Tuesday, January 27, 2009

ભૌતિક શાસ્ત્રની વર્કશોપ અને કેટલીક ‘ભૌતિક’ બાબતો

રવિવાર (25-1-09)ના દિવસે સાયન્સ સીટીમાં ‘ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિક્સ ટીચર્સ’ તરફથી એક વર્કશોપ યોજાઇ. આમ તો મારે આખી વાત સાથે કશી લેવાદેવા નહીં. પણ વલ્લભ વિદ્યાનગરની એસપી યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના વડા જોષીપુરાસાહેબે પ્રેમપૂર્વક મારો નંબર શોધીને ‘પ્રિન્ટ મીડિયામાં વિજ્ઞાન’ એ વિષય પર બોલવા કહ્યું.
કાર્યક્રમમાં પીઆરએલ (ફિઝિકલ રીસર્ચ લેબોરેટરી)ના બે ભૂતપૂર્વ ડીરેક્ટર સુધીરભાઇ પંડ્યા અને અમેરિકાથી આવેલા ડી.(દેવેન્દ્ર) લાલ, જે. એન. દેસાઇ જેવાં ખમતીધર નામો હતાં. કટારલેખક વિહારી છાયા અને પ્રકાશક તરીકે મહેશ દવે (ઇમેજ) પણ બીજા સેશનમાં હતા.
કેમિસ્ટ્રીના સ્નાતક તરીકે કોલેજમાં બે વર્ષ ફિઝિક્સ ભણેલો. ‘ભણેલો’ કહેવામાં અતિશયોક્તિ છે. ખરેખર તો મેં ફિઝિક્સના ક્લાસ ભરેલા ને પેપરો આપેલાં ને પાસ પણ થયેલો. છતાં લગભગ જલકમલવત્.

સદભાગ્યે મારે ફિઝિક્સ વિશે નહીં, પણ મીડિયામાં વિજ્ઞાન વિશે બોલવાનું હતું. એ મને આવડતું હતું. એટલે આવડ્યું એવું બોલ્યો. અહીં એની કથા કરવાની નથી. એ સિવાયની કેટલીક નજરે ચડેલી - કે પડેલી વાતો કરવી છે.
  • અધ્યાપકોના સેમિનાર અને વર્કશોપમાં ‘સૌએ પોતાનાં ટીએ ફોર્મ ભરી દેવાં’ એ આખા સેમિનારનો કેન્દ્રીય કાર્યક્રમ અથવા કેન્દ્રવર્તી ધ્વનિ હોય એવું લાગે. એ જાહેરાત એવા સમયે અને એવી રીતે કરવામાં આવે કે મારા જેવાઓને તો એવું જ સંભળાયઃ ‘આ બધા પરચૂરણ કામમાંથી પરવારો એટલે પેલું અગત્યનું કામ-ટીએ ફોર્મ જમા કરાવવાનું- ભૂલતા નહીં.
  • વક્તાઓના સમય નિયત કરેલા હોય અને તેનો છાપેલો કાર્યક્રમ વક્તાઓને આપ્યો હોય, છતાં વક્તાઓ ઘડિયાળ સામે, શ્રોતાઓ સામે કે અધ્યક્ષ સામે જુએ નહીં અને ‘હું લખીને લાવ્યો છું એટલું બોલવું મારો અધ્યાપનસિદ્ધ હક છે ને તે હું મેળવીને જ જંપીશ’ એવા તિલક-પાઠમાં આવી જાય. જે.એન.દેસાઇ જેવા સિનિયર સાહેબ એકથી વધારે વાર પોતાની ખુરશી પરથી ઉભા થઇને વક્તાને ઇંગિત કરે, શ્રોતાઓનાં ઓલરેડી દ્રવી ચૂકેલાં દિલ આ ચેષ્ટાથી વધારે દ્રવી જાય. છતાં વક્તા પર તેની કશી અસર નહીં.
  • આખા દિવસનો કાર્યક્રમ થાય. રૂડાં ભોજનીયાં રખાય. કડકડતાં ટીએ બિલ ચૂકવાય. અધ્યાપકોને તો જાણે આ જ કામ હોય એટલે એમને પગાર ઉપરાંત મળનારા ટીએ બિલથી આનંદ થાય. પણ મારા જેવા બિનઅધ્યાપકોનું શું? તેમને ટેક્સીભાડા તરીકે આઠસો-હજાર-બારસો રૂપિયા મળે, પણ એક વ્યાવસાયિક તરીકે તેમની હાજરી બદલ તેમને સન્માનનીય રકમનો પુરસ્કાર મળવો જોઇએ એવો સુવિચાર આયોજકોને આવતો નથી. એટલે થાય એવું કે કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ કોઇ- ડેકોરેટર, કેટેરર અને ખુરશીવાળા સુદ્ધાંને તેમના મહેનતાણાના રૂપિયા મળે. પણ જેના થકી એ બધું છે તે બોલનારને સમાજની-સંસ્થાની સેવા કરીને સંતોષ માનવાનો. તેનો ઉપાય ફક્ત એ નથી કે આવી જગ્યાએ ન જવું. પણ હવેથી આવી જગ્યાએ શરમ મુકીને ગરીમાપૂર્વક ફી વિશે વાત કરવી.
  • સાયન્સ સીટીનો હોલ હોય, ડી.લાલ જેવા પહેલી વાર સાયન્સ સીટી આવ્યા હોય, એ પ્રવચન કરે પણ આખા કાર્યક્રમના કે કમ સે કમ ડી.લાલના પ્રવચનનું પણ ઓડિયો રેકોર્ડિંગ ન મળે. અને આખા કાર્યક્રમ દરમિયાન બાજુ પર બે કમ્પ્યુટર લઇને ગડમથલ કરતા માણસો જોઇને એવું સમજે કે ‘આ લોકો કાર્યક્રમનું વેબકાસ્ટિંગ કરે છે કે શું?’ કમ્પ્યુટરના જમાનામાં આવા કાર્યક્રમોનું વિડીયો રેકોર્ડિંગ શા માટે ન થવું જોઇએ? એમાં ખર્ચનો નહીં, દૃષ્ટિનો સવાલ છે.
  • સાયન્સ કમ્યુનિકેશન વિશેની વર્કશોપ હોય અને મારા સિવાય બીજા કોઇની વાતમાં નગેન્દ્રવિજયના કે ‘સ્કોપ’ના પ્રદાનનો ઉલ્લેખ ન થાય એ પણ કેવું વિચિત્ર. જેમણે આ દિશામાં સૌથી વધારે કામ કર્યું. તેમની જાણે કે નોંધ નહીં. આપણને થાયઃ આ તે ફિઝિક્સ પ્રોફેસરોનું મંડળ છે કે ગુજરાતની સાહિત્ય પરિષદ? જો કે મારી પેઢીના કેટલાક મિત્રો મળ્યા. તેમણે ઉમળકાભેર નગેન્દ્રભાઇને યાદ કર્યા, જોષીપુરાસાહેબની જેમ જ પ્રેમથી વાતો કરી અને સંપર્કમાં રહેવા કહ્યું.
  • બિનીત મોદી અને લલિત ખંભાયતા પણ હતા. લલિતે ડી.લાલનો ઇન્ટરવ્યુ અગાઉ કરેલો. આજે પણ ઉત્સાહપૂર્વક લલિતે તેમની સાથે જમવાના સેશનમાં થોડી વાતો કરી. ઝીણી ઝીણી બાબતોમાં એમની ચીવટ, સહકાર આપવાની વૃત્તિ અને મોટપ જણાઇ આવતી હતી. મૂળ બનારસના પણ અમેરિકામાં વસતા દેવેન્દ્ર લાલ ધ્રુવપ્રદેશ પરના પાંત્રીસથી ચાળીસ હજાર વર્ષ જૂના બરફના થરનું અને ‘નાસા’ પાસેથી મેળવેલા ચંદ્રના ખડકોનું અધ્યયન કરી ચૂક્યા છે. ‘તમે કદી એન્ટાર્કટિકા ગયા છો?’ એવું લલિતના સવાલોની વચ્ચે પૂછ્યું, એટલે ડો.લાલ કહે,’ના, તક તો હતી, પણ મારા માથામાં સાયનસનાં એવાં પોલાણો છે કે એનો વ્યુ બતાવું તો તમને લાગે કે આ માણસને મગજ છે જ નહીં.’
    Photoline L to R : 2 former PRL directors Prof. Devendra Lal & Prof. Sudhir Pandya (photo : binit modi)

Monday, January 26, 2009

આર.સી.મહેતા: પદ્મભૂષણ અને પંચાજીરી




પત્રકારત્વમાં આવા યોગાનુયોગ ઓછા બને છે. ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રગટ થનારા અંક માટે મોટા ભાઇ બીરેન કોઠારીએ તેની ‘ગુર્જરરત્ન’ કોલમ માટે વડોદરાના પ્રોફેસર આર.સી. (રમણલાલ છોટાલાલ) મહેતાનો પ્રોફાઇલ લખ્યો. અંક છપાઇ ગયો છે અને આજે 91 વર્ષના મહેતાસાહેબને ‘પદ્મભૂષણ’ મળ્યાના સમાચાર આવ્યા છે.

મહેતાસાહેબ સાથે પહેલો પરોક્ષ પરિચય વિનોદભાઇ (ભટ્ટ)ને લીધે થયો. એમણે કરેલા ગુજરાતી હાસ્યલેખકોની એક-એક કૃતિના સંચયમાં એક ઉત્તમ લેખ ‘કવિ બનવાની તરકીબો’ હતો. તેના લેખક તરીકે નામ વાંચવા મળ્યું. રમણલાલ મહેતા. લેખ એટલો પ્રભાવક હતો કે લેખક વિશે તપાસ કરવાની ઇચ્છા થાય. વિનોદભાઇને પૂ્છ્યું, એટલે તેમણે કહ્યું,’બહુ સારો હાસ્યકાર. પણ તેમનું એક જ પુસ્તક છે. પંચાજીરી. એ વડોદરામાં રહે છે. સંગીતની કોલેજમાં પ્રિન્સિપાલ હતા.’

થોડા વખત પછી 1951માં પ્રકાશીત થયેલા તેમના એકમાત્ર હાસ્યલેખસંગ્રહ ‘પંચાજીરી’ ની 1993માં પ્રકાશિત થયેલી બીજી આવૃત્તિની થોડી નકલો વિનોદભાઇ પાસે આવી. તેમણે એમાંથી એક યાદ રાખીને પ્રેમપૂર્વક મને આપી. મહેતાસાહેબના હાસ્યની કક્ષાનો એ વાત પરથી ખ્યાલ આવશે કે જ્યોતીન્દ્ર દવેએ તેના પુસ્તકનું પાછલું આવરણ લખ્યું હતું એ તો ઠીક (‘ઠીક’ એટલા માટે કે જ્યોતીન્દ્રનાં ધોરણો પ્રમાણમાં ઉદાર હતાં) પણ રા.વિ.પાઠકે પુસ્તકની પ્રસ્તાવના લખી હતી. લેખક તરીકે મહેતાસાહેબના બે બોલ પણ તેમની સૂક્ષ્મ છતાં પ્રચંડ હાસ્યવૃત્તિના પરિચાયક હતા.

વધુ થોડાં વર્ષ પછી મેં જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધન ચાલુ કર્યું. ત્યારથી મનમાં હતું કે જ્યોતીન્દ્રએ મહેતાસાહેબના પુસ્તકનું પાછલું પૂંઠું લખ્યું હતું, એટલે મહેતાસાહેબને પણ મળવું જોઇએ. તેમનું સરનામું પણ હતું- આંબેગાંવકર્સ હાઉસ, હસમુખ પ્રેસની સામે, જંબુબેટ, દાંડિયાબજાર, વડોદરા. ઘણી વાર વડોદરા આવવા-જવાનું થયું. પણ જોગ ખાધો નહીં. વચ્ચે વચ્ચે વિનોદભાઇ સાથે વાત થયા કરતી. મહેતાસાહેબની ઉંમર વધતી હતી. પણ મળવાનું ન થયું તે ન થયું.

ગયા વર્ષે યોગાનુયોગ એવો થયો કે અમારે રજનીકુમાર પંડ્યાની સાથે મળીને મહાન ગાયિકા જુથિકા રૉયના સન્માન સમારંભ અને તેમની આત્મકથાના ગુજરાતી અનુવાદના પ્રકાશન સાથે સંકળાવાનું થયું. આખો કાર્યક્રમ રંગેચંગે અને યાદગાર રીતે પાર પડ્યો. એ પુસ્તક ‘ચૂપકે ચૂપકે બોલ મૈના’માં મારો અને બીરેનનો એક સંયુક્ત લેખ પણ હતો, જેમાં જુથિકા રૉય સાથેના અમારા પ્રથમ પરિચયથી માંડીને આ સમારંભ-પુસ્તક સુધીની સફર શી રીતે તય થઇ તેનું છેલ્લાં સત્તર-અઢાર વર્ષના ઘટનાક્રમનું બયાન હતું. એ વાંચીને એક દિવસ બીરેન પર ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું,’હું પ્રોફેસર આર.સી.મહેતા.’
મહેતાસાહેબ સંપર્ક કરવામાં અમારા કરતાં વધારે ચીવટવાળા નીકળ્યા. બીરેનના સુખદ આશ્ચર્યનો પાર નહીં. જેમનો સંપર્ક કરવાની એક અરસાથી ઇચ્છા હતી, તેમનો આટલાં વર્ષ પછી સામેથી ફોન આવે. ત્યાર પછી થોડા વખતમાં મારે વડોદરા જવાનું થયું ત્યારે 31 ઓક્ટોબર, 1918ના રોજ જન્મેલા મહેતાસાહેબની 91મી વર્ષગાંઠના થોડા દિવસ પહેલાં અમે એમને પહેલી વાર મળ્યા.

જૂના વડોદરામાં પોતાના ઘરમાં એકલા અને આનંદમાં રહેતા મહેતાસાહેબે એકાદ કલાક સુધી પ્રેમથી વાતો કરી. ફોટા પાડવા દીધા. તેમની સંગીતકારકિર્દી વિશે પણ વાતો થઇ. 91મે વર્ષે તેમનો જીવનરસ પ્રચંડ હતો. જ્યોતીન્દ્ર વિશે પણ થોડી વાતો થઇ. મઝાની વાત એ હતી કે આ ઉંમરે મહેતાસાહેબ એક આસિસ્ટન્ટ રાખીને ઇ-મેઇલ પણ વાપરતા હતા. 91 વર્ષના માણસનું ફંક્શનલ (કાર્યરત) ઇ-મેઇલ એડ્રેસ મેળવવાની પણ એક મઝા હોય છે.

બહાર નીકળ્યા પછી અમને પહેલો વિચાર એ આવ્યો કે મળ્યા ભલે અંગત રીતે, પણ મહેતાસાહેબ વિશે લખવું જોઇએ. બીરેને ત્યાર પછી ત્રણ વિસ્તૃત મુલાકાત લીધી. મહેતાસાહેબ ગુજરાતના એકમાત્ર મ્યુઝીકોલોજિસ્ટ (સંગીતશાસ્ત્રજ્ઞ) હોવાનું બહુમાન ધરાવે છે. તેમના વિશેનો પ્રોફાઇલ, તેમને પદ્મભૂષણ મળ્યા પહેલાં, છાપવાનો થાય તો મોટા ભાગના તંત્રીઓ કહી દે:’આપણા વાચકોને આવું ન ગમે.’ પણ દીપક સોલિયા સાથે કામ કર્યું હોય એ જાણે છે. તેમણે પ્રોફાઇલ વાંચ્યો અને રાબેતા મુજબ, મુક્ત કંઠે આનંદ વ્યક્ત કર્યો. હવે મહેતાસાહેબને પદ્મભૂષણ જાહેર થયા પછી એમના વિશે છાપાંની કોલમોમાં અને બીજે ઘણું લખાશે. તેનો આનંદ જ છે. પણ તેમના વિશે, ‘પદ્મભૂષણ મળ્યાથી કેવું લાગે છે?’ એ સિવાયના સવાલોના જવાબો અને બીજી વાતો જાણવી હોય તો ‘અહા જિંદગી’ના ફેબ્રુઆરીના અંકમાં બીરેને લખેલો તેમનો પ્રોફાઇલ વાંચવો રહ્યો.

મહેતાસાહેબને પદ્મભૂષણ ભલે સંગીત ક્ષેત્રે સેવા માટે મળ્યો, પણ આપણને તેમના હાસ્યમાં વિશેષ રસ પડે. એટલે મહેતાસાહેબની ‘પંચાજીરી’માં ‘લેખકના બે બોલ’ની એક વાનગીઃ

‘એક અસ્વસ્થ-રોમાન્ટિક-પ્રકૃતિ ધરાવતા વિવેચક લખે છે,’સવાર હતી ન હતી, બપોર હતી ન હતી, સંધ્યા હતી ન હતી ને આંખ ઉઘાડીને જોયું તો ટપાલી બૂમ પાડી રહ્યો છે. ખરેખર, રમણલાલભાઇનું પુસ્તક હોય ને ટપાલી બૂમ પાડે જ કેની? આવ્યું કે તરત જ છેલ્લે પાનેથી વાંચવા માંડ્યું. આઇ કુડ ફિનિશ ધ બુક ઇન નો ટાઇમ. મોડી સાંજે ચા વખતે ચાની કીટલી પરથી પુસ્તક ઉઠાવતી વેળા રેણુએ પૂછ્યું,’કોની બનાવેલી ચોપડી છે? તે ખરીદ્યું?’ મેં કહ્યું,’રમણલાલની ચોપડી છે- છે પુસ્તક અમૂલ્ય. આજે જ ટપાલમાં આવી. હા, પણ આજે ચા સરસ થઇ છે.’ રેણુએ સ્મિતકુસુમો વેરતાં કહ્યું,’ચા તો દરરોજ એકસરખી બને છે. પણ આજે કીટલી પરનું ઢાંકણ તૂટી જતાં આ ચોપડી ઢાંકી હતી.’ મેં રેણુના કમળના પત્ર સરીખા હાથ હૃદયસરસા ચાંપીને કહ્યું,’રેણુકા રેણુ પુસ્તકો પ્રત્યે તારી દૃષ્ટિ પણ અનોખી છે.’
પણ માફ કરજો, આ પુસ્તક સંબંધી મારો અભિપ્રાય તદ્દન જુદો છે. આ પુસ્તક અમૂલ્ય નથી અને સવા બે રૂપિયા એ એનું છાપેલું મૂલ્ય છે ને તે દીવા જેટલું સ્પષ્ટ જણાય એમ છે.

contact : profrcmehta@yahoo.com
phone : 91-265-2425388

Sunday, January 25, 2009

મધુ રાયના સાત રંગ




(photoline (L to R) : 1. Pranav Parekh, Lalit Khambhayta, Dhaivat Trivedi, Divyesh Vyas, Manish Maheta with Madhu Rye 2. Kshma Kataria, Urvish Kothari, Ketan Rupera with Madhu Rye 3. Madhu Rye 4. Pranav Adhyaru, Pranav Adhyaru 5. Urvish, Ketan, Binit Modi)
ગુજરાતી સાહિત્ય અને વાચકજગતમાં મહાન કે યાદગાર કૃતિઓ ઘણી છે, પણ સદાકાળ યાદ રહી જાય એવાં પાત્રો ઓછાં. હોય એ પણ મુખ્યત્વે નવલકથાઓમાં. ટૂંકી વાર્તામાં એક પાત્રને લઇને અનેક યાદગાર વાર્તાઓ લખાઇ હોય એવું બહુ જાણ્યું નથી. (જાણકારો જણાવી શકે છે.) પણ મધુ રાયનો ‘હરિયો’ એમાં સુખદ અને મજબૂત અપવાદ છે. મધુ રાયની હરિયા સિરીઝની વાર્તાઓ એવી છે કે સૌ પોતપોતાની કક્ષા પ્રમાણે તેમને માણી શકે. મને અત્યંત ગમતી ‘ઇંટોના સાત રંગ’ અને ‘કાન’ જેવી વાર્તાઓ વાંચીને માણસ આફરીન પોકારી જાય અને વિચારે પણ ચડી જાય. ‘ઇંટોના સાત રંગ’ તો ઘણી વાર હું જીવન ફિલસૂફી ઘડનારી વાર્તાઓમાંની એક ગણું છું. ક્યારેક જે કરી રહ્યા હોઇએ તે નિરર્થક લાગવા માંડે ત્યારે ‘ઇંટોના સાત રંગ’ વાંચી લેવાની...
આટલી પૂર્વભૂમિકા એટલા માટે કે અમેરિકાનિવાસી મધુ રાય આજકાલ ગુજરાતમાં છે. હમણાં તો એમની નવી ઓળખાણ પણ છેઃ તેમની નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી આશુતોષ ગોવારિકર ફિલ્મ બનાવી રહ્યા છેઃ ‘વોટ્સ યોર રાશિ?’ તેના સંબંધે લક્ષ્મીવિષયક જિજ્ઞાસા થાય. પણ મધુ રાય કહે,’લક્ષ્મી વિશે પૂછનારે સરસ્વતી સાંભળવી પડે.’

બે વર્ષ પહેલાં મધુ રાય આવ્યા ત્યારે રજનીકુમાર પંડ્યા, બિનીત મોદી અને ચંદ્રશેખર વૈદ્ય સાથે મધુ રાય સાથે ધોરાજી જવાનું અને બે-ત્રણ દિવસ સાથે રહેવાનું થયું હતું. આ વખતે હું અને બિનીત તેમને નિરાંતે- સાથે જમવા માટે- મળવાનું વિચારતા હતા. પછી મધુ રાયની કલમના ચાહક એવા બીજા મિત્રોની પણ યાદ આવી. એટલે સૌએ ભેગા મળીને તેમની સાથે 23 જાન્યુઆરીની સાંજ વસ્ત્રાપુર તળાવની સામે આવેલા ‘રૂડું કાઠિયાવાડ’ રેસ્ટોરાંમાં ગાળવાનું ગોઠવ્યું, દસ-અગિયાર મિત્રો મળ્યા. બે-ત્રણ કલાક મધુ રાય સાથે સત્સંગ કર્યો અને તેમના ગયા પછી પાંચ-છ મિત્રો સાથે રાત્રે દોઢ વાગ્યા સુધી એક્સ્ટેન્ડેડ સત્સંગ થયો.

‘મધુ રાયના સર્જનની થવી જોઇએ એવી કદર થઇ નથી’ એવું લખવામાં બીક લાગે છે. કારણ કે એમાંથી એવું ફલિત થવાની આશંકા રહે છે કે બીજા સર્જકોની કદર થઇ છે. ખુદ મધુભાઇ આ વાતને ‘લેન્ગ્વેજ ઇઝ ડેસ્ટીની’ના ખાનામાં નાખે છે. ગુજરાતીમાં લખો એટલે સીમાડા બંધાઇ જાય. બાકી ઘણી વાર મારા જેવા અંગ્રેજીનું- ખાસ કરીને સાહિત્યનું- ઓછું વાચન ધરાવતા લોકોને થાયઃ આ અંગ્રેજી લેખકો એવું તે શું લખીને લાખો ડોલરના એડવાન્સ મેળવતા હશે, જે મધુ રાય કે રજનીકુમાર પંડ્યાને નથી આવડતું?

મધુ રાયનાં પુસ્તકો ઓછાં. તેના પ્રકાશનમાં થયેલા સારા અનુભવો એથી પણ ઓછા. ‘કલ્પતરુ’ નવલકથાના મુખપૃષ્ઠ માટે વિખ્યાત ચિત્રકાર ભૂપેન ખખ્ખરે ચિત્ર બનાવી આપેલું. (મિત્ર વિજય પટેલ એ ચિત્ર પરથી આ પુસ્તકને ‘માથામાં ઝાડ ઉગે એવું’ કહેતા હતા.) ભૂપેન ખખ્ખરનું અસલ ચિત્ર પ્રકાશકથી ખોવાઇ ગયું. મધુભાઇ કહે છે,’આજે એ ચિત્ર હયાત હોત તો...’ અસાઇત સાહિત્ય સભાવાળા વિનાયક રાવલે તેમનાં નાટકો છાપવા માગ્યાં. એ વાતને વર્ષો વીત્યાં. હજુ તેનું ઠેકાણું પડ્યું નથી. આવી બધી ઘટનાઓનો વિષાદી પડઘો મધુભાઇની વાતમાં આંતરપ્રવાહ (અન્ડરકરન્ટ) તરીકે વહેતો સંભળાય?

‘કેમ લખતા નથી?’ એવું પૂછતાં તરત જવાબ મળે,’કોણ છાપે છે?’ મનીષ મહેતાએ પૂછ્યું,’છાપીએ તો તમે આત્મકથા લખો?’ મધુ રાય હસ્યા. જેનો અર્થ એ જઃ ‘કોણ છાપે?’ મેં કહ્યું,’આપણા તંત્રીઓ એવા છે કે આત્મકથા હોય તો પણ લેખકને કહે,’અંગત ઉલ્લેખો ટાળજો.’ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં તેમની કોલમ આવે છે. પણ મધુ રાયની અસલ ફ્લેવર તેમાં ક્યારેક જ જોવા મળે. માત્ર એ કોલમ વાંચતા હોય એ લોકોને મધુ રાયના પ્રતાપી ગદ્યનો અંદાજ ન આવે.

નાટકો મધુ રાયનાં. ‘સંતુ રંગીલી’ હજુ લોકો યાદ કરે છે. મધુ રાયની ‘સંતુ’ વિશે લખવા- જે કંઇ સારામાઠા અનુભવો હોય એ લખવા- ફરી એક વાર પ્રેમાગ્રહ કર્યો. ‘ખેલંદો’ અને કેતન મહેતાએ ભજવેલું ‘ચાન્નસ’ મધુ રાયે કદી જોયાં નથી. તેમનાં નાટકોનાં ઓડિયો રેકોર્ડિંગ પણ કોઇ સહૃદયી શોધી કે મેળવી આપે તો કામ થાય. ‘કુમારની અગાસી’ અમેરિકામાં યુવાનોના એક જૂથે ‘ટેરેસ’ નામે ભજવેલું, તે મધુ રાયને આકસ્મિક જાણવા મળ્યું. નાટકના શો વખતે એ પહોંચી શક્યા નહીં, પણ અઠવાડિયા પછી એ ગામ જવાનું થયું. છોકરાઓ ઉત્સાહથી મધુ રાયને મળ્યા. કહે,’નાટક સરસ છે. પણ અમે અંત બદલી નાખ્યો. જરા વધારે મજા આવે.’

એટલે હવે છોકરાઓ નાટક ભજવે છે એવું જ્યારે સાંભળવા મળે ત્યારે મધુ રાયને ફાળ પડે છે અને અંત વિશે અમંગળ વિચારો આવે છે. એટલે જ ભાઇ ધૈવત ત્રિવેદીએ કહ્યું કે ‘હમણાં કોઇ કોલેજ ફેસ્ટિવલમાં તમારું ‘કોઇ પણ એક ફૂલનું નામ બોલો તો’ ભજવાયું’ એટલે તત્કાળ ઇન્ક્વાયરી શરૂ થાય છે.

નિરાંતે કાઠિયાવાડી ભોજન જમ્યા પછી નિર્દોષ પાન જમાવીને વાતોનો બીજો દૌર શરૂ થાય છેઃ બક્ષીનામા. એક વાર બક્ષીએ મધુ રાયને કહ્યું,’એવી નવલકથા લખવી છે કે માણસ બોરીવલીથી પાન મોમાં દબાવીને બેઠો હોય તો ચર્ચગેટ આવે ત્યારે પણ પાન એમનું એમ જ હોય.’
મધુ રાયઃ સરસ કહેવાય.
બક્ષીઃ શું?
મધુ રાયઃ પાન, વળી.

‘બક્ષી બાબત 116 જોક્સ’ મધુ રાયના અને બક્ષી વિશેના સદાબહાર લેખોમાંનો એક લેખ છે, જેનાં ઘણાં અવતરણો હું અવારનવાર ટાંકુ છું. એક ‘સામ્પલ’- નર્મદ કરતાં મારા વાચકો વધારે છે એવા બક્ષીબાબુના દાવા અંગે મધુ રાયઃ ‘એના માટે ગુજરાતી પ્રજાનું વાચન નહીં, પણ પ્રજનન જવાબદાર છે.’
અગીયાર વાગ્યે મધુ રાયના ભાઇ અરુણ ઠાકર અને તેમના બનેવી આવી પહોંચ્યા. એટલે તેમણે મહેફિલની વિદાય લીધી.

મધુ રાય, અશ્વિની ભટ્ટ, રજનીકુમાર પંડ્યા જેવા સિત્તેરની આસપાસના લેખકોની આત્મકથા હોવી જોઇએ એવું તીવ્રપણે લાગ્યા કરે છે. તેમના જેટલી ચડાવઉતારવાળી જિંદગી બહુ ઓછા માણસોને જોવા મળી હશે. હવે એવાં છાપાં રહ્યાં નથી, જે આ લોકોની આત્મકથા હપ્તાવાર છાપે. બાકી, કોઇ છાપે તો આ લોકો જરૂર લખે. પણ છાપાંના કર્મચારીઓના કારણ વગરના વાંધા અને ‘લેખકોનો બહુ પ્રચાર થઇ જાય’ એવી નબળી બીકને લીધે વાસ્તવમાં એ શક્ય બનતું નથી. સામયિકો પાસેથી પણ એવી આશા નથી. માણસ હોય ત્યારે તેની પાસેથી બધું કઢાવી લેવાને બદલે, એની બિનહયાતીમાં આપણાથી શું શું ન થઇ શક્યું એનો વસવસો કરવાનું વધારે સગવડભર્યું હોય છે.

Wednesday, January 21, 2009

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માઃ અસરો અને આડઅસરો


ગુજરાતી વાર્તાઓ કે નવલકથાઓ પરથી સિરીયલ બનવાની હવે નવાઇ રહી નથી. હરકિસન મહેતા, રજનીકુમાર પંડ્યા, અશ્વિની ભટ્ટ, મહેશ યાજ્ઞિક, વર્ષા અડાલજા અને બીજા ઘણા નામી- ઓછા નામી લોકોની કૃતિઓ ટીવી પર પહોંચી છે. તેમાં ફક્ત પ્રોડ્યુસરને જ નહીં, લેખકને પણ તંદુરસ્ત રકમ અને લોકપ્રિયતા મળી હોય એવાં ઉદાહરણોમાં અત્યાર સુધી રજનીકુમાર પંડ્યાની અધિકારી બંઘુઓએ બનાવેલી સિરીયલ ‘કુંતી’નું નામ આવતું હતું. હવે તેની સાથે ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ને મુકવી પડે. તેનું વિશેષ મહત્ત્વ એ પણ ખરૂં કે સિરીયલના નામમાં અને તેના ટાઇટલ ગીતમાં ગૌરવપૂર્વક લેખકનું નામ મુકવામાં આવ્યું છે.
અત્યારે એ સિરીયલની લોકપ્રિયતા અને તેની હકારાત્મક આડઅસરોથી લેખક તારકભાઇના ચાહક અને માણસ તારકભાઇના પ્રેમી તરીકે ઘણો આનંદ થાય છે. ‘હકારાત્મક આડઅસરો’ એટલે? મારાં એક કઝિન પારૂલ પરીખની કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી દીકરી નિશા પહેલાં આ સિરીયલની ચાહક બની અને હવે ઘરમાં મમ્મી-પપ્પા-ભાઇએ વસાવેલાં તારક મહેતાનાં પુસ્તકો વાંચતી થઇ છે. અંગ્રેજી મીડિયમમાં ભણતી નિશાના કહેવા પ્રમાણે, તેના મિત્રો- અને તેની પેઢીના- ઘણા લોકો આ સિરીયલ થકી તારકભાઇના પરિચયમાં આવ્યા છે અને તેમના ચાહક બન્યા છે.
‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની સફળતા માટે તારકભાઇ-ઇન્દુકાકીને અને સિરીયલ બનાવનાર એમના પ્રેમી નિર્માતા-નિર્દેશકને તેમના સૌ ચાહકો વતી અભિનંદન.
(ફોટોલાઇનઃ લગભગ છ મહિના પહેલાં સિરીયલનો આરંભ થયો એ વખતના સમારંભની આ તસવીરો.) તમામ તસવીરોઃ બિનીત મોદી
photolines: Tarak Maheta with characters he created. Tarak Maheta- Induben Maheta sitting with Dayaben & Tapu.

એમઓયુઃ ગુજરાતનો ‘નવો વેપાર’

ભૂકંપ અને કોમી હિંસા પછી ગુજરાતમાં એમઓયુ માટે ચર્ચામાં છે. અખબારો બીબાંથી છપાતાં નથી એટલું સારૂં છે. નહીંતર, વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા છાપવા માટે મીંડાનાં બીબાં ખૂટી પડત અને બીબાં બનાવતી કંપનીઓ સાથે અખબારોએ અમુક હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડત.

કોમી હિંસા અને તેની પહેલાં ભૂકંપ પોતપોતાના સમયમાં એવાં છવાયાં હતાં કે બાકીની બધી -સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક અને પરચૂરણ- વાતો તેમના સંદર્ભે જ થાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં આ સાલ થયેલા અમુક લાખ કરોડ રૂપિયાના એમઓયુ પછી બાકીનાં તમામ ક્ષેત્રોમાં એમઓયુ-ચાળો ફેલાય તો?

***
છોકરીને જોવા માટે મુરતિયો તેનાં માતા-પિતા સાથે આવ્યો છે. છોકરો-છોકરી એક રૂમમાં વાતો કરે છે. બહાર છોકરાના પપ્પા (પપ્પા ૧)ની છોકરીના પપ્પા (પપ્પા ૨) સાથે ચર્ચા કરી રહ્યા છે.
પપ્પા ૧: શું લાગે છે?
પપ્પા ૨: હવેનાં છોકરાંનું કંઇ કહેવાય નહીં.
પપ્પા ૧: પણ એ લોકો વાતો કરે ત્યાં સુધી આપણે એમઓયુ તો કરી નાખીએ! એમાં બન્નેના ગમવાની રાહ જોવાની ક્યાં જરૂર છે? તમે અહીં આટલે સુધી આવ્યા ને સાવ ખાલી હાથે જાવ એ કેમ ચાલે?
પપ્પા ૨: બરાબર છે. આપણે દસ લાખ રૂપિયાનો એમઓયુ કરીએ.
પપ્પા ૧: શ્શ્શ્શ્શ્...ધીમેથી બોલો. કોઇ સાંભળી જશે તો આપણા બન્નેની આબરૂ જશે. આ તે કંઇ એલઆઇસીનો વીમો લેવાનો છે કે તમે લાખમાં વાત કરો છો? એમઓયુ કરવાનો છે, એમઓયુ! બસો-પાંચસો કરોડ રૂપિયાનો ન કરીએ તો દેશ ને દુનિયા આગળ આપણું ને આપણા ગુજરાતનું કેવું લાગે?
પપ્પા ૨: હું તો તમારી પરીક્ષા કરતો હતો. સાતસો કરોડનો એમઓયુ કરી નાખીશું?
પપ્પા ૧: હવે લીટી ભેગો લસરકો. હજાર-બારસો કરોડ રાખી દો. અત્યાર સુધી આ છોકરા માટે બાવીસ હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરી ચૂક્યા છીએ, પણ એનું હજુ ગોઠવાતું નથી.
પપ્પા ૨: હશે. ધીરજ રાખવી. ના, ના કહેતાં અમારે પણ આ છોકરી માટે સત્તર હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડ્યા છે. સંસાર છે. એમઓયુ તો ચાલ્યા કરે.

સ્થળ પર હાજર એક એનઆરજી સંબંધી આંખો અને મોં પહોળાં કરીને આ બઘું સાંભળી રહ્યા છે. અંતે ન રહેવાતાં એ પૂછે છે,‘પણ આ છોકરો-છોકરી એકબીજાને જુએ એમાં એમઓયુ કરવાની શી જરૂર?’'
છોકરાના પપ્પાઃ જુઓ, બન્ને જણ એકબીજાને પસંદ પડે તો પછી એ સંસાર માંડવાના કે નહીં? સંસાર માંડે તો એમને ખર્ચ થવાનો કે નહીં? પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો આ મોંઘવારીના જમાનામાં ખર્ચ ગણો અને એમનો સંસાર પચાસ વર્ષ ટકશે એવો અંદાજ બાંધો તો કુલ ખર્ચ કેટલો થાય? એવો જાડો અંદાજ બાંધીને તેમાં બે-ચાર મીંડા ઉમેરીને એટલી રકમનો એમઓયુ અત્યારથી બન્ને પાર્ટીઓ કરી નાખે તો...
એનઆરજીઃ પણ એનો અર્થ શો? હજુ લગ્ન નક્કી ન હોય ને હજારો કરોડની વાતો... અને લગ્ન થઇ જાય તો પણ શું? જે રકમ આવતાં પચીસ કે પચાસ વર્ષમાં ખર્ચાવાની છે એનાથી અનેક ગણી વધારે રકમના આંકડા અત્યારે ઉછાળીને હરખાવાનો શો મતલબ?
છોકરાના પપ્પાઃ ‘તમને અહીંના રિવાજમાં ખબર ન પડે. ગુજરાત પ્રગતિના પંથે છે ને એની પ્રગતિ લોકોથી ખમાતી નથી. એવા લોકો જ આવી દલીલો કરે છે. તમે ગુજરાતવિરોધી છું?
એનઆરજીઃ ના, પણ તમે સામાન્ય બુદ્ધિના વિરોધી છો?
છોકરીના પપ્પાઃ દલીલબાજીનો કશો અર્થ નથી.
એનઆરજીઃ ઓ.કે., હવે પાછો જઇને હું એરલાઇન્સ સાથે હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના એમ ઓયુ કરીશ- મારી આવતી પેઢીઓની વિદેશયાત્રાઓના ખર્ચા પેટે. ગ્રોસરી સ્ટોર સાથે સેવન હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના અને હોસ્પિટલ સાથે વન બિલિયન પાઉન્ડના એમઓયુ પણ કરી નાખીશ.
છોકરાના પપ્પાઃ હવે તમે ગુજરાતના મુખ્ય મંત્રીને ગૌરવ થાય એવી વાઇબ્રન્ટ વાત કરી. જુઓ, તમારે દર વર્ષે ત્યાં એક મોટી પાર્ટી રાખવાની. એમાં આવી બધી કંપનીઓવાળા ને એ ન મળે તો સ્ટોરવાળાને બોલાવવા, જલસાપાણી કરવાં, એ બધામાં જે ખર્ચો થાય તેને ઇન્વેસ્ટમેન્ટ ગણવો અને એ લોકોની સાથે મિલિયન્સ ઓફ પાઉન્ડના એમઓયુ સાઇન કરવા. પછી જુઓ, તમારો કેવો વટ પડે છે. લોકો કહેશે, આ તો બહુ મોટી પાર્ટી છે. બે વર્ષ પહેલાં વન બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા હતા અને આ વર્ષે ફોર બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા છે...
એનઆરજીઃ બસ. હવે હું છું, કંપનીઓ છે ને એમઓયુ છે.

***
વાઇબ્રન્ટ ગુજરાતમાં મીંડાના વરસાદ પછી પણ કોરાકટ રહ્યા હોય એવા લોકો કહે છે, ‘કેટલા એમઓયુ વાસ્તવિક પ્રોજેક્ટમાં ફેરવાય છે એ તો જુદી વાત છે. પણ એમઓયુ પછી ખરેખર પ્રોજેક્ટ થાય તો મોટો ફાયદો ઉદ્યોગપતિઓને છે ને પ્રોજેક્ટ થાય કે ન થાય, મુખ્ય મંત્રીને ફાયદો જ ફાયદો છે. એમાં આમજનતાને શું?’
આવા લોકોને ચૂપ કરવા માટે અને વાઇબ્રન્ટ ગુજરાતનો મિજાજ છેવાડાના માણસની જિંદગીમાં કેવો ફરક પાડી શકે, એ બતાવવા માટે અહીં આમજનતા કોની કોની સાથે એમઓયુ કરી શકે, તેની અછડતી, નમૂનારૂપ યાદી અહીં આપી છે. તેમાં સૌ પોતપોતાની સમજણ પ્રમાણે ઉમેરા કરી શકે છે.
દાતણવાળા (એગ્રીકલ્ચર સેક્ટર)
અગાઉ ભાખરી-રોટલીના સાટામાં કે હવે રૂપિયો-બે રૂપિયાની કિંમતમાં દાતણની ઝૂડી વેચનારા લોકો છેવાડાના ગણાય કે નહીં? ગણાય! તો એમને એક દિવસ ઝડપી લો અને તેમની સાથે આખી પોળ વતી આજીવન દાતણ ખરીદવા માટે પચીસ કરોડ રૂપિયાનો એમઓયુ કરી નાખો. પછી જુઓ, રોજ કેવાં તાજાં દાતણ આવે છે, વૈશ્વિક મંદીના વાતાવરણમાં ગુજરાતનો દાતણઉદ્યોગ કેવો તેજીમાં આવે છે ને તેમાં કેટલા ગ્લોબલ પ્લેયર પ્રવેશે છે!
બસ-રીક્ષા-છકડા-ટ્રેન (ટ્રાન્સપોર્ટ/ગ્રીન ટેકનોલોજી સેક્ટર)
અમદાવાદના લોકો એએમટીએસ સાથે કે વડોદરાના લોકો ‘વીટકોસ’ સાથે આજીવન ભાડા પેટે માથા દીઠ પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી શકે છે. ટ્રેનમાં અપ-ડાઉન કરતા લોકો કેન્દ્ર સરકાર સાથે એવી જ રકમના એમઓયુ કરી શકે છે. સામાન્ય સંજોગોમાં ટિકીટ ન લેતા હોય એવા લોકો પણ એમઓયુ માટે ઉલટભેર તૈયાર થશે. આ રીતે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઉન્નત મસ્તકે ફરી શકશે અને ટિકીટ માગતાં તુચ્છ ટિકિટ કે સીઝન ટિકીટને બદલે અમુક સો કરોડ રૂપિયાના એમઓયુનો કાગળ બતાવશે.
ફીનાઇલવાળા ( કેમિકલ સેક્ટર)
શેરીમાં કે સોસાયટીમાં સાયકલ કે લારી લઇને ફીનાઇલ વેચવા આવનારને ઓછા આંકવા નહીં. તેમની સાથે પણ પચીસ-પચાસ કરોડના એમઓયુ કરી શકાય અને ટાર્ગેટમાં ફીગર ખૂટતી હોય તો આ બધે એક-બે મીંડાં ઉમેરી દેવાના. ઘી ઢળ્યું તો ખીચડીમાં ને મીંડાં પડ્યાં તો એમઓયુમાં!
છાપાનો ફેરિયો (મીડિયા સેક્ટર)
દર મહિને સો-બસો રૂપૈડીનું બિલ આપવા-લેવાનું વાઇબ્રન્ટ ગુજરાતના નાગરિકોને શોભે? એને બદલે છાપાંવાળા સાથે સાગમટા છાપાં અને પસ્તી માટે પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી નાખ્યા હોય તો?

ગુજરાતનાં કોમી રમખાણોમાં સરકાર પાસેથી ન્યાય, રાજધર્મ અને ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની અપેક્ષા રાખતા લોકોએ હવે મુખ્ય મંત્રીની ટીકા કરવાનું છોડીને આવતા વાઇબ્રન્ટ ગુજરાત માટે એક સ્ટોલ રાખવો જોઇએ. મેમોરેન્ડમ કરવાથી સરકાર પાસેથી ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની આશા રહેતી હોય તો એ રસ્તો અજમાવી જોવામાં શું વાંધો?

Saturday, January 17, 2009

૧૫૦મી પોસ્ટઃ શબ્દાર્થપ્રકાશ # 8

આટાપાટાભંડારાઃ કોઠાકબાડા, દાવપેચ
મુસ્લિમ ટેરર (અને હવે હિંદુ ટેરર)ને ધોરણે મતબેન્કોના આટાપાટાભંડારા બહુ થયા.(દિ.ભા.૨૯-૧૧-૦૮)
ધન્યોદગારઃ (કટાક્ષમાં) શરમજનક ઉદગાર
...મહારાષ્ટ્ર સરકારના ડિપોટી આર.આર.પાટિલ ‘આ કોઇ મોટો બનાવ નથી’ જેવા ધન્યોદગારથી અન્યથા પણ બોક્સમાં હતા જ. (દિ.ભા.૨-૧૨-૦૮)
પરિધાનપ્રવીણઃ સારાં કપડાં પહેરીને મહાલવામાં એક્કા
વાત માત્ર પરિધાન પ્રવીણ શિવરાજ પાટિલની....જ નથી. (દિ.ભા.૨-૧૨-૦૮)
(શિવરાજ પાટિલ એક દિવસમાં જુદાં જુદાં ત્રણ સફારી પહેરીને ટીવી કેમેરા સામે પેશ થયા હતા એ સંદર્ભે)
પાંચકામાં: પાંચ વર્ષના સમયમાં
આખલકૂદઃ બુલ રન
છેલ્લા દસકામાં બલકે પાંચકામાં આખલકૂદ અગર દોટ (બુલ રન) આપણે જોઇ છે! (દિ.ભા.૫-૧૨-૦૮)
ભોં ભાંગવીઃ ખરેખરૂં કામ કરવું
જોઇએ, જે બધી ખામીઓ વિસે ચિદમ્બરમ નિખાલસપણે પેશ આવ્યા છે એમાં તેઓ દુરસ્તી માટેની ભોં કેમની ભાંગે છે. (દિ.ભા.૬-૧૨-૦૮)
અનારંભીઃ નોનસ્ટાર્ટર
એનડીએ કાળથી હમણાં લગી વહેવારમાં કેવળ અનારંભી (નોનસ્ટાર્ટર) બની રહેલા આ સૂચન પર...(દિ.ભા.૬-૧૨-૦૮)
રાજવટઃ ગવર્નન્સ
સત્તા પર કોંગ્રેસ હોય કે ભાજપ કે બીજા, આ બધા સવાલો અંતે તો ધોરણસરની રાજવટના- ગવર્નન્સના છે. (દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮)
મોળપ અને કૂણપઃ નરમાશ...પાક સંડોવણી સબબ ક્લિન્ટન તંત્રે નો-નોનસેન્સ અભિગમ લીધો. છતાં જે મોળપ અને કૂણપ હતી તેમાં ૯/૧૧ના સ્વાનુભવ પછી અમેરિકાએ ખાસી દુરસ્તી કરી છે. (દિ.ભા.૮-૧૨-૦૮)
અરાજક કરવૈયાઓઃ નોન-સ્ટેટ એક્ટર્સ
દેખીતી રીતે જ, આ બધા તો અરાજક કરવૈયાઓ (નોન સ્ટેટ એક્ટર્સ) છે એમ કહીને પોતાની એક રાજ્ય તરીકેની બનતી જવાબદારી બાબતે હાથ ઉંચા કરી દેવાના પાક રવૈયા કરતાં...(દિ.ભા.૧૦-૧૨-૦૮)
ઉડ્ડાન ગબીઃ ટેક ઓફ પોઇન્ટ?
એ માટે ૨૬મી નવેમ્બરે મુંબઇ પર ત્રાટકેલા આતંકવાદીઓનો અને આ નોનસ્ટેટ એક્ટર્સ’ની ઉડ્ડાન ગબી રૂપ પાકિસ્તાનનો જ આભાર માનવો રહે. (દિ.ભા.૧૨-૧૨-૦૮)
અમે-તમારાથી-ચડિયાતા-શાઇઃ વન અપમેનશિપ
કદાચ ચૂંટણીના બાકી દોરને લક્ષમાં રાખીને જ અમે-તમારાથી-ચડિયાતા-શાઇ વન અપમેનશિપનો જોસ્સો ભાજપે કમ નહોતો દાખવ્યો. (દિ.ભા. ૧૨-૧૨-૦૮)
વારણઃ વારવાની ક્રિયા
ભારત સરકારે મંદીના વારણ અને મારણ માટે મસમોટું પેકેજ જાહેર કર્યાને હજુ તો...(દિ.ભા.૨-૧૨-૦૮)
પીછેકૂચઃ અવળી ગતિ
છેલ્લા વરસમાં એની પીછેકૂચ રહી છે. (દિ.ભા.૧૩-૧૨-૦૮)


(કુલ શબ્દોઃ 93)
વિશિષ્ટ વાક્યપ્રયોગો
  • બને કે ઝેડ પ્લસ સિક્યુરિટીની દોમ દોમ સ્ટેટસ સિમ્બોલ સામે ખુલ્લી દરિયાઇ સરહદથી મગતરાં પેઠે મરી શકતા માણસો, એ બેઉ મળીને જે અમાનવીય સહોપસ્થિતિ રચે છે તે આમ માનસને સારૂ જીરવવી દોહ્યલી હોય. (દિ.ભા.૨-૧૨-૦૮)
  • પાકિસ્તાને, ક્યારેક પોતે જ સરજેલ પરિબળોના ગ્રહણમાંથી છૂટવાની રીતે ભારત સાથે સહયોગનો રાજમાર્ગ હિંમતભેર અપનાવવા જેવો છે. એ સિવાય કોઇ પણ ટૂંકા રસ્તે તે લાંબું થઇ જશે...(દિ.ભા.૩-૧૨-૦૮)
  • બાનુઓ કેન્ડલ લઇને નીકળી એમાં આપણા ભાઇને કેમ જાણે સ્કેન્ડલ-બોધ થયો. ((દિ.ભા.લેખ, ૬-૧૨-૦૮, મુંબઇ હુમલા પછી ભાજપી નેતા સઇદ નકવીએ લીપસ્ટીક લગાડીને કેન્ડલ લઇને નીકળી પડેલી સ્ત્રીઓની ટીકા કરી હતી એ વિશે.

નોંધઃ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશભાઇનો છેલ્લો તંત્રીલેખ ૧૩-૧૨-૦૮ના શનિવારે પ્રકાશિત થયો. ૧૪-૧૨ના દિવસે રવિવાર અને ૧૫-૧૨ના દિવસે છાપું ખોલ્યું અને તંત્રીલેખનું પહેલું વાક્ય વાંચીને શું થયું હશે, તે આ વાક્ય જાતે વાંચીને જ નક્કી કરી લોઃ

‘મારે મિયાણા ને ફુલાય પીંજારા. અમેરિકા અને બ્રિટન પાકિસ્તાનને ધમકાવે એમાં ભારત કાખલી કૂટીને તાબોટા પાડી રહ્યું છે...

જય સિયારામ !

હવે પછી ભાસ્કરમાં શનિવારની અઠવાડિક કોલમ દ્વારા પ્રકાશભાઇની હાજરી રહેશે એવું જાણવા મળ્યું. વાઇબ્રન્ટ ગુજરાત વખતે એમાં પણ ખાડો પડ્યો. કારણો એ જ, જૂનાં અને જાણીતાં. એમણે વાઇબ્રન્ટ ગુજરાતની વાસ્તવિકતા વિશે લખ્યું હશે, જે ‘મેનેજમેન્ટ’ને અનુકૂળ નહીં આવ્યું હોય...

હવે પછી શબ્દાર્થપ્રકાશ વિભાગમાં તેમના અઠવાડિક લેખો અને નિરીક્ષકના લેખમાંથી શબ્દો મુકીશું. ઉપરાંત આ વિભાગ શરૂ થતાં પહેલાં ‘ભાસ્કર’માં એમણે જે તંત્રીલેખો લખ્યા છે, તેમાંથી પણ અવનવા શબ્દો સંદર્ભો સાથે રજૂ કરવાનું ચાલુ રાખીશું.

Friday, January 16, 2009

આસમાની સુલતાની 2009




On the top (Vasi Uttarayan on 4th floor of Pranav's Raypur house) : 1. Ashwinee Bhatt- Neeti Bhatt 2. Three generations of Gujarati novel writing : Pranav-Ashwineebhai-Mahesh Yagnik
3. Ketan Rupera-Urvish Kothari- Lalji Chavada- Pranav Adhyaru flying kite. 4. Ketan-Vishal Patadiya-Lalji-Pranav

આ શબ્દપ્રયોગ આફતના સંદર્ભમાં થાય છે, પણ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર સુલતાની ભોગવતા પ્રણવ જેવા મિત્રોને જોઇને આ પ્રયોગ યાદ આવે. આ વાસી ઉત્તરાયણના દિવસે પ્રણવના રાયપુરના ઘરે, ચોથા માળ પર કેટલાક મિત્રો ભેગા થયા હતા. અહીં તસવીરમાં નથી એવા ડોક્ટર તુષાર કાપડિયા પણ સપરિવાર થોડા સમય માટે આવ્યા હતા. અમારો કાયમી સાથીદાર બિનીત મોદી કોઇ કારણસર ફોટોમાં આવ્યો નથી. નવલકથાકાર-વડીલ મિત્ર મહેશ યાજ્ઞિક આકસ્મિક રીતે આવી ચડ્યા. એટલે પ્રણવ-મહેશભાઇ-અશ્વિનીભાઇએ પતંગ સાથે ફોટો પડાવ્યો. આગલા દિવસે પ્રકાશ ન.શાહ અને વિપુલ કલ્યાણી એ ધાબાની મુલાકાત લઇ ચૂક્યા હતા. હવે ‘ઉર્ઘ્વગતિશીલ’ (અપવર્ડલી મોબાઇલ) લોકોને પોળમાં રહેવાનું ગોઠતું નથી. પ્રણવ જેવા જૂજ લોકો પોળનાં ઘરમાં ટકી રહ્યા છે. એટલે ઉત્તરાયણ જેવા તહેવારો નિમિત્તે તેમને ઘેર મેળો ભરાય છે.
પ્રણવ-મહેશભાઇ-અશ્વિનીભાઇની તસવીરની ફોટોલાઇનમાં કોઇ ભૂલ નથી. પ્રણવ અગાઉ ભળતાં નામે બે નવલકથાઓ લખી ચૂક્યો છે. એનામાં નવલકથા લખવાની સારીએવી આવડત છે. પણ અનિવાર્ય ન હોય ત્યાં સુધી ન લખવાની તેની પ્રકૃતિને લીધે એ લખતો નથી. આશા રાખીએ કે આવતી ઉત્તરાયણ પહેલાં એને ક્યાંક એવી ફરજ પડે.

Wednesday, January 14, 2009

પતંગ, કન્ના અને એ.કે.56

વર્ષોથી પતંગ ચગાવતા કે પકડતા લોકોમાં કેટલાક શબ્દો- તેના મૂળ કે અર્થની મગજમારીમાં પડ્યા વિના વર્ષોથી વપરાતા હોય છે. એવો એક શબ્દ છેઃ પતંગને બાંધવાની કન્ના. અમે એને ‘કિન્યા’ કહેતા હતા. કેટલાક ‘કિન્ના’ખોરોઃ-) એને કિન્ના કહેતા હતા. પણ આજકાલ ‘સુધરેલા’ લોકોના મોઢેથી ‘કિન્નાર’ કે ‘કન્નાર’ જેવો શબ્દ સાંભળીને કૂતુહલ થયું. એમાંથી ખબર પડી કે મૂળ સંસ્કૃત શબ્દ છેઃ કર્ણ. પેલો દાનેશ્વરી નહીં, પણ ભૂમિતિમાં આવતો હતો એ. (‘કાટકોણ ત્રિકોણના કાટકોણ સિવાયના બે ખૂણાને જોડતો રેખાખંડ’) ‘કર્ણ’ પરથી ‘કન્ન’ થયું અને એમાંથી કિન્ના, કન્યા અને હવે કિન્યાર. અ..ર..ર..ર..ર

ઉત્તરાયણનો બીજો ટ્રેન્ડ દોરાની બ્રાન્ડને લગતો છે. પહેલાં ‘સાંકરાંઠ’ (સાંકળ આઠ) અને ‘મોદી’ દોરા આવતા. ‘મોદી’ની બ્રાન્ડ ‘એમટીએમ’ (મોદી થ્રેડ મિલ)ના નામે જાણીતી હતી. તેના ટ્રેલર પર પેન્ટ પહેરેલા મરઘાનું ચિત્ર આવતું હતું. અત્યારના સંજોગોમાં એને વાઇબ્રન્ટ મરઘો કહી શકાય. બજારમાંથી દોરીનાં ‘ટેલર’ (ટ્રેલર) લાવીને પીવડાવવા આપવાનાં રહેતાં. સાવ નાનપણમાં પતરાંની લાંબી અગાસીમાં, ઘરે બનાવેલી લુગદીમાં એક છેડેથી બીજા છેડે દોરીના આંટા વીંટાળેલા હોય અને ‘કાચ વધારે પડ્યો કે ઓછો’ની ચર્ચાઓ વચ્ચે દોરી પીવડાવાતી હોય, ‘સરેશ’ જેવા ભેદી પદાર્થોનો ઉલ્લેખ આવતો હોય, આજકાલ ‘એલોવેરા’ તરીકે લોકો પર ધાક જમાવતું કુંવારપાઠું પણ લુગદીમાં વપરાય, લુગદીની વિશિષ્ટ સુગંધ..

એને બદલે હવે ‘ચેઇન એટ’ અને ‘ગેંડા’ જેવી બ્રાન્ડનાં મોટાં હોર્ડિંગ શહેરોમાં ઉત્તરાયણના દિવસો પહેલાંથી જોવા મળે છે. પ્રચારમાં એ લોકો આટલા બધા રૂપિયા ખર્ચી શકે એટલું કમાતા હશે એ જાણીને નવાઇ લાગે છે. (‘ગેંડા’ની જાહેરખબરમાં નામ ગેંડા, નીચે અંગ્રેજીમાં ‘બીઅર’ અને એક હિંસક રીંછનું ચિત્ર બતાવાય છે.) એથી પણ વધુ નવાઇ એ.કે.56 કે આરડીએક્સ જેવાં હિંસક નામો પતંગના દોરાની બ્રાન્ડ માટે છૂટથી વપરાતાં અને સ્વીકારાતાં જોઇને થાય છે. પતંગબાજીનો ભારે મહિમા ધરાવતા અફઘાનિસ્તાનમાં પતંગના દોરાની બ્રાન્ડનાં નામ આવાં હોય તે સમજ્યા, પણ ગુજરાતમાં?

વાઇબ્રન્ટ ગુજરાતી એટલે ઇંગ્લીશ?

હમણાં પૂરા થયેલા વાઇબ્રન્ટ એમઓયુ મહોત્સવ વિશે અને તેના ભક્તિભાવ વિશે જરા નિરાંતે વાત કરીશું. ફિલહાલ, વાત છે આજના ‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીલેખના મથાળાની – અને એ પ્રકારના ટ્રેન્ડની. એનું મથાળું કહે છેઃ ‘ગુજરાત ઇઝ બિહેવિંગ લાઇક અ નેશન.’
એક નિતાંત ગુજરાતી તંત્રીલેખના મથાળામાં એકાદ શબ્દ નહીં, પણ આખેઆખું વાક્ય અંગ્રેજીમાં અને તે પણ કોઇ દેખીતા કારણ વગર. ફક્ત ભાવનાના ઉભરામાં? હા ભઇ હા. ભાવનાના ઉભરા આપણને અંગ્રેજીમાં આવે છે. એ બોલચાલ પૂરતા મર્યાદીત હોય ત્યાં સુધી સમજ્યા, પણ ગુજરાતી તંત્રીલેખના મથાળે, જેને સહેલાઇથી ગુજરાતીમાં વ્યક્ત કરી શકાય એમ હોય એવી લાગણી માટે અંગ્રેજી વાક્ય ફટકારી દેવા પાછળ શું તર્ક હશે? પાછી તંત્રીલેખની શરૂઆત એ જ અંગ્રેજી વાક્યના ગુજરાતીથી થાય છેઃ ગુજરાત એક દેશની જેમ વર્તી રહ્યું છે.
ગુજરાતની વાત છોડો, તંત્રીલેખના લેખકમિત્રને વિનંતી કે એ એ શાની અથવા કોની જેમ વર્તી રહ્યા છે એ વિચારે...

Tuesday, January 13, 2009

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો – 2


photoline 1 (L to R) : Kartikey Bhatt, Pranav Adhyaru, Ashwin Chauhan, Urvish. Photo 2 : Urvish, Pranav, Hasit Maheta, Chandrashekhar Vaidya, Biren Kothari in Gymkhana Library.
(એક સીન)
સમયઃ કાર્યક્રમની બપોરે એક વાગ્યાની આસપાસ.
સ્થળઃ એલિસબ્રીજ જિમખાનામાં આવેલી વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્યની લાયબ્રેરી

લેપટોપની બેટરી ઉતરી ગઇ હોવાથી એ ચાર્જિંગમાં મુક્યું છે. ત્યાં બીજો પ્લગ નથી. એટલે ડિજિટલ કેમેરાના સેલ ચાર્જ કરવા માટે શેખરભાઇ બીજે ક્યાંક મુકી આવ્યા છે. હું ભાઇ બીરેનના પરિવાર સાથે બેઠો છું. પ્રણવ થોડા કલાક પછી વકીલ તરીકે પહેરવાનો કોટ ખુરશી પર ટાંગીને બેઠો છે. મહેમદાવાદથી અમદાવાદ સુધી બીરેનની ગાડીમાં આવતાં મેં કરેલો સ્ક્રીપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ પ્રણવ જુએ છે. વચ્ચે થોડી વાતચીત થતી રહે છે.
બીજા ‘વકીલ’ હસિત મહેતા ઠેઠ કીમ (સુરત)થી રતિલાલ બોરીસાગર અને પ્રકાશ ન. શાહને વહેલી સવારે લઇને નીકળેલા, એ બન્ને જણને ઘરે ઉતારીને, ગાડીમાં રહી ગયેલી બોરીસાગરસાહેબની દવાઓ આપવા માટે ફરી એક વાર એમને ઘેર જઇ આવ્યા પછી સેવામાં હાજર છે. સવારે સાત-સાડા સાત વાગે કીમથી નીકળીને, ડ્રાઇવિંગ કરીને સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચેલા માણસનો હોય એવો એમનો ચહેરો છે. મોબાઇલની સીસ્ટમ અમુક જગ્યાએ સતત ટાવર શોધતી હોય, એવી રીતે એમનો ચહેરો શાંતિ અને આરામ ઝંખી રહ્યો છે. પણ એની વચ્ચે ‘મૈં હું ના’ વાળો ભાવ સંતાઇ ગયો નથી. કાર્યક્રમ સાંજે સાડા પાંચે છે ને બપોરે એક વાગ્યે એમણે અડધી અડધ ‘ટેન્ટેટીવ’ સ્ક્રીપ્ટ વાંચી નથી. નાટકના સ્પેશ્યાલિસ્ટ અને મિત્ર તરીકે ‘પ્રોફેસર’ તરીકે ઓળખાતા કાર્તિકેય ભટ્ટ હાજર છે. આખી સ્ક્રીપ્ટની પ્રિન્ટ અને તેની નકલો કઢાવવા માટે મિત્ર પત્રકાર કેતન રૂપેરાની કુમક માગવામાં આવે છે. કેતન આવી પહોંચે છે અને પેનડ્રાઇવમાં ફાઇલ લઇને રવાના થાય છે. રસ્તામાં નડિયાદથી સાથે લીધેલા કુટુંબને ભોજનભેળું કરીને હસિત કહે છે,’હું અડધો કલાક ગાડીમાં આડો પડી લઉં.’

બકુલ ટેલર ગુજરાત એક્સપ્રેસમાં છે. રાત્રે એમના પેટમાં તોફાન ફાટી નીકળ્યું હતું. 'ગોળી’બાર જેવાં આકરાં પગલાંથી તેને દાબીને તે નીકળી ચૂક્યા છે. ટ્રેનમાં સિગ્નલની અવરજવર થાય છે. એટલે એ હોલ પર પહોંચે પછી જ તેમની સાથે વાત કરવી, એવું નક્કી થાય છે. બકુલભાઇએ સ્ક્રીપ્ટનાં દર્શન સુદ્ધાં કર્યાં નથી. એનો કોઇ ઉચાટ પણ નથી. એવામાં એક સાક્ષી, પત્રકારત્વના અધ્યાપક અશ્વિન ચૌહાણ આવે છે. ‘અરે, આવો આવો’ના ઉત્સાહભર્યા પોકારથી તેમનું સ્વાગત થાય છે અને પ્રણવ એમને એક બાજુ પર બેસાડીને સ્ક્રીપ્ટ પકડાવી દે છે. એમનો ભાગ અમને સૌથી ફૂલપ્રૂફ લાગે છે. કારણ કે તેમાં સ્યુડો-કવિતાની પંક્તિઓ તૈયાર છે.
પંક્તિઓ લલકારવાની પ્રેક્ટિસ ચાલે છે, એવામાં એ દિવસે સવારે મુંબઇથી સજોડે આવેલા દીપક સોલિયા અત્યારે એકલા દાખલ થાય છે. ફરી હર્ષનાદો. પ્રણવ તેમની સાથે થોડી ચર્ચા કરવાનો પ્રયાસ કરે છે. એક સાક્ષી અને ઇતિહાસનાં અધ્યાપક ફાલ્ગુની પુરોહિતનો ફોન આવે છે. તેમને શારીરિક સમસ્યા છે. એટલે આવી શકાય એમ નથી. આગલા દિવસે હર્ષલે કહ્યું હતું કે તેને બહાર જવાનું હોવાથી આવી શકશે નહીં. પ્રશાંત તેની સ્ટાઇલ પ્રમાણે કંઇ પણ કહ્યા-કારવ્યા વિના ગુમ છે. એટલે આપણે ધારી લેવાનું રહે છે કે એ નહીં આવે. અને હવે ફાલ્ગુની. એમનું કારણ સૌથી નક્કર છે. દુરાગ્રહનો સવાલ નથી. છતાં એ પોતાની જાતને આશ્વાસન આપતાં હોય એમ કહે છે,’હજુ હું સાડા ત્રણે તમને ફાઇનલ કહીશ.’

એક વાર પ્રિન્ટ કઢાવીને તેની નકલો લઇને કેતન આવે છે. તેની પર અશ્વિનભાઇને સાક્ષીઓના ક્રમ લખવાનું કામ સોંપવામાં આવે છે. પ્રણવ એક બંચ હાથમાં લઇને જુએ છે. પછી પૂછે છે,’આમાં સલિલભાઇનું ક્યાં છે? પૂર્વી ક્યાં છે? પ્રકાશભાઇ નથી.’ હું જોઉં છું અને થાય છેઃ ‘ગાડીમાં અનેક ફાઇલમાંથી એક ફાઇલ કરવામાં કેટલાકનું રહી ગયું છે. હવે?’ ઘડિયાળના કાંટા ત્રણની નજીક છે. હું કમ્પ્યુટર પર બેસી જાઉં છું. ઉતાવળે બાકી રહી ગયેલી સ્ક્રીપ્ટો ગોઠવું છું. એક ફાઇલ તૈયાર થાય છે. પુનરપિ કેતન રૂપેરા. પુનરપિ પેન ડ્રાઇવ. મિત્ર અને કસ્ટમ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર બીરેન મહેતા દાખલ થાય છે. એ રતિલાલ બોરીસાગરને હોલ પર ઉતારીને આવ્યો છે. અગાઉ ફાલ્ગુની પ્રકાશભાઇને લઇને આવવાનાં હતાં. હવે બીરેનને પ્રકાશભાઇનો હવાલો સોંપવામાં આવે છે.

દરમિયાન સલિલ દલાલના બે ફોન આવી ચૂક્યા છે. એક રસ્તામાંથી અને બીજો અમદાવાદમાં પ્રવેશ્યા પછી. હવે ત્રીજો ફોન હોલ પરથી આવે છે. બકુલ ટેલર પણ હોલ પર પહોંચ્યા છે. ‘બસ તમે ત્યાં જ રહો. અમે આવ્યા.’ આદર્યાં અધૂરાં રાખીને અમે હોલ પર પહોંચીએ છી્એ. ત્યાં કેતન રૂપેરાનો ફોન આવે છે. ‘પેન ડ્રાઇવમાં વાઇરસ છે. આ ભાઇ પ્રિન્ટ કાઢવાની ના પાડે છે.’ હું એ ભાઇ સાથે વાત કરું છું. સમજાવું છું કે જે સંદેશો આવે છે તે વાઇરસનો નહીં, પણ ‘વાઇરસ ડીલીટેડ’નો છે. અડધા કલાક પહેલાં એ જ પેનડ્રાઇવમાંથી પ્રિન્ટ કાઢનાર ભાઇ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને કહે છે,’પેનડ્રાઇવ ના નંખાય. સર્વરમાં લોચો પડે.‘ કેતન કહે છે, ‘ચિંતા ન કરો. હું બીજેથી પ્રિન્ટ કઢાવીને પહોંચું છું.’

અમે હોલ પર પહોંચીએ છીએ. કાર્તિકેય ભટ્ટે સેટ ગોઠવવાનો હવાલો સંભાળી લીધો છે. મુંબઇથી ખાસ આવેલો મિત્ર અને એક સમયે વર્લ્ડસ્પેસ રેડિયોની ગુજરાતી ચેનલ પર અનોખા મૌલિક કાર્યક્રમ આપનારો આર.જે. અજિંક્ય સંપટ પૂછતો નથી કે ‘કંઇ કામકાજ હોય તો કહેજો.’ એ બેનર લગાડવાના વહીવટમાં લાગી ગયો છે. હોલની બહાર પૂરા થયેલા પ્રોગ્રામનું ટાઇવાળાઓ અને વાળીઓનું ટોળું ઉભેલું છે. એટલે શરૂઆતમાં આવનારા મૂંઝાય છે. રતિલાલ બોરીસાગર હોલ પર આવી ગયા છે. ધીમે ધીમે બીજા લોકો આવે છે. પછી એક પછી એક વડીલો આવે છે. મિત્ર ઉષ્મા શાહ વિનોદભાઇ (ભટ્ટ)ને લઇને આવે છે. પૂર્વી –તેજસ (ગજ્જર) તારકભાઇ-ઇન્દુકાકી સાથે આવે છે. પ્રકાશભાઇ પહોંચે છે. અશ્વિનીભાઇની સગી ભાણીનું એ દિવસે લગ્ન છે. એટલે નીતીભાભીથી અવાય એમ નથી. પણ અશ્વિનીભાઇ સમયસર આવી પહોંચે છે.

સ્ટેજ પર ગોઠવેલા એક ટેબલ પર હસિત મહેતા એમના કેટલાક સાક્ષીઓ- સલિલભાઇ, બકુલ ટેલરને સ્ક્રીપ્ટનાં દર્શન કરાવી રહ્યા છે. લગે હાથ થોડી વાતચીત પણ. બીજી વાર પ્રિન્ટ કઢાવીને આવી ગયેલા કેતન રૂપેરા બંચ અલગ કરી રહ્યા છે, પણ સ્ટેપલર? પ્રણવ ભેદી રીતે તેની બેગમાંથી ટચૂકડું સ્ટેપલર કાઢે છે. હોલ ધીમે ધીમે ભરાઇ રહ્યો છે. એટલે મને થાય છે કે હવે તૈયારીમાંથી ધ્યાન હટાવીને થોડી વાર બધાને મળું. એટલે પંદર-વીસ મિનીટમાં હું ઓડિયન્સમાં બેસતા મિત્રો –વડીલોને મળી શકું છું અને ઓડિયન્સમાં અનેક પ્રિયજનોની હાજરીથી સંતુષ્ટ હૃદયે, આખા ભરાયેલા હોલના સુખદ દૃશ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થાય છે.