Monday, February 23, 2026

શ્વાન-સર્વેક્ષણઃ શિક્ષકોના અહેવાલ

થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે શિક્ષકોએ શ્વાન-સર્વેક્ષણનું કામ કરવાનું થશે. આવા મહત્ત્વના સામાજિક-સાંસ્કૃતિક કાર્યને કેટલાક દેશવિરોધી વિધ્નસંતોષીઓએ 'કૂતરાં ગણવાનું કામ' કહીને તેના પ્રત્યે તુચ્છકાર પ્રગટ કર્યો.   'કૂતરાં ગણવાના' કામથી શિક્ષક આલમમાં અસંતોષ વ્યાપ્યો હોવાના અહેવાલ છપાયા. (શ્વાન આલમની એ વિશેની પ્રતિક્રિયા જાણવા મળી શકી નથી.) પરંતુ આ કામને બિનશૈક્ષણિક ધારી લેવાની જરૂર નથી.  વિવિધ વિષયોના શિક્ષકોના શ્વાન-સર્વેક્ષણ-અહેવાલ કેવા હોઈ શકે? થોડી કલ્પનાઃ

ગુજરાતીના શિક્ષકનો અહેવાલ

શ્વાન એટલે કૂતરું. તેમાં લિંગભેદ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. તો નર અને માદા બંને પ્રકારના શ્વાનોનું સર્વેક્ષણ કરવું? બાળ-શ્વાનોને કે શ્વાન-બાળોને તેમાં સામેલ કરવાં કે નહીં?  સક્ષમ અધિકારીશ્રીને તે વિશે પૂછતાં આ બાબતે તેમણે પોતાની અક્ષમતા જાહેર કરી અને કહ્યું કે ગાંધીનગર પૂછવું પડશે. પછી ઓફિસનું બારણું બંધ છે તેની પાકી ખાતરી કરીને એમ પણ કહ્યું કે ગાંધીનગરમાં શ્વાનોનું વિપુલ વૈવિધ્ય જોવા મળે છેઃ લાલચુ, સ્વાર્થી, હિંસક, આજ્ઞાંકિત, આળસુ, ખાઈ બદેલા,  ગળે ખેસ (પટ્ટો) બાંધેલા, અદૃશ્ય પટ્ટો ધરાવતા, પટ્ટો પહેરવા ઉત્સુક, પટ્ટો બદલવા તત્પર, લાળ ટપકાવતા, પૂંછડી પટપટાવતા, હાંફતા, દોડતા, દોડ્યા વિના હાંફતા, હાંફ્યા વિના દોડતા, કારણ વગર ભસતા, ચેતવણી વગર કરડતા, ભસવાનો જવાબ કરડવાથી આપતા, હડે હડે કરવાથી કાબૂમાં રહેતા... ટૂંકમાં, આ વિષય બાબતે ગાંધીનગર જ માર્ગદર્શન આપવા માટે સક્ષમ ગણાય.

તેમની વાતમાંથી નવો પ્રશ્ન ઊભો થયોઃ કમિશનરશ્રીના આદેશમાં સર્વેક્ષણની વ્યાખ્યા કરવામાં આવી નથી, તો સર્વેક્ષણ કેવળ વસતી ગણતરી પૂરતું સીમિત રહેશે કે પછી રંગ-રૂપ-ગુણ-લક્ષણઆધારિત વર્ગીકરણ પણ તેમાં સમાવિષ્ટ છે?

આવું બધું સાંભળીને ઉપરી અધિકારી ઊભા થયા, બારણું બંધ હોવા છતાં, તેમણે એક વાર ખોલીને ફરી તેને બંધ કર્યું, સ્ટોપર મારી અને પછી ગંભીરતાથી આદેશ આપ્યો, ‘જો ઉચિત સમજો, વો કરો.’

સામાજિક વિજ્ઞાનના શિક્ષકનો અહેવાલ

ભારતના બંધારણમાં શ્વાનોને મતાધિકાર આપવામાં આવ્યો નથી. એટલે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રીવીઝન (સર)થી શ્વાનસમુદાયને કોઈ જોખમ નથી.  અલબત્ત, તેમના સર્વેક્ષણની જોગવાઈ કાયદામાં છે.  શું શ્વાન-સર્વેક્ષણનો આદેશ એવું કહેવા માગે છે કે શ્વાનોના અસ્તિત્વને ગણવાનું છે અને દેશના ઘણા નાગરિકસમુદાયોની જેમ કે મણિપુર જેવાં આખેઆખાં રાજ્યોની જેમ અવગણવાનું નથી?

માનનીય સોલિસિટર જનરલ કદાચ કોઈ શ્વાનના પૂંછડી ન પટપટાવવાથી નારાજ થઈ જાય અને તેને દેશવિરોધી કે બાંગ્લાદેશી ઘૂસણખોર જાહેર કરી દેતો?  સોનમ વાંગ્ચૂક જેવા નાગરિક વિશે સોલિસિટર જનરલે અદાલતમાં કરેલી દલીલો જાણ્યા પછી એવું લાગે કે તમામ શ્વાનોને સોલિસિટર જનરલ તરફથી ક્લિન ચીટ મળવી જરૂરી છે.  બાકી,  તેમને એવી શંકા જાય કે કોઈ સર્વેક્ષકે દેશવિરોધી શ્વાનને દેશી શ્વાનોની યાદીમાં ઘુસાડી દેવાનું કાવતરું કર્યું છે તો?   આ અંગે માનનીય સર્વોચ્ચ અદાલત સોલિસિટર જનરલને સ્પષ્ટ નિર્દેશ આપે ત્યાર પછી કામ આગળ વધારી શકાય.

તર્કશાસ્ત્રના શિક્ષકનો અહેવાલ

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. શ્વાન પણ એક સામાજિક પ્રાણી છે. એટલે ઘણી વાર મનુષ્યો શ્વાન જેવું ને શ્વાન મનુષ્યો જેવું વર્તન કરે છે. શ્વાનો મનુષ્યોને ગણતા નથી, એટલે મનુષ્યોએ શ્વાનોને ગણવા પડે છે. શ્વાનોને મનુષ્યોને ઉતરતા ગણે છે. કારણ કે તેમનામાં ઊંચનીચના ભેદભાવ ને જ્ઞાતિવ્યવસ્થા હોતાં નથી. ઘણા શ્વાનો દેખાવમાં એકસરખા લાગે છે. એટલે ધારો કે કોઈ સંસ્થાના કેમ્પસમાં 10 શ્વાન હોય તો, તેમાંથી એક જ શ્વાન 10 વાર દેખાય એવી સંભાવના પણ લક્ષમાં લેવી પડે.  આમ, શ્વાનોની કુલ સંખ્યા જેટલી લાગે, તેનાથી દસ ગણી ઓછી કે દસ ગણી વધુ હોવાની સંભાવના રહે છે.

ગણિતશિક્ષકનો અહેવાલ

શ્વાન-સર્વેક્ષણની કામગીરીનો ઉપયોગ ભલે સામાજિક હોય, પણ તેને સમજવા માટે ગણિત અનિવાર્ય છે. ધારો કે બધા શ્વાનોની ગણતરી થઈ જાય અને તેમની સંખ્યા a  હોય;  બીજા ઘણા શ્વાન ગણતરીમાંથી બાકાત રહી ગયા હશે અથવા સંતાઈ ગયા હશે અથવા નાસી ગયા હશે અથવા સર્વેક્ષક આવ્યા ત્યારે ઉંઘી ગયા હશે, એમ ધારીને તેમની સંખ્યા b ગણવામાં આવે, તો પણ તેમનો આખરી આંકડો એ પ્લસ બી કરવાથી ન મળે.  કારણ કે, તેમાં આ બંને પ્રકારના શ્વાનોની એ સંતતિનો સમાવેશ થતો નથી, જે સર્વેક્ષણ પૂરું થાય, સોંપાય અને પ્રગટ થાય ત્યાં સુધીમાં જન્મશે. તેમનો અંદાજ બાંધવા માટે એ પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુએબી--વાળું સમીકરણ કામ લાગશે. તેમાં એકસ્ટ્રા ટુએબી ક્યાંથી આવ્યા, એવું કોઈ પૂછે તો કહેવાનું કે તે શ્વાનોની નહીં જન્મેલી સંતતિ હશે. આ રીતે ફક્ત એક સંસ્થાના કેમ્પસના નહીં, આખા દેશમાં વસતા શ્વાન પરિવારોના આંકડા કાઢી શકાશે અને વડાપ્રધાનને નવેસરથી શોધેલો એકસ્ટ્રા ટુએબીનો ચમત્કાર અનુભવી શકાશે.

ઇતિહાસના શિક્ષકનો અહેવાલ

સાંભળ્યું છે કે મહંમદ તઘલકે રાજધાની દિલ્હીથી દોલતાબાદ ખસેડતાં પહેલાં દિલ્હીના શ્વાનોની વસ્તી ગણતરીનો આદેશ આપ્યો હતો. આવા આદેશોને કારણે જ તે તરંગી કહેવાયો હશે. જોકે, દિલ્હીના શ્વાનો ખાતરીપૂર્વક ગણાઈ રહે તે પહેલાં જ રાજધાની દોલતાબાદથી પાછી દિલ્હી આવી ગઈ. એમ તો અકબર બાદશાહે પણ એક વાર બીરબલને દિલ્હીના કાગડાનું સર્વેક્ષણ કરવા કહ્યું હતું.  ત્યારે બિરબલે અડસટ્ટે એક આંકડો ગબડાવી દીધો અને કહ્યું હતું કે જેને અવિશ્વાસ હોય તે ગણતરી કરીને મારો આંકડો ખોટો સાબિત કરી બતાવે. શ્વાન સર્વેક્ષણમાં પણ એ પદ્ધતિ ખપમાંલઈ શકાય?


No comments:

Post a Comment