Thursday, August 07, 2008
Gandhi Horror show
No. This is not Gandhi's reaction to what transpired in Indian parliament during vote of confidence. 
Wednesday, August 06, 2008
ઝાડ પર લટકતા ન ફૂટેલા બોમ્બનો ઇન્ટરવ્યુ
ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. પાણીનો વરસાદ પડે કે ન પડે, બોમ્બની- અને બોમ્બની અફવાઓની-વૃષ્ટિ થઇ રહી છે. અમદાવાદમાં બોમ્બ ફૂટ્યા. સુરતમાં તે ફૂટતા પહેલાં પકડાઇ ગયા. એક જમાનામાં ત્રાસવાદીઓને ‘ચુન ચુનકે’ મારવાની વાતો કરનાર ગુજરાતના મુખ્ય મંત્રીની પોલીસ અને પ્રજા અત્યારે તો ‘ચુન ચુનકે’ બોમ્બ વીણી રહી છે. ગુજરાતની ધરતી ‘સુજલામ્ સુફલામ્’ને બદલે ‘સુધડામ, સુભડામ’ બની ગઇ હોય એવું લાગે છે. ઝાડ પર જરઝવેરાત લટકતાં હોય એવાં દ્રશ્યો ઘણી બાળવાર્તાઓ અને પરીકથાોમાં આવતા હતા. પણ ગુજરાતનાં બાળકો માટે ઝાડ પરથી બોમ્બ લટકતા મળી આવે છે- અને એ પરીકથા નથી. વાસ્તવિકતા છે.
આખી ગરમાગરમીના કેન્દ્રમાં રહેલા બોમ્બમાં જીવ આવે અને એવો ‘જીવતો’ બોમ્બ કોઇ ઝાડ પરથી લટકતો મળી આવે તો?
ખબર છે. સૌથી પહેલો વિચાર પોલીસ સ્ટેશને ફોન કરીને એકવીસ હજાર રૂપિયાની રોકડી કરવાનો આવે. પણ ત્યાર પછી ‘જીવતા’ બોમ્બ સાથે વાતો કરવાની તક મળે તો કેવા પ્રકારની વાતચીત થાય?
***
પ્રશ્ન: તમારો જન્મ ક્યાં થયો હતો?
બોમ્બ: આ ઇન્ટરવ્યુ છે કે ઇન્ટરોગેશન (તપાસ)?
પ્ર: ઇન્ટરોગેશન હોત તો મારે પૂછપરછ કરવાની જરૂર જ ક્યાં હતી? મારે તમને જે સાબીત કરવા હોય, તે સાબીત કરી દેતાં મને ક્યાં નથી આવડતું? પણ એ જવાબદારી પોલીસની છે. આ માત્ર ઇન્ટરવ્યુ જ છે.
બોમ્બ: જાણીને દુઃખ થયું. મેં સાંભળ્યું હતું કે પૂછપરછ કરનારા ઊંદરને વાઘ બનાવીને, પોતે ‘વાઘમારે’ બની જાય છે. મને હતું કે એ લોકો મને પણ સાદા તકલાદી બોમ્બને બદલે મહાવિસ્ફોટક બોમ્બ તરીકે ઓળખાવશે અને મારી ભયંકર છબી ઊભી થશે...
પ્રઃ તમારી નિખાલસતા કાબિલે દાદ છે. તમે પોતે જ પોતાની જાત વિશે ‘તકલાદી’ જેવું વિશેષણ વાપરો છો. અમારી સરકારને તમારી થોડી નિખાલસતા ઉછીની આપશો?
બોમ્બઃ સરકાર નિખાલસ થશે, તો બિચારા માહિતીખાતા પાસે શું કામ રહેશે? એટલે એ વાત જવા દે. મુદ્દાની વાત કર.
પ્રઃ એ જ તો કરતો હતો. તમારો જન્મ ક્યાં...?
બોમ્બ (સવાલ અધવચ્ચેથી કાપીને): મારા જન્મ વિશે શું કહું? તમને કોઇએ કહ્યું નથી કે બાવાનું અને બોમ્બનું મૂળ ન પૂછાય? ના કહ્યું હોય તો હું કહી દઊં છું...
પ્રઃ ઓકે. પહેલો સવાલ છે, એટલે આવો ઉડાઉ જવાબ માન્ય રાખું છું. તમને અહીં કોણ લાવ્યું?
બોમ્બઃ (મોટા અવાજે) એટલે તમે શું કહેવા માગો છો? એમ જ ને કે મને આતંકવાદીઓ નહીં, પણ તકવાદીઓ અહીં લાવ્યા છે અને સરેઆમ રઝળતો મુકી ગયા છે, જેથી લોકો મને શોધી શકે...
પ્રઃ તમે બહુ ગરમ મગજના છો.
બોમ્બઃ એટલે તો બોમ્બ છું. નહીંતર બરફ ન હોત? એકસાથે બોમ્બ અને બરફ બનવાનું રાજકારણમાં ચાલે, ત્રાસકારણમાં નહીં.
પ્રઃ વાહ, તમે તો ચિંતક જેવું બોલો છો.
બોમ્બઃ આટલી ચબરાકીમાં તમને ચિંતન દેખાઇ ગયું? તો એ માપ પ્રમાણે તારે મને બોમ્બને બદલે એટમબોમ્બ ગણવો જોઇએ.
પ્રઃ ખરેખર કહું છું. તમે આમ રસ્તે રઝળવાને બદલે ચિંતન અને પ્રેરણાના માર્કેટમાં આવી જાવ. બહુ મોટું બજાર છે. તેમાં ફૂટી ગયેલી તોપોથી માંડીને હવાઇ ગયેલી ટીકડીઓ સુધી ઘણા પોષાય છે...
બોમ્બઃ તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છે કે મને કામધંધે લગાડવા?
પ્રઃ સારૂં. તો આપો જવાબ. તમને રાજકારણમાં રસ છે?
બોમ્બઃ ના, પણ રાજકારણીઓને મારામાં રસ છે. તે મારા નામે મત ઉઘરાવવા હંમેશાં પ્રયત્નશીલ હોય છે.
પ્રઃ તમારી સાર્થકતા શામાં છે? ફુટવામાં કે ન ફુટવામાં?
બોમ્બ (‘હે વત્સ!’ની શૈલીમાં) ઃ મારી સાર્થકતા જાણતા પહેલાં તું મારી જીવનફિલસૂફી જાણ, જેથી તારા મનમાં આવા ઉટપટાંગ સવાલો ન જાગે. મારું જીવનસૂત્ર છેઃ ‘બનાવે કોઇ, ફોડે કોઇ અને મરે કોઇ.’ આટલામાં સમજી જા.
પ્રઃ ખરૂં કહું છું. માની જાવ. તમે ચિંતનમાં ચાલી જાવ એમ છો..
બોમ્બઃ પણ હજી મને ફૂટી તો જવા દે. ત્યાં ટકી રહેવા માટે ફૂટી ગયેલા બોમ્બનું ખોખામાં ચોંટેલો હોય એટલો દારૂગોળો જ પૂરતો છે.
પ્રઃ હવે સરકિટ વિશે થોડી વાત કરો.
બોમ્બઃ મારૂં ખાતું પણ મુન્નાભાઇ જેવું છે. સરકિટ વિના મારા જીવનમાં અંધારૂં. સરકિટ ન ચાલે તો મારી કશી કિંમત નહીં. મારી બધી ભાઇગીરી સરકિટ પર આધારિત છે. આ વખતે સરકિટ ચાલી નહીં, એટલે મારે ફૂટવાને બદલે તારા સવાલોના જવાબો આપવા પડે છે.
પ્રઃ બોમ્બ તરીકે તમે હંમેશાં જમીન પર રહેવા ટેવાયેલા છો. ઝાડ પર લટકવાનો અનુભવ કેવો રહ્યો?
બોમ્બઃ બોરિંગ. હવે ફરી હું કહી દેવાનો છું કે મને લટકાવવો હોય તો ફાંસીએ લટકાવજો, પણ ઝાડ પર ન લટકાવશો.
પ્રઃ વાહ, તમે નેતા જેવું વિધાન કર્યું. અમારા નેતાઓ વાતવાતમાં કહેતા હોય છે,‘મારી પરનો આરોપ પુરવાર થાય તો મને ફાંસીએ લટકાવજો.’
બોમ્બઃ તમે વારે વારે નેતાઓને વચ્ચે લાવીને મારી લાગણી શા માટે દુભવો છો? આખરે મારી વિનાશક શક્તિ કેટલી? મારી મારીને હું કેટલા માણસોને મારવાનો હતો? જ્યારે તમારા નેતાઓનાં કારસ્તાનથી કેટલાં માણસો મરે છે? તોય તમે નેતા કરતાં બોમ્બથી વધારે ગભરાવ છો. તમારાં ધોરણ મને સમજાતાં નથી.
પ્રઃ આમ ફુટ્યા વગર જીવ્યા કરવાનું કેવું લાગે છે?
બોમ્બઃ આ લાયકાત મુખ્ય મંત્રીના ઘ્યાન પર આવશે, તો વહેલામોડા ગુજરાતના મંત્રીમંડળમાં આપણો નંબર લાગવાનો પૂરેપૂરો ચાન્સ છે. એમને કહેજે, આપણને ગૃહખાતું ચાલશે.
પ્રઃ છેલ્લો સવાલ. એનો સાચો જવાબ આપજો. તમારા થકી ઘણા નિર્દોષોનાં મૃત્યુ થાય છે. અનેક કુટુંબો ઉજાડવા માટે તમે સીધી કે આડકતરી રીતે જવાબદાર છો. તમારી તાકાતના, ઘૂનના અને કર્મઠતાના કેફમાં તમે આંખે પાટા બાંધી દો છો અને તમારી મમતને કારણે થતું નુકસાન જોઇ શકતા નથી. તમે માનો છો કે તમને તમારૂં કામ કરતાં કોઇ જ રોકી શકે એમ નથી...
બોમ્બ (અધવચ્ચેથી અટકાવીને) : એક મિનીટ, એક મિનીટ. કંઇક ગેરસમજણ થતી લાગે છે. તમે મુખ્ય મંત્રીનો નહીં, મારો- એક બોમ્બનો, ઝાડ પરથી મળેલા જીવતા બોમ્બનો- ઇન્ટવ્યુ લઇ રહ્યા છો...
આ સંવાદ સાથે જ ઇન્ટરવ્યુનો અવિધિસરનો અંત આવે છે.
Tuesday, August 05, 2008
પ્રજા જાગે તો બાવાઓને ખરેખર ‘બાવા’ બનવું પડે
તુજ વિના ઘેનમાં કોણ જાશે?
આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું, ઘોડો છૂટી જાય પછી તબેલાને તાળાં મારવાં, ઢોળાયેલા દૂધ પર આંસુ સારવાં...આ પ્રકારની તમામ કહેવતો ધર્મો-સંપ્રદાયોની ગેરરીતિઓ અંગેના પ્રજાકીય અભિગમને લાગુ પાડી શકાય.
તાજો દાખલો ભલે આસારામ આશ્રમનો હોય, પણ તે પહેલો નથી અને છેલ્લો પણ નહીં હોય. વિવેકબુદ્ધિનો વીંટો વાળીને ચરણોમાં લોટી પડવા તત્પર ભક્તજનો છે, ત્યાં સુધી અઘ્યાત્મના માર્કેટમાં કદી મંદી આવવાની નથી. ટોપ ૧૦ સ્ક્રીપના ભાવમાં ચડઉતર થયા કરે- આજકાલ આસારામની સ્ક્રીપ ડાઉન છે- પણ તેને કારણે અઘ્યાત્મના ધંધા તરફ સમગ્રપણે લોકોને રોષ જાગતો નથી. ઊલટું, આસારામથી વિમુખ થયેલા લોકો બીજા કોઇનું શરણું શોધી લે અને તેના સંખ્યાબળમાં વધારો કરે, એ શક્યતા મોટી છે.
અંગત માન્યતા, જાહેર દૂષણ
વાસ્તવિક કે આભાસી, આઘ્યાત્મિક કે માનસિક ટેકો ક્યાંથી મેળવવો એ વ્યક્તિનો અંગત મામલો છે. માણસ કયા સાબુથી નહાય છે તેની સાથે કોઇને મતલબ નથી હોતો. એવી જ રીતે માણસ કયા બાવા-બાપુ-મહારાજનું શરણું શોધે છે કે તેમના ચરણોમાં લુઢકી પડે છે, એની સાથે પણ કોઇને સંબંધ ન હોવો જોઇએ.
સંબંધ ત્યારે ઊભો થાય છે, જ્યારે કોઇ બાવા-બાપુ-મહારાજ પ્રત્યેનો તેમનો અહોભાવ (ઉર્ફે ‘શ્રદ્ધા’ ) જાહેર જીવનમાં અને સામાજિક ગતિવિધિઓમાં અડચણરૂપ બનવા લાગે છે. અઘ્યાત્મના ઓઠા તળે અને સંખ્યાબળના જોરે શ્રદ્ધાળુઓ અને તેમના ગુરૂઓ કાયદો-વ્યવસ્થાથી પર થવા લાગે છે. સમાજમાં તેમનો પ્રભાવ વધે, તેમ એમની દાદાગીરી અને ન્યૂસન્સ વેલ્યુ વધતાં જાય છે. આસારામ જેવા કિસ્સામાં ‘બાપુ’ના માણસોની દાદાગીરી દેખીતી અને સરેઆમ હોય છે, જેને નબળા લોકો અને સ્વાર્થી સરકારો અઘ્યાત્મનાં કપડાં પહેરાવીને નિભાવી લે છે.
આસારામની ફેક્ટરી ‘હિંદુત્વ’ અને ‘ભારતની પ્રાચીન સંસ્કૃતિ’ના નામે બેશરમ થઇને સાબુ, અગરબત્તી અને આયુર્વૈદિક ઔષધિઓ જેવી ચીજવસ્તુઓ વેચે છે. ‘એમાં ખોટું શું છે?’ એવો સવાલ ઘણાને થશે. તેનો જવાબ એ છે કે આ બધો વેપાર આઘ્યાત્મિક આશ્રમના નેજા તળે કરવાનો હોય, તો પછી આશ્રમની જગ્યાને ‘કોમર્શિયલ’ ગણવી જોઇએ, તેને અઘ્યાત્મના ધામને બદલે એક ફેક્ટરીનો કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો દરજ્જો આપવો જોઇએ અને એ હિસાબે તેની પાસેથી કરવેરાની અને બીજી વસૂલાતો થવી જોઇએ.
પણ ખરેખર થાય છે શું? મોટી વાનમાં આસારામ આશ્રમની હરતીફરતી દુકાનો શહેરોના ધમધમતા ટ્રાફિક પોઇન્ટની મોકાની જગ્યાઓ પર ધરાર અડીંગા જમાવે છે. સામાન્ય માણસનું વાહન ત્યાં થોડી વાર માટે ત્યાં પડ્યું હોય તો ટ્રાફિક પોલીસ કે ટોઈંગ સ્ક્વોડ દંડ ફટકારી દે, રિક્ષા ઊભી હોય તો તેેને પોલીસના દંડુકાનો એકાદ ફટકો કે ચાલકને બે-ચાર ગાળો સાંભળવી પડે. પણ આશ્રમના માણસો સફેદ કપડાં પહેરીને દુકાન ચલાવતા હોય, એટલે તેમને કોઇ નિયમ લાગુ ન પડે.
આશ્રમના ધંધાને આવી વિશેષ સુવિધાઓ શા માટે? કારણ કે તેની ફરતે અઘ્યાત્મનું તેજવર્તુળ ઊભું કરવામાં આવે છે અને એ વર્તુળને ઊચ્ચ સત્તાધીશો તરફથી સીધો કે મૂક ટેકો મળે છે. ટ્રાફિક પોઇન્ટ પર ઊભેલી આશ્રમની ધંધાદારી વાનને હટાવવાનું ટ્રાફિક પોલીસનું ગજું નથી. કેમ કે, એ પોતે અથવા એમના સાહેબો કે સાહેબોના સાહેબો આશ્રમના ભક્ત કે લાભાર્થી હોય છે. આ પ્રકારનાં અન્યાયી બેવડાં ધોરણથી પ્રજાનું લોહી ઉકળી ઉઠે અને વાન ગમે ત્યાં ઊભી રાખવા જેવી બાબતમાં પણ પ્રજા પોતાના મિજાજનો પરચો દેખાડે, તો બાવા-બાપુઓ અને તેમના અનુયાયીઓના પગ જમીન પર રહે, ‘અમને કોણ કહેનાર છે?’ એવો ફાંકો તેમના મનમાં ન ભરાય અને આસારામના અનુયાયીઓએ જે આતંક મચાવ્યો, તેવી ઘટનાઓ નિવારી શકાય.
ફળદ્રુપ ભૂમિનો ફાલ
ટ્રાફિક આઇલેન્ડ પર ધમધમતું દરેક ધર્મસ્થાન દસ-વીસ વર્ષ પહેલાં મામુલી દેરી કે મઝાર હોય છે. એ જ રીતે અઘ્યાત્મના બજારમાં ધીકતો ધંધો કરનારી દરેક પેઢીની શરૂઆત સાવ નાના પાયે, ઘણી વાર તો અસામાજિક ધંધામાંથી થાય છે. પાંડુરંગ શાસ્ત્રી જેવા કોઇ હિંદુત્વ અને ગીતાના પાયા પર, તો આસારામ જેવા અઘ્યાત્મથી આયુર્વેદ સુધીની ભેળપુરી બનાવીને પોતાનો પંથ જમાવે છે. અઘ્યાત્મ અને ધર્મ મોટા ભાગના માણસોની દુઃખતી કે દુઃખાડી શકાય એવી નસ હોય છે. અમેરિકા જેવા દેશોમાં અનુયાયીઓની ઘેટાશાહી ભારતના ધર્મપ્રેમીઓ કરતાં ખાસ જુદી હોતી નથી. પણ સૌથી મોટો ફરક સરકારના અભિગમમાં પડે છે. અમેરિકા જેવા દેશમાં એક ડિસ્ટ્રીક્ટ કોર્ટનો જજ દુનિયાના સૌથી માલેતુજાર માણસ બિલ ગેટ્સને ધંધે લગાડી શકે છે. કાનૂની દ્રષ્ટિએ ભારતમાં પણ એ શક્ય છે. છતાં વ્યવહારમાં એવું બહુ બનતું નથી.
ભારતમાં વ્યક્તિનો પ્રભાવ વધે, તેમ કાયદો તેના માટે અપ્રસ્તુત બનતો જાય છે. પ્રભાવશાળી માણસો કાયદાથી પર રહેવામાં પોતાની મોટાઇ સમજે છે અને કાયદાને ન ગણકારનારા માણસોને સરેરાશ પ્રજા એક પ્રકારના ભયમિશ્રિત અહોભાવથી જુએ છે. ભારતમાં કાયદાની ઐસીતૈસી કરનાર પહેલાં ગુંડો બને છે, પછી તેનો પ્રભાવ વધે તો એ વિધાનસભ્ય કે સાંસદ બને છે અથવા કોઇ સંપ્રદાયના ગુરૂનો જમણો હાથ બને છે. એથી પણ વધારે હોંશિયાર માણસ હોય તો એ પોતે જ એકાદ સંપ્રદાયની દુકાન ખોલી નાખે છે.
પહેલાં કહેવાતું હતું કે ‘બાવા બન્યા હૈ તો હિંદી બોલના પડેગા.’ હવેના બાવાઓને ખરેખર પ્રભાવશાળી બાવા બનવું હોય તો હિંદી બોલવા ઉપરાંત બીજું ઘણુંબઘું કરવું પડે છેઃ મોંઘીદાટ મોટરો અને એવી મોટરો ધરાવતા અનુયાયીઓ મેળવવા પડે છે, રાજકારણીઓ સાથે સારાસારી રાખવી પડે છે, ખરાબ વખત આવે અને પ્રજાને સચ્ચાઇની ખબર પડી જાય તો તેમના રોષનો મુકાબલો કરવા માટે ગુંડા રાખવા પડે છે- પોતે એકલો માણસ બિચારો કેટલે પહોંચી વળે!
કેટલાક ‘ફીલગુડ’ બાવાઓ બધી પ્રકારના પ્રશ્નોમાં ઝંપલાવે છે અને ‘લે ટકો, મને ગણ’ની પદ્ધતિથી પોતાનો પ્રભાવ વધારે છે. રાજસ્થાનનું ગુજ્જર આંદોલન હોય કે અંબાણીબંઘુઓનો ઝઘડો, બાવાઓ વિના જાણે ગાડું આગળ ચાલતું નથી. મઝાની વાત એ છે કે બાવાઓ વચ્ચે પડે છે તે સૌ જાણે છે, પણ તેમનું કેટલું ઉપજ્યું તેની ચર્ચા કદી થતી નથી. સફળતા મળે તો બાવાઓનો જયજયકાર થાય છે, પણ નિષ્ફળતા મળે તો એ ચૂપચાપ સરકી જાય છે અને કોઇ એ વિશે ચર્ચા કરતું નથી. આ બધી નિષ્ફળતા પ્રજા અને પ્રજાકીય માઘ્યમોની છે, જેને કારણે બાવાઓની ‘લાર્જર ધેન લાઇફ’ છબી ઊભી થાય છે. બાવાઓ પણ આપણા જેવા- અને ઘણાખરા કિસ્સામાં સરેરાશ સજ્જનથી ઉતરતી કક્ષાની-બિનતંદુરસ્ત મનોવૃત્તિવાળા હોય છે, એ સત્ય ઘણાખરા લોકો ભૂલી જાય છે. પોતાનાં અજંપો-અસુખ-અસલામતી કે આકાંક્ષાઓ માટે ‘યોગ્ય ઠેકાણું’ શોધતા લોકો પાસે બાવાઓની વૃત્તિ-પ્રવૃત્તિ તપાસવાની ઉતાવળ હોતી નથી. એટલે, રૂપિયા રોકતાં પહેલાં સો વાર વિચાર કરનારા લોકો લાગણીઓ અને શ્રદ્ધાનું રોકાણ કરે ત્યારે તેમનાં આંખ અને દિમાગ પર પાટા બંધાઇ જાય છે. નરી આંખે જોઇ શકાય- અને બીજાને દેખાતાં પણ હોય- એવી હકીકતો તેમને દેખાતી નથી અને પાટા ઉઘડે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.
બાવાબાજીમાંથી મુક્તિ
‘બાવાઓએ સમાજ પર નાગચૂડ જમાવી છે’ એ વિધાન ‘થાંભલો મને છોડતો નથી’ એવી જાતનું છે. અઘ્યાત્મના નામે ધંધો કરનારા બાવાઓને ભાવ આપનારા અને તેમના ભાવ ઊંચકનારા અનુયાયીઓ જ ન હોય તો?
બાવાઓ તેમના મૂળ સ્થાને-એકાંતમાં- જતા રહે અને તેમને પરાણે સાઘુત્વ અથવા સન્યાસીપણાના ગુણો ખીલવવાની ફરજ પડેઃ ઝૂંપડીમાં કે ખુલ્લામાં રહેવું પડે, ભિક્ષા માગીને પેટ ભરવું પડે, જ્ઞાન માટે તપસ્યા કરવી પડે, સમાજ અને સરકારોથી દૂર રહેવું પડે, ટીવી ચેનલો અને પ્રસિદ્ધિની પરેજી પાળવી પડે...
ત્યાર પછી હરવાફરવા માટે મોટી ગાડીઓ ન હોય (એકેય બાવો મારૂતિ ફ્રન્ટીમાં ફરતો જોયો?), ઘેલા અનુયાયીઓનાં ટોળાં ન હોય, વૈભવશાળી ક્લબને ટક્કર મારે એવા આશ્રમ ન હોય, બિલ્ડરોને ઇર્ષ્યા આવે એટલી જમીનો ન હોય, નેતાઓની નજર બગડે એટલા અનુયાયીઓ ન હોય, મુખ્ય મંત્રીને મોં સીવીને બેસી જવું પડે એટલો પ્રભાવ ન હોય...
...ભલે ચીલાચાલુ લાગે, તો પણ એ જ કહેવું પડે કે ‘વો સુબહ હમીં સે આયેગી.’
Monday, August 04, 2008
આંખનું કાજળ ગાલે # 4 : જુમ્મા જુમ્મા તરજુમા ઊર્ફે દે ધનાધન!
ચોક્સાઇ-સમ્રાટ હરીશભાઇ લખે છે કે બન્ને ફિલ્મો ૨૦૦૨માં સેન્સર અને રિલીઝ થઇ, જ્યારે જવાબ આપનાર લખે છે કે બન્ને ફિલ્મોનું શૂટિંગ ૧૯ નવેમ્બરથી શરૂ થયું. હકીકત એમ છે કે ફિલ્મનું શૂટિંગ ૧૯ નવેમ્બર, ૨૦૦૧થી શરૂ થયું હતું.
જૂના સવાલજવાબના તરજુમા જોખમી વ્યવસાય છે.
ખરેખર તો તરજુમા જ જોખમી વ્યવસાય છે.
કેમ કે, થોડા મહિના પહેલાં આ જ ફિલ્મી પૂર્તિમાં જૂના ગીતસંગીત વિશેની કોલમમાં છપાયું હતું, મહેન્દ્ર કપૂર પહેલાં ‘ઘુન ઇન્દોરવાલા’ નામથી ગીતો ગાતા હતા. અસલિયત જાણે એમ છે કે ‘ધન ઇન્દોરવાલા’ એક પારસી ગાયિકાનું નામ છે, જે પારસી સંગીતકાર વી (વિસ્તસ્પ) બલસારાનાં શિષ્યા હતાં. તેમણે કદીક મહેન્દ્ર કપુર સાથે યુગલ ગીત પણ ગાયું હતું. પરંતુ અંગ્રેજીમાં ‘ધન’નો સ્પેલિંગ dhun થાય છે. એટલે લેખકબંઘુએ દે ધનાધન - કે ‘દે ઘુનાઘુન’ ગબડાવ્યું: ઘુન ઇન્દોરવાલા! અગાઉ તે ‘સૂરસિંગાર સંસદ’(samsad)ને સૂરસિંગાર સમસાદ પણ કહી ચૂક્યા છે.
નહોતું કહ્યું, જુમ્મા જુમ્મા તરજુમા જોખમી બિઝનેસ છે?
Friday, August 01, 2008
આંખનું કાજળ ગાલે # 3 : આંખનું કાજળ દાઢીએ?
મુખ્ય મંત્રીઃ દેશભરમાં અગાઉ 11 આતંકવાદી હુમલા થયા છે. ગુજરાતમાં થયેલો હુમલો બારમો છે. એટલે એ અગાઉના હુમલાની જ એક કડી છે.
અર્થઃ ગુજરાતના બોમ્બધડાકા સંદર્ભે- કે બીજી કોઇ પણ રીતે- 2002નો ઘટનાક્રમ અને તેમાં મુખ્ય મંત્રીની કે સરકારની ભૂમિકા વિશે હરફ પણ ઉચ્ચારવો નહીં. આતંકવાદીઓના કહેવાતા ઇ-મેઇલમાં 2002ની વાત આવે તો પણ નહીં.
ગુજરાત દેશનો જ એક હિસ્સો છે, જે અત્યાર સુધી મુખ્ય મંત્રી ભૂલી ગયા હતા, પણ ધડાકાથી તેમની નીંદર ઉડી અને ઠીક યાદ આવ્યું...
અત્યાર સુધી દેશમાં ધડાકા થતા હતા ત્યારે મુખ્ય મંત્રી એમ માનીને મુસ્તાક હતા કે ‘2002માં મુસ્લિમોને આપણે એવો પાઠ શીખવ્યો છે કે હવે કોઇ આઘાપાછા નહીં થાય.’ હવે ધડાકા થયા છે. શું કરવાનું?
મુખ્ય મંત્રીઃ આતંકવાદ પ્રોક્સીવોર છે. દેશમાં યુદ્ધ જેવો માહોલ ઊભો ન થાય ત્યાં સુધી તેનો અસરકારક રીતે સામનો થઇ શકે નહીં.
અર્થઃ ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે શું, તે કવિ કહેશે જરા? ‘યુદ્ધ જેવો માહોલ’ એટલે સરકાર કરે તે સાચું અને નાગરિકોએ કશું બોલ્યા વગર ચૂપચાપ પોતાના તમામ અધિકારો ‘રાષ્ટ્રની સુરક્ષા કાજે’ સરકારના ચરણે ધરી દેવાના.
- તો પછી આસારામ એન્ડ કંપની સામે પગલાં લેવા માટે પણ ‘યુદ્ધ જેવો માહોલ’ સર્જાય ત્યાં લગી રાહ જોવી પડશે કે શું?
આંખનું કાજળ ગાલે # 2 : 26 તારીખના ધડાકા અને સૂરસૂરિયાં

પણ યોગાનુયોગ ઊભો કરવાના ઉત્સાહમાં જબરો ગોટાળો થયો. બે ન ભૂલાય એવી તારીખો ખોટી લખાઇ. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો ડબ્બો સળગાવવાની તારીખ હતીઃ 27 ફેબ્રુઆરી. એ જ રીતે મુંબઇ બોમ્બબ્લાસ્ટની તારીખ હતીઃ 11 જુલાઇ. છતાં એ બન્ને બનાવો 26 તારીખે બન્યા હોવાનું ભાસ્કરના છપાઇ ગયું અને એસએમએસ પણ ફરતા થઇ ગયા.
આ દુર્ઘટના 26મીએ નહીં, પણ 27મી એ બની!
Thursday, July 31, 2008
આંખનું કાજળ ગાલે # 1 : યે ભાવના સોમૈયા ક્યા ચીજ હૈ?
સૌથી પહેલાં, મથાળામાં જણાતા દેખીતા અવિવેક વિશે સ્પષ્ટતાઃ 20 જુલાઇના રવિવારની સંદેશ સાપ્તાહિક પૂર્તિમાં જાણીતાં ફિલ્મપત્રકાર ભાવના સોમૈયાના લેખનું મથાળું છેઃ યે બાબુરાવ પટેલ ક્યા ચીજ હૈ? હા, ઠપકાર્યો છે. કારણ કે લેખમાં ‘ફકરે ફકરે કાદુ તારા લોચા’ એવો મામલો છે. બાબુરાવ પટેલના મૃત્યુનો મહિનો ખોટો લખ્યો છે. ઉત્સાહમાં આવીને ભાવનાબહેન એ મતલબનું પણ કહી બેઠાં છે કે બાબુરાવના રીવ્યુથી ફિલ્મો તરી અથવા ડૂબી જતી હતી.
ફક્ત આટલા તર્કથી મારો મુદ્દો સાબીત કરવાનો નથી. બાબુરાવ રીવ્યુમાં કેવો માર ખાતા હતા અને સારી ફિલ્મો- સારા સંગીતને ધીબેડી નાખવાની સાથે ખરાબ ફિલ્મોને છાપરે ચડાવતા હતા, એ બધું મારા ભવિષ્યના લેખોનો વિષય છે. પણ એક-બે સેમ્પલઃ
દિલીપકુમારની પહેલી ફિલ્મ ‘જ્વારભાટા’(1944) જોયા પછી બાબુરાવે એ મતલબનું લખ્યું હતું કે ફિલ્મનો હીરો કોઇ રીતે ફિલમલાઇનમાં ચાલે એમ નથી. એટલે એ જ્યાંથી આવ્યો હોય ત્યાં પાછો જતો રહે એમાં જ તેની ભલાઇ છે.--(
નૌશાદ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા બાબુરાવે ‘બૈજુ બાવરા’ના સંગીત માટે ‘સારી મહેનત કરી છે’ એવાં કોમ્પ્લીમેન્ટ આપ્યાં હતાં અને ‘શબાબ’નાં અદભૂત ગીતોમાંનું એક ‘મરના તેરી ગલીમેં, જીના તેરી ગલીમેં’ ટાંકીને બાબુરાવ ઉવાચઃ ‘શબાબમાં નૌશાદે તેરી ગલી, મેરી ગલી જેવાં સસ્તાં ગીતો બનાવ્યાં છે.’ ધેટ્સ ઓલ, યોર ઓનર.
ઓર, ધેટ્સ નોટ ઓલ. ભાવનાબહેન લખે છે કે રાજકારણમાં પડેલાં બાબુરાવથી ગભરાતાં ઇંદિરા ગાંધીએ તેમને રાજ્યસભાનું સભ્યપદ આપીને પટાવી લીધા હતા. આ વાત સદંતર ખોટી છે, એટલી મને ખબર હતી, પણ બાબુરાવના ભક્ત-ચાહક અમદાવાદના મહેન્દ્રભાઇ શાહ વધારે વિગત આપતાં કહે છે કે ‘બાબુરાવ મધ્ય પ્રદેશની ઉજ્જૈન પાસે આવેલી એક બેઠક (શાજપુર) પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. તેમને ગ્વાલિયરનાં રાજમાતા સિંધીયાએ સ્પોન્સર કર્યા હતા અને જનસંઘે ટેકો આપ્યો હતો. આ ચૂંટણીમાં ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્ય મંત્રી લીલાધર મિશ્રાને હરાવીને બાબુરાવ લોકસભાના સભ્ય બન્યા હતા.
બાબુરાવ ડોક્ટર ન હતા, છતાં ધરાર પોતાના નામ આગળ ‘ડો.’ લખતા હતા. અમદાવાદના એક જાણીતી કોલેજના આચાર્યને પણ એવો જ શોખ છે. બહરહાલ, વો કિસ્સા ફિર કભી...
વાત ભાવનાબહેનની ચાલે છે. એટલે ભૂલોનો અંબાર ખડક્યા પછી તેની પર ‘ટોપિંગ’ જેવી ભૂલઃ લેખ સાથે છપાયેલી બે તસવીરોમાંથી એક તસવીર બાબુરાવનાં બીજાં પત્ની સુશીલારાણી પટેલની છે, પણ તેમની સાથેની તસવીર બાબુરાવ પટેલની નથી. એ તસવીર કોની છે? મહેન્દ્ર શાહ કહે છે કે ‘ફિલ્મ ઇન્ડિયા’ ના હોલિવુડના કોરસ્પોન્ડન્ટ રામ બાગાઇની છે.
ભાવનાબહેન, ગુજરાતી છાપાના વાચકો માટે આમ ડાબા હાથે લખશો તો કેમ ચાલશે? તમે લખો છો એ જગ્યાએ વર્ષો સુધી સલીલ દલાલ લખતા હતા. એમનું વાંચીને અમે મોટા થયા. વલ્લભવિદ્યાનગરના સલીલભાઇનો તમારા જેવો કોઇ દાવો ન હતો. છતાં તેમણે અનેક વિષયોને એક ધાગે પરોવીને લખવાની પ્રવાહી શૈલી વિકસાવી. ગુજરાતી છાપાંમાં ‘ફિલમની ચિલમ’ ડાલડા અને ઝેરોક્સની જેમ વિશેષ નામ મટીને સામાન્ય નામ બની ગયું.
હવે તમે મુંબઇમાં જ રહો, ત્યાંના ‘સ્ટાર્સો’ સાથે સંપર્કમાં હો, છતાં આવા ભીંડા મારો તો શું થશે? કે પછી આમ જ હલાવવું પડશે?
નોંધઃ ‘આંખનું કાજળ ગાલે’ ના મથાળા હેઠળ આવી વાનગીઓ મુકવાનો વિચાર છે. ‘પ્રોફેશનલ એથિક્સ’ મુજબ મારે જણાવવું જોઇએ કે હું ‘ગુજરાત સમાચાર’ સાથે સંકળાયેલો છું.
એ કહ્યા પછી બીજા જ શ્વાસમાં એ જાહેર કહેવાનું થાય છે કે આમ તો સમગ્રપણે મારા લેખનમાં, છતાં આ બ્લોગમાં સવિશેષ, હું માત્ર મારી સાથે અને વાચકો સાથે સંકળાયેલો છું. બહારની જેમ અહીં પણ હું એક યા બીજા છાપા કે મેગેઝીનના ‘વફાદાર’ કે ‘ટીકાકાર’ તરીકે પેશ થતો નથી. ‘આંખનું કાજળ ગાલે’ની આ પહેલી એન્ટ્રી હોવાથી આટલી સ્પષ્ટતા.
જોવા જેવી ફિલ્મઃ બેટમેન- ‘ધ ડાર્ક નાઇટ’
સૌને થશે કે આ ભાઇનું ‘કાંતિ ભટ્ટકરણ’ થઇ ગયું કે શું? ચિંતા ન કરશો. હજી મારું ઠેકાણે છે. ઉપર લખેલી વાતનો આ એન્ટ્રી સાથે સીધો સંબંધ છે. ‘અભિયાન’માં મારી પસંદગી પહેલાં આવેલાં પત્રો-અરજી જોઇને હેતલ દેસાઇએ મારો પત્ર જુદો તારવ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.
‘અભિયાન’માં જોડાયા પછી મઝા આવતી હતી, પણ પત્રકારત્વમાં મારા ભવિષ્ય વિશે હું અવઢવમાં હતો, ત્યારે અભિયાનના તત્કાલીન ચીફ રીપોર્ટર દીપક સોલિયાએ તેમની સહજ આત્મીય શૈલીમાં મારા માટે ‘લંબી રેસકા ઘોડા’ જેવો અભિપ્રાય આપ્યો હતો- ‘આમાં કંઇક છે’ એવું લાગવાથી.
સમય જતાં દંપતિ અને મિત્રદંપતિ બનેલાં હેતલ- દીપકની પસંદગી વિશે આટલું લખ્યા પછી મુદ્દાની વાતઃ હેતલ દેસાઇ લખે છે કે ‘બેટમેનની નવી ફિલ્મ ‘ધ ડાર્ક નાઇટ’ અચૂક જોવા જેવી છે. હું ખચકાટ સાથે જોવા ગઇ હતી, પણ બહુ જ મઝા પડી.’ હેતલે એમ પણ લખ્યું છે કે ‘આ ફિલ્મ વિશે ‘જોવા જેવી ફિલ્મ’ વિભાગમાં લખવા જેવું છે.’ કારણ? ‘આમાં કંઇક છે.’
અત્યારે કેટલાંક કારણસર ફિલ્મ જોવાનો જોગ થાય તેમ નથી. એટલે હેતલના સૂચન નીચે વિના ખચકાટે મારી સહી કરીને અહીં મુકું છું. હેતલ-દીપક જેવા મિત્રો આ બ્લોગ વાંચે છે અને આવાં સૂચનો પણ કરે છે, એટલે બ્લોગેચ્છાનો ‘જોસ્સો’ જળવાઇ રહે છે
Tuesday, July 29, 2008
સાવધાન, બોમ્બવિસ્ફોટથી થયેલા નુકસાનનો ફાયદો બીજું કોઇ ન ઉઠાવી જાય
બોમ્બધડાકાનો બેવડો ફટકો
બોમ્બધડાકા જેવી ઘટના બને એટલે સૌથી મોટું નુકસાન નાગરિકોના જીવનું હોય છે. ભારત જેવા દેશમાં નાગરિકોના જીવની ‘કિંમત’ બહુ હોતી નથી. ગરીબોના જીવની તો લગભગ નહીંવત્. મૃતકો વિશે બીજા લોકો આંકડાની રીતે વિચારે છેઃ ‘ત્રીસ-ચાળીસ બહુ ન કહેવાય. સો-દોઢસો હોય તો મામલો ખરેખર ગંભીર કહેવાય.’ હકીકતમાં એક મૃત્યુ થાય તો પણ એક આખો પરિવાર ભાંગી પડે એવું બની શકે છે. બીજું નુકસાન જાહેર અને ખાનગી સંપત્તિનું હોય છે. ઉપરાંત માનસિક આઘાત પણ ખરો.
આટલા બધા મોરચે ફટકા પડ્યા હોય, ત્યારે શાણપણ એમાં છે કે ખાતર પર દીવો ન થાય. જેટલું નુકસાન થઇ ચૂક્યું છે, તેની પાછળ વધારે નુકસાન ન થવા દઇએ, પ્રજાને થયેલા નુકસાનમાંથી બીજું કોઇ ફાયદો ઉઠાવવાની કોશિશ કરે તો તેને સફળ ન થવા દઇએ, તેને ઉત્તેજન ન આપીએ અને તેના ચગડોળે ન ચડીએ. પહેલી નજરે સરકારી સૂચના જેવી લાગતી આ વાત ઠંડા કલેજે વિચારવા જેવી છે. કારણ કે અમદાવાદમાં વિસ્ફોટોને કારણે થયેલી ખુવારી પછી, તેના ‘આફટરશોક’ જેવા વધારાના નુકસાનનો દૌર ચાલુ થઇ શકે છે.
ધડાકા અમુક પક્ષે કરાવ્યા કે તમુક બાવાએ કરાવ્યા, એવાં અનુમાનો ઉછાળવાનો આ સમય નથી. કેમ કે, એવા આરોપ કદી અટકળ કે ગુસપુસથી આગળ વધી શકતા નથી. તેમની સચ્ચાઇ વિવાદાસ્પદ રહેતી હોવાથી એમાં સમય બગાડવાનો અર્થ નથી. પ્રજાકીય દ્રષ્ટિકોણથી જરા જુદી રીતે આ બાબતનો વિચાર કરી શકાયઃ અમદાવાદના બોમ્બવિસ્ફોટોથી કોને કોને ફાયદો મળી શકે એમ છે? અને એ લોકો બોમ્બસિફોટ જેવી કરૂણ ઘટનાનો ફાયદો ખાટી ન જાય, તે માટે આપણે શું કરી શકીએ?
કોને ફાયદો?
‘બોમ્બધડાકાનો ફાયદો? એ કેવી રીતે લેવાય?’ એવું પૂછવા જેટલું ભોળપણ હવે લોકોમાં રહ્યું નથી. એટલે સીધા મુદ્દાની વાત પર આવીએ. સવાલ એ નથી કે ‘બોમ્બધડાકામાંથી કોણ કોણ ફાયદો લેવા માગે છે?’ જાગ્રત નાગરિક તરીકે વિચારવાની વાત એ છે કે ‘બોમ્બધડાકાથી કોને કોને ફાયદો થઇ શકે? અને કેવી રીતે?’
ગુજરાત સિવાય બીજું કોઇ પણ રાજ્ય હોત, તો ધડાકાનો ફાયદો મેળવનારની યાદીમાં સૌથી પહેલું નામ વિરોધપક્ષનું આવ્યું હોત. સામાન્ય રિવાજ પ્રમાણે, જેના શાસનમાં બોમ્બધડાકા થાય તે મુખ્ય મંત્રી અને સરકાર પર વિપક્ષો નિષ્ફળતાનો આરોપ મુકે છે. આ રિવાજ માટે મુખ્યત્વે પ્રજા પ્રત્યેની નિસબત નહીં, પણ હરીફને ભીડાવવાની વૃત્તિ કારણભૂત હોય છે.
પણ ગુજરાતમાં અવળી ગંગા (કે નર્મદા) છે. ગુજરાતમાં બઘું ધડાકાભડાકા વગર સમુંસૂતરું ચાલે, તો મુખ્ય મંત્રી શાંતિ જાળવી રાખ્યાનો જશ મેળવે છે અને બોમ્બધડાકા થાય તો તે આતંકવાદીઓનું નિશાન બનવા બદલ સહાનુભૂતિ અને ‘આતંકવાદીઓને (પકડ્યા પહેલા) નહીં છોડીએ’ની વાતો કરીને અહોભાવ ઉઘરાવી શકે છે.
છેલ્લા થોડા સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી કદાચ અત્યારના સુધીના તેમના શાસનકાળનો સૌથી કપરો સમય વીતાવી રહ્યા છે. તેમની પર રાજકીય આફતો ઘણી આવી ને ગઇ, પણ પ્રજાકીય વિશ્વાસનું સ્તર આટલું નીચું કદી ગયું નથી. આસારામના મુદ્દે મૌન, ઢીલાશ અને પ્રજાને બદલે પ્રજા પર હુમલો કરનાર આસારામ એન્ડ કંપનીને રક્ષણ પૂરું પાડવાના મુખ્ય મંત્રીના વલણથી તેમના ઘણા ચુસ્ત સમર્થકો પણ નારાજ થયા છે. તેમનો અહોભાવ સાવ ઓસરી ગયો નથી. પણ સાડા પાંચ કરોડ ગુજરાતીઓના હિતનો દાવો કરતા મુખ્ય મંત્રીનું આ સ્વરૂપ જોઇને તેમને લાગે છે કે ‘આસારામ મુદ્દે પ્રજાહિત અને લોકલાગણીની ધરાર અવગણના મુખ્ય મંત્રી કેવી રીતે કરી શકે?’ આમ, આસારામની સાથોસાથ મુખ્ય મંત્રી પણ પ્રજાના રોષનું કેન્દ્ર બની રહ્યા હતા. બોમ્બધડાકા પછી એ કેન્દ્ર બદલાય અને પ્રજાનો સઘળો રોષ ત્રાસવાદીઓ તરફ, પોટાનાબૂદી તરફ અને અફઝલ ગુરુની ફાંસી જેવા મુદા તરફ કેન્દ્રીત થઇ જાય, તો આસારામ પ્રકરણમાં મુખ્ય મંત્રીની પ્રજાવિરોધી ગણાયેલી ભૂમિકા વિસરાઇ જાય.
આસારામના કહેવાતા સાધકોના ત્રાસ, અત્યાચાર અને ગોરખધંધાના મુદ્દે, ઘણા વખત પછી અમદાવાદમાં અને ગુજરાતમાં લોકોના વિરોધનું મજબૂત વાતાવરણ જામ્યું હતું. પ્રજાનો મિજાજ એટલી હદે ઉગ્ર બન્યો હતો કે ગાંધીનગર જઇને મુખ્ય મંત્રીના હાથે પારણાં કરી આવેલા મૃત બાળકના પિતાને મુખ્ય મંત્રી સાથે કરેલું સમાધન ફોક કરીને ઉપવાસ ચાલુ રાખવા પડ્યા. અઘ્યાત્મના અંચળા હેઠળ ચાલતી આસારામ એન્ડ કંપનીની દાદાગીરી સામે વર્ષોથી ખદબદતો રોષ છેવટે બહાર આવ્યો હતો. આસારામ અમદાવાદથી દિલ્હી પહોંચે ત્યાર પછી જ અમદાવાદ આશ્રમમાં પોલીસની ફોજ ઉતારવા જેવી સરકારી નીતિ છતાં, આસારામની પ્રવૃત્તિઓ પ્રત્યે લોકોના રોષની ભીંસ મજબૂત બની રહી હતી.
- અને બોમ્બધડાકા થયા.
હવે અત્યાર સુધી ઊભો થયેલો લોકજુવાળ બહારના અજ્ઞાત ત્રાસવાદીઓ તરફ ફંટાઇ જશે? એવું થાય તો ધડાકાનો સૌથી મોટો ફાયદો આસારામને થશે. બોમ્બધડાકાનું નુકસાન પ્રજાએ વેઠ્યું. હવે એ નુકસાનનો ફાયદો આસારામને થવા દેવો કે નહીં, તે પ્રજાએ નક્કી કરવાનું છે.
ત્રાસવાદવિરોધનું રાજકારણ અને વાસ્તવિકતા
ત્રાસવાદી હુમલા થાય ત્યારે નેતાઓને પ્રજાની ચિંતા કરતાં પોતાના પક્ષને બચાવવાની અને વિપક્ષોને દોષી ઠરાવવાની તાલાવેલી વધારે હોય છે. ત્રાસવાદ નાથવો એ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ રાજકારણથી પર એવું રાષ્ટ્રિય કક્ષાનું કામ છે. છતાં, ત્રાસવાદી હુમલાની ડમરી શમે તે પહેલાં રાજકારણ ખેલાવાનું શરૂ થઇ જાય છે. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હોય કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર, કોઇએ ત્રાસવાદને નાથવામાં બીજાને ભાંડી શકાય એવું કશું પોતે ઉકાળ્યું નથી. હકીકતમાં, એકબીજાને ભાંડવાની વૃત્તિને કારણે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે યોગ્ય સંકલન સધાઇ શકતું નથી. પરિણામે ત્રાસવાદીઓને ફાવતું જડે છે. આટઆટલા ત્રાસવાદી હુમલા છતાં એકેય પક્ષ રાજકીય મતભેદ ભૂલવા જેટલી પુખ્તતા બતાવી શક્યો નથી, એ ત્રાસવાદી હુમલા જેટલી જ અફસોસની વાત છે.
ત્રાસવાદી હુમલા કોઇ રાજકીય પક્ષ પર નહીં, પણ દેશ પર અને દેશની પ્રજા પર થાય છે. પ્રજાનું મનોબળ તૂટી જાય અને તે દહેશતમાં જીવતી થઇ જાય, એ ત્રાસવાદીઓનો મુખ્ય હેતુ હોય છે. સામસામી આરોપબાજી કરીને રાજકીય પક્ષો પોતાની રીતે ત્રાસવાદનાં મૂળીયાં મજબૂત કરવામાં ફાળો આપે છે.
ત્રાસવાદી હુમલામાંથી રાજકીય પક્ષો એન્કાઉન્ટર જેવી ગુનાખોરી કે મુસ્લિમો પ્રત્યેનો દ્વેષ વાજબી ઠેરવવા જેવા રોટલા શેકી લે છે. વર્તમાન મુખ્ય મંત્રીના રાજમાં બાજુ પર હડસેલાઇ ગયેલા ભૂતપૂર્વ હિંદુહિતરક્ષકો નવેસરથી ધિક્કારનું રાજકારણ ખેલવા મેદાને પડે છે. બોમ્બવિસ્ફોટમાં થયેલા નુકસાન પછી, પોતાનો ધંધો કરવા ઈચ્છતા નેતાઓને આપણી હાલાકીમાંથી ફાયદો ઉઠાવવા દેવો કે નહીં તે પણ પ્રજાએ નક્કી કરવાનું છે.
ત્રાસવાદ સામેની લડાઇ લાંબી છે. પ્રજામાં આંતરિક અવિશ્વાસ હોય ત્યાં સુધી એ લડાઇ અસરકારક રીતે લડી શકાતી નથી. પ્રજાના સમુહો વચ્ચે અવિશ્વાસ વધારનારા નેતાઓ એક રીતે ત્રાસવાદીઓના મદદગાર બને છે. પોલીસ અને ઈન્ટેલીજન્સની પૂરી ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાને બદલે, મહદ્ અંશે પોતાના ફાયદા માટે એ તંત્રનો ઉપયોગ કરનારા નેતાઓ ત્રાસવાદી સામે લડાઇના ખોંખારા ખાય ત્યારે તેમનો અભિનય જોવાલાયક હોય છે.
અમદાવાદમાં બોમ્બધડાકા કરનારાએ આતંક ફેલાવવાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. હવે એ જ ધડાકામાંથી બીજા કોણ કેવી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે, એ જોવા-જાણવા બહુ રાહ નહીં જોવી પડે.
Sunday, July 27, 2008
Ahmedabad shattered : Tiffins, Bicycles and Bombs
I took train from Maninagar Station- few yards away from 2 blast sites- aprox 30 minutes after the blasts took place.
As I was not aware of the gravity and spread of the incidence at that time, I wasn't worried much. Only after getting news of more more blasts, sense of grief increased.
Initially, phonelines jammed. Purvi Gajjar, a close friend from Australia, was first to call. Other friends & wellwishers followed.
Thanks for all your concern and warmth.
Aftershocks of bomb-blast will continue to rock public life of gujarat.
Check this blog regularly to have an insight.