Monday, March 16, 2009

વાચન-પ્રસાર 2008 : વાચનરસિયા માટે ખાસ ખબર

ગુજરાતી પ્રકાશનોમાં વાચનસૂચિ (કેટલોગ)નો ખાસ મહિમા નથી. મોટા ભાગની પ્રકાશકસંસ્થાઓ ફક્ત વ્યાવસાયિક હેતુસર સૂચિઓ બહાર પાડે છે. તેમાં સૌંદર્યદૃષ્ટિ કે વાચકાભિમુખતા (રીડર-ફ્રેન્ડ્લીનેસ) ભાગ્યે જ જોવા મળે. તેની સરખામણીમાં જયંત મેઘાણી (‘પ્રસાર’, ભાવનગર) દ્વારા તૈયાર કરવામાં આવેલી પુસ્તિકા ‘વાચન 2008- વરસનાં ચૂંટેલાં ગુજરાતી પુસ્તકો’ ફક્ત પુસ્તકોનું ભાવપત્રક ન બનતાં, દૃષ્ટિવંત વાચનસામગ્રી જેવી બની છે. સૂચિના મુખપૃષ્ઠ અને છેલ્લા ટાઇટલ પર બેકડ્રોપ તરીકે વાર્તાકાર સ્વ.જનક ત્રિવેદીના મરોડદાર હસ્તાક્ષર અને તેમણે કરેલું ચિત્રાંકન વાપરવાનો પ્રયોગ પણ વિશિષ્ટ છે.

64 પાનાંની આ પુસ્તિકામાં સાદું છતાં સૌંદર્યપૂર્ણ મુખપૃષ્ઠ, અનુક્રમ, પુસ્તક વિશેનાં અવતરણ, કેટલાંક ચુનંદાં લખાણ, 2008માં પ્રકાશિત થયેલાં વિવિધ પ્રકારનાં પુસ્તકોની એકાદ-બે લીટીમાં પરિચય સાથે વિગતો આપવામાં આવી છે. પુસ્તિકાના બીજા હિસ્સામાં બીજી સંસ્થાઓનાં પુસ્તકોની યાદી આપવામાં આવી છે. એ યાદી વાંચીને પુસ્તકમેળામાં ફરવાના જૂના દિવસો યાદ આવી ગયા. પુસ્તકમેળામાં ફરવાનું હજુ પણ થાય છે. છતાં ઓછી કિંમતનાં જૂનાં પુસ્તકો મળતાં બંધ થઇ ગયાં છે. (જૂનાં પુસ્તકો પર પ્રકાશકો નવા ભાવની ચબરખી લગાડી દે છે.) આ પુસ્તિકામાં ઘણી સંસ્થાઓનાં પુસ્તકોની જૂની આવૃત્તિ મૂળ કિંમતે ઉપલબ્ધ જોઇને આનંદ થયો- અને વધુ આનંદ એ વાતે થયો કે જયંતભાઇએ પણ આ બાબતની ખાસ નોંધ લીધી છે. એવાં કેટલાંક પુસ્તકો

રાસમાળા (ભાગ 2) – અલેક્ઝાંડર કિ. ફાર્બસ, અનુવાદઃ રણછોડભાઇ ઉદયરામ- કિંમત રૂ. 50
(ફાર્બસ ગુજરાતી સભા, શ્રી કીર્તન કેન્દ્ર, ઉત્પલ સંઘવી સ્કૂલ સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, મુંબઇ 400049)

નરસિંહરાવની રોજનીશી- નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા- કિંમત રૂ. 18
કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તક-સંગ્રહની સૂચિ
- હીરાલાલ પારેખ- કિંમત રૂ. 5
(ગુજરાત વિદ્યાસભા, પ્રેમાભાઇ હોલ, ભદ્ર, અમદાવાદ-380001)

પુરાતત્ત્વ અને રામાયણ – હસમુખ સાંકળિયા – કિંમત રૂ. 14
યુગાનુસાર અમદાવાદ (અમદાવાદનો ટૂંકો ઇતિહાસ)
– રમણલાલ મહેતા, રસેશ જમીનદાર – કિંમત રૂ. 20
(ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ માર્ગ, અમદાવાદ, 380014)

પુસ્તકોની યાદી ઉપરાંત નિરંજન ભગત અને દીપક મહેતાના લેખો, ઝવેરચંદ મેઘાણી સહિત બીજા લેખકોના ગદ્યાંશ, અવતરણોથી સમૃદ્ધ આ પુસ્તિકા મેળવવા ઇચ્છતા મિત્રો જયંતભાઇનો સંપર્ક કરી શકે છે. આ સૂચિ ઇ-મેઇલથી પણ ઉપલબ્ધ છે.


પ્રસાર
સંચાલન – નીરજ મેઘાણી, જયંત મેઘાણી
1888, આતાભાઇ એવન્યૂ, ભાવનગર 364002
ફોન – 91-278-2568452
ઇ-મેઇલ – prasarak@dataone.in

તા.ક. જયંતભાઇની સૂચિએ ઉશ્કેર્યા પછી આજે જ પ્રેમાભાઇ હોલમાં આવેલી વિદ્યાસભાની ઓફિસે ગયો. તેની મુલાકાત વિશે અને ત્યાં થયેલા સુખદ અનુભવ વિશે અલગ પોસ્ટ લખીશ. પણ રસિકોને જણાવવાનું કે સ્થળસંકોચને કારણે ‘પ્રસાર’ની સૂચિમાં સ્થાન ન પામ્યાં હોય એવાં ઘણાં જૂનાં પુસ્તકો જૂના ભાવે તમારી રાહ જુએ છે. કેટલાક પુસ્તકોના ભાવ સૂચિમાં જણાવ્યા કરતાં થોડા સુધારેલા છે, પણ એ ફરક પાંચ-પચીસનો છે, સો-બસોનો નહીં. (મારાં ખરીદેલાં પુસ્તકો બંધાઇ ગયાં હોવાથી અને બિલમાં પુસ્તકોની કિંમત સિવાયની બીજી વિગત નહીં હોવાથી એ યાદી ફરી ક્યારેક :-)

Saturday, March 14, 2009

તાળાબંધ પરબ, સંકુચિત શબ્દસૃષ્ટિ



૧૫થી વઘુ ઉત્તમ અનુવાદો અને ૩ ઉત્તમ સંપાદન આપનાર વિનોદ મેઘાણીનું ગયા મહિને અવસાન થયું. તેમના મૃત્યુની નોંધ સાહિત્ય પરત્વે બુઠ્ઠાં ગણાતાં ગુજરાતી અખબારો ઉપરાંત ટાઇમ્સ-એક્સપ્રેસ જેવાં અંગ્રેજી અખબારોમાં પણ સારી રીતે આવી.
-પણ ગુજરાતની સાહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના તાજા અંકમાં વિનોદ મેઘાણીના અવસાનના સમાચારનો ઉલ્લેખ સુદ્ધાં નથી. ખરેખર તો એમના વિશે એક ધોરણસરની શ્રદ્ધાંજલિની અપેક્ષા હોય.
પરિષદમાં વહાલાંદવલાંની નીતિ રાખવામાં આવે છે, એ જાણીતી વાત છે. પણ મૃત્યુ પછી છેલ્લી અંજલિ સુધી એ (અ)નીતિના પડછાયા લંબાય, એ પહેલી વારનું ન હોવા છતાં આઘાતજનક છે. આ જ પરિષદવાળા સાહિત્યપ્રસારની વાત આવે ત્યારે છાપાંને ગાળો દેતાં થાકતા નથી, પણ મામુલી પહોંચ અને એનાથી મામુલી પ્રભાવ ધરાવતા ‘પરબ’માં આવા ધંધા ચાલી શકતા હોય તો, લાખો નકલ ધરાવતાં છાપાંના તંત્રી કે માલિક તરીકે આ સાહિત્યિક રાજકારણીઓ શું ન કરે? અને કોને કોને સારા ન કહેવડાવે?
વિનોદ મેઘાણીના મૃત્યુના ખાસ્સા વીસેક દિવસ પછી આવેલા ‘પરબ’માં મેઘાણીના મૃત્યુના સમાચાર કેમ નથી? એવો સવાલ ‘પરબ’ના તંત્રી તરીકે જેમનું નામ છપાય છે એ (વાર્તાકાર) યોગેશ જોષીને પૂછ્યો, ત્યારે યોગેશભાઇએ કહ્યું,‘આ સમાચાર તો પરિષદવૃત્તમાં આવે, ને પરિષદવૃત્ત હું જોતો નથી. એ પરિષદના વહીવટદારો (શબ્દફેર હોઇ શકે છે) તૈયાર કરીને આપે છે. તેમાં હું ફેરફાર પણ કરતો નથી. અગાઉ એક-બે વાર નાના ફેરફાર કર્યા ત્યારે મોટી માથાકૂટ થઇ હતી. ત્યારથી મેં ફેરફાર કરવાનું બંધ કરી દીઘું છે. હું એમની (પરિષદના વહીવટદારોની) સાથે વાત કરી જોઇશ. (કદાચ) આવતા અંકમાં સમાચાર આવે.’
યોગેશભાઇની વાતનો સ્પષ્ટ ઘ્વનિ હતો કે પરિષદવૃત્ત જેવા ‘ફાસફૂસ’ લાગતા સમાચારોમાં પણ કયાં નામો આવવાં જોઇએ અને કયાં નામોને પરબવટો-પરિષદવટો મળવો જોઇએ, તેનું ચુસ્તીપૂર્વક ઘ્યાન રાખવામાં આવે છે.
ગુણવત્તામાં ‘પરબ’ કરતા ચડિયાતા ‘શબ્દસૃષ્ટિ’માં વિનોદ મેઘાણીના મૃત્યુુના સમાચારને ગણીને સાડા ચાર લીટીમાં સુવડાવી દેવામાં આવ્યા છે. બાકીના ઇધરઉધરના સમાચારને તેનાથી વધારે મહત્ત્વ અપાયું છે. વિનોદભાઇની મુખ્ય ઓળખ ‘મેઘાણી સાહિત્યના અનુવાદક’ તરીકે આપવામાં પણ એક પ્રકારનો છૂપો અવિવેક અથવા અવગણના વ્યક્ત થાય છે.
પરિષદ-અકાદમીની મેલી મથરાવટીની વિનોદભાઇને જીવનકાળ દરમિયાન પણ નવાઇ ન હતી. એટલે, ૧૪-૩-૦૯ની સાંજે વલસાડમાં વિનોદભાઇના સ્નેહી ઉદ્યોગપતિ રાજેન્દ્ર આચાર્ય તરફથી એક ગુણાનુવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, ત્યારે તેના નિમંત્રણમાં ઘણું કહી દેવાયું હતું.
પરબ-શબ્દસૃષ્ટિના અંક તૈયાર થતા હશે, એ વખતે છપાયેલા ગુણાનુવાદ કાર્યક્રમના નિમંત્રણમાં ‘વાત એક અનસન્ગ હીરોની’ શીર્ષક હેઠળ મુકાયેલા લખાણનો એક અંશઃ
‘બધાં ક્ષેત્રોની માફક સરસ્વતીના ખોળામાં રમતા લોકો પણ ગમતાનો કરીએ ગુલાલ અને અણગમતાને કરીએ...(મકરન્દભાઇની આદરપૂર્વક ક્ષમાયાચના સાથે)વાળી રમતો રમે, તો જ એક સક્ષમ અનુસર્જકને પરિષદો, અકાદમીઓ ભૂલી શકે. ચાલો, આપણે તેમને સારો રસ્તો બતાવીએ. ભવિષ્યમાં કોઇને અન્યાય ન થાય તે માટે આવા સર્જકની, ખાસ તો વિદાય પછી, અનુસર્જન પ્રક્રિયાની કામગીરી ઝીણવટથી અવલોકીએ.’
કાર્યક્રમના આવકાર-પત્રમાં વિનોદભાઇના અનુસર્જનો-સંપાદનોની સંપૂર્ણ યાદી સાથે એમ પણ જણાવાયુ હતું કે ‘માત્ર એસ.એસ.સી. હોવા છતાં તેમનાં કેટલાંક અંગ્રેજી અનુસર્જનો (ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા સર્જકતાસભર અનુવાદ) મહાવિદ્યાલયોમાં ભણાવાય છે. અર્થાત્ બીજાં રાજ્યોએ એમની પ્રતિભાની નોંધ લીધી છે.’
વિનોદભાઇની પ્રતિભાની નોંધ ગુજરાતી સાહિત્ય પરિષદ અને અકાદમીએ પણ પોતાની રીતે લીધી જ છે. એવું ન હોત તો આવું છીછરૂં વર્તન શા માટે કરવું પડ્યું હોત?
(વિનોદભાઇ સાથે ગાઢ અંગત પરિચય ધરાવતા અને ગુણાનુવાદ કાર્યક્રમના એક વક્તા-મિત્ર સંજય ભાવેએ પરબ-શબ્દસૃષ્ટિના નવા અંકો તરફ ઘ્યાન દોર્યું હતું. સંજયભાઇ વલસાડથી પાછા આવે ત્યાર પછી ગુણાનુવાદ કાર્યક્રમનો અહેવાલ પણ અહીં મુકવા ધારૂં છું. )

Tuesday, March 10, 2009

ઓસ્કર એવોર્ડ, રહેમાન અને ભારતીય સંગીતકારો


(ગયા મંગળવારના ‘દૃષ્ટિકોણ’માં રહેમાન વિશે લખેલો આ પીસ અહીં બે ‘વિન્ટેજ’ વિઝ્યુઅલ સાથે મૂકું છું. ‘રોજા’ આવ્યું તે અરસામાં સમસ્ત પ્રસાર માઘ્યમોમાં રહેમાનની આ એક જ તસવીર જોવા મળતી હતી. ફિલ્મસંગીતના પંડિત અને ચાળીસી-પચાસીના સંગીતમાં અમારા ગુરૂ મુંબઇના નલિન શાહ એ અરસામાં મદ્રાસ ગયા હતા. ઇલિયા રાજાએ પોતાના સ્ટુડિયો પર તેમને મળવા પંદર મિનીટ આપી હતી અને પછી પાંચેક કલાકે નલિનભાઇને ફરજિયાત ઊભા થવું પડ્યું, કારણ કે સાંજે રહેમાનને મળવાનું ગોઠવાયેલું હતું. રહેમાન પ્રત્યેનો અમારો ભાવ જાણતા નલિનભાઇ ભેટ તરીકે રહેમાનના ઓટોગ્રાફવાળી આ તસવીર લઇ આવ્યા હતા. ૧૯૯૩ની આસપાસની એ તસવીરની -અને રહેમાનની- ‘બન્ને બાજુઓ’ અહીં મુકી છે!- ઉર્વીશ)
***
બબ્બે ઓસ્કર એવોર્ડ મેળવનાર એ.આર.રહેમાન વિશે ‘જય હો’ સિવાયની કોઇ પણ ચર્ચા જોખમી છે. ‘તમને શું ખબર પડે?’થી ‘ખબરદાર, જો રહેમાનનું નામ લીઘું છે તો...’ સુધીના પ્રતિભાવો તેમાં મળે. છતાં, પ્રમાણભાન લાગણીનાં પૂરમાં તણાઇ જતું લાગે, ત્યારે ફિલ્મસંગીતના પ્રેમી અને તેના ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આ ચર્ચા જરૂરી લાગે છે.
રહેમાનઃ અસલી ‘સ્લમડોગ મિલિયોનર’
હવે બધા જાણે છે કે રહેમાનનું બાળપણ અભાવમાં વીત્યું હતું. નવ વર્ષની ઊંમરે પિતાનું મૃત્યુ થતાં રહેમાનને કામે લાગી જવું પડ્યું, તેનો અફસોસ રહેમાનનાં પ્રેરણામૂર્તિ-માતા કરીમાબેગમને આજે પણ છે. ૨૫ વર્ષની ઊંમરે ‘રોજા’ (૧૯૯૨)ના સંગીતથી રહેમાનનું નામ મુંબઇ-મદ્રાસમાં છવાઇ ગયું. ત્યાર પછીનાં ૧૫ વર્ષમાં રહેમાને ૧૦૦થી પણ વઘુ હિંદી, તમિળ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

ફિલ્મો ઉપરાંત ‘બોમ્બે ડ્રીમ્સ’ જેવાં નાટક હોય કે માઇકલ જેક્સન જેવા સુપરસ્ટાર સાથેના પ્રોગ્રામ, ‘જન ગણ મન’- ‘વંદે માતરમ્’ જેવી મ્યુઝિક વીડીયો હોય કે ઓર્કેસ્ટ્રાના પીસ, રહેમાને દરેક ક્ષેત્રમાં પોતાનો સિક્કો જમાવ્યો છે. રહેમાનના સંગીતમાં પ્રયોગોનો અને વૈવિઘ્યનો પાર નથી. જન્મજાત આંતરસૂઝ, અનુભવ અને મહેનતથી સિદ્ધ કરેલી આવડતનો ભાગ્યે જ જોવા મળતો સમન્વય તેમના સંગીતમાં છે. આ ખૂબીઓને કારણે વર્તમાન સમયમાં રહેમાન યોગ્ય રીતે જ ટોચનું સ્થાન ધરાવે છે.

સાવ નાની વયે ટોચે પહોંચ્યા પછી પણ સફળતા તેના દિમાગ પર ચડી ગઇ નથી. અંગત જીવનમાં તે સંપૂર્ણપણે આઘ્યાત્મિક છે. માતા અને ગુરૂ રહેમાનના જીવનમાં કેન્દ્રસ્થાને છે. રહેમાનના એક નિકટ પરિચિતે થોડા સમય પહેલાં ‘તહલકા’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ગમે તેવો મોટો ઇન્ટરનેશનલ એવોર્ડ સમારંભ હોય, પણ રહેમાનનાં માતાજી કહે કે તારે અમુકતમુક જગ્યાએ દરગાહ પર જવાનું છે’ તો રહેમાન જરાય આનાકાની કે કચવાટ વિના સમારંભ છોડીને દરગાહ પર જાય.’

પ્રચંડ સફળતા પછી પણ સાદગી અને સરળતા જાળવી રાખનાર રહેમાન યોગ્ય રીતે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર અને બહાર આદરનું પાત્ર બન્યા છે. આ થયું રહેમાનનું વર્તમાન સમયના સંદર્ભે મૂલ્યાંકન, જેને ઘણા લોકો કાયમી અથવા ઐતિહાસિક મૂલ્યાંકન ગણી લેવા લલચાય છે.

‘આલમઆરા’ (૧૯૩૧)થી શરૂ થયેલા ફિલ્મસંગીતના સાડા સાત દાયકાના ઇતિહાસમાં રહેમાનનું સ્થાન નક્કી કરવા માટે વર્તમાન સંદર્ભ પૂરતો નથી. કારણ કે તે ઘણી હદે આક્રમક પ્રચાર અને જડબેસલાક માર્કેટિંગથી ગ્રસ્ત હોય છે. નજીકનો ભૂતકાળ મહત્ત્વનો લાગે અને નજીકના ભૂતકાળની સિદ્ધિ હોય એના કરતાં વધારે મોટી લાગે, એ સાધારણ નિયમ છે. રહેમાનને મળેલા બે ઓસ્કર એવોર્ડ વ્યાવસાયિક રીતે સર્વકાલીન મહત્ત્વ ધરાવતી અભૂતપૂર્વ સિદ્ધિ છે, પણ વાત સફળતા અને સિદ્ધિને બદલે ગુણવત્તા અને મહાનતાની નીકળે, ત્યારે મામલો એટલો સીધોસાદો રહેતો નથી. બીજાં અનેક પરિબળો લક્ષ્યમાં લેવાનાં થાય છે.

ફિલ્મસંગીતઃ રહેમાન અને બીજા
રહેમાન વિશે વાત થતી હોય ત્યારે ફિલ્મસંગીતકારોના બે ભાગ પડી જાય છેઃ રહેમાન અને બીજા. (રહેમાનનો આવો કોઇ દાવો નથી, પણ માર્કેટિંગ અને લાગણીના ઉભરાથી આ સ્થિતિ સર્જાઇ છે.) આ વિભાજન છેલ્લાં દસ-પંદર વર્ષમાં આવેલા સંગીતકારો માટે સાચું હશે, પણ ફિલ્મસંગીતના ઇતિહાસમાં રહેમાનની સાથે અથવા તેમની આગળ લેવાં પડે એવાં ઘણાં નામ છે.

૨૫ વર્ષની ઊંમરે રહેમાનની પ્રચંડ સફળતાને બિરદાવતી વખતે એ પણ યાદ રાખવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ જેવા અનેક દિગ્ગજ સંગીતકારોએ તેમની સંગીત કારકિર્દીનો આરંભ ૨૫ વર્ષથી પણ ઓછી વયે કરી દીધો હતો. રહેમાનને વેઠવી પડી એવી અથવા એનાથી પણ વધારે પ્રતિકૂળતાઓ વેઠીને આ લોકોએ ફિલ્મસંગીતમાં પોતાનું સ્થાન ઊભું કર્યું.

જૂના અને નવા સંગીતકારો વચ્ચે સીધી સરખામણી કરવા જતાં એ સમયે ફિલ્મના માઘ્યમની પ્રાથમિક અવસ્થાથી માંડીને ‘સિચ્યુએશનની ડીમાન્ડ’ જેવાં ઘણાં પરિબળ ઘ્યાનમાં લેવાં પડે. ઉપરાંત, એ પણ યાદ રાખવું પડે કે ફિલ્મસંગીત ઘણી હદે જમાનાની તાસીર સાથે પણ સંબંધ ધરાવે છે. અફર અને અચળ ચીજ હોય તો એ છે મઘુરતા. તેને શબ્દોમાં વ્યાખ્યાયિત કરવી અઘરી છે, પણ ‘દિલ હૈ છોટા સા, છોટી સી આશા’ સાંભળીને એવું કહી શકાય કે ‘એ મઘુર નથી?’ એ ગીત જૂનું કે નવું નથી- મઘુર છે. તેને સાંભળતી વખતે સમયનો સંદર્ભ ન લઇએ તો પણ ચાલે. એ મઘુર છે અને પચાસ વર્ષ પછી પણ મઘુર રહેવાનું છે.

મહત્ત્વનો સવાલ એ છે કે રહેમાનની સોથી પણ વઘુ ફિલ્મોમાં આવાં નિર્વિવાદ મઘુર ગીતો કેટલાં? અને ફિલ્મ રિલીઝ થાય ત્યારે બહુ ચગ્યા પછી એકાદ-બે વર્ષમાં ભૂલાઇ ગયાં હોય અને તેમનું સ્થાન ચલણમાં નવાં આવેલાં ગીતોએ લઇ લીઘું હોય, એવાં ગીતો કેટલાં? વ્યાપક અને સાચી છાપ એવી પણ છે કે રહેમાનનાં ગીતોમાં ગીતની મેલડી (મઘુરતા) કરતાં રીધમ (તાલ)નો હિસ્સો મોટે ભાગે છવાયેલો રહે છે. થોડાં વર્ષ પહેલાં સહજ વાતચીતમાં રહેમાનનો ઉલ્લેખ નીકળતાં એક સંગીતકારે કોઇ પણ દુર્ભાવ વિના માર્મિક ટીપ્પણી કરી હતી કે ‘રહેમાનને મેલડીની ગિફ્ટ નથી.’

‘આ બધી ટેકનિકલ ચર્ચાનો શો મતલબ? રીધમ હોય કે મેલડી, ગીત સરસ હોય એટલું પૂરતું નથી?’ એવી લાગણી આ તબક્કે થઇ શકે છે. પણ વાત એક સંગીતકારની હોય ત્યારે સૂર અને તાલની વાત અલગથી કરવી પડે- અને એ વાત શાસ્ત્રીય સંગીતની ફૂટપટ્ટીથી નહીં, સામાન્ય ભાવકની સમજણતી પણ શક્ય છે. જેમ કે, અવનવા તાલ અને અનેકવિધ પ્રકારના સંગીતના ટુકડા વિના, માત્ર ને માત્ર મઘુર ઘૂનની વાત કરીએ તો રહેમાનનું ‘તુ હી રે’ યાદ આવે, પણ ત્યાર પછી રહેમાને બનાવેલાં આ પ્રકારનાં કેટલાંક ગીતોમાં કોઇ ને કોઇ રીતે ‘તુ હી રે’ના છાયા સંભળાતી રહે છે.

રહેમાનનું સંગીત નવા જમાનાનું છે અને નવા જમાના પ્રમાણે મઘુર છે એવું કહી શકાય. સાથોસાથ એમ પણ કહેવું પડે કે નૌશાદ-અનિલ બિશ્વાસ-શંકર જયકિશન-ઓ.પી.નૈયર-સી.રામચંદ્ર-સલિલ ચૌધરી જેવા ઘણા સંગીતકારોનું સંગીત તેમના સમયે ‘નવા’ જમાનાનું હોવા છતાં, તે અત્યારે પણ તાજગી અને મઘુરતાની રીતે જૂનું થયું નથી. તેમનાં ઘણાં ગીતો સર્વકાલીન અને ચિરંજીવ મહત્ત્વ ધરાવે છે.

લોકોને પચે એવી પ્રયોગશીલતાના માપદંડથી વાત કરવી હોય તો પંકજ મલ્લિક અને આર.સી.બોરાલ જેવા મહાનુભાવોથી માંડીને પ્રમાણમાં ‘નવા’ કહેવાય એવા આર.ડી.બર્મન સુધી લાઇન લંબાય. જૂના સમયના સંગીતકારો પાસે ટેકનિકલ સુવિધાઓનો કારમો અભાવ હોવા છતાં, તે પ્રચંડ સર્જકતાના જોરે પોતાના જમાનાનું અને તેનાથી આગળ કહેવાય એવું પણ સંગીત આપી શક્યા.

કેટલાક રહેમાન-ચાહકોનો એવો પણ દાવો છે કે અત્યાર સુધીના બધા સંગીતકારો કાં હિંદી ફિલ્મોમાં કાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં હિટ જતા હતા. ભારતના બન્ને હિસ્સામાં સફળ થનાર રહેમાન પહેલા સંગીતકાર છે. આ દાવાને સંગીતની ગુણવત્તા સાથે બહુ ઓછી લેવાદેવા છે - અને દાવો સાચો પણ નથી. દક્ષિણ અને ઉત્તર ભારત વચ્ચે, મંુબઇ અને મદ્રાસમાં એકસરખી સફળતા મેળવનારા સંગીતકારોમાં સલિલ ચૌધરીનું નામ સૌથી જાણીતું ગણી શકાય.

સર્જકતા સાથે સંબંધ ધરાવતા કોઇ પણ ક્ષેત્રમાં મહાનતા નક્કી કરવાની થાય, ત્યારે કલાકારના ઉત્તમ કામની સાથોસાથ તેના નબળા કામને લક્ષ્યમાં લઇને સરવૈયું નીકળવું જોઇએ. એ માટે કોઇ ગાણિતીક સમીકરણ નથી, પણ ચાર-પાંચ દાયકાની કારકિર્દીમાં માંડ ૭૦-૮૦ ફિલ્મોમાંથી મોટા ભાગની ફિલ્મોનાં ઘણાંખરાં ગીતો યાદગાર બનાવનાર નૌશાદ જેવા સંગીતકાર હોય કે શંકર-જયકિશન જેવા ‘ફેક્ટરી’ની જેમ સંગીતનું ઉત્પાદન કરતાં છતાં મઘુરતા જાળવી રાખતા સંગીતકારો હોય, તેમની સરખામણીમાં રહેમાન ક્યાં ઊભા છે, એ પણ વિચારવું જોઇએ. તેના માટેનો સાદો સવાલઃ રહેમાનનું સંગીત ધરાવતી કેટલી ફિલ્મો અને તેમનાં કેટલાં ગીતો કદી હતાં જ નહીં એવી રીતે ભૂલાઇ ગયાં?

રહેમાનની અન્ય એક મર્યાદા તે પ્રાદેશિક સંગીત. ‘બોમ્બે’ ફિલ્મમાં અચાનક રામદેવ પીરનો હેલો ટપકી પડે, ત્યારે સમજણ જ ન પડે કે તે શા માટે અહીં મુકવામાં આવ્યો છે! બસ, રહેમાનને ‘મ્યુઝિકલ એલીમેન્ટ’ તરીકે ગમી જાય એટલે થયું! ‘ગુરૂ’ કે ‘લગાન’ જેવી ફિલ્મોમાં રહેમાને આપેલા સંગીતમાં ગુજરાતી સંસ્પર્શ/ટચ અનુભવાય છે?

એ વખતે રહેમાનની સરખામણી અનાયાસે વનરાજ ભાટિયા જેવા સંગીતકાર સાથે થઇ જાય. તે જે વિષયની, જે સમયગાળાની ફિલ્મમાં સંગીત આપે, તેમાં સ્થાનિકતાની સુગંધ આવે. ‘મંથન’નું ગીત ‘મેરો ગામ કાંઠા પારે’ ગરબાના તાલ ધરાવતું નથી, છતાં વાદ્યોના ઉપયોગથી એ ગીતનું ગુજરાતીપણું દિલમાં ઉતરી જાય એવું બન્યું છે. એવા ઘણા દાખલા આપી શકાય.

વનરાજ ભાટિયાને રહેમાન સંદર્ભે યાદ કરવાનું બીજું કારણ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક. વનરાજ ભાટિયા, સલિલ ચૌધરી, નૌશાદ કે પંકજ મલિક જેવા સંગીતકારો ફક્ત ગીતોના જ નહીં, બેકગ્રાઉન્ડ મ્યુઝિકના પણ ખાં ગણાયા છે.

‘આ બધા સાથે રહેમાનની સરખામણી કરવાનો શો અર્થ?’ એવું લાગે છે?
- તો એ જ મુદ્દો છે. રહેમાનની લીટી મોટી કરવા માટે તેના પૂર્વસૂરિઓની લીટી નાની કરવાની જરૂર નથી. એ કરવું હોય તો બન્ને વચ્ચેની સરખામણી આવશ્યક બને છે અને તેમાં રહેમાનનું નં.૧ તરીકેનું અત્યારનું સ્થાન ડગમગી જાય એમ છે. હિંદી અને ભારતીય ફિલ્મસંગીતની લાંબી પરંપરાનાં શીર્ષસ્થ નામોમાં રહેમાન અધિકારપૂર્વક સ્થાન ધરાવે છે, એટલું કહેવું પૂરતું નથી?

Monday, March 09, 2009

નેટે ઝૂલે છે તલવાર, મેઘાણી કેરી...


પોતાના પિતા/દાદાના સાહિત્યમાં રસ લેનારાં કુટુંબીજનો બહુ ઓછાં જોવા મળે છે. એવા અપવાદોમાં સૌથી ઓછો જાણીતો દાખલો જ્યોતીન્દ્ર દવેના પરિવારનો (પ્રદીપ-રાગિણી દવેનો) છે, તો સૌથી જાણીતું ઉદાહરણ મેઘાણી પરિવારનું છે.

ઝવેરચંદ મેઘાણીનાં આ હાલતાંચાલતાં સર્જનોમાંથી ઘણાના ખંતના પ્રતાપે મેઘાણીનું સાહિત્ય અને તેમના જીવનની ઘણી વાતો મેઘાણીની વિદાયના છ દાયકા પછી પણ ‘દુર્લભ’ને બદલે સુલભ રહી છે. જમાના પ્રમાણે તાલ મિલાવવાની પરંપરા પ્રમાણે, મેઘાણી પરિવારમાંથી ઝવેરચંદના પુત્ર નાનક મેઘાણી અને નાનકભાઇના પુત્ર પિનાકી મેઘાણીએ મેઘાણીના જીવનકાર્યને આવરી લેતી એક વેબસાઇટ તૈયાર કરી છે. આ સાઇટ પર મેઘાણી વિશેની ઘણી દુર્લભ સામગ્રી, તસવીરો, મેઘાણીનો અવાજ, તેમના પુસ્તકોનાં ટાઇટલ, હસ્તાક્ષર મુકવામાં આવ્યાં છે.

ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ ધરાવતા સૌએ નિરાંતે જોવા જેવી સાઇટ બનાવવા બદલ નાનકભાઇ અને પિનાકીભાઇને અભિનંદન.

તા.ક.- ભૂલતો ન હોઊં તો હોમ પેજ પર મુકાયેલી ઝવેરચંદ મેઘાણીની અદભૂત તસવીર જગનદાદા (જગન મહેતા) એ લીધેલી છે.

શબ્દાર્થપ્રકાશ # 10

ઉકેલમાસ્તરીઃ યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના ગમે તે રીતે તોડ કાઢવો
-ઉકેલમાસ્તરઃ ઉકેલમાસ્તરીથી તોડ કાઢનાર
વાહ. આનું નામ ઉકેલમાસ્તરી...(7 માર્ચ, 2009, દિ.ભા.)
મીડિયામારીઃ મીડિયાનું આક્રમણ (‘મગજમારી’ની તરાહ પર)
...કોઇ દબાણે- કહો કે મીડિયામારીએ- અસર પાડી હશે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
વૃંદવાદનઃ ‘કોરસ’, સમુહગાન, સાગમટે મચી પડવું
...માધ્યમોનો એક વર્ગ લગભગ વૃંદવાદન પેઠે મચી પડ્યો હતો કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચિયરાંગનાઃ (20-20 ક્રિકેટની) ચીયર ગર્લ્સ
...એમાં વખત છે ને પેલી ચિયરાંગનાઓ પણ હશે સ્તો... (7 માર્ચ, 2009, દિ.ભા.)
સ્વભાગ્યનિર્ણયઃ પોતાનું ભાગ્ય નક્કી કરવાની પ્રક્રિયા (ચૂંટણી)
...એપ્રિલ અને મે દરમિયાન ભારતવર્ષ સ્વભાગ્યનિર્ણયના સભરમાં હશે. (7 માર્ચ, 2009, દિ.ભા.)
કંચની કર્મઃ કેવળ આર્થિક ફાયદાની વાત
મીડિયામાસ્તરો, તમે કદાચ ચિયરાંગનાઓ સાથે આગોતરા તાલકદમ કે સૂરસરગમ મિલાવવા ઇચ્છતા હશો, પણ લોકોને અને ચૂંટણીચર્યાનેય તમારે આઇપીએલ ઓચ્છવ અન્વયે કંચની કર્મમાં જોતરવા છે? (7 માર્ચ, 2009, દિ.ભા.)
કોરસબદ્ધઃ સામુહિક રીતે
...આઇપીએલ ઓચ્છવવાળી વાસ્તે કોરસબદ્ધ મચી પડવું એનો અર્થ સીધોસાદો એ છે કે... (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસ કલાકના ચેનલશાહોઃ ચોવીસ કલાકની ન્યૂઝચેનલોના ‘કલાકારો’
...જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ની ઓસ્કાર ફતેહ સાથે નાનો પડદો અને ચોવીસ કલાકના ચેનલશાહો જે ચાલુ પડી ગયા હતા. (7 માર્ચ, 2009, દિ.ભા.)
શય્યાસુખ વગરની સુહાગરાતઃ નિરર્થક દાખડો
ફિલ્મી પડદે ઝોંપડપટ્ટીનો ઝગમગાટ સૌને ગમે છે. એમાં પણ ચાલનો છોકરડો કરોડપતિ બની જાય. ક્યા કહના...શય્યાસુખ વગરની સુહાગરાત. બીજું શું? (7 માર્ચ, 2009, દિ.ભા.)
ચોવીસના ચેનલબાજોઃ પુખ્તતામાં કદી મોટા ન થતા ચોવીસ કલાકની ચેનલવાળા
ક્ષુધાંકઃ હંગર ઇન્ડેક્સ
...આ ચોવીસના (કદી ‘પચીસ’ના નહીં થઇ શકતા)ચેનલબાજો કને દુનિયામાં ક્ષુધાંક (હંગર ઇન્ડેક્સ)નો અભ્યાસ રજૂ કરતા નક્કર હેવાલ માટે ફુરસદ નહોતી. (7 માર્ચ, 2009, દિ.ભા.)
ઋણવજનિયાં: અન્ડરવેઇટ
એમાં પણ ત્રીસ ટકા તો જન્મે છે જ ઋણવજનિયાં. (7 માર્ચ, 2009, દિ.ભા.)

(કુલ શબ્દોઃ 118)

શબ્દાર્થપ્રકાશ # 9

- નું લૂણઃ -નું સત્ત્વ

-નાગરિક વચ્ચે તેમજ સવિશેષ તો નાગરિક અને શાસન વચ્ચે ન્યાયપૂર્ણ સંબંધ વાસ્તે આગ્ર હોવો, એ તીવ્રતા અને એ તાલાવેલી તો લોકશાહીનું લૂણ છે. (દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

અંગવસ્ત્ર તળે અવસ્ત્રઃ અંદરથી બધા એકના એક અને ઉઘાડા

...ત્યારે કોક હિંદુ હતું તો કોક મુસ્લિમ હતું. કોક ભાજપી હતું તો કોક કોંગ્રેસી હતું. અંગવસ્ત્ર તળે અવસ્ત્ર એવું આ આખું જે રાવણું હતું એમાં નાગરિક શોઘ્યો જડતો ન હતો...(દિ.ભા., ૨૮-૨-૦૯, અભિવ્યક્તિ)

પોટેશ્વર રાષ્ટ્રવાદઃ ‘પોટા’ જેવા ત્રાસવાદવિરોધી કાયદા આશ્રિત રાષ્ટ્રવાદ

રૂપરેખા કે નહીં રૂપરેખા, આપણા કાયદા ઢીલા છે અને મજબૂત કાયદા વગર ચાલવાનું નથી એ તરેહનો પોટેશ્વર રાષ્ટ્રવાદ...એનો પરમ ને પ્રથમ મુદ્દો છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

હીનોપમાઃ ઉતરતી કોટીની ઉપમા

હીનોપમાનું આળ વહોરીને પણ કહેવું જોઇએ કે...(દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

શોભાકારણઃ શોભા વધારનારા બની રહેવાનું રાજકારણ

આમ પેઇજ થ્રીનાં પાત્રોની પેઠે શોભાકારણ અને કોર્ટ જેસ્ટર તરીકેનું બૌદ્ધિક-કારણ એમની પોતાની વાસ્તવિક ગુંજાશ સામે બેહદ ખરાબ હિસાબ આપનારાં પુરવાર થઇ રહ્યાં છે. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

પચાસવર્ષીઃ સુવર્ણજયંતિ

...માર્ટિન લ્યુથર કિંગ ત્રીજા...પોતાના પિતા માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૫૯માં ભારતની મુલાકાત લીધી એની પચાસવર્ષી ઉજવશે. (દિ.ભા., ૧૪-૨-૦૯, અભિવ્યક્તિ)

ઝીણાયનઃ (અડવાણીએ કરેલી) ઝીણાની પ્રશંસા

હજુ થોડાં વરસ ઉપર, એમના અભિનવ ઝીણાયનને પગલે નાગપુરે અડવાણીને ભાજપની અઘ્યક્ષીય ગાદીએથી ખડખડિયું આપી દીઘું હતું. (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

દોષદુરસ્તીઃ ભૂલસુધાર

...એમણે (અડવાણીએ) ઋજે પ્રાપ્ત કરવાનું હતું તે કર્યું, પણ હવેય કશી દોષદુરસ્તી સૂઝે છે ખરી? (દિ.ભા., ૭-૨-૦૯, અભિવ્યક્તિ)

વેશનમૂનોઃ રોલમોડેલ

ઇઝરાયલ આપણે ત્યાં ઘણાને સારૂ વેશનમૂનો (રોલમોડેલ) બની રહેલ છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

તાદાત્મ્ય દોષઃ સિદ્ધિવંત/સફળ સાથે ખોટેખોટી એકરૂપતા અનુભવવાનો દોષ

મારે મીર અને ફુલાય પિંજારા એવો એક માહોલ (ખરૂં જોતાં તાદાત્મ્ય દોષ) આપણએ ત્યાં ઇઝરાયલના મામલામાં વખતોવકથ જોવા મળે છે. (દિ.ભા., ૨૪-૧-૦૯)

જનમ જનમનાં જુવારાં રહેવાં: અંતર રહી જવું

પ્રજાસત્તાક અને- સ્વરાજ વચ્ચે જનમ જનમનાં જુવારાં ક્યાં લગી? (દિ.ભા., ૨૪-૧-૦૯)

ખાણદાણઃ પોષણ- ‘ફોડર’ના સંદર્ભે

આ બધા ધર્મો...સભ્યતાઓના સંઘર્ષ વાસ્તે ખાણદાણ પણ બની રહે એવો એક ભય છે. (દિ.ભા., ૧૦-૧-૦૯)

વિક્રિયાઃ વિકૃતી ભણી દોરી જતી પ્રક્રિયા

...આ આખી પ્રક્રિયા (ખરૂં જોતાં વિક્રિયા) મનુષ્યજાતિને ધર્મકૃપાએ હાણ પહોંચાડતી રહે છે.

કુલ શબ્દોઃ 106

વિશિષ્ટ વાક્યપ્રયોગ

એક બૌદ્ધિક તરીકે ભલે તેઓ (શૌરી) જાહેર જીવનમાં આવ્યા હોત પણ તૃણમૂલ કાર્યાનુભવ (ગ્રાસરૂટ એક્સપિરિયન્સ) વગરના એમને સારૂ સદાશયી ધોરણે પણ કોઇકના ઉપગ્રહ બનવા સિવાય મોક્ષ નથી. (દિ.ભા., ૨૧-૨-૦૯, અભિવ્યક્તિ)

Friday, March 06, 2009

જૂના ગીત-સંગીત-કલાકારોની અંતરછબિઃ ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ

રજનીકુમાર પંડ્યાનું નામ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે એટલું જ સંગીતપ્રેમી તરીકે જાણીતું છે. સેંકડો ગીતો ઘૂન અને શબ્દો સાથે તેમના ચિત્તમાં અંકાઇ ગયાં છે, જે વાતચીતમાં સહજપણે ઉભરી આવે છે. તલત મહેમુદ-હેમંતકુમાર-જગમોહનના જબ્બર ચાહક રજનીભાઇ સાથે વીસેક વર્ષ જૂનો નાતો વાચક-લેખકમાંથી શિષ્ય-ગુરૂ અને અત્યંત નિકટના સ્વજન તરીકેનો છે, પણ તેનો પાયો મજબૂત કરવામાં મોટી ભૂમિકા જૂનાં ગીતોની.

અનેક જૂના કલાકારો- ગાયકો, ગીતકારો, સંગીતકારો-ના પરિચયમાં આવેલા રજનીભાઇએ એક વાર્તાકારની શૈલીમાં પોતાનાં એ કલાકારો સાથેનાં સંભારણાં ‘આપકી પરછાઇયાં’ (૧૯૯૫) સ્વરૂપે ગુજરાતીમાં રજૂ કર્યાં. એ પુસ્તકનું નામ પહેલાં ‘કાફિલે બહારકે’ હતું (એક બાર ચલ દિયે/ ગર તુઝે પુકારકે/લૌટ કર ના આયેંગે/કાફિલે બહારકે- યે રાત યે ચાંદની ફિર કહાં...પરથી). એ પુસ્તક આવ્યું અને સંગીતપ્રેમીઓમાં સારો આવકાર પામ્યું. રજનીભાઇની શૈલીમાં રહેલી અંગતતા જેમને ખૂંચતી હોય તેમને આ પુસ્તકમાં પણ ખૂંચી અને કેટલાકને તેમાં વઘુ પડતી મુગ્ધતા પણ લાગી. છતાં, મારાં પ્રિય પુસ્તકોમાં ‘આપકી પરછાઇયાં’નો સમાવેશ થાય છે. કારણ કે જે લંબાણથી અને વાર્તાકારની કળાથી તેમણે પ્રદીપજી, શમશાદ બેગ, જયકિશન, મુબારક બેગમ, હેમંતકુમાર, તલત મહેમૂદ જેવાં કલાકારોને રજૂ કર્યા છે, તેવું ફિલ્મી પત્રકારો કે પંડિતો માટે ભાગ્યે જ શક્ય બને.

‘આપકી પરછાઇયાં’ની બીજી આવૃત્તિ થઇ. દરમિયાન, ૧૯૯૯માં દિલ્હીના એક પ્રકાશને એ જ નામે તેની હિંદી આવૃત્તિ પ્રસિદ્ધ કરી અને હવે દિનકર જોષીની આગેવાની હેઠળની ‘ગુજરાતી સાહિત્ય પ્રદાન પ્રતિષ્ઠાન’ના ઉપક્રમે દિલ્હીના ‘પ્રકાશન સંસ્થાન’ તરફથી ‘આપકી પરછાઇયાં’ અંગ્રેજીમાં ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’ સ્વરૂપે આવ્યું છે. ૨૧૨ પાનાંના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ (સ્વ.) સરલા જગમોહને કર્યો છે.

‘આપકી પરછાઇયાં’ જોઇને કે તેના વાચકો પાસેથી એના વિશે સાંભળીને ગુજરાતી વાંચી ન શકતા ઘણા વાચકો અફસોસ પ્રગટ કરતા હતા. એ સૌના અફસોસનું ઘણી હદે નિવારણ ‘ઇન્ટીમેટ ઇમ્પ્રેશન્સ’થી થવું જોઇએ. આ પુસ્તક મેળવવવાનું સરનામું :
Prakashan Sansthan
4715/21, Dayanand Marg, Daryaganj
New Delhi- 110002

Thursday, March 05, 2009

રસ્તો ઓળંગવાની રામાયણ

દુનિયાની કારમી વાસ્તવિકતા માટે ‘દરેકે પોતાનો ક્રોસ જાતે જ ઉપાડવો પડે છે’ એવું વિધાન વધારે પડતું ગંભીર કે અતિશયોક્તિપૂર્ણ લાગે છે? તો તેને આ રીતે પણ કહી શકાયઃ ‘સૌએ પોતાનો રસ્તો જાતે જ ક્રોસ કરવો પડે છે.’

‘ક્યાં ક્રોસ ઊંચકવાનો ત્રાસ અને ક્યાં રસ્તો ક્રોસ કરવા જેવું મામુલી કામ?’ - આવું કોઇને લાગે, તો તેમણે માનવું કે ભારતવર્ષની પ્રગતિ સાથેનો તેમનો સંબંધ કપાઇ ગયો છે અથવા પોતે ગુફાયુગમાં જીવે છે. મહાપુરૂષો માટે જેમ કોઇ કામ નાનું કે મોટું નથી હોતું, એવું સામાન્ય માણસ માટે સમસ્યાનું છે. તેના માટે કોઇ સમસ્યા નાની કે મોટી હોતી નથી. બધી સમસ્યાઓ તેમના માટે એકસરખી ત્રાસરૂપ બની શકે છે. સમસ્યા સાથે પનારો પાડવાની મોટા ભાગના લોકોની પદ્ધતિ સરખી હોય છેઃ પહેલાં સાફ ઇન્કાર, પછી મોળો ઇન્કાર, ત્યાર પછી કચવાતા મને સ્વીકાર અને છેલ્લે કકળાટ. આવું કોઇ મહાપુરૂષ કે મહાસ્ત્રીએ કહ્યું નથી, પણ એટલા માત્રથી તેની કિંમત ઓછી થતી નથી.

રસ્તો ક્રોસ કરવાની સમસ્યા અસલમાં વિદેશી હતી. કારણ કે ભારતમાં તો ઘી-દૂધની નદીઓ વહેતી હતી- અને એ નદીઓ ક્રોસ કરવાની સમસ્યા વળી જુદા પ્રકારની હતી. ભારતમાં ગણ્યાંગાંઠ્યાં શહેરોમાં જેમને ક્રોસ કરવાની તકલીફ પડે એવા રસ્તા હતા. બાકીના ભારતની લાગણી હતીઃ‘રોડ ક્રોસ કરવા માટે રોડ તો જોઇએ કે નહીં? અહીં રોડ જોયો છે જ કોણે?’ કેટલાક ભણેલા લોકો પૂછતા હતા,‘ગાયોના ટોળાને ધણ કહેવાય, એમ ખાડાના સમુહને રોડ કહેવાય, એવું કોઇ જાહેરનામું તો સરકારે બહાર પાડ્યું નથી ને?’

હવે ભારતમાં ઠેરઠેર રસ્તા બનવા લાગ્યા છે. એટલું જ નહીં, સાહિત્ય પરિષદ જેમ પન્નાલાલ પટેલના પુનઃમુલ્યાંકનના પુનઃમુલ્યાંકનનું પુનઃમુલ્યાંકન કરે છે, તેમ મ્યુનિસિપાલિટી એક વાર બની ચૂકેલા રસ્તા ઉપર થર ને તેની ઉપર થર ને વળી તેની ઉપર થર કર્યા જ કરે છે. કોણ કોને પ્રેરણા આપે છે તેની ચર્ચા વિવાદાસ્પદ હોવાથી જવા દઇએ, પણ બન્નેનું પરિણામ સરખું આવે છેઃ યોજકો અને ‘સંબંધિત પાર્ટીઓ’ સિવાય બીજા લોકોને લાંબા ગાળે સંતોષ કે ફાયદો થતાં નથી.

નવા અને સરસ રોડ બને એટલે લોકો તેનો ઉપયોગ કરે છે. બલ્કે, લોકોના ઉપયોગ માટે જ રોડ સરસ કરવામાં આવે છે. પણ ઉપયોગ વધે તેમ ભીડભાડ અને ટ્રાફિકનો ધમધમાટ થાય છે અને જોતજોતાંમાં એ રોડ ક્રોસ કરવા જેવી ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. ગેરહાજરીમાં જે ‘વિકાસનો પથ’ લાગતો હતો, તે અસ્તિત્ત્વમાં આવ્યા પછી થોડા સમયમાં ‘યમદ્વારે પહોંચવાનો માર્ગ’ બની રહે છે.

રસ્તા પર ચાલવું એક વાત છે અને રસ્તો ઓળંગવો બીજી વાત. બન્ને વચ્ચે વિવેચન અને સર્જન જેટલો મોટો તફાવત છે. રોડ ક્રોસ કરવાની પ્રક્રિયા મુખ્યત્વે બે રીતે જોઇ શકાયઃ વાહનચાલકના દૃષ્ટિકોણથી અને રાહદારીની નજરે. રોડ ક્રોસ કરવા ઉભેલા કેટલાક રાહદારીઓ જાણે ખભે ક્રોસ લઇને ઊભા હોય તેટલી અધીરાઇ દાખવે છે. તેમને શાની બીક હશે? ‘સતત ૩૬ કલાક સુધી રોડ ક્રોસ કરવામાં નિષ્ફળ ગયેલા ઇસમનું ભૂખ-તરસ-હતાશાથી કરૂણ મૃત્યુ’ આવાં મથાળાં તેમના મનમાં તરવરતાં હશે? ઉતાવળ ધરાવતા કે ઉતાવળીયા રાહદારીઓ એવી અસલામતીથી પીડાય છે કે વાહનોનો પ્રવાહ સતત ચાલુ જ રહેશે, તો રોડ ક્રોસ કરવાના પોતાના મનસૂબાનું શું થશે?

વ્યક્તિ ઊંમરલાયક હોય તો તેને ‘રોડ ક્રોસ કરવામાં બહુ વાર લાગી’ એવું જાહેર કરવા બદલ સહાનુભૂતિ મળે, પણ જુવાનજોધ માણસ એવું કહી શકતો નથી. ‘રોડ ક્રોસ કરવામાં વાર લાગી’ એવું કહેવાથી થનારી હાંસી અને ધસમસતાં વાહનોથી ઉભરાતા રોડ પર ઝંપલાવવાનું જોખમ- આ બન્નેમાંથી હાંસીની બીક વધારે અસરકારક નીકળે છે. એટલે, ‘આ પાર કે પેલે પાર’નો મનોભાવ ધારણ કરીને તે, ટ્રાફિકગ્રસ્ત રોડ ક્રોસ કરવા મેદાને પડે છે. આરંભિક આત્મવિશ્વાસને લીધે ઘડીભર તેને એમ થઇ જાય છે કે ‘મોઝેસને જેમ દરિયાનાં મોજાંએ રસ્તો કરી આપ્યો હતો, તેમ ટ્રાફિકના દરિયામાંથી મારા માટે પણ રસ્તો નીકળી જશે. હું રસ્તા પર ડગ માંડીશ એટલે પૂરપાટ વેગે જતાં વાહનો મારા સાહસથી સ્તબ્ધ બનીને બ્રેકની ચીચુડાટી સાથે ઊભાં રહી જશે અને મને મારગ આપશે.’ ભલું હોય ને ‘અડગ મનના મુસાફરને હિમાલય નથી નડતો’ એવી એકાદ કાવ્યપંક્તિ યાદ આવી જાય એટલે જોસ્સો જળવાઇ રહે છે.

ઉંચાઇ પરથી કૂદકો મારવા માટે ગમે તેટલી માનસિક તૈયારી કરી હોય અને સાધનો સજાવ્યાં હોય, પણ ખરેખર કૂદકો મારવાનો આવે ત્યારે હાંજા કેવા ગગડી જાય? એવું જ રસ્તો ઓળંગવામાં બને છે. રોડ ક્રોસ કરવાની દિશામાં ડગ માંડ્યાં- ન માંડ્યાં કે ત્યાં તો વાહનોના કાતિલ સુસવાટથી એક ડગ આગળ માંડનાર ચાર ડગ પાછળ ખસી જાય છે. યાહોમ કરીને પડવાની વાત કરનારા નર્મદે પણ ‘ડગલું ભર્યું કે ન હટવું’ રોડ ક્રોસ કરવા માટે લખ્યું નથી, એમ વિચારીને તે આશ્વાસન લે છે, પણ રોડ ક્રોસ કર્યા વિના છૂટકો નથી, એ જીવનની અનિવાર્યતા તેનો કેડો મૂકતી નથી.

રોડ ક્રોસ કરવાનું કામ મહાભારતના પ્રખ્યાત કોઠાયુદ્ધ જેવું છે. પહેલો કોઠો રોડના સૌથી બહારના ભાગે હોય છે, જ્યાં પરચૂરણ રથીઓ ખાંડાંની જેમ સાયકલનાં સ્પેરપાર્ટ ખખડાવતા નીકળે છે. સુકલકડી સાયકલ પણ સામેથી આવતી હોય ત્યારે ખૂંખાર લાગે, તો છેલ્લા કોઠામાં આવનારાં મોટર-બસ-ખટારા જોઇને કેવા હાલ થશે? એ વિચારે રાહદારી ઘડીક ખમચાઇને ઊભો રહી જાય છે. મોટાં વાહનો દૂર હોય ત્યારે એ બહુ દૂર લાગે છે અને રાહદારી હરખભેર રોડના બીજા-ત્રીજા કોઠા (સ્કૂટર-બાઇક-રિક્ષાના) કોઠામાં પહોંચી જાય છે, પણ મોટર કે બસની ઝડપ એટલી બધી હોય છે કે પલકવારમાં તે પાસે આવી જાય છે. સાદી મોટરમાં રાહદારીને શબવાહિની દેખાવા લાગે છે.

બીજા-ત્રીજા કોઠાનાં સ્કુટર-રિક્ષાની ઝડપ પ્રમાણમાં ઓછી છતાં છેતરામણી હોય છે. તેમની ઓછી ઝડપ જોઇને રાહદારી સહેજ ગાફેલ રહે તો તે અથડાઇ પડે છે. ત્રણ કોઠા ભેદ્યા પછી છેલ્લો કોઠો ભારે વાહનોનો આવે છે. ત્યાં સુધી પહોંચનાર ઠીક રીઢા થઇ જાય છે અને મોટરોના કદ કે તેમના ધસમસાટને ગાંઠયા વિના સામી બાજુ જતા રહે છે. મોટાં વાહનોથી બીતા લોકો પણ ‘હવે પાછા જવા માટે ફરી બે-ત્રણ કોઠા ભેદવા પડશે’ એ વિચારે મન મક્કમ કરીને, મુઠ્ઠીઓ વાળીને છેલ્લો કોઠો ભેદી નાખે છે.

કેટલાક લોકો આ બન્ને રીતે નિષ્ફળ જાય ત્યારે તે રસ્તાની વચ્ચે ઊભા રહી પડે છે. કોઠા ખોરવાઇ જાય છે, વાહનોનાં હોર્નથી અને વાહનચાલકોના કકળાટથી વાતાવરણ ભરાઇ જાય છે અને સંવેદનશીલ રાહદારીને ધરતી મારગ આપે તો...શાંતિથી રોડ ક્રોસ કરવાનં મન થઇ આવે છે.

વાહનચાલકો રોડ ક્રોસ કરનારા લોકોને અનિષ્ટ તરીકે જોવા ટેવાયેલા હોય છે, તો રાહદારીઓ પણ વાહનચાલકોને ઘાતકી, કાતિલ, યમદૂતના એજન્ટ તરીકે જુએ છે. ‘ચાલતાં નથી આવડતું’ અને ‘ચલાવતાં નથી આવડતું’ એ તકરારનું સૌથી સાત્ત્વિક પાસું એ છે કે તે કાયમી અને વ્યક્તિકેન્દ્રી નથી. એક જ માણસ વાહનચાલક તરીકે રાહદારીને અનિષ્ટ ગણતો હોય, પણ એ પોતે રાહદારી બને ત્યારે તેને વાહનચાલકો ઘાતકી લાગવા માંડે છે. ‘કોઇ માણસ ખરાબ નથી હોતો. તેના સંજોગો ખરાબ હોય છે.’ એવું ફિલસૂફો અમસ્તા કહેતા હશે?

Tuesday, March 03, 2009

તારક મહેતા સમારંભ # ૨ : મુખ્ય મંત્રીનો સુરક્ષા પરિવાર આપને હાર્દિક ત્રાસ આપે છે...




રવિવારની સવારે ૯-૪૫ વાગ્યે લગભગ બારસોની ક્ષમતા ધરાવતા અમદાવાદના ટાઉનહોલમાં સમારંભ રાખવાની હિંમત તો જ થાય, જો એ સમારંભ તારક મહેતાનો હોય.
- અને રવિવારની સવારના ૯-૪૫ વાગ્યાના સમારંભ માટે ૮-૩૦ વાગ્યાથી ચાહકો આવવાના શરૂ થઇ ગયા હોવા છતાં, છેક ૯-૧૫ સુધી ચાહકોને બહાર ઊભા રાખવામાં આવે અને ત્યાર પછી પણ તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે, ઘણા મહાનુભાવો સાથે બદતમીઝી થાય, સિનિયર સિટીઝનોને ઠેબે ચડાવાય, સંખ્યાબંધ ચાહકો હતાશ થઇને પાછા જાય...આવું તો જ થાય, જો એ સમારંભમાં ગુજરાતના મુખ્ય મંત્રી આવવાના હોય.
તારકભાઇનાં લખાણો અને ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ સિરીયલના પ્રેમીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી સન્માનપૂર્વક પોતાની બેઠક મેળવવા માટે હોલ પર વહેલા આવી પહોંચ્યા. પણ શેઠ મંગળદાસ ટાઉનહોલના બારણે મેટલ ડીટેક્ટરની એક ફ્રેમ સાથે થોડા પોલીસ ઊભા હતા. તેમણે કહી દીઘું કે અંદર જવાનું નથી.
કેમ?
સલામતીનાં કારણોસર.
કોઇ જ દેખીતા કારણ વિના હોલમાં પ્રવેશ ન મળવાથી બહાર ઊભેલા આમંત્રિતોની ધીરજ ખૂટવા લાગી. યાદ રહે કે આવનારા મોટા ભાગના લોકો ‘આમંત્રિતો’ હતા. તેમને કાર્ડ મોકલીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે રવિવારે સવારે આવજો. લોકો આવ્યા પણ ખરા, કારણ કે પ્રિય લેખકની ઉજવણીમાં સામેલ થવાનું હતું. પણ દરવાજે જ ઘણાખરાનો ઉત્સાહ ટાઢો થઇ ગયો. એટલું જ નહીં, આનંદ ક્રમશઃ ત્રાસ અને ગુસ્સામાં પણ ફેરવાયો.
આમંત્રિતોને અંદર પ્રવેશ આપવાનું શરૂ કર્યા પછી દરેક જણ પાસેથી પાસની પતાકડીઓ ઉઘરાવવાનો અને તેમનું ચેકિંગ કરવાનો આગ્રહ રખાયો, જે વધી પડેલી ભીડને જોતાં અવ્યવહારૂ હતો. જેમ જેમ લોકો આવતા ગયા, તેમ એમનું ચેકિંગ કરીને અંદર બેસાડી શકાયા હોત. સલામતીના નિયમો પાળવાનો કોઇને વાંધો ન હોય. પણ સલામતીના નામે આમંત્રિતોને અપમાનિત સ્થિતિમાં મુકવાનું લાયસન્સ કોઇને ન મળવું જોઇએ.
દરવાજા પર કેવી ધક્કામુક્કી મચી તેની તસવીરો ઉપર મુકી છે. એકાદ વિડીયો પણ યુટ્યુબ પર મુકી છે, જેની લિન્ક અહીં આપું છું.

દરવાજા પર જોવા મળેલી ગીરદી મુંબઇની ટ્રેનોની ગીરદીને સારી કહેવાડવે એવી હતી. થેન્ક્સ ટુ ‘સિક્યુરીટી પર્પઝ’. એકાદ તસવીરમાં તો ઊંચો કરાયેલો દંડો પણ જોઇ શકાય છે.
ભારે ભીડભાડ પછી, એક મિત્રએ કહ્યું તેમ,‘છાપાંની કૂપનોમાંથી ગિફ્ટ લેવાની હોય એમ’, લાઇન કરાવવામાં આવી. દરમિયાન, હાસ્યકાર વિનોદ ભટ્ટની ધીરજ ખૂટી. આર્થરાઇટિસની ગંભીર તકલીફ ધરાવતાં તેમનાં પત્ની નલિનીબહેન સાથે તે ખાસ તારકભાઇ-ઇન્દુબહેનને કારણે આવ્યા હતા. તેમની સાથે રતિલાલ બોરીસાગર પણ હતા. ઘણી રાહ જોયા પછી નલિનીબહેનથી ઊભા ન રહેવાતાં એ લોકો માંડ માંડ હોલના પાછળના દરવાજે ગયા. ઓળખાણ આપી. તકલીફનો ખ્યાલ આપ્યો. છતાં ત્યાં ઊભેલા કર્મચારીઓ પર કશી અસર ન થઇ. તેમની એક જ વાતઃ ‘આગળના દરવાજે જાવ.’ વિનોદભાઇ કહે કે ભાઇ, અહીં સુધી જ માંડ આવ્યાં છીએ. હવે મારી પત્નીને ચલાવીને આગળના દરવાજે લઇ જઇ શકાય એમ નથી. પણ સાંભળે જ કોણ?
કંટાળીને વિનોદભાઇએ કહ્યું,‘ગાડી બોલાવો. આપણે ઘરે જતા રહીએ.’ એ વખતે રતિલાલ સહિત બીજા લોકોની ચાલુ રહેલી માથાકુટ અને સમજાવટ પછી તેમને માંડ અંદર લીધાં.
બહાર લાઇનમાં આયોજન ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્ટાર નવલકથાકાર અશ્વિની ભટ્ટ અને તેમનાં પત્ની નીતિભાભી પણ હતાં. તેમની પાસે કોઇ કારણસર પાસ ન હતા. કાર્યક્રમના એક વક્તા જય વસાવડાએ પણ બીજા ચાહકોને પાસ આપી દેતાં તેમની પાસે પણ પાસ નહીં. મારો પાસ ક્યાંક ખોવાઇ ગયો હતો. અમને બધાને સિક્યુરીટીવાળાએ બાજુ પર ઊભા રાખી દીધા. અમારે પણ વિનોદભાઇની જેમ કહેવું પડત કે ‘ચાલો ઘરે.’ મિત્ર મનીષ મહેતાએ તત્કાળ ખિસ્સામાંથી ચાર-છ પતાકડાં કાઢીને સિક્યુરીટીવાળાને ધરબ્યાં. દરમિયાન, અશ્વિની ભટ્ટને બાજુ પર ઊભા રહેવાનું કહેતાં મારો પારો છટક્યો. મેં કહ્યું,‘જરા માણસને તો ઓળખો. આ કોણ છે, ખબર છે? અશ્વિની ભટ્ટ. ગુજરાતના બહુ મોટા લેખક.’
પેલા ભાઇ ગુજરાતીમાં કહે,‘પણ અહીં તો બહારની પોલીસ છે.’
‘તો થોડી અહીંની પોલીસ પણ રાખો.’
આ બધા સંવાદો નિરર્થક અને પથ્થર પર પાણી જેવા હતા.
અંદર ગયા પછી પણ અવ્યવસ્થાનો પાર નહીં. થોડા વખત પછી હોલનાં બારણાં અંદરથી ભીડી દેવાયાં. ત્યાર પછી બહાર લાંબી લાઇનમાં ઉભેલા પાસધારકો માટે પણ એન્ટ્રી બંધ !
વધારાનો મોટો ત્રાસ ત્યારે થયો જ્યારે સાડા નવ- પોણા દસથી અંદર આવી ગયેલા લોકોને સાડા અગિયાર સુધી ધરાર બહાર જતા અટકાવવામાં આવ્યાં. કુદરતી ક્રિયાઓ માટે આઘાપાછા થતા સિનિયર સિટિઝનો દરવાજે દરવાજે ધક્કા ખાઇને બહુ આગ્રહ-વિનવણી કરે એટલે ચોકિયાત કહે,‘બહાર જવું હોય તો પછી અંદર આવવા નહીં મળે.’ પાસ તો પહેલેથી જ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. એટલે અંદર પેઠા પછી કેદ!
મુખ્ય મંત્રી એક કલાક મોડા આવ્યા. આયોજકો એ વિશે જાણતા હોવાથી કાર્યક્રમ શરૂ થઇ ગયો હતો. પછી જાણવા મળ્યું કે બીજા બધાને તો ઠીક, તારકભાઇ-ઇન્દુબહેનને પણ સીધેસીધો અંદર પ્રવેશ મળ્યો ન હતો! થોડાં વર્ષ પહેલાં તારકભાઇનાં પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ ભાઇકાકા હોલમાં હતો, ત્યારનો અનુભવ તાજો થયો. એ સાંજે હું તારકભાઇને ઊભાઊભ મળીને નીકળી જવાના ઇરાદે હોલ પર પહોંચ્યો, ત્યારે તારકભાઇ અને તેમની સાથેના બે-ત્રણ જણને મુખ્ય મંત્રીના સલામતી રક્ષકો અંદર જતાં અટકાવી રહ્યા હતા. એ દૃશ્યના સાક્ષી બન્યા પછી નક્કી કર્યું કે ઝેડ પ્લસ સુરક્ષાવાળા મહાનુભાવોના કાર્યક્રમમાં કદી જવું નહીં અને ક્યારેક અનિવાર્યપણે જવું પડે તો પણ, ધોળા ધરમે તેમને આપણા કાર્યક્રમમાં બોલાવવા તો નહીં જ.
આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રીને બોલાવવા માટે તારકભાઇનો કોઇ આગ્રહ ન હતો, એ હું જાણું છું. આયોજક નવભારત સાહિત્ય મંદિરની આરંભિક ઇચ્છા હોવા છતાં મુદતો પર મુદતોને કારણે તેમણે ઇચ્છા પડતી મુકી હતી. છતાં, કેટલાક આગ્રહોથી મુખ્ય મંત્રીને લાવવામાં આવ્યા અને આ સ્થિતિ સર્જાઇ.
સારઃ
૧. મુખ્ય મંત્રી જે કાર્યક્રમમાં આવવાના હોય, ત્યાં યજમાન તરીકે પોલીસોનાં ધાડાં આવી જાય છે. અસલી યજમાનના ‘માનવંતા મહેમાનો’ સહિત બીજા સૌ કોઇ ગૌણ બની જ નહીં, બીજા નું કોઇ અસ્તિત્ત્વનું કશું મહત્ત્વ રહેતું નથી. એટલે મુખ્ય મંત્રી ટાઇપની સુરક્ષા વ્યવસ્થાથી ઘેરાયેલી વ્યક્તિઓને વાચક-લેખક મિલન પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવી નહીં.
૨. આયોજકો, પેટા આયોજકો કે પડદા પાછળના આયોજકો- જેમને મુખ્ય મંત્રીની ભક્તિ કરવી હોય, તેમણે અંગત ધોરણે કરવી. પોતાની ભક્તિમાંથી નીપજતો ત્રાસ બીજાના માથે મારવો નહીં.
૩. તેમ છતાં, મુખ્ય મંત્રીને આ પ્રકારના કાર્યક્રમોમાં બોલાવવામાં આવે જ, તો એવા કાર્યક્રમોમાં જવું જ નહીં.
છેલ્લા નંબરનો સાર મેં વર્ષો પહેલાંથી અમલમાં મુક્યો છે. તારકભાઇ જેવા પ્રેમાળ વડીલ માટે તેમાં અપવાદ કરવાનો અફસોસ ન જ હોય. છતાં, એ સાર દૃઢ થયો તેનો રંજ છે.
જેમના ઘરે કુરિયર આપવા આવનારને પણ નિયમલેખે પ્રેમથી પાણીનો ભાવ પૂછાતો હોય, એવાં તારકભાઇ-ઇન્દુબહેનના સમારંભ નિમિત્તે આવી અવ્યવસ્થા થાય, તે વિશેષ ખેદજનક છે. તેના માટે તારકભાઇ-ઇન્દુબહેને નહીં, પણ મુખ્ય મંત્રીને બોલાવવાનો જેમણે આગ્રહ રાખ્યો હોય, તેમણે દિલગીરી વ્યક્ત કરવાની રહે છે.

Monday, March 02, 2009

અસલ તારક મહેતાની અસ્સલ ફટકાબાજી

ગઇ કાલે સવારે દસ વાગ્યે અમદાવાદના ટાઉન હોલમાં તારક મહેતાનાં પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાઇ ગયો. લગબગ અઢી-પોણા ત્રણ કલાક ચાલેલા આ કાર્યક્રમ વિશેની ઘણી વાતો કરવાની છે. આજે સૌથી અગત્યની પહેલી પોસ્ટ તારકભાઇ શું બોલ્યા એ વિશેની અને બીજી પોસ્ટ, તારકભાઇ-ઇન્દુબહેનની ખાનદાનીથી તદ્દન વિપરીત રીતે (અને તેમની જાણબહાર) આમંત્રિતો સાથે કેવો અપમાનજનક વ્યવહાર થયો એ વિશે.
***
તબિયતનાં કારણોસર તારકભાઇ બોલતી વખતે સાવ ‘બ્લેન્ક’ થઇ જાય છે, એવી ઘણા સમયથી એમની (સાચી) ફરિયાદ છે. એટલે તારકભાઇ સામાન્ય રીતે સમારંભોમાં જવાનું ટાળે છે અને જાય તો સવાલોના જવાબ સ્વરૂપે બોલવાનું વઘુ પસંદ કરે છે. ચાર-પાંચ વર્ષ પહેલાં ‘આરપાર’ માટે અમે તૈયાર કરેલા ‘જ્યોતીન્દ્ર દવે વિશેષાંક’ના સમારંભ નિમિત્તે હાસ્યબારશના કાર્યક્રમમાં વર્ષો પછી પહેલી અને છેલ્લી વાર ચાર હાસ્યલેખકો એકસાથે મંચ પર આવ્યાઃ બકુલ ત્રિપાઠી, તારક મહેતા, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર. પ્રેમવશ તારકભાઇ ઉપસ્થિત રહ્યા અને બોલ્યા પણ ખરા. એ વખતે વચ્ચે તે પ્રોમ્પ્ટિંગ માગી લેતા હતા. ડિસેમ્બરમાં મારી મોક કોર્ટના કાર્યક્રમ વખતે પણ તે સાક્ષી તરીકે આવ્યા હોવાથી સવાલ અને આરોપોનું ફોર્મેટ જ હતું. રવિવારના કાર્યક્રમમાં પણ યોગ્ય રીતે જ તારકભાઇને સવાલો પૂછવામાં આવ્યા અને તારકભાઇએ મહેતા-સ્પેશ્યલ આપીને શ્રોતાઓને મઝા કરાવી દીધી.

તારકભાઇમાં રહેલી અ-નાગરી નિખાલસતા તેમના જવાબોની ખાસિયત રહી છે. ગઇ કાલે પણ એ માણવા મળી. કાર્યક્રમનાં સંચાલક, નવલકથાકાર અને ‘નવભારત સાહિત્ય મંદિર’નાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ તારકભાઇ સાથે મળીને થોડીઘણી તૈયારી કરી રાખી હતી. તેમણે તારકભાઇને પૂછેલા સવાલો અને તારકભાઇના જવાબોની ઝલકઃ

‘જવાબ ઊભા રહીને આપશો કે બેઠાંબેઠાં?’ એ સૌથી પહેલો સવાલ હતો. તારકભાઇ કહે,‘ઓડિયન્સને પૂછો. ઓડિયન્સ માટે જીવ્યો છું ને ઓડિયન્સ માટે જ લખ્યું છે.’ તેમની શારીરિક અશક્તિને ઘ્યાનમાં રાખીને ઓડિયન્સે કહ્યું,‘બેઠાં બેઠાં જ બોલો,’

સવાલઃ ટર્નિગ પોઇન્ટ કયો? લખવાનું શરૂ કેમ કર્યું?
તારકભાઇઃ વખાના માર્યા. (હસાહસ) વડીલોએ કોમર્સ કોલેજમાં ધકેલ્યો. ત્યાં સતત ત્રણ વર્ષ એકાઉન્ટન્સીમાં નાપાસ થયો. બાપાને વિનંતી કરી. નાટક-સિનેમાનો ચટકો એ વખતથી જ હતો. આર્ટ્સમાં જઇને પણ ભણતો હોય તો સારૂં એમ વિચારીને બાપાએ આર્ટ્સમાં મુક્યો. ઇન્ટરઆર્ટ્સમાં બાપાનું લખેલું દ્વિઅંકી નાટક ભજવ્યું. પણ પરીક્ષામાં એક વિષયમાં ચોરી કરતાં પકડાયો. ૩ વર્ષ માટે રસ્ટીકેટ થયો. એટલે રાતની ટ્રેન ઉપડ્યા પછી જ ચીઠ્ઠી મળે એ રીતે ચીઠ્ઠી મુકીને મુંબઇ ભાગી ગયો.

મુંબઇ ટાંટીયાતોડ કરી. નાટકોની લાયકાત નોકરી મળે એવી નહીં, નોકરી હોય તો પણ જતી રહે એવી. એ વખતે મેં પંદર-પંદર રૂપિયામાં વાર્તાઓ વેચવાનું શરૂ કર્યું. અઠવાડિક મેગેઝીનના તંત્રીએ વાર્તા દીઠ પુરસ્કાર આપવાને બદલે મહિને સામટો પુરસ્કાર લેવા આવવાનું કહ્યું. મહિના પછી લેવા ગયો તો મેગેઝીન બંધ થઇ ગયું હતું. એક જણ માટે મેટ્રિકની પરીક્ષા આપવા બેઠો. આપી પણ ખરી. એમાં ઠરાવેલા પૈસા ન મળ્યા. બી.એ. થયો. એમ.એ.થયો. પત્રકાર થયો અને સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં ૨૯ વર્ષ નોકરી કરી. ગેઝેટેડ ઓફિસર થયો. ‘સરકારી નોકરીમાં બહુ મોટી સગવડ છે કે ત્યાં રહીને બહારનું કામ થઇ શકે. એ સગવડને લીધે નાટક અને સીરીયલ લખતાં અહીં સુધી પહોંચી ગયો.
***
સઃ તમે નિખાલસ આત્મકથા લખી તેની સામે કોઇને વાંધો..?
જઃ સગાંવહાલાંનો સૌથી વધારે વિરોધ હતો. પણ મેં મારી જાતને મોટી ચીતરી નથી. મારાથી જ હું શરૂઆત કરૂં એટલે બીજાના વિરોધનો સવાલ ન રહે.
સઃ ટપુડા સિરીઝમાં જેઠાલાલનું સંતાન છે, પણ તારક મહેતાની ઇશાની (પુત્રી)નું કેમ પાત્ર નથી.જ ઃ ઇશાની એ વખતે સ્કૂલે જતી હતી. એના નામનું પાત્ર બનાવીએ ને સ્કૂલમાં તેને કદાચ હેરાનગતિ થાય.અને લખવાનું શરૂ કર્યું ત્યારે ખબર પણ ન હતી કે આટલું લાંબું ચાલશે.
સઃ તમે ક્યારેય ફરિયાદ કરતા નથી. તકલીફો હસીને વેઠી છે.
જઃ હાસ્ય સ્વબચાવનું હથિયાર છે. કાં આપઘાત કરો, કાં હસતાં શીખો. બીજા વિકલ્પો હોતા નથી.
સઃ હાસ્યલેખકની આત્મકથા આટલી બોલ્ડ હોય...
જઃ જે દુકાનેથી જે મળતું હોય એ જ મળે. મારી સાહિત્યિક એમ્બિશન નહોતી. મુંબઇમાં ટકવાનું હતું. એટલે ફેક્ટરી ચાલુ કરે અને હજુ ચાલે. મારો માલ ઉપડે છે. આત્મકથામાં પણ એ ઘ્યાન રાખવું પડે...(આત્મકથામાં) મણિલાલ નભુભાઇ મારી પ્રેરણા હતા. તેમણે એવી સૂચના આપી હતી કે તેમના જીવતે જીવ આત્મકથા પ્રકાશિત ન થાય. પણ હું એવો ઉઘાડો પડી ગયો હતો...મુંબઇમાં એવું જીવન જીવ્યો હતો કે કંઇ ઢાંકવા જેવું રહ્યું ન હતું.
સઃ મુંબઇ અને અમદાવાદ વચ્ચે શું તફાવત?
જઃ અમદાવાદ બ્લેક એન્ડ વ્હાઇટ છે ને મુંબઇ ટેકનિકલર- અમદાવાદની સરખામણીએ અને મારી દૃષ્ટિએ.
સઃ હજુ શું કરવાનું બાકી છે?
જઃ ફેક્ટરી ચાલુ રહે એજ વળી. લોકોને મનોરંજન આપવાનો નિર્ધાર હતો. લોકો જ્યાં સુધી મેગેઝીન ખરેદે ત્યાં સુધી આપણે છીએ...
સઃ ચિત્રલેખા સિવાય બીજે ક્યાંય લખતા હોત તો પણ આટલા જ પોપ્યુલર હોત?
જઃ મને સામયિકો બદલવાની ટેવ નહીં. નાટકોની સંસ્થા પણ બદલતો ન હતો. આઇએનટીમાં દસ વર્ષ રહ્યો તે રહ્યો. એટલે ચિત્રલેખામાં પણ એવું થઇ ગયું કે ચિત્રલેખા એટલે તારક મહેતા અને તારક મહેતા એટલે ચિત્રલેખા. એ બન્ને પક્ષે લાભદાયક છે.
સઃ ગુજરાતી સાહિત્યના પોલિટિક્સ વિશે...
જઃ હું સાહિત્યમાં છું જ નહીં. એટલે પોલિટિક્સનો અનુભવ નથી. હજુ સુધી એવો અનુભવ નથી કે મને કોઇએ સાહિત્યકાર ગણ્યો હોય.
સઃ કઇ ભૂલો ન કરો?
જઃ પરીક્ષામાં ચોરી ન કરૂં. બીજી ભૂલો તો એના ક્રમમાં ચાલે.

રેપિડ ફાયર રાઉન્ડ
જિંદગી બે લીટીમાં: મનોરંજન, મનોરંજન, મનોરંજન
પ્રેમ વિશે શું માનો છોઃ એ માનવાની વાત નથી, અનુભવવાની વાત છે.
લેખક ન હોત તોઃ કંઇ ન હોત.
અમદાવાદીઓની ખાસિયતઃ એમની રમૂજવૃત્તિ. જાત પર હસી શકે. આવી ખાસિયત યહૂદીઓમાં છે.
પ્રવાસમાં શું અનિવાર્યઃ (થોડું વિચારીને) કપડાં પહેરીને નીકળવું તે
ભગવાન વિશેઃ હજુ મળ્યો નથી. મળ્યા વગર શું માનીએ?
અત્યારેઃ આનંદ છે, સંતોષ છે.

છેલ્લો રાઉન્ડ
હાસ્યલેખકઃ વખાના માર્યા
પ્રકાશકઃ ન બોલ્યામાં નવ ગુણ
આજની ફિલ્મોઃ જનરલાઇઝ કરાય એવું નથી
ગુજરાતી સાહિત્યઃ પરિચય નથી
વાચકોઃ સલામ
જેઠાલાલઃ મારો ઓલ્ટર ઇગો. હું મુંબઇમાં ગયો ત્યારે જે હાલતમાં હતો એ હાલત એ (જેઠાલાલ દ્વારા) કન્ટીન્યુ કર્યું.
સફળતાઃ હજુ સફળ થયો નથી. પ્રયત્ન ચાલુ છે.
ક્રિકેટઃ હવે આંખની તકલીફને લીધે ક્રિકેટરો દેખાય છે, પણ બોલ દેખાતો નથી.

(નોંધઃ બઘું લખાણ શબ્દશઃ અથવા પૂરેપૂરૂં ન પણ હોય. છતાં તે ભાવશઃ તો છે જ.)
(photo : Tarak Maheta on the eve of Sunday function at Ellisbridge Gymkhana , 28-2-09)