Tuesday, June 24, 2025
સર્વેક્ષણનું સર્વેક્ષણ
કોઈ પણ મોટી દુર્ઘટના થયા પછી મહાનુભાવો સર્વેક્ષણ માટે આવે છે, જેથી લોકોને એવું લાગે કે એ લોકો તેમની ફરજ અદા કરી રહ્યા છે. પૂર જેવી કુદરતી આફત હોય તો હવાઈ સર્વેક્ષણથી કામ ચાલી જાય છે. માથે ઉડતું હેલિકોપ્ટર જોઈને જમીન પરના લોકોને થાય છે કે ઉપરવાળો બધું જુએ છે. પરંતુ ઘણી વાર લોકોને ખાતરી કરાવવા માટે નીચે ઉતરવું પડે છે, સ્થળ પર જવું પડે છે અને જુદા જુદા એન્ગલથી ફોટા પણ પડાવવા પડે છે. ત્યારે લોકોને લાગે છે કે સર્વેક્ષણ બરાબર થયું.
મોટા સાહેબોનું કામ સર્વેક્ષણ કરવાનું છે, તો તેમનાથી નાના, પણ આમ બીજાથી મોટા એવા સાહેબોનું કામ સર્વેક્ષણનું આયોજન કરવાનું છે. કેવી રીતે થતું હશે તે આયોજન—એવો સવાલ મનમાં થયો અને મનના પડદે જાણે આયોજનની મિટિંગ શરૂ થઈ ગઈ.
(કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓ બેઠા બેઠા મિટિંગના કારણ વિશે તર્કવિતર્ક કરી રહ્યા છે. હવે રોજેરોજ એટલા અકસ્માતો થાય છે ને ન બનવા જેવું બને છે કે મિટિંગ કયા કારણસર હશે, તેની કલ્પના કરી શકાતી નથી. એવામાં કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલે છે અને અધિકારીઓના મુખ્ય સાહેબ ધસમસતા દાખલ થઈને તેમની ખુરશી સંભાળે છે.)
મુખ્ય સાહેબ (મુ.સા.) : બહુ અરજન્ટ કામ માટે આ મિટિંગ બોલાવી છે. કાલે જ સાહેબ એક્સિડેન્ટ સાઇટની વિઝિટે આવી રહ્યા છે.
યુવાન અધિકારી: કઈ એક્સિડેન્ટ સાઇટ? પેલો પૂલ તૂટ્યો હતો ત્યાં? કે બોટ ડૂબી હતી ત્યાં? કે પછી દલિતો સાથે દુર્વ્યવહાર ...
મુ.સા. : (કડક અવાજે) દોઢ ડાહ્યા થવાની જરૂર નથી. મને તો સવાલ થાય છે કે તમે સરકારી નોકરી શી રીતે કરી શકો?
યુવાન અધિકારી : માફ કરજો સાહેબ, પણ સરકારી નોકરી એટલે સરકારની નોકરી નહીં, સરકાર વતી લોકોની નોકરી—અમને તો આવું શીખવેલું.
મુ.સા. : (તેમના સહાયક તરફ જોઈને, ધુંઆપુંઆ થતાં) મિટિંગ પછી તાત્કાલિક ટ્રેનિંગ સેન્ટરમાં ફોન જોડો અને આમની પણ કંઈક વ્યવસ્થા કરો. તેમનો ચાર્જ કોઈને આપવાની વ્યવસ્થા હું કરાવી દઉં છું. (ટેબલ પર પડેલા એક ગ્લાસમાંથી એક શ્વાસે પાણી ગટગટાવ્યા પછી) હવે આપણે મિટિંગના મૂળ મુદ્દા પર આવીએ. કાલે સાહેબ આવવાના છે. (એક અધિકારી તરફ જોઈને) તમે તો સિનિયર છો. તમને તો ખબર જ છે આપણો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ...
અધિકારી 1: હા સાહેબ, આપણા બધા કેમેરામેનોને કહી દીધું છે. એ સિવાયના બીજા થોડાને પણ બોલાવી મંગાવીશું, જેથી છેલ્લી ઘડીએ કોઈ માથાકૂટ નહીં.
અધિકારી 2: આને કહેવાય અગમચેતી. ખબર છે ને, એક વાર સાહેબ મંદિરના ગર્ભગૃહમાં હતા ને આપણો ફોટોગ્રાફર મૂર્તિની પાછળથી તેમના ફોટા પાડતો હતો, એ વખતે તેની ફ્લેશ બંધ થઈ ગઈ, ત્યારે આપણે કેવાં ડફણાં ખાવાં પડ્યાં હતાં...
અધિકારી 3: અને પેલું પણ...ખાલી ટનલની રિબન કાપી અને તેને ખુલ્લી મુકી, એટલે ફોટોગ્રાફરને થયું કે કામ પતી ગયું. એ ત્યાંથી પાછો વળી ગયો. પણ સાહેબ તો ખાલી ટનલમાં મોટી મેદનીનું અભિવાદન કરતા હોય એમ હાથ હલાવતા હતા. એ તો સારું છે, વિડીયોવાળો ત્યાં હતો. એણે વિડીયોની સાથે થોડા ફોટા પણ પાડી દીધા. બાકી...
મુ.સા. : બસ, બસ. હવે વધારે ઉદાહરણો આપવાની જરૂર નથી. એટલું યાદ રાખો કે આપણે ત્યાં આવું કશું ન થવું જોઈએ.
અધિકારી 4: સાહેબ, સૌથી પહેલાં તો મારું સજેશન છે કે ઘટનાસ્થળે જુદી જુદી હાઈટ ધરાવતાં બે-ત્રણ ટાવર ઊભાં કરાવવાં અને તેની પર આપણા ફોટોગ્રાફરો ને વિડીયોગ્રાફરોને ચડાવી દેવા. ત્યાંથી એવા અનયુઝવલ એન્ગલ મળશે કે સાહેબ ખુશ થઈ જશે.
અધિકારી 1: ટાવર ઊભાં ન કરવાં હોય તો ડ્રોન પણ વાપરી શકાય.
અધિકારી 4: પણ એમાં સિક્યોરિટી ક્લિયરન્સના વાંધા પડશે.
અધિકારી 2: સાહેબનો આઇડીયા સરસ છે. એની પરથી મને બીજો પણ વિચાર આવે છે કે જેમ હાઇટ માટે ટાવર કરાવીએ, તેમ નીચા એન્ગલ માટે ખાડા પણ કરાવીએ--જુદી જુદી સાઇઝના ખાડા. તેમાં ફોટોગ્રાફરોને ઉતારી દઈએ, તો પણ જોરદાર એન્ગલ મળશે.
ખૂણામાંથી અવાજ: અને સાહેબની વિઝિટ પતી ગયા પછી એ ખાડામાં લાજશરમ, ગરીમા, સભ્યતા બધું દફનાવી દેવાનું.
(મુ.સા. ડોળા કાઢીને યુવાન અધિકારી તરફ જુએ છે. તે ‘હું કંઈ નથી બોલ્યો સાહેબ’ એવી સ્પષ્ટતા ઇશારાથી કરે છે.)
અધિકારી 3: અને કાર્પેટનું શું કરીશું? શોકદર્શક કાળી કાર્પેટ રાખીએ?
મુ.સા. : (થોડું વિચારીને) એ પોલિસી ડીસીશન છે. આગળ પૂછવું પડે, પણ મને લાગે છે ત્યાં સુધી કાર્પેટની મંજૂરી નહીં મળે.
અધિકારી 3: (મુદ્દો સમજ્યા હોય તેમ ડોકું ધુણાવીને) વાત તો સાચી. લોકો ગમે તે કહે, પણ સાહેબ સંવેદનશીલ તો છે.
મુ.સા.: આપણે કંઈ પણ બોલતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ ને ઉપરીઓ વિશે ગમે તેવાં વિશેષણો વાપરવાનં ટાળવું જોઈએ. ઓકે? કાળી કાર્પેટ ફોટા બગાડે છે. આપણે ટ્રાયલ શૂટ કરીને રિઝલ્ટ મોકલાવ્યું હતું, પણ તેને મંજૂરી મળી નહીં... ઓકે, તો લગભગ બધાં પાસાં આપણે વિચારી લીધાં છે. હજુ આપણે બે કલાક પછી ફરી મળીએ છીએ. ત્યાં સુધી કશો સારો આઇડિયા સૂઝે તો કહેજો.
(મિટિંગ પૂરી થાય છે અને મુખ્ય સાહેબના ચહેરા પણ સર્વેક્ષણના સફળ આયોજનનો સંતોષ પથરાઈ જાય છે.)
Labels:
humor-satire/હાસ્ય-વ્યંગ
Subscribe to:
Post Comments (Atom)
after 2 hours! will meet!
ReplyDeletesame as universities vice chancellors job!!!
One things more in Private universities They credit full salaries in asst. professor bank account and asking half debit of salary in cash! and on this condition they can allow to continue!
And Because of this rule every meetings withing VC makes it interesting!!
Vice Chancellor (VC):
Professor Sharma, we must teach our students about honesty and integrity. After all, they look up to us!
Assistant Professor (AP):
Absolutely, sir! Speaking of integrity, should I teach them before or after I visit the ATM for the college’s “special deposit”?
VC (chuckles):
Well, you know, practical lessons stick better. Maybe you can use your own experience as a case study!
AP (smiling):
Sure, sir. I’ll tell them: “Integrity is doing the right thing, even when no one is watching—unless it’s payroll day!”
VC (laughs):
Excellent! Just remember, we want our students to be honest citizens… and maybe a bit better at keeping secrets than their professors!