Tuesday, January 13, 2009

ફિરકીઃ પતંગબાજીની વણઉકલી સમસ્યા

‘નેસેસીટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન’ એવી કહેણી ભારતમાં બહુ લાગુ પડતી નથી. નવું શોધવાનો ઉત્સાહ લોકોને બહુ ચડતો નથી ને ચડે એને ખાસ પ્રોત્સાહન મળતું નથી. એટલે, માથાકૂટીયા સમસ્યાના મૌલિક અને વ્યવહારુ ઉકેલો ખાસ જોવા મળતા નથી.

વાત ઉત્તરાયણની અને ફિરકીની છે. પતંગ ચગાવવા માટે વપરાતાં દોરી અને ફિરકી સ્વતંત્ર હાસ્યલેખનો વિષય છે. (અત્યાર સુધી ઘણા લખી પણ ચૂક્યા છે.) સામાન્ય રીતે હળવાશમાં લેવાતી ફિરકીની સમસ્યા ખરેખર ગંભીર હોય છે. ઘરમાં કોઇ ફિરકી પકડનાર ન હોય ત્યારે એક હાથમાં ફિરકી પકડીને બીજા હાથે પતંગ ચગાવનારની લાચારીની દયા ખાવી, કૌશલ્યની દાદ દેવી કે ‘ગમે તે થાય, પણ હું તો પતંગ ચગાવીશ’ એવા સ્પિરિટને બિરદાવવો, એનો આધાર જોનારની દૃષ્ટિ પર છે. પણ દૃષ્ટિ ગમે તે હોય, પેલા એક-બાહુ-ફિરકીધર પાસે વિકલ્પ હોય તો તે અવશ્ય ફિરકી ‘સલામત હાથોમાં’ આપવાનું પસંદ કરે. ‘આજનો ફિરકી પકડવાવાળ આવતી કાલનો પતંગ ચગાવવાવાળો છે’ એવાં સૂત્રો પહેલાં અમે પતંગ પર લખતા હતા, પણ એવાં સૂત્રોનો મૂળ આશય ફિરકી પકડનારને આશા આપવાનો અને ‘કોઇ કામ નાનું નથી’નો સંદેશ બુલંદ કરવાનો હોય છે. તેમને એવું પણ સમજાવવામાં આવે છે કે પતંગના પેચનો બહુ મોટો આધાર ફિરકી પકડનાર પર છે. પતંગ ચગાવનાર ડફોળ હોય તો પણ ફિરકીવાળો ધારે તો પેચમાં હરાવી કે જીતાડી શકે. (એક આડવાતઃ મરાઠી ભાષામાં સ્પિન બોલિંગ માટે ‘ફિરકી ગોલંદાજી’ જેવો શબ્દ છે.)

ફિરકીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે એક ઉત્સાહી પાડોશીએ લાકડાનું ફિરકી-સ્ટેન્ડ બનાવ્યું હતું. એ દેખાવમાં સરસ હતું, પણ કાર્યક્ષમતાના પ્રશ્નો હતા. ફિરકીનો એક દાંડો ઉપસેલા છાપરામાં ખોસીને પણ પતંગ ચગાવેલી છે. છતાં, દરેક પદ્ધતિમાં બાર સાંધતાં તેર તૂટે (કે ગૂંચવાય) એવું જ બનતું. કોઇ મિત્ર આ સમસ્યાના શોધાઇ ચૂકેલા કે શોધાઇ શકે એવા ઉપાયો કે એ વિશેના પોતાના સફળ-નિષ્ફળ પ્રયોગો અંગે પ્રકાશ પાડશે તો આનંદ થશે.

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો - 1

‘યે શાદી નહીં હો સકતી’ (પાછળ ‘ઢેનટેણેન’ જેવું ધમાકેદાર મ્યુઝિક)- એ ડાયલોગ હિંદી ફિલ્મોના સૌથી જાણીતા સંવાદોમાંનો એક છે. એ ચવાઇ ગયેલો ડાયલોગ ‘મોક કોર્ટ’ના આયોજન પહેલાં અમને પણ સાંભળવા મળ્યો- અલબત્ત, ‘ઢેનટેણેન’ને બદલે અમારે ‘ભાઇકાકા હોલ’ના મુખ્ય વહીવટકર્તા યાદવભાઇની કારણ વગરની કરડાકીથી ચલાવી લેવું પડ્યું.

બન્યું એવું કે ભાઇકાકા હોલનું બુકિંગ કરાવતી વખતે ભાઇ બિનીતે વિગતે પૂછપરછ કરી હતી. પોલીસ પરમિશન વિશે પણ પૂછ્યું હતું. એ વખતે હાજર ભાઇએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ પરમિશનની જરૂર નથી. કાર્યક્રમના એક અઠવાડિયા પહેલાં અમે બન્ને હોલ પર આમંત્રણ કાર્ડ આપવા અને હોલ પર એક નજર નાખી આવવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં બેઠેલા યાદવભાઇ સાથે થોડી વાતચીત થઇ. એમનો અંદાજ એવો હતો જાણે ‘ક્યાંથી હાલ્યા આવો છો.’ અમે કોઇક ‘ઇનડીસન્ટ પ્રપોઝલ’ સાથે આવ્યા હોઇએ એવી રીતે વાતચીતની શરૂઆત થઇ. અરજદારની મુદ્રામાં ઊભા રહેવાનું. કોઇ બેસવાનું પણ કહે નહીં. ઊંચા સૂરમાં પૂછાયેલા સવાલોના જવાબ આપવાના. આ બધું એટલા માટે કે આપણે હોલ નોંધાવવાનો ફોજદારી ગુનો કર્યો છે.

ગ્રાહકોના અધિકાર બાબતે અત્યંત ઉત્સાહી બિનીતને તેમની સાથે તત્કાળ ‘ઠેરી ગઇ’. આમંત્રણ કાર્ડ વાંચીને યાદવભાઇએ કહ્યું,’આવો પ્રોગ્રામ અહીં થઇ શકે નહીં. તમે તો કહ્યું હતું કે આ પુસ્તકનો કાર્યક્રમ છે ને આ તો હાસ્યનો કાર્યક્રમ છે. એમાં તો પોલીસ પરમિશન જોઇએ.’ આ બધી માહિતી એટલા ડેસિબલમાં અપાતી હતી કે કાર્યક્રમનાં કાર્ડ ન વહેંચાઇ ગયાં હોત તો એક વાર એવો પણ વિચાર આવી જાત કે ‘મારો ગોળી કાર્યક્રમને, જો આવા જ માણસો જોડે કામ પાડવાનું હોય તો.’ પણ મને નજર સામે કાર્ડ દેખાતાં હતાં. મેં એમને પૂછ્યું,’તમારો પ્રોબ્લેમ શું છે? કાર્યક્રમ નહીં થાય એવું હવે પછી કહેશો નહીં. તમારે પોલીસ પરમિશન જોઇએ છે? તો મળી જશે.’

આવી ફાલતુ બાબતમાં અડધો-પોણો કલાક વાગ્યુદ્ધ કરવાનું થાય તેનો કેવો ત્રાસ પડે. એ પડ્યો. પછી હોલ જોવાની વાત થઇ એટલે એ ભાઇ અમને લઇને હોલમાં આવ્યા અને એમનું ભેદી લોજિક સમજાવ્યું, જે ભાઇકાકા હોલ સાથે કોઇ પણ રીતે સંકળાયેલા સૌ કોઇના લાભાર્થે હું રજૂ કરું છું. યાદવભાઇ ખાલી હોલની એક સીટ પર બેઠા અને અભિનય સાથે સમજાવ્યું કે હાસ્યના કાર્યક્રમમાં લોકોનું ધ્યાન હસવામાં હોય. એ વખતે કોઇ સીટ નીચે બોમ્બ મુકીને ચાલતું થાય (અભિનય) અને લોકો હસતા હોય (અભિનય) તો કોઇને ખ્યાલ આવે નહીં. પણ સાદો ચોપડીનો કાર્યક્રમ હોય ને ભાષણો ચાલતાં હોય ત્યારે લોકો સીટ પર આમથી તેમ થતા હોય (અભિનય). એટલે એમાં કોઇ સીટ નીચે બોમ્બ મુકે (અભિનય) તો ખબર પડી જાય. એટલે હાસ્યના કાર્યક્રમમાં પોલીસ પરમિશન જોઇએ.

એ વખતે હાસ્યનું લખવા બદલ હું લગભગ અપરાધભાવ અનુભવવાની તૈયારીમાં હતો. પણ એ વખતે વ્યવસ્થાભાવ સિવાય બીજા કોઇ ભાવ માટે જગ્યા ન હતી. એટલે હોલની બહાર નીકળીને પોલીસ પરમિશનની તૈયારીમાં પડી ગયા. મિત્ર અને ‘અભિયાન’ના સજ્જ પત્રકાર લાલજી ચાવડાએ જવાબદારીપૂર્વક, ધક્કા ખાઇને પરમિશનની વિધી પૂરી કરી. પણ ‘ભાઇકાકા’ હોલના યાદવભાઇની, સરેરાશ ભારતીય સંસ્થાઓના સ્ટાફની વર્તણૂંક જેવા વ્યવહારે કંઇ પણ કરતાં પહેલાં કડવો સ્વાદ છોડી દીધો. આવી સંસ્થાઓમાં કાઉન્ટર પર બેઠેલા લોકોના સુખદ અનુભવ ઓછા અને કડવા અનુભવો વધારે હોય છે. કહીએ કે ‘અહીં ઉપરી કોણ છે?’ એટલે આવા લોકો ઊંચા સ્વરને વધુ ઊંચો કરીને કહેતા હોય છે,’બોલો ને તમે. શું કામ છે? હું જ છું.’ અથવા ‘તમારે જેને કહેવું હોય તેને કહો. કશો ફરક નહીં પડે.’

કેવી રીતે કશો ફરક નહીં પડે? સીધી તરકીબ છે. સાહેબ સમક્ષ આખી સમસ્યાને જુદા સ્વરૂપે રજૂ કરવાની. જેમ કે, ‘સાહેબ, આ લોકો અત્યાર સુધી પોલીસ પરમિશન લાવ્યા નથી. વચ્ચે રજાઓ આવે છે ને સાહેબ પરમિશન ન આવે તો તકલીફ પડે’ વગેરે...

કોણ કહે છે, અસહકારના આંદોલનનો મિજાજ ગાંધી સાથે મરી પરવાર્યો છે?

Thursday, January 08, 2009

100 અને 6

Pranlal Patel with Aastha Kothari
શતાયુ તસવીરકાર પ્રાણલાલ પટેલની સત્તાવાર વર્ષગાંઠ અને મારી દીકરી આસ્થાની વર્ષગાંઠ એક જ દિવસે છેઃ ૧ જાન્યુઆરી.
દર વર્ષે આસ્થાની વર્ષગાંઠે હું થોડા કલાક એની સાથે ગાળું છું. પ્રાણીસંગ્રહાલયમાં કે બગીચામાં તેની સાથે જવાનું, રમવાનું...આ વર્ષે નક્કી કર્યું કે તેને લઇને મારા સૌથી વડીલ મિત્ર, ‘દાદા’ (પ્રાણલાલ પટેલ)ને ઘેર જવું. કારણ કે તેમને ૧૦૦મું વર્ષ બેસવાનું હતું ને આસ્થાને ૬ પૂરાં થયાં
બોક્સ કેમેરા અને ડિજિટલ કેમેરા જેવો તફાવત ધરાવતી આ બે પેઢીને એક ફ્રેમમાં લઇ લેવાના અને એક અંગત યાદગીરી સર્જવાના આ પ્રસંગની તસવીર.

સાહિત્ય પરિષદનો નવીન ‘માર્શલ લૉ’




photoline : 1) Ratan (RM) - Narayan Desai 2) RM- N. Desai- Raghuvir chaudhari- Dhirubhai Parikh (behind Raghuvirbhai) 3) Yezadi Karanjia with RM 4) Ratan Marshal's 'Best Friend' : pet 'Simba' 5) Dhiruben Patel with RM 6) Prakash N. Shah speaking

ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખનાર, ગુજરાતી વિષયમાં પીએચ.ડી. કરનાર પહેલા પારસી (કદાચ પહેલા ગુજરાતી) રતન માર્શલ સદીના ઊંબરે ઊભા છે. તેમણે લખેલો પત્રકારત્વનો ઇતિહાસ પત્રકારત્વની નિશાળોમાં ટેક્સ્ટ બુક તરીકે ચાલતો હોવાથી માર્શલસાહેબ ઘણા લોકો માટે દંતકથાના પાત્ર જેવા છે. આ અભ્યાસ પછી જો કે માર્શલસાહેબની મુખ્ય કામગીરી પારસી પંચાયતની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રહી છે. પત્રકારત્વ અને સાહિત્ય સાથેનો તેમનો સંબંધ ઝાંખોપાંખો રહ્યો છે ને એમણે એ વિશે કદી દાવા પણ કર્યા નથી. ટેકનોલોજીના ફાયદા ધરાવતાં વર્તમાન અખબારો-સામયિકો વિશે માર્શલસાહેબની મુગ્ધતા નવાઇ પમાડે એવી લાગે. ‘કથારતન’ શીર્ષક ધરાવતી આત્મકથામાં તેમણે જે કહેવાનું હતું એ કહી દીઘું છે. તેમની પાસે સ્મૃતિઓનું અક્ષયપાત્ર નથી. પારસી નાટકો સાથે તેમનો ગાઢ સંબંધ રહ્યો છે. સાહિત્યના ક્ષેત્રે તેમનું પ્રદાન ઝાઝું નથી. છતાં, માર્શલસાહેબનો પત્રકારત્વનો ઇતિહાસ, માણસ તરીકે તેમની સરળતા-પ્રેમભાવ અને સદી નજીકની ઊંમર- આ બઘું ઘ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય પરિષદને, પ્રમુખ નારાયણ દેસાઇના સૂચનથી માર્શલસાહેબનું સન્માન કર્યું.
વર્ષો સુધી સુરતમાં રહેલા માર્શલસાહેબ થોડાં વર્ષો પહેલાં પડી ગયા પછી હવે અમદાવાદમાં તેમના પુત્ર, હાઇકોર્ટના એડવોકેટ રૂસ્તમ માર્શલના બંગલે સુખેથી રહે છે. (એડવોકેટ રૂસ્તમભાઇનું આખું નામઃ રૂસ્તમ રતન રૂસ્તમ માર્શલ!) ત્યાંના શ્વાન ‘સિમ્બા’ને માર્શલસાહેબ પોતાનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ ગણાવે છે. તેમની અશક્તિગ્રસ્ત અવસ્થાને લીધે પરિષદે માર્શલસાહેબને બહાર બોલાવવાને બદલે, પોતે એમને ઘેર જઇને સન્માન આપવાનું નક્કી કર્યું. પરિષદને આવું સૂઝે તેનાથી આનંદ અને નવાઇ બન્નેની લાગણી થાય.
રવિવાર (૪-૧-૦૯)ની સાંજે માર્શલસાહેબના બંગલે યોજાયેલા નાનકડા સમારંભમાં પરિષદપ્રમુખ નારાયણ દેસાઇ, પ્રકાશ ન.શાહ, રધુવીર ચૌધરી, ધીરૂબહેન પટેલ, ‘કુમાર’ના તંત્રી ધીરૂભાઇ પરીખ, યેઝદી કરંજિયા સજોડે(સુરત), રજનીકુમાર પંડ્યા, મનસુખ સલ્લા, વિપુલ કલ્યાણી જેવા સાહિત્યકારો હાજર રહ્યા. મિત્ર બિનીત મોદી તો હોય જ. એને તો માર્શલસાહેબે પોતે ભૂલી ગયા હોય એવા કેટલાક લોકોને આમંત્રણ આપવાનો ‘પાવર ઓફ એટર્ની’ આપ્યો હતો.
પરિષદ કોઇને ઘેર જઇને સન્માન આપે, એવા ઐતિહાસિક પ્રસંગની બિનીતે પાડેલી કેટલીક તસવીરો અહીં મુકી છે. તસવીરો પર ક્લિક કરવાથી તે મોટી સાઇઝમાં જોવા મળશે.
(તમામ તસવીરોઃ બિનીત મોદી)

Wednesday, January 07, 2009

સ્મશાનમાં વસંત?

ઘણા સમયથી જતાં ને આવતાં આ પાટિયું વાંચીને મનમાં હસવું આવતું હતું. જમાલપુર નજીક સપ્તર્ષિ સ્મશાન પર તકતી મારેલી છેઃ ‘દિવ્ય ભાસ્કર દ્વારા નવપલ્લવિત’.

ઉજ્જડ થઇ ગયેલા બાગમાં નવાં ફૂલ આવે તો એ નવપલ્લવિત થયો ગણાય. એકલવાયા વૃદ્ધનું જીવન બાળકો આવે ત્યારે નવપલ્લવિત થઇ ઉઠે. એ ન્યાયે સ્મશાન ક્યારે ‘નવપલ્લવિત’ થયું ગણાય? ત્યાં રોજેરોજ અનેક ચિતાઓ ભભૂકતી રહે ત્યારે...

દિવ્ય ભાસ્કરે પોતાના આરંભિક આક્રમક માર્કેટિંગના ભાગરૂપે ઘણાં ‘સામાજિક’ કાર્યો કર્યાં (જેમ કે, ડાકોર જતા પદયાત્રીઓ માટે જય રણછોડ લખેલાં પેમ્ફ્લેટ છપાવ્યાં કે અમદાવાદના વૃદ્ધો માટે દેવદર્શનની ટુર ગોઠવી) તેમાંનું એક સપ્તર્ષિ સ્મશાનના પુનરોદ્ધારનું હતું. એટલે આ સ્મશાન ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા નવનિર્મિત કે નવસર્જિત કે પુનર્નિર્મિત થયું કહી શકાય. પરંતુ નવપલ્લવિત?

લોકો ગમે તે કહે, પણ ‘ભાસ્કર’ બીજાં કોઇ પણ ગુજરાતી છાપાં જેવું જ ખરાબ (કે સારૂં?) આવે છે. એટલે એ છાપું વાંચનારાથી સ્મશાન નવપલ્લવિત થઇ ગયું હશે, એમ કહેવું ‘ભાસ્કર’ને અન્યાયકર્તા ગણાય. પણ આડેધડ ફેંકાયેલા શબ્દો રોજ જોઇને મનમાં કુવિચારો આવે છે.

જૂનાં સામયિકની જાદુઇ સૃષ્ટિ અને બીજી વાતો



(photolone 1: Mahendra Meghani (in topi), Narayan Desai, Hasit Maheta 2) L to R : Jaydev Shukla, Dipak Maheta 3) Narayan Desai (speaking), Raman Soni 4) All the guests proceeding towards seminar hall 5) Mahendra Meghani 6) Raghuvir Chaudhary : a 'rear' portrait
જ્યારે પણ જૂનાં સામયિકો જોવાનાં થાય છે- અધ્યાપકીય શૈલીમાં કહું તો, ‘જૂનાં સામયિકોમાંથી પસાર થવાનું બને છે’- ત્યારે ભારે રોમાંચ અને ઝીણા અફસોસની લાગણી થાય છે. જૂની ફિલ્મો અને જૂની જાહેરખબરોથી માંડીને મુદ્દે નોસ્ટાલ્જિયામાં તીવ્ર રસ હોવાને કારણે, જૂનાં સામયિકો જોતી વખતે મારી મનોદશા ગુફામાં પ્રવેશેલા અલાદ્દીન જેવી કે ચોતરફ સોનું ધરાવતી જગ્યાએ આવી પહોંચેલા ‘મેકેનાઝ ગોલ્ડ’ જેવી ફિલ્મના ચરિત્ર જેવી થાય છે. ખજાનાથી ઘેરાયેલા હોવાનો રોમાંચ અને તેમાં ડૂબેલા રહેવાનું મળતું નથી એનો ઝીણો અફસોસ.
જૂનાં સામયિકો પ્રત્યેના આવા ખેંચાણને કારણે પરમ દિવસે (5 જાન્યુઆરી, 2009) નડિયાદમાં એક સેમિનાર સાંભળવા ગયો હતો. નડિયાદના પરમ મિત્ર, પ્રિન્સિપાલ – અને મોક કોર્ટમાં પ્રોસીક્યુશનના એક વકીલ- હસિત મહેતાએ તેમની મહિલા આર્ટસ કોલેજમાં આ સેમિનાર યોજ્યો હતો. તેમાં ગુજરાતી સાહિત્યના સુધારક યુગથી આધુનિક યુગ સુધીનાં સાહિત્યિક સામયિકો વિશે વક્તાઓ વાત કરવાના હતા. વક્તાઓની યાદી ધોરણસરની હતી.. સેમિનારનો ઉઘાડ નારાયણ દેસાઇ કરવાના હતા અને અંત મહેન્દ્ર મેઘાણી-રઘુવીર ચૌધરીનાં વક્તવ્યોથી થવાનો હતો. અભ્યાસ-પ્રવચનોમાં ‘પ્રત્યક્ષ’ના તંત્રી રમણ સોની, ‘સમીપે’ના એક સંપાદક અને સાવલી કોલેજના જયદેવ શુક્લ, મુંબઇથી દીપક મહેતા, હસિત પોતે- આ લોકો વાત કરવાના હતા.
સવારે નવ વાગ્યાથી સાંજના સાડ પાંચ વાગ્યા સુધી આ સેમિનારમાં નિરાંતે બેઠો, મહેન્દ્ર મેઘાણી, નારાયણ દેસાઇની કેટલીક સરસ તસવીરો લીધી, મારા (જ્યોતીન્દ્ર દવે વિશે સંશોધનના) સ્વાર્થની બે વાતો જાણી. 85 વર્ષના મહેન્દ્ર મેઘાણી અને 84 વર્ષના નારાયણ દેસાઇની તાજગી અને તરવરાટ માણ્યાં.
મહેન્દ્રભાઇની નમ્રતા બીજા અનેક ગાંધીવાદીઓ જેવી કૃત્રિમ ન લાગતાં, અંતરમાંથી સ્ફુરતી લાગે. તેમના પત્રોમાં લિખિતંગ ‘સેવક મહેન્દ્ર મેઘાણી’ લખે છે, તે સેવકભાવ તેમણે આત્મસાત્ કર્યો હોય એવું તેમના વર્તનમાંથી, તેમની બોડી લેન્ગ્વેજમાંથી સતત લાગે. સંસ્થામાં આવ્યા પછી એ થોડી લટાર મારવા નીકળે, સામાન્ય કર્મચારીઓ સાથે વાત કરવા ઊભા રહે, ‘સંસ્થામાં કેટલા વિદ્યાર્થીઓ છે?’ એવી બધી પૂછપરછ કરે, પરિસંવાદ પૂરો થયા પછી વિદ્યાર્થીઓ ઓટોગ્રાફ લેવા આવે ત્યારે સાફ ભાષામાં, હાથ જોડીને ટાળી જાય અથવા બાજુમાં ઉભેલા રઘુવીર તરફ આંગળી ચીંધીને, કટાક્ષના કોઇ પણ ભાવ વિના કહેઃ ‘રઘુવીરભાઇ પાસે જાવ. એ આપશે.’
સાંજે સીધા અમદાવાદ જવાનું હોવાથી હું મહેન્દ્રભાઇ-રઘુવીરભાઇ-રમણ સોની- કિન્નરી ભટ્ટ (ગાંધી આશ્રમમાં ડોક્યુમેન્ટેશનના કામ સાથે સંકળાયેલાં) સાથે જોડાયો. રસ્તામાં મહેન્દ્રભાઇ સાથે થોડી સટરપટર વાતો કરી. મને યાદ છે, બાર-તેર વર્ષ પહેલાં ‘નવજીવન’માં હું એમને મળવા ગયો ત્યારે એ ફોટો પાડવા દેવા માટે રાજી ન હતા. હવે એ થોડા ‘સુધર્યા’ છે.
મહેન્દ્રભાઇ અમેરિકા જાય ત્યારે ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ વાંચીને તેમાંથી મારા કે સંજય ભાવે જેવા બીજા થોડા લોકો માટે અમારા દાવનાં હોય એવાં કટિંગ મોકલતા રહે છે.’ન્યૂયોર્ક ટાઇમ્સ સિવાય બીજું કોઇ છાપું વાંચો?’ એવું પૂછતાં એમણે કહ્યું,’ના, પણ ન્યુયોર્ક ટાઇમ્સનું સવારે એક કલાક સુધી સેવન કરું.’ ભારતમાં તે વર્ષો સુધી ફક્ત ‘સ્ટેટ્સમેન’ લવાજમ ભરીને મંગાવતા હતા, પણ હવે એમણે એનું ધોરણ પણ પહેલાં જેવું ન જળવાતાં બંધ કર્યું છે. ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’માં મહેન્દ્રભાઇ બીજાં લખાણ ઉપરાંત ‘વર્લ્ડ ઇઝ ફ્લેટ’વાળા થોમસ ફ્રીડમેનની કોલમના પ્રેમી છે. સમારંભોમાં એ પોતે પોતાનું પ્રવચન કરતા નથી. અગાઉ પ્રગટ થયેલાં લખાણમાંથી ચૂંટેલાં લખાણ કે અનુવાદ વાંચે છે.
અધ્યાપક આલમમાં સામાન્ય રીતે એવો રિવાજ હોય છે કે પરિસંવાદમાં પોતાનું વક્તવ્ય હોય એ સમય તાકીને જવાનું અને વક્તવ્ય ફેંકીને સડસડાટ નીકળી જવાનું. પણ અહીં નારાયણભાઇનું વક્તવ્ય પહેલું હોવા છતાં એ લગભગ છેવટ સુધી બેઠા અને મહેન્દ્રભાઇ-રઘુવીર ચૌધરીનાં વક્તવ્ય સાવ છેલ્લાં હોવા છતાં એ સવારના નવ વાગ્યાથી હાજર થઇ ગયા. સાથે કોલેજના ટ્રસ્ટી અને હસિતના સ્નેહી, પ્રામાણિક અને કાર્યક્ષમ અમલદાર તરીકે જાણીતા, એંસી આસપાસના કુલીનકાકા (કુલીનચંદ્ર યાજ્ઞિક) પણ હતા.
રમણભાઇ સોનીએ એક-બે મઝાના કિસ્સા યાદ કર્યા હતા. યશવંત શુક્લ ‘પરબ’ના તંત્રી અને જયંત કોઠારી સહતંત્રી હતા ત્યારે એક પ્રતિષ્ઠિત લેખકની નબળી કૃતિ આવી અને જયંતભાઇની જાણબહાર છપાઇ ગઇ. જયંતભાઇએ વાંધો પાડ્યો, ત્યારે યશવંતભાઇ કહે, ‘મોટા લેખકોની પ્રતિષ્ઠાનો વિચાર એમણે જ કરવાનો હોય.’ જયંતભાઇએ તરત પૂછ્યું ‘પણ સંપાદકની પ્રતિષ્ઠાનું શું?’
સુરેશ જોષી ‘ક્ષિતિજ’ કરતા હતા, ત્યારે આદિલ મન્સુરીએ તેમને એક પત્ર લખ્યો હતો. તેની પર ‘આદિલશાઇ’ શૈલીમાં લખ્યું હતું- સુરેશ જોષી, સંપાદક, લેખક, વાચક, ‘ક્ષિતિજ’.
મુંબઇના અભ્યાસી દીપક મહેતાએ ઓગણીસમી સદીના પૂર્વાર્ધનાં કેટલાંક સામયિકોનો નામોલ્લેખ કરીને કહ્યું કે આ સામયિકોનાં ફક્ત નામ મળ્યાં છે. સદેહે તેનાં દર્શન થયાં નથી. કોઇને પણ તેનો અતોપતો મળે તો એ આ બ્લોગ પર જાણ કરી શકે છે. એ સામયિકોનાં નામઃ વિદ્યાસાગર, ખોજદોસ્ત, જ્ઞાનપ્રસારક, જ્ઞાનદીપક, બુદ્ધિવર્ધક, સ્ત્રીબોધ, પારસી પંચ, સત્યદીપિકા. આ તમામ 1840 થી 1860 વચ્ચેનાં છે.
મિત્ર હસિતે રમણલાલ નીલકંઠના સામયિક ‘જ્ઞાનસુધા’ વિશેની વાતમાં ભદ્રંભદ્ર વિશે જે કહ્યું તેની અલગથી પોસ્ટ લખવા ધારું છું.

ભદ્રંભદ્ર અને ‘પોસ્ટ’? શિવ. શિવ. શિવ. આર્યધર્મની નીતિરીતિગીતિપ્રીતિ...ના ઉપાસકના કર્તૃત્વ માટે આંગ્લભાષાનો પ્રયોગ? ભદ્રંભદ્ર આ વાંચે તો એમણે સ્નાન કરવું પડે. હસિત મહેતા એમને કોઇ શાસ્ત્રનો હવાલો આપીને સ્નાનમાર્ગેથી પાછા વાળે એ જુદી વાત થઇ.

Friday, January 02, 2009

મહેન્દ્ર મેઘાણી તરફથી સપ્રેમ

‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી હાસ્યઅદાલતમાં ફક્ત મંચ ઉપર જ નહીં, મંચની સામે પણ એવાં સન્માનનીય વ્યક્તિત્વો બેઠેલાં જોવા મળ્યાં હતાં કે તેમને જોઇને આનંદ અને અમુક જણના કિસ્સામાં સાર્થકતાની લાગણી થાય. એવું એક નામ એટલે મુરબ્બી મહેન્દ્રભાઇ મેઘાણી.

કાર્યક્રમ પછી બીજા દિવસે પ્રતિભાવ તરીકે તેમણે લખેલું પોસ્ટકાર્ડ અહીં મૂક્યું છે. લાગણી અને લાગણીપૂર્વકની ટકોર બદલ મહેન્દ્રભાઇનો આભાર. એટલી સ્પષ્ટતા કે હોલ પર ઉમટેલા લોકોમાં ફક્ત મારા જ નહીં, બીજા ઘણા લેખકોના ચાહકોનો પણ સમાવેશ થતો હતો.
પોસ્ટકાર્ડની પાછળ એમણે આ સૂચક પંક્તિઓ ટાંકી છેઃ
આખરને અવસરીયે ભણું
જુહાર જ્યાં વારંવાર,
ત્યારે જ મેં અરે જાણ્યું, મારે
આવડો છે પરિવાર!
- રાજેન્દ્ર શાહ

હસ્તાક્ષરોનું હસ્તધૂનન

સાહિત્યજગતમાં સામાન્ય રીતે દોસ્તી કરતાં દુશ્મનીઓ- હરીફાઇઓ-કડવાશોનાં પ્રકરણો વધારે લખાતાં-ચર્ચાતાં હોય છે. એવા કિસ્સાઓમાં ઉભા રહ્યે ન બનતું હોય એવા બે લેખકોનાં પુસ્તકો લાયબ્રેરીના ‘ઘોડા’માં પાડોશી તરીકે શાંતિથી રહી શકે છે અથવા એક પુસ્તક પર કુમેળ ધરાવતા બે લેખકોના હસ્તાક્ષર આસપાસમાં બિરાજી શકે છે.

વર્ષો પહેલાં સુરૈયાના હસ્તાક્ષર લીધા, એ જ પાના પર, તેની સાથોસાથ દેવ આનંદના હસ્તાક્ષર માગ્યા ત્યારે દેવ આનંદે સુરૈયાના હસ્તાક્ષર ભણી જોયું, ‘અચ્છા!’ એવી દૃષ્ટિ મારા ભણી ફેંકી અને ‘હવે કશો ફરક નથી પડતો’ એ અદામાં હસ્તાક્ષર કરી આપ્યા, એ પણ આ પોસ્ટ લખતાં યાદ આવે છે.

હાસ્ય અદાલતના કાર્યક્રમ પછી મોટે ભાગે પ્રણવ (અઘ્યારૂ)ને સૂઝ્યું કે ‘બત્રીસ કોઠે હાસ્ય’ની એક નકલ પર કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌના હસ્તાક્ષર હોવા જોઇએ. તેના પરિણામસ્વરૂપે આ પાનું. તેમાં હસ્તાક્ષરનો ક્રમ આ પ્રમાણે છે. (હસ્તાક્ષરો પરથી કોઇને કંઇ કહેવું હોય તો પાનું ખુલ્લું છે!)

પહેલી કોલમ (ઉપરથી નીચે)
અશ્વિન ચૌહાણ (ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના અઘ્યાપક), પ્રણવ અઘ્યારૂ (કટારલેખક અને ‘અભિયાન’ના સંપાદક), રજનીકુમાર પંડ્યા (વાર્તાકાર-નવલકથાકાર- પત્રકાર- ‘ઝબકાર’ અને ‘કુંતી’ ફેઇમ- જૂના ફિલ્મસંગીતના અભ્યાસી, દસ્તાવેજીકરણના માહેર), બીરેન કોઠારી (લેખક- અનુવાદક-દસ્તાવેજીકરણનું કામ કરનાર મોટો ભાઇ), કાર્તિકેય ભટ્ટ (પીલવઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક, લેખક, નાટ્યકાર), દીપક સોલિયા (‘આહા! જિંદગી’ના સંપાદક, કટારલેખક, નવલકથાકાર), આયેશા ખાન (‘ઇન્ડિયન એક્સપ્રેસ’નાં પત્રકાર, લેખિકા-સંપાદિકા)
બીજી કોલમ
બિનીત મોદી (પત્રકાર, અનુવાદક, સંકલનકાર), અશ્વિની ભટ્ટ (પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નવલકથાકાર, વાર્તાકાર)
ત્રીજી કોલમ
ઉર્વીશ કોઠારી (આપનો વિશ્વાસુ), સોનલ કોઠારી (ગૃહિણી), પૂર્વી ગજ્જર (ભૂતપૂર્વ પત્રકાર, ‘નોખા ચીલે નવસર્જન’માં મારી સહલેખિકા), તારક મહેતા (ઉંધા ચશ્મા), વિનોદ ભટ્ટ (‘ઇદમ તૃતીયમ’ સહિત અનેક કોલમો, અખબારો અને સામયિકોમાં દાયકાઓ સુધી હાસ્ય રેલાવનાર હાસ્યકાર), પ્રકાશ ન. શાહ (વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી, ખરેખર વરિષ્ઠ પત્રકાર, નાગરિક જીવનને લગતા મુદ્દા પર સ્વસ્થ વિચાર કરનાર અગ્રણી), રતિલાલ બોરીસાગર (સૂક્ષ્મ હાસ્યનું વિરાટ નામ), બકુલ ટેલર (કટારલેખક, લેખક, પત્રકાર, નાટક-સંગીત-ફિલ્મો-સાહિત્યના ઉંડા અભ્યાસી), હસિત મહેતા (નડિયાદ મહિલા આર્ટ્સ કોલેજના આચાર્ય, ગુજરાતીના અઘ્યાપક, બકુલ ત્રિપાઠી પર પીએચ.ડી., ‘ડાહીલક્ષ્મી લાયબ્રેરી’ના સંચાલક અને નડિયાદમાં થતી અનેકવિધ આશ્ચર્યજનક ગુણવત્તા ધરાવતી સાહિત્યિક પ્રવૃત્તિઓના કર્તા), સલિલ દલાલ (‘ફિલમની ચિલમ’ કોલમથી જાણીતા, ફિલ્મી ગીતકારો વિશેના મજબૂત પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ ના લેખક), કેતન રૂપેરા (‘અભિયાન’ના ઉત્સાહી નવોદિત પત્રકાર), ચંદુ મહેરિયા (લેખક, વિચારક, દલિત સાહિત્ય અને એકંદરે સમસ્ત સાહિત્યના ઉંડા અભ્યાસી, ‘દલિત અધિકાર’ પખવાડિક અને વિચારમંચ ‘અધિકાર’ના સંચાલક)

Thursday, January 01, 2009

હાસ્ય-અદાલતની યાદગાર ક્ષણો

‘બત્રીસ કોઠે હાસ્ય’ના પ્રકાશન પ્રસંગે યોજાયેલી યાદગાર મોક-કોર્ટનો સ્લાઇડ શો આ સાથે મુક્યો છે. આ લિન્ક પર ક્લિક કરવાથી અપલોડિંગ પૂરતી રાહ જોવાથી કાર્યક્રમની ૧૫ તસવીરો જોવા મળશે. કોઇ પણ સ્લાઇડ પર ક્લિક કરવાથી તેની આખી- સ્થિર તસવીર જોઇ શકાશે.
http://www.slide.com/r/Lrt74Wq02j_dOFuDDUvIQ7pdZgaBQYWc?previous_view=mscd_embedded_url&view=original

અપૂરતી તૈયારી, છેવટ ઘડી સુધીની દોડાદોડ અને કાચાંપાકાં પરફોર્મન્સ પછી પણ બે કલાકના સમગ્ર કાર્યક્રમ દરમિયાન હોલ ભરાયેલો રહ્યો. પ્રોફેશનલ કલાકારોનું નાટક જોવા નહીં, પણ ગમતા લેખકોના મેળાવડામાં અને એક પુસ્તકના જુદા પ્રકારના વિમોચનમાં જવાનું છે, એ સમજતા ઓડિયન્સે માઇકની માથાકૂટથી માંડીને તમામ મર્યાદાઓ નભાવી લીધી અને પહેલેથી છેલ્લે સુધી હસવાના અવાજો હોલમાં ગુંજતા રહ્યા. ગમતા લોકો સ્ટેજ પર ભેગા થયા અને બાકીના ઘણા બધા ગમતા લોકોથી હોલ છલકાઇ ગયો, એ કારણથી પ્રસંગ અમારા સૌ માટે યાદગાર અને સફળ બની રહ્યો. કાર્યક્રમમાં જે આવ્યા તે સૌનો આભાર, જેમણે માણ્યો તેનો આનંદ ને મિત્ર કિરણ ત્રિવેદી જેવા અપવાદરૂપ કોઇ અધવચ્ચેથી ઊભા થઇને જતા રહ્યા તેમને આશ્વાસન.

પ્રાણલાલ પટેલની સેન્ચુરી

Pranlal Patel / પ્રાણલાલ પટેલ
(તસવીરકાર પ્રાણલાલ પટેલને આજે સોમું વર્ષ બેઠું. દસ્તાવેજી અને પિક્ટોરીઅલ તસવીરોના માહેર પ્રાણલાલ પટેલ મારા ‘સૌથી વડીલ મિત્ર’ છે. ‘સીટીલાઇફ’ પખવાડિકમાં છેલ્લા પાને ‘અમદાવાદઃ અતીત અને આજ’ વિભાગ અમે શરૂ કર્યો ને તેમાં પ્રાણલાલ પટેલની એક જૂની તસવીર અને એ જગ્યાની એક નવી તસવીર ઉપરાંત પ્રાણલાલ પટેલની નાની તસવીર પણ મુકવાનું શરૂ કર્યું. એ પાનાની સફળતા અને તેનો ‘પંચ’ માણસનારા હજુ તેને ભૂલ્યા નથી. એ સમયથી એટલે કે ૧૧-૧૨ વર્ષથી પ્રાણલાલ પટેલ મારા પ્રિય પાત્રોમાંના એક રહ્યા છે. આટલાં વર્ષોમાં સતત તેમને મળવાનું અને જુદી જુદી પરિસ્થિતિમાં તેમને જોવાનું બન્યું છે. એ જોતાં, તેમના વિશે એક લેખથી શું થાય? પણ અત્યારે, આજના દિવસ નિમિત્તે, તેમના વિશે લખેલો એક અંગતતાના સંસ્પર્શ વગરનો પ્રોફાઇલ મુકું છું. - ઉર્વીશ )
૧૦૦ વર્ષના આયુષ્યને સામાન્ય રીતે માણસના જીવનની છેલ્લામાં છેલ્લી ‘એક્સપાયરી ડેટ’ ગણવામાં આવે છે. આશીર્વાદ આપનારા પણ ‘શતાયુ ભવ’ કે ‘શતમ્ જીવેત શરદઃ’ (સો શરદઋતુ જીવો) થી આગળ વધી શકતા નથી. એટલે ભાગ્યે જ ઉદ્ભવતો પ્રશ્ન એ છે કે માણસ સો વર્ષનો થઇ જાય પછી શું?
એ ખરૂં કે બહુ ઓછા લોકો ૧૦૦ વર્ષના ‘મેજિક ફીગર’ સુધી પહોંચે છે. તેમાંથી મોટા ભાગના લોકો માટે એ ફીગર શારીરિક, આર્થિક કે કૌટુંબિક કારણોસર ‘મેજિક’ને બદલે ‘ટ્રેજિક’ બને છે. આખરે, આવી અકારી દુનિયામાં વધતી પરાધીનતા અને ઘટતી શક્તિ સાથે સો વર્ષ કેમ કરીને કાઢવાં? જીવનરસ જેવો કોઇ શોખ કે વૃદ્ધાવસ્થામાં પણ થઇ શકે એવી કોઇ પ્રવૃત્તિ ન હોય, ત્યારે આ સવાલ મોં ફાડીને ઊભો રહે છે.
એક તરફ સો વર્ષનો એક માણસ જોવાનો રોમાંચ અને બીજી તરફ ઉપર લખ્યા છે એવા બધા વિચારો, એ બન્ને વચ્ચેનું દ્વંદ્વ ફોટોગ્રાફર પ્રાણલાલ પટેલને મળતાં પહેલાં ચાલતું હોય, તો પણ એમને મળ્યા પછી મનમાં બીજા બધા વિચારો આવતા અટકી જાય છે અને બહુ મૂળભુત, બહુ સાદો અને સાવ ચીલાચાલુ સવાલ ઉદ્ગાર તરીકે મોંમાથી નીકળી જાય છે,‘દાદા, તમે ખાવ છો શું કે સોમા વર્ષે પણ હજુ સિત્તેરના લાગો છો?’
૧ જાન્યુઆરી, ૧૯૧૦ એમની સત્તાવાર વર્ષગાંઠ છે. એ હિસાબે ૧ જાન્યુઆરી, ૨૦૦૯ના રોજ તેમનું સોમું વર્ષ બેઠું. ‘પણ આ તો સ્કૂલમાં બેસાડવા માટે જે તારીખ લખાવી હતી એ પ્રમાણે. બાકી, મારી અસલી જન્મતારીખ તો જુદી છે. એના હિસાબે મને સો પૂરાં થઇ ગયાં હશે.’ પ્રાણલાલ પટેલ ૧૦૦ વર્ષના ચહેરા પર ૧૦ વર્ષના બાળક જેવું હાસ્ય લાવીને કહે છે.
શબ્દાર્થમાં જેનાં સોએ વર્ષ પૂરાં થઇ ગયાં હોય એ માણસ પરવારી ગયેલો ન કહેવાય? પણ પ્રાણલાલ પટેલનો તસવીરી ખજાનો અને એની તેમણે કરેલી જાળવણી અનન્ય છે. વ્યાવસાયિક તસવીરકાર તરીકે ત્રીસીના દાયકાથી સક્રિય પ્રાણલાલ પટેલનો સૂઝભર્યો તસવીરસંગ્રહ, તેનું વિષયવૈવિઘ્ય, ઐતિહાસિક મૂલ્ય અને તસવીરોની ગુણવત્તા જોનારને મુગ્ધ અને સ્તબ્ધ કરી નાખે એવાં છે. તેમની પાસે છે એવી તસવીરો ખરેખર પચાસ-સાઠ-સિત્તેર વર્ષ પહેલાં કોઇએ પાડી હોય અને ત્યાર પછી જોઇએ ત્યારે પાંચ મિનીટમાં મળી જાય એટલી ચીવટથી સાચવી હોય, એવું માન્યામાં આવતું નથી. છતાં એ હકીકત છે. તેની જાહેર કદર થઇ નથી અને ગુજરાતનાં પચાસ વર્ષની ઉજવણીમાં તેનો ઉપયોગ કરવાનું કોઇને સૂઝતું નથી, એ જુદી વાત છે. કેમ કે, જાળવણી કરવાની નોકરી કરનારા મોટા ભાગના લોકોને વસ્તુમાં નહીં, મફત મળતી વસ્તુમાં રસ હોય છે.
ત્રીસીના દાયકામાં તસવીરોની નવાઇ હતી અને જમાનો સ્ટુડિયો ખોલીને કમાણી કરવાનો હતો, ત્યારે પ્રાણલાલ પટેલે આઉટડોર ફોટોગ્રાફી શરૂ કરી. એ નિર્ણયને કારણે તેમની પાસે તસવીરોનો એવો ખજાનો જમા થવા લાગ્યો, જેમાં ગુજરાતના લોકજીવનની ઝીણામાં ઝીણી વિગતો ઝીલાઇ હોય. નાનપણમાં માતા ગુમાવી દીધા પછી મામાના ઘરે ઉછરેલા પ્રાણલાલે સીંગચણા પણ વેચ્યા ને છાપાં પણ વેચ્યાં. સંગીતનો શોખ હોવાથી હાર્મોનિયમ-તબલાં પર હાથ ચલાવી જોયો ને શિક્ષક (એ જમાના પ્રમાણે ‘માસ્તર’) પણ થયાં. પણ કેમેરા હાથમાં આવ્યા પછી તેમને જીવનની દિશા જડી. એટલે, વિકલ્પ પસંદ કરવાના આવ્યા ત્યારે તેમણે ક્લાસરૂમને બદલે ડાર્કરૂમને અપનાવ્યો.
અમદાવાદના વિખ્યાત તસવીરકાર બળવંત ભટ્ટ પાસેથી પ્રાણલાલ ઘણું શીખ્યા. અમદાવાદના ગાંધી રોડ પર આવેલા ભાવનગરી સ્ટુડિયોમાં નોકરી કરી. એ સમયે ફોટોગ્રાફી સાથે સંકળાયેલી કડાકૂટનો અંદાજ બાંધવાનું ડિજિટલ કેમેરાના આ યુગમાં અઘરૂં છે. મુઠ્ઠીમાં સમાઇ જાય એવા કેમેરામાં ક્લીક કરતાં ફોટો પડી જાય ને બીજી જ ક્ષણે એનો પ્રીવ્યૂ જોવા મળી જાય, એવા જમાનામાં વજનદાર બોક્સ કેમેરા, તેની ફિલ્મો, ફ્લેશના વાંધા, બ્લેક એન્ડ વ્હાઇટને કારણે રાખવો પડતો લાઇટ- શેડનો ખ્યાલ અને ફોટો પડ્યા પછી રોલ ‘ધોવાનું’ શાસ્ત્ર- એવી અનેક કળાઓમાં માહેરિયત આવે, ત્યારે ફોટોગ્રાફર તરીકે માન્યતા મળે. ટેકનોલોજી સાવ પછાત હોવાથી ‘હાજર સો હથિયાર’ના ધોરણે કામ ચલાવવું પડે. પણ એ આવડી જાય તો પછી માણસ ક્યાંય પાછો ન પડે. જેમ કે, એ સમયે એન્લાર્જમેન્ટનું કામ કેવી રીતે થતું હતું, એની વાત કરતાં પ્રાણલાલ કહે છે,‘સ્ટુડિયોના માલિક ડાર્કરૂમમાં ઊભા રહે, હું બાજના મકાનની અગાશી પર ચડી જઊં, ત્યાં ઊભો રહીને કાચના મોટા ટુકડા વડે સૂર્યપ્રકાશ ઝીલું. કાચને ચોક્કસ ખૂણે પકડવાથી સૂર્યપ્રકાશનો શેરડો કાચ પર અને ત્યાંથી પરાવર્તીત થઇને સીધો ડાર્કરૂમમાં પહોંચે.’
ફોટોગ્રાફીમાં નડતી વાસ્તવિક તકલીફોના વ્યવહારૂ ઉકેલ કાઢવાની ખાંખતના લીધે સૌરાષ્ટ્રનાં રજવાડાંમાં ‘પટેલભાઇ’નું નામ બહુ જાણીતું હતું. તેમના કામથી પ્રસન્ન થઇને મૈસૂરના વડિયાર રાજપરિવારે બન્ને દીકરીઓના લગ્નપ્રસંગે ફોટોગ્રાફીમાં ધાર્યું પરિણામ મેળવવા માટે અમદાવાદથી પ્રાણલાલ પટેલને બોલાવ્યા હતા.
પ્રાણલાલ મિજાજે ન્યૂઝ ફોટોગ્રાફર કરતાં વધારે ‘પિક્ટોરિઅલ ફોટોગ્રાફી’ના માણસ. છતાં એ સમયની ઘણી ઐતિહાસિક ઘટનાઓ અને પાત્રોની તસવીરો તેમની પાસેથી મળી આવે. જૂનાગઢની આરઝી હકુમત હોય કે અમદાવાદમાં ગાંધીજીના અસ્થિકુંભની યાત્રા- પ્રાણલાલ પાસેથી આખો પ્રસંગ આંખ સામે ખડો થઇ જાય એવી જીવંત તસવીરો, વ્યવસ્થિત રીતે વિષયવાર ખોખાંમાં છૂટી પાડેલી મળી આવે. ‘જે ચીજ હાજર હશે તે મળશે’ નહીં, ‘જે ચીજ માગો તે મળશે’- એ વ્યાવસાયિક પત્રકાર તરીકે પ્રાણલાલની ખાસિયત. તેમણે લીધેલી સરદાર પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ગુજરાતી મહાનુભાવોની તસવીરો હોય કે ૧૯૪૦માં ૪૨ રૂપિયા-૮ આનામાં અમદાવાદથી રાવલપીંડીની રીટર્ન ટિકીટ લઇને કરેલા કાશ્મીરના પ્રવાસની તસવીરો, તેમની ગુણવત્તા અને ઐતિહાસિકતા અમૂલ્ય છે.
પ્રાણલાલ પટેલની એક ઓળખ જૂના અમદાવાદના ઐતિહાસિક દસ્તાવેજકાર તરીકેની છે. તેમની તસવીરોમાં ઝીલાયેલું ત્રીસી-ચાળીસી-પચાસીના દાયકાનું અમદાવાદ હાલના મોલ-મલ્ટીપ્લેક્સ-ફ્લાયઓવરના અમદાવાદનું આરંભબિંદુ હતું. તેનાં વિવિધ સ્થળો અને સ્વરૂપોની તસવીરો અમદાવાદના જ નહીં, ગુજરાતના ઇતિહાસની મહામૂલી અમાનત છે. એવું જ તેમના જૂના કેમેરાના સંગ્રહનું પણ ખરૂં.
બે-પાંચ વર્ષ પહેલાં સુધી પ્રાણલાલ પટેલના ઘરે દિવસના સમયે જનાર માણસને ‘દાદા છે?’ના જવાબમાં, ‘બેસો ને. ડાર્કરૂમમાં છે. બોલાવું છું.’ એવો જવાબ સાંભળવા મળતો હતો. (આજે સોમા જન્મદિવસે પણ તેમણે વહેલી સવારે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના મિત્રો સાથે બહાર નીકળીને કદાચ પહેલી વાર ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરી.) તેમનાં જીવનસાથી-તસવીરકાર દમયંતિબહેને આ વર્ષે વિદાય લીધી. એ ધક્કો ખમી જઇને પણ પ્રાણલાલ પટેલ પોતાના પ્રથમ પ્રેમ-ફોટોગ્રાફીના સહવાસમાં અને પરિવારની હૂંફમાં આનંદપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યા છે.
આજકાલ ચાળીસ-પચાસ વર્ષના માણસોને ‘મઝામાં ને?’ એવું પૂછવામાં જોખમ લાગે છે. કારણ કે લોકો તરત પોતે કયાં કયાં કારણોસર -ખાસ કરીને શારીરિક કારણોથી- મઝામાં નથી, તેનું લીસ્ટ ગણાવવા બેસી જાય છે. તેમની સરખામણીમાં પ્રાણલાલ પટેલની શારીરિક ફરિયાદો સાંભળીને હસવું પણ આવે. સો વર્ષનો માણસ તાવ-શરદીની કે વધારે ગંભીર ફરિયાદમાં ‘હમણાં ઢીંચણ બહુ દુઃખે છે એટલે દાદર ધીમે રહીને ચડઉતર કરવો પડે છે’ એવી વાત કરે, ત્યારે રમૂજ નહીં તો બીજું શું થાય?