Friday, July 12, 2013

...એન્ડ પ્રાણ : પ્રાણ જાયે પર...

(૯૩ વર્ષની વયે લાંબી બિમારી પછી પ્રાણનું અવસાન થયાના સમાચાર આવ્યા છે. તેમને અંજલિ તરીકે ગુજરાત સમાચાર, શુક્રવાર-૧૯-૪-૧૩નો તંત્રીલેખ, જે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા નિમિત્તે લખ્યો હતો.)
Pran/ પ્રાણ
હિંદી ફિલ્મોમાં સુપરસ્ટાર બન્યા વિના પોતાની અમીટ છાપ છોડી જનારા કલાકારોમાં પ્રાણનું સ્થાન વિશિષ્ટ છે. છેક ૧૯૪૦ના દાયકાથી હીરો બનવા માટે આવેલા પંજાબી યુવક પ્રાણકિશન સિકંદે વીતતાં વર્ષોની સાથે સફળતાપૂર્વક વિલન અને પછી ચરિત્ર અભિનેતા તરીકે એવી ભૂમિકાઓ ભજવી કે ફિલ્મોના ટાઇટલમાં મુખ્ય અભિનેતા-અભિનેત્રીઓનાં મોટાં નામ અને બીજા કલાકારોનાં નાનાં નામ પછી છેક છેલ્લે મોટા અક્ષરે લખવામાં આવતું હતું, ‘એન્ડ પ્રાણ’. હા, ફિલ્મી દુનિયાની સિતારાપરસ્તીને કારણે પ્રાણનું નામ પહેલું ભલે ન આવી શકે, પણ છેલ્લું આવે ત્યારે ‘લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ’ તરીકે આવતું હતું. પ્રાણનું મહત્ત્વ સૂચવતા આ શબ્દો તેમના અંગ્રેજી જીવનચરિત્રનું મથાળું પણ બન્યા.

નિર્વિવાદ મહાનતા ધરાવતા કલાકાર અને નખશીખ સજ્જન પ્રાણને છેક નેવું વર્ષ વટાવી ચૂક્યા પછી દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળે ત્યારે એક સાથે આનંદ અને નિરર્થકતાની લાગણી થાય. તેમનાં પરિવારજનો અને શત્રુઘ્ન સિંહા જેવા અભિનેતાએ ફાળકે એવોર્ડની ચેષ્ટાને ‘ટુ લીટલ, ટુ લેટ’ (મોડી ને મોળી) ગણાવી છે. ત્યાર પહેલાં પ્રાણના જીવનચરિત્રની પ્રસ્તાવના લખનાર અમિતાભ બચ્ચને પણ પ્રાણસા’બનાં સન્માન બાબતે કેમ કચાશ દાખવવામાં આવી છે, એ વિશે સખેદ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સન્માનિત વ્યક્તિ સન્માનનો કશો સવાદ લઇ શકે એમ ન હોય ત્યારે તેને સન્માન આપવાનો શો અર્થ, એવો સવાલ સતત થતો રહે છે. પ્રાણને જાહેર થયેલો ફિલ્મી દુનિયાનો સર્વોચ્ચ એવોર્ડ પણ એ અણી સાથે જ આવ્યો છે. દાદાસાહેબ ફાળકે એવોર્ડ એટલું આશ્વાસન લઇ શકે છે કે તે પ્રાણને ન મળવાની (વઘુ એક) નામોશીમાંથી ઉગરી ગયો.

મહાન અભિનેતાઓ માટે કહેવાય છે કે એ પડદા પર આવે ત્યારે સ્ટાર તરીકે નહીં, પણ જે તે પાત્ર બનીને આવે છે. અમિતાભ જેવા મેગાસ્ટાર માટે ભાગ્યે જ આવું કહી શકાય. કારણ કે અમિતાભ કે શાહરુખ પ્રકારના અભિનેતાઓ પડદા પર આવે ત્યારે પણ અમિતાભ કે શાહરૂખ જ રહે છે. પ્રાણ એવા મહાન અભિનેતા હતા જેમણે અસંખ્ય ચરિત્રો કર્યાં અને દરેક ચરિત્રોની બારીકીઓને એવો ઉઠાવ આપ્યો કે તેમનું પ્રાણ હોવું પછી યાદ આવે. હકારાત્મક-નકારાત્મક, અરે ‘વિક્ટોરિયા નં.૨૦૩’માં અશોકકુમાર સાથે પ્રાણે કરેલી અદ્વિતિય ધમાલ- આ બધામાં સૌથી પહેલું યાદ આવે તો તેમનું પાત્ર. સામાન્ય રીતે આ બાબતનું શ્રેય (યોગ્ય રીતે જ) દિગ્દર્શકોને આપવામાં આવે છે, પણ પ્રાણ એક અભિનેતા તરીકે અત્યંત જાગ્રત અને શિસ્તબદ્ધ હતા. અમિતાભ બચ્ચને લખ્યું છે કે એ કદી સેટ પર મોડા આવતા નહીં અને પોતાનું કામ પૂરું થયા પછી બાકીનું કામ જોવા પણ રોકાતા, જેથી તે પોતે આખી ફિલ્મ સાથે ઓતપ્રોત રહી શકે.  કપરામાં કપરા સંજોગોમાં પણ તે (ફિલ્મી દુનિયા માટે દુર્લભ ગણાતાં) સમયપાલન કે શિસ્ત છોડતા નહીં. સગા ભાઇના અવસાન પછી, ભલે ગુમસુમ થઇને પણ, પ્રાણ શૂટિંગ માટે હાજર થઇ ગયા હતા.

એક તરફ રાજ કપુર, દેવ આનંદ અને દિલીપકુમાર જેવા સિતારાઓ તો બીજી તરફ બલરાજ સાહની પ્રકારના પ્રચંડ પ્રતિભાશાળી બૌદ્ધિક અભિનેતાઓ વચ્ચે પ્રાણ જેવા કેટલાકનો એક વર્ગ હતો, જેમની પર સ્ટાર હોવાનો બિલ્લો ન હતો અને એ નીતાંત વ્યાવસાયિક ફિલ્મો કરતા હતા, પરંતુ અભિનયક્ષમતા અને લોકચાહના- કે પ્રાણ જેવા પૂર્વાશ્રમના વિલનની બાબતમાં લોકધિક્કાર-ની બાબતમાં તે સ્ટાર કરતાં જરાય કમ ન હતા. અમિતાભ બચ્ચને નોંઘ્યું છે કે પ્રકાશ મહેરાના ‘ઝંઝીર’માં તેમને કારકિર્દીની પહેલી મોટી ભૂમિકા અપાવવામાં પ્રાણનો મોટો ફાળો હતો. નવોદિતો પ્રત્યે લાગણી અને મદદનો હાથ લંબાવવાનું ફિલ્મજગતમાં સામાન્ય નથી. પ્રાણ અસામાન્ય સજ્જન હતા. છતાં, દંતકથા પ્રમાણે, પડદા પરનાં તેમનાં કાતીલ કારનામાં જોઇને એક આખી પેઢીએ બાળકોનું નામ ‘પ્રાણ’ પાડવાનું બંધ કરી દીઘું હતું.

ખરજદાર અવાજ અને વિશિષ્ટ લહેકો પ્રાણનું એક આઇ-કાર્ડ હતું, જેની નકલ હજુ પણ ‘તુમ્હારે મનમેં લડ્ડુ ફુટા?’ જેવી જાહેરખબરમાં કરવામાં આવે છે. પરંતુ પ્રાણને આટલું મોડું સન્માન મળવાથી, આ સમાચાર સાંભળીને તેમના ચાહકોના મનમાં લડ્ડુ નહીં, અફસોસવચનો ફૂટે છે. 

Thursday, July 11, 2013

કેદારનાથમાં કુદરતની સાથોસાથ બેદરકારી, ગાફેલિયત અને લોભનું તાંડવ


કેદારનાથ/Kedarnathની દુર્ઘટનામાં થયેલાં હજારો મોતની કરૂણતા ભૂલાઇ જાય, લાગણીનો ઉભરો શમી જાય અને બઘું રાબેતા મુજબ થઇ જાય, એ પહેલાં કેટલીક હકીકતો અને તેના બોધપાઠ અંકે કરવા જેવા છે. નુકસાનમાં નફાની આશ્વાસનકારી દૃષ્ટિએ વિચારીએ તો, હજારોનાં સ્વજન છીનવી લઇને ક્રૂર આંચકો આપનારી આ દુર્ઘટનાએ હિમાલયના છીનવાઇ રહેલા પ્રાકૃતિક સંતુલન વિશે લોકોનું ઘ્યાન દોર્યું છે. નરી આંખે જોઇ શકાય એવી ઉત્તરાખંડની અવદશા છતી કરવા માટે મોટી દુર્ઘટનાની જરૂર પડે એ શરમજનક સચ્ચાઇ છે. પરંતુ તેમાંથી પણ કશો બોધપાઠ લેવામાં ન આવે તો એ ગુનાઇત સ્વાર્થઅંધતા ગણાય.
ઉત્તરાખંડના પહાડી ઇલાકામાં પ્રવાસન મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે. રાજ્યમાં પ્રવાસીઓ જેટલા વધારે એટલા સ્થાનિક લોકો પણ રાજી ને શાસકો પણ ખુશ. એમાં પ્રવાસીઓની સંખ્યા પર અંકુશ રાખવા જેવો ‘ખોટનો ધંધો’ કોણ વિચારે? ઉલટું, પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટેના અને પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉભી કરવાના શક્ય એટલા વઘુ પ્રયાસ થાય. પ્રવાસીઓ માટે સૌથી પાયાની જરૂરિયાત ઉતારાની. વર્ષ ૨૦૦૬ના એક અભ્યાસ પ્રમાણે, એ વર્ષે ઉત્તરાખંડમાં આવતા દર ૧૦ લાખ પ્રવાસીઓ દીઠ હોટેલ-ગેસ્ટ હાઉસની સંખ્યા માંડ ૧૦૨.૫ હતી અને ફક્ત ૩૩૭ પથારીઓ ઉપલબ્ધ હતી.

આ સ્થિતિમાં સૌથી પહેલો વિચાર પ્રવાસીઓની સુવિધા - અને પોતાની કમાણી- ખાતર નવાં બાંધકામ ઊભાં કરવાનો આવે. હોટેલ-ગેસ્ટહાઉસ-ભાડાનાં ઘર...આમાંથી ઘણુંબઘું કાયદેસર ન પણ હોય. જમીનો પચાવીને ગેરકાયદે બાંધકામ કરવામાં સરેરાશ ભારતીયો વિશેષ પ્રતિભાશાળી હોય છે- પછી તે ગામડું હોય કે શહેર. કમાઇ લેવાના આશયને કારણે સલામતી કે નિયમોનો વિચાર કર્યા વિના, જ્યાં તક અને જગ્યા મળે ત્યાં મકાનો તાણી બાંધવામાં આવે. છતાં ઉતારા ઓછા જ પડે.

ધંધાનો આવો ધીકતો મોકો હોય ત્યારે પર્યાવરણ તો ઠીક, સામાન્ય સુરક્ષાના કે પોતાની લાંબા ગાળાની સલામતીના વિચાર પણ ક્યાંથી આવે? જાતે તો ઠીક, સરકારી હુકમનામા પછી પણ લોકો સમજતા નથી અને સરકાર તેનો નિષ્ઠાપૂર્વક-કડકાઇથી અમલ કરાવી શકતી નથી. બાકી, ઉત્તરાખંડની સરકારે સત્તાવાર રીતે ઠરાવેલું છે કે નદીના પટના ૨૦૦ મીટરના વિસ્તારમાં કોઇ પણ જાતનું બાંધકામ થઇ શકે નહીં. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે નદીઓમાં ભારે પૂરની નવાઇ નથી. નદીના તટથી સલામત અંતર રાખવામાં પર્યાવરણ કરતાં પણ પહેલો મુદ્દો જાનના જોખમનો આવે છે. પરંતુ ચોમાસા સિવાયની મોસમમાં એ જમીન આકર્ષક રીતે ખાલી લાગતી હોવાથી, ત્યાં પણ બિનધાસ્ત મકાનો ઊભાં કરી દેવામાં આવે છે. તેની સામે રાજ્ય સરકારના આંખ આડા કાન પછી, ઉત્તરાખંડની વડી અદાલતે કડકાઇ દાખવી હતી. આ વર્ષના આરંભે અદાલતે નદીકાંઠે ૨૦૦ મીટરની હદમાં બંધાયેલાં તમામ ગેરકાયદે બાંધકામ તોડી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ કોઇ પણ પ્રકારની જમીનને કેવળ રીઅલ એસ્ટેટ તરીકે જોવા ટેવાયેલા લોકો હાઇકોર્ટનો ચુકાદો ઘોળીને પી ગયા અને સરકારે કદી તેના અમલમાં ઉત્સાહ દેખાડ્યો નહીં. એમાંનાં ઘણાં મકાનનો કેદારનાથના પુરમાં વારો ચડી ગયો. પુર ભલે કુદરતી હોય પણ તેમાં થયેલા ભારે નુકસાનમાં માણસોનો  ફાળો મોટો હતો.

દુર્ઘટના થકી થતી તબાહીને વધારે ગંભીર બનાવતો બીજો મોટો મુદ્દો છે : નદીના પટમાં થતું ખોદાણ અને ખાણકામ. સામાન્ય માન્યતા એવી હોય કે પહાડી વિસ્તારોમાં ડાયનેમાઇટથી ધડાકા કરીને ખનીજ શોધવાની પ્રવૃત્તિથી પહાડી ભૂસ્તરોને ખલેલ પહોંચે છે અને તે અસ્થિર બને છે. આ તો ખરૂં જ, પણ પ્રવાસનને કારણે રીઅલ એસ્ટેટમાં તેજી આવે એટલે બાંધકામ માટે સામગ્રીની જરૂર પડે. એટલે રેતી અને પથ્થરો જેવી માટે કોન્ટ્રાક્ટરો કાયદેસર કે સ્થાનિક સત્તાધીશોને સાધીને નદીના પટ ખોદી કાઢે છે.(હિમાલયની નદીઓમાં કાંપની સાથોસાથ નાનામોટા કદના પથ્થરોનો કાટમાળ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.)  જમીનનું ધોવાણ અટકાવવામાં અગત્યની ભૂમિકા ધરાવતાં જંગલોની પણ સરકારને પરવા નથી. ખનીજના ખાણકામ માટે જંગલો લીઝ પર આપી દેવામાં આવે છે. ‘ડાઉન ટુ અર્થ’ સામયિકમાં ટાંકેલા આંકડા પ્રમાણે, ઉત્તરાખંડ અલગ રાજ્ય બન્યું, તેના પહેલા દાયકામાં (૨૦૦૦-૨૦૧૦) રાજ્ય સરકારે જંગલ વિસ્તાર ગણાયેલી આશરે ૩૯૦૦ હેક્ટર જમીન ખાણકામ માટે ફાળવી દીધી હતી.

સ્વામી નિગમાનંદ જેવા સન્યાસી નદીઓના પટમાં આડેધડ સરકારી ખાણકામનો વિરોધ કરતા રહ્યા અને તેના વિરોધમાં ઉપવાસ કરીને મોતને ભેટ્યા. પરંતુ સરકારો પર તેની કશી અસર પડી નહીં. ઉલટું, સરકારે પહાડી ઇલાકાની મપાયા વગરની જમીન જંગલવિભાગ પાસેથી લઇને મહેસૂલવિભાગને હસ્તક કરી દીધી, જેથી એ ગેરકાયદે ખાણકામ અટકાવી શકે અને કાયદેસર રીતે ખાણકામ માટે જમીનોની હરાજી કરીને રાજ્ય માટે તગડી રકમ ઉપજાવી શકે.

ભારતમાં સામાન્ય રીતે બને છે તેમ, ઉત્તરાખંડનાં કુદરતી સંસાધનનો આડેધડ ઉપયોગ અટકાવવામાં કોંગ્રેસ અને ભાજપ એકસરખાં નકામાં પુરવાર થયાં છે. વિકાસની લ્હાયમાં ઘણી વાર તે રાજ્યની ભૂગોળને અને તેના તકાદાને વિસારે પાડી દેતાં હોય એવી છાપ ઉભી થાય છે. ‘ડાઉન ટુ અર્થ’નાં તંત્રી અને જાણીતાં પર્યાવરણવિદ્‌ સુનીતા નારાયણે એક લેખમાં નોંઘ્યું છે કે (નદીઓના ધસમસતા પ્રવાહની સંપત્તિ ધરાવતા) ઉત્તરાખંડમાં હાઇડ્રોઇલેક્ટ્રિક-જળવિદ્યુત પ્રોજેક્ટ ઊભા કરવામાં આવે, એ મહત્ત્વની આર્થિક પ્રવૃત્તિ છે, પરંતુ ‘અત્યારે ગંગા નદી પર બની ચૂકેલા અને સૂચિત પ્રોજેક્ટનો કુલ આંકડો ૭૦ની આસપાસ છે.’ મર્યાદિત વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રોજેક્ટ માટે તેમણે વાપરેલો શબ્દપ્રયોગ છેઃ બમ્પર ટુ બમ્પર. અડોઅડ.
ઉત્તરાખંડમાં બિલાડીના ટોપની જેમ ઉભા થયેલા-થઇ રહેલા જળવિદ્યુતના પ્રોજેક્ટ
(wildlife institute of India/ વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા)


બંધ બની જાય એટલે નદીઓમાં વહેતો પાણીનો પ્રવાહ સરોવરમાં સંઘરાય અને ચોમાસા સિવાય નદીઓના પટ કોરા બને. એટલે તેમાં બેફામ ખોદકામની ભીતિ રહે છે. એ ઉપરાંત, ભારતમાં હવે થતાં બાંધકામમાં સૌથી મોટો પ્રશ્ન ગુણવત્તાનો છે. બ્રિટિશ રાજમાં બંધાયેલો નર્મદા નદી પરનો ગોલ્ડન બ્રિજ અડીખમ રહીને એક સદી પૂરી કરી શકે છે, પરંતુ સ્વ-રાજમાં અને ખાસ કરીને છેલ્લાં થોડાં વર્ષોમાં મુંબઇ જેવાં મહાનગરોમાં કરોડોના ખર્ચે બંધાયેલા ફ્‌લાય ઓવર કે રસ્તામાં ગમે ત્યારે તિરાડો ને ગાબડાં પડે છે. ઉત્તરાખંડ જેવા ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં પણ સરકારો કશી વિશેષ સાવચેતી રાખતી હોય એવું હજુ સુધી લાગ્યું નથી.

કેદારનાથની દુર્ઘટનાનો સૌથી મોટો બોધપાઠ એ છે કે માણસે હિમાલય જેવી પ્રાકૃતિક જગ્યાએ સલામત રહેવું હોય તો પ્રકૃતિની અદબ જાળવતાં શીખવું પડશે. ખાસ કરીને રાજ્ય સરકારોએ ટૂંકા ગાળાના ફાયદાની સંકુચિત દૃષ્ટિથી વિચારવાને બદલે, આખા વિસ્તારના ઇતિહાસ અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યમાં વિચારતાં શીખવું પડશે. હિમાલય જેવા જણસરૂપ પ્રદેશને જાળવી રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર અલાયદી ‘હિમાલયન પોલિસી’ તૈયાર કરે અને તેને અમલમાં મૂકે, એવી માગણી લાંબા સમયથી થઇ રહી છે. આવી માગણી કરનારાને પર્યાવરણપ્રેમી કે પર્યાવરણવાદી તરીકે ખતવી કાઢવાને બદલે, તેમની માગણીઓમાં રહેલાં વાજબી અને વૈજ્ઞાનિક તથ્યો ઘ્યાન પર લેવાં જોઇએ અને એ પ્રમાણે નીતિ ઘડીને અમલમાં મૂકવી જોઇએ. આ દિશામાં સૌથી પહેલા પગલા તરીકે ગેરકાયદે ખાણકામ-ખોદકામ તત્કાળ બંધ થવાં જોઇએ અને કાયદેસર અપાયેલી લીઝમાં નફા-નુકસાનની ગણતરી કેવળ રૂપિયાપૈસામાં કરવાને બદલે, પર્યાવરણને થતું નુકસાન પણ લેખામાં લેવું જોઇએ.

ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાના ધંધા મેદાની ઇલાકામાં ઠીક છે, પણ હિમાલયમાં એ કામ લાગતા નથી. કુદરત પોતાની ‘ઇમ્પેક્ટ ફી’ બહુ ક્રૂર રીતે વસૂલી શકે છે. કેદારનાથ દુર્ઘટનાનો એ પણ એક બોધપાઠ છે. 

Wednesday, July 10, 2013

કઢી : ઉતરેલી અને (મોઢે) ચઢાવેલી

ગુજરાતીઓને ‘દાળભાતખાઉ’ તરીકે ઓળખવાતા હોય એવું સાંભળ્યું છે, પણ આજ સુધી કોઇએ તેમને ‘કઢીભાતખાઉ’ કે ‘ખિચડીકઢીખાઉ’ કહ્યા હોય એવું જાણ્યું નથી. ગુજરાતને બદનામ કરવાનું આ કદાચ સૌથી જૂનું કાવતરું હશે. કારણ કે દાળભાત પોચટપણાનાં સૂચક છે, જ્યારે કઢી સમૃદ્ધિનું પ્રતીક છે.

‘દાળ બગડી એનો દિવસ બગડ્યો’ - એવી કહેણી જાણીતી છે. પરંતુ એના માટે,‘આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ’ એવા અંગ્રેજી કથન પ્રમાણે, દાળની લોકપ્રિયતા કરતાં તેનું રોજિંદાપણું વધારે કારણભૂત હશે. આવા છૂટાછવાયા પુરાવાના આધારે, પોલીસની જેમ મનગમતી થિયરી ઘડી કાઢીને, દાળને કઢીથી ચડિયાતી માની લેવાની જરૂર નથી. પરંપરાગત જ્ઞાતિભોજનોમાં કઢીની ગણતરી પકવાનમાં કે મિષ્ટાન્નમાં કેમ થતી નહીં, એ ફક્ત તપાસનો જ નહીં, અસંતોષનો વિષય હોઇ શકે છે. પકવાનની વ્યાખ્યા જો તેમાં નંખાતા ઘીના પ્રમાણથી અને મિષ્ટાન્ની વ્યાખ્યા ગળપણથી નક્કી થતી હોય તો, જ્ઞાતિભોજનમાં બનાવાતી કઢી બેશક એ દરજ્જો પામે.

જૂના વખતમાં ન્યાતના જમણવાર માટે બનતી કઢીમાં ડબ્બા ભરીને ઘી ઠલવાતું હતું. એ જોઇને ‘છે ગરીબોના કૂબામાં તેલ ટીપું દોહ્યલું, ને અમીરોની કઢીમાં ઘીના ડબ્બા જાય છે’ - એવી પંક્તિ કોઇ કવિને કેમ ન સૂઝી એવો સવાલ થાય. અમસ્તી પણ સમાજવાદી ભારતમાં ‘મૂડીવાદી’ ગણાતી કઢી માટે વિરોધી પ્રચારની નવાઇ નથી. તેને પકવાન ગણવાનું તો બાજુ પર રહ્યું, તેને અવનવા નકારાત્મક કે હાંસીસૂચક શબ્દપ્રયોગો સાથે સાંકળી લેવામાં આવી છે. (વાસી થવાને કારણે) ઉતરી જવાની- બગડી જવાની બાબતમાં કઢી અને દાળ વચ્ચે ખાસ તફાવત નથી. ઊલટું, ઠંડી દાળ કરતાં ઠંડી કઢી વધારે સ્વાદિષ્ટ લાગી શકે છે. છતાં લોકોના ચહેરા ‘ઉતરેલી દાળ જેવા’ નહીં, ‘ઉતરેલી કઢી જેવા’ કહેવાય છે. વલોણી દાળ અને કઢી બન્નેમાં ચલાવવી પડે છે, પરંતુ ચાલી ચાલીને ટાંટિયાની કદી દાળ થઇ હોય એવું સાંભળ્યું છે? કાગડા જેવા નકારાત્મક છબી ધરાવતા પંખીને દાળ પીવાનું નહીં, પણ કઢી પીવાનું આમંત્રણ જ અપાય છે.

કઢી રોજિંદા ભોજનની વાનગી નથી. એટલે તેને દાળની જેમ ગુજરાતની અસ્મિતાનો હિસ્સો બનવા ન મળ્યું. ફક્ત એટલું ઘ્યાનમાં રાખીને કઢીનું માહત્મ્ય ઓછું આંકવામાં ઘણા ગુજરાતી કઢીપ્રેમીઓને- એટલે કે ગુજરાતને- અન્યાય થઇ શકે છે. કેટલાક સ્વાદિયા દાળને ચાહતા હોવા છતાં, કઢી માટે વિશેષ ભાવ ધરાવે છે. એક સાથે બે કે વઘુ અભિનેત્રીઓ જેમને અતિપ્રિય હોય એ લોકો આ લાગણી સહેલાઇથી સમજી શકશે. તેમને મન ‘દાળ એ દાળ’ છે, તો ‘કઢી એ કઢી જ’ છે. દાળ અને કઢી વચ્ચે ઊંચકનીચકની સરખામણી કરવી એ તેમને મન દીપિકા પાદુકોણ અને કરીના કપુરના ચશ્માના નંબરની કે મલ્લિકા શેરાવત અને મલાઇકા અરોરાની અભિનયક્ષમતાની સરખામણી કરવા બરાબર છે.

ઘરના ભોજનમાં ‘દાળ કે કઢી?’નું જનરલ ઓપ્શન મળતું નથી. પરંતુ ગુજરાતી ડાઇનિંગ હોલમાં એવો પ્રસંગ આવે છે, જ્યારે દાળ અને કઢી એક સાથે આપણી સમક્ષ રજૂ થાય અને તેમાંથી પસંદગી કરવી પડે. સ્વાદપ્રિય જનતા માટે આદર્શ પસંદગી એ જ ગણાય કે લોકલાજની પરવા કર્યા વિના એક વાટકી એકસ્ટ્રા મંગાવીને દાળ અને કઢી બન્ને લેવાં. પરંતુ બધા આટલું સામાજિક સાહસ દર્શાવી શકતા નથી. એવા લોકોને સામે દેખાતી દાળ-કઢીમાંથી એકનું નામ લેવું પડે છે. દાળ દેખાવે મુછ્‌છડ પોલીસ અમલદાર જેવી લાગે છે. એ તમતમતી હોય કે ન હોય, એક વાર તો એ પોતાનાં રંગઢંગ અન લાલાશથી સામેવાળા પર પ્રભાવ પાડી દે છે. તેની સરખામણીમાં કઢી પહેલી નજરે સહેજ પીળાશ પડતી, ફિક્કી - તબીબી પરિભાષામાં ‘એનિમિક’ - લાગી શકે છે. રાજકીય સંવેદનશીલતા અને ઓળખના રાજકારણના જમાનામાં પહેલી નજરે કઢીના પ્રેમમાં પડનારા પર રંગભેદ-રેસીઝમનો આરોપ લાગે તો નવાઇ નહીં. કારણ કે કઢી અને દાળ સાથે પડ્યાં હોય તો તેમાંથી કઢીને સહેલાઇથી ‘યુરોપીઅન’ અને દાળને ‘એશિયન’ તરીકે ખપાવી શકાય છે.

ઉકળતી દાળની સોડમ કંઇક અંશે તામસી હોય છે, જ્યારે કઢીની કીર્તિ તેની સૌમ્ય સુગંધને કારણે દૂર સુધી પ્રસરે છે. ઉકળતી કઢીમાંથી આવતી મીઠા લીમડા અને ઘીની સુગંધ નિર્ણાયકોને જાણે  શો કોઝ નોટિસ આપે છે કે‘કઢીને શા માટે પકવાનમાં ન મુકવી તેનો દિન સાતમાં ખુલાસો આપો.’ કઢીના સ્વાદ કે સુગંધમાંથી જ નહીં, તેના એકંદર ‘વ્યક્તિત્વ’માંથી તેની આંતરિક સમૃદ્ધિ વ્યક્ત થાય છે. તેની પરથી કોઇ પણ સુજ્ઞ માણસ સમજી જાય કે કઢીને ફક્ત ભાતની જુગલબંદી કલાકાર તરીકે ખતવી નખાય નહીં. ભાત રાજા અને કઢી રાણી હોય, તો એ રાણી પણ ઇંગ્લેન્ડની. એટલે સિક્કા ભલે રાજાના પડે, પણ રાજ તો રાણીનું જ ચાલે.

કઢીની ગુણવત્તાનો એક આધાર છે : તેની ઘટ્ટતા. ‘કઢી’ શબ્દમાં જ કઢાયેલા હોવું- જાડા રગ્ગડ હોવું નિહિત છે. છતાં, ગોવર્ધનરામની નવલકથાની બહારની દુનિયામાં નામ પરથી ગુણ ધારી લેવાનું જોખમભરેલું છે. અહીં માલ્યા માલ વગરના અને સહારા બેસહારા હોઇ શકે, તો કઢી કઢાયા વગરની એટલે કે પાતળી કેમ ન હોય?  પાતળી કઢી ઘણી વાર તો એટલી પાતળી હોય છે કે છાશ અને કઢી વચ્ચે ફક્ત ઉષ્ણતામાન અને રંગનો જ તફાવત લાગે. ડેરી ઉત્પાદન ગણાતી છાશ અને ભોજનનો હિસ્સો ગણાતી કઢી વચ્ચે આમ મોટું અંતર લાગે, પણ હકીકતમાં કઢી એ છાશનું ઉત્ક્રાંત સ્વરૂપ છે. પરંતુ કેટલીક વાર ઉત્ક્રાંતિની પ્રક્રિયા સંપૂર્ણ થાય તે પહેલાં જ તે આડે પાટે ચડી જાય એવું બને છે. એવી સ્થિતિમાં ગાલાપાગોસ ટાપુઓ પર જોવા મળતી જીવસૃષ્ટિ જેવી, અજબગજબના સ્વાદ ધરાવતી કઢી નીપજી આવે છે.

દાળમાં મોળી દાળ અને દાળ એમ બે જ મુખ્ય પ્રકાર છે, જ્યારે કઢીની સમૃદ્ધિ તેના પ્રકારવૈવિઘ્ય દ્વારા પણ છતી થાય છે. કેટલાક હાથે બનતી - ખાસ કરીને ગુજરાતી ડાયનિંગ હોલમાં બનતી- કઢી એટલી ગળી હોય છે કે તેની સરખામણી દૂધપાક સાથે કરવાનું મન થઇ જાય. પરંતુ દૂધપાકમાં મીઠો લીમડો નાખવામાં આવતો નથી, એટલે એ સરખાણીમાંથી દૂધપાક બચી જાય છે. કેટલીક કઢી લસણિયા હોય છે, તો કેટલીક કાઠિયાવાડી. સૌરાષ્ટ્રમાં રણે ચડીને દુશ્મનોના દાંત ખાટા કરવાની ઉજ્જવળ પરંપરા હતી. હવે રેતીનાં રણ સિવાયનાં રણમેદાન રહ્યાં નથી. એટલે કાઠિયાવાડી હોટેલો અને ઢાબાં ઘણી વાર ખાટી છાશમાંથી બનેલી ખાટી કઢી દ્વારા, આગંતુકોના દાંત ખાટા કરીને સાંસ્કૃતિક પરંપરાનું નિર્વહન કર્યાનો સંતોષ મેળવે છે. કઢીને સ્વતંત્ર વાનગી ગણવાને બદલે, પંજાબી સબ્જીની ગ્રેવીની જેમ તેનો ‘બેઝ’ તરીકે ઉપયોગ કરીને તુવેર, પરવળ, રીંગણ, ભીંડા જેવાં શાકની કઢી ઘણા બનાવે છે. પરંતુ ડાંગે માર્યાં પાણી છૂટાં પડતાં નથી, તેમ કઢીમાં નાખેલાં શાક કઢી સાથે ભેગાં- એકરસ થતાં નથી. આ પ્રકારની વાનગીઓમાં સ્વાદ કરતાં આદત અને પ્રયોગ માટેનો ઉત્સાહ મુખ્ય પ્રેરક બળ બની રહે છે.

કેટલીક અભિનેત્રીઓ શહેરી અને ગામઠી એમ બન્ને પ્રકારની ભૂમિકાઓ બખૂબી નિભાવી શકે છે. એવી જ રીતે, કઢી ખિચડી જોડે હોય કે રોટલા જોડે, પુરણપોળી સાથે હોય કે રોટલી-ભાખરી સાથે, દરેક ભૂમિકામાં એ દીપી ઉઠે છે. સશક્ત કલાકાર જેમ નાનામાં નાની ભૂમિકામાં પોતાની છાપ છોડી જાય છે, એમ કઢી ગમે તે રોલમાં પોતાની વિશિષ્ટતાની છાપ છોડવાનું ચૂકતી નથી. કઢીનું મીઠું આક્રમણ શારીરિક અને માનસિક બન્ને મોરચે દીર્ઘજીવી નીવડી શકે છેઃ કઢીભાત જમીને હાથ ધોયા પછી ક્યાંય સુધી કઢીની ચીકટ હાથમાં સમાયેલી રહે છે અને તેની સુગંધ ક્યારેક એટલી ઊંડે ઉતરી જાય છે કે જમી લીધા પછી પણ, રોમેન્ટિક ક્ષણોની સ્મૃતિની, જેમ ચિત્તતંત્રનો કબજો છોડતી નથી.  

Tuesday, July 09, 2013

અન્નસુરક્ષા : વટહુકમ અને વાસ્તવિકતા

લોકસભાની ચૂંટણીનાં ઘેરાતાં વાદળ વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર અન્નસુરક્ષા કાયદાનું પત્તું ઉતરી છે. માઘ્યમિક શાળાના નાગરિકશાસ્ત્રમાં આવે છે કે ખરડો સંસદના બન્ને ગૃહોમાં પસાર થાય અને તેની પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ એ કાયદો બને છે. પરંતુ પાઠ્યપુસ્તકમાં એવું તો ન જ આવતું હોય કે વિરોધ પક્ષો મહત્ત્વના મુદ્દાની ચર્ચા બાજુએ રાખીને, કેવળ રાજકીય ગણતરીઓ ખાતર સંસદની કામગીરી ખોરવી નાખતા હોય અને સત્તાધારી પક્ષને રાજકીય લાભ ખાતર કોઇ કાયદો તત્કાળ પસાર કરી દેવાની જરૂર હોય ત્યારે શું કરવું?

પરંતુ માઘ્યમિક શાળામાં આવતું નાગરિકશાસ્ત્ર પાઠ્યપુસ્તકની બહાર ભાગ્યે જ કામ લાગે છે. રાજકીય પક્ષો એ બરાબર જાણે છે. એટલે કોંગ્રેસે અન્નસુરક્ષાને લગતા કાયદાની ઉતાવળનો પોતાની રીતે રસ્તો કાઢી લીધો : રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અન્નસુરક્ષાને લગતા વટહુકમ/ Food Security Ordinance પર સહી કરીને તેને કાયદેસર રીતે કાયદાનું સ્વરૂપ આપી દીઘું. આ કાયદા વિશે સાવ સાદી ભાષામાં સમજૂતી આટલી જ આપી શકાય કે તેના થકી ગરીબોને ત્રણ રૂપિયે કિલો ચોખા, બે રૂપિયે કિલો ઘઉં અને એક રૂપિયે કિલો જાડું ધાન મળશે. સસ્તા ભાવનું આ અનાજ મહિને પાંચ-પાંચ કિલો મળી શકશે. એટલું જ નહીં, આ કાયદાના માપદંડમાં બંધબેસતા લોકો દયાદાન પેટે નહીં, અધિકાર તરીકે આ લાભ મેળવી શકશે અને તેનાથી વંચિત રહેલા લોકો અદાલતમાં સરકાર સામે ફરિયાદ કરી શકશે.

ગરીબકલ્યાણના નામે 

કોંગ્રેસની ગરીબી દૂર કરવાની વ્યાખ્યા અને બૌદ્ધિક સમજણ આવી લહાણીથી આગળ વધી શકતી નથી એ ખેદની વાત છે. (ભારતના બીજા રાજકીય પક્ષો પણ આ બાબતમાં કોંગ્રેસ કરતાં ખાસ જુદા નથી.) અગાઉ કોંગ્રેસે ‘ધ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમ’- ટૂંકમાં ‘મનરેગા’-નો ખેલ પાડ્યો હતો. તેની પાછળ કોંગ્રેસે રજૂ કરેલો આશાવાદ એવો હતો કે ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની મોટી સમસ્યા છે. એ દૂર કરવામાં આવે તો ગરીબોનું કલ્યાણ થાય. એટલે આ યોજનાના લાભાર્થી બનતા પરિવારના પુખ્ત વયના સભ્યોને નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની ખાતરીબંધ રોજગારી આપવી. આ પ્રકારે રોજગારી ન મળે તો વ્યક્તિ સરકાર સામે દાવો માંડી શકે એવી પણ જોગવાઇ ‘મનરેગા’ના કાયદામાં હતી.

કોંગ્રેસની ‘ફ્‌લેગશિપ’ - સૌથી મોખરાની - યોજના તરીકે ઓળખાયેલી ‘મનરેગા’ની અનેક આંટીધૂંટી અને તેના અભ્યાસો અલગ લેખનો વિષય છે. તેના આખરી પરિણામ વિશે શું કહેવું? એ યોજનાનાં સાત-આઠ વર્ષ પછી પણ કેન્દ્ર સરકારને અન્નસુરક્ષા યોજના કરવી પડે છે. એટલે કે ખુદ કેન્દ્ર સરકાર સ્વીકારે છે કે ‘મનરેગા’ સહિતની યોજનાઓ સફળ થઇ હોય તો પણ, હજુ મોટી સંખ્યામાં એવાં પરિવારો છે જે બે ટંક ખાવાભેળાં થવા જેટલું પણ કમાતાં નથી. રીઢા રાજકારણીઓ જોકે આ જાતના વિરોધાભાસથી શરમાવાને બદલે, નવી યોજનાનો ગાઇવગાડીને પ્રચાર કરે છે અને માની લે છે કે લોકો આટલી ઉઘાડી સચ્ચાઇ સમજી નહીં શકે. (આવો ભરોસો ન હોત તો ગુજરાતના વિકાસનાં અવિરત ગુણગાન ગાનારા મુખ્ય મંત્રી કયા મોઢે મોટા પાયે ગરીબમેળા યોજતા હોત?)

કોંગ્રેસી નેતાઓ અન્નસુરક્ષાના વટહુકમને ‘ગેમચેન્જર’ ગણાવી રહ્યા છે. આ પ્રકારના શબ્દપ્રયોગો ચૂંટણીનો માહોલ જામે તેમ વઘુ ને વઘુ પ્રમાણમાં સાંભળવા મળશે. કોંગ્રેસી નેતાઓ એવું પણ કહે છે કે ‘આ યોજના સોનિયા ગાંધીને પ્રિય છે.’ તેનું ‘ગુજરાતી’ એવું થાય કે ‘સોનિયા ગાંધી મહાન ગરીબતરફી છે અને તેમના મનમાં તો હંમેશાં ગરીબોની ચિંતા રહે છે, પણ આવા અપવાદોને બાદ કરતાં દુષ્ટ સરકાર તેમને ગાંઠતી નથી.’

કોંગ્રેસની કામગીરીનો અછડતો પણ અંદાજ હોય એવા સૌ કોઇ જાણે છે કે કોંગ્રેસમાં સોનિયા ગાંધીની ઇચ્છા કે સંમતિ વિના પાંદડું પણ ફરકતું નથી. એટલે ‘મનરેગા’ કે ‘અન્નસુરક્ષા’ જેવી યોજનાઓ ઉપરાંત બીજું જે કંઇ થાય એમાં પણ સોનિયા ગાંધીની સક્રિય કે નિષ્ક્રિય સંમતિ માનવી રહી. અસંમતિ હોય તો તેમણે કદી જાહેર કરી નથી- અને એ સોનિયા ગાંધી છે, મહાત્મા ગાંધી નહીં. એટલે કોંગ્રેસને તેમની હોય એટલી જ જરૂર તેમને કોંગ્રેસની છે. (સીધી વાત છેઃ કેવળ અનુમાન ખાતર વાત કરીએ તો, સોનિયા કે ગાંધી પરિવાર વિનાની કોંગ્રેસ કલ્પી શકાય, પણ કોંગ્રેસ વગર રાજકારણમાં સક્રિય સોનિયા ગાંધીની કલ્પના થઇ શકે?) ઘણા કોંગ્રેસીઓને આ સચ્ચાઇનો અહેસાસ થતો નથી એ જુદી વાત છે.

સડેલી માનસિકતા

અન્નસુરક્ષા વટહુકમ દ્વારા ફરી કોંગ્રેસે ગરીબો પ્રત્યે ટૂંકા રસ્તે અને ઉપલકિયા સહાનુભૂતિ દર્શાવવાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે. પરંતુ અન્નના અભાવના મામલે યુપીએ સરકાર મુલ્લા નસીરૂદ્દીનની જેમ, રૂપિયો જ્યાં ખોવાયો છે ત્યાં નહીં પણ, જ્યાં અજવાળું છે ત્યાં ફાંફાં મારે છે. ‘અન્નસુરક્ષા’ - એ શબ્દ સાંભળતાં જ ઘણા ભારતીયોના મનમાં ‘ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ના ગોદામોમાં સડતા સેંકડો ટન અનાજની યાદ તાજી થાય તો નવાઇ નહીં.

વર્ષ ૨૦૧૧માં કરોડો રૂપિયાની કિંમતનું ૧૦ લાખ ટન અનાજ ફુડ કોર્પોરેશનનાં ગોદામોમાં સડી ગયું. સમાચાર પ્રમાણે, કોર્પોરેશને ગોદામોમાં સંઘરેલું અનાજ બગડી ન જાય એ માટે રૂ. ૨૪૨ કરોડનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં અનાજ સડ્યું એટલે સડેલા અનાજનો નિકાલ કરવા માટે રૂ.૨.૫૯ કરોડ ખર્ચ્યા. ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ અખબારના ૨૦ જૂન, ૨૦૧૩ના એક અહેવાલ પ્રમાણે, છેલ્લા પાંચ વર્ષમાં અનાજના બગાડને કારણે સરકારને રૂ.૪૫ કરોડ રૂપિયાની ખોટ ગઇ છે ઃ રૂ.પ કરોડની કિંમતના ઘઉં અને રૂ.૪૦ કરોડની કિંમતના ચોખાનો મુખ્યત્વે સ્ટોરેજ અને હેન્ડલિંગમાં બગાડ થયો છે. એ જ અહેવાલ સાથે ‘ઇન્સ્ટિટ્યુટ ઓફ મિકેનિકલ એન્જિનિયર્સ’નો અભ્યાસ ટાંકીને જણાવાયું છે કે આખા ઓસ્ટ્રેલિયામાં જેટલા ઘઉં પાકે છે, એટલા ઘઉંનો તો ભારતમાં ફક્ત બગાડ થાય છે. તેમાં જણાવ્યા પ્રમાણે, દર વર્ષે કુલ ઉત્પાદનના આશરે ૨૪ ટકા ઘઉં માણસના મોં સુધી પહોંચવાને બદલે બગડી જાય છે અને તેમને ફેંકી દેવા પડે છે.

આ બગાડને ભારતમાં મોટા પ્રમાણમાં કુપોષણથી પીડાતાં બાળકો અને બે ટંક ખાવા ભેળાં ન થતાં પરિવારોની સાથે મુકવામાં આવે ત્યારે તેની કરૂણતા છતી થાય છે. પરંતુ સરકારો જાણે આ બન્ને બાબતો સાવ અલગ હોય એ રીતે વર્તે છે અને અન્નસુરક્ષાના મોટા દાવા કરતી વખતે બગાડના પ્રાણપ્રશ્નના ઉકેલ વિશે વિચારતી નથી. સરકારી ગોદામોમાં સડતા અનાજ અને બહાર ભૂખે મરતા લોકોની વિસંગતતાથી વ્યથિત સર્વોચ્ચ અદાલતે બે વર્ષ પહેલાં સરકારને ઠપકો આપ્યો હતો અને અનાજ બગડી જાય તે પહેલાં જરૂરતમંદો સુધી પહોંચાડવા હુકમ કર્યો હતો. પરંતુ અનાજના ગેરવહીવટની વ્યવસ્થા એટલી મજબૂત બની ચૂકી છે કે નિષ્ઠાવાન પ્રયાસ વિના તેમાં સુધારો શક્ય નથી. ખરી વાત એ પણ છે કે ફુડ કોર્પોરેશનનાં ગોદામો અને જાહેર વિતરણ પ્રણાલિનો વહીવટ સુધારવાનું કામ લાંબું અને શુષ્ક છે. તેનાં પરિણામ આવતાં વાર લાગે અને કદાચ પોતાના શાસનકાળમાં ન પણ આવે. ‘તરત દાન અને મહાપુણ્ય (કે મતપુણ્ય)માં માનતા રાજકીય પક્ષોને એ રસ્તો માફક આવતો નથી. એટલે તે અન્નસુરક્ષા જેવા ટૂંકા અને મત ઉઘરાવવામાં મદદરૂપ થાય એવા રસ્તા શોધી કાઢે છે.

આર્થિક બોજ અને અસરકારકતા

દેશના નાગરિકોનો ભૂખમરો દૂર કરવાના કામમાં રૂપિયા ગણવાના ન હોય. એની પ્રાથમિકતા સૌથી પહેલી હોવી જોઇએ. અન્નસુરક્ષા વટહુકમ અંતર્ગત દેશના ૧.૨ અબજ લોકોમાંથી આશરે ૮૦ કરોડ લોકો આવરી લેવાય એવી સરકારની ધારણા છે. સાંભળવામાં આ બહુ સારું લાગે છે, પણ અમલની વાત આવે ત્યારે આ જાતની યોજનાઓમાં અઢળક નાણાં ખર્ચાય છે અને મૂળ સમસ્યા મહદ્‌ અંશે ઠેરની ઠેર રહે છે. આ પ્રકારની યોજના માટે ફાળવાતા અને વપરાતા તોતિંગ બજેટની દેશના અર્થતંત્ર પર અવળી અસર પડે છે, જે પડતા-આખડતા અર્થતંત્રને વાગેલા પાટુ જેવી નીવડે છે.

વર્ષ ૨૦૧૩-૧૪ના બજેટમાં ફુડ સબસિડીનો અંદાજ રૂ.૯૦ હજાર કરોડ જેટલો માંડવામાં આવ્યો હતો, પરંતુ નવા કાયદા પછી એ રકમ રૂ.૧.૨૪ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. સુરજિત ભલ્લા જેવા અભ્યાસીએ ગણતરી માંડીને લખ્યું છે કે અન્નસુરક્ષાનો કાયદો અમલમાં આવ્યા પછી પહેલા જ વર્ષે ફુડ સબસિડીનો બોજ વધીને રૂ.૩.૧૪ લાખ કરોડ થશે. ભારતના કુલ જીડીપી-કુલ ઘરેલુ ઉત્પાદન-નો એ ત્રણ ટકા હિસ્સો છે.

નવા કાયદાના અમલ માટે ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મોટા પાયે (આશરે ૧૧ હજાર કર્મચારીઓની) ભરતીઝુંબેશ હાથ ધરશે એવા પણ સમાચાર છે. એ બધો ખર્ચ કર્યા પછી પણ જે મૂળભૂત હેતુસર આ કાયદો બનાવ્યાની વાત થાય છે, એ હેતુ સરશે કે કેમ એ અબજો રૂપિયાનો સવાલ છે.

સરકારોની અત્યાર સુધીની મથરાવટી જોતાં તેનો જવાબ ‘ના’ માં મળે એવી સંભાવના ઘણી મોટી છે. 

Friday, July 05, 2013

રીવ્યુનો રીવ્યુ

ફિલ્મોના રીવ્યુની પ્રથા પણ લગભગ ફિલ્મો જેટલી જ જૂની છે. ૧૯૩૫માં ફિલ્મોમાં પાર્શ્વગાયન- પ્લેબેકની પ્રથા શરૂ થઇ અને એ જ વર્ષે ‘ફિલ્મઇન્ડિયા’ સામયિક શરૂ થયું. તેના તંત્રી બાબુરાવ પટેલ દ્વારા લખાતા ફિલ્મોના રીવ્યુ ભાષાની મૌલિકતા, શૈલી અને આક્રમકતા માટે ઘણા વખણાયા અને ચર્ચાયા. બાબુરાવનું અંગ્રેજી એટલું હિંસક હતું કે મંટો જેવા ઘુરંધર ઉર્દુ સાહિત્યકારે તેમાં રહેલી વિશિષ્ટ કટુતા ‘બીજા કોઇને નસીબ થઇ નથી’ એવું નોંઘ્યું હતું. દાયકાઓ પછી બાબુરાવના રીવ્યુનો નવેસરથી રીવ્યુ કરીએ તો તેમાં રહેલી આત્યંતિકતા અને કૃપા કે કોપ સાથે વરસી પડવાની વૃત્તિ ઉડીને આંખે વળગે છે. તેના કારણે રીવ્યુ વાંચવાની ગમે તેટલી મઝા આવે તો પણ એ રીવ્યુ પરથી ફિલ્મ વિશે અભિપ્રાય બાંધવાનું અશક્ય બની જાય છે. બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી કે ડૂબી જતી હતી, એવું એમના પ્રશંસકો માનતા હતા. પરંતુ ૧૯૩૦-૪૦-૫૦ના દાયકામાં કેટલા ભારતીય અંગ્રેજી સામયિકમાં- અને એ પણ ફિલ્મ સામયિકમાં- આવેલા રીવ્યુના આધારે અભિપ્રાય બાંધતા હશે, એ કલ્પી શકાય છે.

ફિલ્મો વિશે લખનારાની એક તાસીર વર્ષોથી રહી છેઃ તેમાં લખનાર પોતાની જાતને કંઇક વધારે પડતી જ ગંભીરતાથી લે છે- જાણે કહેતા હોય, ‘જુઓ, જુઓ, હે અજ્ઞાનીઓ. હું કેટલો જ્ઞાની છું કે ફિલ્મ જેવા વિષય ઉપર પણ હું મારા જ્ઞાનનાં પોટલાં ઠાલવું છું અને જાતજાતની ફિલસૂફીઓ ઝાડું છુ. જુઓ, જુઓ. મને ફિલ્મમાં કેટલી ખબર પડે છે..જુઓ, જુઓ, હું બધા ફિલ્મ બનાવનારા કરતાં પણ વધારે હોંશિયાર છું...જુઓ, જુઓ, મેં ફિલ્મમાંથી જે શોધી કાઢ્‌યું છે એ તો કદાચ એના ડાયરેક્ટરને પણ ખબર નહીં હોય...મારા રીવ્યુ વાંચો અને મને એવા ભ્રમમાં રહેવા દો કે મારા રીવ્યુ વાંચીને લોકો ફિલ્મ વિશે અભિપ્રાય બાંધે છે...તમે ફિલ્મ જુઓ કે ન જુઓ, પણ મારા રીવ્યુ વાંચો અને મારી પંડિતાઇ પર વારી-ઓવારી જાવ..વાંચો, વાંચો, હે અજ્ઞાનીઓ, મારા ફિલ્મના રીવ્યુ વાંચો અને સિનેમાઇ મોક્ષ પ્રાપ્ત કરો.’

ફિલ્મી રીવ્યુ પહેલાં મુખ્ય ધારાનાં અખબાર-સામયિકોમાં અને ચર્ચામાં એક ખૂણે રહેલી ચીજ હતી, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં રીવ્યુ પ્રવૃત્તિએ જબરો ઉપાડો લીધો છે. ફિલ્મો વિશે ચાલતી ચર્ચા અને તેની તીવ્રતા જોઇને ક્યારેક એવું લાગે કે જાણે દેશદુનિયાના સાંપ્રત જીવનમાં ચર્ચા કરવાનો મુખ્ય મુદ્દો ફિલ્મો ને બસ, ફિલ્મો જ છે. દરેકને પોતપોતાનો અભિપ્રાય આપવાનો લોકશાહી અધિકાર છે. એ વિશે ભાગ્યે જ કંઇ કહેવાનું હોય, પણ ફિલ્મના રીવ્યુ જેવી બાબતમાં લોકો જે જાતના જુસ્સા અને અધિકાર સાથે, પોતાની પાત્રતાનો વિચાર કર્યા વિના કે જાતે જ પોતાની પાત્રતા નક્કી કરી દઇને જે ઝૂડાઝૂડ-ફેંકાફેંક કરે છે એ કરૂણ ન લાગે તો હાસ્યાસ્પદ લાગે છે.

ક્રિકેટની જેમ ફિલ્મ વિશે લખવા માટે કશી વિશેષ પાત્રતાની જરૂર પડતી નથી. ઉલટું, એ ચર્ચામાં રહેવાનો સૌથી ટૂંકો, અસરકારક અને ગળચટ્ટો રસ્તો છે. ઉમદા ક્રિકેટલેખકોની જેમ ઉમદા ફિલ્મવિષયક લેખકોનો વર્ગ છે જ. એવા લોકો માસ્તરગીરીમાં સરી પડ્યા વિના કે પોતાના અભિપ્રાયોથી જાતે જ અભિભૂત થવાની આત્મરતિથી બચીને, સજ્જતાપૂર્વક ચુનંદી ફિલ્મો વિશે કે ફિલ્મી વિષયો અંગે લખે છે. તેમને દર બીજી ફિલ્મ વિશે ઢસડમપટ્ટી કરીને ‘ફિલ્મોના ભાષ્યકાર’ તરીકે ઓળખાવાની વાસના હોતી નથી.

વ્યાવસાયિક રીવ્યુકારોને સમયના અભાવે અને ફિલ્મોની મોટી સંખ્યાને લીધે અનેક પ્રકારનાં પાપ કરવાં પડે છે. અંગ્રેજીમાં રીવ્યુ લખનાર કેટલાંક જાણીતાં નામ પણ હોલિવુડની ફિલ્મોના રીવ્યુની તફડંચી માટે કે ‘વ્યવહારુ’ રીવ્યુ માટે કુખ્યાત થયાં હતાં. ગુજરાતીમાં ફિલ્મ વિશેનાં મોટા ભાગનાં લખાણ ભાવવિભોર પ્રકારનાં કે સમજણને બદલે આત્મરતિના આયનામાં પડેલાં પ્રતિબિંબ જેવાં, તો કેટલાંક અત્યંત એકેડેમિક પ્રકારનાં હોય છે. ‘અમે ફિલ્મ વિશે નહીં લખીએ તો પ્રજા અમારા કિમતી અને પવિત્ર અભિપ્રાયોથી વંચિત રહી જશે. અમે એમનું આવું અહિત થવા નહીં દઇએ’ એવા ભવ્ય ભ્રમમાં રહેવું એ ફિલ્મો વિશે ફેંકાફેંક કરવા માટેની પહેલી શરત છે. માનસિક રીતે પુખ્ત વયના લોકો આ સમજે છે. એટલે તે રીવ્યુથી દોરવાતા નથી અથવા રીવ્યુ લખનારાની ગંભીરતા વિશે રમૂજ અનુભવીને આગળ વધી જાય છે.

(તંત્રીલેખ, ગુજરાત સમાચાર, ૫-૭-૨૦૧૩)

Wednesday, July 03, 2013

(તપાસ)પંચ તંત્રની વાતો

ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર સંબંધે ચાલતી તપાસ દરમિયાન જાહેર થયું છે કે કેટલાક એન્કાઉન્ટર-કર્તાઓ મુખ્ય મંત્રી માટે ‘ધોળી દાઢી’ અને તત્કાલીન ગૃહરાજ્યમંત્રી માટે ‘કાળી દાઢી’ જેવા સંકેત વાપરીને કાળાંધોળાં કરતા હતા. આ સ્થિતિ જોતાં લાગે છે કે આપણે ભાવિ પેઢી માટે પંચતંત્રને બદલે તપાસપંચ-તંત્રની વાર્તાઓ મૂકતા જઇશું. વ્યક્તિકેન્દ્રી નહીં પણ બોધકેન્દ્રી અને તમામ વયના લોકો માટેની એ વાર્તાઓ કેવી હશે? એક નમૂનો. (બંધબેસતી દાઢી પહેરવી નહીં)

***

એક ગામ હતું. એનું નામ ગાંધીનગર. કદાચ એ રાજ્ય પણ હોય. કોને ખબર? કોઇ કહેતું કે ત્યાં લાખો રૂપિયાના ખર્ચે ગાંધી બિઝનેસ સેન્ટર બન્યું હોવાથી તેનું નામ ગાંધીનગર પડી ગયું. કોઇ વળી કહેતું કે એનું ખરૂં નામ ગોડસેનગર હોવું જોઇએ.

ગાંધી પહેલાંના વખતમાં થઇ ગયેલો એક ખરાબ માણસ હતો. તેના સિદ્ધાંતોને લીધે તેની પછીની પેઢીને મહેણાં સાંભળવાં પડતાં હતાં. ગાંધી ખરાબ માણસ હતો. કારણ કે એના લીધે ગામ આખી દુનિયામાં જાણીતું બની ગયું હતું. એટલે દેશવિદેશના લોકો ગાંધીના ગામે આવતા હતા અને ગામના લોકોની બુરાઇ કરતા હતા. ગાંધી ખરાબ માણસ હતો. કારણ કે એને કાળી કે ધોળી, એકેય દાઢી ન હતી.

ગાંધીનગરમાં બે દાઢી હતી. એક કાળી દાઢી અને એક સફેદ દાઢી. માણસ સિવાય દાઢીનું સ્વતંત્ર અસ્તિત્ત્વ હોઇ શકે? એવો સવાલ પૂછે એને કહેવાતું હતું કે ‘આ શ્રદ્ધાનો વિષય છે. તમારે માનવું હોય તો માનો. ન માનવું હોય તો તમારી ક્લીનશેવ તમને મુબારક.’ ગાંધીનગરના લોકો માનતા હતા કે બન્ને દાઢીઓને તાબે થયા વિના તેમનો છૂટકો નથી અને બાકીના ઘણા લોકો માનતા હતા કે બન્ને દાઢીઓ સિવાય કોઇ વિકલ્પ નથી.

ગાંધીનગરમાં ઘણા ચિંતકો વસતા હતા. પહેલાંના જમાનામાં શાણા લોકો કહેતા, ‘ગામ હોય ત્યાં ઉકરડો હોવાનો.’ નવા જમાનામાં લોકો મનોમન વિચારતા, ‘ગામ હોય ત્યાં ચિંતકો હોવાના.’ આ ચિંતકો દાઢી વિશે, તેના રંગ વિશે, તેના માહત્મ્ય વિશે અને ઐશ્વર્ય વિશે નિત્યચિંતન કરતા રહેતા હતા. ગાંધીનગરમાં ચ્યુઇંગ ગમ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેથી ગમની જગ્યાએ પ્રજાને ચિંતકોનાં વાક્યો ચગળી શકે.  તેનાથી મગજ બંધ અને મોં ચાલુ રહેતાં પ્રજાને સારું લાગતું હતું.

ગાંધીનગરના ચિંતકો વર્ષોથી દાઢી વિશે ચિંતન - અને પોતાનો ધંધો- ચલાવતા હતા. એક ચિંતકે આઇન્સ્ટાઇનની અદાથી શોધી કાઢ્‌યું હતું કે ધોળી દાઢી કદી પહેલેથી ધોળી હોતી નથી અને કાળી દાઢી કદી છેવટ સુધી કાળી રહેતી નથી. આ સિદ્ધાંત ગાંધીનગરના સાપેક્ષવાદ તરીકે ઓળખાતો હતો. બીજાએ ઊંડા અભ્યાસને અંતે જાહેર કર્યું કે સફેદ દાઢી ‘ધ ચોઝન વન’- એટલે કે ઇશ્વરી પસંદગી પામેલાને પ્રાપ્ત થાય છે. માટે સફેદ દાઢીને દૈવી પ્રતિનિધિ અને ઉદ્ધારક ગણવી. બધા ચિંતકો એક વાત ભારપૂર્વક કહેતા હતા. દાઢી ફક્ત બે જ પ્રકારની હોય : કાળી અને ધોળી. કાબરચીતરી કે લાલ દાઢીનું અસ્તિત્ત્વ સ્વીકારવા કોઇ તૈયાર ન હતું. બીજી દાઢીઓ વિશે ફક્ત કાળી દાઢી અને ધોળી દાઢી જ જાણતાં હતાં.

ગાંધીનગરમાં એક જંગલ હતું. ત્યાં દાઢીખાઉ વાઘ રહેતા હોવાની વાયકા હતા. કોઇએ એમને જોયા ન હતા, પણ તેમની તસવીરો ગાંધીનગરના માહિતીવિભાગ દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી હતી. દરેક વખતે દાઢીખાઉ વાઘની તસવીરો બદલાતી હતી. ક્યારેક એ વાઘને હાથી જેવી સૂંઢ છે એ દર્શાવાતું, તો ક્યારેક તેના માથા પર ગેંડા જેવું એક શીંગડું હોવાનું દેખાતું. દાઢીખાઉ વાઘ ખરેખર કેવો છે એની ચર્ચામાં પડેલા લોકો, એવો વાઘ ખરેખર છે કે કેમ, એ વિશે વિચારવાનું ભૂલી જતા હતા. ચિંતકો પણ દાઢીખાઉ વાઘનાં વર્ણન કરીને અને આવા વાઘ હોવા છતાં દાઢીઓને ઉની આંચ પણ આવતી નથી, તેને દાઢીના‘ધ ચોઝન વન’ હોવાના પુરાવા તરીકે ગણાવતા હતા.

એક દિવસ ધોળી દાઢી અને કાળી દાઢી જંગલમાં ગયાં.  લાલ દાઢી તેમને સીધી જંગલમાં મળવાની હતી. લોકો બન્ને દાઢીઓની હિંમત પર આફરિન પોકારી ગયા. જે જંગલમાં દાઢીખાઉ વાઘ રહેતા હોય ત્યાં જવાની હિંમત આ દાઢીઓ કરે? વાહ, શું બહાદુરી છે. આટલું ઓછું હોય તેમ, જંગલમાંથી પાછી ફરેલી ત્રણે દાઢીઓએ સમાચાર આપ્યા કે ‘જંગલમાં દાઢીખાઉ વાઘનો જબરો ઉપાડો છે, પણ અમે હિંમતભેર જેટલા સામે મળ્યા એટલા વાઘને ઠાર માર્યા. જુઓ આ રહ્યું એમનું ચામડું. દાઢીખાઉ વાઘથી તમને અને ગાંધીનગરને કોઇ બચાવી શકે એમ હોય તો અમે જ છીએ.’

ધોળી દાઢી અને કાળી દાઢીએ લાલ દાઢી ભણી જોયું, એટલે લાલ દાઢીએ રૂંવાટીવાળા સફેદ ચામડાનો ટુકડો કાઢ્‌યો. એ જોઇને કેટલાક નાગરિકો કહે, ‘આ તો સસલાનું ચામડું છે. તમે એને વાઘમાં ખપાવીને મોટા શૂરવીર બનવા નીકળ્યા છો? અમને મૂરખ બનાવો છો?’ એટલે લાલ દાઢીએ લાલ આંખ કરી અને કહ્યું કે ‘ધોળી દાઢી પાસે એવો જાદુ છેઃ એ વાઘ સામે જુએ એટલે એ સસલું થઇ જાય છે. ત્યાર પછી અમે એમનો શિકાર કરીએ છીએ. બાકી, તમે વાઘનું અસલ સ્વરૂપ જુઓ તો છળી મરો.’ કેટલાક નાગરિકોએ ફરી કહ્યું,‘રહેવા દો હવે. અમને બધી ખબર છે. ધોળી દાઢી પહેલાં સસલાને બઢાવીચઢાવીને વાઘ બનાવે છે અને પછી તમારા જેવા પાસે એનો શિકાર કરાવે છે.’

આ વાત દરમિયાન ધોળી દાઢી બીજી દિશામાં જોતી હતી- જાણે આખી વાત સાથે પોતાને કશી લેવાદેવા નથી અને આવા સવાલોના શા જવાબ આપવાના? કાળી દાઢીએ લાલ દાઢીને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું. એટલે લાલ દાઢી ફરફરતી બંધ થઇ.

તેમ છતાં સંશયાત્મા નાગરિકો માન્યા નહીં. એમણે કહ્યું કે ‘તમે તમારી બહાદુરીના છાકા પાડવા વગડામાં જઇને સસલાં મારો છો અને અમારી સામે તીસમારખાં બનો છો. આવું કરવાનો તમને કોઇ અધિકાર નથી.’  તેમના ભારે કકળાટ પછી એક તપાસપંચ નીમવામાં આવ્યું. તેનું કામ સચ્ચાઇ શોધવાનું હતું. એટલે કે ગાંધીનગરના જંગલમાં ખરેખર દાઢીખાઉ વાઘ વસે છે કે કેમ? તેમનું ચામડું સફેદ અને રૂંવાટીવાળું હોય છે કે કેમ? અને લાલ દાઢી દ્વારા બતાવાયેલું ચામડું સસલાનું હતું કે દાઢીખાઉ વાઘનું?

તપાસપંચને જે જવાબ શોધવાના હતા, તે બન્ને દાઢીઓને પહેલેથી ખબર હતા. એટલે સફેદ દાઢીએ ગાંધીનગરમાં દહેશતનો એવો માહોલ ઉભો કર્યો કે ‘સંશયાત્માઓ દાઢીદ્વેષને કારણે દાઢીખાઉ વાઘ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને એ દાઢીદ્રોહી એટલે કે ગાંધીનગરદ્રોહી છે.’ ચિંતન ચગળતી ગાંધીનગરની બહુમતી પ્રજાને આ ખુલાસો બરાબર ભાવી ગયો. ત્યાર પછી સફેદ દાઢીને દરેક વખતે ફરફરવાની જરૂર ન રહી. સંશયાત્માઓ સવાલ ઉઠાવે એટલી વાર તેમને ગાંધીનગરવિરોધી ગણાવી દેવાતા હતા. તેના કારણે એવું થયું કે તપાસપંચનાં તારણ લોકો માટે ગૌણ બની ગયાં. તપાસપંચ એવું જાહેર કરે કે ગાંધીનગરમાં દાઢીખાઉ વાઘ નથી, તો એ પણ ગાંધીનગરવિરોધી અને અવિશ્વસનીય. તપાસપંચ ગમે તેટલા પુરાવા આપીને સાબીત કરે કે દાઢીઓએ મરાવેલાં પ્રાણી દાઢીખાઉ વાઘ નહીં, પણ નિર્દોષ સસલાં કે શિયાળવાં હતાં, તો પણ મોટા ભાગના લોકો કહે, ‘એમાં આટલો કકળાટ શો કરવાનો? એ બધાં કંઇ આપણી દાઢીઓથી વધારે છે?’

પરિણામે, કાળી-ધોળી દાઢીઓએ ખાઘુંપીઘું અને થોડાથોડા કકળાટ વચ્ચે સુખેથી રાજ કીઘું. 

Tuesday, July 02, 2013

અમેરિકાને ઊંચુંનીચું કરતી સ્નોડનની ભંડાફોડ

સરકારી જાસુસીની અને તેને ખુલ્લી પાડવાની હદ કેટલે? 

વ્યક્તિસ્વાતંત્ર્ય, નાગરિક અધિકારો અને લોકશાહી માટે જાણીતા અમેરિકાની જાણે પનોતી બેઠી છે. ૨૦૧૦માં જુલિયન અસાન્જે /Jullian Assanje ‘વિકિલિક્સ’ના માઘ્યમથી અમેરિકન સરકારના અઢળક રાજદ્વારી અને લશ્કરી દસ્તાવેજ જાહેરમાં મુક્યા. આમ કરવા પાછળનું કારણ? સરકારના ગોરખધંધા, જૂઠાણાં અને આંતરિક બાબતો જાહેર કરવી, જેથી લોકોને સરકારના અસલી રૂપનો અને સાચી વૃત્તિઓનો પરિચય થાય.

‘વિકિલિક્સ’/Wikileaksના ખજાનામાં દેશવિદેશમાં અમેરિકાની એલચી કચેરીઓ વચ્ચે તથા દેશમાં અંદરોઅંદર થયેલા સંદેશા વ્યવહારનો ઉપરાંત કેટલીક વિડીયો પણ હતી. તેમાંની સૌથી ચર્ચાસ્પદ વિડીયો અમેરિકાના હેલિકોપ્ટરે ઇરાકમાં કરેલા અંધાઘૂંધ ગોળીબારની બની. એ ગોળીબારમાં નિહથ્થા, નિર્દોષ નાગરિકો ઉપરાંત સમાચારસંસ્થા ‘રોઇટર્સ’ના બે પત્રકારો માર્યા ગયા હતા. અસાન્જની ભંડાફોડને કારણે અમેરિકાની સરકાર ખુલાસા આપવાની સ્થિતિમાં મુકાઇ.

ભારત હોય કે અમેરિકા, પગ તળે રેલો આવે એટલે સરકાર ‘આક્રમણ દ્વારા બચાવ’નો રસ્તો અપનાવે છે. ભારતમાં લશ્કરી ખરીદીમાં કટકીનું કૌભાંડ ‘તહલકા’એ ખુલ્લું પાડ્યું, ત્યારે સરકારે પહેલું કામ ‘તહલકા’ની પાછળ લાગી જવાનું કર્યું હતું. ‘વિકિલિક્સ’નું સાહસ કરતી વખતે અસાન્જને તેનાં જોખમનો ખ્યાલ હશે જ- અને તેમની ખરાબ કલ્પનાઓ સાચી પડે એવી સ્થિતિ સર્જાઇ. અમેરિકાથી બચીને છુપાવું કયા દેશમાં? અમેરિકાની નારાજગી વહોરીને અસાન્જને કોણ આશરો આપે?

આખરે તેમણે બ્રિટનમાં આવેલી ઇક્વાડોર દેશની એલચી કચેરીમાં રાજકીય શરણું લીઘું. નિયમ પ્રમાણે એલચી કચેરી જે તે દેશનો જ વિસ્તાર ગણાય. યજમાન દેશ બીજા દેશની એલચી કચેરીમાં ધુસીને મનમાની કરી શકે નહીં. તેનો લાભ મેળવીને અસાન્જ અમેરિકાની જેલની બહાર રહી શક્યા, પણ બદલામાં બ્રિટનમાં ઇક્વોડોરની એલચી કચેરીમાં સ્વેચ્છાએ ગોંધાઇ રહેવાનું આવ્યું.

આડેધડ આંતરરાષ્ટ્રિય જાસુસી

અસાન્જની પૂંઠે પડીને હાંફેલું અને યેનકેનપ્રકારે તેના સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડેલું અમેરિકા સ્વસ્થ થાય તે પહેલાં એડવર્ડ સ્નોડન/ Edward Snowden મેદાનમાં આવી ગયા. અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સી- NSAમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સ્નોડને ૨૦ મે, ૨૦૧૩ના રોજ ચાર લેપટોપ સાથે હોંગકોંગની વાટ લીધી. ત્યાં બ્રિટનના ‘ગાર્ડિયન’/ The Guardian અખબારના પત્રકારો સાથેની વિગતવાર મુલાકાતોના પગલે ૫ જુન, ૨૦૧૩થી ‘ગાર્ડિયન’માં અમેરિકાની સરકારનાં કેટલાંક ગંભીર કરતૂતો જાહેર થવા લાગ્યાં.

સ્નોડનનો સૌથી આંચકાજનક અને સનસનાટીભર્યો દાવો એ હતો કે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષા સંસ્થા- NSA- દેશના બંધારણનો ભંગ કરીને દરેકેદરેક લોકોના ફોન અને ઇ-મેઇલનો રેકોર્ડ રાખે છે. ફક્ત સંદેહાસ્પદ કે ગુનાખોરી સાથે સંકળાયેલા નહીં, સામાન્યમાં સામાન્ય માણસના અંગત ફોન અને ઇ-મેઇલ સંદેશાનો ડેટા NSA પાસે રહે છે. નાગરિકોના અંગતતાના મૂળભૂત અધિકારોનો ભંગ કરતી કાર્યવાહી આટલા મોટા પાયે અને સરકારી રાહે ચાલતી હોવા છતાં, લોકોને તેના વિશે જરાય ખ્યાલ ન હતો.   સ્નોડનનો આરોપ ઘણી રીતે વિકિલિક્સની સામગ્રી કરતાં વધારે ગંભીર હતો. પરંતુ સરકારી તંત્ર પર આટલો મોટો આરોપ મુકતાં અને તેની સામે પડતાં પહેલાં સ્નોડને નેશનલ સિક્યોરિટી એજન્સીમાં પોતાની કામગીરી દરમિયાન તેનાં કમ્પ્યુટરમાંથી  અઢળક સામગ્રી તફડાવી હતી. મોટા પાયે અને કાયદાને તોડીમરોડીને ચાલતી આ જાસુસીમાં અમેરિકા વહીવટી તંત્રનાં નાનાં-મોટાં અનેક માથાંની જાણકારી અને સંડોવણી હતી. એટલે એક અહેવાલમાં આ જાસુસી કાર્યવાહીને ‘અમેરિકાના બંધારણ સામે વહીવટી તંત્રનો બિનસત્તાવાર બળવો’ ગણાવાઇ હતી. આ પ્રકારની તળિયાઝાટક અને આત્યંતિક કાર્યવાહી માટે સરકાર પાસે એક માત્ર કારણ હતું : ત્રાસવાદ સામે સુરક્ષા.

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના ત્રાસવાદી હુમલા પછી જ્યોર્જ બુશની આગેવાની હેઠળ ઘડાયેલા અને વ્યાપક સત્તાઓ બદલ ટીકા પામેલા પેટ્રિઅટ એક્ટમાં પણ સામુહિક જાસુસીની જોગવાઇ ન હતી. ચોક્કસ કેસમાં, શંકાસ્પદ લોકોની જાસુસી કરવાની સત્તા તેમાં હતી. પરંતુ સ્નોડને   ખુલ્લા મુકેલા દાબડામાંથી જણાયું કે અમેરિકાની NSA લીલાસૂકાનો ભેદ રાખ્યા વિના હરેક નાગરિકના ફોન અને ઇ-મેઇલનો રેકોર્ડ પોતાની પાસે રાખતી હતી, ‘જેથી ભવિષ્યમાં ક્યારે પણ તપાસમાં જરૂર પડે તો તેનો ઉપયોગ થઇ શકે.’ રાષ્ટ્રિય ગુપ્ચર ખાતાના ડાયરેક્ટરે સામુહિક જાસુસીના બચાવમાં કહ્યું કે ‘એનએસએની વ્યાખ્યા પ્રમાણે, ફોન-ઇ-મેઇલના ડેટાના ખડકલામાંથી કોઇ ચોક્કસ ડેટાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે જ એ ડેટા ‘એક્વાયર’ કર્યો ગણાય.’ આ તો એવી વાત થઇ કે બેંકમાંથી રૂપિયા લૂંટી જનારા લૂંટનો માલ વાપરે ત્યારે જ એ રૂપિયા ચોરાયેલા ગણાય.

હોબાળો વધતાં બરાક ઓબામાએ ખુલાસો કરવો પડ્યો કે જાહેર થયેલી વાતોમાં કશું ચિંતાજનક નથી. આ તો ‘મોડેસ્ટ એન્ક્રોચમેન્ટ ઓફ પ્રાયવસી’ - અંગતતાના અધિકારમાં નાનીઅમથી પેશકદમી- છે. એટલું જ નહીં, સંસદ અને ન્યાયતંત્રની તેને મંજૂરી છે. પરંતુ મામલો એટલો સીધોસાદો નથી કે તેની પર આટલી સહેલાઇથી પાણી રેડી શકાય. તેનું એક કારણ એ પણ છે કે અમેરિકાની NSAની જાસુસીનો વ્યાપ કેવળ અમેરિકા પૂરતો મર્યાદિત નથી. બ્રિટનની જાસુસી સંસ્થાને પણ તેણે સાધી હતી. બ્રિટનના અખબાર ‘ગાર્ડિયન’માં પ્રગટ થયેલી વિગતો પ્રમાણે, ‘ફોરેન ઇન્ટેલિજન્સ સર્વેલન્સ એક્ટ’ (FISA) અંતર્ગત અમેરિકાએ અને બ્રિટને બહારના નાગરિકોના ઇ-મેઇલની જાસુસી પણ કરી છે. અમેરિકાના નાગરિકોની જાસુસી માટેની યોજનાનું સાંકેતિક નામ હતું ‘પ્રિઝમ’/Prism અને આંતરરાષ્ટ્રિય જાસુસી માટેની કાર્યવાહી ‘ટેમ્પરા’/Temporaના ગુપ્ત નામથી ઓળખાતી હતી. સ્નોડનની જાહેરાતો પછી પ્રિઝમ અને ટેમ્પરા અમેરિકા-બ્રિટનની દુઃખતી રગ બની ગયાં છે.

અમેરિકાની નેશનલ સિક્યોરિટી એજન્સીની સાથે રહીને બ્રિટનની એ જ પ્રકારની સંસ્થા ગવર્ન્મેન્ટ કમ્યુનિકેશન્સ હેડક્વાર્ટર GCHQએ આદરેલા ગોરખધંધાથી યુરોપના દેશો અને ખાસ કરીને જર્મની બરાબર ચીડાયાં છે. કારણ કે જીસીએચક્યુની જાસુસી જાળ ફક્ત બ્રિટન પૂરતી મર્યાદિત ન રહેતાં, ઓપ્ટિકલ ફાઇબરના આંતરરાષ્ટ્રિય નેટવર્ક સુધી વિસ્તરેલી હોવાનું સ્નોડનના દસ્તાવેજોમાંથી જણાયું છે. જર્મનીના ન્યાયમંત્રીએ પ્રોજેક્ટ ટેમ્પરાને ‘હોલિવુડની ફિલ્મના દુઃસ્વપ્ન જેવો’ ગણાવ્યો છે. જર્મનીએ બ્રિટનના ગૃહમંત્રી અને ન્યાયમંત્રીને સત્તાવાર પત્રો લખીને જાસુસી અંગેની વિગતો માગી છે. જેની પર જાસુસીથી અમેરિકા-બ્રિટન જગબત્રીસીએ ચડ્યાં એ વર્લ્ડ વાઇડ વેબના બ્રિટિશ શોધક સર ટીમ બર્નર્સ-લીએ પણ કહ્યું છે કે ‘મિડલ ઇસ્ટની સરકારો ઇન્ટરનેટ પર કેવી જાસુસી કરે છે એની વાતો પશ્ચિમી દેશોના લોકો સહેલાઇથી કરી શકે છે. પણ એ સ્પષ્ટ છે કે વિકસીત દેશો પણ ઇન્ટરનેટ પર ગંભીરતાપૂર્વક જાસુસી કરી રહ્યા છે.’

હીરો કે વિલન?

સ્નોડને પ્રકાશમાં આણેલા દસ્તાવેજોથી એટલું તો સ્પષ્ટ છે કે અમેરિકા-બ્રિટનની જાસુસી સંસ્થાઓએ મોટા પાયે સામુહિક જાસુસીનો ગોરખધંધો માંડ્યો હતો. પરંતુ આ માહિતી બહાર લાવનાર સ્નોડન હીરો ગણાય કે વિલન, એ વિશે મતભેદ છે. અમેરિકાનાં મુખ્ય ધારાનાં પ્રસાર માઘ્યમોની સ્નોડનને નરાતળ વિલન ગણાવવાની ચેષ્ટાની ખાસ્સી ટીકા થઇ છે. પત્રકારત્વના શિક્ષણ સાથે સંકળાયેલા જેફ કોહેને એક લેખમાં સરકારનાં વાજાં બની ગયેલાં અખબારો અને ટીવી ચેનલોની આકરી ટીકા કરતાં લખ્યું કે ઘણા પત્રકારો સરકાર માટે ‘વી’ જેવો શબ્દ વાપરે છે અને ‘આપણે બઘું બગાડી નાખ્યું. પેલાને રશિયા પહોંચવા દેવો જોઇતો ન હતો.’ એ પ્રકારની વાતો કરે છે. તેમના મતે મોટા ભાગના પત્રકારો સરકાર અને કોર્પોરેટ જગત સાથે એવા હળીમળી ગયા છે કે સ્થાપિત હિતો સામે વિરોધી સુર કાઢનાર પત્રકારો તેમનાથી ખમાતા નથી. કેટલાક ઉત્સાહી અમેરિકન પત્રકારોએ તો સ્નોડનના દસ્તાવેજો ‘ધ ગાર્ડિયન’ અખબારમાં રજૂ કરનાર ગ્રીનવાલ્ડને સજા કરવાની માગણી કરી રહ્યા છે. આ બઘું ખેદપૂર્વક નોંધીને કોહેને લેખનું મથાળું આપ્યું છેઃ ‘અમેરિકાનું મીડિયા સરકારસંચાલિત હોત તો પરિસ્થિતિ  આનાથી જરાય જુદી હોત?’


 અસાન્જ હોય કે સ્નોડન, એમના સરકાર સામેના અસંતોષનાં કારણો કેવળ સૈદ્ધાંતિક ન હોય એ બનવાજોગ છે. એવી જ રીતે, માણસ તરીકે તેમની અનેક મર્યાદાઓ હોય એ પણ શક્ય છે. પોલ ખુલ્લી પડી ગયા પછી સરકારો આ લોકોના માનવીય પાસાંમાં રહેલી ખામીઓ શોધીશોધીને ઉછાળે છે અને તેમની વિશ્વસનિયતા ઘૂળમાં મેળવવા પ્રયાસ કરે છે. સ્નોડનના કિસ્સામાં પહેલાં હોંગકોંગ, પછી રશિયા અને છેવટે ઇક્વાડોરે અમેરિકાને સહકાર આપવાની સાફ ના પાડી છે. આ લખાય છે ત્યારે સ્નોડનનું ભવિષ્ય અદ્ધરતાલ છે. વર્ષેદહાડે બે લાખ ડોલર કમાતા સ્નોડને શું વિચારીને આ પગલું ભર્યું હશે એનો તાગ મળે ત્યારે ખરો. ત્યાં સુધી સ્નોડનને હીરો ગણવામાં મન માનતું ન હોય તો, દેશદ્રોહી ગણવાની ઉતાવળ પણ કરવા જેવી નથી. કારણ કે દેશનો ખરો અર્થ ‘સરકાર’ નહીં, પણ ‘દેશનું બંધારણ’ એવો થાય છે- અને અત્યારના સંજોગોમાં બંધારણની નજરે સ્નોડન કરતાં સરકાર વધારે મોટી ગુનેગાર સાબીત થાય એમ છે.  

Monday, July 01, 2013

કેદારનાથ દુર્ઘટના(1) : કુદરતી કોપને વકરાવતો માનવીનો ‘વિકાસ’

બે વર્ષ પહેલાંની વાત છે. ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના નામે અન્ના હજારે અને બાબા રામદેવ દેશભરમાં છવાયેલા હતા. નવ દિવસમા ઉપવાસમાં બીમાર પડી ગયેલા રામદેવને દેહરાદુનની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. એ જ હોસ્પિટલમાં ૩૪ વર્ષના સ્વામી નિગમાનંદે પાંચેક મહિનાના ઉપવાસ પછી ૧૩ જુન, ૨૦૧૧ના રોજ દેહ છોડ્યો. પ્રસાર માઘ્યમોમાં તેમની છૂટીછવાઇ નોંધ આવી, પણ બાબા-અન્ના જુગલબંધીના ટીઆરપી-ફ્રેન્ડલી સમાચારો સામે સ્વામી નિગમાનંદના સમાચાર ખૂણામાં ધકેલાઇ ગયા.
swami nigamanand/ સ્વામી નિગમાનંદ
પાંચેક હજારથી પણ વઘુ માણસોનો ભોગ લેનાર કેદારનાથ દુર્ઘટના પછી સ્વામી નિગમાનંદ યાદ આવવાનું કારણ? આમ તો કારણ યાદ કરાવવું પડે એ પણ કરૂણતા છે. કારણ કે સ્વામી નિગમાનંદ ગંગાના પટમાં થતા બેફામ ખોદકામ અને ખાણકામ સામે ઝઝૂમતા હતા. તેમને અને તેમના સાથીદારોને ચિંતા હતી કે આ રીતે ગંગા નદી અને તેની આસપાસના પર્યાવરણનો ખુરદો બોલી જશે. ‘ગંગા બચાવો’ અભિયાન હેઠળ અગાઉ પણ ઘણી વાર સ્વામી નિગમાનંદ ઉપવાસ કરી ચૂક્યા હતા. પરંતુ કુંભમેળા જેવા પ્રસંગે ધાર્મિક લાગણી સાચવી લેવા પૂરતું ખોદકામ-ખાણકામ મોકૂફ રહેતું હતું અને પ્રસંગ પૂરો થયા પછી ફરી શરૂ. તેમાં ન કોઇ ધારાધોરણ હતાં, ન કોઇ મર્યાદા. આખા વિસ્તારના પર્યાવરણ અને તેમાં રહેતા લોકોની સલામતી સાથે સીધો સંબંધ ધરાવતો આ મુદ્દો સરકારને મન ફક્ત ‘ધાર્મિક લાગણી’નો હતો. લોકોની સલામતી સાથેના તેના સંબંધનો પ્રત્યક્ષ પુરાવો કેદારનાથની દુર્ઘટનાથી મળી ગયો.

કેદારનાથમાં સમસ્યાની શરૂઆત વાદળ ફાટવાથી- એક સાથે  ભારે વરસાદ તૂટી પડવાથી- થઇ. આ ઘટના સદંતર કુદરતી હતી. તેના માટે કોઇ માનવીય દખલને દોષ આપી શકાય નહીં. હિમાલય જેવા પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડે ત્યારે શું થાય? એક તો, પોચી પડી ગયેલી જમીન અને તેની પર રહેલા મોટા પથ્થર કે ભેખડો ધસી પડે. પથ્થર-ભેખડોનું કદ આખેઆખા મકાન જેટલું હોઇ શકે અને તે ઢોળાવ પરથી ગબડે ત્યારે તેની અસર કેવી થાય એ કલ્પી શકાય છે.

બીજું, હિમાલય જેવા પ્રદેશમાં અનેક હિમનદીઓ હોય. બરફ ઓગળતાં તેમાંથી વહી નીકળતું પાણી જુદી જુદી ધારાઓ-ઉપનદીના રૂપમાં નદીઓને મળે. વરસાદને કારણે કે એ સિવાય પણ ભૂસ્ખલન થાય- જમીન ધસી પડે અને તેનો પથ્થર-ભેખડો-માટી સહિતનો કાટમાળ એકાદ ઉપનદીમાં ઠલવાય. તેના લીધે નદી અને ઉપનદી વચ્ચે પથ્થરો-ભેખડોની એક એવી દિવાલ રચાઇ જાય કે જેને કારણે નદીનું વહેણ ત્યાં
અટકી પડે. (જુઓ આકૃતિ) જાણે નદીના પ્રવાહ પર બંધાયેલો કુદરતી બંધ.

 તળાવનું આકસ્મિક સર્જન અને વિસર્જન
(સૌજન્યઃ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ)
સામાન્ય સંજોગોમાં આ બંધની પાછળના તળાવમાં નદીનું પાણી સંઘરાયેલું હોય, પરંતુ ભારે વરસાદ પડે ત્યારે ‘કુદરતી બંધ’ના અસ્તિત્વ સામે ખતરો ઉભો થાય. ભૂસ્ખલનને કારણે નદીના પાણી આડે રચાયેલો એ કુદરતી બંધ તૂટે, એટલે તેની પાછળ કેદ થયેલું પાણી ધસમસતા વેગે છૂટે અને નદીમાં ભારે પૂર આવે. તેના પરિણામે નદીના પટની આસપાસ આવતાં ગામમાં પાણી ફરી વળે.

અન્ય શક્યતા એવી રહે કે પહાડી પ્રદેશમાં રચાયેલા તળાવમાં ભૂસ્ખલનને કારણે એટલા મોટા પ્રમાણમાં કાટમાળ ઠલવાય કે તળાવનું સ્તર ઊંચું ને ઊંચું જાય અને એક તબક્કે તેનું પાણી મર્યાદા તોડીને બહાર નીકળી જાય. આને ‘તળાવ ફાટ્યું’ એવું કહેવાય. આ પણ કુદરતી ઘટના છે. તેને અટકાવવા માટે માણસ કશું કરી શકે નહીં, પરંતુ તળાવ ફાટ્યા પછી શું કરવું એમાં માણસની ભૂમિકા અને તેની દાનતનો સવાલ આવે છે.

Kedarnath/ કેદારનાથ, ઇ.સ.૧૮૮૨ : માનવવસ્તીથી દૂર, હિમાલયના ખોળે
ઉપરની બન્ને તસવીરો (જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)
ગાંધીવાદી લેખક-પર્યાવરણના અભ્યાસી અને જળસંચયની કામગીરીમાં ઊંડા ઉતરેલા અનુપમ મિશ્રે ૧૯૭૭માં તેમની ચમોલી વિસ્તારની યાત્રાનું એક વર્ણન લખ્યું હતું. તેમાં એમણે ૧૯૭૦માં થયેલી એક દુર્ઘટનાની વાત કરી હતી. એ વર્ષે આશરે આઠેક મીટર લાંબું,  દોઢેક કિલોમીટર પહોળું અને ત્રણસો ફૂટ ઊંડું ગૌના તાલ (તળાવ) ફાટ્યું હતું. વરસાદ અને ભૂસ્ખલનને કારણે આખી રાત વૃક્ષો, પથ્થરો અને ભેખડો સહિતનો કુદરતી કાટમાળ ગૌના તાલમાં ઠલવાતો રહ્યો. એક મોટી શીલાથી તળાવને કુદરતી તાળું વાગેલું હતું, પણ જળસપાટીની સાથે વધેલા દબાણે શીલાને ઉખેડી નાખી અને તળાવનું સઘળું પાણી બહાર વહી ગયું. આજે ત્યાં કેવળ ખાઇ છે અને તળાવમાં ઠલવાયેલો કાટમાળ. અનુપમ મિશ્રાએ નોંઘ્યું છે કે કાટમાળ તળાવના મોટા વિસ્તારમાં સમાઇ જવાને બદલે બહાર પડ્યો હોત તો જાનહાનિના આંકડા બહુ જુદા (ભારે) હોત.

ઇ.સ.૧૮૯૩માં ગૌના તાલની જગ્યાએ ફક્ત ખાઇ હતી.  જમીન ધસી પડવાની એક ઘટના વખતે મોટી શીલા આવીને ખાઇના સાંકડા ‘મોઢા’ આગળ ગોઠવાઇ ગઇ.  ખાઇમાં કેટલીક નદીઓનું પાણી ભરાયું, એટલે ગૌના તાલ રચાયું. અંગ્રેજ શાસકોએ આ તળાવને કારણે ઊભા થયેલા જોખમને ઘ્યાનમાં રાખીને, નજીકના ગામમાં એક તાર કચેરી - ટેલીગ્રામ ઓફિસ સ્થાપી. ત્યાંથી તળાવના સ્તર પર દેખરેખ રાખવામાં આવતી હતી. ૧૮૯૪માં તળાવનું સ્તર ભયજનક રીતે વધતાં તાર કચેરીમાંથી વહીવટી તંત્રને ટેલીગ્રામ દ્વારા આગોતરી ચેતવણી મોકલવામાં આવી. તેને કારણે નદીકાંઠાનાં ગામને વેળાસર જાણ થઇ અને મોટી જાનહાનિ ટળી ગઇ.

અનુપમ મિશ્રે નોંઘ્યું છે કે ‘ઇ.સ.૧૮૭૪માં ગૌના તળાવ ફાટવાનું છે એવી ચેતવણીનો તાર મળ્યો હતો, પણ ૧૯૭૦માં તો (આવી કોઇ ચેતવણી સિવાય) સીધા તળાવ ફાટવાના સમાચાર જ મળ્યા.’ અહીં વહીવટી તંત્રની કુશળતા અને દાનતનો પ્રશ્ન આવે છે.

આ બન્ને બાબતો ૧૯૭૦થી ૨૦૧૩ સુધીમાં, ટેલીગ્રામ યુગથી કમ્પ્યુટરયુગ સુધી પહોંચતાં, સુધરવાને બદલે વણસી છે. વર્ષ ૨૦૦૦માં ઉત્તરાખંડનું અલગ રાજ્ય અસ્તિત્ત્વમાં આવતાં, આવક અને વિકાસની લ્હાયમાં ત્યાંની સરકારોએ પર્યાવરણનો ઠંડા કલેજે દાટ વળવા દીધો છે. પર્યાવરણના મુદ્દે અંતિમવાદી વલણ લેવાની કે કોઇ પણ નવાં મકાન-રસ્તા-પુલ-ઉદ્યોગ-વીજમથકનો આંખ મીંચીને વિરોધ કરવાની વાત નથી. તેનો મતલબ એવો કે પર્યાવરણની ચિંતાને કેવળ ‘એનજીઓ પ્રવૃત્તિ’ ગણીને તેની ઉપેક્ષા કરવી? ખાસ કરીને હિમાલય જેવા ભૂસ્તરીય રીતે સંવેદનશીલ પ્રદેશમાં? પૃથ્વીના બીજા પર્વતોની સરખામણીમાં સાત  કરોડથી અઢી કરોડ વર્ષ પહેલાંના ગાળામાં અસ્તિત્ત્વમાં આવેલો હિમાલય ભૂસ્તરશાસ્ત્રના હિસાબે હજુ ‘જુવાન અને અસ્થિર’ ગણાય છે. તેમાં સતત ઉથલપાથલો ચાલતી રહે છે, જે ભૂકંપના આંચકા અને ભૂસ્ખલનો સ્વરૂપે જોવા મળે છે.

આવા વિસ્તારમાં બાંધકામ અને વિકાસને લગતા માપદંડ  મેદાની પ્રદેશ કરતાં વધારે આકરા ન હોવા જોઇએ? હિમાલયમાં આવેલાં તીર્થસ્થાનો અને ત્યાં સુધી બનેલી સડકો પછી થયેલા યાત્રાળુઓના પ્રચંડ ધસારાને કારણે પરિસ્થિતિ વધારે નાજુક બને છે. છતાં, વહીવટી તંત્રની  અને આયોજકોની સ્વાર્થપ્રેરિત કે ગાફેલિયતમાંથી જન્મેલી બેકાળજીને લીધે આ પ્રદેશોમાં કરૂણ અકસ્માત બનતા રહે છે.

(સરકાર શું કરી શકે? અને વિવિધ પક્ષની સરકારોએ શું કર્યું નથી? તેની વાત આવતા સપ્તાહે)


જાતરાધામ બન્યું આવકધામ
યાત્રાળુઓના ધસારા અને યાત્રાધામોના વ્યાવસાયીકરણનો મુદ્દો છેલ્લાં થોડાં વર્ષોમાં અત્યંત ગંભીર બન્યો છે, પરંતુ તેની શરૂઆત ક્યારની થઇ ચૂકી હતી. આઝાદી પહેલાંના સમયમાં હિમાલયનાં તીર્થસ્થાનો ખૂંદી વળેલા સ્વામી આનંદે તેમના પુસ્તક ‘બરફ રસ્તે બદરીનાથ’માં લખ્યું છે, ‘આ પ્રદેશમાં દારૂનાં પીઠાં ક્યાંએ નહોતાં. વીસ વરસ અગાઉ ટિહરીના રાજાએ આવકની બળતરાએ દર આઠ-દશ માઇલે જાત્રાના રસ્તાઓ ઉપર પણ નાંખ્યાં. આને ‘ભઠ્ઠી’ઓ કહે છે. કારણ રાજ્ય પાસેથી ઇજારો રાખનાર ત્યાં જ ભઠ્ઠી નાંખી દારૂ ગાળે છે ને વેચે છે. કહે છે કે રાજા આ ઇજારાઓમાંથી વરસે ૭-૮ લાખ રૂ.ની આવક કરતો. આ દારૂભઠ્ઠીઓનાં ઝૂંપડાં જાત્રા રસ્તે બબ્બે ચચ્ચાર માઇલ પર આવતી ચા-દૂધની પહાડી હોટલો જેમ જ ઘાસફૂસનાં બનેલાં હોય છે. તેથી અજાણ્યો મુસાફર કે જાત્રાળુ છેતરાઇને તેમાં પેસવા જાાય છે. પણ તરત જ તેને પાછા ફરવું પડે છે. ’

Friday, June 28, 2013

પૂતળા વિશે સરદાર સાથે ગપસપ

ગુજરાતના મુખ્ય મંત્રીએ ઘણા વખત પહેલાં દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાની જાહેરાત કરી હતી. કોના હિસાબે ને જોખમે એ ચર્ચામાં ન પડીએ તો, વિક્રમો સર્જવાનો તેમને શોખ છે. અગાઉ તે એક દિવસમાં સૌથી વઘુ વૃક્ષો વાવવાના કાર્યક્રમ અને એક સાથે સૌથી વઘુ થ્રી-ડી અવતારે ‘દર્શન’ આપવા જેવા મહાન વિક્રમ નોંધાવી ચૂક્યા છે.  એમ તો, પોતાના ખાતા (ગૃહવિભાગ)ના રાજ્યકક્ષાના મંત્રી જેલનશીન હોય ને મોટા પોલીસ અફસરો જેલમાં હોય, એવો વિક્રમ પણ તે નોંધાવી શકે એમ હતા.

આવા વિક્રમોથી ‘ગુજરાત’નું (એટલે કે ગુજરાતના મુખ્ય મંત્રીનું) નહીં, પણ ખરેખરા ગુજરાતનું (એટલે કે ગુજરાતના લોકોનું) શું ભલું થયું? એવા સુશાસન કે દુઃશાસનને લગતા સવાલ પૂછવા નહીં. અને પૂછવા હોય તો ‘ગુજરાતવિરોધી ટોળકી’ તરીકે ઓળખાવાની તૈયારી રાખવી. કેમ કે, મુખ્ય મંત્રી ધારે તો મોટી સંખ્યામાં લોકોને સૌથી લાંબા સમય સુધી સંમોહિત દશામાં રાખવાનો વિક્રમ પણ નોંધાવી શકે છે. અલબત્ત, ‘અમારી મદદ વિના આ વિક્રમ શક્ય બન્યો ન હોત, એવો દાવો કરીને, કોંગ્રેસ ઇચ્છે તો (ધંધાની જેમ) આ જશમાં ભાગીદાર બની શકે છે.

મુખ્ય મંત્રીના વિક્રમપ્રેમી રાજકારણનું પરિણામ એટલે દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું બનાવવાનો નિર્ણય. આ પૂતળું સરદાર પટેલનું હોય એમાં બિચારા સરદારનો કશો વાંક નથી. એ ખરેખર નિર્દોષ છે. કારણ કે જાહેર જીવનમાં આવ્યા પછી એમણે ક્યારેય પૂતળાં પાછળ કે બીજી કોઇ પણ રીતે રૂપિયાનો ઘુમાડો કરવાનું કહ્યું ન હતું.

સરદારે પોતાના જીવનમાંથી એવો સંદેશ આપ્યો કે ‘દેશની સેવા કરવા માટે વડાપ્રધાન બનવું જરૂરી નથી’ અને આ જ સરદારનું સૌથી ઊંચું પૂતળું બનાવવા માગતા ગુજરાતના મુખ્ય મંત્રી માટે વડાપ્રધાન બનવું એ પ્રાથમિકતા છે. દેશની સેવા વડાપ્રધાન બન્યા વિના થઇ જ ન શકે, એવું તેમની કહેણી-કરણી પરથી લાગે. મુખ્ય મંત્રી જેના નામે પોતાના ડંકા વગાડવા કોશિશ કરી રહ્યા છે એ સરદાર પટેલે ગાંધીજીના એક જ ઇશારે વડાપ્રધાનપદ જતું કરી દીઘું હતું, જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી વડાપ્રધાનપદ સુધી પહોંચવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. પૂતળાબાજીથી સંતોષ ન થતાં, મુખ્ય મંત્રીએ ભારતભરના પાંચ લાખ કિસાનો પાસેથી ખેતીકામમાં વપરાતું લોખંડનું એક ઓજાર  પૂતળામાં તેમના સહયોગ તરીકે માગ્યું છે.

આવા તાયફા વિશે સરદાર પટેલ શું વિચારતા હોત? એવી તીવ્ર જિજ્ઞાસાનો પ્રતિભાવ આપતો હોય એમ ફોન રણક્યો.
ફોન કાને માંડીને ‘કોણ?’ પૂછ્‌યું, એટલે જવાબ મળ્યોઃ ‘હું સરદાર.’

પ્રઃ કોણ સરદાર? કેવા સરદાર? કોના સરદાર? છોટે? ખોટે? મોટે?

સરદારઃ અરર, મારી આટલી બધી નકલો બજારમાં છે એની મને ખબર જ નહીં. પણ હું તો માત્ર સરદાર છું- તમે બધા જેમને ‘લોહપુરૂષ’ કહો છો તે.

પ્રઃ સોરી, પણ તમારી કંઇક ભૂલ થતી લાગે છે. ‘લોહપુરૂષ’ તો બધા અડવાણીને કહેતા હતા.

સરદારઃ એમ? પછી?

પ્રઃ પછી ચોમાસું બેસી ગયું. લોખંડને કાટ ચડી ગયો ને થાંભલાનો ભૂકો થઇ ગયો. પણ એ બધી વાત છોડો. તમે અસલી સરદાર છો? કાટપ્રૂફ સરદાર? ખરેખર?

સરદારઃ (હસીને) અલ્યા, ફોનમાંથી બહાર નીકળીને પુરાવો આપું?

પ્રઃ ના, ના. એવું નથી પણ એકદમ વિશ્વાસ ક્યાંથી પડે? અને થોડી ચિંતા પણ થાય.

સરદારઃ ચિંતા શાની? મેં તો સાંભળ્યું છે કે તમે બધા મને બહુ ભાવથી યાદ કરો છો. કહો છો કે હું લાંબું જીવ્યો હોત તો દેશમાં કોઇ સમસ્યા જ ન હોત. મને એમ કે મારો અવાજ સાંભળીને તમે ખુશખુશાલ થઇ જશો. મારા પુનરાગમનને વધાવી લેશો.

પ્રઃ ભાવ ને બધી વાત સાચી, પણ એ તો તમે ત્યારે લાંબું જીવ્યા હોત કે વડાપ્રધાન બન્યા હોત તો. હવે તમે પાછા આવો કે આમ ફોનો કરવા માંડો તો તકલીફ ન પડે? તમારા વગર માંડ બઘું સરસ ગોઠવાઇ ગયું હોય ને..

સરદારઃ મારા વગર કે મારા નામે?

પ્રઃ હવે તમે સરદાર ખરા..મારો કહેવાનો મતલબ હતો કે વડાપ્રધાન બનું બનું કરી રહેલા અમારા સાહેબે એક લોહપુરૂષને માંડ ઠેકાણે પાડ્યા હોય ને પાછા બીજા આવે તો એમને નવેસરથી દાવપેચ ગોઠવવા ન પડે?

સરદારઃ તે પેલી કહેવત તો સાંભળી જ હશેઃ ‘કુંવારા કોડે મરે ને પરણેલા પસ્તાય.’ તારા સાહેબને પણ સંભળાવજે.

પ્રઃ સાહેબ તો કુંવારા જ છે.

સરદારઃ મને તેમના વૈવાહિક દરજ્જાની પંચાતમાં રસ નથી. મારો મતલબ મારા નામે ચરી ખાનારા પૂરતો છે. અત્યાર લગી લોકો ફક્ત બાપુનું નામ વટાવી ખાતા હતા. મેં સાંભળ્યું છે કે તમે લોકોએ બાપુના નામે બિઝનેસ સેન્ટર બનાવી કાઢ્‌યું છે. એમાં શું વેચશો? બાપુની આબરૂ? કે તમારી નફ્‌ફટાઇ?

પ્રઃ જૂની પેઢીના લોકોની આ જ તકલીફ છે.

સરદારઃ એ ભાઇ, જરા સરખી રીતે વાત કર. તું ગુજરાતનો મુખ્ય મંત્રી નથી કે તારી ઉદ્ધતાઇને ભક્તો તારી હોંશિયારીમાં ખપાવી દે અને હું અડવાણી નથી કે આવું બઘું ચૂપચાપ સાંભળી લઉં. આપણે મુદ્દાની વાત કરીએ. મારા પૂતળાનો શો મામલો છે?

પ્રઃ અરે, સરદારસાહેબ, પાર્ટી આપો પાર્ટી. અમારા મુખ્ય મંત્રી તમારું પૂતળું બનાવવાના છે. એ દુનિયાનું ઊંચામાં ઊંચું પૂતળું હશે. ખ્યાલ આવે છે કંઇ? વર્લ્ડ રેકોર્ડ...તમારા નામે..અને એ પણ અવસાનનાં ૬૩ વર્ષ પછી...

સરદારઃ તે એમાં હું શું કરવા પાર્ટી આપું? પાર્ટી આપશે આ પૂતળાના કોન્ટ્રાક્ટ મેળવનારા અને એમાંથી કટકીઓ કરનારા... ખરી કમાણી તો એમને થવાની છે. જોકે, તમે બધા બીજી એટલી કટકીઓ કરીને બેઠા છો કે કદાચ મારા પૂતળામાંથી કટકીનો વર્લ્ડ રેકોર્ડ નહીં બનાવી શકો.

પ્રઃ અરર, તમે સરદાર ઉઠીને આવું છીછરૂં વિચારો છો?

સરદારઃ હું અસલી સરદાર છું. મૂરખનો સરદાર કે એન્કાઉન્ટર કરનારાનો સરદાર નથી. ઉદ્યોગપતિઓ જોડે તારા સાહેબને છે એના કરતાં વધારે નજીકના સંબંધો મારે હતા. પણ એનો મેં કદી મારી સત્તા માટે ઉપયોગ કર્યો નથી. એટલે મારા પૂતળાની પાર્ટીઓ મારી પાસેથી માગવા જેટલો બુદ્ધુ તું મને ન ગણીશ.

પ્રઃ તમને વાતમાં પહોંચી વળવું અઘરું છે...

સરદારઃ અને તમને બેશરમીમાં...મારી જોડે નહીં લેવા, નહીં દેવા ને મારા નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પૂતળું ઠઠાડી દેવાનું? ખરા છો તમને લોકો...

પ્રઃ એમાં કોઇ વ્યક્તિનો વાંક નથી. કોંગ્રેસે બાપુને વટાવ્યા તો અમે સરદારને વટાવીશું. હિસાબ સરભર.

સરદારઃ પણ એમાં મારી આબરૂની ધજા થશે એનો વિચાર કર્યો છે? મારા પૂતળા પાછળ બે હજાર કરોડ રૂપિયાનો ઘુમાડો તમે કરશો ને કિંમત મારી થશે. આવાં પૂતળાંથી રમવા-રમાડવાનો બહુ શોખ હોય તો ડિઝનીલેન્ડ બનાવો. પણ મહેરબાની કરીને અમને બધાને રેઢા મૂકી દો. નહીંતર પછી મારે...

(અઘૂરા વાક્યેથી ફોન કપાઇ ગયો, પરંતુ આખો સંવાદ ભ્રામક વાસ્તવિકતા હતી કે વાસ્તવિક ભ્રમ, હજુ એ નક્કી થઇ શક્યું નથી.)

Thursday, June 27, 2013

વરસાદમાં ન પલળવાનો આનંદ

આ લેખનું વૈકલ્પિક મથાળું ‘વરસાદમાં પલળવાનો ત્રાસ’ એવું હોઇ શકત. પણ ‘પોઝિટિવ થિંકિંગ’ના જમાનામાં થયું કે જરા ‘પોઝિટિવ’ મથાળું બનાવીએ. વાત તો એક જ છે : ચોમાસામાં પલળી જવાય ત્યારે કેવો ત્રાસ પડે છે અને વરસાદમાં પલળવામાંથી બચી જવાય ત્યારે કેવો આનંદ થાય છે.

સંસ્કૃત મહાકાવ્યોથી ફેસબુકનાં સ્ટેટસ સુધીની રેન્જમાં વરસાદનો એટલો મહિમા થયો છે કે તેમાં પલળવાથી ત્રાસ થાય છે, એવું ખોંખારીને કહી શકાય નહીં. લોકલાજનો ડર લાગે. અરસિકમાં ખપી જવાની અને રસિકોની ન્યાતમાંથી બહાર મુકાઇ જવાની બીક લાગે. ‘અરર, તમે કેવા માણસ છો? વરસાદમાં પલળવું નથી ગમતું?’ એવા હળવા ઉપાલંભથી માંડીને ‘ધીક્કાર છે એના જીવનને, જેને વરસાદમાં પલળવાની મોજ માણતાં ન આવડ્યું’ એવાં કડક મહેણાં સાંભળવાની તૈયારી રાખવી પડે. પરંતુ લોકલાજને નજરઅંદાજ કરતાં સમજાય કે કેવળ વરસાદમાં પલળવા-ન પલળવાના આધારે માણસની કિંમત નક્કી કરવાનું છત્રી કે રેઇનકોટ વેચનારા પૂરતું વાજબી ગણી શકાયઃ બધા લોકો વરસાદથી બચવા ઘરમાં-ઓફિસમાં બેસી રહે તો છત્રી-રેઇનકોટનો ધંધો અને એ કરનારાનાં ઘર શી રીતે ચાલે? પણ એ સિવાય બીજા વાંધકો- વાંધો પાડનારા-ની ચિંતા કરવાની ન હોય. કારણ કે એમનાં પ્રમાણપત્રોનું મૂલ્ય ઉઠી ગયેલી કંપનીના શેર સર્ટિફિકેટ કરતાં જરાય વધારે હોતું નથી.

વરસાદમાં પલળવાથી ત્રાસ અનુભવતા લોકોને કદી એવો સવાલ થતો નથી કે ‘વરસાદમાં પલળવામાં શી મઝા આવતી હશે?’ એ સમજી શકે છે કે ‘હોય. આખરે વરસાદ પણ ફુવારાનું વિસ્તૃત અને કુદરતી સ્વરૂપ છે. માણસને ક્યારેક ચાર દિવાલના બંધન ફગાવીને - અને વોટરપાર્કની ટિકિટ ખર્ચ્યા વિના-પણ નહાવાનું મન થાય. એમાં લોકોને મઝા આવી શકે.’ આમ, તે સામા પક્ષનું દૃષ્ટિબિંદુ સમજી શકે છે. પરંતુ વરસાદમાં પલળવાનો આનંદ લઇ શકતા મોટા ભાગના લોકો આટલા ઉદાર હોતા નથી. પોલીસ જે રીતે ચોરને જુએ કે ન્યાયાધીશ જેમ આરોપીને જુએ એવી રીતે વરસાદમાં ભીંજાનારા જીવો વરસાદથી બચીને રહેતા લોકો તરફ જુએ છેઃ એ નજરમાં સહાનુભૂતિ, અનુકંપા, દયા, તિરસ્કાર, તુચ્છકાર, અરેરાટી જેવી અનેક લાગણીઓનું મિશ્રણ થયેલું હોય છે. ‘માણસ જેવા માણસ થઇને વરસાદમાં ભીંજાવાથી ભાગો છો? તમને માણસ કેમ ગણવા? જાવ તમારું માણસ તરીકેનું લાયસન્સ રદ.’ એવો ઠપકો જાણે તેમની નજરમાંથી સતત વરસતો હોય છે. વરસતા વરસાદથી બચી શકતા લોકો એવા ઠપકાના અદૃશ્ય વરસાદથી બચી શકતા નથી.

વરસાદથી દૂર ભાગતા લોકોના હૃદયપરિવર્તન માટે વરસાદપ્રેમીઓનો ઉત્સાહ ભારે હોય છે. તેમાં સેવા-કરૂણાના દબાણથી ધર્માંતર કરાવતા મિશનરી અને તલવારની ધારે ધર્માંતર કરાવતા આક્રમણખોરના મિજાજનું સંયોજન થયેલું હોય છે. વરસાદથી બચીને ચાલનારા સાથે વરસાદપ્રેમીનો પહેલી વાર ભેટો થાય ત્યારે, ‘સુધરેલા’ લોકો આદિવાસીઓ તરફ જુએ એવી રીતે એ લોકો વરસાદથી ગભરાતા લોકો ભણી જુએ છે. ‘આ લોકોને પહેલી તકે આપણી સંસ્કૃતિમાં લાવી દેવા અને ‘માણસ’ બનાવી દેવા’- એવો ઉત્સાહ તેમનામાં છલકાય છે. એ લોકો વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી આનંદપ્રદ છે એનું બયાન આપે છે. બે-ચાર નબળીસબળી કવિતાઓ ફટકારીને વરસાદમાં પલળવાની ક્રિયાનું સાહિત્યિક માહત્મ્ય - અને પોતે એ માહત્મ્ય સમજી શકવા જેટલા ‘સુધરેલા’ છે એ- સિદ્ધ કરવા પ્રયાસ કરે છે. કવિતા આમજનતાને પ્રભાવિત કરવાનું સૌથી સહેલું હથિયાર છે એ સમજી ચૂકેલા ઘણા લોકો કવિતાનો વરસાદ અને વરસાદની કવિતા- એવા ઘાતક મિશ્રણથી પોતાનું કામ સિદ્ધ કરવા પ્રયાસ કરે છે.

વરસાદપ્રેમીઓ માને છે કે વરસાદ માણવો એ ‘ટેસ્ટ’નું કામ છે. કુદરતી વરસાદની મઝા ભજીયાં-દાળવડાં-શેકેલો મકાઇ જેવાં બાહ્ય અને કૃત્રિમ આલંબનો થકી કેવી રીતે અનેકગણી કરી શકાય છે, એનું રસઝરતું વર્ણન પણ એ લોકો હોંશથી કરે છે. આમ કરતી વખતે એ ભૂલી જાય છે કે વરસાદથી દૂર ભાગતા લોકોને વરસાદ સામે તત્ત્વતઃ અને ભજીયાં-દાળવડાં-મકાઇ સામે તો સમગ્રતઃ- કશો વાંધો હોતો નથી. બલ્કે, આ બઘું ઝાપટવા માટે તે વરસાદની પરાધીનતા કબૂલ રાખતા નથી. તેમનો ખરો વાંધો વરસાદમાં ભીંજાયેલા કબૂતર જેવા થઇ ગયા પછી પાછો કામ કરવાનો અથવા કામ માટે બહાર ફરવાનો હોય છે. પરંતુ આ સ્પષ્ટતા કરવાની તક તેમને ભાગ્યે જ મળે છે. બસ, ‘વરસાદ નથી ફાવતો’ એટલું સાંભળ્યું નથી કે વરસાદપ્રેમીઓ ગરજી ગરજીને વરસ્યા નથી.

ભજીયાં-દાળવડાં-મકાઇના રસ્તે વરસાદને ચાહી ન શકનારા લોકો માટે બીજો રસ્તો અપનાવવામાં આવે છે.  વરસાદમાં ભીંજાવાની ક્રિયા કેટલી રોમેન્ટિક છે એનાં વર્ણન અને તેમાં રહેલી શક્યતાઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવે છે. કવિ નાનાલાલે ભીંજાયેલી કન્યાના શરીર પરથી જળબિંદુઓ નહીં, પણ તેનું કૌમાર્ય ટપકે છે એવી કલ્પના કરી હતી. આવાં હાથવગાં ઉદાહરણ આપીને વરસાદમાં પલળવાની ક્રિયાની કાવ્યાત્મકતા સિદ્ધ કરવાના પ્રયાસ થાય છે. પરંતુ વરસાદથી નાસતા ફરતા લોકો મગજ ઘરે મૂકી રાખતા નથી. તેમને એટલી તો ખબર પડે છે કે આવા કિસ્સામાં પલળનાર અને જોનાર કોણ, એની પર બહુ મોટો આધાર હોય છે. આપણે પલળીએ તો આપણા શરીર પરથી પડતાં ટીપાં જોઇને નાનાલાલ હોય કે અ-નાનાલાલ, કોઇને પણ એવું જ લાગે કે કૌમાર્ય નહીં, પરાણે પલળવાનું લાચાર્ય ટપકી રહ્યું છે.

કેવળ શાબ્દિક સમજાવટ અને લાલચથી કામ નહીં સરે એવું લાગતાં વરસાદપ્રેમીઓ બીજો તરીકો અપનાવે છે. ‘તમે વરસાદમાં કદી પલળ્યા છો ખરા? એક વાર પલળી તો જુઓ. એવી મઝા આવશે કે તમે યાદ કરશો.’ એ વખતે વરસાદથી બચનારના હોઠે શબ્દો આવતા આવતા અટકી જાય છે કે ‘સાચી વાત છે. ચાર વર્ષ પહેલાં ન છૂટકે પલળવું પડ્યું ત્યારે એવી હાલત થઇ હતી કે અડધે રસ્તેથી લીલા તોરણે પાછા ઘરે જવું પડ્યું ને ઓફિસમાં રજા મૂકવી પડી.’ અથવા ‘બે વર્ષ પહેલાં વરસાદમાં પલળ્યા પછી ઠંડી લાગીને છીંકાછીંક સાથે જે તાવ ચડ્યો હતો અને કળતર થતું હતું એ હજુ યાદ છે.’ આવી કોઇ દુર્ઘટના ઘટી ન હોય એવા લોકો ડીઝાસ્ટર મેનેજમેેન્ટને બદલે ડીઝાસ્ટર મિટિગેશનના ભાગરૂપે પણ વરસાદમાં પલળવાથી દૂર રહે છે.

વરસાદમાં પલળવાની મઝા નથી આવતી, એના ટેકામાં પણ દલીલો હોઇ શકે એ ઘણા વરસાદપ્રેમીઓથી સહન થતું નથી. ‘જે આપણી સાથે નથી તે આપણી સામે છે’- એવી વિચારધારાના યુગમાં ઘણા વરસાદપ્રેમીઓ ખુન્નસથી વિચારે છે, ‘વરસાદમાં પલળવાથી કતરાતા લોકોને તો પકડી પકડીને...ઝાપટાબંધ વરસતા વરસાદમાં અડધે રસ્તે રેઇનકોટ-છત્રી વિના અને ઓફિસનાં કપડાંમાં પરાણે પલળવાની ફરજ પાડવી જોઇએ.’ વરસાદથી બચનારા વૈચારિક રીતે આટલા હિંસક બની શકતા નથી. એમને કદી એવું થતું નથી કે ‘વરસાદમાં છાકટા થઇને પલળનારાને પકડી પકડીને વરંડાના તાર પર લટકાવીને ઉપર ક્લીપો મારી દેવી જોઇએ.’