Wednesday, August 19, 2009

દાઢીની દાઢી, શ્રાવણનો શ્રાવણ

ધાર્મિક ભાવનાને જપ-તપ-ઉપવાસથી માંડીને હિંસા-ઘોંઘાટ-ટીલાંટપકાં-ટોપીટોપા જેવી અવનવી ચીજો સાથે સંબંધ હોઇ શકે છે. ધર્મથી પ્રેરાઇને કોઇ અસ્ત્ર ધારણ કરે છે, તો કોઇ અસ્ત્રા (એકાદ મહિના પૂરતા) તજી દે છે.

વાત શ્રાવણ મહિનામાં વધારાતી દાઢીની છે. હિંદુ ધાર્મિક જનો માટે શ્રાવણ મહિનો વિશેષ મહત્ત્વ ધરાવે છે. કારણ કે એ મહિનામાં ફરાળી વાનગીઓ ઝાપટીને, જુગાર રમીને કે દાઢી વધારીને પણ ધર્મનું સેવન/પાલન/અનુસરણ કર્યાનો સંતોષ મેળવી શકાય છે.

‘કાયદો છોડશે નહીં ને સમાજ સ્વીકારશે નહીં’ એવી ધમકી ન હોવા છતાં, ફરાળ ઝાપટવાની કે જુગાર રમવાની ‘ધાર્મિક વિધી’ સામાન્ય રીતે જાહેરમાં થતી નથી. ફરાળ તો ઠીક, જુગાર જેવી બાબતમાં પણ સમાજ શ્રાવણ મહિનામાં બહુ ઉદાર બની જાય છે - અને કાયદો તો કાયમ માટે ફુદડી સાથે (‘શરતોને આધીન’) ઉદાર બનવા તૈયાર જ હોય છે. ફરાળ કરતાં કરતાં જુગાર ખેલાડીઓ (કે ‘ખેલીઓ’) જુગાર રમે તેને ‘ફરાળી જુગાર’ કહેવાય કે કેમ, એ વિશે ભદ્રંભદ્ર સરખા કોઇ શાસ્ત્રજ્ઞને પૂછવું પડે.

શ્રાવણ સ્પેશ્યલ ગણાતા ફરાળ કે જુગારની સરખામણીમાં, દાઢી એ ધાર્મિક ભાવનાની સૌથી નિર્દોષ, સૌથી સચોટ, સૌથી દૃશ્યમાન અને સૌથી ઓછી નુકસાનકારક અભિવ્યક્તિ છે. ચિંતનની શૈલીમાં કહી શકાય કે વધેલી દાઢી શ્રાવણ માસનું આઇ-કાર્ડ છે. ગુજરાતી મહિનાઓથી અપરિચિત લોકો પણ પોતાની આજુબાજુના પુરૂષોમાં દાઢીધારીઓની સંખ્યા ઓચિંતી વધવા લાગે, એટલે તપાસ કરી જુએ છેઃ ‘શ્રાવણ મહિનો બેસી ગયો?’ વર્ષના બાકીના ભાગમાં રોજેરોજ ચકચકાટ દાઢી છોલતા લોકોના ચહેરા પર અચાનક એક વરસાદ પછી ખુલ્લા મેદાન પર ઉગી આવેલા, ગાય-ભેંસ-ગધેડાંને ચરવાલાયક ઘાસ જેવી દાઢી દેખાય, એટલે પહેલી પ્રતિક્રિયા આશ્ચર્યની આવે છે. પછી વ્યવહારૂ માણસ તરત પરિસ્થિતિ પામીને કહે છે,‘સાવણ (શ્રાવણ) મહિનો કરો છો?’

એટલે દાઢીધારી પોતાના વ્યક્તિત્વ અનુસાર શરમાઇને કે હણહણીને કહે છે,‘હા, આપણે વરસમાં એક જ વાર દાઢી વધારવાની. એમાં કોઇ મગજમારી નહીં.’

‘દાઢી વધારવામાં કોઇ મગજમારી નથી.’ એવું ઘણા લોકો માની બેસે છે. દાઢી વધાર્યે જવામાં તેમને ‘ભલું થયું ભાંગી જંજાળ’ જેવો નિરાંતનો અહેસાસ લાગે છે. પરંતુ જંજાળ ભાંગ્યા પછી શું કરવું એનો કાર્યક્રમ તેમની પાસે હોતો નથી. ખરૂં પૂછો તો, દાઢીની જંજાળ એમ ભાંગવી પણ અઘરી છે. ધર્મના નામે ઘણી વાર જુગારને સહજતાથી સ્વીકારી લેવામાં આવે છે, પણ દાઢીને એટલી જલદી સામાજિક સ્વીકૃતિ મળતી નથી.

દાઢીના વિરોધીઓ અનેક પ્રકારના હોય છે. (આ રાજકીય વિધાન નથી.) કોઇ પણ સામાજિક સુધારાની જેમ દાઢીનો પહેલો પ્રતિકાર ઘરમાંથી શરૂ થાય છે. પરણીત પુરૂષે સૌથી પહેલાં પત્નીનો ઠપકો સાંભળવાની તૈયારી રાખે છે. બે-ચાર દિવસ તો એ પોતાનો દાઢીયલ ચહેરો ગુપચાવતો ફરે છે, પણ એક દિવસ પત્નીનું ઓચિંતું ઘ્યાન જાય છે, ‘તમે કેમ બીમાર જેવા લાગો છો? તબિયત ઠીક નથી?’ આવા લાગણીભર્યા પ્રશ્નથી શરૂ થયેલો સંવાદ છેવટે દાઢીના હનન જેવો ભયાનક વળાંક લેશે, તેની દાઢી ધારીને ભાગ્યે જ કલ્પના હોય છે.

સવાલના જવાબમાં દાઢીધારી શખસ ‘એ તો અમસ્તું. આ તો મને થયું કે જરા... એવું કંઇ નહીં... જ્યાં સુધી રખાય ત્યાં સુધી.. પણ મને થયું કે શ્રાવણ મહિનામાં...દાઢી જરા વધારીએ.’

પત્ની કે બીજાં કુટંબીજનોને દાઢીધારી માણસ સાવ માંદલો દેખાય એનો પણ વાંધો હોય છે અને સરખી દાઢી વઘ્યા પછી એ ખૂંખાર દેખાવા માંડે તો પણ ખૂંચે છે. થોડા દિવસ પછી સંવાદની રીત બદલાય છે. પત્ની કહે છે,‘આ શું ભાઇસાબ! જરાય સારા નથી લાગતા! આમ દાઢી વધારીને નીકળો છો તો પોલીસ ક્યાંક ત્રાસવાદવિરોધી કાયદામાં પકડી ન જાય!’

‘જે રાજ્યના મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દાઢીધારી હોય, ત્યાં દાઢી વધારવામાં ચિંતા કેવી!’ એવું રાજકીય જ્ઞાન પતિ પત્નીને આપવાનો પ્રયાસ કરે છે, પણ પત્ની તેમના ધાર્યા કરતાં વધારે સ્માર્ટ નીકળે છે. એ કહે છે,‘મુખ્ય મંત્રી ને ગૃહમંત્રી દાઢી સેટ કરાવે છે- તમારી માફક અડાબીડ ઉગાડતા નથી- ને એમને તો કોઇ કહેનાર નથી ને કહે તો કોઇનું સાંભળનાર નથી.’

જે ઘરમાં વડીલો હોય ત્યાં વડીલો પણ દાઢીને પ્રોત્સાહન આપતા નથી. બહુ ઊંમરલાયક વડીલો હોય તે દાઢીધારીના ઇતિહાસના જ્ઞાનમાં વધારો કરતાં કહે છે,‘ભાઇ, અમારા જમાનામાં તો બહારવટિયા, ડાકુલૂંટારા ને પ્રોફેસરો દાઢી રાખતા.’ પછી કંઇક કાચું કપાયાનો ખ્યાલ આવતાં કહે છે,‘પ્રોફેસરો અને બીજા મોટા માણસો-લિંકન જેવા દાઢી રાખતા. પણ ભાઇ દાઢી તો એવા બધાને શોભે.’ દાઢી રાખવાથી વડીલશ્રી પોતાનો સમાવેશ બહારવટિયામાં કરશે કે પ્રોફેસરમાં એ અવઢવમાં શ્રાવણ વીતી જાય છે.

ઓફિસમાં કે મિત્રવર્તુળમાં પણ શ્રાવણની સાથે જ કેટલાક ચહેરા પર ફણગા ફુટવા માંડે છે, જે જોતજોતાંમાં સ્વાઇન ફ્લુના વ્યાપની જેમ આખો વિસ્તાર આવરી લે છે. કાયમી દાઢી રાખનારામાં જેમ બાવા-દાઢી, બૌદ્ધિક દાઢી, ખૂંખાર દાઢી, દાઢીના વાળ જેટલા દાવપેચ દર્શાવતી કાબરચીતરી દાઢી કે ફેશનેબલ બકરાદાઢી (‘ગોટી’) જેવા અનેક પ્રકારો હોય છે, પણ ફક્ત શ્રાવણમાં દાઢી વધારનારા આટલી આળપંપાળમાં પડતા નથી.

વૈરાગી ભક્તકવિઓ દુનિયાને ‘ચાર દિનોંકા ખેલ’ કે ‘રૈનબસેરા’ (રાતવાસો) તરીકે ઓળખાવે છે, જ્યાંથી મુદત પૂરી થયે ચાલતા થવાનું છે. શ્રાવણમાં દાઢી વધારનારાની દાઢી પ્રત્યેની વિરક્તી કંઇક એ જ પ્રકારની હોય છે. આસક્તિ અને વિરક્તિનો દુર્લભ અને વિવેકપૂર્ણ સમન્વય શ્રાવણમાં દાઢી વધારનારા ઘણાખરા લોકોમાં થયેલો જોવા મળે છેઃ તે કાળજીપૂર્વક દાઢી વધારે છે, પણ મહિનો પૂરો થયે પોતાની વધારેલી દાઢીને પ્રેમમાં પડ્યા વિના, ચહેરો ફરી સફાચટ કરાવી નાખે છે ત્યારે આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરે કે ન કરે, કેશકર્તનકાર શીશીમાંથી જળવૃષ્ટિ અવશ્ય કરે છે.

શ્રાવણ મહિના સાથે ગુંથાયેલા દાઢી-માહત્મ્યમાં એક જ બાબત ખટકે એવી છેઃ ફરાળમાં અને હવે તો જુગાર દ્વારા શ્રાવણની ઉજવણી કરવામાં મહિલાઓ પાછળ નથી. પરંતુ દાઢી દ્વારા ભક્તિનો માર્ગ સ્ત્રીઓ માટે બંધ છે. સ્ત્રીઓ માત્ર સ્ત્રી હોવાને આ માર્ગે પ્રવેશ મેળવી શકતી નથી. કેટલાક આફ્ટરશેવ લોશન ઉત્પાદકો કે શેવિંગ ક્રીમની જાહેરખબર બનાવનારાએ દાઢી સાથે સ્ત્રીઓને સાંકળવાના પ્રયાસ કર્યા છે, પણ આ બાબતમાં તે કામ લાગે એવા નથી. પુરૂષ દાઢી વધારે તો તેના પરિવારમાં રહેલી સ્ત્રીઓને પણ ‘હિંદુ અનડીવાઇડેડ ફેમિલી’ના ધારા અંતર્ગત પુણ્ય પ્રાપ્ત થાય એવી કોઇ સ્કીમ હશે? શ્રાવણીયા પુણ્યનાં ‘રીટર્ન’ ભરતા કોઇ સી.એ.ને પૂછવું પડે!

Monday, August 17, 2009

હોમાય વ્યારાવાલા, નેનો અને પ્રસાર માધ્યમો

આખરે આજે સવારે હોમાય વ્યારાવાલાને લાલ રંગની ‘નેનો’ પ્રાથમિકતાના ધોરણે મળી ખરી.
ભાઇ પરેશ પ્રજાપતિએ આજે સમાચાર આપ્યા. એ સાથે જ એક વિચિત્ર અને પ્રસાર માધ્યમોની ભૂમિકા માટે યાદ રહી જાય એવા પ્રકરણનો સુખાંત આવ્યો- પણ ગાડીને જીવનમરણના સવાલની જેમ ચગાવનારા પ્રસાર માધ્યમોથી હોમાયબહેન ઘણાં નારાજ છે.
***
સંયોગોવશાત ગઇ કાલે રાત્રે જ એમને વડોદરાના એમના નિવાસસ્થાને બીરેન (કોઠારી) અને બિનીત (મોદી) સાથે મળવાનું થયું હતું. બીરેન પરિવાર અને મિત્ર પરેશ પ્રજાપતિ હોમાયબહેન સાથે લાંબા સમયથી સંકળાયેલા છે અને પારિવારિક સંબંધ ધરાવે છે. એટલે અમારી મુલાકાતમાં ઔપચારિકતાનો કોઇ ભાવ ન હતો. હોમાયબહેને પણ લાંબા સમયથી મનમાં ચડેલો એમનો ઉભરો ઠાલવ્યો – અને થોડા સમય પછી એમની સ્ટાઇલમાં હસતાં હસતાં કહ્યું પણ ખરું, ‘મેં મારો ઉભરો ઠાલવી લીધો. આ બધું સમજનારા (સાંભળનારા) કાં મલવાના ઉતા?’

હોમાયબહેન મિડીયાએ સર્જેલા ‘નેનોકાંડ’થી બહુ ત્રાસેલાં હતાં. ‘ધે મેડ માય લાઇફ મિઝરેબલ’ એ મતલબનાં ઘણાં વાક્યો એમણે પ્રસાર માધ્યમોના ઉત્સાહી પત્રકારો વિશે કહ્યાં. ‘આમાં અમારો શું વાંક?’ એવું કોઇ પત્રકાર મિત્રને હજુ ભોળાભાવે લાગતું હોય, તો તેમના લાભાર્થે આખો (અને હા, સાચો) ઘટનાક્રમ ટૂંકમાં.
હોમાયબહેને પોતાની વિન્ટેજ ફિઆટ રીપેરીંગથી કંટાળીને મુંબઇના એક સગાને આપવાનું નક્કી કર્યું. એ ગાડી સાથે તેમના વર્ષોજૂના લાગણીના સંબંધ. એટલે બીરેને એ સંબંધને ધરીમાં રાખીને ‘આહા જિંદગી’માં બે પાનાંનો એક લેખ લખ્યો, જે માત્ર તેમના અને તેમની ગાડીના સંબંધો અને તેની બારીક વિગતો વિશે હતો. એ લેખના થોડા સમય પછી એક ટેબલસ્ટોરી ફરતી થઇ, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે હોમાયબહેને નેનો ખરીદવા માટે પોતાની વર્ષોજૂની કાર કાઢી નાખી. ત્યારથી નેનોન્યૂઝ ભૂખ્યા પત્રકારોએ હોમાયબહેનનનું જીવવું હરામ કરી નાખ્યું. તેમના નામે અને તેમના વિશે અનેક ભળતીસળતી વિગતો, કોઇ પણ જાતની ખરાઇ વિના છપાવા લાગી. હોમાયબહેનને નેનો માટે કોઇ વિશેષ આકર્ષણ ન હતું. એમની જરૂરિયાત એક ગાડીની હતી ને એ વખતે નેનોની વાત આવી. એટલે એમણે નેનોમાં રસ બતાવ્યો. એથી વધારે નેનોમાં તેમને કશો રસ ન હતો. પરંતુ છાપાં-ચેનલોમાં બધાને મઝા પડી ગઇ. હોમાયબહેન અને નેનોના નામે પહેલાં ‘મળવાની છે’, પછી ‘હજુ સુધી મળી નથી’, પછી ‘હવે મળે તો પણ લેવાનાં નથી’ એવી સ્ટોરી સતત ચાલતી રહી. એમાં હોમાયબહેનની શાંતિનો ‘ઘાણ’ વળી ગયો. કેટલાક એવું માનવા લાગ્યા કે અમે સ્ટોરી કરી, એટલે હોમાયબહેનને નેનો મળવાની છે. નેનોની પ્રાથમિક ધોરણે ફાળવણી માટે મુંબઇથી તેમની પર પત્ર આવ્યો હતો. પરંતુ કારની ડિલીવરી વડોદરાથી મળવાની હોવાથી સ્ટોરી વડોદરાની થઇ ગઇ અને પછી તો દર થોડા વખતે પત્રકારોને આ સ્ટોરીના ઉથલા આવતા રહ્યા. હોમાય વ્યારાવાલાની અને નેનોની વાત આવે એટલે સ્ટોરી નેશનલ થઇ જાય. પીટીઆઇ પરથી પણ આ સ્ટોરી ઉતરી.

કાલે હોમાયબહેન કહેતાં હતાં કે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’માં એમના વિશે એક એવો રીપોર્ટ આવ્યો હતો, જેમાં ‘હું બોલી ન હતી એવું બધું મારા ક્વોટ્સ તરીકે ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવ્યું હતું. સાથે ફોટો પણ એવો મૂક્યો હતો કે હું એનોય્ડ હોઉં એવું લાગે.’ હોમાયબહેન કહે,’હું કદાચ ગુસ્સામાં હોઇશ તો પણ રીપોર્ટર પર.’ ટાઇમ્સનો રીપોર્ટ વાંચીને એમણે જૂની સ્ટાઇલમાં તંત્રીને એક પત્ર પણ લખ્યો હતો, જેની વિગત ગઇ કાલે એમણે મોઢે બોલી બતાવી. તેનો સાર એ જ હતો કે રીપોર્ટમાં મારા નામે ભળતાંસળતાં અવતરણ છાપ્યાં હતાં અને મારો ફોટો જોઇને એવું લાગે કે તમે બુઢ્ઢા લોકો પ્રત્યે સંવેદનશીલ નથી.

નેનો મુદ્દે મિડીયાવાળાથી ગળે આવી ગયેલાં હોમાયબહેન કહેતાં હતાં કે મારી આટલી હેરાનગતિ કદી થઇ નથી. ‘લોકો ગમે ત્યારે એપોઇન્ટમેન્ટ લીધા વિના આવી ચડે, કેમ જાણે આપણે નવરાં હોઇએ ને એમની રાહ જ જોતાં હોઇએ. કેટલાક બેલ માર્યા વિના છેક ઘરમાં આવી જાય. ઘણાખરા આવીને પોતાના હિસાબે ઘરનું બધું રાચરચીલું આઘુંપાછું કરી નાખે અને ફરી સરખું કરવાની તસ્દી પણ ન લે. ટાઇમ પર આવે નહીં. અત્યાર સુધી મેં કદી કોઇને પાછા કાઢ્યા નથી. પણ એક જણ આવેલો- ઇન્ટરવ્યુ લેવા. તેને સવારે અગિયાર વાગ્યે મળવાનું કહ્યું હતું ને ચોખ્ખું લખ્યું હતું કે મહેરબાની કરીને ટાઇમસર આવી જજો. તો પણ એ ચાળીસ મિનીટ મોડા આવ્યા. મેં એમને પૂછ્યું, ‘સોનિયા ગાંધીને મળવા જવાનું હોત તો તમે પંદર મિનીટ પણ મોડા પડત?’
એ કહે , ‘ના.’
‘તો પછી તમે મને શું સમજો છો? આઉટ યુ ગો.’ કહીને એમને રવાના કર્યા.

‘દસ મિનીટ મોડા પડો તો ચાલે, પણ પાંચ મિનીટ વહેલા ન જવાય.’ એવું કહેનારાં હોમાયબહેને અમદાવાદથી બે છોકરીઓની વાત કરી. એમને દસ વાગ્યાનો ટાઇમ આપ્યો હતો અને તે નવ વાગ્યામાં આવી ગઇ. એમને મેં કહ્યું કે ‘તમને દસ વાગ્યે આવવાનું કહ્યું હતું’ તો કહે,’અમે અમદાવાદથી આવીએ છીએ.’
‘એમાં હું શું કરું?’
‘પણ અમે ક્યાં જઇએ?’
‘મારે પરવારવાનું બાકી છે.’
‘વાંધો નહીં અમે અહીં બહાર બેઠાં છીએ.’
હોમાયબહેન કહે, ‘અમે કોઇને મળવાનું હોય ને પાંચ મિનીટ બાકી હોય તો બહાર આંટાફેરા મારીએ ને ટાઇમ થાય પછી જ અંદર જઇએ.’ એ છોકરીઓ બપોરે જમવાના સમયે ન ગઇ, ચાના સમયે ન ગઇ, ‘તમારું રસોડું બતાવી દો. સાંજનું રાંધી દઇશું’ કહીને સાંજે રોકાઇ ને એમણે કોઇની સાથે રાત્રે દસ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું હશે, તે છેક એ સમયે ગઇ.
હોમાયબહેન પ્રત્યે ગમે તેટલો આદરભાવ હોય, તો પણ તેમનાં લાગણી, સગવડ અને સ્વમાનનો, તેમની રહેણીકરણીનો ખ્યાલ કોઇ કરતું નથી. તેમના લાસરીયા વર્તનથી હોમાયબહેન મનોમન જેટલાં ધૂંધવાય છે અને અગવડ અનુભવે છે એ કોઇ વિચારતું નથી. ફોટા પાડવા માટે ઘરનું ફર્નિચર આમતેમ કરી નાખનારા લોકો એમ જ જતા રહે ત્યારે હોમાયબહેનને બહુ ગુસ્સો આવે છે. એ કહે છે,’હવે તો એવું થાય છે કે એ લોકો છેક નીચે ઉતરી જાય, પછી એમને પાછા ઉપર બોલાવું અને કહું કે આ બધું ગોઠવીને જાવ.’

પત્રકારોના માઠા અનુભવોનો એમની પાસે ભંડાર છે. એ કહે, ‘અત્યાર સુધી બધાએ મારા વિશે આટલું બધું લખ્યું, પણ મને એનાથી આટલો બી ફરક પડ્યો નથી. એક આ (બીરેન-કામિની) અને બીજાં એક શાહ કપલ છે એ મારી બહુ હેલ્પ કરે છે.’ એમની નજીક રહેતો અમારો મિત્ર પરેશ પ્રજાપતિ હવે આ ટૂંકા વર્તુળમાં ઉમેરાયો છે- હોમાયબહેનની રમૂજ પ્રમાણે, ‘પ્રજાપતિ મારી ને આમની (બીરેનની) વચ્ચે ફસી ગયો છે.’
***
‘કાલે નેનો લેવા જવાનું છે. મેં કહ્યું, મને ઘરમાં નીચે આપી જજો. પણ ત્યાં કોઇ ફોર્માલિટી માટે મારે જવાનું છે. એ લોકોએ ખબર નહીં કેમ, પણ અગાઉના ફોર્મમાં કંઇક અપગ્રેડ કર્યું છે. એટલે સહી કરવા જવાનું છે. મેં કહ્યું હતું કે મારે ગાડીમાં કોઇ ગેજેટ નહીં જોઇએ. કોઇ એર કન્ડિશનિંગ નહીં. મારે ગાડી લક્ઝરી માટે નહીં, નેસેસીટી માટે લેવાની છે. કાલે ત્યાંથી ડ્રાઇવર મને મારી ગાડીમાં અહીં મૂકી દેશે. કોઇકે તો એવું પણ લખ્યું હતું કે એમનાથી ગાડી ચલાવાશે નહીં. એટલે ડ્રાઇવર રાખવો પડશે.’

ગાડીના મુદ્દાને મિડીયાવાળાએ જીવનમરણનો સવાલ બનાવી દીધી, એનાથી હોમાયબહેન ત્રાસી ગયાં હતાં. જ્યાં જાય ત્યાં લોકો પૂછે,’ગાડી મળી?’ હોમાયબહેન કહે,’થોડા વખત પહેલાં એક પાડોશીએ ગાડી કાઢી નાખી, પછી મને ખબર પડી. નહીં તો એ ગાડી ખરીદી લીધી હોત તો આ કશી ઝંઝટ જ ન થાત.’
(ફોટોઃ બિનીત મોદી)

Thursday, August 13, 2009

આઝાદીની ઉજવણીઃ જરા યાદ યે ભી કર લો

મૂળ કુંડળ (તા.સાણંદ)ના સુરેશ જાદવને છેલ્લાં આઠ-દસ વર્ષથી ઓળખું છું. ‘નવસર્જન’ના કાર્યકર, લખનારા માણસ અને મિત્ર તરીકે. અન્યાય નહીં સાંખી લેનારા અને બીજા વતી સરકારી તંત્ર સામે બાથ ભીડનારા માણસ તરીકે પણ એમનો પરિચય છે.

આ વર્ષના મે મહિનામાં કુંડળમાં મંદિરપ્રવેશ માટે સુરેશભાઇને એમના ગામમાં જે સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે ડો.આંબેડકરે કરેલા કાલારામ મંદિરપ્રવેશ સત્યાગ્રહના સાત દાયકા પછી પણ સ્થિતિ કેટલી હદે બદલાઇ નથી તેનો કટુ અને કરૂણ અહેસાસ થયો.

સુરેશભાઇ દલિત હોવાને કારણે તેમને મંદિરમાં પ્રવેશ ન મળે, પોલીસ તેમની ફરિયાદ ન નોંધે, ત્રણ-ત્રણ દિવસ સુધી ધક્કા ખવડાવે, દબડાવી જુએ, ડી.એસ.પી.નો હુકમ થયા પછી પણ તેમની ફરિયાદ ન લેવાય, છેવટે પોલીસરક્ષણ સાથે તે મંદિરપ્રવેશ કરે ત્યારે ગામના બિનદલિતો એ મંદિરમાં જવાનું બંધ કરે- કારણ કે દલિતના પ્રવેશથી મંદિર અભડાઇ ગયું ગણાય!

દલિતો પરના ત્રાસને ભૂતકાળની વાત ગણતા અને શહેરી દલિતો દ્વારા થતા ‘એટ્રોસિટી એક્ટ’ના છૂટાછવાયા દુરૂપયોગની સામે, વ્યાપક વાસ્તવિકતા નજરઅંદાજ કરનારા સૌ મિત્રો માટે, સુરેશભાઇની કથા બે વિડીયો લિન્કમાં મૂકી છે.

આ વિડીયોની ગુણવત્તા વિશે જેમને ફરિયાદ હોય તેમને વિનંતી કે આંખ બંધ કરીને, આ વિડીયોમાંથી ફક્ત અવાજ સાંભળે અથવા શક્ય હોય તો વિડીયો પોતાના કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને વગાડે.

http://www.youtube.com/watch?v=25ZtMNi7ERQ

http://www.youtube.com/watch?v=kATWUmVxkkE

(વઘુ વિગતો જાણવા ઇચ્છતા મિત્રોને મેઇલ કરવા વિનંતી)

Tuesday, August 11, 2009

ગુજરાતીની આજ અને આવતી કાલઃ વિનોદ ભટ્ટની નજરે

ચારેક દાયકાથી હાસ્યલેખક તરીકે સક્રિય, સાહિત્ય પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને અ-ભૂતપૂર્વ (ભૂતપૂર્વ નહીં એવા) ટ્રસ્ટી, ‘ઇદમ તૃતીયમ્’ કાર વિનોદ ભટ્ટ વિશે આટલી ઓળખાણ આપી દીધા પછી, ‘એમની ઓળખાણ આપવાની જરૂર નથી’ એવું તો કાર્યક્રમના ચાંપલા સંચાલકોની શૈલીમાં નહીં કહું. વિનોદભાઇની ઉર્વીશ કોઠારી સાથેની વાતચીતમાં ગુજરાતી ભાષાની આજ અને આવતી કાલ વિશેના તેમના વિચારોના અંશ સાંભળોઃ

http://www.youtube.com/watch?v=WiZ8uemIFS0

Monday, August 10, 2009

સયાજીરાવ ગાયકવાડનાં દૌહિત્રી, જયપુરનાં મહારાણી ગાયત્રીદેવીનું ‘મોસાળ-પુરાણ’


ગાયત્રીદેવી અને ઇન્દિરાદેવી
રાજારજવાડાંના અસ્ત પછી પણ ‘મહારાણી’ તરીકે ઓળખાતાં ગાયત્રીદેવીનું ૯૦ વર્ષની વયે અવસાન થયું. પારંપરીક અર્થમાં સૌંદર્યવતી કહેવાય એવી સ્ત્રીઓની કરૂણતા એ હોય છે કે રૂપ જ તેમની મુખ્ય, ઘણી વાર એકમાત્ર, ઓળખ બની જાય છે- મઘુ રાયની અમર વાર્તા ‘કાન’ની જેમ! પોતાના કાનનાં વખાણથી હરખાતા હરિયાને પાછળથી સમજાય છે કે દુનિયાને હરિયાના વ્યક્તિત્વનાં બીજાં પાસાંમાં કશો રસ નથી. તેને તો બસ, હરિયો એટલે કાન.

ગાયત્રીદેવી માટે એવું કહેવાની ફેશન હતી કે ‘એ ફક્ત સૌંદર્યવતી ન હતાં. તેમણે રાજકારણ અને સ્ત્રીશિક્ષણમાં ઘણો રસ લીધો.’ પરંતુ ગાયત્રીદેવી આટલાં સૌંદર્યવતી ન હોત તો તેમના રાજકારણ કે સ્ત્રીશિક્ષણમાં કોને અને કેટલો રસ પડ્યો હોત એ સવાલ! અમેરિકન ફેશન મેગેઝીન ‘વોગ’ દ્વારા એક જમાનામાં પ્રગટ થયેલી દુનિયાની દસ શ્રેષ્ઠ સૌંદર્યવતીઓની યાદીમાં અભિનેત્રી લીલા નાયડુ અને ગાયત્રીદેવીનો સમાવેશ થયો હતો. ગાયત્રીદેવી અને તેમના અવસાનના આગલા દિવસે જ અવસાન પામેલાં લીલા નાયડુ- બન્નેની અંજલિમાં ‘વોગ’ની યાદીનો ઉલ્લેખ ભક્તિભાવપૂર્વક, લગભગ સદગતની એક મહાન સિદ્ધિ લેખે, કરવામાં આવ્યો. આવી યાદીઓ અને સિદ્ધિઓ કેટલી ઠાલી, કેટલી છીછરી હોય છે એનો અહેસાસ હોવા છતાં!
ખુદ ગાયત્રીદેવી પોતાની માતાના સૌંદર્યનાં વખાણ કરતાં થાકતાં ન હતાં. તેમનાં માતા અને સયાજીરાવ ગાયકવાડનાં પુત્રી ઇન્દિરાદેવી વિશે તેમણે લખ્યું છે,‘એમના વિશે વાત કરતી વખતે અતિશયોક્તિમાં સરી ન પડવું બહુ અઘરૂં છે...હવે તો હું ઘણું ફરી છું અને ઘણી સૌંદર્યવતીઓને મળી છું. છતાં મારી માતામાં થયેલો વિટ (ચાતુર્ય), વોર્મ્થ (ઉષ્મા) અને દેખાવનો સમન્વય અદ્વિતીય છે.’
પ્રગતિશીલ રાજવી તરીકે જાણીતા સયાજીરાવે બીજાં રાજપરિવારોની જેમ પુત્રીને પડદામાં બેસાડી દેવાને બદલે તેને ભણાવવાનો આગ્રહ રાખ્યો. વડોદરાની કોલેજમાંથી સ્નાતક થયેલાં ઇન્દિરાદેવીનું લગ્ન, ભારતના નકશામાં વડોદરાથી સાવ સામા છેડે આવેલા કૂચબિહારના યુવરાજ જિતેન્દ્રનારાયણ સાથે થયું હતું. તેમના ચોથા સંતાન ગાયત્રીદેવીનો જન્મ અગાઉનાં ત્રણ સંતાનની જેમ ભારતમાં નહીં, પણ લંડનમાં ૨૩ મે, ૧૯૧૯ના રોજ થયો. સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં ભણેલાંગણેલાં ઇન્દિરાદેવી રાઇડર હેગાર્ડની નવલકથા ‘શી’ વાંચી રહ્યાં હતાં. એ નવલકથાની નાયિકા આયેશાથી ભારે પ્રભાવિત થઇને તેમણે નક્કી કરી નાખ્યું હતું કે ‘મારે પુત્રી અવતરશે તો એનું નામ હું આયેશા જ રાખીશ.’
પુત્રીનો જન્મ થયો અને રાશિ પ્રમાણે તેનું નામ ગાયત્રી પાડવામાં આવ્યું, પરંતુ ઇન્દિરાદેવીએ ગાયત્રીને આયેશા કહેવાનું ચાલુ રાખ્યું. થોડા દિવસ પછી કેટલાક સ્નેહીઓએ તેમને કહ્યું કે ‘આયેશા’ મુસ્લિમ નામ છે. પરંતુ ત્યાં સુધીમાં ગાયત્રીદેવીનું એ નામ ઘણું પ્રચલિત થઇ ચૂક્યું હતું. ગાયત્રીદેવીએ આત્મકથા ‘ધ પ્રિન્સેસ રીમેમ્બર્સ’માં નોંઘ્યું છે કે ‘મારૂં સાચું નામ ગાયત્રી હોવા છતાં મારા મિત્રો મને આયેશા તરીકે જ ઓળખે છે.’
બાળપણમાં છેક કૂચબિહારથી મોસાળ વડોદરાના પ્રવાસનું અને વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં ગાળેલા દિવસોનું પણ ગાયત્રીદેવીએ આત્મકથામાં વિગતવાર વર્ણન કર્યું છે. કૂચબિહારનો મહેલ અને વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ એક જ આર્કિટેક્ટનું સર્જન હતા. વડોદરાના રાજમહેલમાં અદબપૂર્વક વર્તતા અજનબીઓની સરખામણીમાં ભારે બેઅદબીથી ઉધમ મચાવતાં વાંદરાંના ત્રાસનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. સયાજીરાવ ગાયકવાડની પ્રગતિશીલતા સમજવા માટે ગાયત્રીદેવીની ઊંમર નાની હતી. એ વખતે સયાજીરાવ એમના માટે ફક્ત ‘નાના’ હતા. તેમની પ્રગતિશીલતા કરતાં તેમના પાળેલા પોપટ બાળપણમાં ગાયત્રીદેવીને વધારે આકર્ષતા હતા. સયાજીરાવના તાલિમી પોપટ ચાંદીની સાયકલ પર સવારી કે ચાંદીની ટચૂકડી કાર ચલાવવા જેવાં કરતબ દેખાડવા ઉપરાંત થોડી ઘણી એક્ટિંગ પણ કરી જાણતા હતા. એક પોપટ કાર ચલાવતો હોય, બીજો એની નીચે આવી જાય, ત્રીજો પોપટ ડોક્ટર બનીને તેને તપાસે અને ચોથો તેને સ્ટ્રેચર પર લઇ જાય, એવું પોપટોનું નાટક વડોદરામાં જોયાનું ગાયત્રીદેવીને મોટી ઊંમરે પણ ભૂલ્યાં ન હતાં. આ બધા ખેલના અંતે એક પોપટ ચાંદીની તોપ ફોડતો હતો. તેના ધડાકાથી પોપટ ટેવાઇ ગયા હતા, પણ જોનાર માણસો ચોંકી ઉઠતા હતા.
બધાને ચોંકાવી દેનારો એક ધડાકો સયાજીરાવ ગાયકવાડે પણ કર્યો હતો. ૧૯૧૧માં બ્રિટનના રાજા પંચમ જ્યોર્જના ભારત આગમન નિમિત્તે દિલ્હીમાં પંચમ જ્યોર્જનો ભવ્ય દરબાર ભરવાનું આયોજન થયું. તેમાં ભારતભરના રાજાઓ કિમતી જરઝવેરાતથી લદાઇને આવ્યા અને રાજા સમક્ષ લળીને પોતાની વફાદારીનું જાહેર પ્રદર્શન કર્યું. હૈદ્રાબાદના નિઝામ પછી વડોદરાના ગાયકવાડનો વારો હતો. સયાજીરાવે પંચમ જ્યોર્જ સમક્ષ કુર્નીશ તો બજાવી, પણ પછી રાજાશાહી વિવેકથી વિરૂદ્ધ, પોતાની પીઠ રાજાને દેખાય એ રીતે પાછા ફર્યા. આ બનાવ વખતે ગાયત્રીદેવીનો જન્મ પણ થયો ન હતો. પરંતુ કૌટુંબિક દંતકથાઓ અને આજુબાજુના લોકો પાસેથી આ બનાવ વિશે જાણ્યા પછી ગાયત્રીદેવીએ લખ્યું,‘અંગ્રેજોની સામે પડેલા લોકોએ સયાજીરાવની ચેષ્ટાને વખાણી. અંગ્રેજી સમાચારપત્રો ગાયકવાડ પર તૂટી પડ્યાં અને તેમની સામે દેશદ્રોહ સુધીના આરોપ મૂક્યા...વર્ષો પછી દાર્જિલિંગ અને કલકત્તામાં અમારા કેટલાક સહાઘ્યાયીઓ વડોદરાના ગાયકવાડની ગણના આઝાદીની અભિવ્યક્તિ કરનારા શરૂઆતના મહાનુભાવોમાં કરતા હતા, ત્યારે બાળકો તરીકે અમે (સયાજીરાવના) ઉછીના તેજમાં ઝળહળી ઉઠતાં. મારા નાના આઝાદીના તરફદાર હોવા છતાં તે એટલા વિવેકી હતા કે કદી રાજા (કિંગ-એમ્પરર)નું ઇરાદાપૂર્વક અપમાન કરે નહીં.’
દિલ્હી દરબાર સાથે ગાયકવાડ-ગાયત્રીદેવી પરિવારની બીજી પણ એક મહત્ત્વની અને વિવાદાસ્પદ ઘટના સંકળાયેલી છે. ગાયત્રીદેવીનાં નાની સયાજીરાવનાં બીજાં પત્ની હતાં. તેમનાં પહેલાં પત્ની (તાંજોરનાં કુંવરી)ના મૃત્યુ પછી સયાજીરાવે બીજું લગ્ન કર્યું. ગાયત્રીદેવીનાં માતા ઇન્દિરાદેવી સયાજીરાવના ચાર પુત્રો વચ્ચે એકનાં એક પુત્રી હતાં. પ્રગતિશીલ પિતાની છત્રછાયામાં ઉછરેલાં ઇન્દિરાદેવીનું લગ્ન તેમની પસંદગી જાણ્યા વિના, તેમનાથી ૨૦ વર્ષ મોટા ગ્વાલિયરના મોભાદાર સિંધીયા કુળના રાજવી સાથે નક્કી કરી દેવામાં આવ્યું. ઇન્દિરાદેવીને એ મંજૂર ન હતું. એ અરસામાં ઈંગ્લેન્ડના એક પ્રવાસ દરમિયાન તેમની મુલાકાત કૂચબિહારના રાજાનાં ભાઇ-બહેન સાથે થઇ. દિલ્હી દરબાર વખતે ઇન્દિરાદેવીનો ઘણો સમય વડોદરાને બદલે કૂચબિહારના તંબુમાં રાજપરિવાર સાથે વીત્યો. કૂચબિહારના રાજાના ભાઇ (યુવરાજ) જિતેન્દ્રનારાયણ સાથે ઇન્દિરાદેવીને એવો મનમેળ થયો કે તેમણે પરણવાનું નક્કી કરી લીઘું. દિલ્હી દરબારમાંથી પાછા ફરીને તેમણે કુટુંબીજનોની જાણબહાર સિંધીયાને એક પત્ર લખીને કહી દીઘું કે હું તમારી સાથે લગ્ન કરવા ઇચ્છતી નથી.
સિંધીયા તરફથી વળતો ટેલીગ્રામ આવ્યો ‘વોટ ડઝ ધ પ્રિન્સેસ મીન બાય હર લેટર?’ ત્યારે સયાજીરાવ સહિત સૌને ખ્યાલ આવ્યો. ત્યાર પછી ઘણા સમય સુધી ઇન્દિરાદેવીને સમજાવવાના અનેક પ્રયાસ થયા. કૂચબિહારના કુંવરને પણ મુંબઇ બોલાવીને સયાજીરાવે સમજાવી જોયા. તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં અને વઘુ દબાણ કરવામાં આવશે તો ઇન્દિરાદેવી ઘર છોડીને જતાં રહેશે એવું લાગતાં તેમનાં લગ્ન ઈંગ્લેન્ડમાં ગોઠવવામાં આવ્યાં. તેમાં પરિવારના કોઇ સભ્યની હાજરી ન હતી. સયાજીરાવે લગ્નના દિવસે ભારતથી શુભેચ્છાનો ટેલીગ્રામ મોકલાવીને સંતોષ માન્યો. પિતાએ આશીર્વાદ આપી દીધા, પણ ઇન્દિરાદેવીનાં માતા લાંબા સમય સુધી નારાજ રહ્યાં. છેવટે દૌહિત્રી (ગાયત્રીદેવીનાં મોટાં બહેન)ના જન્મ પછી નાની બનેલાં મહારાણીએ બીમાર દીકરીને ‘ઘરનું ભોજન’ મળે એ માટે વડોદરાથી પોતાનો રસોઇયો કૂચબિહાર મોકલી આપ્યો અને પોતાની નારાજગી સંકેલી લીધી.
જયપુરનાં મહારાણી બનેલાં ગાયત્રીદેવીએ ૧૯૭૬માં પ્રકાશિત તેમની આત્મકથાના અંતિમ અઘ્યાયમાં લખ્યું હતું કે વડોદરામાં લક્ષ્મીવિલાસ પેલેસમાં ઘણુંબઘું બદલાઇ ગયું છે, પણ મારા નાનાએ પાળેલા પોપટ એમના એમ છે. હજુ એ ચાંદીની ટચૂકડી તોપમાંથી ધડાકા કરે છે.
ઈંદિરા ગાંધીએ રાજા-રજવાડાંનાં સાલીયાણાં નાબૂદ કર્યાં, તે અરસામાં પ્રગટ થયેલી ગાયત્રીદેવીની આત્મકથામાં વીતેલા રાજાશાહી યુગની ઝાંખી હતી. ગાયત્રીદેવીના અવસાનથી એ યુગ હવે ફક્ત પુસ્તકોનાં પાનામાં સમેટાઇને રહી ગયો છે.

Saturday, August 08, 2009

ગુજરાતીની આજ અને આવતી કાલઃ પંકજ જોષીની નજરે

ઘણા વખતથી મારા મનમાં આ વિચાર ચાલતો હતોઃ ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે તેની સાથે સંકળાયેલા, તેને ઉત્તમ રીતે સેવનારા અને ગુજરાતી ભાષામાં રહીને માતબર પ્રદાન કરનારા મહાનુભાવો શું માને છે?

વિચારનો અમલ પણ તરત કરવા માંડ્યો. તેના પરિણામે થોડી મુલાકાતો કરી. મોટા ભાઇ બીરેન કોઠારીએ પણ ઘ્યાન રાખીને વડોદરામાં કેટલીક મુલાકાતો રેકોર્ડ કરી. બ્લોગની ૨૦૦ પોસ્ટ થઇ ત્યારે એવો ઇરાદો હતો કે આ બધી મુલાકાતો હવે અપલોડ કરવી. ૨૦૦ પોસ્ટની ઉજવણી એ રીતે કરવાનું મનમાં હતું. પણ અપલોડિંગ માટેના સમય સહિતની બીજી મર્યાદાઓને કારણે એ શક્ય ન બન્યું. છેક આજે, લગભગ ૨૭૦ પોસ્ટ થઇ છે ત્યારે, એ પ્રોજેક્ટની પહેલી લિન્ક અહીં મૂકું છું.

મુંબઇસ્થિત ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચમાં કાર્યરત ખગોળશાસ્ત્રી ડો.પંકજ જોષી બ્લેકહોલ અને નેકેડ સીંગ્યુલારીટી વિશેનાં તેમનાં સંશોધનો દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવે છે. પંકજભાઇ ઉર્વીશ કોઠારી સાથેની વાતચીતમાં ગુજરાતી ભાષાના વર્તમાન અને ભવિષ્ય વિશે શું કહે છે? સાંભળો.

Friday, August 07, 2009

દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ) અને નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) સાથે વાતો


નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) અને દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ)
દૂરદર્શનની ગિરનાર ચેનલ (ડીડી-૧૧) પર દર શનિવારે સાંજે સાડા સાત વાગ્યે દૃષ્ટિકોણ કાર્યક્રમ પ્રસારિત થાય છે. રૂપાબહેન (મહેતા)ના આ કાર્યક્રમનું સંચાલન છેલ્લા થોડા સમયથી મારે કરવાનું થાય છે, એવું અગાઉ એક પોસ્ટમાં લખ્યું હતું.
ફરી એ કાર્યક્રમ પ્રત્યે ઘ્યાન દોરવાનું કારણ છે, આવતી કાલના કાર્યક્રમમાં આવનારાં બે વયોવૃદ્ધ સન્નારીઓઃ વેડછીનાં દશરીબહેન ચૌધરી (૯૧ વર્ષ) અને અમદાવાદનાં નીમુબહેન દેસાઇ (૯૫ વર્ષ) બારડોલીના સત્યાગ્રહ સાથે સંકળાઇ ચૂકેલાં દશરીબહેને અક્ષરજ્ઞાનથી વંચિત કસ્તુરબા ગાંધીને યરવડા જેલમાં ભણાવ્યાં હતાં, જ્યારે નીમુબહેન (નિર્મળાબહેન) દેસાઇ જ્યોતિસંઘ સાથે સંકળાયેલાં. તેમની એક ઓળખાણ વિખ્યાત પત્રકાર, ‘વાસરિકા’ ફેઇમ, નીરૂભાઇ દેસાઇનાં પત્ની તરીકેની પણ ખરી.
ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની હાજરીમાં, તેમના સવાલજવાબોની વચ્ચે નીમુબહેન અને ખાસ તો દશરીબહેન સાથે મુલાકાત-વાતચીતની તક મળી એ બદલ રૂપાબહેનનો પણ આભાર માનવો પડે. ઇતિહાસનાં પાનાં જેવાં આ બન્નેની મુલાકાત, તેમના સંસ્મરણો અને તેમના જુસ્સાનો પ્રત્યક્ષ અનુભવ કરવો હોય તો આવતી કાલે, શનિવારે સાજે ૭:૨૫ વાગ્યે ડીડી ગિરનાર પર ‘દૃષ્ટિકોણ’ જુઓ.
ટીંગટોંગ. આ જાહેરખબર છે અને એને મારૂં સમર્થન છે. કારણ કે દશરીબહેન જેવાં પ્રમાણમાં ઓછાં જાણીતાં ચરિત્રો વિશે એમ જાણવા મળતું નથી.

કોનો વાંક? Imagine

કોનો વાંક? આવાં શીર્ષકો પાંચ-છ દાયકા પહેલાંની નવલકથાઓમાં આવતાં હતાં. દિવ્ય ભાસ્કરની ગયા રવિવારની પૂર્તિનું પહેલું પાનું વાંચીને એવો જ સવાલ થાયઃ પેપર તેની સામાન્ય અવસ્થામાં- એટલે કે ગડી વાળેલું પડ્યું હોય, ફક્ત ઉપરનું અડધીયું દેખાતું હોય તો તેમાં શું વંચાય છે, તે ઉપરની તસવીરમાં જુઓઃ

ગુણવંતભાઇના લેખનું મથાળું ‘આજની રાત, ફેસલાની રાત’ હોય એવું એમાં લાગે. નીચે રાખી સાવંતનું કપાયેલું મોં દેખાય અને એની પર હેડીંગ હોય, ‘ચંચલ મેરે મનમેં, મોહન મુરલીધારી’. એટલે કોઇ પણ સહજ એવું લાગે કે ગુણવંતભાઇએ તેમની મનનીય શૈલીમાં રાખી સાવંતના સ્વયંવરને કૃષ્ણના રોમેન્ટીસીઝમ સાથે જોડીને એકાદ પીસ ફટકાર્યો હશે. તેમાં ‘આજની રાત ફેસલાની રાત’નો અર્થ ન સમજાય, પણ મથાળાં ન સમજાવાની વાચકો માટે ક્યાં નવાઇ હોય છે? અને સજાવટ જરા ‘હેવી’ કે ‘ગોડી’ લાગે, પણ લે-આઉટના અતિરેક માટે જાણીતા ભાસ્કર માટે તેના વાચકોના મનમાં એવી નવાઇ પણ ન રહી હોય.

પૂર્તિ આખી ખોલ્યા પછી જ રહસ્યોદ્ઘાટન થાય કે આ તો રાખી સાવંતના સ્વયંવરની જાહેરાતની વચ્ચે ગુણવંતભાઇના મેટરનું કચુંબર કરવામાં આવ્યું છે. એમાં ગુણવંતભાઇનો કશો વાંક નહીં. એ તો પીડિત કહેવાય. ભાસ્કરનો પણ શો વાંક? બીજાં છાપાંએ પણ તક મળી હોત તો આવું કર્યું જ હોત. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ એમાં અતિઉત્સાહી છે અને બીજાં છાપાં પણ બહુ પાછળ નથી. સવાલ પ્રતિબદ્ધતા કરતાં વધારે તકનો છે.

યાદ આવે છે કે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રવિવારની પૂર્તિ અત્યારના સ્વરૂપે શરૂ થઇ ત્યારે તેમાં ઉપરના અડધા પાનામાં આશા ભોસલેનો લેખ સીધો અને નીચેના અડધા ભાગમાં તે ઉલટો (પેપર ઊંઘું પકડીને વાંચો તો ચત્તો વંચાય એવો) છાપવામાં આવ્યો હતો, કારણ કે અંદર એ મતલબની જાહેરખબર હતી! થોડા સમય પહેલાં એક મોબાઇલ કંપનીના ટાવરના ચાર કોલમની કલરસ્કીમ પ્રમાણે પહેલા પાનાના સમાચારના ફોન્ટના રંગ કરવામાં આવ્યા હતા. ટાઇમ્સની રવિવારની પૂર્તિમાં કયું મેટર છે ને કઇ જાહેરખબર, એ નક્કી કરવાની હજુ પણ ફાવટ આવતી નથી. છાપાના પહેલા પાને આખી જાહેરખબર હોય અને છાપું અંદરથી શરૂ થતું હોય તેની પણ નવાઇ છાપાં માટે રહી નથી.

લાગે છે કે વાંક આપણો જ છે. આપણે છાપાને બહુ છાપરે ચડાવીએ છીએ અને તેની પાસેથી બહુ અપેક્ષાઓ રાખીએ છીએ. તેને કોપરેલ, વેજિટેબલ ઘી કે લસણની તૈયાર ચટણી જેવું ગણી શકતા નથી.

Wednesday, August 05, 2009

અંધશ્રદ્ધાનો આઘુનિક મુકામઃ ઇન્ટરનેટ

‘આ સત્યઘટના છે. મહેરબાની કરીને તેને અવગણશો નહીં.

(સાંઇબાબાની કેટલીક તસવીરો)

એક અફસરને આ તસવીરો (ધરાવતો ઇ-મેઇલ) મોકલ્યા પછી ૨ મિલિયન ડોલર મળ્યા. આ મેઇલ આગળ ન મોકલીને, મેઇલની સાંકળ/ચેઇન આગળ વધતી અટકાવવા બદલ રોબર્ટે ૨.૧ મિલિયન ડોલર ગુમાવ્યા...પ્લીઝ આ ઇ-મેઇલની ૨૦ કોપી મોકલો અને પછી ફક્ત ચાર જ દિવસમાં જુઓ, શું થાય છે! આ ચેઇન લેટર શીરડીથી આવ્યો છે. તમને ચોક્કસ ૪૮ કલાકમાં સારા સમાચાર સાંભળવા મળશે.’

***

ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લગભગ દરેક જણને આ અને આવા જુદા જુદા ઇષ્ટદેવોની આણ આપતા ઇ-મેઇલ મળતા હશે. આ પ્રકારના મેઇલનું શું થતું હશે?

અંદાજ લગાડી શકાય છેઃ થોડા લોકો આવા ઇ-મેઇલ વાંચીને, મનોમન રમૂજ પામીને તેને કચરાટોપલીમાં/ટ્રેશ તરીકે નાખી દેતા હશે. બીજા થોડા લોકો શ્રદ્ધાપૂર્વક, ખરેખર આવા ૨૦ મેઇલ મોકલવાથી ફાયદો થશે ને ન મોકલવાથી નુકસાન થશે એવું માનીને બીજા ૨૦ જણને મેઇલ મોકલી આપશે. ત્યાર પછી ૪૮ કલાક વીતી જાય અને કોઇ સારા સમાચાર ન આવે તો તે આખી વાત ભૂલી જશે અને ફરી કોઇ માતા-પિતા-બાવા-બાપા-બાબાની આણ આપતો મેઇલ આવે ત્યારે પંદર-વીસ-પચીસ જણને મોકલી આપશે.

પરંતુ મોટા ભાગના લોકો આ મેઇલમાં લખેલી વિગત માની લે એટલા ભોળા/શ્રદ્ધાળુ હોતા નથી. એ લોકો ઇ-મેઇલ ફોરવર્ડ કરવાથી રાતોરાત લોટરી ન લાગી જાય એટલું સમજવા જેટલા બુદ્ધિશાળી છે. ‘આમ તો હું આવા બધામાં માનતો નથી’ એવું કહેવું તેમને ગમે છે. પણ...

તોંતેર મણનો ‘પણ’ એ છે કે ‘આમ તો હું આવા બધામાં માનતો નથી, પણ આ મેઇલ ફોરવર્ડ કરવામાં એકેય રૂપિયાનો ખર્ચ નથી. મને કે બીજા કોઇને કશું નુકસાન નથી અને (હેંહેંહેં) કોને ખબર? કદાચ કંઇક થાય પણ ખરૂં! આ તો જસ્ટ જોકિંગ, હોં!’

પ્રગટપણે કે મનોમન આ પ્રકારનું કંઇક કહીને, તે વીસ જણને ઇ-મેઇલ ફોરવર્ડ કરી આપશે. આવી રીતે એડ્રેસના ખાનામાં લચકેલચકા સરનામાં ધરાવતા ઇ-મેઇલ જ્યારે પણ મળે ત્યારે હસવું કે રડવું એ સમજાતું નથી. ખરેખર તો કપાળ કૂટવાનું મન થવું જોઇએ. પણ આવા દરેક પ્રસંગે કપાળ કૂટીએ તો કપાળ ચંદ્રની સપાટીની જેમ ગોબાચ્છાદિત થઇ જાય. વિચાર આવે કે લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ઉપગ્રહો, દરિયાના પેટાળમાંથી પસાર થતા સબમરીન કેબલ, આઘુનિકતમ કમ્પ્યુટર પ્રોગ્રામ, વાયરલેસ કનેક્શન, ઓપ્ટિકલ ફાયબર વગેરેની સહિયારી કમાલને માતાજીના પરચાના પોસ્ટકાર્ડના સ્તરે ઉતારી દેનારાને શું કહેવું?

ઇન્ટરનેટને ભાંડવાનું, તેને સર્વ દૂષણોનાં મૂળ તરીકે ઓળખાવવાનું બહુ સહેલું છે, પણ ખરો સવાલ માણસના મનમાં ખદબદતી લાલચથી માંડીને અંધશ્રદ્ધા જેવી વૃત્તિઓનો છે. આ વૃત્તિ આહાર, નિદ્રા કે ભય જેવી મૂળભૂત નથી. છતાં તેનાં મૂળીયાં એટલાં જ ઉંડાં જતાં રહ્યાં છે. આદિકાળમાં તેનો આરંભ પ્રાકૃતિક પરિબળો પ્રત્યેના ભય અને વિસ્મયમાંથી થયો હશે. પછી તેમાં લાલચ અને ટૂંકા રસ્તે સમૃદ્ધ થઇ જવાના ધખારાનો રંગ ભળ્યો. એવી અંધશ્રદ્ધાને આસ્તિકતા કે અઘ્યાત્મ સાથે કશો સંબંધ નથી. પરચાના પોસ્ટકાર્ડ કે ઇ-મેઇલ મોકલનાર અને લોટરીની ટિકીટ ખરીદનારની માનસિકતામાં ખાસ ફરક હોતો નથી. બન્નેને પોતાની કોઇ આવડત કે મહેનત વિના, બસ એમ જ, પૈસાદાર બની જવું છે અને એ માટે બુદ્ધિનું ગમે તેવું પ્રદર્શન કરતાં પણ ખચકાટ થતો નથી. કોને ખબર, પ્રદર્શન કરીને પણ સમૃદ્ધ થઇ જવાય તો? સોદો ખોટો નથી!

ઘરેડ અંધશ્રદ્ધાળુઓ સાથે કામ પાડવાનું પ્રમાણમાં ઓછું મુશ્કેલ છે. તેમની સરખામણીમાં ‘આપણે તો આવા બધામાં માનતા નથી, પણ નુકસાન શું છે?’ એવું માનનારા લોકો લોકો વધારે રીઢા હોય છે. તેમાં કહેવાતા ભણેલાગણેલા, સમાજ જેને ‘ડોક્ટરો-એન્જિનિયરો’ જેવા સન્માનસૂચક વર્ગમાં મૂકે છે, તેમની સંખ્યા પણ મોટી હોય છે. તેમને પોતાની અંધશ્રદ્ધારૂપી દોણી સંતાડીને, છાશની લાઇનમાં ઉભા રહેવું છે. ભણતર તેમને ફક્ત અંધશ્રદ્ધા છુપાવવાનો દંભ શીખવી શક્યું છે. તેમના મનમાંથી અંધશ્રદ્ધાનો મેલ કાઢી શક્યું નથી. એટલે જ, ‘એમાં આપણને ક્યાં કશું નુકસાન છે?’ એમ કહીને એ લોકો અંધશ્રદ્ધાનો ગળપટો બાંધી લે છે અને ‘કોઇને ખબર નહીં પડે’ એમ વિચારીને હરખાય છે. પોતાનું કશું ન જતું હોય એવી બીજી કેટલી બાબતોમાં આ લોકો આટલો ઉત્સાહ બતાવે છે, એ વિચારવા જેવું છે.

ટેકનોલોજીને મળતા માણસના પરચા

ઇન્ટરનેટની સૌથી મોટી લાક્ષણિકતા- મફત અને તરત- સારી માહિતી જેટલી જ ખોટી માહિતીને, દૂષણોને, અંધશ્રદ્ધાને પણ લાગુ પડે છે. કારણ કે વિજ્ઞાન નીતિનિરપેક્ષ હોય છે. એ વિજ્ઞાનનો ગુણ પણ છે અને તેની મર્યાદા પણ.

‘પાપી માણસ સ્વીચ પાડે તો લાઇટ ચાલુ ન થાય. એના માટે તો તપ કરવાં પડે તપ!’ એવું વિજ્ઞાનના નિયમોને આધીન બાબતોમાં હોતું નથી. ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધાનો ફેલાવો કરવો કે સ્વસ્થ વૈજ્ઞાનિક અભિગમનો, એ ટેકનોલોજી નહીં, માણસો નક્કી કરે છે. ઇન્ટરનેટ પર અંધશ્રદ્ધા સામેની ઝુંબેશો ચાલે છે, છતાં બહારની દુનિયાની જેમ ઇન્ટરનેટના માઘ્યમમાં પણ અંધશ્રદ્ધાનું પલ્લું ભારે રહે છે. કારણ કે ટેકનોલોજી નવી છે, પણ તેને વાપરનારા એના એ જ છે. ભણ્યા પછી જેમના મનમાંથી અંધશ્રદ્ધા દૂર થઇ શકી નથી, એવા લોકો ટેકનોલોજીનો ઉપયોગ પોતાની અંધશ્રદ્ધા પોસવામાં અને તેમાં રાચવામાં જ કરે એ સ્વાભાવિક છે.

ઇન્ટરનેટનો ઉપયોગ કરી જાણનારા લોકો તેનો ઉપયોગ કમ સે કમ પરચાનાં પોસ્ટકાર્ડની જગ્યાએ ન કરે એટલી અપેક્ષા રહે છે. પરંતુ અંધશ્રદ્ધાળુઓની કઠણાઇ જ એ છે કે વૈજ્ઞાનિક સાધનો વાપરીને અવૈજ્ઞાનિક માન્યતાઓનો પ્રચારપ્રસાર કરવામાં તેમને છોછસંકોચ કે લાજશરમ નડતાં નથી. એમાં તેમને કશો વિરોધાભાસ લાગતો નથી. તેમને એવો સીધોસાદો વિચાર પણ આવતો નથી કે વીસ જણને ઇ-મેઇલ ફોરવર્ડ કર્યા પછી તેમાંથી કોઇને ત્યાં સરનામું ખોટું હોવાને કારણે ઇ-મેઇલ ન પહોંચે કે કોઇ ઇ-મેઇલ ખોલીને ન વાંચે કે કોઇના મેઇલ બોક્સમાં આવો ઇ-મેઇલ સીધો કચરપટ્ટી/સ્પામના ફોલ્ડરમાં જતો રહે તો શું થાય? વીસ ઇ-મેઇલ મોકલ્યાનું પુણ્ય મળે કે ન મળે? બધા સવાલોના તેમની પાસે એક જ જવાબ છેઃ ‘આપણને ક્યાં કશું નુકસાન છે?’

અંધશ્રદ્ધાળુ ન હોવા છતાં, કોઇને લાગતું હોય કે ‘હશે બિચારા! છો ને ઇ-મેઇલ મોકલ્યા કરે? આપણને શું નુકસાન છે? ન વાંચવો હોય તો ડીલીટ કરી નાખવાનો!’, તો મોટા ભાગના કિસ્સામાં આવું વલણ ઉદારતા કે સહિષ્ણુતા કરતાં વધારે અવઢવ સૂચવે છે. ઇન્ટરનેટ પર ફરતા અંધશ્રદ્ધા અને ખોટી માહિતીને લગતા ઇ-મેઇલનો ત્રાસ એટલો વધી ગયો છે કે ક્યારે કોણ કઇ વિગત સાચી માની લેશે, એનો હંમેશાં ફડકો રહ્યા કરે.

ગેરમાર્ગે દોરતી માહિતીનો મારો

ઇ-મેઇલમાં વખતોવખત એવી કથાઓ મળતી રહે છે કે ‘ફલાણા ભાઇ થિએટરમાં ફિલ્મ જોવા ગયા, ત્યારે તેમની બેઠકમાં ટાંકણી ભોંકાઇ. એ ટાંકણી એઇડ્સનો ચેપ ધરાવતી હોવાથી ફિલ્મ જોવા ગયેલા ભાઇને એઇડ્સ લાગુ પડી ગયો’ અથવા ‘કોકા કોલા એટલી જલદ આવે છે કે ડાઘા સાફ કરવાના કામમાં (એસિડને બદલે) તેનો ઉપયોગ કરવામાં આવે છે. માટે કોકા કોલા ન પીશો.’ અથવા ‘ડીઓડોરન્ટ લગાડવાથી કેન્સર થાય છે.’

કથાઓના બીજા પ્રકારમાં એવી લાલચ આપવામાં આવે છે કે ‘આ મેઇલની સાથે મોકલેલી ઇષ્ટદેવની તસવીર સામે જોઇને મનમા જેની ઇચ્છા કરો, તે મળી જશે.’ આ કામમાં ભગવાનને બદલે માણસ પણ મદદરૂપ થઇ શકે છે. એવા મેઇલમાં કાયમી ઓફર હોય છે કે નાઇજીરીયાથી માંડીને બ્રિટન સુધીના કોઇ પણ દેશમાં કોઇ બિનવારસી ભાઇ લાખો ડોલરનો દલ્લો મુકીને મૃત્યુ પામ્યા છે અને કોઇ ભળતાસળતા બેન્ક અધિકારી એ ખજાનો તમારા ખાતામાં મોકલી આપવા ઉત્સુક છે. બસ, તમે તમારો ખાતાનંબર આપો અને ‘કાર્યવાહીની ફી પેટે’ થોડા ડોલર મોકલી આપો! ઇન્ટરનેટની આલમમાં ‘નાઇજીરીયન ફ્રોડ’ તરીકે જાણીતી આ તરકીબ એટલી જૂની અને જાણીતી હોવા છતાં, તેની સાથે સંકળાયેલું લોભનું લોહચુંબક એવું પ્રબળ પુરવાર થાય છે કે એક જાણીતી ગ્રાહક સુરક્ષા સંસ્થાના વડા થોડા વર્ષો પહેલાં આવા જ ‘નાઇજીરીયન ફ્રોડ’માં ઘણા રૂપિયા ગુમાવી બેઠા હતા.

ઇન્ટરનેટ પર માણસની મૂળભૂત નબળાઇઓની જ નહીં, સારપની પણ રોકડી કરનારા લોકોની કમી નથી. પરિણામે ગંભીર બિમારી ધરાવતી અને ૧૯૯૩થી ૭ વર્ષની ઊંમર ધરાવતી છોકરી એમી બુ્રસની સારવારના બહાને આર્થિક મદદ ઉઘરાવતા મેઇલ આવી પડે છે. ‘આપણું શું જાય છે?’ પ્રકારનો વર્ગ તેમાં ભોળવાતો નથી. છતાં જેટલા વર્ષોથી એ છેતરપીંડી ચાલે છે, એ જોતાં તેમાં સફળતાનું સારૂં એવું પ્રમાણ હશે એવી અટકળ ચોક્કસ કરી શકાય.

જરા જુદા પ્રકારના મેઇલ ‘મેરા ભારત મહાન’ કે ‘મેરા ગુજરાત મહાન’ પ્રકારના હોય છે. પહેલી નજરે આંકડાથી અને નક્કર માહિતીથી લદાયેલા જણાતા એ મેઇલની માહિતી માનવી ગમે એવી હોય છે, પણ માનવાજોગ હોતી નથી. એ પ્રકારના મેઇલમાં કરાતા ઘણાખરા દાવા સચ્ચાઇની કસોટી પર પુરવાર થતા નથી.

ઇન્ટરનેટ પર સાચી ન લાગે એવી કે શંકા ઉપજાવે એવી કોઇ પણ માહિતી વાંચવા મળે, તો ‘ગૂગલ’ જેવા સર્ચ એન્જિનમાં જઇને સંબંધિત વિષય લખીને, તેની સાથે skeptcis (સંશય કરનાર), other side(બીજી બાજુ), fraud (છેતરપીંડી) કે hoax(છેતરપીંડી) જેવા શબ્દો લખીને સર્ચ કરવાથી, આ વિષયની પોલ ખુલ્લી પાડતી વિગતો પણ મળી શકે છે.

- અને હેં હેં હેં, એમાં આપણને કશું નુકસાન નથી!

Saturday, August 01, 2009

સાહિત્ય પરિષદના નવા પ્રમુખઃ ભગવતીકુમાર શર્મા

આજે પ્રગટ થયેલા સમાચાર મુજબ વયોવૃદ્ધ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ભગવતીકુમારની સાહિત્યિક પ્રતિભા કોઇના પ્રમાણપત્રની મોહતાજ નથી. ગદ્ય અને પદ્ય બન્ને ક્ષેત્રોમાં તેમનું પ્રદાન બહોળું અને ઉત્કૃષ્ટ છે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ એ નામથી પ્રગટ થયેલી તેમની આત્મકથા ઢળતી વયે પણ તેમનામાં રહેલી સર્જકતા અને ગદ્ય પરની તેમની પકડનો ખ્યાલ આપે છે.

પરંતુ ઘણાં વર્ષોથી ભગવતીભાઇની તબિયત નાદુરસ્ત રહે છે. તેમને આંખોની ઘણી તકલીફ છે. સ્વતંત્ર હરીફરી શકવાનું શક્ય નથી. આવી તબિયત ધરાવતા સાહિત્યકાર માટે સાહિત્યિક જગત પાસે પરિષદના પ્રમુખપદ સિવાયનું કોઇ સન્માન નહીં હોય? અને ભગવતીભાઇ વિશે જરાસરખો પણ દુર્ભાવ રાખ્યા વિના કહેવાની-પૂછવાની વાત એ છે કે સાહિત્ય પરિષદનું પ્રમુખપદ એ કેવળ શોભા પૂરતું છે, જેમાં સન્માનીત થયા પછી વ્યક્તિને બીજું કંઇ કરવાનું ન હોય?

અગાઉ નારાયણભાઇ દેસાઇ બહુ મોટી આશા-આકાંક્ષા સાથે પરિષદના પ્રમુખપદે આવ્યા હતા, પણ તેમને સમજાઇ ગયું હતું કે ગમે તેટલા ઉત્સાહથી આરૂઢ થયા પછી, પરિષદની પરંપરામાં રૂઢ થયા સિવાય છૂટકો રહેતો નથી. બંધારણીય માળખું જ એવું છે કે પરિષદપ્રમુખ સ્વતંત્રપણે, કેવળ પોતાની મરજીથી ભાગ્યે જ કંઇ કરી શકે. એટલે ‘આ માળખામાં કંઇ થઇ શકે એમ નથી’ (વાંચોઃ ‘કંઇ સુધરી શકે એમ નથી’) એવી હતાશા પરિષદપ્રમુખોને આવતી જોવા મળી છે. નારાયણભાઇએ પરિષદના બંધારણમાં સુધારો કરવાના પ્રયાસ કર્યા હતા. પોતાના કાર્યકાળમાં એક મુદતનો વધારો પણ તે ઇચ્છતા હોવાનું જાણવા મળ્યું હતું. પણ એ શક્ય બન્યું નથી. પરિષદપ્રમુખના પદ સાથે સંકળાયેલા વિવાદ વિશે એક વાર મેં કહ્યું હતું, ‘પરિષદપ્રમુખો માને છે કે તે અમેરિકાના ‘રાષ્ટ્રપ્રમુખ’ છે. હકીકતમાં તે ભારતના ‘રાષ્ટ્રપતિ’ હોય છે.’

ભગવતીભાઇ જેવા, સાહિત્યિક રીતે સંપૂર્ણપણે લાયક, પરંતુ આજાર, નાદુરસ્ત તબિયતવાળા, બીમારીને કારણે લગભગ પરાવલંબી બની ચૂકેલા સાહિત્યકારને પરિષદના પ્રમુખપદે બેસાડીને પરિષદે વઘુ એક વાર સિદ્ધ કરી આપ્યું છે કે પરિષદપ્રમુખો વિશેની મારી સમજણ સાચી છે. ભગવતીભાઇના કિસ્સા પછી, મારી સરખામણીને વઘુ ચોક્કસ બનાવવા માટે ‘રાષ્ટ્રપતિ’ને બદલે ‘રાજ્યપાલ’નો હોદ્દો પણ મૂકી શકાય. આ સ્થિતિમાં ભગવતીભાઇને અભિનંદન પણ કેવી રીતે આપવાં? ભગવતીભાઇને આ સન્માન લાગતું હોય તો તેમના પ્રત્યે આપણી સહાનુભૂતિ.