Saturday, March 24, 2012
મહેમદાવાદ રેલવે સ્ટેશને સમી સાંજનો પક્ષીમેળો
આમ તો દૃશ્ય ઘણાં વર્ષ જૂનું છે. પણ સાવ સૂર્યાસ્ત પછી અને અંધારું સાંજ પર સંપૂર્ણપણે છવાઇ જાય એની વચ્ચેના સમયે મહેમદાવાદ રેલવે સ્ટેશન પર જવાનું બહુ ઓછું થતું હતું. એ સમયે સ્ટેશને હોઇએ ત્યારે કેમેરા સાથે ન હોય.
આજે એ યોગ થઇ ગયો. એટલે આ તસવીરો અને વિડીયો. આખા આકાશમાં પથરાઇને ઉડતાં અને ઘડી ઘડીમાં ફોર્મેશન બદલતાં પક્ષીઓની વિડીયો જોઇને મારી દીકરીએ કહ્યું, 'આકાશમાં દાણા વેરાતા હોય એવું લાગે છે.'
છેક નીચે મૂકેલી બે નાની વિડીયોમાં ફક્ત આંખને ઠારે એવી જ નહીં, દિલોદિમાગ પર છવાઇ જાય એવી પક્ષીસમુહની ઉડાન અને સાથે તેમના ટહુકાર છે.
સંખ્યાબંધ પક્ષીઓ ઉડતાં ઉડતાં આવે અને રેલવેના માઇક્રોવેવ ટાવર પર કશી ધક્કામુક્કી કે અથડાઅથડી વિના લાઇનબંધ ગોઠવાઇ જાય, એ જોઇને લાગે કે લાઇનની બાબતમાં પક્ષીઓ માણસ કરતાં વધારે ઉત્ક્રાંત છે.
Labels:
photo,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Friday, March 23, 2012
અશ્વિની ભટ્ટઃ શૂટ એટ સાઇટ
છેલ્લા થોડા દિવસથી બલ્કે બે-ત્રણ
અઠવાડિયાંથી અશ્વિની-પર્વ ચાલે છે. અશ્વિની ભટ્ટ એક મહિનાથી પણ ઓછા સમય માટે
અમદાવાદ આવ્યા છે અને રવિવારે રાત્રે નીકળવાના છે. આ વખતે આખું પરિવાર સાથે હોય
એવો દુર્લભ સંયોગ રચાયો છે. અશ્વિનીભાઇ, નીતિભાભી, નીલ-કવિતા અને તેમનાં બન્ને
સંતાનો અર્જુન-અનુજ.
અશ્વિનીભાઇ
અમદાવાદમાં હોય એટલે શું ચાલે? સીકેકે, ગામગપાટા, અવનવી દુનિયાભરની વાતો,
અટ્ટહાસ્ય, મિત્રમંડળીઓની મહેફિલો, નાસ્તાપાણી, યાદગીરી તરીકે ફોટા- આ બધું એટલું
ચાલે છે કે બ્લોગ તો ઠીક, રોજના કામનું લખવાનો માંડ સમય મળે. અશ્વિનીભાઇ અહીં છે
ત્યાં સુધી લખવાની ચિંતા છોડીને બસ અઢળક મઝા કરવી એવું પણ મનમાં હતું. એ ઇરાદો પાર
પડ્યો અને પડી રહ્યો છે એનો ભારે સંતોષ છે. છતાં, ફક્ત આટલું લખીને અશ્વિનીભાઇના ગેરહાજર
પ્રેમી મિત્રોને દુઃખી ન કરાય. એમ સમજીને આજે થોડી વિશિષ્ટ તસવીરો મૂકું છું.
આજે સવારે મિત્ર તસવીરકાર વિવેક દેસાઇ તેમનાં પત્ની
શિલ્પા સાથે ઉલટભેર અશ્વિનીભાઇના ઘરે ફોટો-શૂટ માટે આવ્યા. તેમણે અશ્વિનીભાઇની ઘણી
અને યાદગાર તસવીરો લીધી છે. અશ્વિનીભાઇ-નીતિભાભીએ પ્રેમથી તસવીરો પડાવી. એની વાતો
ફરી ક્યારેક, પણ આજે તો અશ્વિનીભાઇની તસવીરો લેવાની વિવેકની પ્રક્રિયાની તસવીર-કથા.
![]() |
દૂરથી ક્લોઝ-અપ?
|
![]() |
વાહ, શું મસ્ત લાઇટ છે.
|
![]() |
થોડા પોઝ, થોડી વાતો-1
|
![]() |
| થોડા પોઝ, થોડી વાતો-2 |
![]() |
| થોડા પોઝ, થોડી વાતો-3 |
![]() |
લેખક લખતા કેવા લાગે?
|
![]() |
રિવોલ્વિંગ ચેર નહીં, પેલી
‘રોયલ’ની ખુરશી જોઇએ
|
![]() |
ઊભા ઊભા પણ લખી શકાય
|
![]() |
લેખકનો લખાણ સાથેનો ‘મગ શોટ’.
અશ્વિનીભાઇ કહે,
‘ઉપર લખી દઉં કે આમાં(લખવામાં) ક્યાં પડ્યા?’
|
![]() |
વિવેક ફોટા પાડતા હોય ત્યારે વચ્ચે આપણને પણ હાથ સાફ કરવાનું મન થઇ જાય
|
![]() |
આ સાયકલ અશ્વિનીભાઇની નથી
|
![]() |
પચીસ વર્ષ પહેલાં અશ્વિનીભાઇને
વિચાર આવ્યો હોત કે
દાદરો ચડવાને બદલે આ વેલો ચડીને બીજે માળ પહોંચાય?
કે પછી આ
વેલા કોણે કર્યા હશે? એનું શું ગણિત હશે? એ ધંધામાં પડાય?
|
![]() |
જુઓ, કેમ લાગે છે?
|
![]() |
યાદગીરી માટે
|
Wednesday, March 21, 2012
રેલવે બજેટઃ સીધી આવક માટેના આડા રસ્તા
રેલવે બજેટ આવી જાય એટલે મુસાફરીનાં ભાડાંમાં કેટલો વધારો થયો ને કેટલી નવી ટ્રેનો શરૂ થઇ એની ચર્ચા થવા લાગે છે. આવક માટે રેલવેએ ભાડાં વધારવાં જોઇએ કે નહીં, એ મુદ્દે બિચારા રેલવેમંત્રીની કફોડી દશા થાય છે. એક બાજુ આમઆદમી ને બીજી બાજુ ખાસ જરૂરિયાતો. આ પરિસ્થિતિમાંથી ઉગરવું હોય અને ભાડાંમાં વધારો ‘ઝીંક્યા’ વિના આવક ઊભી કરવી હોય તો કેટલાક ખાસ પ્રકારના વેરા દ્વારા એ કામ થઇ શકે છે. જેમ કે,
બારણાવેરો
ટ્રેનના કાયમી મુસાફરોમાંથી કેટલાક બારણાપ્રેમી હોય છે. ચિંતકો અને ગદ્યકારોએ ટ્રેનના ડબ્બાની બારીનો મહિમા કર્યો છે. એકે તો બારીને ‘મુસાફરની મા’ કહેવાની છૂટ લીધી છે. અતિશયોક્તિનો એ સિલસિલો આગળ વધારવો હોય તો કહી શકાય કે ટ્રેનના ડબ્બાનું બારણું ઘણા મુસાફરો માટે પિતાસમાન હોય એવું લાગે છે. ગમે તેવી ભીડમાં પિતાની આંગળી પકડી રાખતા પુત્રની જેમ, ગમે તે થાય, પણ એ લોકો બારણાનો સાથ છોડતા નથી. વચ્ચે આવતાં સ્ટેશનેથી ટોળાબંધ લોકો ચઢે, બારણામાં કુરૂક્ષેત્ર સર્જાઇ જાય, તો પણ બારણાપ્રેમીઓ કોઇ અલૌકિક સિદ્ધિના બળે એવા પારદર્શક બની જાય છે કે આખું ટોળું જાણે તેમનામાંથી પસાર થઇને ડબ્બાની અંદર પહોંચી ગયું હોય એવું લાગે. ગાડી ઉપડે ત્યારે ફરી એક વાર એ લોકો પોતાની જગ્યાએ - બારણે- યથાવત્ ઊભેલા જોવા મળે છે.
રાજાશાહીના જમાનામાં આજ્ઞાપાલક સ્વામીભક્તોને રાજાએ કહી દીઘું હોય કે ‘તમારે જીવતાંજીવ કદી કિલ્લો કે ચોકી છોડીને જવાનું નહીં.’ એટલે એ લોકો પ્રાણાંતે પણ વચનનું પાલન કરતા. ટ્રેનના બારણે ઉભેલા લોકોને જોઇને જૂના વખતની ટેકની યાદ તાજી થાય છે. ‘ગમે તેટલા ધક્કા ખાઇને -અપમાન સહીને પણ અમે બારણું નહીં છોડીએ’ એવું વચન તેમણે રેલવેમંત્રીને આપ્યું હશે? એવો વિચાર આવી જાય છે.
આખો ડબ્બો ખાલી હોય તો પણ બારણે ઊભા રહે તો જ સંતોષ થાય, એવો પણ એક વર્ગ હોય છે. (જેમ અમુક લોકોને દાળભાતથી જ ‘જમ્યાનો સંતોષ’ થતો હોય છે.) શાણા લોકો એટલે જ દરવાજે લટકતા લોકોને જોઇને અંદરની ભીડથી ગભરાતા નથી. તેમને ખબર છે કે દરવાજા પરની ગીરદી ભારતના ભાવિ સુપરપાવર તરીકેના દરજ્જા જેવી છેઃ બહારથી બીજાને ડરાવે એવી-પ્રભાવશાળી અને અંદરથી ખાલી.
બારણાપ્રેમીઓ વિશે આટલી વિગતે વાત કરવાનું કારણ એ કે હવે પછીના રેલવે બજેટમાં બારણે ઊભા રહેનારા લોકો પાસેથી બારણાવેરો વસૂલવાની દરખાસ્ત મૂકી શકાય. ટિકિટબારી પરથી સેકન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસની જેમ ડોર ક્લાસની- બારણાની અલગ ટિકિટ જ મળતી હોય, જેની કિંમતમાં બારણાવેરો ઉમેરી દેવામાં આવ્યો હોય. એમ કરવાથી ડબ્બાની અંદર મુસાફરી કરતા આમઆદમી પર વધારાનો બોજ નહીં વધે અને સરકારને આવક થશે.
હવાવેરો
આમ તો એને બારણાવેરા સાથે પેટાવેરા તરીકે સંલગ્ન કરી શકાય. કારણ કે બારણે ઊભા રહેનારા ઘણા લોકો પોતાના બારણાપ્રેમના મૂળમાં હવાપ્રેમને કારણભૂત ગણાવે છે. ‘અંદર ગુંગળામણ થાય છે. એટલે હવા ખાવા અમે દરવાજે ઊભા રહીએ છીએ.’ આવો ખુલાસો ગમે એટલો તાર્કિક લાગે, પણ એ વધારાના વેરાના પાત્ર છે એમાં બેમત ન હોઇ શકે. ગીરદીથી છલકાતા ડબ્બામાં એક તો બારણે ઊભા રહેવાનું અને એ પણ હવા આવે એવી રીતે- આ લગભગ ફર્સ્ટ ક્લાસ સમકક્ષ સુવિધા થઇ અને મુંબઇની ટ્રેનોમાં તો ફર્સ્ટ ક્લાસમાં પણ ભારે ભીડ હોય ત્યારે તે ફર્સ્ટ ક્લાસથી પણ ઉપરના ક્લાસની સુવિધા કહેવાય. ‘હવા ખાવી એ મૂળભૂત, પ્રાથમિક અને કુદરતી જરૂરિયાત છે’ એ વાત ટ્રેનના ડબ્બાના સંદર્ભે માન્ય રાખી શકાય નહીં. ત્યાં એને ‘લક્ઝરી’નો દરજ્જો આપીને, તેના માટેનો વેરો એસી ક્લાસ સમકક્ષ રાખવાનું વિચારી શકાય.
ઘોંઘાટવેરો
ટ્રેનના ડબ્બામાં ‘સાયલેન્સ ઝોન’નું પાટિયું ન લગાડી શકાય એ તો દેખીતું છે. ભૂતપૂર્વ મુખ્ય મંત્રી શશિ થરૂરનો પ્રિય શબ્દપ્રયોગ વાપરીને તેને ‘કેટલક્લાસ’ (ઢોરઢાંખરનો ડબ્બો) ન કહી શકાય એ પણ દેખીતું છે. એટલા માટે નહીં કે તેમાં માણસોનું અપમાન થાય, પણ ખાસ તો એટલે કે પશુઓ ઘણા મુસાફરોની જેમ અકારણ, પોતાની હાજરી સિદ્ધ કરવા, નારીરત્નોનું ઘ્યાન ખેંચવા, સમય પસાર કરવા કે પછી માત્ર ‘નિજાનંદ માટે’ ઘોંઘાટ મચાવતાં નથી અને આજુબાજુના લોકોને ત્રાસ આપતાં નથી.
‘સરકાર ઘોંઘાટ ઘટાડવાની દિશામાં વિચારશે?’ એવી ચર્ચાપત્રીસહજ અપેક્ષા તો ન રાખીએ, પણ ઇમ્પેક્ટ ફી લઇને ગેરકાયદે બાંધકામો કાયદેસર કરી આપવાની માફક, ઘોંઘાટ માટે વેરો લઇને તેને દેશહિતનો દરજ્જો આપવાનું પગલું ભરી શકાય છે. ઘોંઘાટવેરા પેટે મળેલાં નાણાં રેલવે તંત્રની સલામતી અને સુવિધાઓ વધારવા માટે વપરાશે, એમ કહીને લોકોને ઘોંઘાટ દ્વારા દેશસેવા કરવાના રસ્તે દોરી શકાય. એમ કરવાથી દેશભક્ત નાગરિકોની સંખ્યામાં મોટો વધારો થશે, જે ભારતને કમ સે કમ ઘોંઘાટના મુદ્દે સુપરપાવર બનાવવાની દિશામાં દોરી જશે.
પલાંઠીવેરો
ભારતના હાર્દ જેવી અસમાનતામાંથી ટ્રેનના ડબ્બા પણ શા માટે બાકાત રહે? એક તરફ લોકોને પગ મુકવા જગ્યા નથી હોતી, ત્યારે જગ્યાની બાબતમાં મૂડીવાદી એવા કેટલાક લોકો સીટ પર પલાંઠી મારીને બેઠા હોય છે (જે ઊભેલા લોકોને ‘પલાંઠો’ લાગે છે.) પલાંઠાપ્રધાન મુસાફરો એવું માને છે કે ટિકીટ ખરીદીને મેળવેલા મુસાફરીના હકમાં પલાંઠી વાળવાનો હક પણ સમાવિષ્ટ છે. નાગરિકશાસ્ત્રની તેમની આવી સમજણને કારણે ઘણી વાર બંધારણીય તો નહીં, પણ (મારામારી સ્વરૂપે) કાયદો-વ્યવસ્થાની કટોકટી ઊભી થાય છે.
ફક્ત સીટ પર બેઠેલા લોકો જ પલાંઠીવાદી હોય છે એવું માનવાની જરૂર નથી. ટ્રેનમાં આજુબાજુના લોકો એક પગે તપ કરનાર ઘુ્રવને લધુતાગ્રંથિ થઇ જાય એવી મુદ્રામાં પોતાના પગ ટેકવીને ઊભા હોય, ત્યારે ડબ્બાના ભોંયતળીયે, દરવાજા નજીક કે ખુલ્લા પેસેજમાં કેટલાક માથાભારે લોકો બિનધાસ્ત પલાંઠી વાળીને બેસી જાય છે. તેમાં બહેનોનું નોંધપાત્ર પ્રમાણ જોઇને સ્ત્રીસશક્તિકરણના પ્રેમીઓનો રાજી થઇ શકે છે- શરત એટલી કે તે આજુબાજુમાં ઊભેલા ન હોવા જોઇએ. અનરીઝર્વ્ડ- સાદા ડબ્બામાં પલાંઠી વાળીને બેસવું એ ટિકિટસિદ્ધ અધિકાર છે કે નહીં, તેની ઉગ્ર ચર્ચાઓ થાય અને કવચિત તેમાંથી હિંસા પણ ફાટી નીકળતી હોય, એને બદલે પલાંઠીવેરો લઇને લોકોને સત્તાવાર રીતે પલાંઠી વાળવાની પરવાનગી શા માટે ન આપવી? તેનાથી કકળાટ ટળશે અને રેલવેને આવક થશે.
લટકવેરો
બારણાનો દંડો પકડીને શાંતિથી ઊભા રહેવામાં પોતાની સાહસવૃત્તિનું અપમાન લાગતું હોય એવા કેટલાક લોકો બારણાનો એક બાજુનો દંડો પકડીને અડઘું શરીર હવામાં ઘ્વજની પેઠે લહેરાવે છે. આ પ્રવૃત્તિને એડવેન્ચર સ્પોર્ટ્સનો દરજ્જો મળ્યો નથી કે તેને જીમનાસ્ટીકમાં ગણવામાં આવતી નથી, એમાં લટકનારાનો શો વાંક?
આવી રીતે લટકવાની પ્રવૃત્તિને સામાજિક દૃષ્ટિએ નીચી નજરથી જોવાને બદલે કે લટકનારાને મવાલી ગણી લેવાને બદલે, તેમની પાસેથી રેલવે લટકવેરો વસૂલ કરી શકે છે. કેમ? માણસ જીમ્નેશિયમમાં જાય તો ફી ન ચૂકવે? એડવેન્ચર સ્પોર્ટ્સ મફતમાં થાય છે?
‘એરણની ચોરી ને સોયનું દાન કરતી કોર્પોરેટ કંપનીઓની સ્ટાઇલમાં, લટકવેરાની આવકનો થોડો હિસ્સો બારણે લટકવાને કારણે મોતને ભેટેલા લોકોના પરિવારોને વળતર આપવામાં પણ વાપરી શકાય.
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
railway
Monday, March 19, 2012
આખી ફિલ્મી કારકિર્દીમાં મારે કદી સેક્રેટરીની જરૂર પડી નથી: કામિની કૌશલ

Kamini Kaushal, 85, in conversation with Urvish Kothari; A still from LP cover of `Nadiya Ke Paar` (with DilipKumar)

દિલીપકુમાર-દેવ આનંદ-રાજ કપૂરની શરૂઆતની ફિલ્મોમાં નાયિકા બનનાર કામિની કૌશલ/Kamini Kaushal ૮૫ વર્ષની વયે પણ ચુંબકીય વ્યક્તિત્વ ધરાવે છે. અવાજમાં યુવતી જેવો રણકો અને નજાકત, ચહેરા પરના વાતને અનુરૂપ સતત બદલાતા હાવભાવ અને એ પ્રમાણે અવાજના ચઢાવ- ઉતાર, એ બઘું જોઇને લાગે કે કામિની કૌશલ વૃદ્ધ નહીં, ફક્ત ઉંમરલાયક થયાં છે. ગ્રામોફોન ક્લબના મહેમાન તરીકે અમદાવાદની મુલાકાતે આવેલાં કામિની કૌશલે ‘ગુજરાત સમાચાર’ સાથેની ખાસ મુલાકાતમાં ઘણી ભૂલાયેલી અને અજાણી વાતો તાજી કરી.
રાજ કપૂર સાથે તેમણે ‘જેલયાત્રા’ અને આર.કે.ના બેનરની પહેલી ફિલ્મ ‘આગ’માં નાયિકા તરીકે કામ કર્યું. ‘રાજ કપુર બહુ મસ્તીખોર હતો. મારી આગળ બહુ ગપ્પાં મારે અને ખોટેખોટી ધોંસ જમાવે.’ છ દાયકા પહેલાંના ભૂતકાળમાં સરી જતાં કામિની કૌશલે કહ્યું,‘એ મને પૂછે કે તેં કેટલી ફિલ્મોમાં કામ કર્યું? હું કહું કે એક જ. એટલે એ કહે, મેં તો દેસી ઠર્રા હું. મેં તો ઢગલાબંધ ફિલ્મોમાં કામ કર્યું છે. પછી હું અંજાઇ જાઉં એટલે ખડખડાટ હસીને કહે, હું તો તને બનાવવા જૂઠું બોલું છું.’
‘રાજ કપૂર, દેવ આનંદ અને દિલીપકુમાર- ત્રણેની અલગ અલગ સ્ટાઇલ હતી. દિલીપકુમાર એકદમ અંતર્મુખી. દેવ આનંદ પણ નવો આવ્યો ત્યારે એકદમ શરમાળ હતો. એ વખતે અમે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું. એ વાતના દાયકાઓ પછી વિજય આનંદની છેલ્લી ફિલ્મમાં અમે સાથે હતાં. ત્યારે દેવને મેક અપ રૂમમાંથી બહાર આવતો જોઇને મેં કહ્યું, ‘અરે, તારી ચાલવાની સ્ટાઇલ હજુ એવી ને એવી જ છે.’ કામિની કૌશલ અને દિલીપકુમારની જોડી નદીયા કે પાર, શબનમ, શહીદ અને આરઝુ જેવી સુપરહિટ ફિલ્મો દ્વારા પડદા ઉપર અને પડદાની બહાર પણ અત્યંત જાણીતી બની.
‘ફિલ્મફેર’ના પહેલા જ અંકના મુખપૃષ્ઠ પર ‘કવરગર્લ’ તરીકે ચમકનાર અને ફિલ્મી દુનિયામાં આજીવન સેક્રેટરી રાખ્યા વિના કામ ચલાવનાર કામિની કૌશલનો જન્મ ૨૫ ફેબુ્રઆરી, ૧૯૨૭ના રોજ લાહોરમાં થયો હતો. તેમનું મૂળ નામ ઉમા કશ્યપ હતું. નાનપણથી જ તે ઓલ ઇન્ડિયા રેડિયો પર નાટકો કરતાં હતાં. પિતા રાયબહાદુર એસ.આર.કશ્યપ તરફથી બધી જ છૂટછાટ હતી. તેમનું મૃત્યુ થતાં મોટા ભાઇ બધાં ભાઇબહેનો માટે પિતાસમાન બની ગયા. તેમના મિત્ર ચેતન આનંદે ઉમાને પોતાની પહેલી ફિલ્મ ‘નીચા નગર’માં તક આપી, પણ થયું એવું કે ચેતન આનંદની પત્નીનું નામ પણ ઉમા હતું અને એ પણ ફિલ્મમાં ભૂમિકા કરતાં હતાં. એટલે ઉમા કશ્યપનું નામ બદલીને કામિની કૌશલ કરી નાખવામાં આવ્યું. ‘મેં કહ્યું હતું કે તમારે જે મારું જે નામ રાખવું હોય તે રાખો, પણ ‘કે’થી શરૂ થતું હોય એવું રાખજો. કારણ કે મારી બહેનની બન્ને દીકરીઓનાં નામ પણ ‘કે’થી શરૂ થાય છે.’
‘નીચા નગર’ (૧૯૪૬) આંતરરાષ્ટ્રિય પ્રશંસા પામી. ત્યાર પછી કામિની કૌશલ લાહોર પાછાં જતાં રહ્યાં હતાં, પણ એ દરમિયાન તેમના અંગત જીવનમાં નાટકીય સંજોગો સર્જાયા. તેમની બહેનનું મૃત્યુ થતાં તેમણે બહેનની બે દીકરીઓની દેખભાળ રાખવા માટે બહેનના પતિ બ્રહ્મસ્વરૂપ સુદ સાથે લગ્ન કર્યું.
ચાળીસીના દાયકાના અંત સુધીમાં અભિનેત્રી તરીકે તેમની ઘણી ફિલ્મો સફળ થઇ હતી, પણ પચાસના દાયકામાં આવેલી બિમલ રોયની ‘બિરાજબહુ’(૧૯૫૪)માં તેમનો અભિનય નવી ઊંચાઇએ પહોંચ્યો. ‘બિમલ રોય બહુ શાંત અને ધીરગંભીર હતા. ફિલ્મના મુખ્ય પાત્રમાં મારી પસંદગી થયા પછી તેમણે મને પૂછ્યું કે ‘બિરાજબહુ’ નવલકથા તમે કેટલી વખત વાંચી છે? મેં જવાબ આપ્યો, ‘બે વાર.’ એટલે તેમણે કહ્યું, ‘તમારે એ વીસેક વાર તો વાંચવી જ જોઇએ. બિરાજનું આખેઆખું પાત્ર તમારામાં ઉતરી જવું જોઇએ.’ આ પ્રસંગ યાદ કરીને કામિની કૌશલે કહ્યું,‘એમની વાત બહુ સાચી હતી. ત્યાર પછી ઘણી વાર એવું બનતું કે આખો સીન એક પણ રીહર્સલ કે રીટેક વિના શૂટ થઇ જતો.’
બિમલ રોય જેવા ડાયરેક્ટરોના પ્રભાવની વાત કરતાં તેમણે કહ્યું,‘તેમણે એવી પદ્ધતિ રાખી હતી કે વાર્તામાં દિવસનાં દૃશ્યો હોય તે દિવસે અને રાતનાં રાતે જ લેવાં, જેથી એક પ્રકારની સ્વાભાવિકતા આવે. એક વાર અમે ખંડાલા પાસે આઉટડોર શૂટિગ કરતાં હતાં ને મારાં મમ્મીને હાર્ટએટેક આવ્યો છે, એવા ખબર મળ્યા. સાંભળીને હું તદ્દન સ્કૂલની વિદ્યાર્થીનીની જેમ બિમલ રોય પાસે રજા માગવા દોડી ગઇ. તેમણે મને સમજાવી અને કહ્યું કે કાલ સવારનું શૂટંિગ પૂરું કરીને નીકળી જજે. એ વખતે મારાથી એવું ન કહેવાય કે રહ્યું તમારું શૂટિગ. હું તો આ ચાલી.’
કામિની કૌશલ-દિલીપકુમાર અભિનીત ફિલ્મ ‘શહીદ’ના ચાહક મનોજકુમારે પોતાની ‘શહીદ’માં કામિની કૌશલને પહેલી વાર માતાની ભૂમિકા કરવા માટે મનાવી લીધાં. ત્યારથી નિરૂપા રોય- અમિતાભ બચ્ચનની જેમ ફિલ્મી માતા-પુત્ર તરીકે કામિની કૌશલ-મનોજકુમાર જાણીતાં બન્યાં. નેવુથી પણ વઘુ ફિલ્મોમાં અભિનય કરનાર કામિની કૌશલે દૂરદર્શન પર બાળકો માટેની ટીવી સિરીયલ અને પપેટ શો સહિત અનેક પ્રવૃત્તિઓથી જીવનને ભર્યુંભાદર્યું રાખ્યું છે. ‘પરાગ’ માસિકમાં તેમણે લખેલી બાળવાર્તાઓ પર ગુલઝાર એટલા રાજી થયા હતા કે એની પરથી જ ટીવી સિરીયલ બનાવવા સૂચવ્યું.
સાવ બાળકી તરીકે પિતાના ખભે બેસીને લાહોર રેલવે સ્ટેશને ટ્રેનના ડબ્બામાં ઊભેલા ગાંધીજીનાં દર્શન કરનાર કામિની કૌશલ તેમના અમેરિકાનિવાસી કમ્પ્યુટર એન્જિનિયર પુત્ર વિદુર સાથે મળીને ગાંધીજીના રોબોટિક પપેટ પર કામ કરી રહ્યાં છે. એના થકી તે નવી પેઢીનાં બાળકો સુધી ગાંધીજીનો સંદેશ પહોંચાડવા ઇચ્છે છે.
Sunday, March 18, 2012
અજિત મર્ચંટ: વિદાયના એક વર્ષ પછી

આજીવન મૈત્રીનો આરંભકાળઃ સંગીતકાર અજિત મર્ચંટ અને ગાયક દિલીપ ધોળકિયાની દુર્લભ તસવીર
‘તમને અમે બિલકુલ યાદ કરતા નથી. કારણ કે તમને અમે ભૂલ્યા જ નથી.’ એવો ચબરાકીયો સંવાદ કેટલાક કિસ્સામાં શબ્દશઃ સાચો પડતો હોય છે. આજે જેમના મૃત્યુને એક વર્ષ પૂરું થયું, તે સંગીતકાર અજિત મર્ચંટ/Ajit Merchant ની વાત કંઇક એ જ પ્રકારની છે.
૮૮ વર્ષના દીર્ઘ, તંદુરસ્ત અને સંગીતમય જીવન દરમિયાન અજિત મર્ચંટની ખ્યાતિ મુખ્યત્વે ‘તારી આંખનો અફીણી’ના સંગીતકાર તરીકેની. ફિલ્મ ‘દીવાદાંડી’ (૧૯૫૦)નું વેણીભાઇ પુરોહિતે લખેલું- દિલીપ ધોળકિયા/Dilip Dholakiyaએ ગાયેલું એ ગીત ગુજરાતીઓની ત્રણ પેઢીથી પ્રચંડ લોકપ્રિયતા ધરાવે છે. પરંતુ ૧૯૪૦ના દાયકાની મઘ્યથી શરૂ થયેલી અજિતભાઇની સંગીતસફર જીવનના અંતભાગ સુધી-લગભગ સિત્તેર વર્ષ- એક યા બીજા સ્વરૂપે ચાલુ રહી. મૃત્યુના થોડા સમય પહેલાં અજિત મર્ચંટ (અને દિલીપ ધોળકિયા)ને ‘મુનશી સન્માન’ અર્પણ કરીને ભારતીય વિદ્યા ભવને સંગીતક્ષેત્રે તેમના સમગ્ર પ્રદાનને ફરી એક વાર પ્રકાશમાં લાવી મૂક્યું.
‘સાગર મુવિટોન’ના સંગીતકાર અશોક ઘોષના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર અજિતભાઇએ ૧૯૪૮માં ‘કરિયાવર’ ફિલ્મમાં પહેલી વાર સ્વતંત્રપણે સંગીત આપ્યું. ફિલ્મનાં કુલ ૧૧ ગીતોમાં ગીતા દત્ત (એ વખતે ગીતા રોય)નાં છ અને ગુજરાતીમાં પહેલી વાર ગાનાર મીના કપૂરનાં ચાર ગીત હતાં. તેમાંથી બે ખુદ અજિતભાઇનાં મીના કપુર સાથેનાં યુગલગીત હતાં. (‘કેસૂડાની કળીએ રૂડો ફાગણીયો લહેરાય’ અને ‘અમે વણઝારા’) ગીતા દત્ત જેવો ભાવવાહી, પણ નજાકતમાં તેમનાથી ચડિયાતો અવાજ ધરાવતાં મીના કપુર અજિત મર્ચંટનાં પ્રિય ગાયિકા બની રહ્યાં. તેમણે ગાંઠના પૈસે અને (પત્ની નીલમ મર્ચંટના નામ પરથી) ‘નીલમ ફિલ્મ્સ’ના બેનર તળે ‘દીવાદાંડી’ ફિલ્મ બનાવી, તેમાં સાતમાંથી ચાર ગીત મીના કપૂરનાં સોલો (એકલગીત) હતાં. ફક્ત ફિલ્મોમાં જ નહીં, ‘આ માસનાં ગીતો’ જેવા ભારતીય વિદ્યાભવનના કાર્યક્રમ માટે પણ તેમણે મીના કપુર પાસે ગુજરાતી ગીત ગવડાવ્યાં.
અજિતભાઇએ ફિલ્મો અને રેડિયો માટે મીના કપુર, ગીતા દત્તા, આશા ભોસલે, સુમન કલ્યાણપુર, સુલોચના કદમ, મન્ના ડે, તલત મહેમુદ જેવા નામી ગાયકો પાસે ગુજરાતી ગીતો ગવડાવ્યાં. જગજિતસિંઘ અને અનુરાધા પૌડવાલે પોતાની કારકિર્દીનું પહેલું ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મમાં (અનુક્રમે ‘બહુરૂપી’ અને ‘માંડવાની જૂઇ’માં) અજિતભાઇના સંગીતમાં ગાયું. ‘ધરતીના છોરુ’ (૧૯૭૦)માં જગજિતસિંઘ અને સુમન કલ્યાણપુરે અજિતભાઇના સંગીતમાં ગાયેલું વેણીભાઇનું ગીત ‘ઘનશ્યામ નયનમાં’ અમર બન્યું છે. અસલમાં આ ગીત અજિતભાઇએ પચાસના દાયકામાં ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં રજૂ કર્યું હતું, જે અજિત શેઠ અને નિરૂપમા શેઠે ગાયું હતું. એ વખતે બન્નેનાં લગ્ન થયાં ન હતાં. અજિતભાઇ ઘણી વાર હળવા મૂડમાં પોતાના સંપર્કથી કે પોતાનાં ગીતો થકી પ્રેમમાં પડેલાં જોડાંને યાદ કરતાં. તેમાં નિરૂપમા-અજિત શેઠ, ભૂપેન્દ્ર-મિતાલી અને જગજિત-ચિત્રાનો ઉલ્લેખ કરતા.
પોતાને પહેલી તક આપનાર અજિત મર્ચંટનો ગુણ જગજિતસિંઘ છેવટ સુધી ભૂલ્યા ન હતા અને તેનો ગૌરવભેર જાહેર સ્વીકાર કરતા હતા. કારકિર્દીની શરૂઆતમાં અજિતભાઇ માટે ગાયેલા બિનફિલ્મી ગીત ‘રાત ખામોશ હૈ’નો જગજિતસિંઘે પોતાના આલ્બમ ‘મુંતઝિર’માં ચહીને સમાવેશ કર્યો. એટલું જ નહીં, અજિતભાઇના સન્માન માટે એક કાર્યક્રમ યોજવામાં રસ લીધો.
સ્વતંત્ર મિજાજ, સ્વમાનના ભોગે કામ નહીં કરવાની જિદ અને ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે ચાલતી ભાવકાપ હરીફાઇમાં નહીં પડવાને કારણે અજિતભાઇએ માંડ નવ ગુજરાતી અને આઠ હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું. તેમના સંગીતમાં ‘સપેરા’ માટે મન્ના ડેએ ગાયેલું (અને યુટ્યુબ પર સહેલાઇથી ઉપલબ્ધ) ‘રૂપ તુમ્હારા આંખોં સે પી લું’ સંગીતપ્રેમીઓ અને મન્નાડેના ભક્તોનું પ્રિય ગીત બની રહ્યું. લતા મંગેશકરે જુદા જુદા સંગીતકારો માટે ગાયેલા ગીતો વિશેનો અભ્યાસપૂર્ણ ગ્રંથ ‘બાબા તેરી સોનચિરૈયા’ (પ્રકાશઃ લતા મંગેશકર રેકોર્ડ સંગ્રહાલય, ઇન્દોર, ૨૦૦૮) તૈયાર કરનાર લેખક ‘અજાતશત્રુ’એ નોંઘ્યું છે તેમ, ફક્ત આ એક જ ગીતથી હિંદી ફિલ્મસંગીતમાં અજિત મર્ચંટ અમર બની ગયા છે.
શાસ્ત્રીય અને પાશ્ચાત્ય સંગીતનો ઊંડો અભ્યાસ ધરાવતા અજિતભાઇએ પચાસના દાયકામાં ભારતીય વિદ્યા ભવન આયોજિત ‘આ માસનાં ગીતો’ કાર્યક્રમમાં વાદ્યવૃંદ- ઓરકેસ્ટ્રાના વિશિષ્ટ પ્રયોગો સાથે ગુજરાતી ગીતો રજૂ કરીને નવો ચીલો પાડ્યો. ફિલ્મો ઉપરાંત મુંબઇ રેડિયોમાં તેમણે દસ વર્ષ કામ કર્યું, સંખ્યાબંધ જાહેરખબરોનાં જિંગલ બનાવ્યાં. ઉત્તરાવસ્થામાં નાટકોનું સંગીત તેમની મુખ્ય પ્રવૃત્તિ બની. તેમનું સંગીત ધરાવતાં ગુજરાતી-હિંદી-મરાઠી નાટકોની સંખ્યા બસોથી પણ વધારે થાય છે.
અજિત મર્ચંટ પાસે હતાશ થવાનાં ઘણાં કારણ હતાં, પરંતુ પોતાની શરતે જીવનારા અજિતભાઇને નિરાશા ઘેરી શકી નહીં. પોતાનાં આજીવન સાથી અને ગીત ગાતાં કડી ભૂલી જાય તો અઘૂરી કડી પૂરી કરી દે એવાં પત્ની નીલમ મર્ચંટ સાથે તેમણે સંતોષી-સ્વમાની જીવન વીતાવ્યું. છેલ્લા એકાદ દાયકા દરમિયાન તેમને અવારનવાર મળવાનું થયું, ત્યારે તેમના ધબકતા સંગીતરસ અને જીવનરસનો પરચો મળ્યા કરતો હતો. ગુજરાતી-અંગ્રેજી સાહિત્યની તેમની સમજણ સૂક્ષ્મ અને ઊંડી હતી. કદાચ એટલે જ વેણીભાઇ પુરોહિતનાં ઘણાં ગીતો તેમણે ઉત્તમ રીતે સ્વરબદ્ધ કર્યાં. ઉમાશંકર જોષી સહિત ઘણા ગુજરાતી કવિઓની રચનાઓની કેવળ નિજાનંદ ખાતર તે હાર્મોનિયમ પર ઘૂન બનાવતા હતા. એ પ્રવૃત્તિ છેવટ સુધી ચાલુ રાખી. (‘સુગમ સંગીત’ જેવા લેબલની અને ખાસ તો સુગમ સંગીતના નામે મોટે ભાગે જે કંઇ ચાલે છે એની તેમને ભારે ચીડ હતી. ‘બાકીનું બઘું શું દુર્ગમ સંગીત છે?’ એવી મજાક તે હંમેશાં કરતા.) તેમનું વાચન છેવટ સુધી ચાલુ હતું. નવી કવિતા કે ગઝલ વાંચે અને ખૂબ પસંદ પડે તો એને સ્વરબદ્ધ કરવા બેસી જાય. એક વાર એવી જ રીતે વાતચીતની લાંબી બેઠકમાં તેમણે નીનાદ અઘ્યારુની રચના ‘એક ગામ યાદ આવે’ હાર્મોનિયમ પર ગાઇ સંભળાવી હતી.
મૃત્યુના થોડા દિવસ પહેલાં તે પડ્યા અને પથારીવશ થયા. એ વખતે ફોન પર વાત કરતી વખતે શરૂઆતમાં તેમનો અવાજ ખૂલતાં થોડી વાર લાગે, પણ પછી અવનવી વાતો ચાલતી. એવી જ અવસ્થામાં એક વાર તેમણે ફોન પર નીનુ મઝુમદારનું લખેલું એક બાળગીત સંભળાવ્યું અને એવાં બાળગીતો સ્વરબદ્ધ કરવાની- તેનું એક આલ્બમ તૈયાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે તેમની વાત સાંભળીને જરાય ખ્યાલ ન આવે કે સામે છેડે રહેલો માણસ ૮૮ વર્ષનો અને પથારીવશ છે.
તેમના મૃત્યુના એકાદ પખવાડિયા અગાઉ હોસ્પિટલમાં છેલ્લી મુલાકાત થઇ ત્યારે હોસ્પિટલનું વાતાવરણ અને ચહેરા પરની વધેલી દાઢી બિમારીની ચાડી ખાતાં હતાં, પણ વાતો શરૂ થઇ એટલે બીજું બઘું બાજુ પર હડસેલાઇ ગયું. ફરી એ છ-સાત દાયકા વટાવીને જૂના સમયમાં પહોંચી ગયા, જ્યારે સંગીતકાર જયકિશન તેમની સાથે બોમ્બ માટેનાં ખોખાં બનાવવાની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને સત્યનારાયણની પૂજા વખતે હાર્મોનિયમ લઇને ગાતા હતા. ‘ભૂંગળા જેવા મોટા અવાજમાં એ ગાય. મારા હનુમાનગલીના ઘરે પણ એ ગાવા આવતો.’ એ યાદ કરતી વખતે તેમનો આખો ચહેરો સ્મિતથી ભરાઇ ગયો હતો. પોતે નીનુ મઝુમદારના સંગીત નિર્દેશનમાં ‘ગુડીયા’ ફિલ્મમાં પહેલું એકલગીત અને મીના કપૂર સાથે એક ગીતમાં થોડી લીટીઓ ગાઇ હતી, એ પણ એમણે ત્યારે યાદ કર્યું.
લગભગ બે-અઢી કલાકની એ સ્મરણ છલકાવતી વાતચીત બુઝાતા દીવડાનો છેલ્લો પ્રકાશ બની રહી. ૧૫ ઓગસ્ટ, ૧૯૨૨ના રોજ શરૂ થયેલી અજિત મર્ચંટની જીવનયાત્રા ૧૮ માર્ચ, ૨૦૧૧ના રોજ આખરી મુકામે પહોંચી. હવે તેમને શરીરદેહે ભલે ન મળી શકાય, પણ સંગીતદેહે અને સ્મરણદેહે તે હાજરાહજૂર છે.
અજિતકાકાને એક વર્ષ પહેલાં, તેમના મૃત્યુ વખતે આપેલી અંજલિ
Labels:
film/ફિલ્મ,
music/સંગીત,
Obit/અંજલિ
Wednesday, March 14, 2012
કોંગ્રેસની ચિંતનબેઠકઃ બિનસત્તાવાર અહેવાલ
પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામનું પોસ્ટમોર્ટમ કરવા માટે કોંગ્રેસના અગ્રણીઓની બેઠક યોજાઇ છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ નેતાઓને જોઇને એ બેઠક ઓછી ને બેસણું વધારે લાગે છે. પરિણામોને કારણે પણ માહોલ બેસણા જેવો છેઃ ગમે તેવી હળવી કે સામાન્ય વાતચીત પણ ગુસપુસ સ્વરે અને ચહેરા પર ગંભીર ભાવ રાખીને કરવી પડે.
બધા ગોઠવાઇ ગયા છે, પણ ક્યાંથી શરૂ કરવું એ કોઇને સૂઝતું નથી. એટલે રાબેતા મુજબ દિગ્વિજયસિંઘ શરૂઆત કરે છે.
દિગ્વિજયસિંઘઃ હું પ્રસ્તાવ મુકું છું કે ઉત્તર પ્રદેશમાં આપણા ભવ્ય વિજય બદલ મીઠાઇ વહેંચવામાં આવે.
(સોનિયા ગાંધી કતરાતી નજરે તેમની સામે જુએ છે. બીજા કેટલાક નેતાઓ હસું હસું થતા આડું જુએ છે. રાહુલ ગાંધીનો ચહેરો મોટા પ્રશ્નાર્થ જેવો થઇ જાય છે.)
દિગ્વિજયસિંઘઃ આ મજાક નથી અને કોઇએ ગેરસમજણ કરવાની જરૂર નથી. રાહુલબાબાએ ઉત્તર પ્રદેશમાં કોની સામે આક્રમક ઝુંબેશ ઉપાડી હતી?
કોરસઃ માયાવતી સામે. બહુજન સમાજ પક્ષ સામે.
દિગ્વિજયસિંઘઃ અને માયાવતીનું શું થયું? એ હારી ગયાં કે નહીં? અને કોના કારણે હાર્યાં? રાહુલબાબાને કારણે જ વળી. તો તમે જ વિચારો. આપણી જીત થઇ ન કહેવાય?
સોનિયા ગાંધીઃ તમે બાબાનો બચાવ ન કરો. બાબાને ગમતું નથી. એને કાખમાં તેડીને ‘તને નહીં, હોં બેટા, તને નહીં.’ કહેવાની જરૂર નથી. હવે એ મોટો થઇ ગયો છે.
રાહુલ ગાંધીઃ હા, હું હવે સક્ષમ છું.
ખૂણામાંથી અવાજઃ હા, બિહાર ને ઉત્તર પ્રદેશમાં હાર્યા પછી માણસ બીજે ક્યાંય પણ હારવા માટે સક્ષમ થઇ જાય.
અહમદ પટેલઃ કોઇએ અંદરોઅંદર ટોણા મારવાની જરૂર નથી. બધા પોતપોતાની જવાબદારી સમજે.
ચિદમ્બરમ્: હા, બધાએ પોતપોતાના કોર્ટ કેસ જાતે લડવાના રહેશે અને જામીન પણ જાતે મેળવવાના રહેશે. ટુ-જી કેસમાં હું એકલો જ લડ્યો ને.
કપિલ સિબ્બલઃ હું થોડોક મોડો પડ્યો. મને થોડાં વર્ષ પહેલાં ટેલીકોમ મંત્રી બનાવી દીધો હોત તો હું સેલફોન કંપનીઓ ઉપર જ પ્રતિબંધ મૂકી દેત. ન હોય સેલફોન કંપનીઓ ને ન થાય સ્પેક્ટ્રમ કૌભાંડ. ન થાય સ્પેક્ટ્રમ કૌભાંડ ને ન થાય આબરૂની ધજા.
સોનિયા ગાંધીઃ આપણે ભૂતકાળનાં રોદણાં રડવાને બદલે ભવિષ્યકાળની વાત કરીએ.
ચિદમ્બરમ્: હા, હજુ ફોર-જી સ્પેક્ટ્રમની હરાજી બાકી જ છે.
મનમોહનસિંઘઃ હું છું ત્યાં સુધી હવે કોઇ સ્પેક્ટ્રમનું નામ જ ન લેતા. સ્પેક્ટ્રમની હરાજીમાં મારી આબરૂની હરાજી થઇ ગઇ.
અવાજઃ બોલ્યા..બોલ્યા..પેંડા વહેંચો ભાઇ, વડાપ્રધાન બોલ્યા.
(અહમદ પટેલ સહેજ ઊંચી ડોક કરીને રૂમમાં ચોતરફ જુએ છે.)
પ્રણવ મુખર્જીઃ મારું ચાલે તો હું ફોર-જીથી ટેન-જી સુધીના બધા સ્પેક્ટ્રમની એકસામટી હરાજી અત્યારે કરી નાખું. રૂપિયા નહીં હોય તો બજેટમાં હું શું કરીશ, એનો કોઇએ વિચાર કર્યો છે? સ્વિસ બેન્કનાં વ્યક્તિગત ખાતાંથી બજેટ નથી બનતાં.
દિગ્વિજયસિંઘઃ એટલે તમે કહેવા શું માગો છો? ગાંધી પરિવારનું સ્વીસ બેન્કમાં ખાતું છે? અને સોનિયા ગાંધી બિમારીના બહાને તેનો વહીવટ કરવા માટે પરદેશ જાય છે? તમને આવું કહેતાં શરમ આવવી જોઇએ.
પ્રણવ મુખર્જીઃ પણ મેં એવું ક્યાં કહ્યું? મેં તો ફક્ત એટલું જ કહ્યું કે...
ચિદમ્બરમ્: તમે શું કહ્યું તે અમે ન સમજીએ એટલા મૂરખા ધારો છો અમને? બધી ખબર છેઃ ઓફિસોમાં જાસુસીઓ કોણ કરાવે છે ને કોણ ટેબલ નીચે માઇકો મુકાવે છે...
સોનિયા ગાંધીઃ બસ, બહુ થયું. આપણે એકબીજા સાથે નહીં, પણ વિરોધપક્ષો સામે લડવાની વ્યૂહરચના વિચારવા ભેગા થયા છીએ. ૨૦૧૪માં કે તે પહેલાં લોકસભાની ચૂંટણી આવી જાય તો આપણે શું કરવું?
રાહુલ ગાંધીઃ એ તમે મારી પર છોડી દો. હું સંભાળી લઇશ.
દિગ્વિજયસિંઘઃ મેડમ, રાહુલબાબા નેતા તરીકે સક્ષમ છે.
સોનિયા ગાંધીઃ હું વિરોધપક્ષમાં બેસવાની ક્ષમતાની વાત કરતી નથી.
કપિલ સિબ્બલઃ મને તો લાગે છે કે ૨૦૧૪ની ચૂંટણી લડવાનો શ્રેષ્ઠ રસ્તો છાપાં અને ટીવી ચેનલો પર પ્રતિબંધ મૂકી દેવાનો છે. એ લોકો આપણા વિશે કેવું લખે છે-બોલે છે- બતાવે છે. રાજકારણ આપણો ધર્મ છે અને એ લોકો આપણી ધાર્મિક લાગણી દુભાવે છે, એટલું કારણ પ્રતિબંધ મૂકવા માટે પૂરતું છે. બસ, તમે હુકમ આપો એટલી વાર.
દિગ્વિજયસિંઘઃ સિબ્બલ, કોઇ તમારા બોલવા પર પ્રતિબંધ મૂકી દે તે પહેલાં તમે થોડા શાંત થાવ અને પ્રતિબંધથી આગળ વિચાર કરતાં શીખો. તમે બધા પર પ્રતિબંધ મૂકી દેશો તો આપણાં નિવેદનો ચગાવશે કોણ?
સોનિયા ગાંધી (આ વાર્તાલાપથી કંટાળીને, અહમદભાઇ તરફ જોઇને) ગુજરાતમાંથી કેમ કોઇ દેખાતું નથી? એમને ત્યાં લોકસભાની બેઠકો નથી? ત્યાં ચૂંટણી થવાની નથી?
(અહમદભાઇ ફરી એક વાર ડોક તાણીને જુએ છે. પછી કહે છે,‘કોઇ આવ્યું લાગતું નથી. કદાચ આ બેઠકમાં ચર્ચા માટે કોણે જવું તેની ચર્ચા ચાલતી હશે અને નિર્ણય લઇ શકાયો નહીં હોય.)
રાહુલ ગાંધીઃ આપણે બધાનાં મુદ્દાસર સૂચન લઇએ- હવે શું કરવું જોઇએ એ વિશે. તો કદાચ ગાડી સીધા પાટા પર ચાલશે. તમને શું લાગે છે, સલમાન ખુર્શીદ?
ખુર્શીદઃ મારું પહેલું સૂચન એ છે કે ચૂંટણીપંચની સત્તાઓ પર કાપ મૂકવો જોઇએ. એ લોકો મન ફાવે તેમ આચારસંહિતાના ભંગની નોટિસ આપે- આ તો ચૂંટણીશાહી છે કે ચૂંટણીપંચશાહી?
ચિદમ્બરમ્: ખરેખર તો ચૂંટણીપંચ આપણા હાથમાં હોવું જોઇએ. આપણે ઇચ્છીએ તેને નોટિસ આપી શકીએ ને ઇચ્છીએ તેની ઉમેદવારી રદ કરી શકીએ, તો કેવી મજબૂત લોકશાહી રચાય? પણ મને ખબર છે કે લોકશાહીના વિરોધીઓ ને સિવિલ સોસાયટીવાળા આવું કદી થવા નહીં દે.
દિગ્વિજયસિંઘઃ ૨૦૧૪ની ચૂંટણીમાં સફળતા મેળવવાના મારી પાસે એક નહીં, બબ્બે જોરદાર આઇડીયા છે, પણ..
સોનિયા ગાંધીઃ પણ શું?
દિગ્વિજયસિંઘઃ મારે અભયવચન જોઇએ કે હું આઇડીયા કહું પછી મારી પર કોઇએ ખીજાવાનું નહીં.
સોનિયા ગાંધીઃ તમને તો સદા અભયવચન આપેલું જ નથી?
દિગ્વિજયસિંઘઃ ઓકે. તો સાંભળો. પહેલો આઇડીયા છેઃ રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે અન્ના હજારેને આગળ કરવા અને રાષ્ટ્રપતિપદ માટે એ ન માને તો વડાપ્રધાનપદ માટે તેમને મનાવવા.
પ્રણવ મુખર્જીઃ તમારું મગજ તો ઠેકાણે છે ને?
દિગ્વિજયસિંઘઃ મેં પહેલેથી જ કહ્યું હતું ને? પણ પહેલો આઇડીયા અશક્ય લાગતો હોય તો હજુ બીજો આઇડીયા બાકી છે. પાંચ વર્ષ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પક્ષના તમામ હોદ્દેથી દૂર કરવાં અને એવું જાહેર કરવું કે તેમણે રાજકારણ છોડી દીઘું છે.
સોનિયા ગાંધીઃ પછી?
દિગ્વિજયસિંઘઃ પછી શું? એક વાર તમારા વિના કોંગ્રેસ જીતી જાય એટલે અમે જાહેર કરી દઇશું કે અમારા બહુ આગ્રહને માન આપીને તમે રાજકારણ છોડવાનો નિર્ણય માંડવાળ કર્યો છે.
(નવી વ્યૂહરચના પર વિચાર કરીને ફરી મળવાના વાયદા સાથે સૌ છૂટા પડે છે.)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ,
politics
Tuesday, March 13, 2012
પ્રાદેશિક પક્ષોઃ ત્રીજા મોરચાની અવેજી?
જાણીતી રમૂજ પ્રમાણે, એક જ ગલીમાં ઉભી રહેતી પાણીપુરીની લારીઓ વચ્ચે હરીફાઇ ચાલી. એક લખ્યું, ‘આ શહેરની શ્રેષ્ઠ પાણીપુરી’. બીજા હરીફોએ ગુજરાત, ભારત અને વિશ્વ સુધી પોતાનો દાવો લંબાવ્યો. પાંચમા લારીવાળાએ લખ્યું, ‘આ ગલીની શ્રેષ્ઠ પાણીપુરી’ અને એની લારી પર સૌથી વઘુ ગીરદી થવા લાગી.
ભારતીય રાજકારણમાં રાષ્ટ્રિય પક્ષોની સામે છેલ્લા બે-ત્રણ દાયકામાં પ્રાદેશિક પક્ષોની સફળતા અને ચઢતી કળા વિશે વિચારતાં આ રમૂજ યાદ આવે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનાં પરિણામથી વઘુ એક વાર પ્રાદેશિક પક્ષો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ‘પૂંછડી કૂતરાને હલાવે છે’ એવી અંગ્રેજી કહેણી પ્રમાણે, ફક્ત એક રાજ્યમાં હાજરી અને પ્રભાવ ધરાવતા સ્થાનિક પક્ષો કેન્દ્ર સરકારને નચાવે અને તંગ કરે, એ સિલસિલો હવે ભારતના રાજકારણનો શિરસ્તો બની ગયો છે.
પ્રાદેશિક કે સ્થાનિક પક્ષોનો વધેલો પ્રભાવ દેશનું કેન્દ્રીય માળખું નબળું પડવાથી માંડીને અસ્થિર શાસન સુધીની અનેક આશંકા-ચિંતા જગાડે છે. ઘણાને લાગે છે કે જેવા છે તેવા, પણ બે રાષ્ટ્રિય પક્ષોમાંથી કોઇને ચોખ્ખી બહુમતી મળવી જોઇએ. તેમને લાગે છે કે સ્થાનિક પક્ષો પોતાના ટેકાની આકરી કિંમત વસૂલે છે અને વ્યાપક રાષ્ટ્રહિત કરતાં સંકુચિત પ્રદેશહિત - પક્ષહિતને આગળ મુકે છે. પ્રાદેશિક પક્ષો મુખ્યત્વે વ્યક્તિકેન્દ્રી હોવાથી સરવાળે તે લોકશાહી ઢબે ચાલતા પક્ષોને બદલે વ્યક્તિગત રજવાડાં જેવા બની રહેતા હોવાની પણ ફરિયાદ છે. અલબત્ત, આ તમામ ફરિયાદોનો બીજો પક્ષ એ પણ છે કે કોંગ્રેસ-ભાજપ જેવા રાષ્ટ્રિય પક્ષો તેમના સાથીપક્ષોને ભાગ્યે જ સાથી કે સમોવડીયા ગણીને તેમનું મહત્ત્વ સ્વીકારે છે.
ભારતનું વર્તમાન અને નજીકના ભવિષ્યનું રાજકારણ મોટા પાયે પ્રાદેશિક પક્ષો પર આધારિત હોવાથી, તેમના ઉદયનો અછડતો ઇતિહાસ અને તેમની વર્તમાન સ્થિતિ તપાસીએ.
ખીચડી-યુગ પહેલાં
આઝાદી પછી તરતના અરસામાં ભારતીય રાજકારણમાં એક જ રાષ્ટ્રિય પક્ષ હતોઃ કોંગ્રેસ. જવાહરલાલ નેહરુની પ્રચંડ આભા અને ‘આઝાદી અપાવનાર પક્ષ’ તરીકે કોંગ્રેસની છબીને લીધે, કોંગ્રેસના પ્રતીક સાથે ‘થાંભલો પણ ઊભો રહે તો ચૂંટાઇ આવે’ એવી સ્થિતિ હતી. એ સમયે કેટલાંક રાજ્યોમાં કોંગ્રેસના મુકાબલે સ્થાનિક પક્ષોની જગ્યા ઊભી થઇ ચૂકી હતી. તેના મૂળમાં વ્યક્તિકેન્દ્રી રાજકારણ અથવા સ્થાનિક પ્રજાની આકાંક્ષાઓ - ઓળખનું રાજકારણ રહેલાં હતાં. જેમ કે, જમ્મુ-કાશ્મીરમાં અબ્દુલ્લા પરિવારનો પક્ષ ‘નેશનલ કોન્ફરન્સ’ અને પંજાબમાં ‘અકાલી દળ’.
રાષ્ટ્રિય સ્તરે કોંગ્રેસનો દબદબો ઓસર્યો અને ખીચડી સરકારોનો યુગ શરૂ થયો તે પહેલાંથી, એટલે કે સાઠ અને સિત્તેરના દાયકામાં, કેટલાક પ્રાદેશિક પક્ષોનાં મૂળીયાં ઊંડાં ઉતરવા લાગ્યાં હતાં. તામિલનાડુમાં ડીએમકે અને ઓલઇન્ડિયા અન્નાડીએમકે સાઠના દાયકાથી કોંગ્રેસને હંફાવવા લાગ્યા. આઝાદીના બરાબર બે દાયકા પછી તામિલનાડુમાં કોંગ્રેસના દિવસો ભરાઇ ગયા અને ૧૯૬૭ની વિધાનસભા ચૂંટણી પછી પહેલી વાર ત્યાં ડીએમકેની બિનકોંગ્રેસી સરકાર રચાઇ. આ પરિવર્તનનાં એંધાણ ૧૯૬૨ની ચૂંટણીમાં ડીએમકેને ૫૦ બેઠકો મળી ત્યારથી જ આવી રહ્યાં હતાં.
૧૯૬૭ પછી તામિલનાડુમાં કોંગ્રેસ બીજો પણ નહીં - ડીએમકે અને એઆઇએડીએમકે પછીનો- ત્રીજો પક્ષ બની ગયો. ૧૯૭૭માં ડીએમકેની હાર થઇ ત્યારે કોંગ્રેસની ભૂમિકા સાક્ષીની જ રહી. કારણ કે સરકાર એઆઇએડીએમકેની બની.
સુહાસ પળસીકરે તેમના અભ્યાસલેખમાં નોંઘ્યા પ્રમાણે, બિનકોંગ્રેસી પક્ષોનું નોંધપાત્ર વજૂદ ધરાવતું બીજું અગત્યનું રાજ્ય હતું ઓરિસ્સા. આઝાદ ભારતની પહેલી ચૂંટણી (૧૯૫૨)થી ઇંદિરા ગાંધીએ લાદેલી કટોકટી (૧૯૭૫) સુધી ત્યાં ગણતંત્ર પરિષદ, જનકોંગ્રેસ અને ઉત્કલ કોંગ્રેસ જેવા પક્ષોનું જુદા જુદા સમયે સારું એવું પ્રતિનિધિત્વ રહ્યું.
વર્તમાન મુખ્ય મંત્રી નવીન પટનાયકના પિતા બીજુ પટનાયક ઓરિસ્સામાં બિનકોંગ્રેસી રાજકારણની ધરી બની રહ્યા.
ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને યુનાઇટેડ ગોઅન પાર્ટીનાં નામ ઉલ્લેખનીય હતાં. કોંગ્રેસથી છૂટા પડેલા સી.રાજગોપાલાચારીના સ્વતંત્રતા પક્ષને સ્થાનિક કે પ્રાદેશિક ન કહી શકાય, પણ ગુજરાતમાં ગુજરાતમાં ભાઇકાકા જેવા નેતાને કારણે એ પક્ષની ઠીક ઠીક હવા ઉભી થઇ હતી. મહાગુજરાત આંદોલનની આસપાસના સમયમાં ગુજરાતમાં જનતા પરિષદ સ્થપાઇ. જોકે મહાગુજરાત આંદોલનની ગરમી છતાં ૧૯૫૭ની ચૂંટણીમાં લોકસભામાં જનતા પરિષદને બાવીસમાંથી પાંચ અને વિધાનસભામાં ૮૭માંથી ૨૯ બેઠકો મળી હતી.
પંજાબમાં ૧૯૬૯માં પહેલી વાર અકાલી દળને ૧૦૪માંથી ૪૩ બેઠકો મળતાં તેમનું વજન ઊભું થયું, જે હવે સંપૂર્ણતાએ પહોંચ્યું છે. ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીઓમાં કહેવાય ભાજપ-શિરોમણી અકાલી દળની યુતિ, પણ ભાજપની હાલત હકીકતે અકાલી દળની કાંધે બેઠેલા પક્ષ જેવી છે. અસલી સત્તા અને અસલી વિજય શિરોમણી અકાલી દળનાં જ છે. આ લાગણીનો પડઘો પાડતાં, ભાજપના સાથી, જનતાદળ (યુ)ના નેતા અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારે કહ્યું છે કે, ‘ભાજપ-જનતા દળ (યુ) વચ્ચે જે કંઇ યુતિ હતી, એની પર ભાજપે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પડદો પાડી દીધો છે.’ તેમણે જરા સૌમ્ય શબ્દોમાં સ્થાનિક પક્ષોનું મહત્ત્વ સમજવા-સ્વીકારવા ‘રાષ્ટ્રિય પક્ષો’ને સલાહ આપી છે, તો તેમના એક સાથી - રાજ્યસભા સાંસદ શિવાનંદ તિવારીએ ભાજપ માટે ‘કહેવાતો રાષ્ટ્રિય પક્ષ’ જેવો પ્રયોગ પણ કર્યો છે.
હા, વર્તમાન સમયમાં ‘રાષ્ટ્રિય પક્ષ’ હોવું એ માનવાચક નહીં, પણ મશ્કરીસૂચક વિશેષણ બની ગયું છે- ગામડાના લોકો જેમ શહેરીઓને ‘ભણેલાગણેલા થઇને આટલું નથી આવડતું?’નો ઉપાલંભ આપ્યા કરે એવી રીતે.
એકમાંથી અનેક
આઝાદ ભારતના રાજકારણને પક્ષીય દૃષ્ટિએ મુખ્ય ચાર ભાગમાં વહેંચવામાં આવે છેઃ ૧૯૫૨ થી ૧૯૬૭ સુધીનો કોંગ્રેસયુગ, જેમાં છૂટાછવાયા અપવાદોને બાદ કરતાં કોંગ્રેસનું વર્ચસ્વ સંપૂર્ણપણે જળવાયેલું રહ્યું. ત્યાર પછી ૧૯૬૭થી ૧૯૮૯ દરમિયાન વિરોધ પક્ષોની તાકાતમાં વધારો થતો રહ્યો. કટોકટી પછી ૧૯૭૭માં થયેલી ચૂંટણી થકી દેશને પહેલી બિનકોંગ્રેસી મોરચા સરકાર મળી, પણ એ પ્રયોગ લાંબું ટક્યો નહીં અને ફરી એક વાર ઇંદિરા ગાંધીની હત્યા (૧૯૮૪) સુધી અને તેમની હત્યાથી પેદા થયેલી સહાનુભૂતિને કારણે રાજીવ ગાંધીની પહેલી મુદત (૧૯૮૯) સુધી કોંગ્રેસનું રાજ તપ્યું. ત્યાર પછીનાં દસ વર્ષ (૧૯૮૯-૧૯૯૮) ભારે અંધાઘૂંધીથી ભરેલાં હતાં. તેમાં ચંદ્રશેખર, વી.પી.સંિઘ, દેવે ગૌડા, ઇન્દરકુમાર ગુજરાલ જેવા વડાપ્રધાનો આવ્યા.
કોંગ્રેસનું એકચક્રી શાસન પૂરું થવા બદલ લોકોએ રાહતનો શ્વાસ લીધો, પણ તેના વિકલ્પે સ્થિર અને અસરકારક મોરચા સરકારોને બદલે રાજકીય શંભુમેળા જ આવ્યા. એ અરસાના સૌથી પ્રભાવશાળી સ્થાનિક નેતાઓમાં આંધ્ર પ્રદેશના એન.ટી.રામારાવને યાદ કરવા પડે, જે તામિલનાડુના એમ.જી.રામચંદ્રનની જેમ જ, ફિલ્મ અભિનેતા તરીકેની પોતાની પ્રચંડ લોકપ્રિયતાને રાજકારણમાં પરિવર્તીત કરી શક્યા અને કોંગ્રેસને હંફાવવામાં સફળ રહ્યા. બિનકોંગ્રેસી-બિનભાજપી-બિનડાબેરી અને ગરીબલક્ષી, ટૂંકા રસ્તે લોકપ્રિયતા મેળવવા કંઇ પણ કરી છૂટનારા પક્ષ તરીકે તેલુગુદેસમ્નું મોડેલ એટલું ચાલ્યું કે એક સમયે ગુજરાતમાં (અગાઉ કિમલોપ- કિસાન મજદૂર લોક પક્ષ સ્થાપી ચૂકેલા) ચીમનભાઇ પટેલ ‘ગુજરાતદેસમ્’ પક્ષ સ્થાપે એવી હવા હતી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતની જીવાદોરી (નર્મદાબંધ), ગુજરાતગૌરવ, નયા ગુજરાત જેવાં સૂત્રો દ્વારા પ્રાદેશિકતાની લાગણી ઉશ્કેરવામાં ચીમનભાઇ પટેલ વર્તમાન મુખ્ય મંત્રીના પૂર્વસૂરિ હતા.
વી.પી.સિંઘથી માંડીને ચીમનભાઇ પટેલ સુધીના નેતાઓથી બનેલા જનતા દળનું પોતાનું આયુષ્ય બહુ ન રહ્યું, પણ તેના અનેક ટુકડા થયા જે બે દાયકા પછીના વર્તમાન રાજકારણમાં બિનકોંગ્રેસી-બિનભાજપી પ્રાદેશિક પક્ષો તરીકે મહત્ત્વનાં પરિબળ બન્યા છે. એવા પક્ષોમાં જ્યોર્જ ફર્નાન્ડિસ-જયા જેટલીથી જાણીતો સમતા પક્ષ, નીતિશકુમારનો જનતા દળ(યુ), લાલુપ્રસાદનો રાષ્ટ્રિય જનતા પક્ષ, મુલાયમસિંઘનો સમાજવાદી પક્ષ, ઓરિસ્સાનું બીજુ જનતા દળ, કર્ણાટકમાં દેવે ગૌડાનું જનતા દળ, રામવિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટી વગેરેનો સમાવેશ કરી શકાય. એ સિવાય આસામ ગણ પરિષદ, શિવ સેના, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, એન.ટી.રામારાવના જમાઇ ચંદ્રાબાબુની આગેવાની હેઠળનો તેલુગુદેસમ્ પ્રાદેશિક છતાં રાષ્ટ્રિય રાજકારણમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે- અથવા ભજવી ચૂક્યા હોય- એવા પક્ષો છે.
બિનકોંગ્રેસી-બિનભાજપી ધરી
ભારતમાં કોંગ્રેસના દાયકાઓને એકહથ્થુ શાસનને કારણે, મોટા ભાગના પક્ષો કોંગ્રેસી શાસન સામેના અસંતોષમાંથી રચાયા છે. એટલે યુતિ સરકાર બનાવવાની થાય ત્યારે આ પક્ષોને કોંગ્રેસ કરતાં ભાજપ સાથે જોડાવું વઘુ માફક આવે છે. જોકે, કોમવાદી રાજકારણ સાથે ભાજપની છેડાછેડીને કારણે, ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં સાથી રહી ચૂકેલા પક્ષો હવે ભાજપથી સલામત અંતર રાખીને ત્રીજી ધરી રચી શકે એટલા સક્ષમ બની રહ્યા છે.
ઉત્તર પ્રદેશ જીતેલા યાદવ પિતા-પુત્ર મુલાયમ-અખિલેશ, બિહાર કબજે કરીને બેઠેલા નીતિશકુમાર, ઓરિસ્સામાં ઊંડાં મૂળીયાં નાખવામાં સફળ થનાર બીજુ પટનાયકના પુત્ર નવીન પટનાયક, બંગાળમાં ડાબેરીઓને ઉખેડી નાખનાર તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનર્જી, તામિલનાડુમાં કરૂણાનિધી પરિવારને પછાડનાર એઆઇડીએમકેનાં જયલલિતા, પંજાબમાં સતત બીજી મુદત જીતવાનો ઇતિહાસ રચનાર બાદલ પિતા પુત્ર અને તેમનું શિરોમણી અકાલી દળ- આ તમામ નેતાઓ અગાઉ કદી ન હતા એટલા મજબૂત -અને તે પણ એક સાથે મજબૂત-અત્યારે બન્યા છે. તેમને કોંગ્રેસ કે ભાજપના હુક્કા ભરવાની હવે જરૂર નથી. એ સૌ પોતપોતાનાં પ્રાદેશિક હિત અથવા એજેન્ડા કેવી રીતે અને ક્યાં સુધી જાળવી શકે છે, એ બેશક મહત્ત્વનો પ્રશ્ન છે. ૨૦૧૪ની ચૂંટણીપૂર્વે આવી કોઇ ધરી ન પણ રચાય. છતાં ભાજપ-કોંગ્રેસનો કંગાળ અને બીજા પક્ષોનો આટલો મજબૂત દેખાવ ચાલુ રહ્યો, તો સરકાર યુપીએની બને કે એનડીએની, પણ આગામી વડાપ્રધાન કોંગ્રેસ કે ભાજપ- બેમાંથી એકેય પક્ષના ન હોય એવું બની શકે છે.
Labels:
history/ઇતિહાસ,
politics
Sunday, March 11, 2012
સાવિત્રીબાઇ ફુલેઃ સાક્ષાત્ સ્ત્રીશક્તિ
સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના ‘સમાજ’ - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું.
આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત ‘દલિત ચળવળના મહાનુભાવો’ તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા.
ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્રી ફુલે/ Jyotiba Phule- Savitri Phule નાં નામ પ્રવેશ્યાં જ ન હોય. ફુલે દંપતિને મુખ્ય ધારાથી દૂર રાખવા માટે ઘણાં લેબલ હાથવગાં છેઃ મહારાષ્ટ્રનાં સમાજસુધારકો (‘એટલે આપણને ગુજરાતીઓને ક્યાંથી ખબર હોય?’), દલિત સમાજસુધારકો (‘એટલે આપણે ઉજળિયાતોએ ક્યાંથી નામ સાંભળ્યું હોય?’)...‘દલિત નેતાઓ આ લોકોના નામે બહુ ચરી ખાય છે. એટલે આપણને એમના પ્રત્યે ભાવને બદલે અભાવ જાગે’- આવી દલીલ કરનારા પણ મળી આવે છે.
![]() |
| Savitri- Jyotiba Phule |
હકીકત એ છે કે એક વાર ફુલે દંપતિની કામગીરી વિશે જાણ્યા પછી ખુલ્લા મનનો કોઇ પણ માણસ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતો થઇ જાય. અન્યાય સામે નહીં ઝુકવાનો મક્કમ નિર્ધાર, કોઇ પણ ભોગે પોતાના કામને વળગી રહેવાનું ઝનૂન અને બીજા બધા કરતાં ડરે એવા સમાજસુધારાના કાર્યક્રમો અમલી બનાવવાનું દૃષ્ટિયુક્ત સાહસ- આ બધી ફુલે દંપતિની ખાસિયતો. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે ‘જોતિબા’ તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે ડો.આંબેડકરના પ્રેરણાસ્રોત અને ‘મહાત્મા (ગાંધી) પહેલાંના મહાત્મા’ તરીકે ઓળખાય છે. સમાજસુધારા માટેનો તેમનો સંઘર્ષ અને (બ્રાહ્મણો સામે નહીં પણ) બ્રાહ્મણીયા માનસિકતા સામેનો તેમનો જંગ કોઇ પણ સમયે, કોઇ પણ ક્ષેત્રમાં સામાજિક અન્યાય સામે લડનારાને પ્રેરણા અને હિંમત પૂરી પાડે એવો છે. પરંતુ એ સમયના ઘણા જાણીતા સમાજસુધારકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હતા. બીજાને મોટા ઉપદેશ આપનારા પોતે તેનો અમલ કરવાનો આવે ત્યારે ઘણા વાર ફસકી પડતા હતા. તેમની સરખામણીમાં- અને સરખામણી સિવાય પણ - જોતિબા અને સાવિત્રીબાઇનાં ચરિત્રો વેંત ઊંચાં ઉપસી આવે છે.
જોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (ઇ.સ.૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. જોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જોતિબા ૧૩ વર્ષના અને સાવિત્રી ૮ વર્ષનાં (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી (જે હજુ પણ અસામાન્ય બાબત ગણાય છે.) જોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે જાતે ભણાવ્યાં. એ ભણતર ડિગ્રી માટે નહીં, પણ અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. ત્યાર પછી જોતિબાએ ભારે વિરોધ વચ્ચે શરૂ કરેલી શુદ્ર કન્યાઓની નિશાળમાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઇએ ઉપાડી.
મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. નિશાળે જતાં સાવિત્રીબાઇને ઉજળિયાતોનાં મહેણાંટોણાથી માંડીને કાદવકીચડ અને પથ્થરનો સામનો કરવો પડતો. પરંતુ સાવિત્રીબાઇ મક્કમ હતાં. (આ મક્કમતાને ‘સત્યાગ્રહ’ જેવું નામ આપવાનું તેમને સૂઝ્યું નહીં એટલું જ.) તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતીઃ એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની.
પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,‘હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.’ એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં, લોકોએ જોતિરાવના પિતા પર દબાણ કર્યું. તેમણે જોતિરાવને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. જોતિરાવે શાળા પસંદ કરી અને ઘર છોડ્યું. એ વખતે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પણ જરાસરખા ખચકાટ વિના સમાજસુધારણાના રસ્તે પતિનાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં.
![]() |
| Savitri-Jyoriba Phule Memorial in Pune |
સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો, એટલે વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવાને જોતિબા આપઘાતના રસ્તેથી પાછી વાળીને પોતાના ઘરે (પત્ની તરીકે નહીં, પણ પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે) લઇ આવ્યા. એટલું જ નહીં, તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. ત્યારે સાવિત્રીબાઇ જોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો.
સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે. (સરખામણી વિના ન જ સમજાય, તો વિરોધાભાસ ઉપસાવવા માટે કસ્તુરબા સાથે તેમની સરખામણી કરી શકાય.)
બે કાવ્યસંગ્રહો ‘કાવ્યફૂલે’ અને ‘બાવનકશી સુબોધરત્નાકર’ ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ઊભું છે.
ફ્લડલાઇટની ઝાકઝમાળમાં ધ્રુવનો તારો પણ ન દેખાય તો શું થાય?
Labels:
dalit,
history/ઇતિહાસ
Thursday, March 08, 2012
સંગીતકાર રવિની વિદાયઃ જો થી આજ તક હકીકત, વો હી બન ગઇ ફસાના
![]() |
| Music Director Ravi (3-3-1926, 7-3-2012) |
![]() |
| Ravi-young |
૩ માર્ચ, ૨૦૧૨ના રોજ ૮૬ વર્ષ પૂરાં કરનાર સંગીતકાર રવિનું આજે (૭ માર્ચ, ૨૦૧૨) ટૂંકી બિમારી અને લાંબી કૌટુંબિક વ્યાધિ પછી અવસાન થયું. લગભગ ૧૧૦ હિદી ફિલ્મો ઉપરાંત મલયાલમ, પંજાબી, તેલુગુ, કન્નડ અને બે ગુજરાતી ફિલ્મો (‘ઘેર ઘેર માટીના ચૂલા’ અને ‘વેરની વસૂલાત’)માં તેમણે સંગીત આપ્યું, પણ પચાસ અને સાઠના દાયકામાં મોજૂદ બીજા ઘુરંધર સંગીતકારોને કારણે, રવિ વ્યાવસાયિક રીતે કદી ‘એ’ ગ્રેડના સંગીતકાર ન ગણાયા. તેમનું સૌથી જાણીતું કામ ગુરૂદત્ત નિર્મિત-અભિનિત ‘ચૌંદહવીંકા ચાંદ’ ઉપરાંત બી.આર.ચોપ્રાના બેનરની ફિલ્મોમાં હતું. રવિ-સાહિર-મહેન્દ્ર કપુરે ‘ચલો એક બાર ફિરસે’થી માંડીને અનેક યાદગાર ગીતો આપીને સંગીતપ્રેમીઓને ન્યાલ કર્યા.
![]() |
| Ravi, Lata, Sahir |
સરળતા અને મઘુરતા રવિનાં ગીતોની ખાસિયત હતી. રફી પાસે તેમણે ઘણાં ગીતો ગવડાવ્યાં, જેમાં હિદી ફિલ્મસંગીતનાં વિશિષ્ટ એવાં ‘ભિખારીગીત’નો પણ સમાવેશ થાય. (દા.ત. ‘એક પૈસા દે દો, વો દસ લાખ દેગા’) ‘નિકાહ’ અને ‘દહલીઝ’ જેવી ચોપ્રા ફિલ્મ્સની બહુ પાછળની ફિલ્મોમાં પણ રવિએ સૂરીલાં ગીત આપવાની પરંપરા ચાલુ રાખી હતી- ભલે ગાયિકા તરીકે સલમા આગા કેમ ન હોય.
***
વીસેક વર્ષ પહેલાંની વાત છે. જૂના ફિલ્મસંગીત-ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારોને મળવાના સિલસિલામાં સાંતાક્રુઝ (પશ્ચિમ)માં રહેતા સંગીતકાર રવિને પણ મળવા બીરેન અને હું ગયા હતા. બંગલાનું નામ : ‘વચન’. કારણ કે તેમની પહેલી ફિલ્મ ‘ચંદામામા દૂરકે’ ફેઇમ ‘વચન’ હતી. સંગીતકારનો બંગલો હોય એ નવાઇ તો ખરી જ. નૌશાદનો બંગલો જોયેલો, પણ એ નૌશાદ હતા.
બંગલાની અંદર જઇને ડોરબેલ વગાડ્યો. થોડી વારમાં એક ભાઇ આવ્યા અને કહ્યું કે રવિસા’બ પરદેશ ગયા છે. એટલે અમે લીલા તોરણે પાછા ફર્યા, પણ મનમાં એવો અંદેશો હતો કે આવું કહીને અમને પાછા વાળનાર ક્યાંક રવિ પોતે તો નહીં હોય?
ગયા વર્ષે ગ્રામોફોન ક્લબના કાર્યક્રમ નિમિત્તે રવિ અમદાવાદ આવ્યા ત્યારે તેમને નિરાંતે મળવાનો, તેમનો ઇન્ટર્વ્યુ કરવાનો મોકો મળ્યો. બહુ આનંદ-ઉત્સાહથી તેમણે વાતો કરી. મૂડ જામ્યો હતો, એટલે લાગ જોઇને વીસ વર્ષ પહેલાંનો કિસ્સો તાજો કર્યો અને મજાકમાં કહ્યું, ‘એ વખતે તમે ન મળ્યા, તો વીસ વર્ષ પછી પણ તમારે છેક અમદાવાદ અમને મળવા આવવું પડ્યું.’
![]() |
| Ravi- Urvish Kothari : Needless to say how pleasant the interview was |
![]() |
| Gramophone club program with backdrop of 'Chaudahvin Ka Chand' Poster |
કાર્યક્રમની સવારે હોટેલમાં વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્ય અને રવિના પ્રેમી પત્રકાર મિત્ર તુષાર પ્રભુણે સાથે હોટેલમાં પહોંચ્યા પછી ગુરૂદત્તની ટીમથી માંડીને ‘નાગીન’ના બિનમ્યુઝિકની કથા સુધીની ઘણી વાતો થઇ. તેમાંથી બે નમૂનારૂપ વિડીયો અહીં મૂકી છે.
આ વિડીયોમાં તે હેમંતકુમારનું સંગીત ધરાવતી ‘આનંદમઠ’ના ‘વંદે માતરમ્’ ગીતમાં કોરસ ગાનારમાંથી તેમના સહાયક કેવી રીતે બન્યા એની વાત છે. ત્યાર પછી ‘નાગીન’નું બીન મ્યુઝિક કેવી રીતે બન્યું અને તેમાં હાર્મોનિયમ સાથે ક્લે વાયોલિનના ટચથી બીનની અસર કેવી રીતે પેદા કરવામાં આવી એ તેમણે કહ્યું છે.
આ વિડીયોમાં ‘ચૌંદહવીકા ચાંદ’ ગુરૂદત્તની ફિલ્મ હોવા છતાં, તેમાં ગીતા દત્તનું એકેય ગીત ન હતું, તે રવિએ કેવી રીતે સિચ્યુએશન ઊભી કરીને ઉમેરાવ્યું તેની વાત છે.
રવિ અસલમાં ગાયક બનવા માગતા હતા. શરૂઆતમાં કોરસમાં ગાયું પણ ખરું. પછી હેમંતકુમારના સહાયક બન્યા અને ધીમે ધીમે સ્વતંત્ર સંગીતકાર તરીકે સ્થાપિત થઇ ગયા. પરંતુ તે ગાયક બન્યા હોત તો? તેમના સંગીતમાં કિશોરકુમારે ગાયેલું ગીત ‘દિલમેં કીસીકે પ્યારકા’ (એક મહલ હો સપનોંકા) બહુ જાણીતું છે. એ જ ગીત રવિના પોતાના અવાજમાં.
રવિના મેં લીધેલા અને ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થયેલા ઇન્ટર્વ્યુની લિન્ક
Tuesday, March 06, 2012
રેડિયો: રોમાંચનું રજવાડું
રેડિયોના ઉલ્લેખમાત્રથી અત્યારે સત્તર સવાલ ઉભા થાયઃ એફ.એમ.? ડીટીએચ? કાર-રેડિયો? ઇન્ટરનેટ પરની રેડિયો સર્વિસ છે? કે મોબાઇલ પર એફ.એમ. આવે છે એની વાત કરો છો?રેડિયો ઘરનું એક સાધન મટીને ફક્ત સર્વિસ બની ગયો છે. એટલે કે, રેડિયો વગાડવા માટે ‘રેડિયો’ હોવો જરૂરી નથી. અલાયદાં સીડી પ્લેયરમાં ટુ-ઇન-વન તરીકે આવતા રેડિયોથી લઇને હથેળીમાં સમાઇ જાય એટલાં ડિજિટલ પ્લેયરમાંથી રેડિયો સ્ટેશનો પકડી અને સાંભળી શકાય છે- નોબ એટલે કે ચક્કર ધુમાવ્યા વિના અને ‘દોરી’ ફેરવ્યા વિના..

ડિજિટલ યુગમાં ઇન્ટરનેટના વ્યાપ પછી કોઇ રેડિયો શા માટે સાંભળે? ગીતપ્રેમીઓ માટે જૂનાં-નવાં ગીત ઇન્ટરનેટ પરથી અઢળક માત્રામાં મળે છે અને ઇચ્છા થાય ત્યારે વગાડી શકાય છે. સમાચારો માટે રેડિયો પર આધાર રાખવાનો પ્રશ્ન નથી. ટીવી ચેનલો પર અભાવ થઇ જાય એટલી હદે ઠલવાય છે. વેબસાઇટો પણ તેમાં પાછળ નથી. એ સિવાયના મનોરંજન કાર્યક્રમો પણ સંખ્યાબંધ ટીવી ચેનલો પર ચોવીસ કલાક ચાલુ હોય છે. આ સ્થિતિમાં રેડિયોનું લાયસન્સ/ Radio Licence હોય અને તે પોસ્ટ ઓફિસમાં જઇને ફી ભરીને રીન્યું કરાવવું પડતું હોય, એવા સમયની કલ્પના પણ અત્યારે ક્યાંથી આવે?
છતાં, રેડિયો અને બીજી સુવિધાઓમાં લોટરી અને ચેક જેવો તફાવત છે. પોતાની પાસે જે હોય તેમાંથી પસંદ કરેલાં ગીત વગાડવામાં મઝા તો આવે, પણ રેડિયોમાં ઉદ્ઘોષકોના વાર્તાલાપ (એફ. એમ.પર રેડિયો જોકીના સુપરફાસ્ટ ઝડપે બોલાતાં વાક્યો) સાથે ‘હવે પછી કયું ગીત આવશે?’ની જે ઇંતેજારી રહે, તે વધારાનો આનંદ હોય છે. જે આવવાનું હોય તે આપણા હાથમાં ન હોય અને તે આવે ત્યારે જ ખબર પડે, એની જુદી મઝા હોય છે- જિંદગીમાં તેમ જ નાના પાયે રેડિયો સાંભળતી વખતે.
ભારતમાં ‘વિવિધભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવા’- એટલે કે કમર્શિયલ સર્વિસ ૧૯૫૭માં શરૂ થઇ ત્યાર પહેલાં- અને પછી પણ- ઓલ ઇન્ડિયા રેડિયોનું એકચક્રી રાજ હતું. ભલભલા ઉસ્તાદો-પંડિતો ને ખાંસાહેબો રેડિયો માટે ગાતા-વગાડતા. ઉસ્તાદ ફૈયાઝખાં જેવા કેટલાકને શ્રોતાઓના સમુહને બદલે રેડિયો સ્ટેશનના સ્ટુડિયોમાં ગાવામાં મઝા આવતી નહીં અને ‘રેકોર્ડિંગ ચાલુ છે’ એમ સૂચવતી લાલ બત્તીથી ‘જી ગભરાતા હૈ’ની લાગણી થતી. એવા નાનામોટા વાંધા છતાં રેડિયો પાસે શાસ્ત્રીય સંગીતના જૂના કલાકારોનો સમૃદ્ધ સંગ્રહ થયો, જેમાંથી કેટલોક હવે સીડી પર ઉપલબ્ધ બન્યો છે.
શાસ્ત્રીયતાના આગ્રહને કારણે રેડિયો પર ગાતી વખતે હાર્મોનિયમ સાથે રાખવાની મનાઇ હતી. એક દંતકથા પ્રમાણે, મહાન ગાયક કુંદનલાલ સહગલ/ KL Saigal રેડિયો સ્ટેશને રેકોર્ડિંગ માટે ગયા ત્યારે, કાયદા પ્રમાણે હાર્મોનિયમ નહીં વાપરી શકાય એ જાણ્યા પછી, રોષે ભરાઇને સ્વસ્તિવચનો સંભળાવીને ચાલી નીકળ્યા હતા. (રેડિયો ઉદ્ઘોષકોના તકિયાકલામ જેવું ‘આવાઝકી દુનિયાકે દોસ્તોં’ યોગાનુયોગે સહગલે જ એક ફિલ્મ ‘દુશ્મન’માં રેડિયોસિંગરની ભૂમિકા દ્વારા પ્રચલિત બનાવ્યું હતું.) નૂરજહાંનાં ગીતોથી જાણીતી ફિલ્મ ‘જુગનુ’ના સંગીતકાર ફિરોઝ નિઝામી અને ‘તારી આંખનો અફીણી’થી પ્રખ્યાત સંગીતકાર અજિત મર્ચંટ રેડિયોમાં કામ કરી ચૂક્યા હતા. અજિત મર્ચંટે અનેક જાણીતા હિંદી પાર્શ્વગાયકો પાસે બિનફિલ્મી ગુજરાતી ગીત ગવડાવ્યાં હતાં.
ફક્ત સંગીતના જ નહીં, લેખનના ક્ષેત્રે પણ સઆદત હસન મંટો/S.H.Manto, કૃષ્ણ ચંદ્ર, ઉપેન્દ્રનાથ અશ્ક જેવા ઘણા નામી લેખકો રેડિયોમાં નોકરિયાત રહી ચૂક્યા હતા. ટૂંકી વાર્તાના મહાન લેખક તરીકે જાણીતા બનેલા મંટો રેડિયો માટે નાટકો લખતા હતા. પ્રતિભાશાળી માણસોનો મુકામ હોવા છતાં રેડિયોનું તંત્ર છેવટે સરકારી હતું. તેમાં સર્જકતા સામે બાબુશાહીનું અને ગુણવત્તા સામે હોદ્દાનું પલ્લું હંમેશાં નમેલું રહેતું.
ગાંધીજીના જીવનનાં અંતીમ તબક્કામાં, તેમનાં પ્રાર્થનાસભાનાં પ્રવચનો ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા રેકોર્ડ કરવામાં આવતાં હતાં. તેમની હત્યાના થોડા દિવસ પહેલાં તેમની પર બોમ્બ ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો, તે ધડાકાનો અવાજ અને બધાને શાંત પાડવાનો ગાંધીજીનો પ્રયાસ ઓલ ઇન્ડિયા રેડિયોના રેકોર્ડિંગમાં ઝીલાઇ ગયો છે. ‘હિંદ છોડો’ ચળવળ વખતે પોલીસથી ભાગતા ફરતા ક્રાંતિકારીઓ ખાનગી રાહે રેડિયો સ્ટેશનો ચલાવતા હતા. સુભાષચંદ્ર બોઝે ભારતમાંથી અંગ્રેજોને હાથતાળી આપ્યા પછી બર્લિન પહોંચીને એક રેડિયો પ્રવચનમાં ગાંધીજીને પહેલી વાર ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવ્યા હતા.
રેડિયોનાટકો, કવિ સંમેલન, વાર્તાપઠન, જુદા જુદા વિષયો પરનાં ફીચર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા ઘણા વૈવિઘ્યપૂર્ણ કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર આવતા હતા, પરંતુ રેડિયો પરની સૌથી લોકપ્રિય વાનગી હોય તો એ ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી. ભારતની ફિલ્મોમાં ગીતો અભિન્ન અંગ હતાં. પચાસનો દાયકો હિંદી ફિલ્મસંગીતના ઇતિહાસમાં નિર્વિવાદપણે સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. પરંતુ એ સમયના કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી બી.વી.કેસકર શાસ્ત્રીય સંગીતના કટ્ટર આગ્રહી હતા. તેમણે ફિલ્મસંગીતને છીછરું અને સંભવતઃ રાષ્ટ્રિય સેવા પરથી અપ્રસારણયોગ્ય ગણીને તેની પર પ્રતિબંધ ફટકારી દીધો.
તેનો સીધો અને ભરપૂર ફાયદો ભારતના પાડોશી દેશ સિલોન - પછીનું નામ ‘શ્રીલંકા’-ના રેડિયો સ્ટેશને લીધો. રેડિયો સિલોન/ Radio Ceylonના પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’થી અમીન સયાની બ્રાન્ડ ઉદ્ઘોષણાનો સિક્કો પડી ગયો અને કંઇક સંચાલકો તેમની નકલ કરવા લાગ્યા. અમીન સયાની કદી રેડિયો સિલોનના કર્મચારી ન હતા. તે મુંબઇથી વ્યાવસાયિક ધોરણે કાર્યક્રમો તૈયાર કરીને મોકલી આપતા હતા. છતાં, એ રેડિયો સિલોનનો પર્યાય બની રહ્યા. શ્રીલંકામાં રહીને તેની હિંદી સર્વિસ માટે કામ કરનારા ગોપાલ શર્મા, મનોહર મહાજન, વિજયાલક્ષ્મી ડીસેરમ જેવાં ઘણાં ઉદ્ઘોષકોએ હિંદી ફિલ્મોને સાંકળતા અનેક મૌલિક કાર્યક્રમો તૈયાર કર્યા. તેમાં શ્રોતાઓની પણ સામેલગીરી આવકારી. તેના એક કાર્યક્રમ ‘વાક્યગીતાંજલિ’માં એક વાક્યના દરેક શબ્દ પરથી શરૂ થતાં જુદાં જુદાં ગીત વગાડવામાં આવતાં. તેના માટે જુદા જુદા શબ્દો પરથી શરૂ થતાં ગીતોની યાદી બનાવવાની શરૂઆત કરનાર એક શ્રોતા હતા કાનપુરના ‘હરમંદિરસિંઘ હમરાઝ’/ Harmandir Singh 'Hamraaz'. તેમની પ્રવૃત્તિનો વિસ્તાર એટલો થયો કે ત્રણ-ચાર દાયકાની મહેનતથી તેમણે ૧૯૩૦થી ૧૯૮૦ સુધીની તમામ ફિલ્મોનાં ગીતોની વિગતવાર માહિતી આવરી લેતો પાંચ ભાગનો હિંદી ફિલ્મ ગીતકોશ/Hindi Film Geet Kosh તૈયાર કર્યો.
રોજ સવારે સાડા સાતથી આઠ જૂનાં ગીતોના કાર્યક્રમમાં છેલ્લું ગીત કુંદનલાલ સહગલનું જ મૂકવાની પરંપરા પણ રેડિયો સિલોનની ઓળખ અને વિશિષ્ટતા બની રહી. શ્રીલંકા જેવા દેશનું રાષ્ટ્રિય રેડિયો સ્ટેશન ભારતનાં- હિંદી ફિલ્મી ગીતો વગાડીને ભારતભરના સંગીતપ્રેમીઓમાં છવાઇ જાય, એ વિશિષ્ટ ઘટના હતી. જાહેરખબરો થકી કમાણી કરાવતા આ ચાહકવર્ગનું એટલું ઘ્યાન રાખવામાં આવતું કે ૧૯૭૩માં શ્રીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાનના મૃત્યુ નિમિત્તે એક અઠવાડિયાનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો, ત્યારે પણ હિંદી ફિલ્મી ગીતોને લગતા કાર્યક્રમોનું પ્રસારણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
રેડિયો સિલોનની ટક્કર લેવા માટે ભારતમાં વિવિધભારતી શરૂ થયું, ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. પ્રયોગશીલતા અને મૌલિકતાની બાબતે પણ વિવિધભારતીનું તંત્ર ઘણી હદે સરકારી તંત્ર પુરવાર થયું. એમ તો ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસના ફિલ્મી ગીતોકેન્દ્રી કાર્યક્રમો પણ લોકપ્રિય બન્યા. વર્ષો વીતતાં શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનનું પ્રસારણ રેડિયોમાં ઝીલવાનું અઘરૂં બનતું ગયું અને એ માટેનાં સમય-વૃત્તિ શ્રોતાઓમાં ઘટતાં ગયાં. પ્રસારણ નબળું હોય ત્યારે રેડિયોનું એરિયલ પકડીને આખો કાર્યક્રમ સાંભળનારા શ્રોતાઓની પેઢી બદલાઇ ગઇ.
હવે સ્થાનિક એફ.એમ. રેડિયો સ્ટેશનોના જમાનામાં રેડિયો નિરાંત નહીં પણ ઉતાવળનું અને મનોરંજન કરતાં પણ વધારે મુસાફરી કે ડ્રાઇવિંગ વખતે અથવા વાળ કપાવતી વખતે ટાઇમપાસ કરવાનું સાધન બન્યો છે. વિવિધભારતી હજુ કર્ણપ્રિય અને ખરા અર્થમાં જૂનાં ગીતો સાંભળવા માટેનું ઠેકાણું છે. બાકી, ખાનગી એફ.એમ. સ્ટેશનો પર દસ વર્ષ પહેલાંનાં ગીત જૂનાં અને ‘શોલે’ વિન્ટેજ ગણાય છે.
રેડિયોના રજવાડાનું આઘુનિક ટેકનોલોજીમાં વિલીનીકરણ થાય કે તે જુદા સ્વરૂપે ટકી રહે, તેનો અફસોસ ન હોય. કોઇ પણ ટેકનોલોજી કે શોધની એ જ નિયતી હોય છે. ભારતની ત્રણ-ચાર પેઢીઓના જીવનને રેડિયોએ જે આપ્યું, તેનાથી સંતોષ માનવો રહ્યો.
Labels:
ad,
Gandhi/ગાંધી,
literature,
music/સંગીત,
radio
Subscribe to:
Posts (Atom)





























