Friday, April 13, 2012

જીએમ બીયારણઃ ફાયદા-નુકસાનની સાપસીડી


એક તરફ જનીન પરિવર્તીત - જિનેટીકલી મોડિફાઇડ (ટૂંકમાં જીએમ) બિયારણના અધધ ફાયદાની વાતો કરતી ખાનગી કંપનીઓ બીજી તરફ પોતાના પક્ષે પૂરતા અભ્યાસ કે ચકાસણી કર્યા વિના, તેમને ખભે બેસાડવા ઉત્સુક સરકારો, ત્રીજી તરફ ટૂંકા ગાળાનો ફાયદો જોઇને - પૂરતી સમજણ વિના જીએમ બીયારણ અપનાવી રહેલા ખેડૂતો અને ચોથી તરફ જીએમ બીયારણ-પાકનો તથા તે વેચતી વિદેશી કંપનીઓનો વિરોધ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓ- આમ ચોપાંખિયો જંગ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યો છે.

આ જંગ બરાબરીનો બિલકુલ નથી. જનીન પરિવર્તીત બિયારણોના ધંધામાં પડેલી બહુરાષ્ટ્રિય કંપનીઓ સરકારી મંત્રીઓથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, વૈજ્ઞાનિકો અને સામાન્ય લોકો સુધીના સૌ કોઇને નાણાંકોથળીના જોરે પોતાના વશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. તેનો એક નમૂનો છેઃ  ભારતના વડાપ્રધાન પર મોકલવા માટે તૈયાર કરવામાં આવેલો એક પત્ર.

વડાપ્રધાનને ‘સ્પોન્સર્ડ’ પત્ર
મૂળ અંગ્રેજી લખાણ પરથી તરજુમિયા ગુજરાતીમાં - અને બીજી સ્થાનિક ભાષાઓમાં- આ પત્રની નકલો બનાવવામાં આવી છે, જે ગામડાના ખેડૂતો તરફથી વડાપ્રધાનને  મોકલવામાં આવે એવું આયોજન છે. પત્રનો વિષય છે : ‘ભારતમાં બાયોટેક પાકોની જરૂરિયાતની તરફેણ માટે આભાર.’

‘બાયોટેકનોલોજીની વિશાળ ક્ષમતાઓ છે અને આવતા સમયમાં આપણે જિનેટિક એન્જિનિયરિંગ થકી આપણા ખેતી પાકોની ઉત્પાદકતામાં વધારો કરવો જ જોઇએ’ - એવા વડાપ્રધાનના વિધાનથી પત્રની શરૂઆત કરવામાં આવી છે. ખેતીનો ધંધો કેવો જોખમી છે તેનો અછડતો ચિતાર આપ્યા પછી પત્રમાં લખાયું છેઃ ‘અમારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર તરફથી બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે, જે આપણી ઉત્પાદનની સમસ્યાઓનું સમાધાન કરશે.’

કોઇ પણ ખેડૂત ‘બીજમાં નવી ટેકનોલોજીની જરૂરિયાત છે’ એવું લખે ત્યાં સુધી સમજ્યા, પણ પબ્લિક સેક્ટર ને પ્રાઇવેટ સેક્ટરની પળોજણમાં એ શું કામ પડે? પરંતુ આખો ખેલ પ્રાઇવેટ સેક્ટર દ્વારા સ્પોન્સર્ડ હોય, ત્યારે ‘આ બઘું અમે નથી કરાવતા. ખેડૂતોએ પોતાની મેળે કર્યું છે.’ એવું દર્શાવવાના બાલીશ પ્રયાસ તરીકે પ્રાઇવેટ સેક્ટરની સાથે પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ નાખવામાં આવ્યો હોય એવું લાગે.

પત્રમાં અત્યાર સુધીના એકમાત્ર માન્યતાપ્રાપ્ત બાયોટેક પાક  બીટી કપાસનાં ગુણગાન ગાયા પછી- તેના ફાયદા વર્ણવ્યા પછી મુદ્દાની વાત આવે છે : ‘જેવું ટેકનોલોજી થકી કપાસના પાકમાં થયું એવું જ પરિવર્તન અન્ય કૃષિ પાકો જેવા કે મકાઇ, ડાંગર અને ઘઉંના પાકોમાં પણ થવું જોઇએ. અમે અત્રે સરકારશ્રી, પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર, ગ્રામવિકાસ અભિગમ ધરાવતા એનજીઓ જેમણે સંયુક્તપણે ભાગીદારી કરી ખેડૂતોનું જીવનધોરણ સુધારવા અને ખેતી સમૃદ્ધ કરવા મદદ કરી તે બદલ સૌનો આભાર માનીએ છીએ. અમારા જેવા અસંખ્ય ખેડૂતો છે જે બે છેડા ભેગા કરવા મથામણ કરતા હતા, પણ હવે ઘણું પકવે છે, બજારમાં ઉપજનું સારું વળતર પણ મેળવે છે અને સારી જિંદગી જીવવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છીએ.’

જનીન પરિવર્તીત બીટી કપાસના બિયારણથી ઉત્પાદનમાં વધારો નોંધાયો છે અને ખેડૂતોને આર્થિક ફાયદો પણ થયો છે. તેને આગળ ધરીને, બીટી કપાસની હરોળમાં મકાઇ-ડાંગર-ઘઉં જેવા ખોરાકમાં વપરાતા પાકોને મૂકી દેવાની કંપનીની મહત્ત્વાકાંક્ષા છે, જે ખેડૂતોના ‘સારી જંિદગી જીવવાના સ્વપ્ન’ના નામે રજૂ કરવામાં આવી છે. સરકારને રાજી રાખવા માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે એક જ શ્વાસમાં પબ્લિક સેક્ટરનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે (જેણે આ ક્ષેત્રે પ્રાઇવેટ ક્ષેત્રને સીધો કે આડકતરો ટેકો આપવાની ભૂમિકા અદા કરી છે.) સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પનારો પાડતાં અને તેમનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરતાં પણ બીટી-પ્રચારક કંપનીઓને આવડે છે.

પત્રના અંતે બીટી રીંગણ પરના સરકારી પ્રતિબંધ સામે કયા શબ્દોમાં વિરોધ રજૂ કરવામાં આવ્યો છે, એ ખાસ નોંધવા જેવું છેઃ ‘બીટી રીંગણને પ્રતિબંધિત કરી ખેડૂતોને વિશ્વકક્ષાની ટેકનોલોજીની પસંદગીથી વંચિત રખાયા છે અને સપ્રમાણિત જીવન જીવવામાં અવરોધરૂપ થયું છે. અમે આશા રાખીએ છીએ કે અન્ય પાકોમાં આવી ટેકનોલોજીના ઉમદા ફાયદાઓથી હવે પછી અમને વંચિત ન રખાય.’ અને છેલ્લે કોર્પોરેટ કંપનીના પીઆરઓની મસકાબાજી શૈલીથી લખાયું છે, ‘માનનીય વડાપ્રધાનશ્રી, અમે તમારામાં ભરોસો વ્યક્ત કરીએ છીએ કે તમે અદ્‌ભૂત હોંશિયારી ધરાવો છો અને અમારી આ વિનંતીનો સ્વીકાર કરશો કે કૃષિમાં ટેકનોલોજીને કેન્દ્રિત કરવા પૂરતું લક્ષ્ય આપવું જેથી ખેડૂતોને કૃષિ ઉપજ વધારામાં મદદરૂપ થાય. અમારું સામાજિક-આર્થિક જીવનધોરણ સુધરે અને અમારું કુટુંબ ઉચ્ચતર જીવન જીવી શકે.’

પેટમાં દુઃખાડતો પ્રતિબંધ

બે વર્ષ પહેલાં તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે બીટી રીંગણને મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો, એટલે બીટી-પાકોના માર્ગે ભારતનું બજાર સર કરવા માગતી કંપનીઓના પેટમાં કેવું તેલ રેડાયું છે, તેનો અંદાજ કંપનીઓ દ્વારા પ્રાયોજિત પત્રમાંથી આવી શકે છે. પરંતુ સરકારે બીટી રીંગણને મંજૂરી આપવાનું કેમ મોકૂફ રાખ્યું તેની અછડતી વાત યાદ કરી લેવા જેવી છે.

‘બીટી’ એ જમીનમાં થતા ‘બેસીલસ થુરીન્જેન્સીસ’ પ્રકારના બેક્ટેરિયાનું ટૂંકું નામ છે. આ બેક્ટેરિયા પાકને નુકસાન કરતી કેટલીક મુખ્ય જીવાતો માટે જીવલેણ ઝેર પેદા કરે છે. ખાનગી કંપનીઓના સંશોધકોએ બીટીના શરીરમાંથી (તેના ડીએનએમાંથી) ઝેર પેદા કરવા માટે જવાબદાર જનીન જુદો તારવ્યો અને એ જનીનને રીંગણના ડીએનએમાં દાખલ કરી દીધો.  તેનું અપેક્ષિત પરિણામ એ છે કે બીટીના ઝેરથી સજ્જ બીટી-રીંગણને જીવાતોનો ભય ન રહે. તેની પર જંતુનાશક દવાઓ છાંટવાની પણ જરૂર નહીં. જીવાતોનો ખાત્મો બોલાવવા માટે રીંગણનો છોડ પોતે જ (બીટીના જનીનના પ્રતાપે) ઝેર પેદા કરી લે. એ ઝેરથી જીવાતોનો ખાત્મો અને પાક સલામત.

આ વર્ણન આકર્ષક અને લલચામણું લાગે, પરંતુ તેમાં સૌથી પહેલો અને પાયાનો સવાલ છેઃ જનીન પરિવર્તીત બિયારણ ધરાવતા પાક માણસ ખોરાકમાં લઇ શકે? અમેરિકામાં મકાઇ અને સોયાબીન સહિતના ચાર પાકમાં જનીન પરિવર્તીત બિયારણને મંજૂરી આપવામાં આવી છે, પણ તેમાંથી એકેય પાક માણસના ખોરાકમાં વપરાતો નથી.  મકાઇ મુખ્યત્વે પશુઓના ખોરાકમાં વપરાય છે.

બીટી બિયારણ ઝેરી કે અનિષ્ટ છે અને તેને ધોળા ધરમે પણ વપરાય નહીં, તે એક અભિપ્રાય છે. બીટી બિયારણથી ખેડૂતો ઊંચા આવી જશે, તે બીજો પ્રચાર છે. આ મુદ્દો મૂળભૂત રીતે વિજ્ઞાનનો છે. માટે થવું એવું જોઇએ કે સરકારે વિચારધારાઓની ટક્કરમાં પડ્યા વૈજ્ઞાનિક તથ્યોની ચકાસણી કરવી જોઇએ અને તેના આધારે આખરી નિર્ણય લેવો જોઇએ. પરંતુ જનીન ટેકનોલોજી આઘુનિકતમ હોવાથી, એવું બને છે કે સરકારી સંસ્થાઓ પાસે તેની અસરો-આડઅસરો ચકાસવાનાં પૂરતાં સાધનસુવિધા-સજ્જતા કે એ વસાવવાની દાનત હોતાં નથી. ભારતભરમાં કૃષિ સંશોધન કેન્દ્રો ચાલે છે. ખોરાકમાં લેવાતા બીટી પાકોની આડઅસર તપાસવા માટે જીલ્લે જીલ્લે કેન્દ્રો ખોલવાની જરૂર નથી. એકાદ-બે કેન્દ્રો એ માટે પૂરતાં થઇ પડે.

પરંતુ આવી બિનરાજકીય બાબતોમાં બગાડવા માટે કોની પાસે સમય હોય છે? એટલે બને છે એવું કે ‘ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ના ધોરણે, બીટી બિયારણ બનાવનારી કંપનીઓએ જ કરાવેલાં સંશોધનોના આધારે ‘સબ સલામત’ જાહેર કરી દેવામાં આવે છે. ફક્ત સરકારો કે સ્વૈચ્છિક સંસ્થાઓ જ બિકાઉ હોય એવું માની લેવાની જરૂર નથી. સંશોધકો-વૈજ્ઞાનિકો પણ યોગ્ય ભાવ લઇને અનુકૂળ પરિણામો લાવી આપે છે અને પ્રતિકૂળ પરિણામો ઢાંકી આપે છે. સામાન્ય ખેડૂત માટે આર્થિક ફાયદાનું પરિબળ એટલું મોટું હોય છે કે પર્યાવરણ, જૈવવૈવિઘ્ય/બાયોડાયવર્સિટી જેવા વિષયો અંગે ચિંતા કરવાનું તેને પરવડતું નથી. પરંતુ બીટી-પાકો ખોરાકમાં લેવાતા થાય ત્યારે તેની અસરો અને ખાસ તો આડઅસરો વિશે સૌએ ચિંતા કરવી પડે.

પાયાના  સવાલ


આર્થિક સામ્રાજ્યવાદ ફેલાવવા માટે કોઇ પણ હદે જઇ શકતી બળુકી બહુરાષ્ટ્રિય કંપનીઓ સામે બાથ ભીડવાનું ફક્ત સરકારી અને નાગરિકી રાહે જ શક્ય છે. વૈજ્ઞાનિક પ્રગતિનો ઇન્કાર કર્યા વિના કે રાસાયણિક ખેતીનો ઝનૂની વિરોધ કર્યા વિના, બીટી-પાકોની વાત આવે ત્યારે આટલા સવાલના સંતોષકારક અને ભરોસાપાત્ર જવાબ મેળવવા જરૂરી છે.


  •  જે પાકમાં બીટી બિયારણ દાખલ કરવામાં આવે છે (દા.ત.રીંગણ) તેના જથ્થાબંધ ઉત્પાદનની જરૂર છે? કે ફક્ત જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા માટે બીટીનો પ્રચાર કરવામાં આવે છે? તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાથી ખેડૂતો માલામાલ થશે કે બજારમાં આવતાં રીંગણાંનો ભાવ ઘટતાં તેમને સાવ સસ્તા ભાવે વેચવાનો વારો આવશે? 
  • બીટી બિયારણના સરકારી કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કેટલા વર્ષ સુધી ‘ફિલ્ડ ટ્રાયલ’ થયા છે? તેનાં પરિણામો સંશોધકોએ જાતે તારવેલાં છે કે કંપનીઓએ તૈયાર કરી આપેલાં છે? ફિલ્ડ ટ્રાયલમાં બીટી બિયારણ ધરાવતા પાકની સાથે એ જ પાકની બીજી જાતોનું સહઅસ્તિત્ત્વ શક્ય બન્યું છે? કે પછી બીટી આવે એટલે બાકીની બધી જાતોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે છે? 
  • કંપનીઓએ તૈયાર કરેલું બીટી બિયારણ અમુક જ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપનારું હોય છે. એ જીવાતો બધા પ્રદેશોમાં હોય જ એવું જરૂરી નથી. એટલે પૂરતી ચોક્સાઇ રાખવામાં ન આવે તો એવું બને કે મોટા ઉપાડે બીટી બિયારણને મંજૂરી તો અપાઇ જાય, પણ એ જે જીવાતોથી રક્ષણ આપે છે એ જીવાત જ આખા પ્રદેશમાં ન હોય. 
  • ઉત્ક્રાંતિના કુદરતી ક્રમ પ્રમાણે, બીટીના ઝેરથી નાબૂદ થતી જીવાતો ધીમે ધીમે પ્રતિકારક શક્તિ કેળવે એ બહુ વાસ્તવિક શક્યતા છે. એવું થાય તો પછી ઝેરની માત્રા વધારતા રહેવું પડે. બીટી બિયારણ કંપનીઓની માલિકીનાં હોય છે. ખેડૂતો પોતાના પાકમાંથી બિયારણ લઇને બીજા વર્ષે તેની વાવણી ન કરી શકે. દરેક વર્ષે તેમણે કંપની પાસેથી બિયારણ ખરીદવું પડે. બીટી બિયારણ આડઅસરોની બાબતમાં નિર્દોષ સાબીત થાય તો પણ, કોઇ પણ કંપનીના એકાધિકારને અને તેમની પરની સંપૂર્ણ પરાધીનતાને મંજૂરી આપી શકાય નહીં. 
  • ખોરાકમાં લેવાતા પાકોમાં બીટીના ઝેરની અસર થાય છે કે કેમ, એ વિશે પ્રમાણભૂત અને એકથી વઘુ જગ્યાએથી એકસરખાં પરિણામ ન મળે, ત્યાં સુધી તેને માન્યતા આપી શકાય નહીં. 

 બીટી પાકોના મુદ્દે સરકારો પૂરતી ચકાસણી વિના  ઉતાવળીયા નિર્ણય લેશે તો દેશની ખેતીને જ નહીં, નાગરિકોના આરોગ્ય અને પર્યાવરણને પણ ખાનગી કંપનીઓની ખિદમતમાં ધરી દીધા બરાબર ગણાશે.

Wednesday, April 11, 2012

આઇસક્રીમ-સ્વયંવર


આઇસક્રીમ ખાવો એ સીધીસાદી અને આનંદદાયક ક્રિયા હોઇ શકે છે, પણ તેની ફ્‌લેવરની જેમ તેના ખાનારામાં પણ ભારે વૈવિઘ્ય જોવા મળે છે. અમુક આઇસક્રીમપ્રેમીઓ એવા હોય છે કે તેમને ઉંઘમાંથી ઉઠાડીને પૂછવામાં આવે કે ‘તમારે કયો આઇસક્રીમ?’ તો આંખ -કે મગજ સુદ્ધાં- ખોલ્યા વિના પોતાની પસંદ બોલીને ફરી સુઇ જાય. ‘આપણો તો કેસરપીસ્તા’ એવું બોલતી વખતે તેમના અવાજમાં‘આપણે તો ભારતીય’ બોલવા જેવો સનાતન સત્યનો અને ખાતરીનો રણકાર સાંભળી શકાય.

બીજો પ્રકાર પ્રયોગશીલોનો છે. આઇસક્રીમની દુકાને મળતી તમામ ફ્‌લેવર સાથે તેમને સંબંધ સાચવવાનો હોય એમ, દરેક વખતે તે ‘અત્યાર સુધી કયા ખાધા અને તેમાં કયો સૌથી વધારે ભાવ્યો’ એના વિચારમાં નહીં, પણ ‘હવે કયા બાકી રહ્યા? જોજો, એકેય રહી ન જવો જોઇએ’ એની  ચિંતામાં હોય છે. ‘ગઇ વખતે પેલો આદુ-મરચા-ધાણાનો મિક્સ આઇસક્રીમ ખાધો હતો ને? હવે આ વખતે સૂરણનો આઇસક્રીમ ટ્રાય કરી જોઇએ.’ તેમની સાહસવૃત્તિ અપાર હોય છે. ઘણી વાર તે ઉત્સાહી દુકાનદારને સૂચન પણ કરે છે કે ‘તમે પાણીપુરીના પાણીનો આઇસક્રીમ બનાવતા હો તો?’ અથવા ‘આપણા દેશી રીંગણના ભડથાનો  આઇસક્રીમ બને? વિચારી જોજો.’

ત્રીજા પ્રકારના લોકો પહેલાં તો દુકાને લટકતા પાટિયા કે મેનુ પર લધુશોધનિબંધ લખવાનો હોય એવી રીતે તેના અભ્યાસમાં ડૂબી જાય છે. તેમને યાદ કરાવવું પડે છે કે આપણે પાટિયાના અભ્યાસાર્થે નહીં, પણ આઇસક્રીમ આરોગવા આવ્યા છીએ. કર્તવ્યભાન પુનઃ જાગ્રત થયા પછી એ ફરી એકડે એકથી મેનુ વાંચવાનું શરૂ કરે છે. તેમની સાથે આવેલો જણ તેમની સામે આતુરતાથી તાકી રહે છે, જાણે હમણાં તેમના મોમાંથી પસંદગીની ફ્‌લેવરનું નામ નીકળશે. પરંતુ આ વખતે તે વિવિધ ફ્‌લેવરના તુલનાત્મક અઘ્યયનમાં ડૂબેલા હોય એમ લાગે છે. થોડી ઉતાવળ અને દુકાનદારની કે વેઇટરની ઓર્ડરવાંચ્છુક કડક નજરો પછી આ પ્રકારના માણસ છેવટે એવી ફ્‌લેવરનો ઓર્ડર આપે છે, જે સીઝન નહીં હોવાને કારણે તૈયાર હોતી નથી. માંડ નક્કી થયેલી ફ્‌લેવરની માગણી નિષ્ફળ જાય, એટલે નવેસરથી કસરત ચાલુ. આ રીતે આઇસક્રીમ ખાવા કરતાં સરેરાશ ત્રણેક ગણો વઘુ સમય એ લોકો દુકાનના પાટિયા કે મેનુના અભ્યાસમાં વીતાવે છે. છેવટે આઇસક્રીમ ખાઇને નીકળતી વખતે તેનો સ્વાદ નહીં, પણ મેનુ કે પાટિયું જ યાદ રહી જાય છે.

આઇસક્રીમ ખાનારનો એક પ્રકાર એવો છે, જે માને છે કે દુનિયામાં આખરે વિવેક જેવું કંઇક હોય છે. કોઇ આપણને ‘તમારે કયો આઇસક્રીમ?’ એવું પૂછે અને આપણે ધડ દઇને ‘સ્ટ્રોબેરી’ એવું કહી દઇએ તો સારું લાગે? આ કંઇ ઠરેલ માણસનાં લક્ષણ ન કહેવાય. આઇસક્રીમ ખાતાં પહેલાં - તેની ફ્‌લેવરનું નામ પાડતાં પહેલાં થોડો વિવેક કરવો જોઇએ. જેમ કે, ‘અરે, તમે જે મંગાવો તે આપણને ચાલશે.’ અથવા ‘તમારી પસંદગી એ મારી પસંદગી. આપણને બધા જ ભાવે છે.’

આવા આત્માઓનો પનારો પ્રયોગશીલ યજમાન સાથે પડી જાય અને તે પૂછી કાઢે કે ‘હું તો રીંગણનો મંગાવાનો છું. તમારે એ ચાલશે?’ પરંતુ વિવેકીઓના સદ્‌ભાગ્યે એવું ખાસ બનતું નથી. એટલે થોડી હા-ના પછી વિવેકી જનો કહેશે, ‘સારું ત્યારે, આપણો એક ચોકોબાર.’ એ સાંભળીને ઉત્સાહી યજમાનને જરા અફસોસ થશે. ‘અરર, આઇસક્રીમની દુનિયા ક્યાંની ક્યાં નીકળી ગઇ ને તમે ચોકોબાર પર જ ઊભા છો?’ પરંતુ આ લાગણીને વધારે સલુકાઇભર્યા શબ્દોમાં રજૂ કરીને એ કહેશે, ‘ચોકોબાર તો છે જ.પણ એ સિવાય તમારે બીજો કોઇ પણ મંગાવવો હોય તો- એક નજર તો મારો મેનુ પર. અહીંના આઇસક્રીમ વખણાય છે.’

વિવેકી માણસનો વિવેક ફરી કસોટીએ ચઢે છે. યજમાનનું દિલ ન દુભાય એટલા માટે તે મેનુ પર સરસરી નજર નાખીને કહે છે, ‘સારું. કાજુ-દ્રાક્ષ. બસ?’ ચીલાચાલુ ફ્‌લેવરને બદલે યજમાન સતત બીજા વિકલ્પ આપ્યા કરે, એટલે વિવેકશિરોમણી કહે છે, ‘તમે કયો મંગાવ્યો?’ જાણકાર યજમાન રોઝ-કોકોનટ કે વરિયાળી જેવી કોઇ ફ્‌લેવર બોલે, એટલે તરત વિવેકી માણસ બોલી ઉઠે છે, ‘બસ, આપણો એ જ. કદી ટેસ્ટ નથી કર્યો, તો એ બહાને આજે કરી લઇએ.’

એક સમુદાય ગ્રાહકના હિત-હકની સુરક્ષા માટે જાગ્રત હોય છે. આઇસક્રીમ પાર્લરમાં આવે ત્યારથી તેમની આંખો સ્કેનર બની જાય છે અને મગજ શંકાઓનું કારખાનું. ‘આ લોકો કોપરાના આઇસક્રીમમાં ખરેખર કોપરું નાખતા હશે? કેસરના આઇસક્રીમમાં અસલી કેસર વાપરતા હશે? સીતાફળના આઇસક્રીમ માટેનાં સીતાફળ આ સીઝનમાં ક્યાંથી લાવતા હશે?’ તેમની ધાણીફૂટ પ્રશ્નાવલિ જોઇને એવી બીક લાગે છે કે હમણાં એ લોકો પૂછશે, ‘આ લોકો અમેરિકન ડ્રાયફ્રુટમાં અમેરિકા નાખતા હશે?’

મેનુની ચીરફાડ પૂરી થયા પછી એ આઇસક્રીમની બનાવટ, તેમાં વપરાતી જુદી જુદી રીતો અને તેના ગ્રાહકોને થતા ગેરફાયદા-કંપનીઓને થતા ફાયદા પર આવે છે. આઇસક્રીમમાં વપરાતા દૂધથી માંડીને બદામ-પિસ્તા-કાજુ-કેસર જેવી ચીજવસ્તુઓ કેવી તકલાદી, સસ્તા ભાવની અને હલકી ગુણવત્તાની વાપરે છે તેની સિલસિલાબંધ હકીકતો ‘કેગ’ના અહેવાલની છટાથી રજૂ થાય છે. કાઉન્ટરથી થોડે દૂર ઊભા રહીને ગુસપુસ સ્વરમાં એ કહે છે, ‘તમને ખબર નહીં હોય, પણ આ લોકો આઇસક્રીમમાં હવા (એર) ભેળવે છે. બોલો, હવાના પૈસા. આ ચીટિંગ નહીં તો બીજું શું છે?’ તેમને કોઇ સમજાવે કે હવાના ઉમેરાથી જ આઇસક્રીમ લીસ્સો થાય, તો એ કહેશે, ‘આઇસક્રીમ ખરબચડો હોય તો ચાલશે, પણ હવાના તે પૈસા હોતા હશે? આ તો ઠીક છે તમારી સાથે આવ્યા છીએ એટલે, બાકી હું તો આવું ન ચલાવી લઉં. કન્ઝ્‌યુમર કોર્ટમાં કેસ ઠોકી દઉં.’

કેટલાક લોકોનો આઇસક્રીમ માટેનો પ્રેમ જથ્થાના સ્વરૂપે વ્યક્ત થાય છે. તેમના મનમાં કયો આઇસક્રીમ ખાવો એ નક્કી હોય કે ન હોય, પણ કેટલા આઇસક્રીમ ખાવા એ નક્કી હોય છે. યજમાન ‘તમારે કયો?’  પૂછે એટલે તે કહેશે,‘રોસ્ટેડ આલ્મન્ડથી શરૂ કરીએ.’ ત્યાર પછી જાણે આઇસક્રીમ ખાવા નહીં, પણ અનુષ્ઠાન કરવા આવ્યા હોય તેમ વિધિપૂર્વક એક પછી એક આઇસક્રીમના તે ઓર્ડર કરે છે. ‘હવે એક ફ્રેશ ફ્રુટનો.’ એ પૂરો થાય એટલે ‘હવે ડ્રાય ફ્રુટનો.’ પછી ‘અહીનો સ્પેશ્યલ કયો આવે છે?’ અને એને ન્યાય અપાય એટલે ‘છેલ્લે વેનીલા તો ખાવો જ પડે. આઇસક્રીમની ક્વોલિટીનો અસલી ખ્યાલ વેનીલા ખાઇએ તો જ આવે.’ એમ કહીને તે દાવસમાપ્તિની આડકતરી ઘોષણા કરે છે. તેમની વાત સાંભળીને એવું કહેવાનું મન થાય કે ભલા માણસ, આઇસક્રીમની ગુણવત્તા જ ચકાસવી હતી તો પહેલી જ વારમાં વેનીલા મંગાવી લેતા શું જતું હતું? પરંતુ વેનીલા આરોગી લીધા પછી તે લગભગ વિનંતીના અવાજમાં યજમાનને કહે છે, ‘હવે તમે બિલકુલ આગ્રહ ન કરતા. નહીંતર ફરી એક રોસ્ટેડ આલ્મન્ડ ખાવો પડશે.’

અહીં જણાવેલા પ્રકારો સિવાય કેટલાક ‘આપણને તો કેન્ડી/ કુલ્ફી જ ફાવે’ અથવા ‘આઇસક્રીમ ખાવાથી શરદી થાય’ એ વર્ગમાં આવે છે, તો કેટલાકને ‘પ્યાલા-પ્યાલીઓ’ને બદલે ફેમિલીપેકથી ઓછું કંઇ જ ખપતું નથી. ફેમિલી પેક, પ્યાલા-પ્યાલીઓ અને કેન્ડી-કુલ્ફીની વાતો ફરી ક્યારેક.

Tuesday, April 10, 2012

સરકાર વિરુદ્ધ સેનાપતિઃ અવિશ્વાસની આંધી


સેંકડો મર્યાદા ધરાવતી ભારતની લોકશાહીમાં હવે બહુ ઓછી શક્યતાઓ કલ્પનાતીત- કલ્પના પણ ન કરી શકાય એવી- રહી છે. ચૂંટણીમાં ગોટાળાના આરોપ, બંધારણ અને બંધારણીય સંસ્થાઓના હાર્દમાં ગાબડાં, રાજકારણીઓનું બિનલોકશાહી પ્રજાવિરોધી વર્તન, અફસરોની બાબુશાહી, ન્યાયતંત્રમાં ગોટાળા, સૈન્યમાં ભ્રષ્ટાચાર... આમાંથી કોઇ પણ મુદ્દાની વાત આવે એટલે થોડું વાંચતાલખતા-જોતાસાંભળતા લોકો કહેશે, ‘આ બઘું જૂનું થયું. કંઇક નવી વાત કરો.’

પરંતુ ભારતના લશ્કરી સરસેનાપતિ દ્વારા, સૈનિક તાકાતની હિલચાલથી સરકારને ચીમકી આપવાની વાત હજુ કલ્પી શકાતી નથી. આઝાદીના સાડા છ દાયકા દરમિયાન, કટોકટીના સમયગાળા સહિત, રાજકીય નેતાગીરીનો હાથ હંમેશાં લશ્કરી નેતાગીરી કરતાં ઉપર રહ્યો છે. પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ તો ઠીક, અફસરો પણ ઘણી વાર અયોગ્ય રીતે લશ્કરી અધિકારીઓ ઉપર સાહેબગીરી રાખે છે. સામા પક્ષે એવા પણ ફૌજીઓ હોય છે જે હોદ્દા માટે રાજકીય ચાંપો દબાવવામાં અને રાજનેતાઓના કહ્યાગરા બની રહેવામાં ક્ષોભસંકોચ અનુભવતા નથી. બીજા શબ્દોમાં કહી શકાય કે ભારતના રાજકારણમાં લશ્કર દખલ કરતું નથી, પણ ભારતના લશ્કરમાં રાજકારણની અને બાબુશાહીની ઠીક ઠીક દખલ ઘણા સમયથી છે.

સાવચેતી અને સનસનાટી

આટલી ભૂમિકા સાથે જાન્યુઆરી ૧૬-૧૭, ૨૦૧૨ના ઘટનાક્રમ વિશે બહુ સાવચેતીપૂર્વક વિચારવું પડે. લશ્કરી વડા જનરલ વી.કે.સિંઘ પોતાની જન્મતારીખના મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ગયા એ જ રાત્રે બે લશ્કરી ટુકડીઓ ‘કવાયતના ભાગરૂપે’ દિલ્હીની દિશામાં આગળ વધી અને રાત્રે મળેલી સૂચનાઓ પછી અધરસ્તેથી પાછી ફરી. છ અઠવાડિયાંની મહેનત અને ચકાસણી પછી આ અહેવાલ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તા સહિત ચાર પત્રકારોનાં નામ સાથે ગયા સપ્તાહે પ્રગટ થયો. તેનાથી પ્રસરેલાં આઘાત-પ્રત્યાઘાતનાં મોજાં હજુ શમ્યાં નથી. અત્યંત સાવચેતીપૂર્વક લખાયેલા અહેવાલમાં ક્યાંય એવું લખાયું નથી કે જનરલ  સિંઘે સરકાર પર દબાણ લાવવા માટે આ બે ટુકડીઓને દિલ્હીની દિશામાં આગળ વધારી. બલ્કે, અહેવાલમાં જનરલ  સિંઘની બેદાગ કારકિર્દીની પ્રશંસા કરવામાં આવી છે. પરંતુ આખા અહેવાલમાં ઊભા કરાયેલા કેટલાક સવાલોની અણી જનરલ  સિંઘને અને સંરક્ષણ મંત્રી એન્ટનીને- એમ બન્ને પક્ષોને વાગે એમ છે.

અહેવાલમાં પૂછાયેલા ઉભા કરાયેલા પાયાના મુદ્દાઃ ૧) નેશનલ કેપિટલ રિજીયન - પાટનગર વિસ્તાર-માં લશ્કરી ટુકડીઓની કોઇ પણ પ્રકારની હિલચાલ માટે આગોતરી જાણ કરવી પડે. આ કિસ્સામાં એવી જાણ કરવામાં આવી ન હતી. ૨) ઘુમ્મસમાં લશ્કરી ટુકડીઓની સજ્જતા ચકાસવાનો જ પ્રશ્ન હોય તો વધારે ગીચ એવા દિલ્હી તરફના રસ્તાને બદલે બીજો રસ્તો કેમ લેવામાં ન આવ્યો? ૩) મલેશિયાની મુલાકાતે ગયેલા સંરક્ષણ સચિવને મુલાકાત અઘૂરી મૂકીને રાતોરાત પાછા બોલાવી લેવાયા. તેમણે રાત્રે ને રાત્રે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરશન્સ  એ.કે.ચૌધરીને બોલાવીને ‘આ બઘું શું ચાલી રહ્યું છે?’ એ મતલબનું પૂછ્‌યું. તેમના હુકમથી બન્ને ટુકડીઓને પાછી મોકલી દેવામાં આવી. ૪) દરમિયાન સરકારી હુકમથી દિલ્હીમાં આવતાં વાહનોનું દિલ્હીના નાકે ચેકિંગ કરવાના હુકમ જારી થયા, જેથી દરેક વાહનને ઊભા રહેવું પડે. એ રીતે ટ્રાફિક ધીમો પડે અને ટુકડીઓને દિલ્હી સુધી પહોંચવામાં વાર લાગે.

સરવાળે કશું જ બન્યું નહીં. બન્ને ટુકડીઓ જે રીતે આવી હતી, એવી જ રીતે પાછી ફરી ગઇ. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલમાં પણ સાવધાની અને સલુકાઇથી બળવો કે બળવાનો પ્રયાસ કે બળવાની દિશામાં હિલચાલ (‘કૂપ’) જેવો શબ્દ ટાળવામાં આવ્યા. એને બદલે સરકારના પક્ષે ગૂંચવાડો (કન્ફ્‌યુઝન) અને અસુખ-અકળામણ (અનઇઝ) પ્રવર્તતાં હતાં એમ લખવામાં આવ્યું. છતાં, આખો અહેવાલ અને તેમાંથી ઉભા થતા મુદ્દા વાંચીને છાપ એવી જ ઊભી થઇ કે સરકાર અને જનરલ વચ્ચેના સંઘર્ષમાં જનરલ વિરુદ્ધ કોઇ આકરું પગલું લેવામાં આવે, તેને આગોતરું ખાળવા માટે- પ્રીએમ્પ્ટ કરવા માટે- સૈન્યની બે ટુકડીઓ દિલ્હી તરફ રવાના થઇ હતી.

વડાપ્રધાન, સંરક્ષણમંત્રી અને જનરલ સિંઘથી માંડીને પ્રસાર માઘ્યમોમાં પણ ઘણાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલને ચુનંદાં વિશેષણોથી વખોડી કાઢ્‌યો. વડાપ્રધાને તેને ‘એલાર્મિસ્ટ’ (ભડકામણો) કહ્યો, તો જનરલ સિંઘે તેને ‘ફેબલ્સ ઓફ સિક માઇન્ડ’ (રુગ્ણ માનસની કપોળકલ્પના) ગણાવ્યો. ‘એક્સપ્રેસ’ના તંત્રી શેખર ગુપ્તાએ અહેવાલને ‘એલાર્મિસ્ટ’ નહીં, પણ એલાર્મિંગ (ચેતવણીસૂચક) ગણાવ્યો અને ચોતરફથી થયેલા નકાર છતાં તે પોતાના અહેવાલમાં મુકાયેલી હકીકતોને વળગી રહ્યા.

કેટલીક વઘુ હકીકતોના પ્રકાશમાં


અત્યાર સુધી સામસામે રહેલાં સરકાર અને સેનાપતિ અખબારી અહેવાલ  વાહિયાત હોવાના મુદ્દે એક થઇ ગયાં. સાથોસાથ, એ બન્ને સિવાયના કેટલાક પક્ષોએ અહેવાલને તથા તેના રદિયાને ટેકો કરે એવી વાતો બહાર આણી છે. જેમ કે, એક અખબારના સંરક્ષણને લગતી બાબતોના પત્રકાર સાથે વાત કરતી વખતે કેટલાક લશ્કરી અફસરોએ કહ્યું કે નેશનલ કેપિટલ રિજીયનમાં સૈન્યની ટુકડીઓની હેરાફેરીઓ થતી જ રહે છે. એમાં કશું નવું નથી અને તેમાં કોઇ આગોતરી પરવાનગી કે જાણકારીની જરૂર હોતી નથી. કેટલાક અફસરોએ કહ્યું કે દસેક હજાર જેટલા સૈનિકો કાયમ દિલ્હીમાં સ્થિત હોય છે. તેમની સરખામણીમાં કુલ પાંચસોની આસપાસ સૈનિકોની ટુકડીઓ દિલ્હી તરફ મોકલીને જનરલ સિંઘ સરકારને દબાવવાનો પ્રયાસ કરે, એ માનવા જેવું નથી. એક અફસરે કહ્યું કે જનરલે ઇચ્છ્‌યું જ હોત તો દોઢસો-બસો કિ.મી. દૂર આગ્રા અને હિસ્સારથી લશ્કરી ટુકડીઓ દિલ્હી તરફ બોલાવવાને બદલે, માંડ સિત્તેર કિ.મી. દૂર મેરઠથી ઇન્ફન્ટ્રી/પાયદળની આખી ડિવિઝન લાવવાનું તેમને વધારે સહેલું પડ્યું હોત.

બીજી તરફ, પ્રામાણિક અને બેદાગ અફસર તરીકે પંકાયેલા નિવૃત્ત લેફ્‌ટન્ટ જનરલ હરચરનજીતસિંઘ પનાગે ટ્‌વીટર પર એવો મત રજૂ કર્યો કે પોતાની સામેનાં સંભવિત સરકારી પગલાં લેવા માટે જનરલ વી.કે.સિંઘે કરેલું એવું શક્તિપ્રદર્શન હોઇ શકે છે, જેમાં ભાગ લેનારા સૈનિકોને તેમની દિલ્હી તરફની કૂચનું સાચું કારણ ખબર પણ ન હોય. ફક્ત ઉચ્ચ હોદ્દો ધરાવતા અફસરો જ દિલ્હી તરફ આગળ વધવાના સાચા કારણથી વાકેફ હોય. નિવૃત્ત લેફ્‌ટ. જનરલ પનાગે લશ્કરી પરિભાષામાં આ જાતના પગલા પાછળનું સંભવિત ઘ્યેય જણાવતાં લખ્યું ‘શત્રુપક્ષથી પહેલાં પગલાં લઇ લેવાં જેથી તે પોતાની વ્યૂહરચના, યોજના કે કાર્યવાહી અમલમાં મૂકી શકે નહીં.’ તેમનાં લખાણનો ઘ્વનિ એવો હતો કે સરકારને ચીમકી આપવા માટે  બે ટુકડીઓ દિલ્હી તરફ મોકલવામાં આવી હોય એ (અખબારી અહેવાલમાં સૂચવાયેલી સંભાવના) બનવાજોગ છે.

અખબારી અહેવાલનો ઘ્વનિ ઘણો ગંભીર છે, પણ તેના લેખિત શબ્દોમાં એટલું સ્પષ્ટપણે કહેવાયું છે કે સરકારને એક તબક્કે જનરલ સિંઘ તરફથી લશ્કરી હિલચાલની શંકા ગઇ હતી. એટલું જ નહીં, પોતાની શંકાના (કે ગૂંચવાડાના) આધારે સરકારે (સંરક્ષણ મંત્રીએ) ટુકડીઓની દિલ્હી તરફની ગતિ ધીમી પાડવા માટે પગલાં લીધા અને સરવાળે તેમને પાછી મોકલી દીધી. આ ટુકડીઓ ખરેખર જનરલ સંિઘની યોજનાના ભાગરૂપે દિલ્હી ભણી આવતી હતી કે કેમ, એની ચર્ચા ફોતરાં ખાંડવા જેવી બની રહેશે. કારણ કે તેની સાથે સંકળાયેલી સચ્ચાઇ એમ બહાર આવવાની નથી. મહત્ત્વનો મુદ્દો સરકારે કરેલી કલ્પનાનો- અને તેમાંથી ડોકાતી સરકારની અસ્થિર, અસલામત માનસિકતાનો છે.

ગરીમા ખોવાની હરીફાઇ


સૈન્યવડા જનરલ સિંઘ સાથે સંરક્ષણ મંત્રાલયની તકરાર તેમની જન્મતારીખના મુદ્દે શરૂ થઇ. આટલો નાનો મુદ્દો દેશના સૈન્યવડા અને સંરક્ષણ મંત્રી એકબીજાની ગરીમા જાળવીને, બંધબારણે ઉકેલી ન શકતા હોય તે સૌથી મોટી ચિંતા અને શરમની વાત કહેવાય. બન્ને પક્ષોએ આ મુદ્દે જાહેરમાં ગરીમા ચૂકવામાં કશું બાકી રાખ્યું નહીં. પહેલી નિષ્ફળતા સરકારની. કારણ કે તે વ્યક્તિ નથી. તેની પાસે એક માણસને સમજાવવાના- તેની સમસ્યા ઉકેલવાના ઘણા રસ્તા હોય છે. સાથોસાથ, જનરલ સિંઘની નિષ્ફળતા પણ ઓછી નથી. કારણ કે, એક વાર મતભેદો જાહેર થઇ ગયા પછી તેમણે પ્રસાર માઘ્યમોનો સારોએવો ઉપયોગ કર્યો અને એ પરંપરા સતત ચાલુ રાખી.

લશ્કરના બે જુદા વિભાગોમાં જનરલ સિંઘની બે જુદી જન્મતારીખો બોલતી હતી. જનરલ સિંઘ ૧૯૫૧ની જન્મતારીખ આગળ કરતા હતા અને સરકાર તેમની બઢતીઓમાં ગણાયેલી ૧૯૫૦ની જન્મતારીખ આખરી ગણાવતી હતી. સરકારી જન્મતારીખ ગણતરીમાં લેવાય તો ૩૦ મે, ૨૦૧૨ના રોજ જનરલ સિંઘને નિવૃત્ત થઇ જવું પડે.    સમજ્યાવિચાર્યા વિના, કેવળ કોંગ્રેસવિરોધને મૂલ્ય માનતા લોકોને એવી  દલીલ પકડાવી દેવામાં આવી કે ‘જનરલ સિંઘને બઢતી આપતાં પહેલાં તત્કાલીન સૈન્યવડા દીપક કપૂરે તેમને જૂઠી જન્મતારીખ સ્વીકારવાની ફરજ પાડી હતી.’ એ સાચું હોય તો પણ  શરમજનક ન કહેવાય? દેશના સૈન્યવડાને પોતાની જન્મતારીખ જેવી બાબતમાં શા માટે અને કયા દબાણથી ઝૂકવું પડે? જન્મતારીખના મુદ્દે તેમણે બેદરકારીથી અથવા ગાફેલિયતથી અથવા દબાણથી, પણ એવા કાંડા શા માટે કાપી આપ્યાં કે સર્વોચ્ચ અદાલતમાં તેમનો કેસ લૂલો પુરવાર થયો? સર્વોચ્ચ અદાલતે સૈન્યવડાના વકીલને એ મતલબનું કહેવું પડ્યું કે કેસ પાછો ખેંચી લો. નહીંતર સૈન્યવડા કેસ હારશે તો નીચાજોણું થશે.

અદાલતની સલાહ માનીને કેસ પાછો પણ ખેંચાઇ ગયો. સૈન્યવડાનું પદ ભોગવી રહેલા અને ‘વઘુ એક વર્ષ સુધી આ હોદ્દે રહેવાનો નહીં પણ સ્વમાનનો સવાલ છે’ એવું કહેનારા માણસ પાસેથી એટલી અપેક્ષા ન રાખી શકાય કે એ પોતાના હોદ્દેથી રાજીનામું આપીને- નોકરીની ખરેખર પડી નથી એમ બતાવીને- પછી સરકારને જૂઠી સાબિત કરે અને તેને શરમાવે? પરંતુ જનરલ હોદ્દા પર ચાલુ રહ્યા અને જન્મતારીખથી માંડીને પાછલી તારીખોના ભ્રષ્ટાચારના આરોપો સુધીના મુદ્દે ગરીમા ઘટે એવું વર્તન કર્યું

જનરલ વી.કે.સિંઘની બાબતમાં થયેલો આખો વિવાદ હકીકતે તેમના અનુગામી લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘને સૈન્યવડા બનાવવા માટેનો હતો, એવી પણ વાતો ક્યારની વહેતી થઇ ચૂકી છે. વરિષ્ઠતાની દૃષ્ટિએ જનરલ વી.કે.સિંઘ પછીના ક્રમે આવતા લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘ વિશે પહેલાં એવી વાત વહેતી મુકાઇ કે તેમની પુત્રવઘુ પાકિસ્તાની છે. તપાસમાં એ વાત ખોટી સાબીત થઇ (તે અફઘાન મૂળનાં અમેરિકન નાગરિક છે). ત્યાર પછી નૌકાદળના ભૂતપૂર્વ વડાઓ એડમિરલ રામદાસ અને એડમિરલ વિષ્ણુ ભાગવત, ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એન.ગોપાલસ્વામી  જેવા લોકોએ મળીને લેફ્‌ટ. જનરલ બિક્રમસિંઘની નિમણૂંક સામે સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી/પીઆઇએલ કરી. તેમાં મુખ્ય આરોપ છે કે જનરલ  બિક્રમસિંઘ ૨૦૦૧માં જમ્મુ-કાશ્મીરમાં નકલી એન્કાઉન્ટરના કેસમાં સંડોવાયેલા છે. જાહેર હિતની અરજી કરનારા મહાનુભાવોએ અદાલત સમક્ષ એવી પણ વિનંતી કરી છે કે સૈન્યવડાના હોદ્દે જનરલ વી.કે.સિંઘને જ ચાલુ રાખવામાં આવે.

જનરલ બિક્રમસિંઘ સામેના આક્ષેપોની તપાસ તો થશે, પણ વધારે અગત્યનો અને ચિંતાનો મુદ્દો એ છે કે સૈન્યવડા જેવી નિમણૂંકોમાં પણ હવે જાહેર આક્ષેપબાજી અને અદાલતોની દખલગીરી શરૂ થઇ જશે, તો સરકાર શું કરશે? આ મુદ્દે સરકાર પહેલાં પોતાની વિશ્વસનીયતા અને પછી પોતાનો અબાધિત અધિકાર સ્થાપિત કરે તથા લશ્કરમાં રાજકારણ રમવાનું બંધ કરે, એ દેશહિત માટે સૌથી જરૂરી છે.

Sunday, April 08, 2012

મોબાઇલ કોમર્સઃ કૂકડો બોલી ગયો, હવે સૂરજ ક્યારે તપશે?


ભારતમાં શૌચાલયો કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધી પડી, ત્યાર પહેલાંથી મોબાઇલ કોમર્સની છડી પોકારાઇ ચૂકી છે. ટૂંકમાં ‘એમ-કોમર્સ’ તરીકે ઓળખાતા મોબાઇલ કોમર્સ માટે કહેવાતું હતું કે તેના આગમન પછી બેન્કમાં ખાતું હોય કે ન હોય, એવા તમામ મોબાઇલધારકો પોતાના ફોનથી જ રૂપિયા ચૂકવી કે સ્વીકારી શકશે. જુદાં જુદાં બિલ ભરવા માટે લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટ ટળી જશે.  બેન્કના ખાતામાંથી બિલની બારોબાર કપાત કરતી ઇસીએસ- ઇલેક્ટ્રોનિક ક્લીઅરીંગ સર્વિસ-નો ઉપયોગ પણ નહીં કરવો પડે. પોતાના મોબાઇલ ફોનમાં રકમ, સામા છેડાનો ફોન નંબર અને પોતાનો કોડ નંબર- આટલી એન્ટ્રી કરવાથી આર્થિક લેવડદેવડ વિના વિલંબે, તરત જ પૂરી. મોબાઇલના સ્ક્રીન પર તેની પહોંચ પણ આવી જશે. આ પ્રકારની સુવિધા માટે મોંઘા ભાવના સ્માર્ટ ફોનની જરૂર નહીં પડે. શોખીનો જેને ‘ડબલાં’ તરીકે ઓળખે છે, એવા સીધાસાદા સેલફોનથી કામ થઇ જશે.

સુવિધા અને સરળતાના આ ગુલાબી ચિત્રમાં વધારાનો રંગ પૂરતો અંદાજ એવો છે કે વર્ષ ૨૦૧૫માં ભારતમાં કુલ વસ્તી જેટલા જ મોબાઇલ ફોન થઇ જશે. તેમાંથી દસેક કરોડ લોકો ધારકો એમ-કોમર્સનો ઉપયોગ કરતા હશે.

નજીકના ભવિષ્ય પછી વધારે નજીકના ભૂતકાળમાં નજર કરીએ તો, લગભગ ૧૨ લાખ ગ્રાહકોને એમ-કોમર્સની સેવા પૂરી પાડતી કંપની ‘નોકિયા’એ માર્ચ, ૨૦૧૨માં પોતાની સેવાઓ આટોપી લેવાની જાહેરાત કરી. ‘નોકિયા’ ફોન દ્વારા ‘યસ બેન્ક’ અને ‘યુનિયન બેન્ક’ સાથે બેન્કિંગ (રૂપિયાની લેવડદેવડ) કરતા ૧૦ લાખ ગ્રાહકોને હવે એ સુવિધા બીજા કોઇ ઓપરેટર પાસેથી મળે એવી ગોઠવણ વિચારાઇ રહી છે, જ્યારે બાકીના ૨ લાખ ગ્રાહકો કંપનીના પોતાના એકમ ‘નોકિયા મની’ના હતા. ‘નોકિયા’એ ‘મૂળ ધંધામાં ઘ્યાન આપવા માટે’ એમ-કોમર્સમાંથી પાછા હટી જવાની જાહેરાત કરી. પરંતુ ‘નોકિયા મની’ના  ગ્રાહકો  પોતપોતાના મોબાઇલમાં જમા પડેલી રકમ વાપરી શકે એ માટે તેમને ત્રણેક મહિના જેટલો સમય આપવામાં આવ્યો છે. દરમિયાન, મોબાઇલ સર્વિસ કંપની એરટેલ, એચ.ડી.એફ.સી. બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓ માસ્ટરકાર્ડ તથા વિસા  એમ-કોમર્સના ધંધામાં આવી ચૂક્યાં છે.

સાદા ટેલીફોનની અવેજીમાં ફક્ત વાતચીત કરવા માટે શોધાયેલો મોબાઇલ ફોન ઉપયોગીતાની દૃષ્ટિએ કેટલું કાઠું કાઢી ગયો છે તેનો ખ્યાલ એ વાત પરથી આવશે કે એમ-કોમર્સમાં બાકીની ત્રણે કંપનીઓ એક યા બીજી રીતે નાણાંકીય વ્યવસાયમાં હતી (બેન્ક-ક્રેડિટ કાર્ડ), જ્યારે એરટેલ મૂળભૂત રીતે મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર. પરંતુ એમ-કોમર્સની બાબતમાં તે એચ.ડી.એફ.સી. જેવી નામી બેન્ક કે વિસા-માસ્ટરકાર્ડ જેવી ખમતીધર ક્રેડિટકાર્ડ કંપનીઓને મજબૂત હરીફાઇ પૂરી પાડી રહી છે. બલ્કે, ભારતમાં એમ-કોમર્સને વ્યાપક બનાવવાની હોડમાં અત્યારે તે સૌથી આગળ લાગે છે.

‘મોબાઇલ બેન્કિંગ’ તરીકે ઓળખાતી સુવિધા આઇસીઆઇસીઆઇ જેવી બેન્ક ઘણા સમયથી પૂરી પાડતી હતી. તેના પ્રતાપે ખાતેદાર બેન્કમાં ગયા વિના પોતાના ખાતામાં રહેલી રકમ અને છેલ્લી પાંચ એન્ટ્રીની વિગત જાણી શકે. ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી શકે. નવી ચેકબુકની માગણી કરી શકે. ચેક ક્લીયર થયો કે નહીં અથવા એ કયા તબક્કે પહોંચ્યો છે, તે જાણી શકે. ફિક્સ્ડ અને રિકરિંગ ડિપોઝીટનાં ખાતાં બેન્કમાં ગયા વિના જ ખોલાવી શકે. આ સુવિધાઓ બેશક આકર્ષક અને નવીન લાગે, પરંતુ તેને ‘ક્રાંતિકારી’ બનતાં અટકાવતી બે મુખ્ય મર્યાદાઓ હતીઃ મોબાઇલ ફોન થકી બેન્કમાંથી રૂપિયા ઉપાડી ન શકાય અને રોકડા રૂપિયા જમા કરાવી ન શકાય.

એમ-કોમર્સ આ બન્ને મર્યાદાઓ દૂર કરતું હોવાથી તેની શક્યતાઓ ક્રાંતિકારી ગણાય છે. જાહેરખબરોના આક્રમણ સાથે બજારમાં આવેલી ‘એરટેલ મની’ સર્વિસની વાત કરીએ તો, તેમાં રૂપિયા જમા કરાવવા માટે બે વિકલ્પ છે. પહેલો વિકલ્પ ‘નેટ બેન્કિંગ’ ગણી શકાય. કારણ કે તેમાં કંપનીની વેબસાઇટ પર જઇને, ગ્રાહક પોતાન બેન્ક ખાતાનંબર લખે અને તેમાંથી કેટલી રકમ ‘એરટેલ મની’માં જમા કરવાની છે એ લખે, એટલે એટલી રકમ ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા થઇ જાય છે. આ પદ્ધતિની દેખીતી બે મર્યાદાઓ છેઃ

૧) કંપનીની વેબસાઇટ પર ગ્રાહકો પોતાનો બેન્કખાતા નંબર લખવો પડે છે. વેબસાઇટો સુરક્ષાની પૂરતી કાળજી લેતી હોવા છતાં અને લોકો ધીમે ધીમે નેટ બેન્કિંગથી ટેવાતા હોવા છતાં, ખાતાનંબર જેવી વિગતો ઇન્ટરનેટ પર આપવાનું ઘણા ગ્રાહકો પસંદ કરતા નથી.

૨) એમ-કોમર્સનું સૌથી મોટું આકર્ષણ અને સૌથી મોટી ક્રાંતિ બેન્કમાં ખાતું ન હોય એવા લોકોને બેન્કિંગની સેવા પૂરી પાડવાની છે, જ્યારે ‘નેટ બેન્કિંગ’નો વિકલ્પ ફક્ત એવા લોકોને ખપ લાગે છે, જે બેન્કમાં ખાતું ધરાવતા હોય.

અલબત્ત, ‘એરટેલ મની’નો બીજો વિકલ્પ આગળ જણાવેલી બન્ને મર્યાદાઓ ઓળંગી જાય છે. એ પદ્ધતિમાં મોબાઇલમાં રૂપિયા જમા કરાવવા હોય તો માણસે રૂપિયા લઇને નજીકના એરટેલ રીટેઇલર પાસે જવું પડે. ત્યાં રોકડ રૂપિયા આપતાં વેંત એ રૂપિયા ગ્રાહકના મોબાઇલ ફોનમાં જમા બોલતા થઇ જાય. આવા રીટેઇલરોની યાદી કંપનીની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. આ વિકલ્પ સારો છે, પરંતુ સેવાનો વ્યાપ અને રીટેઇલરોની સંખ્યાનું તંત્ર ચેઇન રીએક્શન જેવું હોય છે. રીટેઇલરોની સંખ્યા વધે તો સેવાનો વ્યાપ અને ગ્રાહકોની સંખ્યા વધે. એવી જ રીતે ગ્રાહકોની સંખ્યા વધે તો રીટેઇલરો વધારી શકાય.

મોબાઇલ ફોનની રીચાર્જ કૂપનો પાનના ગલ્લે મળતી થઇ ગઇ છે, એ જોતાં રીટેઇલરોની સંખ્યા વધતી રહેશે એવું માની શકાય. અલબત્ત, રીટેઇલરોએ રોકડા રૂપિયા ઉઘરાવવાના હોવાથી, કંપનીઓ તેમને નીમતાં પહેલાં વધારે સાવચેતી રાખે એ સ્વાભાવિક છે.

આ રીતે મોબાઇલ ફોનમાં રૂપિયા જમા થયા પછી, મોબાઇલ ફોનમાં કંપનીએ આપેલાં મેનુમાં યોગ્ય પસંદગી કરીને, બિલની રકમ,  જેને બિલ આપવાનું છે તેનો મોબાઇલ નંબર, ગ્રાહકનો પોતાનો એમ-પિન (મોબાઇલ પર્સનલ અન્ડેન્ટિફિકેશન નંબર) જેવી વિગતો ભરવાથી બિલ ભરી શકાય છે, કંપનીએ કરેલી ગોઠવણો પ્રમાણે સિનેમાની કે મુસાફરીની ટિકીટો ખરીદી શકાય છે, કંપનીએ નક્કી કરેલા સ્ટોરમાંથી બીજી ખરીદી પણ કરી શકાય છે. મોબાઇલ દ્વારા રૂપિયા ચૂકવ્યા પછી સિનેમાની કે મુસાફરીની ટિકીટ મોબાઇલ ફોનમાં જ આવી જાય છે, જે સ્થળ પર અસલી ટિકીટને બદલે બતાવી શકાય છે.

એમ-કોમર્સનો બીજો મહત્ત્વનો ઉપયોગ નાણાં મોકલવા માટેનો છે. ક્યાંય ગયા વિના, ફક્ત મોબાઇલનાં બટન દાબીને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાણાં મોકલી શકાય છે. અલબત્ત, આ સેવાનો હવાલા પાડવા જેવાં કામોમાં દુરુપયોગ ન થાય અને ફક્ત રોજિંદા વ્યવહારમાં જ તે વપરાય એ માટે રિઝર્વ બેન્કે રોજ વઘુમાં વઘુ કેટલી રકમની લેવડદેવડ થઇ શકે તેની મર્યાદા આંકી છે.

આ બઘું વાંચીને લાગે કે એમ-કોમર્સની સફળતા માટેનો તખ્તો બરાબર ગોઠવાઇ ચૂક્યો છે. પરંતુ હજુ થોડી કરચલીઓ સીધી થાય તેની પ્રતીક્ષા છે. તેમાંની એક ચાવીરૂપ બાબત છેઃ ઇન્ટરઓપરેબિલીટી. અત્યારે ‘એરટેલ મની’ સુવિધા ફક્ત એરટેલના ગ્રાહકો માટે જ છે. એને બદલે, કોઇ પણ બે મોબાઇલ સેવા ધરાવતા ગ્રાહકો એકબીજા સાથે નાણાંકીય આપ-લે કરી શકે તો તેનો વ્યાપ અનેક ગણો વધી શકે. બીજો મુદ્દો રૂપિયાની લેવડદેવડ સાથે સંકળાયેલી માનસિકતાનો છે. નાણાંકીય ક્ષેત્રના ઘણા લોકોને લાગે છે કે ભારતીયો ઇન્ટરનેટ કે મોબાઇલ જેવાં માઘ્યમો પર થતી ‘અદૃશ્ય’ લેવડદેવડને બદલે આંખ સામે થતી રોકડ લેવડદેવડથી વધારે ટેવાયેલા છે. તેથી એમ-કોમર્સ પૂર્ણ કદની ક્રાંતિ ન બનતાં નેટબેન્કિંગની જેમ વઘુ એક વિકલ્પ બનીને રહી જાય એવી પણ શક્યતા છે. એમ-કોમર્સની સેવાઓ માટે કંપનીઓ દ્વારા વસૂલાતો સર્વિસચાર્જ કેટલો છે, એની ઉપર પણ ગ્રાહકોની સંખ્યાનો આધાર રહે છે. ભારતમાં રૂપિયા અથવા સમય બેમાંથી એકની બચત કરવાની હોય, તો સરેરાશ લોકો રૂપિયાની બચત પસંદ કરશે.

એમ-કોમર્સ વાવાઝોડાની જેમ આવે ને છવાઇ જાય, એવું કેન્યા કે ફિલિપાઇન્સ જેવા દેશોમાં ભલે શક્ય બન્યું હોય, ભારતમાં અત્યાર સુધીનો અનુભવ જુદો રહ્યો છે અને ભવિષ્યમાં પણ તેની ગતિ તેજ અને તોફાનીને બદલે ધીમી અને મક્કમ રહે એવી સંભાવના વધારે છે.

Wednesday, April 04, 2012

દૂધના ‘સમુદ્રમંથન’નો દૈવી પ્રસાદઃ કોઠી આઇસક્રીમ


‘એવી કઇ ચીજ છે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ- ત્રણે સ્વરૂપોનું મિશ્રણ થયેલું છે?’-આ સવાલના જવાબમાં નોકરીયાત વર્ગ વિચારશે કે નક્કી, ઉપરીના ઠપકા વિશે વાત થતી લાગે છે. કારણ કે બોસ ખખડાવે ત્યારે માથામાં ઘન સ્વરૂપના હથોડા વાગે છે, કપાળેથી પ્રવાહી સ્વરૂપે પરસેવો છૂટી જાય છે અને મગજની અંદરથી વાયુ સ્વરૂપે વરાળો નીકળવા લાગે છે. વિદ્યાર્થીઓને બોસને બદલે કડક શિક્ષકનો વિચાર આવી શકે છે. કેટલાક લોકો સવાલ પૂરો થાય તે પહેલાં જ ‘આપણે કોમર્સ લીઘું હતું’ એમ કહીને સ્વેચ્છાનિવૃત્તિ જાહેર કરી દેશે, તો સાયન્સબહાદુરો પોતાના ભૂતકાળની શરમે માથું ખંજવાળશે અને ‘એવું કંઇક આવતું હતું ખરું, પણ હવે બહુ વખત થઇ ગયો એટલે યાદ નથી.’ એમ કહીને આબરૂ બચાવવા પ્રયાસ કરશે.
 ઉપરનો સવાલ આઇસક્રીમ ખાતાં ખાતાં પૂછાયો હોય, તો પણ તેનો જવાબ ન સૂઝે એવું બને. જવાબ છેઃ ખુદ આઇસક્રીમ. પરંતુ આઇસક્રીમનું પ્રમુખ લક્ષણ અને તેનું માહત્મ્ય જ એ છે કે તેના પ્રેમીઓ આઇસક્રીમ ખાતા હોય ત્યારે તેમને બાકીનું બઘું મિથ્યા લાગે છે. ‘સમય અને સમુદ્રી મોજાં કોઇની રાહ જોતાં નથી’ એવું કહેનારા ચંિતકોએ કદી આઇસક્રીમ નહીં ખાધો હોય. નહીંતર તેમણે એ યાદીમાં આઇસક્રીમનો પણ ઉમેરો કર્યો હોત.

ઓગળતા આઇસક્રીમને ફ્રીઝર સિવાય બીજા કશાની શરમ નડતી નથી. ભલભલો વડાપ્રધાન હોય કે તાનાશાહ, એક વાર હાથમાં આઇસક્રીમ પકડ્યો એટલે તેનો પાર લાવ્યે જ છૂટકો. સ્વમાની આઇસક્રીમ પોતાની અવગણના સાંખી શકતો નથી. ‘મોટા ઉપાડે મને બોલાવ્યો ને હવે મારા માટે ટાઇમ નથી? તો લો, હું આ ઓગળ્યો. તમને મારી પડી નથી, તો મનેય તમારી પરવા નથી.’ સૌ જાણે છે કે ઓગળેલો આઇસક્રીમ ખાવા-એટલે કે પીવા- માટે કોઇ ભૂંગળી (સ્ટ્રો) આપતું નથી. દરેકે પોતાના હિસાબે અને જોખમે કપ કે બાઉલ મોઢે માંડવાનો રહે છે.

આઇસક્રીમની પહેલી ચમચી કે પહેલું બટકું, અઘ્યાત્મની પરિભાષામાં કહીએ તો, સાક્ષાત્કારની ક્ષણ હોય છે. એક જ બટકું અને આખા અસ્તિત્ત્વમાં બત્રીસે કોઠે ટાઢક પ્રસરી જાય છે. ઘણાને જોકે આઇસક્રીમની અતિશય ઠંડક માફક ન આવતી હોય તો બત્રીસ કોઠે ટાઢકને બદલે બત્રીસી ખડી પડતી હોય એવો અહેસાસ પણ થાય છે. ટોમ એન્ડ જેરીની એનિમેશન ફિલ્મોમાં જેમ બિલાડાના દાંતે કશું અથડાવાથી બધા દાંત ખડીંગ ખડીંગ ખડી પડે છે, એવું ક્યાંક પોતાની સાથે ન થાય, એ બીકે ઘણા લોકો આઇસક્રીમ ખાતાં ખચકાય છે. ભૂલથી એકાદ બટકું ઉતાવળે મોંમાં મુકાઇ જાય તો તેમના હાવભાવ એવા હોય છે, જાણે તેમના મોઢામાં કોઇ રેડિયોએક્ટિવ પદાર્થ આવી ગયો હોય.

પરંતુ આ પ્રકારનું વર્ણન ઘણા આઇસક્રીમપ્રેમીઓને, ગુજરાતની લેટેેસ્ટ ફેશન પ્રમાણે, આઇસક્રીમને બદનામ કરવાનું કાવતરું  લાગી શકે છે. આઇસક્રીમ આપણી ‘બઘું જ શોધી ચૂકેલી’ સંસ્કૃતિનો વારસો નથી. કમ સે કમ, હજુ સુધી કોઇએ એવો દાવો કર્યો નથી કે કૃષ્ણ અને સુદામા મળ્યા ત્યારે સુદામાના તાંદુલના બદલામાં શ્રીકૃષ્ણે કસાટા કે કેસરપિસ્તા કે સ્ટ્રોબેરીનો આઇસક્રીમ ખવડાવ્યો હતો. પાંચે પાંડવો સ્લાઇસ પાડ્યા વિના એક જ ફેમિલી પેકમાંથી કુંડાળે વળીને આઇસક્રીમ ખાતા હતા, એવું મહાભારતના કોઇ અભ્યાસીએ નોંઘ્યું નથી. છતાં, કોઠીને કારણે આઇસક્રીમ આપણા ભવ્ય ભૂતકાળનો સાંસ્કૃતિક વારસો બની ગયો  છે. હકીકતમાં ઇન્ડોલોજિસ્ટો થોડી મહેનત કરે તો સમુદ્રમંથન વખતે રત્નોની સાથે આઇસક્રીમ પણ નીકળ્યો હતો, એવો ઉલ્લેખ મળવાની પૂરી શક્યતા છે.

કોઠીનો આઇસક્રીમ બનાવવો એ આઇસક્રીમ ખાવા જેટલી જ આનંદદાયક સામુહિક પ્રવૃત્તિ હતી. કોઠીના નળાકારમાં દૂધ ભરવાનું, કેરીનો રસ, ટુકડા કે કાજુ-દ્રાક્ષ નાખવાનાં, કોઠીની ચોતરફ બરફ, તેમાં મીઠાના ગાંગડા હોય અને બહારની બાજુ કંતાન વીંટાળેલું હોય. એ વખતે એવું લાગે કે બસ, કોઇ લાયક માણસ હેન્ડલ લઇને કોઠીમંથન કરે એટલે દૈવી પ્રસાદી તરીકે આઇસક્રીમ મળશે.

કોઇ માણસ ફક્ત પોતે ખાવા માટે કોઠીનો આઇસક્રીમ ન બનાવે. કુટુંબપરિવાર ને મિત્રમંડળનું ટોળું બેઠેલું હોય. તેમાં વડીલો પોતાના જમાનાની અને પોતે કોઠી ફેરવવામાં કેવા ચેમ્પિયન હતા તેની વાતો કરતા હોય. સાથે સાથે, કોઠીમાં નાખવા માટે અલગ રખાયેલા કાજુના કોઇ ન જુએ તેમ ફાકડા મારવાનું પરાક્રમ પણ પોરસથી યાદ કરવામાં આવે. મહિલાવર્ગ આઇસક્રીમની પ્રતીક્ષામાં અને આઇસક્રીમ પાર્ટી પૂરી થયા પછી સાફસફાઇના વહીવટની માનસિક તૈયારી સાથે બેઠો હોય. મોટી ઉંમરના જુવાનિયા ઘડીકમાં કોઠી બાજુ, તો ઘડીમાં પોતાનાં બાવડાં તરફ જોઇને ‘આવી તો કંઇક કોઠીઓ ઊંચી મૂકી દીધી’ ના ભાવ સાથે નવી પેઢીને આગળ આવવા માટે આહ્વાન કરતા હોય. નવી પેઢીને મેદાને જંગમાં પોતાનું પાણી બતાવી દેવા માટે થનગનતા હોય. એવા વાતાવરણમાં, અણુબોમ્બના  પરીક્ષણ માટે બોમ્બને ભૂગર્ભમાં ઉતારવામાં આવે એવી રીતે, દૂધ ભરેલો બંધ નળાકાર કોઠીના બર્ફસ્તાનમાં ઉતરે. એ સાથે જ, ‘નૈયા તેરી મઝધાર, હોશિયાર, હોશિયાર’ ગાતા ઉત્સાહી ફિલ્મી નાવિકોની જેમ રંગરૂટો વારાફરતી કોઠીનો મોરચો સંભાળે.

પહેલી વાર કોઠી ફેરવનારને એમ જ હોય કે ‘એમાં શી મોટી વાત છે? આટલા બધા ફેરવનારાની કશી જરૂર નથી. હું એકલો જ હમણાં જોતજોતામાં આઇસક્રીમ ઠારી નાખીશ.’ પરંતુ થોડો સમય વીત્યા પછી  તેને લાગે કે દૂધ તો કોઠીમાં મૂક્યું હતું ને એ બાવડાંમાં જામતું હોય એવું કેમ લાગે છે? પછી તેને ખ્યાલ આવે કે આઇસક્રીમની તો વાર છે, પણ બાવડાં જામી ચૂક્યાં છે. એટલે ‘હું જરા પાણી પીને આવું. ત્યાં સુધી કોણ ચલાવે છે?’ એમ કહીને બહાદુરીભરી પીછેહઠ કરે. પરંતુ અગાઉ કોઠી ફેરવી ચૂકેલાઓ પાણી પીવાનો અર્થ બરાબર જાણતા હોય. એટલે તે મર્માળુ સ્મિત કરીને, ‘જા, શાંતિથી બઘું પતાવીને જ આવજે’  એમ કહીને, છૂપા ઉપાલંભ સાથે હેન્ડલ સંભાળે.

અનુભવી માણસ હેન્ડલ ફેરવવા માટે આવે ત્યારે રાહુલ દ્રવિડ કે સચિન તેંડુલકર બેટંિગ કરવા ઉતર્યા હોય એવું લાગે. એ આવીને સીધા ઠોકાઠોક શરૂ ન કરી દે. પહેલાં પીચ જુએ. ફિલ્ડંિગ જુએ. ઘડીક સૂરજ સામે જુએ. આમતેમ ખભા હલાવે.  એવી જ રીતે અનુભવીઓ કોઠી પર આવ્યા પછી, હેન્ડલ પકડતાં પહેલાં આજુબાજુનો બરફ જરા ઊંચોનીચો કરે. મીઠાના ગાંગડા નાખે. ભલું હોય તો કોઠી ખોલે અને અંદર જોઇને જાહેર કરે કે ‘હજુ તો દૂધનું દૂધ જ છે.’ (એટલે કે આગળવાળાએ કશું ઉકાળ્યું નથી. હવે જોજો ભાયડાના ભડાકા.)

અનુભવી બેટ્‌સમેનો પહેલા બોલે છગ્ગો મારવાની મહત્ત્વાકાંક્ષા ન રાખે, એવી રીતે અનુભવી કોઠીમાસ્ટરો ધીમી પણ મક્કમ ગતિથી, ચહેરા પરના હાવભાવમાં ફેરફાર ન થાય ને કરચલીઓની સંખ્યામાં વધઘટ ન થાય એ રીતે મૂંગું બળ બતાવીને કોઠી ફેરવવામાં પ્રવૃત્ત થાય. શ્રમ પડતો હોવા છતાં ચહેરા પર જળવાયેલી સમધારણતા અને તેમનું આખું અસ્તિત્ત્વ કોઠીના હેન્ડલમય થઇ ગયું હોય એવી તેમની સ્વાભાવિક એકાગ્રતા જોઇને એ પ્રક્રિયાને ‘કોઠીયોગ’ કહેવાનું મન થઇ જાય. થોડી વાર કોઠીનું હેન્ડલ ફેરવ્યા પછી તે ‘બસ, આ જગતમાં મારું અવતારકાર્ય પૂરું થયું. હવે મને તેડું આવી ગયું છે. હું જાઉં.’ એવા ભાવથી તે, કોઇ પણ જાતની બહાનાબાજી વિના ઊભા થઇ જાય. ત્યાં સુધીમાં કોઇ નવો રંગરૂટ કોઠીનું સુકાન સંભાળવા તલપાપડ ઉભો જ હોય.

આ રીતે વારાફરતી હેન્ડલ ફેરવ્યા પછી છેવટે આઇસક્રીમને ઠરેલો જાહેર કરવામાં આવે એટલે રંગરૂટોના હૈયામાં હરખની હેલી ચઢે. આ પ્રક્રિયામાં પોતાનું પ્રદાન કેટલું મહત્ત્વનું રહ્યું, એ વિશે તે મનોમન વિચારવા અને પોરસાવા લાગે. પરંતુ એક લીટરીયો નળાકાર બહાર કાઢીને તેમાંથી આઇસક્રીમ વહેંચતાં ખ્યાલ આવે કે આખો જથ્થો વડીલો અને મહિલા વર્ગમાં જ પૂરો થઇ ગયો છે. રંગરૂટોના ભાગે ફરી એક વાર ‘હોશિયાર, હોશિયાર’ કરીને કોઠી ચલાવવાનું આવ્યું છે, એટલે તે પ્રેરણાનાં પિયુષની અવેજીમાં એકાદ ચમચી આઇસક્રીમ ચાખીને, તેમાંથી કોઠી ચલાવવાનું બળ પ્રાપ્ત કરે.

આમ ને આમ, બે રાઉન્ડ પછી જ્યારે ત્રીજા રાઉન્ડમાં આઇસક્રીમ ખાવાનો વારો આવે ત્યારે, શરૂઆતમાં હોંશે ઉભરાતા રંગરૂટમાં આઇસક્રીમ ઝાપટવાના હોશકોશ રહ્યા ન હોય. મનમાં એવું પણ હોય કે હવે વધારે ખાવો હોય તો એના માટે કોઠી ફેરવવામાં, જેટલો ખાધો છે એટલો આઇસક્રીમ પણ બળી જશે. એટલે ‘કોઠી ભરીને અમે એટલું ફેરવ્યો ત્યારે માંડ બાઉલ ભરીને અમે મેળવી શક્યાં’ એવું કાવ્યાત્મક સમાધાન સાધીને તે વ્યવહારના પાઠ શીખે છે. ફરી વાર કોઠી ફેરવવાની થાય ત્યારે તે થનગનતો રંગરૂટ રહેતો નથી.

કોઠીનો આઇસક્રીમ એક યા બીજા સ્વરૂપે મળે છે, પણ કોઠી ફેરવવાની પ્રક્રિયા નામશેષ થઇ છે. બાકી, કાનમાં ઇયરફોન ખોસીને મોબાઇલ પર વાત કરતાં કરતાં કોઠી ફેરવનારા મીઠાના ગાંગડા દૂધમાં ને કાજુ-દ્રાક્ષ બહાર નાખીને આઇસક્રીમ બનાવતા જોવા મળત.

Tuesday, April 03, 2012

લાપતા બાળકો: હોબાળાની બીજી બાજુ


છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં જાણે બાળકો ‘ભેદી રીતે’ ‘રહસ્યમય ઢબે’ ગુમ થવાની સીઝન બેઠી છે. રોજેરોજ લાપતા થયેલાં, થતાં રહી ગયેલાં કે અપહરણકારો પાસેથી ઉગારી લેવાયેલાં બાળકોના સમાચાર વાંચવા મળે છે. એવું લાગે, જાણે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ‘ધોળે દહાડે બાળકો લાપતા થતાં  હોય ને પોલીસ હાથ જોડીને બેઠી રહે, તો લોકો કાયદો હાથમાં લે  એ સ્વાભાવિક છે.’ - એવી માન્યતા પણ ફેલાઇ રહી છે.

લાપતા બાળકોના મુદ્દે આવેલી ‘જાગૃતિ’ના કારણે અજાણી વ્યક્તિ જરા સરખું શંકાસ્પદ વર્તન કરતી જણાય અને તેમાં પણ બાળક સાથે સીધો સંપર્ક કરતી જણાય, એટલે લોકો પૂછવા તો ઠીક, વિચારવા પણ રહેતા નથી. શંકાસ્પદ જણની ઘુલાઇ થઇ જાય છે - પછી તે બાળક સાથે વાત કરનાર કોઇ શરાબી હોય કે બાળકને સરનામું પૂછનાર, મજૂરીના પૈસા લેવા ગયેલી કોઇ મહિલા.

‘શંકાસ્પદ વર્તણૂંક’ એટલે શું એ પણ ટોળું જ નક્કી કરે, તેણે બાળકને શું કહ્યું, શી લાલચ આપી અને તેને લઇ જવાનો કેવો પ્રયાસ કર્યો, એ બધી બાબતોમાં ટોળાનું બયાન આખરી ગણાય અને એ જ સમાચાર તરીકે રજૂ થાય. ટોળાંન્યાયની એક વાર પોલીસમાન્ય-સરકારમાન્ય બનેલી પરંપરા લોકમાનસમાં ઊંડે ઉતરી જાય તો તેનું શું પરિણામ આવે, તે ‘સ્થળ પર નિકાલ’ કરવા તત્પર ટોળાંની વર્તણૂંકમાંથી જોવા મળે છે. અમદાવાદના શાહપુરમાં તો આરોપીની ધરપકડ થયા પછી ‘આરોપી અમને સોંપી દો. અમારાં બાળકો પણ ગુમ થયાં છે’ એવા પોકારો સાથે ટોળાંએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો. ન છૂટકે પોલીસને લાઠીચાર્જ- ટીયરગેસનો સહારો લેવો પડ્યો. એક કલાકની એ ધમાલમાં બે પોલીસ સહિત સાત જણ ઘાયલ થયાના અખબારી અહેવાલ છે.

બાળકોની સલામતી અંગે પૂરતા પ્રમાણમાં સાવધ રહીને પણ ગૂંચવાડાથી બચવા માટે, કેટલાક મૂળભૂત મુદ્દા વિચારીએ.

મનગમતી માન્યતાઓ

ઘણાખરા અહેવાલો જોતાં એવું લાગે જાણે દરેક લાપતા બાળકનું અપહરણ થાય છે. ત્યાર પછી શું થતું હશે તે ફિલ્મપ્રેમી જનતા જાણે છેઃ ભીખારીઓની ગેંગ, અપહૃત બાળકો પાસે ભીખ મંગાવવાનું કામ, ચેલા બનાવતા બાવા, છોકરીઓના કિસ્સામાં તેમને દેહવિક્રયના ધંધામાં ધકેલવાની સંભાવના...ખરાબ કલ્પનાઓ કરવાની બાબતમાં લોકો કલ્પનાશક્તિને છૂટો દોર આપી દે છે અને ‘વહાલાં ધારે એવું વેરી પણ ન ધારે’ એ કહેણી સાચી ઠેરવે છે.

ગુમ થતાં બાળકોના હોબાળામાં યાદ રાખવા જેવી પહેલી હકીકત એ છે કે છેલ્લા થોડા સમયમાં ભાગ્યે જ કોઇ બાળકનું અપહરણ થયું છે. અપહરણનો મૂળભૂત આશય ખંડણી ઉઘરાવવાનો કે વેરનો  હિસાબ ચૂકતે કરવાનો હોય છે. એ હેતુ માટે અપહરણકર્તાએ બાળકના પરિવારનો સંપર્ક કરવો પડે છે. પરિવારને કમ સે કમ એટલી તો જાણ થાય છે કે બાળકનું અપહરણ થયું છે.

સૌથી પ્રચલિત બીક બાળકોને ઉપાડી જતી ટોળકીની હોય છે. એ બાબતે લોકોની માન્યતાઓમાં સચ્ચાઇ ઓછી અને ફિલ્મી કથાઓની અસર ઘણી વધારે હોય છે. શંકાના પ્રદેશમાં દોડવા તત્પર લોકોને અદ્ધરિયા અહેવાલો અને મનઘડંત-ભેળસેળીયા માહિતીથી સડસડાટ ઢાળ મળી જાય છે. જેમ કે, બાંગ્લાદેશી ધૂસણખોરોની ‘સંદેહાસ્પદ હિલચાલ.’ બાંગ્લાદેશી ધૂસણખોરોનો ઉલ્લેખ થતાં વેંત આતંકવાદના સ્લીપર સેલથી માંડીને જાલી નોટો સુધીની કંઇ કેટલીય કાયમી આશંકાઓ તેમની પર આરોપી દેવામાં આવે છે. એ  પ્રવૃત્તિઓને બાળકો ગુમ થવા સાથે કેવી રીતે સંબંધ છે એ દર્શાવવું પણ જરૂરી નથી.  બસ, બાંગ્લાદેશી ધૂસણખોરોનું નામ ઉછળે એટલે લોકોને પોતાની આશંકા અને બાંગ્લાદેશીઓ વિશે મનમાં ધરબાયેલી માન્યતાઓ સાચી પડ્યાની   (‘જોયું? અમે નહોતા કહેતા? પ્રકારની’) વિચિત્ર ‘કીક’ આવે છે. ત્યાર પછી સચ્ચાઇ જાણવાની જરૂર રહેતી નથી.

છેલ્લા બે દાયકાથી ક્રાઇમ રીપોર્ટિંગગના ક્ષેત્રે સક્રિય અને તેની આંટીઘૂંટીથી બરાબર વાકેફ એવા (અને સરકારભક્ત નહીં એવા) એક પત્રકારમિત્ર દૃઢતાપૂર્વક કહે છે કે ગુજરાતમાં બાળકોને ઉઠાવી જનારી  કોઇ ટોળકીઓ સક્રિય નથી. એટલું જ નહીં, એવી ટોળકીઓ ઊભી ન થાય એની ચીવટ પોલીસ ઘણાં વર્ષોથી રાખે છે. એટલે, અમુક ટોળકીેના સપાટાને કારણે અચાનક બાળકો ગુમ થવા માંડ્યાં છે, એવું માની શકાય નહીં.
 ઠંડા કલેજે વિચારીએ તો, વસ્તીની વચ્ચેથી બાળકો ઉપાડી જવાનું સહેલું નથી. અપહરણકર્તાઓ યોગ્ય આયોજન કરી શકે છે. કારણ કે તેમનું નિશાન નક્કી હોય છે. તેમની પાસે કાચ બંધ કરી શકાય અને અપહરણ કર્યા પછી ઝડપથી નાસી જવાય એવા ખાનગી વાહનની વ્યવસ્થા હોય છે. પરંતુ અપહરણ સિવાયના હેતુ માટે ઉપાડી જનારા લોકો મોટે ભાગે પગપાળા આવતા હોવાનું ફરિયાદોમાંથી જાણવા મળે છે. બાળકને ભોળવી-પટાવીને તે દૂર લઇ જઇ શકે અને ત્યાંથી રિક્ષા જેવા વાહનમાં બેસી જાય  એ શક્યતા ખરી, પણ ત્યાં સુધી બાળક વિરોધ ન કરે એવું ભાગ્યે જ બને.

એક વાર બાળકને ડર લાગે એટલે તે પોતાની પ્રકૃતિ મુજબ રડવાથી માંડીને ધમપછાડા અને ચીસાચીસ કરવા સુધીના તમામ રસ્તા અપનાવે. એવું થાય ત્યારે રિક્ષાચાલકથી માંડીને રસ્તે ચાલતા લોકોને ખબર પડ્યા વિના ન રહે. બાળક સાવ નાનું હોય તો જ તેને ગુપચુપ ઉપાડી જવાનું શક્ય બને.

આમ, બાળકોનાં અપહરણ ખાસ થતાં ન હોય અને તેમને ઉપાડી જવાનું સહેલું ન હોય તો પછી, સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૦૬થી ૨૦૧૧ સુધીમાં ગુમ થયેલાં ૩,૭૧૧ બાળકોનું શું? તેમાંથી પાછાં ઘરે પહોંચી ગયેલાં ૧,૬૯૨ બાળકોને બાદ કરીએ તો પણ બાકી રહેલાં ૨,૦૧૯ બાળકો હજુ લાપતા છે. એ બાબત કેવી રીતે સમજવી?

 આ સવાલનો પૂરેપૂરો તો નહીં, પણ ગાંઠે બાંધી રાખવા જેવો જવાબ મેળવવા માટે આખા પ્રશ્ન અંગે કેવળ કાનૂની નહીં, પણ સામાજિક દૃષ્ટિબિંદુથી વિચારવું પડે. પોલીસ કે સરકાર પ્રત્યે આંગળી ચીંધવાનો ઉત્સાહ દર્શાવતાં પહેલાં થોડું આપણી પોતાની વર્તણૂંક વિશે વિચારવું પડે.

કેટલાંક વાસ્તવિક કારણો


બાળકો લાપતા થવાનું અને લાંબા સમય સુધી ન મળવાનું સૌથી મહત્ત્વનું સંભવિત કારણ છેઃ બાળક પોતે જ ઘર છોડીને જતું રહેવા ઇચ્છતું હોય.

પણ જેના જવાથી માતા-પિતા, સગાંસંબંધી આટલાં આકુળવ્યાકુળ થઇ જતાં હોય, એવું બાળક ઘર છોડવા જેવું પગલું શા માટે ભરે? એવો સવાલ ગુમ થયેલા બાળકની તપાસ માટે થતા પ્રયાસ જોઇને થાય. પરંતુ વિચારવાનું એ છે કે આ જ લોકો- માતાપિતા, કુટુંબીજનો-નો બાળક ઘરે હોય ત્યારે તેની સાથે કેવી રીતે વર્તે છે? તેને કેવું વાતાવરણ પૂરું પાડે છે?

બાળક ઘરેથી નાસી જાય તેની પાછળનાં કારણોને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચી શકાય. ૧) કૌટુંબિક ખટરાગ અને ઝઘડાઝઘડી. તેના કારણે વર્તાતી વાત્સલ્યની તીવ્ર ખોટ. ૨) સ્કૂલોમાં અભ્યાસનું-શિક્ષાનું દબાણ અને પરિવારની શૈક્ષણિક અપેક્ષાઓનો બોજ. ૩)  ફિલ્મ-ટીવી જેવી કારકિર્દીઓથી અંજાઇને, ‘કંઇક’ બનવા માટેની અણસમજુ ઉતાવળ. આ ત્રણે કારણો પેદા કરવા કે વકરાવવા માટે પોલીસ કે સરકાર નહીં, પણ મહદ્‌ અંશે પરિવાર જવાબદાર હોય છે.

સતત ઝઘડતાં માતાપિતાનાં સંતાનો મોટાં થાય તેમ તેમના મન પર કૌટુંબિક આગના ડામ પડતા રહે છે. તેમાં સતત દઝાતાં બાળકોમાં થોડો આત્મવિશ્વાસ આવે એ સાથે જ તેમને આગથી બચવાના વિચારો આવવા લાગે છે. લડકારાં માતાપિતા સુધરે એમ નથી એવો અહેસાસ દૃઢ થયા પછી, ઘરમાં રહીને કદી શાંતિ પામી શકાશે નહીં એવું એક વાર કિશોર મનમાં સ્થાપિત થઇ જાય- અને પોતાના મનનો ભાર હળવો કરી શકાય એવું બીજું કોઇ ઠેકાણું ન હોય ત્યારે બાળક લાંબું વિચાર્યા વિના ઘરેથી ભાગી છૂટવાનો વિકલ્પ અપનાવે છે. કહેવાનો મતલબ એવો નથી કે તેમનું પગલું યોગ્ય છે. વિચારવાનું એ છે કે એ હદે તેને જવાની ફરજ શા માટે પડી? ઘણા કિસ્સામાં બાળકો કિશોરાવસ્થામાં પ્રવેશે ત્યાર પછી માતાપિતા સાથેનો તેમનો સંવાદ સાવ ઓછો થઇ જાય છે. નવી દુનિયા અને નવા ભાવોના પરિચયમાં આવતા બાળકને એ વખતે કોઇ માનસિક આધાર અને ધરીની સખત જરૂર હોય છે. પરંતુ એ પૂરી પાડવા જેટલો સમય કેટલાં માતાપિતા પાસે હોય છે?

બીજો દાટ શૈક્ષણિક અપેક્ષાઓએ વાળ્યો છે. ‘પાછળ રહી ગયેલાં’ મા-બાપ પોતાના બધા અઘૂરા કોડ સંતોષવાનો બોજ સંતાન પર નાખે છે. એમ કરતી વખતે સંતાનની રૂચિ કે ક્ષમતા જોવાનું તેમને જરૂરી લાગતું નથી. ‘પૈસાની ચિંતા ન કરીશ. અમે બેઠાં છીએ.’ એવું બોલીને, હકઅદાયગી બદલ પોરસાતાં મા-બાપ એવું માને છે કે તેમનું સંતાન વેન્ડીંગ મશીન છેઃ તેમાં ફક્ત રૂપિયા નાખવાથી ઇચ્છિત પરિણામ મેળવી શકાશે. કેટલાંક ‘ઉદાર’ મા-બાપ બાળકને વેન્ડીંગ મશીનને બદલે કેસિનોમાં મુકાયેલું મશીન ગણે છેઃ ‘અંદર રૂપિયા નાખવાના. પાછા વળે તો ઠીક. ન વળે તો ગયા.પણ સંતાન મોટું થઇને એવું તો ન કહી જાય કે તમે અમારા માટે કશું ન કર્યું.’

ખરેખર, ઘણાં અબુધ માબાપો માને છે કે બાળક માટે ‘કંઇક કરવું’ એટલે તેની પાછળ આંખ મીંચીને રૂપિયા ખર્ચવા- સ્થિતિ હોય કે ન હોય. ‘તું રૂપિયાની ચિંતા ન કરીશ. અમે ગમે તે કરશું.’ એમ કહેતાં મા-બાપ ઘણી વાર, બાળક માટે પૂરતો સમય નહીં આપી શકવાની મજબૂરીને રૂપિયા વડે સરભર કરતાં હોય એવું પણ લાગે છે. બાળકને સમય આપવાનો અર્થ ફક્ત એટલો નથી કે બાળકને ઘરે ભણાવવા બેસાડવું. બાળક સાથે અકારણ વાતો અને મસ્તી થઇ શકે, બાળક થોડું મોટું થાય પછી ‘તને આમાં ન ખબર પડે’ એવી વડીલશાઇ વૃત્તિ છોડીને, તેની સાથે મિત્રભાવે વાતચીત કરતાં શીખવું પડે, તેના મનમાં શું ચાલે છે એ જાણવાની ધીરજ કેળવવી પડે. બાળકને કે તેના સંગને દોષ દેવો બહુ સહેલો છે, પણ માતાપિતા તરીકે ‘પાસ’ થવું વધારે કઠણ છે.

બાળકોને ભાગી જવા માટે પ્રેરતું બીજું પરિબળ છે સ્કૂલની-શિક્ષકોની-શિક્ષાની બીક અથવા એ મોરચે સ્કૂલ અથવા માતાપિતા અથવા બન્ને તરફથી ઊભું થતું અસહ્ય દબાણ. આ દબાણ હળવું કરવામાં પણ માતાપિતા મહત્ત્વની ભૂમિકા અદા કરી શકે છે. એ પોતે બાળક પરના દબાણમાં પોતાની અપેક્ષાઓનું વજન ન ઉમેરે, તો પણ બાળકોની મોટી સેવા થાય. અને સ્કૂલમાં શું થયું એની વાત બાળકો તેમની સાથે મોકળાશથી કરી શકે (એવું વાતાવરણ માતાપિતા પેદા કરી શકે) તો ઉત્તમ.

ગુમ થતાં બાળકો અંગેના હોબાળાના કેન્દ્રમાં જો બાળકોની ચિંતા મુખ્ય હોય, તો તેના માટે બાળકો ગુમ થાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. રિક્ષામાં ખડકાઇને તો ઠીક, જોખમી રીતે લટકાઇને જતાં બાળકો જોઇને હંમેશાં વિચાર આવે કે સરેરાહ દેખાતું આ દૃશ્ય ખરેખર કોઇને દેખાતું નથી? કે બાળકોની ચિંતા કરવાની મઝા એમના ગુમ થયા પછી જ આવે છે?

Sunday, April 01, 2012

અમૃત જાનીને મંચ પર જોઇને કરાચીના પ્રેક્ષકો પોકારતાઃ ‘ખુશ રહો, કોયેટા મેઇલ’


ફિલ્મઉદ્યોગનો દબદબો અને તેની સ્ટાર સીસ્ટમનાં મૂળીયાં શોધવા નીકળીએ તો, ફિલ્મો પહેલાં શરૂ થયેલી નાટ્યસંસ્થાઓમાં મળી આવે. ત્યારે સ્ત્રી ભૂમિકાઓ માટે સ્ત્રીઓ તૈયાર ન હોવાથી, પુરૂષોને એ પાત્રો કરવાં પડતાં, પરંતુ તેમની સ્ટાર વેલ્યુ અત્યારની હીરોઇનો કરતાં જરાય ઓછી ન હતી. શહેરે શહેરે તેમના અભિનયના ચાહકો ને રૂપના પ્રશંસકો હતા, જે તેમની પર યથાશક્તિ ઓવારી જવા તલપાપડ રહેતા. નાટ્યક્ષેત્રે સંકળાયેલા પિતા જટાશંકર જાનીના પુત્ર અમૃત જાની/Amrut Janiએ કારકિર્દીની શરૂઆતથી શીખર સુધીની સફર સ્ત્રીભૂમિકા થકી તય કરી.

સ્ત્રીપાત્રમાં અમૃત જાની
સ્ત્રી ભૂમિકામાં અમૃત જાનીની ખ્યાતિ એવી થઇ કે બીજી કંપનીવાળા તેને પોતાના ભણી લલચાવવા માટે આકર્ષક રકમની ઓફર મૂકે. એકાદ-બે પ્રસંગે અમૃત જાનીના પિતાજી પલળી ગયા. અમૃતને અંધારામાં રાખીને તેમણે કંપનીઓ સાથે વાટાઘાટો ચલાવી. એકાદ વાર અમૃતને છેતરીને ઘરે લઇ ગયા પછી, ‘રોયલ’નું નાક દબાવીને અમૃતના પગારમાં વધારો કરાવ્યો. કાચી વયના અમૃત જાનીને કાવાદાવામાં ખબર પડે નહીં, પણ દુનિયાદારી સમજી ચૂકેલા પિતાને મન આ બઘું પણ વ્યવસાયનો એક ભાગ હતું.

અભિનેતા તરીકે અમૃત જાની બે વાર કરાચી ગયા. એક વખત તેમનો ચઢતો સિતારો હતો ત્યારે ‘રોયલ’ના કર્મચારી તરીકે અને બીજી વખત ‘આર્યનૈતિક સમાજ’ સાથે. કરાચીના ‘પર્લ ઓપેરા હાઉસ’માં પહેલી જ રાતે ‘એ કોનો વાંક’ નાટકમાં અમૃત જાની કુમુદની ભૂમિકામાં રજૂ થયા અને તેમણે એન્ટ્રી કરી ત્યાં તાળીઓના ગડગડાટ સાથે પ્રેક્ષકોમાંથી પોકાર થયા, ‘ખુશ રહો, ખુશ રહો, ક્વેટા મેલ’. (એ સમયે કેટલીક ટ્રેનોની લોકપ્રિયતા એટલી હતી કે તેમનાં નામ વિશેષણ બની ગયાં હતાં. જેમ કે, ફ્રન્ટિયર મેલ, તુફાન મેલ.)

કરાચીવાળા ક્વેટાનો ઉચ્ચાર ‘કોયેટા’ કરતા. ત્યાર પછી તો દરેક  વખતે અમૃત જાની આવે એટલે ‘ખુશ રહો કોયેટા મેલ’ના હર્ષનાદ થતા.  તેમાં પ્રેક્ષકો ઉપરાંત તેમનો ગણગણાટ શાંત કરવા માટે થિએટરમાં રખાતા ‘ખામોશિયા’ પણ ભળતા. (કિશોરવયની કુમાશ ગુમાવી દીધા પછી, અમદાવાદથી ટ્રેનમાં બે રાત, ત્રણ દિવસની મુસાફરી કરીને, અમૃત જાની ફરી કરાચી ગયા, ત્યારે તેમનો જાદુ ઓસરી ચૂક્યો હતો. તેમણે આત્મકથામાં નિખાલસતાથી કબૂલ્યું છે, ‘પ્રથમ રાત્રિએ ‘રણગર્જના’ નાટકમાં મને જોઇને, મને ક્વેટા મેલનો ઇલ્કાબ આપી ચૂકેલી કરાચીની નાટ્યશોખીન જનતાને હું સાધારણ એક્સપ્રેસ જેવો લાગ્યો.’)

કરાચીમાં અમૃત જાનીની સ્ત્રીભૂમિકાનાં ગીતોના ‘વન્સ મોર’ પર ‘વન્સ મોર’ થતા હતા. કેટલાક લોકો ચલણી નોટોના હાર ફેંકતા, પરંતુ નાટકકંપની પ્રેક્ષકને બોલાવીને એ રૂપિયા પાછી આપી દેતી. ફીદા થયેલા પ્રેક્ષકોમાંથી કેટલાક અમૃત જાનીને સોના-ચાંદીના મેડલ આપતા, પણ એવી ભેટો તે રૂબરૂ આપી શકતા નહીં. તેમણે માલિક મહાભાઇ ‘કાકાજી’ને કે કાત્રકબાવાને આપવી પડતી. તે અમૃત જાનીને રૂબરૂ મળી શકતા નહીં. સ્ટારની સ્ટારવેલ્યુ અને તેની ફરતે થોડા રહસ્યનું વર્તુળ ટકાવી રાખવાની એ અકસીર પદ્ધતિ હતી. શહેરના અગ્રણી માણસો એકલા અમૃત જાનીને જમવા માટે બંગલે બોલાવે ત્યારે કંપનીના ઘણા અગ્રણીઓ પણ સાથે જતા. યજમાન ગમે તેટલો મોટો માણસ હોય, પણ તે ગાવા માટે આગ્રહ કરે તો તેની સ્પષ્ટ ના પાડવાનો નિયમ હતો. અમૃતભાઇએ લખ્યું છે તેમ, ‘મારી પાછળ પાગલપણું કે ઘેલછાની હદ વટાવી ગયેલા કેટલાક હલકી વૃત્તિના પ્રેક્ષકોના ગંદા પત્રો પણ રોજ આવે, તો કેટલીક નવયુવતીના પણ મારી ઉપર વારી જવાના ભાવાવેશભર્યા કાગળ આવતા રહે. કાકાજી એ બધા વાંચીને ફાડી નાખે. મને ક્યારેક એ બાબતની વાત કરે પણ એવી રીતે કે એનાથી મારામાં ઉદ્‌ભવતો ગર્વ અટકી જાય.’

કરાચીમાં સ્ત્રીપાત્રો કરતા રૂપાળા અભિનેતાઓને ઉપાડી જવાની કોશિશો પણ થઇ હતી. એટલે અમૃત જાની માટે ખાસ સુરક્ષા રાખવામાં આવતી. પઠાણ ચોકીદાર વિના બહાર નીકળવાની તેમને મનાઇ હતી. એ જ્યારે બહાર નીકળે ત્યારે તેમને જોવા માટે થિએટરના દરવાજે કેટલાય માણસો આંટા મારતા હોય. કરાંચીમાં અમૃત જાનીનો એટલો જયજયકાર થયો કે તેમના પિતાએ નાટકકંપની પાસે એક ‘લાભરાત્રિ’ - બેનીફીટ નાઇટની માગણી કરી (એટલે કે તે નાઇટમાં થતી બધી આવક અમૃત જાનીને મળે). એ સંસ્થાએ કબૂલ રાખી હતી. તેમાં બે હજાર-પચીસસો રૂપિયા અને ભેટોની આવક થઇ હતી. કાત્રકબાવા જેવા કંપનીના આધારસ્તંભ સરખા અભિનેતા-નિર્દેશકે અમૃત જાનીને હળવાશથી છતાં દિલથી કહ્યું હતું, ‘જો ડીકરા, હવે આ બુઢ્ઢા કરતાં પણ તારી  કિંમત વધી ગઇ. તારા નામ પર ટિકિટો ફાટે છે.’

નાટકનો એ યુગ અમૃત જાનીએ આત્મકથા ‘અભિનયપંથે’માં  જીવંત કરી દીધો છે. ઉદાહરણ તરીકે, નાટકનો શો શરૂ થતાં પહેલાંનું તેમનું વર્ણનઃ ‘ચિક્કાર ઓડિયન્સ હોવાથી કેટકેટલાય પ્રેક્ષકો નિરાશ થવું પડ્યું હતું. એટલે થિયેટરની બહાર એક મોટો સમુદાય કોલાહલ કરતો ઊભો હતો. તેમાં શીંગ, ચણા, ચા, સોડા-લેમન વેચનારાઓના અવાજો પણ અમારા કાન સુધી પહોંચતા હતા...ઓડિયન્સમાં પોતાને ટિકીટ મળ્યાના સંતોષ સાથે જમા થયેલા પ્રેક્ષકો, કુટુંબ-કબીલા તેમ જ મિત્રોની સાથે સંસ્થાની તેમ જ નાટકોની ભાતભાતની સાચી-ખોટી વાતો કરી રહ્યા હતા. એ વાતોની વચ્ચે ‘ચોપડી-ચોપડી’ એવી બૂમો સંભળાતી હતી અને એ બૂમો હતી નાટકોનો ટૂંકસાર અને ગીતો છપાયેલાં હતાં એવી ‘ઓપેરાબુક’ વેચનારા માણસોની. એ બધા અવાજોને દબાવતો, ઉગરચંદ માસ્તરની હારમોનિયમ પર ફરતી આંગળીઓ અને ઉસ્તાદજી રેવાશંકરભાઇની તબલાથાપીનો અવાજ પણ સંભળાતો હતો.’

‘ઓપેરાબુક’ની લોકપ્રિયતાનો અંદાજ આપતી અમૃત જાનીએ નોંધેલી એક વાતઃ આર્યનૈતિક સમાજ નાટક કંપનીમાં એવો ધારો હતો કે ‘ઓપેરાબુક’ના વેચાણમાંથી થતી આવક રોજેરોજ માલિક નકુભાઇનાં ધાર્મિક વૃત્તિ ધરાવતાં પત્નીને આપી દેવાની. તેમનાં પત્નીનું મૃત્યુ થયું ત્યારે તેમની પાસેથી મુખ્યત્વે ઓપેરાબુકની કમાણીના (આજથી સિત્તેરેક વર્ષ પહેલાંના) લાખેક રૂપિયાથી વઘુ નીકળ્યા હતા.

નાટકની દુનિયા સાથે સંકળાયેલાં અનેક પાત્રોનું અમૃત જાનીએ સાવ ઓછા લસરકામાં પણ જીવંત ચિત્ર ઉપસાવ્યું છે. રોયલ નાટક મંડળીના માલિક મહાભાઇ(કાકાજી)ની સાહ્યબીનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું છે કે એ દાંતનું ચોકઠું પહેરતા હોવાથી તેમને પાન ચાવતાં ફાવતું નહીં. ‘તેમના રસોડામાં એક ખૂબ જ નાની સાઇઝની પિત્તળની ખાંડણી અને દસ્તો રહેતાં. તેમાં પાન બનાવી, તેને ખૂબ ખાંડી, તેની લુગદી બનાવી નોકર ઝીલ્લુ કાકાજીને દઇ જાય અને કાકાજી એ લુગદીને મોઢામાં પાનની જેમ ચાવે.’ આ જ નાટકમંડળીની પડતીના દિવસોમાં, ખાંડેલા પાનને બદલે કાકાજી સોપારીનો એકાદ કટકો મમળાવીને ચલાવી લેતા એ વાત દ્વારા તેમણે વિરોધાભાસ ઉપસાવી આપ્યો છે.

‘રોયલ’ના સ્ટાર અભિનેતા-નિર્દેશક અને આધારસ્તંભ સોરાબજી કાત્રક- કાત્રકબાવા-નું પણ હૃદયસ્પર્શી શબ્દચિત્ર આખા પુસ્તકમાંથી ઉપસી આવે છે. ‘રોયલ’નાં નાટકોની જાહેરખબરમાં ફક્ત કાત્રકબાવાનું જ નામ લખવામાં આવે, એવો તેમનો દબદબો હતો.  નાટક શરૂ થતાં પહેલાં તૈયાર થયેલો દરેક અભિનેતા પોશાક-મેક અપ સાથે કાત્રકબાવાને ‘સાહેબજી’ કરવા જાય. બાવા પણ વળતું ‘સાહેબજી’ કરીને એક નજરમાં બધી તૈયારી જોઇ લે. સૌના વડીલ જેવા કાત્રકબાવા કિશોર અમૃત જાનીને ‘જોજે ડીકરા, ઉડતો ના..અને જો ઉડશે તો પરશે.’ એવી શીખામણ આપે અને કિશોરવયના તોફાનમાં અમૃતને શારીરિક ઇજા થાય તો તેને ઠપકો પણ આપે. સિંહની જેમ ગરજતા કાત્રકબાવા પાછલાં વર્ષોમાં ગાઉટથી પીડાતા અને હલનચલનમાં મુશ્કેલી અનુભવતા હોવા છતાં, મંચ પર આવે ત્યારે એ બઘું ભૂલી જાય.

વિશાળ પરિવાર જેવી નાટકકંપનીઓમાં સંબંધના ચઢાવઉતારની જાણે કશી નવાઇ ન હતી. જુદાં જુદાં છાપાંમાં સહજતાથી અવરજવર કરનારા પત્રકારોની જેમ, ઘણા કલાકારો એકથી વઘુ વાર એક કંપની છોડી દેતા ને ફરી પાછા કશું બન્યું ન હોય તેમ જોડાઇ જતા. મહાન અભિનેતા મોહનલાલા ખૂબ દારૂ પીને - અથવા ક્યારેક પીધા વગર પણ ઉશ્કેરાઇને- આર્યનૈતિક સમાજના માલિક નકુભાઇ સાથે ઝઘડો કરે અને નોકરી છોડી દે. પણ થોડો વખત થયો નથી ને પાછા ‘આર્યનૈતિક’માં. દરેક વખતે ગૌરવભેર કહે પણ ખરા કે ‘નકુભાઇ શેઠ તો મારો બાપ છે, ને આર્યનૈતિક મારું ઘર છે. છોકરું બહારગામ જાય એમ થોડો વખત જઇ આવું એટલું જ. બાકી આ સંસ્થા જ મારું સર્વસ્વ છે.’ નકુભાઇ જેવા શેઠ પણ કલાકારોની આડોડાઇ નભાવી લે. માસ્ટર પ્રહ્લાદ જેવા કલાકાર સ્ટાર બન્યા પછી મગજ ગુમાવીને નકુભાઇને ગાળો દેવા લાગ્યા ત્યારે ‘બાપુજી’ તરીકે ઓળખાતા નકુભાઇએ એટલું જ કહ્યું, ‘ભાઇ, છૂટો ભલે થા, પણ તારી આવી ગાળો ખાનાર માલિક ગોતજે.’

L to R: Jaswant Thakar, Amrut Jani, Dina Pathak
સમય સાથે બદલાઇ ન શકવાની અથવા બદલાતો સમય પારખી ન શકવાની મર્યાદા સહિત બીજાં ઘણાં કારણસર નાટ્યસંસ્થાઓના યુગનો અંત આવ્યો, ત્યાર પછી પણ અમૃત જાની નાટ્યક્ષેત્રે વિવિધ રીતે સક્રિય રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયોના રાજકોટ સ્ટેશન સાથે સંકળાયા. જસવંત ઠાકર જેવા નવા જમાનાના નાટ્યકારોએ તેમની કલાને પ્રમાણી-વખાણી. તેમના આગ્રહથી જ અમૃત જાનીએ આત્મકથા ‘અભિનય પંથે’ લખી, જે અમૃત જાનીની સ્વકથા જેટલો જ ગુજરાતી નાટ્યજગતનો અને એ સમયના સમાજનો મહત્ત્વનો દસ્તાવેજ છે. અમૃત જાનીના જન્મશતાબ્દિ વર્ષમાં આ આત્મકથા ફરી ઉપલબ્ધ બને એવી અપેક્ષા રહે છે.

Thursday, March 29, 2012

ગુણવંત શાહની ‘બૌદ્ધિક બદમાશી`

‘ગુજરાતની નિંદા કરવાની ફેશન’ એ મથાળા હેઠળ Gunvant Shah/ગુણવંત શાહે ‘દિવ્ય ભાસ્કર’ની રવિવાર, 18 માર્ચ 2012ની કટારમાં એક લેખ લખ્યો છે. તેના મુખ્ય મુદ્દા અને તેમાંથી મળતો લેખકનો કાર્ડિયોગ્રામ.

2002ના વર્ષ પછી એક એવો પવન શરૂ થયો, જેને કારણે ગુજરાતની નિંદા કરવામાં પ્રયોજાતી બૌદ્ધિક બદમાશી ફેશનમાં ફેરવાઇ ગઇ.

આ વિધાનમાં લેખક 1) ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકાને ‘ગુજરાતની નિંદા’માં ખપાવે છે. મુખ્ય મંત્રીના અંધ ચાહકો-સમર્થકો-ભક્તોનું આ પ્રમુખ લક્ષણ છે. 2) ‘ગુજરાતની (ગુજરાતના મુખ્ય મંત્રીની) ટીકા એટલે બૌદ્ધિક બદમાશી’ એવું પોતે બેસાડેલું સમીકરણ વધુ એક વાર તે સનાતન સત્ય તરીકે સ્થાપિત કરે છે.

ગુણવંત શાહની જૂની ટેક્નિક એ છે કે તે નામ પાડ્યા વગર અને પૂરતી માત્રામાં છટકબારીઓ રાખ્યા પછી, સ્વીપિંગ- આત્યંતિક વિધાનો કરે છે. ઉપર જણાવેલું વિધાન તેનો નમૂનો છે.

એ સંદર્ભે ગુણવંત શાહને સવાલ નં.1 – 2002ની કોમી હિંસાના મુદ્દે ગુજરાતના મુખ્ય મંત્રીની ટીકા કરનારા બધા બૌદ્ધિક બદમાશી કરે છે? (અહીં ‘બધા’માં પ્રકાશ શાહથી ઉર્વીશ કોઠારી સુધીના લોકોનો સમાવેશ થાય છે.) જવાબ ‘હા’ હોય તો બદમાશી વિશે ફોડ પાડીને, નામજોગ વાત કરો.

બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો થાય છે. ત્યાં કર્મશીલો કાગારોળ કરતા નથી અને ‘બૌદ્ધિક બદમાશીનો લાભ ફક્ત ગુજરાતને જ શા માટે આપે છે?

ફેક એન્કાઉન્ટર એ વણઝારાપ્રેમી ગુણવંત શાહની દુઃખતી રગ છે. સોરાબુદ્દીનના એન્કાઉન્ટર કેસના મુદ્દે મેં પૂછેલા સીધા સવાલમાંથી એકેયનો જવાબ ગુણવંત શાહ આપી શક્યા ન હતા. એટલું જ નહીં, એ મામલે તેમની ઘણી ટીકા થતાં, તે મારી પર દબાણ લાવવાની હદે ઉતરી ગયા. તેમ છતાં વાત ન બની. એટલે તેમણે મારા એક ગુરુવત્ વડીલ લેખકને વચ્ચે રાખીને ‘સમાધાન’ કર્યું. અમારી વચ્ચે થયેલા ‘સમાધાન’નો એમની દૃષ્ટિએ અર્થ હતોઃ હું એમના વિશે વધુ ન લખું. મારા પક્ષે સમાધાનનો કે અંગત દુર્ભાવનો પ્રશ્ન ન હતો- નથી. મારો જે કંઇ વાંધો હતો તે હું સવાલો તરીકે રજૂ કરી ચૂક્યો હતો. તેના જવાબ આપવાનું એમના હાથમાં હતું. મારી દૃષ્ટિએ સમાધાનનો અર્થ હતોઃ એ ગુજરાતનાં રાજકીય રંગ ધરાવતાં એન્કાઉન્ટર વિશે અવિચારી-ગેરમાર્ગે દોરનારા-અંધ બચાવ કરતા લેખો ન લખે.

આટલી પૂર્વભૂમિકા પછી સવાલ નં.2- ગુજરાતમાં થતાં અને બીજાં રાજ્યોમાં થતાં એન્કાઉન્ટર વચ્ચેનો મૂળભૂત ફરક ગુણવંત શાહ જાણતા નથી કે જણાવવા માગતા નથી? ગુજરાતમાં એન્કાઉન્ટરમાં મરાયેલા દરેક ગુંડા મુખ્ય મંત્રીને મારવા માટે જ આવ્યા હતા એવું સરકારી વર્ઝન ગુણવંત શાહ સ્વીકારે છે? ગુજરાતમાં મુખ્ય મંત્રીના ખાસ ગણાતા એક સમયના ભાગેડુ ગૃહરાજ્યમંત્રી અને અત્યારના હદપાર ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ તથા પોલીસ અફસરોની મંડળી ગુજરાતમાંથી ગુનાખોરી ઓછી કરવા માટે નહીં, પણ સોપારીઓ લઇને એન્કાઉન્ટર કરતી હતી, એ આરોપો વિશે ગુણવંત શાહનું શું કહેવું છે? ગુજરાતનાં ફેક એન્કાઉન્ટરનો મુખ્ય હેતુ અને ધ્યેય ટૂંકા રસ્તે ગુનાખોરી ઓછી કરવા માટેનો નહીં, પણ આર્થિક-રાજકીય હતો એનાથી ગુણવંત શાહ અજાણ છે? કે મુખ્ય મંત્રીની ભક્તિમાં તે આ હકીકતનો ધરાર ઇન્કાર કરે છે? અને છેલ્લો સવાલઃ એન્કાઉન્ટરમંડળી જેલમાં ગઇ ત્યાર પછી ત્રાસવાદીઓની હિંમત વધવી જોઇએ અને મુખ્ય મંત્રી પરનું જોખમ પણ વધવું જોઇએ. પરંતુ થયું છે ઉલટું. એન્કાઉન્ટરમંડળીના જેલવાસ પછી મુખ્ય મંત્રીની હત્યાનો એક પણ પ્રયાસ થયો નથી. એ વિશે ગુણવંત શાહનું શું કહેવું છે?

‘કાશ્મીરમાં આઝાદી પછી 370 મંદિરો તૂટ્યાં છે અને એક જૈન દેરાસર ભોંયભેગ થયું. સેક્યુલર ગણાતા લોકોએ આવે વખતે ખોંખારો પણ નથી ખાધો’ એવું લખીને ગુણવંત શાહે (વધુ એક વાર) પુરવાર કરી આપ્યું છે કે આ બાબતમાં તેમની સમજણની પહોંચ, કારણ-અકારણ કોઇ પણ બાબતમાં કાશ્મીર લઇ આવતા કેસરિયા પાયદળ જેટલી જ છે.

‘ગુજરાતમાં જનસંઘર્ષ મંચ ખૂબ ગાજે છે. હવે જનસુમેળ મંચ ક્યારે રચાશે? ઘા પહોળો કરવાની જાણે હરીફાઇ ચાલે છે. ગુજરાતને થતા અન્યાયનો સૌથી મોટો ગેરલાભ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને થતો રહ્યો છે. ન્યાયશાસ્ત્રનો એક વણલખ્યો નિયમ છે કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ ગણવામાં આવે. આવો લાભ આતંકવાદીને મળ્યો છે, પરંતુ મોદીને નથી મળ્યો.’

‘ઘા પહોળો કરવાની હરિફાઇ’ અને ‘ન્યાય અપાવવા માટેની લડત’ વચ્ચેનો તફાવત મુખ્ય મંત્રીપ્રેમી ગુણવંત શાહને ન સમજાય એ સ્વાભાવિક છે. પરંતુ મુખ્ય મંત્રીને કારણે થયેલી ગુજરાતની બદનામી વિશે વાત કરવાને બદલે, આખી વાતને ‘ગુજરાતને કારણે મુખ્ય મંત્રીને થયેલા અન્યાય’નું સ્વરૂપ આપીને ગુણવંત શાહે અનન્ય મોદીભક્તિ દાખવી છે. ‘ન્યાય ન્યાયનું કામ કરશે’ એવી સૂફિયાણી વાતો કરનારા ગુણવંત શાહને અંદાજ છે કે જનસંઘર્ષ મંચ જેવી સંસ્થાઓને કારણે જ ન્યાય ન્યાયનું કામ, જેટલું પણ થયું એટલું, કરી શક્યો છે?

રહી વાત ન્યાયશાસ્ત્રની. એનો વણલખ્યો નિયમ પળાયો છે એટલે જ મુખ્ય મંત્રી જેલની બહાર છે અને આતંકવાદી તથા આતંકવાદના કાચાપાકા આરોપોસર પકડાયેલા ઘણા લોકો જેલની અંદર છે. ન્યાયશાસ્ત્રનો એકેય નિયમ એવું કહેતો નથી કે આક્ષેપ પુરવાર ન થાય ત્યાં સુધી સંભવિત ગુનેગાર સામે આંગળી પણ ન ચીંધવી. મુખ્ય મંત્રીને ‘હિટલર’ કહેનારા સાથે હું સંમત નથી. પરંતુ ગુણવંત શાહની ખાસિયત (જેને ગુણવંતીય શૈલીમાં ‘બદમાશી’ કહી શકાય) એ છે કે તે મુખ્ય મંત્રીના બધા જ ટીકાકારોને ‘બૌદ્ધિક બદમાશી’ની એક જ લાકડીએ હાંકવા નીકળી પડે છે.

સવાલ નં.3- ગુણવંત શાહ માને છે કે 2002માં જે કંઇ થયું તેમાં નૈતિક જવાબદારી મુખ્ય મંત્રીની ગણાય? અને તેમણે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કડક વલણ દાખવ્યું હોત તો હિંસા ઘણે અંશે નિવારી શકાઇ હોત અથવા આટલી ફેલાઇ ન હોત અથવા ઝડપથી કાબૂમાં આવી ગઇ હોત? આ જવાબ આપવા માટે ન્યાયપ્રક્રિયા પૂરી થવા દેવાની જરૂર નથી. સિવાય કે 2002માં ગુણવંત શાહ આંખ-કાન-દિમાગ બંધ કરીને બેઠા હોય.

છેલ્લે, મુખ્ય મંત્રીની કોપીબુકમાંથી લેવાયા હોય એવા વાક્ય સાથે ગુણવંત શાહ લેખની સમાપ્તિ કરે છેઃ ‘વારંવાર ઘા પહોળા કરીને પોતાનો રોટલો શેકી લેવાની તમન્ના રાખનારા કેટલાક લોકોને ગુજરાત હવે ઓળખી ચૂક્યું છે. એમના મોદીદ્વેષ ગુજરાતદ્વેષમાં ફેરવી નાખવાની જરૂર નથી.’

***

અસલામતીથી પીડાતી માનસિકતાના વણમાગ્યા પુરાવા આપતા ગુણવંત શાહ છાશવારે લોર્ડ ભીખુ પારેખને વચ્ચે લાવીને પોતાની વાતમાં બૌદ્ધિકતા-વિશ્વસનિયતાનું અને મોરારીબાપુને વચ્ચે લાવીને લોકપ્રિયતાનું વજન ઉમેરવાના પ્રયાસ કરે છે. આ લેખના અંતે તેમણે મોરારિબાપુનું એક વિધાન સંદર્ભ વિના ટાંક્યું છે. ‘ગુજરાત માટે કોઇ સારું બોલે તો કેટલાકને ખાવાનું પચતું નથી.’

આવા લોકરંજક વિધાનથી ગુણવંત શાહને શું સિદ્ધ કરવું છે એ તો એ જ જાણે, પણ એ વિધાનના અંદાજમાં આપણને શંકા જાય કે ગુજરાતમાં કોઇ ન્યાયની વાત કરે, મુખ્ય મંત્રીની ટીકા કરે કે પોલીસ-ગુંડા-સોપારી-એન્કાઉન્ટરની સાંઠગાંઠ વિશે વાત કરે તો ગુણવંત શાહને ખાવાનું પચતું નહીં હોય?

અગાઉ લખ્યું હતું એ જ ફરી કહેવાનું રહે છે કે ગુણવંત શાહ જેવા જાણીતા લેખક કોઇ લાભની અપેક્ષાએ આ બધું કરતા હોય તો તે શરમજનક છે, પણ તે કોઇ લાભની અપેક્ષા વિના કરતા હોય તો એ ખતરનાક છે.

('નિરીક્ષક', એપ્રિલ, 2012)

Wednesday, March 28, 2012

શ્રોતાપુરાણઃ ‘કાનસેન’ના પિતરાઇ

ગીતસંગીતના કાર્યક્રમોમાં અનેક પ્રકારના શ્રોતાઓ આવે છે. બસો-પાંચસો વર્ષ પહેલાં એમના વૈવિઘ્ય વિશે લખાયું હોત તો ‘સંગીતપ્રતિભાવરત્નાકર’ જેવો કોઇ ગ્રંથ બહાર પાડી શકાત. તેમાં એવા ઉલ્લેખ આવતા હોત કે દરબારમાં તાનસેન ગાતા હતા ત્યારે તેમની સાથેસાથે, મોટેથી, આજુબાજુ બેઠેલાઓને ખલેલ પડે એવી રીતે ગાવા બદલ, અકબરે કોઇનું ડોકું ધડથી અલગ કરી નાખ્યું હતું અથવા અમીર ખુસરોનું સિતારવાદન સાંભળતી વખતે હાથ જોરજોરથી હલાવનાર એક દરબારીનો હાથ ગુસ્સે ભરાયેલા અલાઉદ્દીન ખિલજીએ કાપી નાખ્યો હતો.

આવી ઘાતકી ઘટનાઓ સંગીત નિમિત્તે બની નથી, એ માટેનો જશ અકબર કે અલાઉદ્દીન ખિલજીને જ આપવો પડે. બાકી, સાંભળનારા લોકો તો અત્યારે છે એવા જ એમના જમાનામાં પણ હશે. દા.ત.

ગાનસેન

ગાનાર તાનસેન પરથી સારા શ્રોતા ‘કાનસેન’ તરીકે ઓળખાય છે, પણ કેટલાક શ્રોતાઓને ફક્ત એટલાથી ધરવ થતો નથી. પોતે સારા-જાણકાર શ્રોતા છે અને સારું સંગીત વાગતું હોય ત્યારે પોતે જાત પર કાબૂ ન રાખી શકે એટલી હદે ભાવવિભોર થઇ જાય છે- આવું બતાવવા માટે તે સાથે સાથે ગાવા લાગે છે. સ્ટેજ પરથી મહંમદ રફીનું ગીત ચાલુ થાય, એ સાથે ગાનસેનો પણ મુખડું ઉપાડે છે. ઘણાં ગુનાઇત કૃત્યો માટે પ્રેરક ગણાતા અંધારાનો લાભ લઇને, આજુબાજુ બેઠેલાની શરમ છોડીને, ગાનસેનો પોતાની જગ્યા પર મોટે મોટેથી રાગડા તાણવા બેસી જાય છે.

સ્ટેજ પરથી ગવાતું ગીત અને આજુબાજુની બેઠક પરથી ગવાઇ રહેલું એ જ ગીત- એના કારણે ગાનસેનોની આજુબાજુના શ્રોતાઆને ‘સરાઉન્ડ સાઉન્ડ’નો અહેસાસ થાય છે, પણ એ સુખદ નથી હોતો. કારણ કે ‘સરાઉન્ડ’માંથી આવતો ‘સાઉન્ડ’ ખરેખર ‘નોઇઝ’ (ઘોંઘાટ)ની કક્ષાનો હોય છે. ગીત સાથે એકતાર થઇ ગયેલા કેટલાક ગાનસેનો તો ગીતના શબ્દો ઉપરાંત વચ્ચે આવતું સંગીત પણ મોઢેથી ગાય છે. હોલમાં આજુબાજુમાં આવો એકાદ ગાનસેન આવી જાય તો કાર્યક્રમની મઝા બગાડવા માટે એ પૂરતો નીવડી શકે છે. કારણ કે કાર્યક્રમ પૂરો થયા પછી આપણે સ્ટેજ પરથી ગવાતાં ગીત સાંભળ્યાં કે આજુબાજુમાં બેઠેલા ત્રાસવાદી ગાનસેનનાં- એવો ગૂંચવાડો થાય છે.

ગાનસેનોનો ત્રાસ અટકાવવા માટે પહેલો વિકલ્પ સહેજ કરડાકીપૂર્વક એમની તરફ ડોક ફેરવીને થોડો વખત ત્રાટક કરવાનો છે. એ રીતે કેટલાક નવોદિતો અથવા તેમની સાથે આવેલા શરમાય છે. તે કોણી મારીને ગાનસેનને ગાતો બંધ કરે છે. રીઢા ગાનસેનો પર આવાં નિઃશબ્દ બાણ કામ કરતાં નથી. તેમને વિનમ્રતાપૂર્વક ગાવાનું બંધ કરવા કહી શકાય. પરંતુ તે અજમાવતાં પહેલાં અંધારામાં ઝઘડો કરવાની માનસિક સજ્જતા રાખવી પડે છે. કારણ કે ઘણા ગાનસેનો માને છે કે પોતે ટિકિટ લઇને હોલમાં આવ્યા હોવાથી સાથે ગાવું એ તેમનો અધિકાર છે, બીજા શ્રોતાઓના શ્રવણસુખના ભોગે તે પોતાનો અધિકાર ભોગવીને જંપશે અને બીજાને જંપીને સાંભળવા નહીં દે.

ત્રીજો વિકલ્પ પહેલી નજરે જરા આક્રમક અને ક્યારેક અશિષ્ટ લાગે, પણ એ સૌથી વધારે અકસીર નીવડી શકે છે. આજુબાજુ બેઠેલા ગાનસેનનો ત્રાસ બહુ વધી જાય, તો એક ચિઠ્ઠી તેમના સુધી પહોંચાડવી. તેમાં લખવું ‘ભાઇ/બહેન, તમારો અવાજ ભલે ફાટેલા ઢોલ જેવો/ટ્રાફિક પોલીસની સિસોટી જેવો/ નળમાંથી પ્લાસ્ટિકની ડોલમાં પડતી પાણીની ધાર જેવો/ઘોઘરો/બેસૂરો/કર્કશ/ હોય, તો પણ ધરાર ગાવાનો તમારો આત્મવિશ્વાસ કાબિલેદાદ છે. આખું ગીત ન આવડતું હોય તો ફક્ત મુખડાના શબ્દો અને બાકીનું લા લા લા કરીને પણ તમે જોડે ગાવાનું ચૂકતા નથી. તમારી નિષ્ઠાથી પ્રભાવિત થઇને હું, ભારતનો નાગરિક, તમને અત્યારે ને અત્યારે જ ‘અ-સુરશ્રી’ના ખિતાબથી સન્માનિત કરું છું. આવતી ૨૬મી જાન્યુઆરીએ દિલ્હી આવી જજો અને ત્યાં સુધી ગાવાનું બંધ કરજો.’

હાથસેન

ઘણા ગાયકોની જેમ ઘણા શ્રોતાઓ પણ સંગીતની સાથે ભયંકર રીતે હાથ ન હલાવે ત્યાં સુધી તેમને સંતોષ વળતો નથી. તેમને હાથસેન તરીકે ઓળખવામાં ખાસ અતિશયોક્તિ નથી. કારણ કે સંગીતનો પ્રતિભાવ તે હાથની વિવિધ અદાઓથી વાળે છે. કેટલાક જાણે પોતે ગીતના સંગીતકાર હોય અને ઓર્કેસ્ટ્રાનું સંચાલન કરી રહ્યા હોય તેમ બન્નેે હાથ સૂર પ્રમાણે હલાવે છે- ઊંચાનીચા કરે છે. તેમને જોઇને શરૂઆતમાં એવું લાગે કે હોલમાં મચ્છરોનો ઉપદ્રવ ઘણો છે (જે બહુ સામાન્ય બાબત ગણાય છે) અને તે મચ્છરોને પોતાનાથી દૂર રાખવા માટે હાથ હલાવી રહ્યા છે. થોડો વખત થયા પછી સમજાય છે કે આખા મામલામાં મચ્છરો બિચારાં નિર્દોષ છે અને પેલા ભાઇ કે બહેન સંગીતના પ્રભાવથી હાથની હંિસક હિલચાલો કરી રહ્યા છે.

બીજા પ્રકારના હાથસેનોને ફક્ત હવામાં હાથ હલાવીને સંતોષ થતો નથી. તે ખુરશીના હાથા પર તબલાં વગાડીને સ્ટેજના રીધમ વિભાગને યથાશક્તિ સહકાર આપવા પ્રયાસ કરે છે. ભલું હોય તો કેટલાક ગાનસેનો હાથસેન પણ હોય છે. એટલે કે, મોઢેથી એ રાગડા તાણે ને હાથથી ખુરશીના હાથા પર તાલ પુરાવે. તેમના આ ઘ્વનિપ્રદૂષણથી આજુબાજુના શ્રોતાઓનું જે થવાનું હોય તે થાય, પણ તેમને પૈસાવસૂલનો આનંદ મળે છે. ભોગેજોગે બાજુમાં જ કોઇ હાથસેન બેઠેલો હોય તો તેનો હાથ પકડીને હાથાસરસો દબાવી રાખવાની તીવ્ર ઇચ્છા જાગે છે, જેની પર સભ્યતા ખાતર અંકુશ રાખવો પડે છે.

દાદસેન

અસલ ટેવ તો મુશાયરાની પણ, કેટલાકમાં એ સંસ્કાર એટલો પ્રબળ હોય છે કે ગીત શરૂ થયું - ન થયું ને આખો હોલ સાંભળે તેમ ‘વાહ, વાહ’, ‘બહોત અચ્છે’, ‘ક્યા બાત હૈ’ જેવા ઉદ્‌ગારોનું જાહેર પ્રસારણ કરે છે. એમના બરાડાના શૉક અને આફ્‌ટરશૉકનાં મોજાં હોલમાં ફરી વળે એટલા પૂરતું મૂળ ગીત ઢંકાઇ જાય છે. મોજાં શમે અને ફરી કંઇક તેમના કાને પડે એટલે ફરી એક વાર ‘જીયો, જીયો’, ‘માર ડાલા’ જેવા પોકારના આઘાતમોજાં હોલમાં ફેલાય છે. આમ ને આમ, એમની દાદ મેળવનાર ગીતનો મોટા ભાગનો હિસ્સો દાદના અવાજોમાં જ ડૂબી જાય છે. તેમની આજુબાજુ બેઠેલા શ્રોતાઓને એવું લાગે છે જાણે તે સ્ટેજ પરનું ગીત નહીં, પણ તેમની બાજુમાંથી અપાતી દાદ સાંભળવા આવ્યા છે.

ઘણા લોકો એટલા અધિકારથી અને એટલી ખોટી જગ્યાએ બરાડા પાડીને દાદ આપે છે કે આજુબાજુ બેઠેલામાંથી થોડાને લધુતાગ્રંથિ થઇ જાય. એમને લાગે કે ગીતમાં એવી ઘણી જગ્યાઓ છે, જેમાં આપણને ખબર પડતી નથી પણ આ જાણકાર લાગતા લોકો માણી શકે છે. આવા લોકોને બોલતા કેમ બંધ કરવા એ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ધૂસણખોરી શી રીતે અટકાવવી એ જાતનો પ્રશ્ન છે. કાનમાં રૂનાં પૂમડાં નાખવાથી અર્થ સરતો નથી અને કોઇના મોઢા પર જાડી ખાખી સેલોટેપ મારી દેવાની ઇચ્છા થઇ જાય, એટલે કંઇ એનો અમલ ન કરી દેવાય- એ નાગરિકશાસ્ત્રનો તકાદો સતત યાદ રાખવો પડે છે.

Monday, March 26, 2012

ગુજરાતી નાટકોના ઓછા જાણીતા ‘સુંદરી’ : અમૃત જાની

Amrut Jani in Female Role



સાત-આઠ દાયકા પહેલાં નાટકોમાં સ્ત્રીભૂમિકા કરીને છવાઇ ગયેલા અમૃત જાની/Amrut Jani આજીવન રંગમંચ સાથે સંકળાયેલા રહ્યા.જન્મશતાબ્દિ વર્ષે તેમનું અને તેમની આત્મકથામાં ઝીલાયેલા યુગની અત્યારે આશ્ચર્યજનક લાગે એવી વિશિષ્ટતાઓનું સ્મરણ


વર્ષ ૧૯૨૭. મૂંગી ફિલ્મો શરૂ થઇ હતી, પણ બોલતી ફિલ્મોના યુગને હજુ વાર હતી. બોલતા-ગાતા મનોરંજન માટે પ્રજાનો મુખ્ય આધાર મુંબઇથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલી વિવિધ નાટકમંડળીઓ પર હતો. ફિલ્મ કંપનીઓ- સ્ટુડિયોની જેમ દરેક નાટકમંડળીની ખૂબીઓ અને વિશિષ્ટતાઓ હતી. સ્ટાર અભિનેતાઓથી માંડીને નિર્દેશક સુધીના સૌ પગારદાર રહેતા. ફરક એટલો કે નાટકમંડળીઓએ પોતાના આખા સ્ટાફ સાથે ફરવું પડતું.‘નાટક-ચેટક’નું કામ ભદ્ર વર્ગમાં એવું હીણપતભર્યું ગણાતું કે બનીઠનીને નાટક જોવા જવાય, એનાં પાત્રો પર ફીદા થવાય, પણ ‘નાટકિયા’ સાથે સંબંધ ન બંધાય. એ જ કારણથી, મુખ્યત્વે મસાલા-મનોરંજનનાં પર્યાય જેવાં નાટકોમાં સ્ત્રી પાત્રો માટે અભિનેત્રીઓનો સદંતર અભાવ હતો- અને નાટકોમાં સ્ત્રી ભૂમિકાઓ કરતા અભિનેતાઓનો જબરો પ્રભાવ હતો.

હીરોઇનની ભૂમિકા માટે જરૂરી ગણાતી કુમળી વયે- પંદર વર્ષે- અમૃત જાની રાજકોટની એક સાંસ્કૃતિક સંસ્થાના નાટક ‘ભારતગૌરવ’માં નાયિકા બન્યા. ૧૭ જુલાઇ, ૧૯૧૨ના રોજ જન્મેલા અમૃતભાઇ આમ તો આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિદ્યાર્થી, પણ તેમના પિતા જટાશંકર જાનીએ ચાર દાયકા સુધી નાટકોમાં કામ કરીને અભિનેતા-દિગ્દર્શક તરીકે ખ્યાતિ મેળવી હતી. પત્નીના મૃત્યુ પછી તે ‘મારા દીકરાને નાટકિયો નથી બનાવવો’ એવા નિર્ધાર સાથે નાટકની દુનિયા છોડીને આવી ગયા. પરંતુ કપરી આર્થિક સ્થિતિમાં રાજકોટના જાણીતા ગૃહસ્થોએ નાટકના રોલ માટે રૂ.ત્રીસની ઓફર કરતાં, તે ના પાડી શક્યા નહીં. યોગાનુયોગે મુંબઇની વિખ્યાત નાટક કંપની ‘રોયલ’/Royal એ વખતે રાજકોટમાં હતી. તેના કર્તાહર્તાઓ ‘ભારતગૌરવ’માં ચંદ્રગુપ્ત મૌર્યની પ્રેમીકાની ભૂમિકામાં અમૃત જાનીને જોઇને એવા પ્રભાવિત થયા કે મહિને ત્રીસ રૂપિયા અને ખાવું-પીવું-રહેવું, એવી શરત સાથે તેમણે અમૃત જાનીને રોકી લીધા.

દીકરાને નાટકથી દૂર રાખવા ઇચ્છતા પિતા માટે એ કપરો નિર્ણય હતો. પણ કુટુંબની આર્થિક સ્થિતિ જોતાં અને ‘રોયલ’માં એક જૂના પરિચિતની હૈયાધારણ પછી તેમણે મંજૂરી આપી. રૂપિયા ત્રીસનો માસિક પગાર ૧૯૨૭માં કેટલો ગણાય? અમૃત જાનીએ તેમની આત્મકથા ‘અભિનયપંથે’માં લખ્યું છે તેમ, એ સમયે મોરબી રાજ્યના ફોજદારને એટલો પગાર મળતો ન હતો. નાટકોમાં કુમળી વયના છોકરાઓની શરૂઆત સામાન્ય રીતે ખાવા-પીવા-રહેવાની શરતે થતી. અંદર રહીને તે ઘડાય અને કંઇક હીર બતાવે ત્યાર પછી પગારની વાત આવે.

કિશોર વયે છોકરાઓનો અવાજ સ્ત્રૈણ હોય અને શારીરિક ફેરફારો શરૂ થયા ન હોય, એટલે સ્ત્રી પાત્રોમાં તે સહેલાઇથી ઢળી શકે. છોકરાનો દેખાવ ખરેખરી સુંદરીને પાણી ભરાવે એવો કરવા માટે કેવી જહેમત લેવાતી તેનું પણ ઝીણવટભર્યું વર્ણન ‘અભિનયપંથે’માં અમૃતભાઇએ આપ્યું છે. ‘મેક-અપ’ માટે ત્યારે ‘પાવડર’ જેવો સીધોસાદો શબ્દ વપરાતો હતો અને ‘પાવડર-રૂમ’નો સરંજામ આટલોઃ બે મોટા વાટકામાંથી એકમાં પાણી અને બીજામાં સફેદ પાવડરની ભૂકી. નાની વાટકીઓમાં પીળા રંગના કટકા, લાલ રંગની ભૂકી. એક વાટકીમાં તેલમાં મિક્સ કરેલો અને બીજીમાં પાણીમાં ઘોળેલો કાળો રંગ. પફ-પાવડરનો એક ડબો, વેસેલીનની શીશી અને કોપરેલ તેલની વાટકી.

પહેલાં લાલ રંગમાં અને પછી પાણીમાં આંગળી બોળીને અરીસા ઉપર ‘ઓમ’ અને ‘શ્રી’ લખીને મેક-અપની શરૂઆત થાય. શરીરનો જે ભાગ વસ્ત્રોની બહાર દેખાવાનો હોય તેની પર સાવચેતીપૂર્વક રંગ ચોપડવાનો. મોઢાના રંગ સાથે તેનું મેચંિગ થવું જોઇએ. પાવડર સુકાઇ જાય પછી લાલ રંગની ભૂકી થોડા પાણીમાં ભેળવીને તેનાથી ગાલ પરની સુરખી કરવાની. આંખની ઉપરની ભ્રમર (‘નેણ’) કાળા રંગમાં દીવાસળીની સળી બોળીને ચીતરવાની. આંખમાં આંજણ અને લાલ રંગમાં સળી બોળીને ચાંલ્લા કરવાના. પરંતુ નેણ-આંજણ-ચાંલ્લા કરતાં પહેલાં કોરિયોગ્રાફરને પાવડર (મેક-અપ) બરાબર થયો છે કે નહીં, એ બતાવી દેવાનું. કોરિયોગ્રાફર માટે એ સમયનો પ્રચલિત શબ્દ હતો ‘નાચ-માસ્તર’. (એવી જ રીતે વાળની વિગનો વહીવટ કરનાર વિગ-માસ્તર અને હાર્મોનિયમ વગાડનાર પેટી-માસ્તર)

કંપનીનો નિયમ એવો કે બધા છોકરાઓએ વાળ કપાવવાના નહીં. લાંબા વાળ રાખવાના. એ લોકો પોતાને શોભે એવા વાળ ઓળીને વિગ-માસ્તર પાસે જાય. એ તેમને ચોટી ગૂંથી આપે કે અંબોડો વાળી આપે. દરેક અભિનેતાને પોતાની ભૂમિકા પ્રમાણેનાં વસ્ત્રો ડ્રેસખાતામાંથી મળે. દરેકના નામ સાથે ત્યાં એનાં કપડાં લટકતાં હોય. સ્ત્રીપાઠ કરતા છોકરાઓના શરીરના વળાંકો બતાવવા માટે કપડાના દડા વપરાય. ‘લ્યો, આ છાતી પહેરો’ એટલી સહજતાથી ડ્રેસ-માસ્તર વાત કરે. અમૃતભાઇએ લખ્યું છે કે જેમ એક કુંવારી કન્યાને લગ્નમંડપમાં તેનાં સગાંવહાલાંની સ્ત્રીઓ સંભાળે એવી રીતે તૈયાર કરનારા સંભાળ રાખે. છેલ્લે દાગીનાખાતામાં જઇને દરેક પોતપોતાને લગતા દાગીના પહેરે. તેમાં ખોટા મોતીનો હાર, ગળામાં ચપોચપ પહેરાતો ગંઠો, મોતીની બંગડીઓ અને એરીંગ.

આ રીતે તૈયાર થયેલા છોકરાઓ પર ઘણા પ્રેક્ષકો મોહી પડતા, તેમને ભેટસોગાદો આપીને તેમની નજીક જવાના પ્રયાસ કરતા અને દરેક વ્યવસાયમાં હોય છે એવા સ્વૈચ્છિક કે ફરજિયાત શોષણના બનાવો પણ બનતા. પરંતુ છેવટનો આધાર વ્યક્તિની પોતાની ઉપર અને નાટકમંડળીની શિસ્ત પર રહેતો. રોયલ નાટકમંડળીના માલિક મહાશંકર અને કંપનીના આધારસ્તંભ જેવા પારસી અભિનેતા-દિગ્દર્શક સોરાબજી કાત્રક આ બાબતમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા.

નાટકકંપનીઓ એક ગામમાં લાંબો નિવાસ કરીને બીજે ગામ જતી હોય ત્યારે ઘણી વાર કંઇક લોકોનાં ગામમાં લેણાં ચૂકવવાનાં બાકી રહી જતાં. પણ ‘રોયલ’ની એવી પરંપરા હતી કે ગામ છોડવાનું હોય તેના અઠવાડિયા પહેલાંથી તે જાહેરાત કરે કે ‘સંસ્થા પાસે યા તો સંસ્થાના કોઇ પણ કાર્યક્ર પાસે કોઇ વ્યક્તિનું કંઇ પણ લેણું નીકળતું હોય તો બે-ચાર દિવસમાં જાતે આવીને લઇ જાય.’

પ્રસિદ્ધ નાટ્યલેખક જામને ‘રોયલ’ માટે ‘સોનેરી જાળ’ નામે એક નાટક લખ્યું હતું. તેમાં વૈષ્ણવ સંપ્રદાયના એક મહારાજના અનીતિમય વ્યવહાર અંગે ચાલતા કેસનો વિષય હતો. નાટક સફળ થયું, પણ વૈષ્ણવ સમાજ નારાજ થયો. તેમણે પહેલાં ધમકી મોકલી. તેની અસર ન થઇ એટલે ‘નાટક બંધ કરો તો અમે મોટી રકમ આપીએ’ એવી વાત કરી. છતાં, કંપનીએ નાટક ભજવવાનું ચાલુ રાખ્યું. નાટક મંડળીઓ સંપૂર્ણપણે ધંધાદારી હોવા છતાં, ‘રોયલ’ જેવી કેટલીક કંપનીઓ કે વ્યક્તિગત રીતે ઘણા લોકો માટે નાટક કેવળ રૂપિયા કમાવાનું સાધન ન હતું. વપરાઇને લપટા પડી ગયેલા શબ્દોમાં કહેવું હોય તો કંપનીનું વાતાવરણ ‘પરિવાર જેવું’ રહેતું.

સૌનું રસોડું સહિયારું. રસોડાની ઘંટડી વાગે એટલે વારાફરતી બધા જમવા જાય. આત્મકથામાં અમૃતભાઇએ કેટલાંક વર્ણન એટલાં ઝીણવટભર્યાં અને આબેહૂબ કર્યાં છે કે એ કોઇ સજ્જ સાહિત્યકારના લખાણ જેવાં લાગે. જમવાની જગ્યા અને રસોડા વિશે તેમણે લખ્યું છે, ‘એક મોટા સમુહને માટે જેમ લોજ-વીશીમાં રસોઇ થતી હોય અને જેવા પ્રકારની હવામાં ઘેરાયેલી વાસ આવે તેવી અહીં પણ આવતી હતી.’ બધા લોકો પરિવારના સભ્યો ખરા, પણ જ્ઞાતિના ચોકાથી પરિવારના બંધન કરતા વધારે મજબૂત. અમૃતભાઇના જ શબ્દોમાં : ‘રસોઇ બનતી તેની લગોલગ લાકડાની આડશવાળા ચોકઠામાં બ્રાહ્મણભાઇઓ જમવા બેસતા. તેનાથી એકાદ ફૂટ દૂર, બીજી એવી જ કરેલી જગ્યામાં નાયકબંઘુઓની જગ્યા મુકરર થયેલી હતી...નાની-નાની એવી બે-પાંચ આડશવાળી જગ્યામાં સંસ્થાના દરજીભાઇ, વાળંદભાઇ વગેરે અને પછીના એવા જ ભાગમાં પારસી અને મુસ્લિમ બિરાદરો કે જે લગભગ, ત્યાં બેસીને જમવાને બદલે પોતાના ટિફિનમાં જમવાનું ભરાવી લઇ જતા અને પોતાની રહેવાની અગર અન્ય અલાયદી જગ્યાએ બેસી જમતા... વાસણ માંજી રહેલા બે ભાઇઓ પાસે થાળી-વાટકાનો ઢગલો પડેલો હતો. જે જે જમવા આવતા, તે તેમાંથી થાળી-વાટકો લઇ, પોતપોતાના ચોકામાં જમવા બેસી જતા.’

નાટક મંડળીમાં એક તરફ પરિવાર જેવું વાતાવરણ, બીજી તરફ આર્થિક અને અંદરોઅંદરની ખટપટો અને થોડાં વર્ષો પછી નાટકમંડળીઓના અંતનો આરંભ- એ પરિસ્થિતિને કારકિર્દીના ચડાવઉતાર સાથે અમૃત જાનીએ કેવી રીતે જોઇ? તેની વાત આવતા અઠવાડિયે.