Saturday, July 26, 2008

લોકસભા અને વિશ્વાસનો મત, ઇ.સ.૨૦૨૫

‘દલાલ સ્ટ્રીટ’ નામ ધરાવતું પાટિયું સડક પર દેખાય છે, પરંતુ આ દ્રશ્ય મુંબઇનું નથી, નવી દિલ્હીનું છે. વર્ષ ઇ.સ.૨૦૨૫ કે ૨૦૩૫ કે ૨૦૪૫નું છે.
ભારતની લોકશાહીને પારદર્શક અને વાઇબ્રન્ટ સ્વરૂપ આપવા માટે, સંસદભવન જ્યાં આવેલું છે એ રસ્તાનું નામકરણ ‘દલાલસ્ટ્રીટ’ તરીકે કરવામાં આવ્યું છે.

સંસદભવન પર તિરંગો ફરકે છે, પણ તેમાં ત્રણને બદલે છ પટ્ટા છે. મૂળ રંગના ત્રણે પટ્ટા ઉપરના એક-એક પટ્ટામાં લોકસભાને સ્પોન્સર કરનારી કંપનીઓના ‘લોગો’ ખીચોખીચ ગોઠવાયેલા છે.ભારતના રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ જ પટ્ટા હોવાનો ઘણા લોકોને અફસોસ છે. અમેરિકાના રાષ્ટ્રઘ્વજની જેમ તેમાં ઢગલાબંધ સ્ટાર હોત, તો દરેક સ્ટારની સ્પોન્સરશીપ દીઠ કંપનીઓ પાસેથી રોકડી કરી શકાત. બીજું કંઇ નહીં, પણ એ આવક રાષ્ટ્રના વિકાસમાં- સડકો, એરપોર્ટ, ફ્લાયઓવર, સેઝ બનાવવામાં- કામ લાગત. ‘રાષ્ટ્રઘ્વજમાં ફક્ત ત્રણ રંગ હોવાને કારણે જ ભારત દેશ પાછળ રહી ગયો હશે’ એવું કેટલાક યુવા નાગરિકો માને છે.

સંસદભવનના પ્રાંગણમાં વિશાળ બગીચો છે. તેમાં છોડ કરતાં પણ વધારે સંખ્યામાં પૂતળાં મુકાયેલાં છે. થોડી ખાલી જગ્યામાં ‘પૂતળાં માટે આપવાની છે. રસ ધરાવનારે સચિવનો સંપર્ક કરવો’ એવી નોટિસ જોવા મળે છે. દરેક પૂતળા નીચે એ સભ્ય જે કંપનીના પ્રતિનિધિ હોય તે કંપનીનો લોગો જોવા મળે છે.

યાદ રહે, આ ભવિષ્યની વાત છે. દરેક સાંસદ કોઇ રાજકીય પક્ષનું નહીં, પણ કોઇ કંપની કે ક્લબનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મૂળ આઇડીયા વર્ષો પહેલાં, ઇ.સ.૨૦૦૮માં શરૂ થયેલી ‘૨૦- ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધા’માંથી આવ્યો હતો. એ સ્પર્ધાને મળેલી વ્યાવસાયિક સફળતા પરથી સાંસદોએ ધડો લીધો. તેમને થયું કે રાજકીય પક્ષના સભ્ય તરીકે પૂરેપૂરી મોકળાશ મળતી નથી. હાથ બંધાઇ જાય છે અને ખિસ્સાં સંતાડીને રાખવાં પડે છે. તેનાથી લોકશાહી તંદુરસ્ત રહેતી નથી. એટલે ‘લોકશાહી પરનો ખતરો અમે કોઇ પણ ભોગે- જરૂર પડ્યે લોકશાહીના ભોગે પણ- ટાળીશું’ એવા નિર્ધાર સાથે જુદા જુદા પક્ષના કેટલાક પ્રતિબદ્ધ સાંસદો ભેગા થયા અને ભારતની લોકશાહીને બચાવવાનો પ્લાન તેમણે ઘડી કાઢ્યો.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે, ડાબેરીઓ અને જમણેરીઓ વચ્ચે, સમાજવાદીઓ અને બહુજનવાદીઓ વચ્ચે વિચારધારાનો ફરક ક્યારનો નાબૂદ થઇ ચૂક્યો હતો. ‘વિચારધારા’ શબ્દ રાજકારણમાં જૂનવાણી અને પ્રાગૈતિહાસિક ગણાતો હતો. તેની જગ્યાએ ‘આચારધારા’ની બોલબાલા હતી. દરેકની આચારધારા એક જ હતીઃ કોઇ પણ રીતે સત્તા હાંસલ કરવી અને મળેલી સત્તા કોઇ પણ રીતે ટકાવી રાખવી. આ સ્થિતિમાં નવા પ્લાન મુજબ, ભારતમાંથી તમામ રાજકીય પક્ષોની માન્યતા રદ કરી દેવામાં આવી. કોઇ રાજકીય પક્ષ જ નહીં. એટલે વિચારધારાના મુદ્દે વિરોધ કે તરફેણનો કોઇ આરોપ પણ નહીં.

બીજા પગથિયા તરીકે, ૨૦- ટ્વેન્ટી ટુર્નામેન્ટની પદ્ધતિ પ્રમાણે આખા દેશને રાજ્યોને બદલે ઝોન (વિભાગ)માં વહેંચી દેવામાં આવ્યો. દરેક વિભાગ માટે રાજકીય નેતાઓની પસંદગી જાહેર હરાજીથી કરવામાં આવી. કોઇ પણ ભારતીય કંપની (જેમાં વિદેશી કંપનીનો હિસ્સો ૪૯ ટકા કરતાં વધારે ન હોય) હરાજીમાં ભાગ લઇ શકે.

અત્યાર સુધી ડર અને લાલચના માર્યા અનેક રાજકીય પક્ષોને ખાનગી રીતે ભંડોળ પૂરૂં પાડનારા ઉદ્યોગપતિઓને ખુલ્લેઆમ નેતાઓ ખરીદવાની તક મળી- અને તે પણ પક્ષની વાડાબંધી વિના. અત્યાર સુધી ઉદ્યોગપતિઓના પૈસે રાજકીય પક્ષોના આગેવાનો સાંસદો કે વિધાનસભ્યોનું ખરીદવેચાણ કરતા હતા. હવે આ કડીમાં વચ્ચેથી રાજકીય પક્ષો ઉડી ગયા અને ખરીદવેચાણનું કામ સીઘું ઉદ્યોગપતિઓના હાથમાં આવી ગયું. કેટલીક મોટી કંપની બધા પ્રાંતોની ટીમ ખરીદવા ઇચ્છતી હતી. તેમની દલીલ એવી હતી કે ‘આ તો અમારી જૂની પરંપરા છે. અમે પહેલેથી બધા પક્ષના સાંસદોને ખિસ્સામાં રાખતા આવ્યા છીએ’ પણ નવા કાયદા હેઠળ, એક જ કંપની બધી ટીમની માલિક થઇ જાય તો રમતમાં રોમાંચનું તત્ત્વ ન રહે. એટલે તેમને એક ટીમની માલિકીથી ચલાવવું પડ્યું.

કંપનીઓને ફાયદો એ થયો કે કોઇ પણ પક્ષના નેતાઓને પોતાની ટીમમાં ખરીદી શકે. એટલે એક જ ટીમમાં એક ગાંધી હોય અને એક અડવાણી, એક ચેટર્જી હોય ને એક યાદવ, એક સિંઘ હોય ને એક રેડ્ડી એ શક્ય બન્યું. નેતાઓને સુખ એ થયું કે પહેલાં તેમને કંપનીઓ સાથે પોતાને કશી નિસ્બત નથી અને પોતે તટસ્થ છે, એવું બતાવવા માટે બહુ મહેનત કરવી પડતી હતી. હવે એ બોજ દૂર થવાથી સૌ નેતાઓ હળવાફૂલ થઇ ગયા.

સંસદમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ એમ બે ભાગ યથાવત્ રહ્યા. નીચલા ગૃહમાં ખરીદાયેલા સાંસદો પોતપોતાની ટીમ પ્રમાણે બેસતા હતા. ફરક ઉપલા ગૃહમાં પડ્યો. તેમાં ટીમના માલિકો બેસવા લાગ્યા. આ રિવાજ નાના પાયે વીસમી સદીથી શરૂ થઇ ગયો હતો. ફક્ત રૂપિયાના જોરે ધંધાદારીઓ રાજ્યસભા સુધી પહોંચી જતા હતા. એટલે નવા રિવાજમાં લોકોને નવાઇ કે આઘાત જેવું કંઇ લાગ્યું નહીં.

ખરીદવેચાણના નિયમો ૨૦-ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ જેવા જ હતા. માલિક પોતે ખરીદેલા નેતાને ગમે ત્યારે ‘ખરાબ દેખાવ બદલ’ તગેડી શકતો હતો. નેતાના ભાવનો આધાર તેની પ્રતિષ્ઠા અને ક્ષમતા પર હતો. કેટલાક લોકોએ ક્રિકેટટીમની જેમ સંસદમાં પણ વિદેશી નેતાઓેને ખરીદીને ટીમમાં સામેલ કરવાની માગણી મુકી હતી. તેની પર વિચાર ચાલુ હતો.

સંસદભવના પર લબૂકઝબૂક થતી લાલભૂરી લાઇટોમાં લખ્યું હતું ‘બીસીસીઆઇઃ બોર્ડ ઓફ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ ઇન ઇન્ડિયા.’ તેનું સ્લોગન હતું ‘સબ બીકતા હૈ’. આકાશમાંથી જતાં-આવતાં વિમાનો જોઇ શકે એવા મોટા અક્ષરે એ સ્લોગન સંસદભવન પર મુકાયેલું હતું. રીઝર્વ બેન્કની ચલણી નોટો પર અને ભારતની રાજમુદ્રા તરીકે જૂના સૂત્ર ‘સત્યમેવ જયતે’ને રદ કરવામાં આવ્યું હતું અને તેના સ્થાને ‘સબ બીકતા હૈ’ આવી ગયું હતું.

(૨૦૨૫ કે ૨૦૩૫કે ૨૦૪૫માં) સંસદમાં બીસીસીઆઇની મેનેજિંગ કમિટીને વિશ્વાસનો મત લેવાની નોબત આવી, ત્યારે વિશ્વાસના મતનું સંચાલન હરાજી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ક્રિસ્ટીઝ કંપનીને સોંપવામાં આવ્યું. કાર્યવાહી દરમિયાન શોરબકોર વધી પડે ત્યારે ‘ક્રિસ્ટીઝ’નો પ્રતિનિધિ ટેબલ પર હથોડો પછાડીને કહેતો હતો,‘આ સંસદની નહીં, હરાજીની કાર્યવાહી છે. જરા શાંતિ રાખો.’ ઉપલા ગૃૃહમાં બેઠેલા બધા માલિકોને મન પડે એટલા નેતાઓ ખરીદવા કે વેચવાની છૂટ હતી. એ માટે સંસદના ફ્લોર પર બે કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ત્યાર પછી સૌએ પોતાનું સંખ્યાબળ રજૂ કર્યું. અંતે હોલમાં શાંતિ પથરાઇ અને ક્રિસ્ટીના પ્રતિનિધિએ કહ્યું,‘ભારતીય સંસદ...એક વાર...ભારતીય સંસદ... બે વાર...અને ભારતીય સંસદ...ત્રણ વાર...’ બાકીનો ભાગ વિજયઘેલા સાંસદો અને તેમના માલિકોના ઉલ્લાસભર્યા ઘોંઘાટમાં ડૂબી ગયો.

Thursday, July 24, 2008

Ashwinee Bhatt on Asaram episode : "let us have tea together before I am sent to hospital or the morgue"

My Dear Urvish.
I have yet to learn to type in Gujarati hence this in english.
Read your blog on Asaram.
I am not surprised. You may recall an incident at 65 (my residence). Several years before asaram zealots had illegally grabbed some land in Surat and beaten the rightful possessors. A reporter from Abhiyan had covered the event.
As there was some on going feud about the land at Hansol between Asaram and another trust founded by Late Mr. Prabodh Raval (which is yet not resolved inspite of several violent incidents including use of guns).
The asaram crowd felt that the report about the violent incident at Surat was written at the instance of (late) Mr. Prabodh Raval to smear Asaram. As I was connected with Abhiyan and the gujarat bureau was being operated from 65. The Asaram goons decided that the article not only originated from 65 and that I was responsible for it.
A group of about twenty people broke into to my house and ransacked the house and manhandled me. There was no question of resisting the goons. It was sheer luck that I was saved by my stance and some bluff about Asaram being my ardent fan and friend. I insisted to allow me to put a telephone call to him before they started beating me up at the same time I ordered tea and snacks for the crowd and though I was scared to death I just said "let us have tea together before I am sent to hospital or the morgue. Some how the bluff paid and one of the goons was ready to listen to my side of the story about the Surat coverage and that I had nothing to do with the rented Abhiyan bureau being operated from 65. It was a close save.
Any way this is their Modus operandi.
The political parties are well aware of such practices of the Gurus and their chelas who can be brainwashed into carrying out an agenda well suited for power mongering and winning elections.The outcome is a solid nexus between religious cults and political leaders and that makes the so called Gurus imune from any legal consequences or criminal prosecusion. And to try a crowd for a criminal assault is difficult when the crowd is supported by the State or a political party. I can site a number of such events that happened at 65 for voicing an opinion that was against some state policies.
So when the State or the political buccaneers join hands with the so called Gurus God himself would find it hard to save the society. The media too is always interested in baking its pie. For the newspapers truth is where the money. You can write volumes about that.
However in short The responsibilities lie with us to raise our voices. Let us begin with collecting facts.
Let us find out how many acres of land has been gifted or sold at negligible price for Ashrams and temples by the state ( especially in Gandhinagar) and what has been given to the original land holders. Let us find out the annual income of various kinds of religious institutions. This can be the first step towards creating remedies.
I think you blog can be instrumental in preparing a people's white paper on religious institutions

yours
ashwinee bhatt

(Ashwinee Bhatt is one of the most popular Gujarati Novelist, was actively associated with Narmda Bachao Andolan and had first hand experience of Government-supported Goondagiri during Chimanbhai Patel era. We, the ex-Abhiyaan people call him 'Guru' affectionately. He stays at US since few years. )

Wednesday, July 23, 2008

‘દુનિયાને ઉંધા ચશ્મા’ હવે ટીવી પર

ગુજરાતી વાચકોની બે-ત્રણ પેઢી જે વાંચીને મોટી થઇ અને હજું પણ ‘ચિત્રલેખા’ હાથમાં પકડ્યા પછી ઘણા લોકો સૌથી પહેલાં જે શોધે છે, તે કોલમ એટલે ‘દુનિયાને ઉંધા ચશ્મા’. તારકભાઇ-ઇન્દુબહેન મુંબઇ છોડીને અમદાવાદ સ્થાયી થયાં, ત્યાર પછી પણ ‘ઉંધા ચશ્મા’નો માળો વીખરાયો નથી.

અત્યંત લોકપ્રિય નીવડેલાં તારકભાઇનાં ‘ઉંધા ચશ્મા’નાં લખાણો પરથી સબ ટીવીએ સિરીયલ તૈયાર કરી છેઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.’ (સબ ટીવીના પ્રેસરીલીઝની જોડણી પ્રમાણે લખીએ તોઃ ‘તારક મેહતા કા ઉલ્ટાહ ચશ્માહ’.)

અગણિત ભૂલો ધરાવતા બે પાનાના ગુજરાતી પ્રેસરીલીઝમાં કેવું ગુજરાતી વપરાયું છે, તેના કેટલાક નમૂનાઃ‘ લોકપ્રિય પત્રકાર અને કોલમનીષ્ટ તરીકે જાણિતા, તારક મેહતા હવે તેમની રમૂજને હવે નાના પડદા પર પણ વહેંચે છે. રમૂજની સુવાસ યુક્ત વિષયલક્ષતા અને તેમના તારક ટ્રેડમાર્ક પર દૃષ્ટિપાત કરતા વિભિન્ન દૃષ્ટિકોણ સાથે વસ્તુલક્ષી રીતે શણગારાએલ સંયોજન.’ (કવિ શું કહેવા માગે છે, કંઇ સમજાયું?)

બિનગુજરાતી એડ એજન્સીઓ ગુજરાતી ભાષાનો કેવો કબાડો કરે છે, તેનાં આવાં અનેક ઉદાહરણ આપી શકાય એમ છે. આ બ્લોગ પર એવા લોચાલાપસી મુકવાનો વિચાર પણ છે. દરમિયાન, એક લેખક અને એક વ્યક્તિ તરીકે તારકભાઇના ચાહક તરીકે એ વાતનો આનંદ છે કે ‘ઉંધા ચશ્મા’ તારકભાઇને વ્યવસાયિક રીતે હજુ સુધી ફળી રહી છે.

સમયઃ ૨૮ જુલાઇથી, સોમવારથી ગુરૂવાર રાત્રે સાડા આઠ વાગ્યે, સબ ટીવી પર.

કલાકારોમાં દિલીપ જોશી અને દિશા વાકાણી જેવાં પ્રતિભાશાળી કલાકારો છે. ખુદ તારક મહેતાનું પાત્ર પણ એક અભિનેતા ભજવવાના છે.

અગાઉ મઘુ રાય (કિમ્બલ રેવન્સવુડ), હરકિસન મહેતા (જડચેતન, વેરવૈભવ), અશ્વિની ભટ્ટ (કટિબંધ), રજનીકુમાર પંડ્યા (કુંતી)ની અત્યંત લોકપ્રિય કૃતિઓ હિંદી સીરીયલ તરીકે ટીવી પર આવી છે અને મહદ અંશે તેમનું કચુંબર થયું છે. પણ ગુજરાતી લેખકોને સામાન્ય રીતે ન મળે એટલા રૂપિયા ટીવી રૂપાંતરમાં મળતા હોવાથી, એટલા પૂરતું તેમના ચાહક તરીકે આપણે રાજી થવું જોઇએ.

‘ઊલ્ટાહ ચશ્માહ’માં શું થાય છે? જુઓ, ૨૮ જુલાઇની રાત્રે સાડા આઠ વાગ્યાહ થી.

અવિશ્વાસની એક દરખાસ્ત, નેતાગીરી સામે

ગુજરાતની બહેન-દીકરીઓની સલામતી વિશે મુખ્ય મંત્રીએ શું કહ્યું હતું?
ચોક્કસ વિધાન યાદ ન આવે તો વાંધો નહીં. સવાલનો જવાબ પૂછવાલાયક ઠેકાણાં ગુજરાતમાં ઘણાં છે. પૂછો પાટણની સરકારી પીટીસી કોલેજની એ યુવતીને, જેણે અઘ્યાપકો વિરૂદ્ધ જાતીય શોષણની ગંભીર ફરિયાદો કરી છે.
એક ફરિયાદ અપૂરતી લાગતી હોય અને ‘એ છોકરી તો એવી જ હતી!’ એવી દલીલ કરવાનું મન થતું હોય, તેમને જણાવવાનું કે પાટણ પીટીસી કોલેજની ૯૦થી પણ વધારે છોકરીઓએ આ જ પ્રકારની રજૂઆતો પોતાના અઘ્યાપકો સામે કરી છે. એમાં તમારી લાડકી સામેલ થાય ત્યારે જ ઘટનાની ગંભીરતા સમજાવાની હોય તો જુદી વાત છે.
પાટણનો કિસ્સો એકલદોકલ નથી. પૂછો પીલવાઇ પીટીસી કોલેજની યુવતીઓને. તેમણે પણ અઘ્યાપકો દ્વારા થતા જાતીય શોષણની ફરિયાદ કરી છે. પાટણ કે પિલવાઇ દૂર પડતાં હોય, તો ‘આજ તક’નાં મહિલા પત્રકાર ગોપી ઘાંઘરને પણ ગુજરાતમાં બહેન-દીકરીઓની સલામતી અંગે પૂછી શકાય છે. તેમની પર કોઇ ગામડાગામમાં નહીં પણ ગુજરાતના એકમાત્ર મેગાસીટી અમદાવાદમાં, ધોળે દિવસે આસારામના દસ-પંદર સાધક (નવો અર્થઃ ગુંડા) લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. પોલીસ ક્યાં હતી? શું કરતી હતી-અથવા કરતી ન હતી? કેમ? એવા બધા સવાલો પૂછવાની મનાઇ છે. વિદ્યાર્થીની કે મહિલા પત્રકારની નહીં, સામાન્ય સ્ત્રીની વાત કરવી છે? તો પૂછો અમદાવાદમાં આસારામના આશ્રમની આસપાસના વિસ્તારોમાં રહેતી બહેનદીકરીઓને કે આસારામના ગુંડાઓની ગુંડાગીરી અને મારઝૂડથી તે ગયા શુક્રવારે સલામત રહી શક્યાં હતાં?
બહેન-દીકરીઓની સલામતી અંગેનો ગુજરાતના મુખ્ય મંત્રીનો દાવો ‘ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં એન્ટ્રી તરીકે કામ લાગે એવો છે. સારા ટુચકા તરીકે તેનો કદાચ નંબર લાગી જાય.
એમાં મુખ્ય મંત્રી શું કરે?
સવાલ ફક્ત મુખ્ય મંત્રીનો નથી. સરકારના બીજા મંત્રીઓ, અસંતુષ્ટો, વિપક્ષ અને પોતાની જાતને નેતા ગણાવતા સૌ કોઇનો છે. પરંતુ શરૂઆત સ્વાભાવિક રીતે જ સાડા પાંચ કરોડ ગુજરાતીઓની વાત કરતા મુખ્ય મંત્રીથી કરવી પડે.
મુખ્ય મંત્રીનો ટીકાકાર-સમુદાય કહેશે કે ‘જોયું? જોયું? એમના રાજમાં ગુજરાતમાં વિદ્યાર્થીનીઓનું કેટલું બઘું શોષણ થાય છે!’ અને મુખ્ય મંત્રીપ્રેમને ગુજરાતપ્રેમનો પર્યાય માનતો તેમનો ભક્તસમુદાય કહેશે,‘પાટણ કે પિલવાઇમાં વિદ્યાર્થિનીઓનું શોષણ થાય, તેમાં મુખ્ય મંત્રી બિચારા શું કરે?’ સરકારી પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીનીઓનું શોષણ થાય, નર્મદા કેનાલમાં ગાબડું પડે કે સરકારી તંત્રની ભૂલને કારણે સુરત શહેર પાણીમાં ડૂબી જાય- એ બધી બાબતો માટે આ જ સવાલ પૂછી શકાયઃ ‘એમાં મુખ્ય મંત્રી શું કરે? એ જાતે ડેમનું પાણી છોડવા જાય? એ જાતે વિદ્યાર્થીનીઓનું રક્ષણ કરવા જાય? જાતે આસારામના ગુંડા સામે પત્રકારોનું રક્ષણ કરવા જાય?’
ના, કોઇ પણ મુખ્ય મંત્રી કે રાજકારણી પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહીં. સાથોસાથ, એટલું પણ ઉમેરવું પડે કે નૈતિક જવાબદારી જેવી કોઇ ચીજ હોય છે. કંઇ પણ હકારાત્મક થાય કે એવો ભ્રમ ઊભો કરવામાં આવે, ત્યારે સાચોખોટો જશ લેવામાં મુખ્ય મંત્રી પાછા પડે છે? તો પછી અપજશની નૈતિક જવાબદારી પણ એમની જ ન ગણાય?
કાયદો બનાવનારા સાંસદોના ભાવ પચીસ-ત્રીસ-ચાળીસ કરોડ રૂપિયા બોલાતા હોય, એ સમયે ‘નૈતિકતા’ની વાત કરવાનું અવ્યવહારૂ લાગતું હોય તો જવા દો. નૈતિક જવાબદારીની વાત નહીં કરીએ. પણ ધૃણાસ્પદ-શરમજનક ઘટનાઓ બની ગયા પછી ગુજરાતની બહેનદીકરીઓ ફરિયાદ કરે ત્યારે મુખ્ય મંત્રી તેમને નિર્ભય થઇને ન્યાયની લડાઇ લડવા માટેની હિંમત આપી ન શકે? પરંતુ ફરિયાદીની પડખે ઊભા રહેવાનું, તેને ન્યાયની આશા આપવાનું બાજુ પર રહ્યું, મુખ્ય મંત્રી અને તેમની સરકાર જાણે ફરિયાદીની પાછળ પડી ગયાં હોય અને ગમે તે રીતે ફરિયાદનો વીંટો વાળવા માગતાં હોય એવી છાપ પડે છે.
ફરિયાદીઓ અને સાક્ષીઓને ફોડવાની મથરાવટી સરકાર માટે નવી નથી. ફરક માત્ર એટલો કે અગાઉ ૨૦૦૨ની કોમી હિંસાના સંદર્ભમાં મુસ્લિમ ફરિયાદી કે સાક્ષીઓનો વારો હતો. હવે એ જ પદ્ધતિઓનો ઉપયોગ હિંદુ બહેન-દીકરીઓ માટે પણ થાય છે. ‘સઘળી તરકીબો ફક્ત મુસ્લિમોને દાબમાં રાખવા કે તેમને પાઠ ભણાવવા પ્રયોજાઇ રહી છે.’ એવું મુખ્ય મંત્રીના ઘણા સમર્થકો માનતા હતા. એમાંથી ઘણાને હવે દિવ્ય જ્ઞાન થયું હશે કે આપખુદશાહી હિંદુ-મુસ્લિમનો ફરક કરતી નથી. એટલે જ, પાટણ કે પિલવાઇની ફરિયાદી છોકરીઓને કદી એવું લાગતું નથી કે ‘સરકાર અમારી સાથે છે.’ આ મુદ્દે મુખ્ય મંત્રી નૈતિક નહીં, દેખીતી રીતે આરોપીના કઠેડામાં આવી જાય છે. કેમ કે, છેક મુંબઇ જઇને સભાઓ ગજવનારા અને આતંકવાદીઓને ‘ચુન ચુન કે’ મારવાની વાતો કરનારા મુખ્ય મંત્રીની જીભ આસારામના આતંક સામે સીવાઇ જાય છે. પાટણ કે પીલવાઇની વિદ્યાર્થીનીઓની શોષણકથાઓ સાંભળીને તેમનું લોહી ઉકળી ઉઠતું નથી. એટલે, શોષણકાંડના અપરાધીઓને ચુન ચુન કે સજા અપાવવાના ખોંખારા સાંભળવા મળતા નથી.
ફક્ત મુખ્ય મંત્રી જ શા માટે? મંત્રીમંડળમાં બીજા નેતાઓ નથી? બીજા કોઇ નેતામાં એટલી કરોડરજ્જુ બચી નથી કે લોકહિતના મુદ્દે તે લોકોની સાથે, લોકોની વચ્ચે જઇને ઊભા રહી શકે? શરમજનક ઘટનાઓ અટકાવી ન શકે એ સમજ્યા, પણ ફરિયાદીઓને ન્યાયની ખાતરી આપી શકે અને એના માટે છેવટ સુધી લડવાનું પીઠબળ પૂરંુ પાડી શકે, એવા કોઇ નેતા નથી? અને એવા કોઇ નેતાનો અભાવ પ્રજાને સાલતો નથી?

પ્રજાલક્ષી નેતાગીરીનો અભાવ

ગાંધી-રવિશંકર મહારાજ-ઇન્દુલાલ યાજ્ઞિક- ઉછંગરાય ઢેબર-શામળદાસ ગાંધી જેવા નેતાઓ આ જ ગુજરાતમાં થઇ ગયા હશે? અને આ જ પ્રજાએ એવા નેતાઓ પેદા કર્યા હશે? ઇતિહાસમાં લખાયું ન હોય તો માન્યામાં ન આવે. નેતાઓની એ પેઢીને વિદાય થયે હજુ પૂરાં પચાસ વર્ષ પણ વીત્યાં નથી. છતાં, એ બધી વાતો રામાયણ-મહાભારત જેવી - દૂરના ભૂતકાળની અથવા કાલ્પનિક લાગે છે. વાસ્તવિકતા એ છે કે આખી દુનિયા ગાંધી પાસેથી આંદોલન અને ચળવળની પ્રેરણા મેળવે છે, પણ ગાંધીની જન્મભૂમિ ગુજરાતમાં બઘું રાબેતા મુજબ!
વાંક ફક્ત નેતાઓનો જ છે, એવું પણ ન કહેવાય. નેતાઓ છેવટે ચંદ્ર કે મંગળ પરથી ટપકતા નથી. આ જ સમાજમાંથી આવે છે. એટલું જ કે સમાજની જરૂરિયાતો, નબળાઇઓ અને લાક્ષણિકતાઓ સમજવામાં નેતાઓ વધારે પાવરધા હોય છે. એ આવડતના જોરે તે ‘સેફોક્રસી’ (આંકડાશાહી- સૌજન્યઃ આશિષ નાંદી) બની ગયેલી ‘ડેમોક્રસી’ માં આગળ આવી જાય છે.
પ્રજાની મનોદશા એવી હોય છે કે કોઇ નેતા પર વરસી પડે ત્યારે પાછું વાળીને જુએ નહીં. ‘એપલ’ કંપનીનો નવો આઇ-ફોન વાપરવાથી જે ‘ફીલ ગુડ ઇફેક્ટ’ ઊભી થાય, એનું શ્રેય પણ મુખ્ય મંત્રીને આપનારા પડ્યા છે. ગુજરાતમાં સ્વાભાવિક, ક્રમિક પ્રક્રિયા તરીકે જે કંઇ વિકાસ થવાનો હોય, તે વિકાસનું શ્રેય મુખ્ય મંત્રીને આપીને તેમને ગુજરાતના એકમાત્ર ઉદ્ધારક ગણનારા તો ઘણા છે. એ પોતાના ફ્લેટ-ગાડી-રસ્તા-ફ્લાયઓવરથી આગળ વિચારતા થાય, એટલી જ અપેક્ષા રહે છે.
રાજકીય પરંપરાનું અનુસંધાન ન્યાય મેળવવાના નાગરિકોના પ્રયાસને રાજ્ય સરકાર તરફથી ઉત્તેજન મળવાને બદલે તેમની પર સીઘું કે આડકતરૂં દબાણ લાવવામાં આવશે તો અંજામ નક્કી છે. એ અંજામ જોવા પણ મળી રહ્યો છે. સવિનય કાનૂનભંગની પરંપરા હવે ટોળાશાહી અને ટોળાના ન્યાયની હદ સુધી નીચે ઉતરી ચૂકી છે. કોઇ મુદ્દે વિરોધી મત માટેનો અવકાશ ઘટતો જાય છે. આ પરંપરાની શરૂઆત વર્તમાન મુખ્ય મંત્રીએ કરી નથી. ગુજરાત કોંગ્રેસના નવા વરાયેલા અઘ્યક્ષ સિદ્ધાર્થ પટેલના પિતા ચીમનભાઇ પટેલના મુખ્ય મંત્રીપદ હેઠળ ગુંડાઓને રાજ્યાશ્રય આપવાની અને ભિન્નમત પ્રગટ કરનારને ‘ગુજરાતદ્રોહી’ ઠેરવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ખીલી હતી. હાલના મુખ્ય મંત્રી એ પરંપરાનું યથાશક્તિ વહન કરી રહ્યા હોય એવું આસારામ-સ્વાઘ્યાય કે પાટણ-પીલવાઇ જેવા બનાવોમાં તેમના વલણ પરથી જણાય છે.
એ સંજોગોમાં પ્રજાકીય નેતાગીરીના ક્ષેત્રે સંપૂર્ણપણે શૂન્યાવકાશ છે. પ્રજાહિતમાં નિર્ણય લે અને જરૂર પડ્યે પ્રજાને કડવાં સત્ય કહી શકે, છતાં પોતે ‘ગુજરાતના નાથ’ બની ગયાની હવાથી મુક્ત રહે, એવા નેતાની ગુજરાતને તાતી જરૂર છે. એવો નેતા પેદા કરવાની ત્રેવડ રાજકીય પક્ષોમાં નથી હોતી. માત્ર પ્રજા જ એ કરી શકે છે. ગુજરાતની પ્રજા એ કરી શકે છે કે નહીં, તે જોવાનું છે.

Tuesday, July 22, 2008

જૂનું ઘર ઉતારતાં...

‘જૂનું ઘર ખાલી કરતાં’ એ કવિતા અને તેમાં રહેલો ભાવ બહુ જાણીતાં છે. પણ જૂનું ઘર ઉતારવાની પ્રક્રિયામાંથી પ્રમાણમાં ઓછા લોકોએ પસાર થવું પડે છે. અમે અત્યારે એ સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ. પરદાદાનું બનાવેલું આશરે ૭૦-૭૫ વર્ષ જૂનું અને અત્યંત વહાલું મકાન તેની આવરદા આવી રહેતાં ઉતારવાનું થયું. તેની કેટલીક તસવીરો અહીં સ્લાઇડ-શો તરીકે મુકી છે. http://www.slide.com/r/gAbYyTGfiT_0bhtseRcXnxusas3Zfn3-?previous_view=mscd_embedded_url&view=original

Saturday, July 19, 2008

અઘ્યાત્મના અન્ડરવર્લ્ડની જંગાલિયતનું જાહેર પ્રદર્શન

આસારામના સાધકો આવા જ સાધકો સ્વાઘ્યાયના કે સ્વામિનારાયણના કે બીજા કોઇ પણ પંથ-સંપ્રદાયના હોઇ શકે છે. સવાલ માત્ર આસારામનો નથી. લોકોનાં ટોળાં થકી સત્તા હાંસલ કરતા અને સાઘુત્વના નામે સાહ્યબી ભોગવતા તમામ બાવા-બાવીઓનો છે. તેમની સામે પડકાર થાય ત્યારે તેમના ગુંડા સીધી કે આડકરતી રીતે મેદાનમાં ઉતરી પડે છે. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

‘આજ તક’ ચેનલનાં પત્રકાર ગોપી ઘાઘર પર આસારામના દસ-પંદર સાધકોનું ટોળું તૂટી પડ્યું, એ શરમજનક ઘટનાની એક તસવીર. 18-7-08 (તસવીરસૌજન્યઃ દિવ્ય ભાસ્કર)

Friday, July 18, 2008

જોવા જેવી ફિલ્મઃ એક સુધારો

વાચકમિત્ર ચિરાગ પટેલે ઘ્યાન દોર્યું છે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’ ફિલ્મ ૧૯૯૨-૯૩ની હોય તો તેની ‘શોલે’ પર અસર કેવી રીતે હોય?
તેમની વાત સાચી છે. બન્યું એવું કે આ ફિલ્મ થોડા વખત પહેલાં જોઇ હતી. ત્યારથી એવું જ લાગતું હતું કે (સામાન્ય રિવાજ પ્રમાણે) ‘શોલે’ પર આ ફિલ્મની અસર હશે. પોસ્ટ લખતી વખતે ફક્ત ફિલ્મની સાલ જોઇ અને ફક્ત ડેટા તરીકે લખી નાખી. એટલે મનમાં ભરાઇ ગયેલી ‘શોલે પર અસર’વાળી વાત નીકળી નહીં.
હવે કહેવું હોય તો કહી શકાય કે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’ પર શોલેની અસર છે! થેન્ક્સ, ચિરાગભાઇ. સોરી, અનુપમા ચોપરા!

જોવા જેવી ફિલ્મઃ ફિફ્ટી- ફિફ્ટી

આપણી ‘મસાલા ક્લાસિક’ સદાબહાર ‘શોલે’ વિશે અનુરાધા ચોપરાએ સરસ ચટપટી ચોપડી લખી છેઃ ‘શોલેઃ ધ મેકિંગ ઓફ એ ક્લાસિક. જાણવાની બહુ ચટપટી હોય અથવા જે જાણવામાં બહુ રસ પડે એવી અનેક નાનીમોટી વાતો તેમણે આ પુસ્તકમાં લખી છે.

દા.ત. ‘જો ડર ગયા, સમઝો મર ગયા’ બોલનારા ગબ્બર અમજદખાનને માંડ આ ફિલ્મમાં ચાન્સ મળ્યો હતો. સંઘર્ષ ચાલતો હતો, પત્ની સગર્ભા હતી અને શરૂઆતમાં કેમેય કરીને ડાયલોગ-ડીલીવરીમાં દમ આવતો ન હતો...‘મહેબૂબા મહેબૂબા’ ગીત ફિલ્મમાં ક્યાંય ન હતું. પ્રિય સીપ્પીસાહેબે સજોડે પરદેશના કોઇ રેસ્ટોરાંમાં એક મોજીલું-મસ્તીલું-થનગનતું ગીત સાંભળ્યું અને તેમને થયું, આ તો આપણામાં ક્યાંક નાખી દેવું જોઇએ. અને તેમણે આ ગીત આર.ડી.ના હવાલે કરી દીઘું. અંગ્રેજી ગીત ન સાંભળતા લોકોએ પણ આ ગીત - ‘સે યુ લવ મી, લવ મી, લવ મી’ - ગાયકઃ ડેમીસ- પૂરતો અપવાદ કરવા જેવો છે. તેમના મોઢેથી ‘અસલ એટલે અસલ’ એવો ઉદ્ગાર નીકળ્યા વિના નહીં રહે.

વાત આડા પાટે ચડી હોય એવું લાગે છે? પણ એવું નથી. કહેવાનો મુદ્દો છે કે અનુરાધા ચોપરા ( તે એનડી ટીવીવાળા વિક્રમ ચંદ્રાની બહેન અને વિઘુ વિનોદ ચોપરાનાં પત્ની) એ એક વાત લખી નથી. તે એ કે ‘શોલે’ના કથાવસ્તુ પર ‘ફિફ્ટી ફિફ્ટી’ની ભારે અસર છે.
‘શોલે’ની જેમ ફિફ્ટી-ફિફ્ટીમાં પણ બે ગુંડા છે. હિંદી ફિલ્મોના પોલીસ અફસરો જેમને ‘છટે હુએ બદમાશ’ કહે છે એવા. બન્ને ગુંડા બચ્ચન-ધર્મીન્દર આણી કું.ની જેમ બહાદુર અને દિલેર છે. બન્ને એકબીજાની સારીએવી ફિલમ ઉતારે છે. સ્ટોરી અમેરિકાની છે, એટલે એકાદ દેશમાં લોકશાહી સ્થાપવાથી ઓછી વાત તો હોય જ નહીં! આ બન્ને બદમાશ બહાદુરોની મદદ એક દેશમાં લોકશાહી સ્થાપવા માટે લેવામાં આવે છે. એ લોકો સ્થાનિક લોકોને સશસ્ત્ર તાલીમ આપે છે અને નાટકીય ઘટનાક્રમને અંગે ધાર્યું ધરણીધરનું (બન્ને હીરોનું) થાય છે. બન્ને ગુંડા એટલી હદે આરાઘ્ય બને છે કે સરમુખત્યારની ચુંગાલમાંથી છૂટેલા દેશવાસીઓ બન્નેની બહાદુરી બિરદાવવા માટે દેશના નવા ચલણી સિક્કા પર તેમનું ચિત્ર મુકે છે.

સિક્કા પરથી યાદ આવ્યું. ભાઇ બચ્ચનની જેમ આ ફિલ્મના બે હીરોમાંનો એક પણ સિક્કો રાખે છે અને વારેતહેવારે ઉછાળે છે. સ્વતંત્ર રીતે મસાલા પ્રોડક્ટ તરીકે આ ફિલ્મ બહુ મઝાની છે. તેમાં ‘શોલે’ની એક ગંગોત્રી સુધી પહોંચ્યાનો આપણો ભાવ ઉમેરાય, એટલે મઝા બેવડાઇ જાય છે.
ઇન્ટરનેટની દયાથી જાણવા મળે છે કે ‘ફિફ્ટી-ફિફ્ટી’નામની ઘણી ફિલ્મો છે. અહીં જેની વાત છે એ ફિલ્મ ૧૯૯૨-૯૩ની છે. તેના ડાયરેક્ટર છે ચાર્લ્સ માર્ટિન સ્મિથ.

Thursday, July 17, 2008

અઘ્યાત્મનું અંડરવર્લ્ડઃ આપણી ભૂમિકા

બાવાઓના લેખ વિશે કેટલાક મિત્રોએ પૂછ્યું છે કે ‘આ તો થઇ સમસ્યાની વાત. હવે તેનો ઉકેલ શું?’
આ લાગણી સમજું છું. છતાં કેટલીક સ્પષ્ટતા કરવા ઇચ્છું છું.
સમસ્યાની વાત થઇ જાય પછી તે સામાન્ય લાગે છે. છતાં પહેલો મોટો સવાલ સમસ્યાની ઓળખનો છે. અત્યારે તમામ છાપાં ‘આસારામબાપુ’ને બદલે ‘આસારામ’ લખતાં થઇ ગયાં છે. આ જ છાપાં આસારામ-બાપુના સત્સંગના સમાચાર અને તેમનો મહિમા પણ છાપતાં હતાં. લોકોનો મૂડ જોઇને તેમણે સુકાન ફેરવ્યું અને ‘બાપુ’નું લટકણિયું છોડીને ‘આસારામ’નું વાજબી સંબોધન ચાલુ કર્યું.
પહેલું પગથિયું આ છેઃ આસારામનું તેજવર્તુળ વિખરાઇ જવું જોઇએ.
આસારામ-જયશ્રી ‘દીદી’ જેવા લોકો ‘સંભવામિ દાયકે દાયકે’ હોય છે. તેમને પાંગરવા માટેની જમીનમાં જ્યાં સુધી બીજું કંઇક ન વાવીએ ત્યાં સુધી આવા લોકો જ તે જમીનનું ભેલાણ કરી જવાના.
લખનારા માણસ આ જમીનમાં ‘કંઇક બીજું’ વાવવાનો પ્રયાસ કરે છે. જેટલા લોકોના મનમાં તે ઉગ્યું તે ખરૂં. વાંચનારા શું કરી શકે? દરેક વાંચનારાની પણ પોતાની સર્કિટ-સામાજિક સંબંધો-મિત્રો-પરિચિતો હોય છે. ધાર્મિક શ્રદ્ધાની બાબત ચર્ચાનો વિષય નથી. છતાં, દસમાંથી બે-ત્રણ એવા ઓળખીતા-પરિચિતો હોય છે, જેમની સાથે કંઇક ચર્ચા થઇ શકે. એવા લોકો સાથે ચર્ચા કરવી. એકસાથે બધા બદલાઇ જવાના નથી. પણ જેના મનમાં સંશય ૧ ટકો હોય, તેનું પ્રમાણ વધારવું એને હું મારૂં કામ ગણું છું.
નિરાશ થવું હોય તો કહેવાય કે ‘નર્મદ અને કરસન મૂળજી થાકી ગયા, તો તમારાથી શું થવાનું?’ હું એટલું જ કહું છું કે ‘આપણેય થાકી જવાનું, પણ બેઠાં બેઠાં નહીં- પ્રયાસ કરતાં કરતાં.’

જોવા જેવી ફિલ્મઃ ગુડવિલ હન્ટિંગ

કુદરતી બક્ષીસ ધરાવતો એક છોકરો આ ફિલ્મનો હીરો છે. એનું વર્તન વિચિત્ર અને ગણિતનું જ્ઞાન અગાધ છે. ગણિત જ નહીં, કોઇ પણ વિષય અંગે એ તેના નિષ્ણાતને ઇમ્પ્રેસ કરે એટલું જ્ઞાન ઝાડી શકે છે. પણ એના મનમાં જંપ નથી. એ સહેલાઇથી પ્રોફેસર કે રીસર્ચર બનીને જિંદગી ગાળી શકે છે, પણ એના ભેજામાં ગણિતના જ્ઞાનની સાથે ભૂસું પણ ભરેલું છેઃ એને બોરિંગ નોકરીઓ કરવી નથી. એટલે તે સફાઇકામ કરે છે, કન્સ્ટ્રક્શન સાઇટ પર પથરા તોડે છે, મારામારી કરે છે, જેલમાં જાય છે, પણ પ્રોફેસર થતો નથી.

એનાં ઘણાં કારણો છે. તેની પ્રતિભા ઓળખીને એક પ્રોફેસર તેને પોતાના માનસશાસ્ત્રી મિત્ર પાસે લઇ જાય છે. અડીયલ છોકરા અને મસ્તમૌલા માનસશાસ્ત્રી વચ્ચે ધીમે ધીમે લાગણી ઊભી થાય છે અને છોકરાનાં બંધ પડ ખુલતાં જાય છે.

આખી સ્ટોરીમાં મુખ્ય ત્રણ-ચાર થ્રેડ છે. એકમાં છોકરાની કોલેજિયન દોસ્તીના નફિકરા અને ધમાલમસ્તીના પ્રસંગો આવે છે. બીજામાં તેની એક છોકરી સાથેની દોસ્તી, પ્રેમ અને વિચ્છેદની વાત, ત્રીજામાં માનસશાસ્ત્રી સાથેના તેના સંબંધ અને ચોથા નાનકડા થ્રેડમાં ‘નિષ્ફળ’ માનસશાસ્ત્રી તથા સફળ ગણિતશાસ્ત્રી વચ્ચેની દલીલબાજી.

આટલું વાંચીને ફિલ્મ જોવાનું મન નહીં થાય એ મને ખબર છે. છતાં, અહીં ફિલ્મનું રસદર્શન કરાવવાનું નથી. એટલું જ કહેવાનું છે કે તક ઊભી કરીને પણ ફિલ્મ જોઇ પાડવી. કેરિયર, જિંદગી, દોસ્તી, પ્રેમ વિશે સરસ સંવાદો અને દ્રશ્યો હોવા છતાં, ફિલ્મ જરાય દિવેલીયા કિસમની નથી. મઝા કરાવે એવી છે. સંવાદોમાં પણ ઘણી વાર વાક્યે વાક્યે ફટકાબાજી આવે છે.

ફિલ્મ અંગ્રેજી સબટાઇટલ સાથે જોવા મળે તો ઠીક છે. નહીંતર હિંદી ડબિંગ પણ મઝા આવે એવું છે. હિંદીમાં તેનું નામ છેઃ ‘મેરી જિંદગી, મેરા ફેંસલા’. હિંદી ડબિંગને નીચી નજરથી જોનારા આવી થોડી ફિલ્મો જુએ તો એમનો અભિપ્રાય જરૂર બદલાય. એ ખરૂં કે તેમાં મૂળ અંગ્રેજી સંવાદોની ફ્લેવર અને તેની અદાયગી ન હોય. છતાં, મૂળ ફિલ્મનો ભાવ અસરકારક રીતે પહોંચે છે.

સાવ અલગ વિષય પર સતત જકડી રાખે એવી ફિલ્મ કેવી રીતે બની શકે તેનું આ વઘુ એક ઉદાહરણ છે. આપણા બમ્બૈયા- ચૈન્નૈયા ડાયરેક્ટરો થોડું કંઇક જુદું કરે એમાં ગામઆખામાં ગાઇ વળે છે અને ‘અમારી નાતમાં આટલુંય કોણ કરે છે?’ એવું કહીને રીતના ૮૦ માર્ક માગે છે. રીતના બે-પાંચ માર્ક હોય. એંસી ના હોય. એટલું પણ એ અને એમના ભક્તો સમજતા નથી. ‘ગુડવિલ હન્ટિંગ’ જેવી ફિલ્મ બોક્સઓફિસ પર ઘૂમ ચાલે છે, એ પણ નવાઇની વાત છે.

ફિલ્મ જોયા પછી વાંચ્યું ત્યારે ખબર પડી કે તેને બે ઓસ્કાર મળ્યા છે. લાયક ફિલ્મોને પણ ઓસ્કાર મળે છે, તે આનંદની વાત છે.