પહેલાં તપ કરનારે
કહ્યું, ‘એક સેલ્ફી લઇ લઇએ?’
માતાજીએ કપાળ કૂટવાના ભાવ સાથે કહ્યું,‘માગી માગીને આ જ માગ્યું?’
તપસ્વીએ ખુલાસો કર્યો,‘ના, આ ફાઇનલ માગણી નથી. મારી
સ્ટાઇલ છે. કોઇ પણ સ્ટાર જોડે ઇન્ટરવ્યુ કરતાં પહેલાં એક સૅલ્ફી લઇ લેવાની. શું છે
કે ઇન્ટરવ્યુ આપતાં પહેલાં બધાનો મૂડ સારો જ હોય. એટલે ફોટો સારો આવે.’
‘હું તારું
ફોટોપુરાણ જાણવા આવી નથી. તારા તપથી પ્રસન્ન થઇને મેં તને કહ્યું છે કે માગ, માગ, માગે તે આપું.’
‘તમારું પણ અમારા
જેવું જ થઇ ગયું લાગે છે. આ એકનું એક વાક્ય વર્ષોથી ચલાવ્યે રાખો છો. તમે કહેતા હો
તો નવું, ફર્સ્ટ ક્લાસ, નવી પેઢીને સોંસરવું ઉતરી જાય એવા વર્ણસંકર
ગુજરાતીમાં લખી આપું.’
‘તે વરદાન માગવા
માટે તપ કર્યું છે કે આપવા માટે?’
માતાજી જરા ધૂંધવાયાં, ‘તું મારા વાક્યની ચિંતા કર્યા વિના તારી
માગણીની વાત કર. તેં આવું ઘોર તપ શા માટે કર્યું?’
પત્રકારે ગંભીરતાથી, બે હાથ જોડીને કહ્યું, ‘નારદજી પહેલા
પત્રકાર હતા એવી વાર્તા છે. ત્યારથી અત્યાર સુધી વાચકોને શું ગમશે તે અમે ચોક્કસ
નક્કી કરી શકતા નથી. એનો નિશ્ચિત અને નિર્ણાયક જવાબ મેળવવા માટે મેં કઠોર તપ
કર્યું હતું.’
માતાજી થોડી સેકન્ડો સુધી ખોવાઇ ગયાં. પછી તેમના ચહેરા પર
પ્રકાશ પથરાયો, ‘વત્સ, મારા એક પુત્રે લખેલી દલા તરવાડીની વાર્તા તે
વાંચી હશે. એમાં જ તારા સવાલનો જવાબ છે.’ આટલું કહીને માતાજી અંતર્ધ્યાન થઇ ગયાં. ત્યારથી દલા તરવાડીની વાર્તામાં જે
રોલ કૂવાનો કે વાડીનો હતો, એ લેખનની
દુનિયામાં ‘આપણા વાચક’નો થઇ ગયો છે.
કટારલેખનમાં પ્રવૃત્ત દલા તરવાડીઓ પોતાની જાતને પૂછે છે, ‘હે મહાન દલા તરવાડી, હું લખું છું તેવા - એટલે કે મને આવડે છે તેવા
લેખો ‘આપણા વાચક’ને ગમશે? તેવા લેખો લખું બે-ચાર?’
સામેથી (તેમના મનમાંથી) ઉમંગભર્યો પ્રતિઘોષ મળે છે, ‘લખો ને દસ-બાર. ‘આપણા વાચક’ને તો આવું બધું
બહુ ગમે.’ બધા લોકો આત્મમુગ્ધ
કટારલેખકો જેટલા સ્વાવલંબી બની શકતા નથી. મોટું તંત્ર હોય ત્યારે તંત્રીઓ કે
સંપાદકો એેમના મેનેજરોને, મેનેજરો
તંત્રીઓને, આ બન્ને તેમના
સર્ક્યુલેશન મેનેજરોને, સ.મેનેજરો તેમના
એજન્ટોને અને એજન્ટો તેમના ફેરિયાઓને ટાંકીને કહે છે, ‘આપણા વાચકોને આવું નહીં ગમે.’ આ કહેતી વખતે એમના અવાજમાં રહેલો રણકો ‘સૂર્ય પૂર્વમાં ઉગે છે’ જેવા સનાતન સત્યના ઉચ્ચારણ પ્રકારનો હોય છે.
નીદા ફાઝલીનો એક શેર હતો : જબ કિસીસે કોઇ ગીલા રખના/સામને
અપને આઇના રખના. આ શેરનો અર્થ ‘આપણા વાચકો’ના જાણકારોએ એમની રીતે તારવ્યો લાગે છે : ‘આપણા વાચક’નો ટેસ્ટ નક્કી
કરતી વખતે એ લોકો આયનો સામે રાખતા હોય છે. તેમના માટે ‘આપણા વાચકને આ
નહીં ગમે’ નું ગુજરાતી ‘આપણને આ નહીં આવડે’ એવું થાય છે.
‘આપણા વાચકને આ
નહીં ગમે’ એ ફક્ત વાક્ય નથી, સાહેબોના ભાથામાં રહેલું બ્રહ્માસ્ત્ર છે. ફરક
એટલો કે આ બ્રહ્માસ્ત્ર એક જ વાર વાપરી શકાય એવું બંધન નથી. ઇચ્છા મુજબ દિવસમાં દસ
વાર પણ તેનો પ્રયોગ થઇ શકે છે.
નવોદિત-ઉત્સાહી પત્રકારો-લેખકો તેમના નહીં છપાયેલા- પાછા
કઢાયેલા લેખ કે સ્ટોરી વિશે ચર્ચા કરવા બહુ આતુર હોય છે. તેમને ‘આપણા વાચક’રૂપી બ્રહ્માસ્ત્ર વિશે ખાસ જાણકારી હોતી નથી. એવા સંજોગોમાં ઉપરીઓ સાથે તેમને
કેવો સંવાદ થઇ શકે?
નવોદિત : આ વિષય અંગે તમારી સાથે પહેલેથી વાત કરી
હતી.
ઉપરી : કરી હતી.
નવોદિત : એ પ્રમાણે મેં મહેનત કરીને લખ્યું છે. તેની
થોડી વાત મેં તમને કરી ત્યારે તમને એ ગમી હતી.
ઉપરી : હા, ગમી હતી.
નવોદિત : તમે એમ પણ કહ્યું હતું કે આ સરસ થાય એમ છે.
ઉપરી : કહ્યું
હતું.
રોલ ભલે અદલાબદલી હોય, પણ આ વાતચીત મદારી અને જંબુરા વચ્ચેના સંવાદોની યાદ અપાવે એવી હોય છે. થોડો
વખત આવું ચાલ્યા પછી નવોદિત પોતાના ભીંસાયેલા દાંત દેખાઇ કે સંભળાઇ ન જાય એવી રીતે
પૂછે છે,‘બધું બરાબર, તો પછી તમે લેખ લીધો કેમ નહીં?’
જવાબમાં ઉપરી મોનાલિસા જેવો ગૂઢ ભાવ ચહેરા પર આણીને કહે છે, ‘એ તને હજુ નહીં સમજાય. આપણા વાચકોને શું ગમે
અને શું ન ગમે, એ આટલી જલદી
સમજાઇ જતું હોય તો અમે બધા આટલા વરસથી શું ઘાસ કાપીએ છીએ?’
આ લેખ ‘આપણા વાચકો’માંથી કોઇકે વાંચ્યો હોય, તો આવા લેખ આપણા વાચકોને ગમે કે નહીં, તે જાણવામાં રસ ખરો.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
media
Tuesday, April 12, 2016
આંબેડકર, ગાંધી અને ડૉ.શારદા કબીર
બંધારણના ઘડતર કરતાં પણ વધારે, દલિતોને સમાન તક-હક અપાવવા માટેનો સંઘર્ષ
ડૉ.આંબેડકરનું મહાનતમ જીવનકાર્ય છે. પરંતુ સંઘર્ષરત જીવનની વચ્ચે વ્યક્તિ તરીકે
ડૉ.આંબેડકરનાં ઘણાં પાસાં વિશે વાત થતી નથી. એવું એક પાસું એટલે ત્રણ સ્ત્રીઓ સાથે
ડૉ.આંબેડકરના સંબંધોની સૃષ્ટિ : સતત અભાવ, પરદેશ ભણવા જતા સંઘર્ષરત આંબેડકરનો વિરહ વેઠતાં અને સંતાનોનાં મૃત્યુનો શોક
જીરવતાં પહેલાં પત્ની રમાબાઇ, વિદેશમાં
આંબેડકરને પ્રેમ અને સાથ આપનાર ફ્રાન્સિસ ફિટ્સજેરાલ્ડ/ Francis Fitzgerald અને પહેલાં પત્નીના મૃત્યુ
પછી વિઘુર જીવન ગાળતા ડૉ.આંબેડકરના જીવનમાં તેમની સેવા કરવા નિમિત્તે પ્રવેશેલાં
કુમારી શારદા કબીર, જે ડૉ. આંબેડકર
સાથે લગ્ન કરીને સવિતા આંબેડકર ‘માઇસાહેબ’ તરીકે ઓળખાયાં.
પહેલાં પત્ની સાથે ડૉ.આંબેડકરને અમુક પ્રકારનો સંવાદ થઇ શકે
એવા સંજોગો ને ભૂમિકા ખાસ ન હતાં. વિદેશવાસી ફિટ્સજેરાલ્ડ તરફથી લખાયેલા અને તેમના
ઉત્કટ સંબંધોનો અંદાજ આપતા પત્રો હજુ સુધી યોગ્ય સંદર્ભોના અભાવે અને સંભવતઃ તેની
વિવાદાસ્પદ સામગ્રીને કારણે પ્રકાશિત થઇ શક્યા નથી. પરંતુ ડૉ.શારદા કબીર અને ડૉ.
આંબેડકર વચ્ચે, ખાસ કરીને તેમના
પરિચયથી લગ્ન સુધીના માંડ ત્રણ-ચાર મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન થયેલો
પત્રવ્યવહાર વિશિષ્ટ છે. ડૉ. આંબેડકરના સહાયક-સેવક નાનકચંદ રત્તુએ ડૉ.આંબેડકરના
કેટલાક પત્રોની સામગ્રી તેમના પુસ્તકમાં ઉતારી છે. (રેમીનીસન્સીસ ઍન્ડ
રીમેમ્બરન્સીસ ઑફ ડૉ.આંબેડકર, ૧૯૯૫)
આજાર તબિયત ધરાવતા ડૉ.આંબેડકર મુંબઇમાં ડૉ.માલવણકરની સારવાર
લેતા હતા. એમને ત્યાં કામ કરતાં ડૉ.શારદા કબીરે સામે ચાલીને એવો પ્રસ્તાવ મૂક્યો
કે તે ડૉ.આંબેડકરની તબિયતની દેખભાળ રાખવા માટે દિલ્હી આવે અને તેમના ઘરમાં એકાદ
મહિનો રહે. તેના જવાબમાં ૨૫ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ડૉ.આંબેડકરે લખ્યું કે જાહેર જીવનમાં તેમની આભાને ઘસરકો પણ લાગે
એવું તે ઇચ્છતા નથી. તેમણે લખ્યું હતું,‘મારી પત્નીનું ૧૪ વર્ષ પહેલાં અવસાન થયું. ત્યારથી હું અપરણીત છું અને એ જ
સ્થિતિમાં રહેવાનું મેં ઠરાવ્યું છે...મને લગ્નની બહુ બીક લાગે છે. (ભાવિ) પત્ની
કેવી નીકળે, કોને ખબર.
સ્ત્રીની પસંદગી માટે ફક્ત બુદ્ધિમતા કે સૌંદર્યનો માપદંડ ન હોઇ શકે. નૈતિક ગુણોનો
માપદંડ મુખ્ય છે.’ એ જ પત્રમાં
તેમણે આગળ લખ્યું હતું, ‘કોઇ કારણસર
(આરોગ્ય માટે) મારે આવી સ્ત્રીની સેવા લેવાની થાય તો એ કાયદેસરની પત્ની જ હોઇ
શકે--નર્સ કે સાથી નહીં.’
![]() |
| Dr. Ambedkar & Dr.Sharda Kabir aka Savita Ambedkar ડો.આંબેડકર અને ડો.શારદા કબીર (સવિતા આંબેડકર) |
ડૉ.આંબેડકરની ગાંધીજી વિશેની કડવાશ જાહેર છે. ડૉ.આંબેડકર
વિશે જબ્બાર પટેલની ફિલ્મમાં ગાંધીજીની હત્યાના સમાચાર આવે, ત્યારે હવે તૂટી ગયેલા અમદાવાદના ‘રૂપાલી’ થિએટરમાં બેઠેલા બહુમતી દલિત પ્રેક્ષકો એ સમાચારને તાળીઓથી વધાવી લે, એ દૃશ્ય સગી આંખે જોયું છે. આ હદની વાત હોય
ત્યારે ગાંધીજીની હત્યા વિશે ડૉ.આંબેડકર પોતે શું માને છે, તે ડૉ.શારદા કબીર પરના તેમના પત્રમાંથી અત્યંત
આધારભૂત રીતે જાણવા મળે છે. ગાંધીહત્યાના એક અઠવાડિયા પછીના પત્ર (૬ ફેબ્રુઆરી, ૧૯૪૮)માં ડૉ. આંબેડકરે લખ્યું છે,‘ગાંધી મહારાષ્ટ્રના માણસના હાથે આ રીતે મોતને
ભેટવા જોઇતા ન હતા, એ તારી વાત સાથે
હું સંપૂર્ણ સંમત છું--મહારાષ્ટ્રિયન જ નહીં, કોઇ પણ માણસે આ કૃત્ય કર્યું હોત તો એ ખોટું ગણાત. તને ખબર છે કે મને ગાંધી
માટે કશો ભાવ નથી અને મારા આધ્યાત્મિક, નૈતિક, સામાજિક ઘડતરમાં તેમનો
કશો ફાળો નથી. (આ બધી બાબતોમાં) મારું અસ્તિત્ત્વ એક જ માણસને આભારી છે : ગૌતમ
(બુદ્ધ). અમારી વચ્ચે તીવ્ર અણગમો હોવા છતાં હું શનિવારે સવારે બિરલાહાઉસ ગયો હતો.
ત્યાં એમનો મૃતદેહ મને દેખાડવામાં આવ્યો. એની પરના ઘા મને દેખાતા હતા. એ બરાબર દિલ
પર પડેલા હતા. એમનો મૃતદેહ જોઇને હું ખૂબ દ્રવી ગયો. એમની અંતિમયાત્રામાં થોડે
સુધી હું ગયો. કારણ કે હું વધારે ચાલી શકું એમ ન હતો. પછી ઘરે પાછો આવ્યો અને ફરી
એક વાર જમુના નદી પર આવેલા રાજઘાટ પર ગયો. પરંતુ ત્યાં એટલું મોટું ટોળું હતું કે
એને વીંધીને હું અગ્નિદાહના સ્થળે જઇ શક્યો નહીં.’
![]() |
| Dr.Ambedkar at Birla House / ગાંધીહત્યા પછી બિરલા હાઉસમાં ડો. આંબેડકર |
‘ગાંધીહત્યાથી રોષ
કે આઘાત પામનારા લોકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઓછી છે’ એવું કહીને ડૉ.આંબેડકરે એમ પણ લખ્યું હતું, ‘ગાંધીજીની અંતિમ યાત્રામાં સૌથી આશ્ચર્યજનક
બાબત મેં એ નોંધી કે લોકોનું ટોળું બહુ મોટું હોવા છતાં, તેમાંથી મોટા ભાગના લોકો ઉર્સ કે જાત્રામાં જતા
હોય એમ રજાના મૂડમાં હતા.’
Labels:
dr.ambedkar,
Gandhi/ગાંધી
Saturday, April 09, 2016
વિદેશ નીતિ અને ‘નવો વેપાર’
ઘણી વાર એવું થાય કે જાપાન, સાઉદી અરેબિયા, બ્રિટન, અમેરિકા--આ બધાં ભારતનાં રાજ્યો હોત તો સારું
થાત. આવો વિચિત્ર વિચાર આવવાનું કારણ : ભારતના વડાપ્રધાનનો એ દેશોમાં જે રીતે
જયજયકાર થતો બતાવવામાં આવે છે અને ત્યાંના વડાઓ પર તેમનો જે રીતે પ્રભાવ પડતો
હોવાનું અહીં સિદ્ધ કરવામાં આવે છે,
એ જોઇને આનંદ થાય
છે. કેમ કે, ઘરઆંગણે આવું
થવાની બહુ શક્યતા જણાતી નથી. ખુલ્લી આંખો ધરાવતા તેમના ઘણા ચાહકોનો રંગ બે વર્ષમાં
ઉતરી ચૂક્યો છે. એનો અર્થ એવો હરગીઝ નથી કે અગાઉનું યુપીએ શાસન બરાબર હતું. પરંતુ
નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળની સરકાર એ શાસનથી મૂળભૂત રીતે અલગ પડી શકી નથી
અને જ્યાં અલગ પડી ત્યાં ખરાબ રીતે પડી છે. આવું તેમના ટીકાકારો જ નહીં, તેમના સમર્થક રહેલા ઘણા લોકો પણ માને છે.
ગત લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો મોટો ચાહકવર્ગ ઊભો થયો. તેમાં
જૂના ભક્તોથી માંડીને નવા આશાવાદીઓનો સમાવેશ થતો હતો. એવાં મોટાં મોટાં નામ એમાં
હતાં કે મોદીના ટીકાકારોને પોતાના વલણ વિશે નવેસરથી વિચારવું પડે. (વિચાર્યા પછી
પણ વલણ બદલવાનું મન ન થાય એ વળી જુદી વાત છે) રાષ્ટ્રિય દૈનિકોના અગ્રણી કટારલેખકોથી
માંડીને બૌદ્ધિકો, આંતરરાષ્ટ્રિય
ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રીઓ, વિવિધ ક્ષેત્રના
લોકો -- આ બધાને નરેન્દ્ર મોદીના મુખમાં વિકાસનું વિરાટ દર્શન થતું હતું. તેમના ‘ગુજરાત મૉડેલ’ પર બધા મોહી પડ્યા હતા. અગાઉ થયેલા કામનો જશ પોતે અંકે કરી લેવો અને
ઉત્સવબાજીમાં લોકોને ગુલતાન રાખવા એ આ સિદ્ધાંતનાં મુખ્ય ઘટકતત્ત્વો હતાં. કામ
સામાન્ય-સરેરાશ, પણ છાકો એવો કે
જાણે ગુજરાતમાં ક્રાંતિ થઇ ગઇ હોય. આ દાવાનો વિરોધ કરે તે ગુજરાતવિરોધી. શિક્ષણ
અને આરોગ્ય- આ બન્ને મહત્ત્વનાં ક્ષેત્રે ગુજરાતમાં સરકારી રાહે કેવી ‘ક્રાંતિ’ થઇ અને ગુજરાત મૉડેલે શું આપ્યું,
એની તપાસ એ વખતે
ન કરી હોય તેમણે હવે કરવા જેવી છે. હવે એટલા માટે કે વાસ્તવિકતા સ્વીકારવામાં
ભક્તિ આડે ન આવે અને ‘સાહેબ’ના અનુગામી પર દોષનો ટોપલો ઢોળવાની સુવિધા
રહે.
ચૂંટણી વખતે કેટલાક લોકો નરેન્દ્ર મોદીના પ્રચારથી ન અંજાયા
હોય, તો પણ કૉંગ્રેસના
કુશાસનથી ત્રાસ્યા હતા. એટલે નવા વિકલ્પ તરીકે તે નરેન્દ્ર મોદીની તરફે થયા.
અર્થશાસ્ત્રના ધુરંધર ચાણક્યોને લાગ્યું કે તેમના વિચારો અમલમાં મૂકી બતાવે એવો
કોઇ ચંદ્રગુપ્ત મૌર્ય તેમને મળી ગયો છે. એટલે હવે તેમનું રાજગુરુપદું પાકું. ‘મોદીનૉમિક્સ’ (મોદીની આર્થિક નીતિ) જેવા શબ્દો છૂટથી વપરાવા લાગ્યા--કેમ જાણે, નરેન્દ્ર મોદીએ કોઇ નવી આર્થિક નીતિ કે નવો
સિદ્ધાંત મૂક્યો હોય.
સત્તા મળ્યા પછીનાં બે વર્ષમાં નરેન્દ્ર મોદીએ તેમના ઘણાખરા
ટીકાકારોને સાચા અને તેમની પર દાવ લગાડનારા લોકોને ઘણી હદે ખોટા પાડ્યા છે. ચૂંટણીપ્રચારમાં
બહુ ગાજેલું ‘અચ્છે દિન’નું સૂત્ર હવે ફક્ત મજાક માટે વપરાય છે.
અત્યારે ભાગ્યે જ કોઇને યાદ હશે કે લોકસભાની ચૂંટણીના સૌથી મહત્ત્વના મુદ્દામાં એક
વિદેશમાં ખડકાયેલાં કાળાં નાણાં પાછાં લાવવાનો હતો. વિજય માલ્યા કરોડો રૂપિયાના
ગોટાળા કરીને સલામત રીતે વિદેશ જતા રહ્યા, ત્યાર પછી વડાપ્રધાન તેમની ચિરપરિચિત ‘ચુનચુનકે’ મુદ્રામાં કહે છે
કે અમે કોઇને છોડીશું નહીં--અને તેમના ચાહકો એવી અપેક્ષા રાખે છે કે આ સાંભળીને
કોઇ હસે નહીં.
નરેન્દ્ર મોદીની આ જ મુશ્કેલી છે, જે તેમના ચાહકોને એમની તાકાત લાગે છે :
પ્રચારપટુતાના બળે એ પોતાની જાતને ‘બાહુબલિ’ તરીકે રજૂ કરી શકે છે, પણ વાસ્તવમાં એ બીજા કોઇ પણ નેતા જેવા એક નેતા
છે. તેમના ચાહકો તેમની સામે મોઢાં પહોળાં કરીને અહોભાવથી, ચમત્કારની આશાએ તાકી રહે છે-- એ યુવાન
બિનઅનુભવી મતદાતાઓ હોય કે પછી ચિંતાજનક ચિંતકો. પછી ધાર્યો ચમત્કાર ન થાય, એટલે જે થાય તેને ચમત્કારમાં ખપાવવામાં આ વૃંદ
લાગી પડે છે. અમિત શાહ એ મતલબનું કહી શકે છે કે પાકિસ્તાન-ચીનને તો મોદી પહોંચી
વળશે અને લાફ્ટર શોની જેમ પાછળથી લોકોના ખડખડાટ હસવાનો અવાજ પણ નથી આવતો.
વડાપ્રધાનના વિદેશપ્રવાસોને તેમની વિદેશનીતિની ભવ્ય સફળતા
તરીકે રજૂ કરવામાં આવે છે. ચાહકો એવું માને છે કે વિદેશનીતિ ‘નવો વેપાર’ છે અને વડાપ્રધાન કૂકરી લઇને રમવા બેઠા છે. એ જે દેશમાં પહોંચે તેને એ (‘નવા વેપાર’ની પરિભાષામાં) ‘ખરીદી’ લે છે. પછી એ દેશ એમના પ્રભાવમાં. જે રીતે
વિદેશી નેતાઓ સાથે વડાપ્રધાનની તસવીરો રજૂ થાય છે, તેનાથી એવું સિદ્ધ કરવામાં આવે છે, જાણે ભારત મહાસત્તા બની ગયું હોય. જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી કે અટલબિહારી વાજપેયી વખતે પણ
ઇન્ટરનેટ-સોશ્યલ નેટવર્કિંગ ન હતું. એટલે વિદેશોમાં તેમનો કેવો વટ પડતો હતો એ
જોવાની તક ઇન્ટરનેટ-પેઢીને મળતી નથી. જૂનું જાણવાની વૃત્તિ હોતી નથી.
નરેન્દ્ર મોદી એવા નાજુક સમયે વડાપ્રધાન બન્યા છે, જ્યારે વૈશ્વિક સત્તાનાં જૂનાં સમીકરણ
અસ્તવ્યસ્ત થઇ ચૂક્યાં છે. અમેરિકા સુપરપાવર તરીકે એવું ખોખલું અને ભયગ્રસ્ત છે કે
ડોનાલ્ડ ટ્રમ્પ જેવા બખાળાબાજ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી માટેના મજબૂત દાવેદાર બને.
પરમાણુશસ્ત્રોસજ્જ પાકિસ્તાનને એનાં જ ત્રાસવાદી શીંગડાં ભારે પડી રહ્યાં છે.
આઇસીસના ત્રાસવાદે રશિયા-અમેરિકાથી યુરોપના દેશોમાં ગંભીર અસલામતી પેદા કરી છે.
માથાભારે ચીનની આર્થિક અને લશ્કરી તાકાત જોતાં એ કોઇને ગાંઠે એમ નથી. આ સ્થિતિમાં
એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન,
એમ બબ્બે મોરચે
ઘેરાયેલા ભારતના વડાપ્રધાનનું કામ સહેલું નથી કે ટૂંકા ગાળાનું પણ નથી. માટે, વિદેશમાં તેમની સફળતા-નિષ્ફળતા વિશે ચૂકાદા
બહાર પાડવાની ઉતાવળ કરવી જોઇએ નહીં.
આ વાત સાથે તેમના પ્રેમીઓ અંશતઃ સંમત થશે--અને તેમની
નિષ્ફળતા વિશે ચુકાદા બહાર પાડનાર પર તૂટી પડશે. પરંતુ વિદેશમાં સાહેબે કેવો ડંકો
વગાડી દીધો તેનો, ઘણી વાર બાલિશ
લાગે એવો પ્રચાર કોણ રોકે? ચાહકોને એ ભાવતો
ને વડાપ્રધાનના પ્રચારતંત્રને એ ફાવતો છે. તેનાથી ઘરઆંગણે વચનપાલનની નિષ્ફળતા
છાવરી શકાય છે અને ‘દેશમાં નહીં તો
બહાર, ક્યાંક તો વડાપ્રધાન
અસરકારક છે’ એવી છાપ ઊભી કરી
શકાય છે. પરંતુ અત્યાર સુધીના અનુભવો પરથી કહી શકાય કે કાળાં નાણાં કે
ભ્રષ્ટાચારના વિરોધની માફક વિદેશમાં દબદબાના દાવાનો પણ છેડો દૂર નથી.
આંખો ખુલ્લી હોય તો અત્યારે પણ જોઇ શકાય છે કે ચીનના વડાને
સાબરમતી નદીના કાંઠે સંખેડાના હિંચકામાં ઝુલાવવાથી ‘યુનો’માં ચીનના ભારતવિરોધી- પાકિસ્તાનતરફી વલણમાં
કશો ફરક પડતો નથી. વિરોધ પક્ષમાં રહીને કરેલી પાકિસ્તાનને પાઠ ભણાવવાની ગર્જનાઓનો
સત્તાધીશ બન્યા પછી (સદ્ભાગ્યે) અમલ કરી શકાતો નથી. સાઉદી અરેબિયા, અમેરિકા, જાપાન જેવા દેશો સાથે કરાર આવકાર્ય જ છે. પરંતુ તેના વિશેની મુગ્ધતામાંથી બહાર
નીકળી જવું પડે. કોઇ પણ દેશ નરેન્દ્ર મોદીની ‘પ્રતિભા’થી અંજાઇને, પોતાના સ્વાર્થના ભોગે ભારતનું ભલું કરી
નાખવાનો નથી. આંતરરાષ્ટ્રિય સંબંધોમાં ‘જીતી ગયા, જીતી ગયા’ની ઉત્સાહી દેખાડાબાજી ફાયદા કરતાં નુકસાન કરે
એવી સંભાવના હંમેશાં વધારે રહે છે.
Labels:
Narendra Modi/નરેન્દ્ર મોદી
Thursday, April 07, 2016
કરચોરીઃ વિજ્ઞાન, ગણિત કે ફિલસૂફી?
આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે
તેમને ઇન્કમટેક્સમાં સમજ નથી પડતી. આ વાત આઇન્સ્ટાઇનને નહીં, ઇન્કમટેક્સને નીચાજોણું
કરાવવા માટે કહેવામાં આવે છે. હકીકતમાં આ કરવેરાના વિરોધીઓનું કાવતરું છે. આઇન્સ્ટાઇન
ક્યાં સી.એ. કે સી.એસ. થયેલા હતા કે તેમને કરવેરામાં ખબર પડવી જોઇએ. કરવેરાના
જાણકારો આઇન્સ્ટાઇનને પ્રિય એવી રિલેટીવિટીના સિદ્ધાંત- સાપેક્ષવાદમાં માને છે,
એટલું પૂરતું નથી?
કરવેરાના જ્ઞાનીજનો માને છે કે કરચોરી
સાપેક્ષ ખ્યાલ છે. સામાન્ય માણસ કરવેરા ભરવામાં ગોટાળો કરે (અને પાછળથી પતાવટ કરે)
તો એને ચોરી કહેવાય. (પતાવટને નહીં, ગોટાળાને જ ચોરી કહેવાય. તમે પણ શું, ભલા
માણસ...) પરંતુ મોટા ઉદ્યોગપતિઓ કે ધંધાદારીઓ કરચોરી કરે તે રાષ્ટ્રહિત કહેવાય.
કારણ કે એ લોકો પોતાની કમાણીમાંથી નોંધપાત્ર હિસ્સો કર તરીકે સરકારને આપશે, તો પછી
ચૂંટણીપ્રચાર વખતે પક્ષોને ભંડોળમાં તે શું આપી શકશે?
કરવેરાની પહોંચો? અને આ લોકો ભંડોળ નહીં આપી શકે, તો વિશ્વની સૌથી મોટી
લોકશાહીમાં લડાતી ચૂંટણીઓનું શું થશે? અને ચૂંટણીઓમાંથી રંગ ઉડી જશે, તો ભારતની લોકશાહીનું
શું થશે? આ એક વિચારધારા થઇ.
બીજી વિચારધારા
એવી છે કે મોટા ઉદ્યોગપતિઓ કરચોરી કરશે તો જ અઢળક ધન જમા કરી શકશે અને તો જ
આંતરરાષ્ટ્રિય અબજપતિઓની યાદીઓમાં તેમનાં નામ આવી શકશે. આ યાદીમાં આપણા ઉદ્યોગપતિઓ
બિલ ગેટ્સ, ઝકરબર્ગ કે વોરન બફેટની હારોહાર ખભા ઘસતા જોવા મળે ત્યારે ગૌરવથી આપણી
છાતી કેવી ફાટફાટ થાય છે? આટલું ગૌરવ લેવું હોય તો થોડો ભોગ આપવો પડે કે નહીં? કરચોરી
એ થોડો ભોગ છે, જે ખરેખર તો ઉદ્યોગપતિઓ માલેતુજારોની યાદીમાં રાષ્ટ્રની આન-બાન-શાન
જાળવી રાખવાના ઉમદા આશય સાથે આપે છે.
ત્રીજી પ્રચલિત
ફિલસૂફી એવી છે કે કરવેરા ભરવા એ ભારતની સાંસ્કૃતિક – અને ચોક્સાઇપૂર્વક કહીએ તો,
ગાણિતીક – પરંપરાનું અપમાન છે. જે દેશમાં આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય જેવા
ગણિતશાસ્ત્રીઓ થઇ ગયા હોય અને જેમણે તોતિંગ રકમો-અઘરામાં અઘરાં સમીકરણો સાથે પનારા
પાડ્યા હોય, એ દેશમાં આંકડાની ઇન્દ્રજાળ રચીને કરવેરા બચાવવા એ કરચોરી કહેવાય કે
આપણા ગણિતાચાર્યોને યથોચિત અંજલિ? ફિલ્ડ મેડલ ગણિતને બદલે કરવેરા કેમ બચાવવા-કરચોરી કેમ
કરવી તેના ગણિતમાં મળતો હોત, તો ભારતીયોનો તેમાં ડંકો વાગતો હોત.
રીઢા
ઉદ્યોગપતિઓ કે તેમના હિસાબનિશોનો કરચોરી વિશેનો અભિપ્રાય કોઇ સંવેદનશીલ કરવીર
સાંભળે તો તે લાગણીભીનો થયા વિના ન રહે. રીઢા કરચોરો ઠાવકાઇથી કહી શકે છે કે ‘પ્રેમની
જેમ કરચોરી કરવાની હોતી નથી. એ તો બસ, થઇ જાય છે.’ પ્રેમ હોય ત્યાં શૌર્ય પણ પાછળ
રહે? કેટલાકને કરચોરીમાં પડકાર લાગે છે અને સીધેસીધો કર ભરી
દેવામાં શરણાગતિ. તેમને થાય છે કે સી.એ. જેવી મહાઅઘરી પરીક્ષા પાસ કર્યા પછી પણ
અમારે સામાન્ય કારકુનની જેમ કર ભરી દેવાના હોય તો પછી સી.એ. થવાનો અર્થ શો?
‘તમે એવરેસ્ટ શા માટે સર કરવા માગો છો?’ એવું
એક પર્વતારોહકને પૂછવામાં આવ્યું, ત્યારે તેમનો જગવિખ્યાત બનેલો જવાબ હતો, ‘બીકોઝ
ઇટ ઇઝ ધેર.’ (કારણ કે એ પહાડ ત્યાં ઊભો છે) એવી જ રીતે, કરચોરી કરનારા
ઘણા લોકોને કોઇ પૂછે કે ‘તમે ઇન્કમટેક્સ શા માટે ગુપચાવો છો?’ તો એ
પણ કહી શકે, ‘બીકોઝ ઇટ ઇઝ ધેર…ટેક્સ છે, એટલે તો અમને ચોરી કરવાની ચાનક
ચઢે છે.’ સૌથી ઠંડા કલેજાનો જવાબ જોકે અધ્યાત્મવાદીઓ પાસે જ હોવાનો.
હા, અધ્યાત્મવાદીઓ બધું જ કરી શકે. કરચોરી પણ ને સટ્ટાબાજી પણ. એ તો અધ્યાત્મની
ચરમસીમા છે, જ્યાં લેણું અને દેણું, ચોરી અને શાહુકારી, પોતાની તિજોરી અને પારકી
તિજોરી વચ્ચેના ભૂદ ભૂંસાઇ જાય છે. અધ્યાત્મવાદીઓ કહી શકે છે કે જે જન્મે છે તે
મૃત્યુનું કારણ લઇને જ આવ્યો છે. એમ, કરવેરાના અસ્તિત્ત્વમાં જ કરચોરી નિહીત છે. ન
રહે કર, ન રહે કરચોરી. તો પછી કરચોરી માટે દોષ કોનો? કરચોરી કરનારનો કે કરવેરા
નાખનારાનો?
પરંતુ બીજા તો
ઠીક, ખુદ સરકારનો ઇન્કમટેક્સ વિભાગ ઘણી વાર આ વિચારધારાઓનું રહસ્ય સમજી શકતો નથી.
પછી દરોડા પાડવા આવતા તેમના કર્મચારીઓને કેટલીક વાર ‘સ્કોલરશીપ’ આપીને
આ પાઠ ભણાવવા પડે છે. એ સ્કોલરશીપ માટે લાંચ કે વહીવટ કે પતાવટ જેવા શબ્દો
વાપરનારા ભારતની વિદ્યાકીય પરંપરાનું અપમાન કરે છે, એમ નિઃસંકોચ કહી શકાય. એક સમય
હતો જ્યારે વિદેશપ્રવાસ સ્ટેટસ સિમ્બોલ ગણાતો અને એ ન પોસાય એવા લોકોએ
ઇન્કમટેક્સના દરોડાથી ચલાવી લેવું પડતું હતું. ઇન્કમટેક્સના દરોડાથી એટલું તો
સિદ્ધ થતું કે આસામી પાસે ઇન્કમટેક્સવાળાની નજર બગડે એટલો દલ્લો છે. અલબત્ત,
દરોડાનો બીજો અંતિમ પણ હોઇ શકે છે. સરકારી તંત્ર પોલીસનો ઉપયોગ કર્યા વિના, (સંજય)
ગાંધીચીંધ્યા માર્ગે વિરોધીઓને પરાસ્ત કરવા ઇચ્છે ત્યારે તે ઇન્કમટેક્સના દરોડાનો
ઉપયોગ કરી શકે છે. ખરેખરા સંજય ગાંધીયુગમાં – એટલે કે કટોકટી વખતે – લોકોને મૃત્યુ
કરતાં વધારે બીક સંજય ગાંધી પ્રાયોજિત ઇન્કમટેક્સના દરોડાની લાગતી. ‘મૃત્યુ
કરતાં વધારે’ એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. કારણ કે કારણ કે યમરાજા એક વાર આવી લાગે પછી તેની સાથે ‘સેટલમેન્ટ’
કરવાનું રહેતું નથી કે પેનલ્ટી ભરવી પડતી નથી.
મહાભારતની કથાની આધુનિક આવૃત્તિમાં
યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું, ‘હે રાજન, કળિયુગના આર્યાવર્તમાં રૂપિયા કમાવાનું તો અઘરું
બનશે જ, પણ એનાથી વધારે અઘરું શું હશે?’યક્ષનો વધુ એક ઉખાણાછાપ સવાલ સાંભળીને યુધિષ્ઠિર
રાબેતા મુજબ પહેલાં વિચારમાં પડ્યા. પછી અચાનક બત્તી થઇ કે તેમને વનમાં શા માટે
આવવું પડ્યું હતું. દુઃશાસન કૌરવોના રાજ્યમાં ઇન્કમટેક્સ વિભાગ સંભાળતો હતો.
ચીરહરણમાં તેની માસ્ટરી હતી. તેણે દુર્યોધનની આજ્ઞાથી પાંડવોની સંપત્તિ પર
નજર બગાડી હતી. મામલો કોર્ટકચેરી સુધી પહોંચ્યો હતો, પણ પાંડવોનું કંઇ ચાલ્યું નહીં. તેમના મહેલ-મહોલાતો-મિલકતો
ટાંચમાં ગયાં અને યુધિષ્ઠિર પોતે જંગલમાં ફરતા, યક્ષના ફાલતુ સવાલોના જવાબ આપતા થઇ
ગયા હતા. આ વિચારમાળામાંથી બહાર કૂદકો મારીને તેમણે તરત સાચો જવાબ આપ્યો, ‘હે
યક્ષ, આર્યાવર્તમાં રૂપિયા કમાવાનું અઘરું હશે, પણ તેના ઇન્કમટેક્સનો વહીવટ કરવો
વધારે અઘરો લાગશે.’
કરવેરાની સમસ્યા ખરેખર યક્ષપ્રશ્ન છે.
સરકારને લાગે છે કે લોકો વેરો ભરતા નથી. લોકોને લાગે છે કે સરકાર આડેધડ વેરા લાદે
છે—અને આપણે જોઇ શકીએ છીએ કે આ બન્ને વાત એકબીજાને ખોટી ઠેરવ્યા વિના સ્વતંત્રપણે
સાચી હોઇ શકે છે.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Tuesday, April 05, 2016
ભવ્ય વારસાનું ગૌરવ લેવા માટેનો આદર્શ કોણ? આર્યભટ્ટ કે જીવરામ ભટ્ટ?
મનુષ્યના જન્મસમયે તેના ગ્રહોની સ્થિતિ જોઇને ભવિષ્યનો
વર્તારો કાઢવાનું ‘શાસ્ત્ર’ એટલે ફળજ્યોતિષ. તેનું કોઇ શાસ્ત્ર છે કે કેમ, એ ગંભીર શંકાનો મુદ્દો છે. એ હોય તો પણ હજુ
સુધી વિજ્ઞાનની અગ્નિપરીક્ષામાંથી પાસ થઇ શક્યું નથી, એ હકીકત છે. ફળજ્યોતિષના નામે ચાલતી અનેકવિધ
છેતરપીંડીઓ અને માણસની લાચારીનો ગેરલાભ લેવાના ગોરખધંધાને લીધે ફળજ્યોતિષ ફક્ત
અવૈજ્ઞાનિકતા-અંધશ્રદ્ધા જ નહીં, ઠગાઇ માટે પણ
ચર્ચામાં રહે છે. વાસ્તવમાં ભારતનો ભવ્ય વારસો ફળજ્યોતિષનો નહીં, નક્કર વિજ્ઞાન એવા ખગોળશાસ્ત્રનો હતો. ‘સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયા’ (બ્રેકથ્રુ સાયન્સ સોસાયટી, કૉલકાતા)માં
જણાવ્યા પ્રમાણે, વૈદિક કાળમાં
(ઇસવી સન પૂર્વે ૧૫૦૦થી ઇસવી સન પૂર્વે ૬૦૦ વચ્ચે) ભારતમાં ફળજ્યોતિષનું
અસ્તિત્ત્વ જ ન હતું. એટલે કે, ગ્રહોની માનવજીવન
પર અસર થાય છે એવી માન્યતા ત્યારે ન હતી.
વૈદિક કાળ પછીના સમયમાં, ઇસવી સન ૧૦૦થી ઇસવી સન ૫૦૦ વચ્ચે ખગોળશાસ્ત્રમાં નોંધપાત્ર કામ થયું, જે ‘સિદ્ધાંત જ્યોતિષ’ તરીકે ઓળખાય છે.
એ સમયગાળા દરમિયાન લખાયેલાં ‘સૂર્યસિદ્ધાંત’, ‘વશિષ્ટસિદ્ધાંત’, ‘પિતામહસિદ્ધાંત’ જેવાં ઘણાં
પુસ્તકોનો જ્ઞાનસંગ્રહ સામુહિક રીતે સિદ્ધાંતજ્યોતિષ કહેવાય છે. આ શ્રેણીનાં
પુસ્તકોમાં ભારતીય જ્ઞાન ઉપરાંત ‘યવનસિદ્ધાંત’, ‘પૌલિશસિદ્ધાંત’ જેવા કેટલાક ગ્રંથો પણ છે, જે સિકંદર (ઇસવી
સન પૂર્વે ૩૫૬થી ઇસવી સન પૂર્વે ૩૨૩) પછીના સમયગાળામાં રચાયા. બન્ને પ્રજાઓ
વચ્ચેના આદાનપ્રદાનના પરિણામ જેવા આ ગ્રંથોમાં ગ્રીક અને રોમન પ્રજામાં પ્રચલિત
વિચારો-માહિતીના સંગ્રહ છે. ફળજ્યોતિષનો- ગ્રહોની માનવજીવન પર કથિત અસરનો ખ્યાલ
પહેલી વાર આ ગ્રંથોમાં જોવા મળે છે,
એવું નોંધીને ‘સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયા’માં જણાવાયું છે, ‘(ફળજ્યોતિષના નામે ચાલતી) અંધશ્રદ્ધા આપણે ત્યાં પશ્ચિમથી આયાત થઇ હોય એમ જણાય
છે.’
જે કાળમાં પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, એ વાત સમજાઇ ન હતી, ત્યારે એક વર્ષની લંબાઇ (એટલે કે પૃથ્વીને
સૂર્યની આસપાસ આખું પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય) સિદ્ધાંતજ્યોતિષમાં આબાદ
રીતે ગણી કાઢવામાં આવી હતી. એ સમયના અભ્યાસીઓએ જોયું કે સૂર્ય રોજ પૃથ્વીને ચકરાવો
મારીને આથમે છે, પણ બીજા દિવસે
તેની ઉગવાની જગ્યા થોડી બદલાતી રહે છે. રોજ સૂર્ય એક જગ્યાએથી ઉગતો નથી, પણ દર ૩૬૫ દિવસે ફરી લગભગ એ જ જગ્યાએથી તેનો
ઉદય થાય છે. અલબત્ત, એ જગ્યામાં અને
૩૬૫ દિવસ પહેલાં સૂર્ય જ્યાંથી ઉગ્યો હતો એ જગ્યામાં મામુલી તફાવત તો રહી જાય છે.
ચોક્સાઇપૂર્વકની ગણતરી માંડીને તેમણે શોધી કાઢ્યું કે ૪૩,૨૦,૦૦૦ વર્ષના એક ‘મહાયુગ’ પછી સૂર્ય બરાબર અગાઉના રસ્તે ઉગવો જોઇએ. એ
વખતે દશાંશ પદ્ધતિ શોધાઇ ન હતી. તેની અવેજીમાં લાંબા સમયગાળાનો અને મોટી રકમોનો
ઉપયોગ કરવામાં આવતો. સિદ્ધાંતજ્યોતિષનાં પુસ્તકોમાં તારવેલા આંકડા પ્રમાણે ગણતરી માંડવામાં આવે, તો એક વર્ષની લંબાઇ ૩૬૫.૨૫૮ દિવસ થાય. આ માપ એક વર્ષના અત્યારના માપ (૩૬૫.૨૪૨ દિવસ)થી
સાવ નજીકનું છે.
ખગોળની જેમ ભાષાના મામલે પણ પ્રાચીન ભારતમાં નોંધપાત્ર કામ
થયું. ઇસવી સન પૂર્વે ચોથી સદીમાં થયેલા પાણિનીએ સંસ્કૃત વ્યાકરણના નિયમો તૈયાર
કર્યા અને ભાષાને સુવ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. ત્યાર પહેલાંના સમયમાં (વેદકાળમાં)
સંસ્કૃતનાં અનેક સ્વરૂપ હતાં. પાણિનીએ તેમાંથી સ્ટાન્ડર્ડ અને સર્વમાન્ય-સર્વસામાન્ય
બની રહે એવી સંસ્કૃત ભાષાનું માળખું ઘડ્યું. દેવનાગરી કક્કામાં મોઢામાંથી અક્ષર
ક્યાંથી ઉચ્ચારાય છે, તેના સ્થાન
પ્રમાણે પાંચ-પાંચના ઝૂમખામાં મૂળાક્ષરોની ગોઠવણી ભાષાકીય દૃષ્ટિએ અદ્વિતિય
વૈજ્ઞાનિક સિદ્ધિ છે.
સિદ્ધાંતજ્યોતિષ પછીના સમયમાં ખગોળ અને ગણિતમાં મોટી
સિદ્ધિઓ મેળવનારા વિદ્વાનો પાક્યા. ભારતના પહેલા કૃત્રિમ ઉપગ્રહને જેમનું નામ
આપવામાં આવ્યું હતું તે આર્યભટ્ટ (ઇસવી સન પાંચમી સદી)થી માંડીને વરાહમિહિર (છઠ્ઠી
સદી), બ્રહ્મગુપ્ત (સાતમી સદી)
જેવાં બીજાં પણ ઘણાં નામ તેમાં ગણાવી શકાય. આર્યભટ્ટે સિદ્ધાંતિક ખગોળશાસ્ત્રની
--એટલે કે ગણિતની મદદથી ગ્રહોનાં સ્થાન
જાણવાની શરૂઆત કરી. ત્યારથી ખગોળ અને ગણિત અભિન્ન બની રહ્યાં છે. આગળ
જણાવ્યું તેમ, પૃથ્વી સૂર્યની
આસપાસ ફરે છે એ ત્યારના લોકોને સમજાયું ન હતું. પણ આર્યભટ્ટ એવા પહેલા વિદ્વાન હતા, જેમણે કહ્યું કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે.
એટલે જ પૃથ્વી પરથી સૂર્ય ગતિ કરતો દેખાય છે. હકીકત એ પણ છે કે તેમના પછી આવેલા
વરાહમિહિર અને બ્રહ્મગુપ્ત જેવા વિદ્વાનોએ ખગોળશાસ્ત્રમાં પૃથ્વીના ધરીભ્રમણ જેવો ‘કાલ્પનિક’ ખ્યાલ રજૂ કરવા બદલ આર્યભટ્ટની ટીકા કરી હતી. ૧૫મી સદીમાં યુરોપમાં રેનેસાં
(નવજાગરણ) યુગ પછી ટેલીસ્કોપની મદદથી ગેલિલિયો અને કૉપરનિકસ જેવાઓએ ખગોળશાસ્ત્રની
સમજમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું,
જેની સાથે ભારતીય
કે અરબી ખગોળશાસ્ત્ર કદમ મિલાવી શક્યું નહીં.
પ્રાચીન ભારતની આવી ઘણી સિદ્ધિઓ વિશે વાત કરતું પુસ્તક ‘સાયન્સ ઇન એન્શ્યન્ટ ઇન્ડિયા’ ટૂંક સમયમાં ગુજરાતીમાં પણ પ્રકાશિત થવાનું છે.
માટે, વાસ્તવિક સિદ્ધિઓ અને
વાર્તાઓનાં બીજાં ઉદાહરણની વાત રહેવા દઇને, મુખ્ય સવાલની વાત કરીએ : ભારતમાં સર્જાયેલો જ્ઞાનભંડાર ગયો ક્યાં? ભારતની અવદશા કેમ થઇ?
સામાન્ય રિવાજ એવો છે કે ભારતની ખરાબ સ્થિતિ માટે મુસ્લિમ
આક્રમણખોરો પર દોષનો ટોપલો ઢોળવો. કેટલાક ઝનૂની મુસ્લિમ આક્રમણખોરોએ સમૃદ્ધ
પુસ્તકાલયો સળગાવ્યાં હતાં એ હકીકત છે. પરંતુ એ ભારતના લુપ્ત જ્ઞાનવારસા અંગેનો
સગવડીયો અને સાવ અધૂરો જવાબ છે. હકીકતમાં, જ્ઞાતિપ્રથાના ચુસ્ત અમલે જ્ઞાન પર અનેક પ્રકારની બંધીઓ લાદી. જ્ઞાનપંરપરા
ઝંખવાવાનું તે એક મોટું કારણ. સુશ્રુત જેવા વૈદો મૃતદેહની ચીરફાડને જ્ઞાન માટે
આવશ્યક ગણતા, પરંતુ પછીના
સમયમાં મનુસ્મૃતિ અને એ પ્રકારનાં લખાણોમાં કર્મકાંડીઓની બોલબાલા થઇ અને છૂતઅછૂતની
ચોખલીયાગીરી વધી પડી. એટલે મૃતદેહની ચીરફાડ કરીને જ્ઞાન મેળવવાનો રસ્તો બંધ થયો.
બાકી રહેલું ઘણું કામ વેદાંતની ફિલસૂફીએ પૂરું કર્યું. ઇસવી સન આઠમી સદીમાં થયેલા
આદિ શંકરાચાર્યે વેદાંત ફિલસૂફીનો ડંકો વગાડ્યો. તેનાથી આ જગત વિશે જિજ્ઞાસા
દાખવવાની-નવાં સંશોધનો કરવાની વૃત્તિમાં ઓટ આવી. પરિણામે નવમી-દસમી સદી સુધીમાં
છૂટાછવાયા અપવાદને બાદ કરતાં, એક પરંપરા તરીકે
સંશોધનવૃત્તિ અને દુન્યવી જ્ઞાનપિપાસા લગભગ આથમી ગયાં. ત્યારે ભારતના મોટા ભાગના
વિસ્તારોમાં મુસ્લિમ આક્રમણનું નામોનિશાન ન હતું. તેરમી સદીની આસપાસ હાલના ઉત્તર
ભારતમાં મુસ્લિમ શાસનની શરૂઆત થઇ. ત્યાર પછી પણ રસાયણશાસ્ત્ર-ધાતુશાસ્ત્ર જેવાં
ક્ષેત્રો શસ્ત્રોના ઉત્પાદનથી માંડીને અનેક વ્યવહારુ ઉપયોગો ધરાવતા હોવાથી, તેમને રાજ્યાશ્રય મળ્યો. એટલે તેમાં પ્રગતિ
ચાલુ રહી.
આપણી પાસે આટલો નક્કર-સમૃદ્ધ વારસો મોજૂદ હોય ત્યારે ‘લાખો વરસના પહેલાં અમારા ૠષિમુનિઓ બઘું શોધી
ગયા’ એવું દલપતરામના પાત્ર જીવરામ ભટ્ટ પ્રકારનું મિથ્યાભિમાન રાખવું અને ફેલાવવું એ હકીકતમાં આપણા અસલી વારસાનું અને તે મૂકી જનાર
વિદ્વાનોનું અપમાન કરવા બરાબર નથી?
Labels:
history/ઇતિહાસ,
science/વિજ્ઞાન
Subscribe to:
Posts (Atom)


